વડીલો સહિત સહુ વાચક મિત્રો, કેટલાક વાચકોને લાગશે કે આ ચરોતરનો, અને તેમાં પણ મહીકાંઠા પ્રદેશનો પટેલ ભાયડો આજે કાઠિયાવાડ પર કેમ ઓવારી ગયો છે? આપ સહુનો સવાલ સાચો, પણ આ લેખ પૂરો થયે આપ પણ કહેશો કે મારું બેટું, સી.બી.ની વાત તો સાચી હોં... જેનું ગજું મોટું તેનું ગજવું મોટું એમ કહેવા કરતાં ગજવા કરતાં ય જેનું ગજું મોટું છે તેવી સાધનસંપન્ન વ્યક્તિઓ આજકાલ અખબારોમાં ચમકી રહી છે. તેઓ પોતીકી અસ્ક્યામત અન્યોના હિતાર્થે ન્યોછાવર કરવામાં પાછી પાની કરતા નથી. જોકે આવી વીરતા પ્રમાણમાં ઓછી જોવા મળે છે, પરંતુ આવા ઉદારમના માનવીઓના પ્રતાપે બીજા કેટલાય પણ મોડાવહેલા જાગશે હોં કે...
આપણે સુરતવાસી મહેશભાઇ સવાણીની જ વાત કરીએ. કહેવાય છે કે ત્રીસેક વર્ષ પૂર્વે તેઓ સુરતમાં હીરા ઘસવાના (ડાયમંડ પોલીશીંગના) ધંધામાં પ્રવેશ્યા. ખૂબ નાના પાયે. આ સુરત સોનાની મૂરત તરીકે તો સૈકાઓથી ઓળખાય છે, પણ સુરતનું આજની દુનિયામાં આગવું સ્થાન છે. વિશ્વભરમાં જે પોલીશ્ડ ડાયમંડ વેચાય છે તેમાંથી ૯૦ ટકા (આંખો ચોળવાની જરૂર નથી, આંકડો સાચો જ છે) સુરતમાં પોલીશ્ડ થયેલા હોય છે.
થોડાક વર્ષ પૂર્વે મારા વર્ષોજૂના મિત્ર અને વિશ્વ ગુજરાતી સમાજના સહમંત્રી સવજીભાઇ વેકરિયા સાથે હું સુરતમાં, સવિશેષ વરાછા વિસ્તારમાં આવેલી હીરા ઘસવાની કામગીરી કરતી નાનીમોટી કંપનીઓની મુલાકાતે ગયો હતો. સુરતમાં પાંચેક હજાર પેઢીઓ હીરા ઘસવાની કામગીરી સાથે સંકળાયેલી છે. આમાંથી બે’ક હજાર પેઢીઓ મસમોટી, ખૂબ સદ્ધર અને તગડી ગણી શકાય, પણ બીજી ત્રણેક હજાર પેઢીઓ એવી કહેવાય કે નાના પાયે પોતીકા ઘરમાં કે નાની ઓરડીમાં હીરા ઘસવાની ઘંટી રાખીને બેઠા હોય. તે અર્થમાં હીરા ઘસવાની કામગીરીને ગૃહઉદ્યોગ પણ કહી શકીએ.
હીરા ઘસવાનું કામ કરતા રત્ન કલાકારો ૬૦ના દસકામાં સૌરાષ્ટ્રમાંથી, ખાસ કરીને બગસરા, અમરેલી, રાજુલા, પાલિતાણા, તળાજા સહિતના વિસ્તારોમાંથી અહીં આવીને વસ્યા. તમે કહી શકો કે હાથમાં લગભગ દોરીલોટો લઇને સુરત આવેલા આ સાહસિક રત્ન કલાકારોએ આપબળે અને આકરી મહેનત કરીને પોતાની આગવી દુનિયા વસાવી લીધી છે. મૂળ સુરતીઓ પણ આ કાઠિયાવાડીઓની સાહસિક્તાને જાહેરમાં બિરદાવે છે. દર વર્ષે દિવાળી વેળા પાંચેક લાખ રત્ન કલાકારો પરિવારજનો સાથે વગર પગારની રજા લઇને વતન જઇ પહોંચે છે. આ સમયે સુરત અને તેમાં પણ ખાસ કરીને વરાછા વિસ્તારમાં તેમની ‘ગેરહાજરી’ ઊડીને આંખે વળગે તેવી હોય છે. સતત લોકોની ચહલપહલથી ધબકતા રહેતા આ વિસ્તારો લગભગ સુસ્ત થઇ જાય છે.
૧૯૯૪માં સુરતમાં પ્લેગનો વાવર ત્રાટક્યો હતો. આજથી ૨૦-૨૫ વર્ષ પૂર્વે સુરત શહેર ગંદુ-ગોબરું અને માખી-મચ્છરના ઉપદ્રવ માટે નામીચું હતું. હવે નથી. હવે સુરત ગુજરાતના સૌથી વધુ સમૃદ્ધ અને ઝડપથી વિકસતા શહેર તરીકે દુનિયામાં ડંકો વગાડી રહ્યું છે.
હા, આ દિવાળીએ અહીંના હીરાઉદ્યોગમાં જરાક મંદીનો ઓછાયો જોવા મળ્યો છે. આ મંદીના મૂળમાં છે ચીનની નબળાઇ. ચીનમાં ૧૯૮૦થી વર્ષોવર્ષ ઝડપભેર આર્થિક પ્રગતિ થતી હતી તેમાં જે ઓટ આવી છે તેની અસર સુરતના હીરાઉદ્યોગમાં જોવા મળી રહી છે. લગભગ ૩૦ વર્ષથી ૧૦થી ૧૨ ટકાનો દરે વાર્ષિક ઉત્પાદનમાં વૃદ્ધિ થતી હતી. હવે આ ટકાવારી ઘટીને અડધોઅડધ થઇ ગઇ છે. જ્યારે ભારતનો અગાઉ હિંદુ રેટ ઓફ ગ્રોથ ૩થી ૪ ટકા હતો તે વધીને ૧૯૯૫થી ૨૦૦૯ વચ્ચે વધીને ૭થી ૮ ટકાના દરે પહોંચ્યો. ૨૦૧૩-૧૪માં આ દર ઘટતા ઘટતા ૫.૪ ટકા નોંધાયો હતો. પરંતુ અત્યારે જે આંકડા બહાર પડ્યા છે તે અનુસાર ભારતનો વિકાસદર ૭.૪ ટકા નોંધાયો છે. તે અર્થમાં દુનિયામાં મોટું અર્થતંત્ર ધરાવતા દેશોમાં ભારત સૌથી ઝડપભેર વિકાસ કરી રહ્યું છે. ચીનમાં મંદી આવી એટલે હીરા વેચાણના સૌથી મોટા બજારમાં ખરીદીમાં ઘટાડો થવાના પગલે ઓક્ટોબર ૨૦૧૫માં ભારત, સુરતથી થતી નિકાસમાં ૧૭ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. આ બધાના પરિણામે એક ભય એવો પણ સેવાય છે કે સુરતનો આગામી સમયગાળો પડકારજનક રહેશે. જોકે મંદીનો આવો નાજુક સમય છતાં પણ સુરતમાં વસતાં મહેશ સવાણી જેવા મોટા ગજાના ઉદારમના લોકોની સખાવતમાં ખાસ કંઇ ફરક પડ્યો નથી હોં...
તેમણે રવિવારે સુરતમાં ઝાકઝમાળભર્યો સમૂહ લગ્નોત્સવ યોજીને ૧૫૧ દીકરીઓેના રંગેચંગે લગ્ન કરાવ્યા. આર્થિક નબળી સ્થિતિ કે પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ તમામ યુવતીઓને હિન્દુ લગ્ન પરંપરા પ્રમાણે યુવતીઓને કરિયાવર સાથે સાસરે વળાવવામાં આવી. આ પ્રસંગે બે લાખ જેટલા તો મહેમાનો હતા. ત્રણ દિવસ ચાલેલા લગ્નોત્સવના મહોત્સવમાં મહેશભાઇએ પાંચેક કરોડ રૂપિયા વાપર્યા.
પણ મહેશભાઇને આવી પ્રેરણા મળી કઇ રીતે? તેઓ કહે છે કે થોડાક વર્ષ પહેલાં પોતાને ત્યાં કામ કરતા એક કર્મચારીનું અવસાન થયું. તેમના પરિવારમાં લગ્નલાયક દીકરી હોવાનું જાણીને આ સત્કાર્યનો પ્રારંભ થયો. મહેશભાઇ કહે છે કે નાની ઉંમરે પિતાનું છત્ર ગુમાવનાર દીકરીઓને પિતાની ખોટ ન વર્તાય અને વિધવા માતાને દીકરીના લગ્નની રતિભાર પણ ચિંતા ન કરવી પડે તે માટે પરિવારના સભ્યની જેમ દીકરીને સાસરે વળાવવા અમે સમૂહ લગ્નોત્સવનું આયોજન શરૂ કર્યું છે.
મહેશભાઇએ આ કંઇ પહેલો કે બીજો સમૂહ લગ્નોત્સવ યોજ્યો છે એવું નથી. અત્યાર સુધીમાં તેઓ ૭૫૭ દીકરીઓને આ પ્રકારે સાસરે વળાવી ચૂક્યા છે. મહેશ સવાણી એટલે પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી ૭૫૭ દીકરીના પાલક પિતા. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની નોંધ અનુસાર - મહેશ સવાણી એટલે વિશ્વમાં સૌથી વધુ દીકરીઓ અને પરિવાર ધરાવનાર કુટુંબોના વડીલ.
પિતા વલ્લભભાઇ સવાણી પાસેથી ગળથૂંથીમાં જ દાન-સખાવતની શીખ મેળવનાર મહેશભાઇ એક નહીં, અનેક સમાજ સેવાલક્ષી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. પી. પી. સવાણી ગ્રૂપના નેજામાં હોસ્પિટલથી માંડીને શિક્ષણ સંસ્થાનો ધબકે છે. મહેશભાઇ કહે છે કે જીવનમાં જે કંઇ મેળવ્યું છે તે માત્ર પોતાના માટે નથી, તે સમાજના અભાવવાળા લોકો માટે પણ છે. સમાજે આપણને જે આપ્યું છે તે સમાજને પરત કરવું જ રહ્યું...
વાહ ક્યા બાત કહી... વાચક મિત્રો, આપણા સમુદાયના તમામ સાધનસંપન્ન લોકો પણ મહેશભાઇની જેમ વિચારતા થઇ જાય તો સમગ્ર સમાજનો ઉદ્ધાર થઇ જાય. ખરું કે નહીં?
રત્ન કલાકારો તેમની સાહસિકતા અને તેમની સમૃદ્ધિ માટે જાણીતા છે. પરંતુ હીરા ઉદ્યોગમાં મંદી આવે એટલે સ્વાભાવિક છે કે કેટલીક પેઢીઓ આર્થિક ભીંસમાં પણ મૂકાવાની અને કેટલીક પેઢીઓ કાચી પણ પડવાની. પરંતુ પશ્ચિમી જગતના મોખરાના ગણાતા આર્થિક સામયિકોનું તારણ છે કે સુરતમાં સક્રિય કાઠિયાવાડી પાટીદાર સમાજની એક આગવી પરંપરા છે. તેઓ વચનના પાક્કા હોય છે. શબ્દોની અહીં કિંમત હોય છે. તેઓ આજે નહીં તો કાલે દેવું જરૂર ચૂકવી દેશે. હીરાબજારમાં ચા-નાસ્તાની લારીએ ઉભા હોય અને મોંમાં માવો ભર્યો હોય, પણ સામેવાળાને ખ્યાલ પણ ન આવે કે સામેવાળાના ખિસ્સામાં લાખો રૂપિયાના હીરાનું પડીકું પડ્યું છે. કોઇ પણ જાતની લખાણપટ્ટી વગર મિનિટોમાં સોદો થઇ જાય. એક વખત સોદો પડ્યો પછી કોઇ ભાવતાલ નહીં. બધું એકમેકના ભરોસા પર ચાલે.
સુરતવાસી કાઠિયાવાડીઓમાં એકમેકને મદદરૂપ થવાની ભાવના પણ ખરી. કોઇ વેપારી કદાચ ભારે આર્થિક ભીંસમાં આવી જાય તો સહુ સાથે મળીને તેને ઉગારી લે. આથી જ કહેવું રહ્યું કે અત્યારે મંદીનું મોજું ભલે દેખાતું હોય, હીરાઉદ્યોગનું ભવિષ્ય ઝળહળતું છે તેમાં કોઇ બેમત નથી.
•••
ક્રિકેટમાં પણ કાઠિયાવાડી
૭ તારીખ, સોમવારે સવારે હું વહેલી પરોઢે ઉઠી ગયો હતો. ભારત - સાઉથ આફ્રિકા ટેસ્ટ મેચ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં હતી, પણ ઉજાગરા લંડનમાં થઇ રહ્યા હતા. મેચ ભારતમાં રમાતી હતી એટલે બ્રિટીશ સ્ટાન્ડર્ડ ટાઇમ પ્રમાણે સાડા ત્રણ - ચાર વાગ્યે મેચ શરૂ થઇ જાય. ક્રિકેટમાં પાંચ દિવસના ટેસ્ટ મેચ ફોર્મેટનો ક્રેઝ ભલે ઘટી રહ્યો હોય, પણ ક્લાસિક ક્રિકેટના રસિયાઓમાં આજે પણ ટેસ્ટ મેચ ફોર્મેટ આગવું સ્થાન ધરાવે છે. હું પણ આમાંનો એક ખરો. જોકે આ વખતે તો ભારત-આફ્રિકા ટેસ્ટ સીરિઝે પહેલી જ મેચથી એવી રંગત જમાવી હતી કે કોઇને પણ ટેસ્ટ મેચ માટેના ઉજાગરા મીઠા લાગે. સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચમાં રસાકસી તો થઇ, પણ ભારતીય ટીમનો જ્વલંત વિજય થયો. આ વિજયમાં બે કાઠિયાવાડીઓનું મહત્ત્વનું પ્રદાન હતું. એક તો ચેતેશ્વર પૂજારા અને બીજો રવીન્દ્ર જાડેજા.
બેટિંગના પ્રારંભે બોલર ભારે જોરમાં હોય. આ સમયે બેટિંગ માટે મેદાનમાં ઉતરતા કોઇ પણ ખેલાડીને ઝંઝાવાતી બોલિંગનો સામનો કરવો પડે. રાજકોટનો ચેતેશ્વર ભારત તરફથી આ જ જવાબદારી સંભાળે છે. ઓપનીંગ બેટ્સમેન ચેતેશ્વર તેની ધૈર્યપૂર્ણ બેટિંગ માટે જાણીતો છે અને આથી જ ક્રિકેટ નિષ્ણાતો તેને ભૂતપૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ ‘ધ વોલ’ સાથે સરખાવે છે. રાહુલ દ્રવિડ જે પ્રકારે જરૂરતના સમયે ટીમ માટે તારણહાર સાબિત થયો છે તેવી જ જવાબદારી ચેતેશ્વર પણ એકથી વધુ વખત નિભાવી ચૂક્યો છે.
જ્યારે રવીન્દ્ર બાપુ એટલે ઓલરાઉન્ડર. જામનગરનો વતની આ યુવા ખેલાડી તમને મેદાનમાં ચાલતો નહીં, દોડતો જ જોવા મળશે. બોલિંગ-બેટિંગ-ફિલ્ડીંગમાં પાક્કો છે. બેટિંગમાં તો જાણે તે વડવા જામ રણજીનો વારસો આગળ ધપાવી રહ્યો છે. રણજીતસિંહે ઇંગ્લીશ ક્રિકેટને સાચા અર્થમાં નવું રૂપ, નવો ઓપ આપ્યો. તેમનું આખું નામ છે જામસાહેબ રણજીતસિંહ વિભાજી ઓફ નવાનગર. મેળ પડે તો આ નામ નાખીને જરા ગુગલ કરજો... પાનના પાન ભરીને માહિતી ઉતરી પડશે.
જામ રણજીતસિંહે કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટીમ તરફથી રમાવનું શરૂ કર્યું ત્યારથી જાણે ઇંગ્લીશ ક્રિકેટમાં નવા યુગનો આરંભ થયો એમ આપણે કહી શકીએ. તેમની અગાઉના બેટ્સમેન હંમેશા ફોરવર્ડ પ્લેમાં (બોલની ઝડપ અનુસાર ક્રિઝથી એકાદ ડગલું આગળ વધીને રમવામાં) માનતા હતા જ્યારે જામ રણજીએ બેકફૂટ બેટિંગમાં (બોલની ઝડપ અનુસાર ક્રિઝની અંદર એક ડગલું પાછળ હટીને રમવામાં) મહારત કેળવી હતી. જ્યારે બેટ્સમેન ફોરવર્ડ બેટિંગ સિવાય વિચારતો પણ નહોતો ત્યારે જામ રણજીએ ચીલો ચાતરીને ક્રિકેટમાં પોતાના નામનો ડંકો વગાડીને નવો શિરસ્તો શરૂ કર્યો. લેગ ગ્લાન્સના જનક પણ જામ રણજી.
આજની ભારતીય ટીમમાં રમતા મોટા ભાગના ખેલાડીઓએ રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં રમીને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. આ ટૂર્નામેન્ટ જામ રણજીની સ્મૃતિમાં રમાય છે. જેમ ઇંગ્લેન્ડમાં સ્થાનિક ક્રિકેટમાં કાઉન્ટી ક્રિકેટનું આગવું મહત્ત્વ છે તેવું જ સ્થાન ભારતમાં રણજી ટૂર્નામેન્ટનું છે.
‘જેન્ટલમેન્સ ગેમ’ તરીકે ઓળખાતી ક્રિકેટની રમતની શોધ ઇંગ્લેન્ડમાં થઇ હોવાનું તો આપણે સહુ જાણીએ છીએ અને ઇતિહાસના પૃષ્ઠોમાં પણ આ વાત અંકિત થયેલી છે. પણ આજે મારે તમને એક પ્રશ્ન પૂછવો છેઃ
ક્રિકેટની સૌપ્રથમ ઇન્ટરનેશનલ મેચ ક્યા બે દેશો વચ્ચે રમાઇ હતી?
હું જાણું છું કે કોઇના મગજમાં ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા કે તો કોઇના મગજમાં ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ કે ઇંગ્લેન્ડ-ભારત કે તેના જેવા નામોના ઘોડા દોડતા હશે, પરંતુ હું જે નામ આપી રહ્યો છું તે વાંચીને તમે અવશ્ય ચોંકી જવાના. વ્હાલા વાચક મિત્રો, પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ અહીં આગળ લખી જણાવેલા કોઇ દેશો વચ્ચે નહીં, પણ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાઇ હતી. તમે ભલે મારા જવાબને શંકાની નજરે નિહાળો, પણ આ હકીકત છે.
૧૮૪૪માં ન્યૂ યોર્કમાં આ મેચ રમાઇ હતી, જેમાં અમેરિકા અને કેનેડાની ટીમો આમનેસામને ટકરાઇ હતી. આશરે ૨૦ હજાર પ્રેક્ષકોએ આ મેચ નિહાળી હતી અને વિજેતા ટીમ માટે પ્રાઇસ મની હતી અધધધ એક લાખ ડોલર. સમય વીતતા અમેરિકામાં ક્રિકેટની લોકપ્રિયતા એટલી વધી કે લોકોને લાગતું હતું કે ક્રિકેટ છવાઇ જશે, પરંતુ આવું ન થયું. તમે જૂઓ, આજે અમેરિકામાં બેઝબોલની બોલબાલા છે, અને ક્રિકેટની લોકપ્રિયતા વધારવા માટે પ્રમોશનલ મેચો રમાડવી પડે છે!
થોડાક દિવસ પૂર્વે જ ભારતના માસ્ટરબ્લાસ્ટર સચીન તેંડુલકર અને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નના નેતૃત્વમાં બે ટીમે સિટી ફિલ્ડ, મોન્યુમેન્ટલ પાર્ક અને જ્યોર્જિયા એમ ત્રણ સ્થળે ટી૨૦ મેચ રમી. તીવ્ર રસાકસી ભરી આ ત્રણેય મેચ ૨૦-૨૦ હજાર પ્રેક્ષકોએ માણી હતી.
વાચક મિત્રો, અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે આજે ક્રિકેટનો ચહેરો કેટલી હદે બદલાઇ ગયો છે. ક્રિકેટના પિતામહ ગણાતા ઇંગ્લેન્ડની ટીમમાંથી આજે મોઈન અલી, રશીદ અને સમિત પટેલ જેવા કોમનવેલ્થ દેશના ખેલાડીઓ રમી રહ્યા છે. તો ભવિષ્યમાં અમેરિકા કે કેનેડાની ટીમમાંથી મહેસાણાનો પટેલ ભાયડો કે બારડોલીનો અનાવિલ યુવાન રમતો જોવા મળે તો નવાઇ નહીં પામતા. અમેરિકામાં આજે ૪૦ લાખ સાઉથ એશિયનો વસે છે અને જે પ્રકારે આ દેશમાં ક્રિકેટની રમત લોકપ્રિય થઇ રહી છે તે જોતાં આગામી દિવસોમાં અમેરિકાની ટીમ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતી જોવા મળશે. જેમ કાઠિયાવાડીઓ ફિરોજશાહ કોટલામાં ફરી વળ્યા હતા તેમ કાઠિયાવાડીઓ અમેરિકામાં પણ ફરી વળે તો નવાઇ નહીં. (ક્રમશઃ)
•••