વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટન, ભારત કે વૈશ્વિક સ્તરે ભારતવંશીઓમાં આ મોદીમંત્ર ખૂબ ગાજી રહ્યો છે. પક્ષ કરતાં પણ નરેન્દ્રભાઇ મોદીની પ્રતિભા સહુ કોઇને અત્યંત પ્રભાવિત કરી રહી છે. શા કારણે? વેમ્બલી સ્ટેડિયમમાં શુક્રવારે યોજાયેલા ભવ્ય સમારંભ ટાણે આયોજકોએ એક સુવેનિયર પ્રસિદ્ધ કર્યું હતું. તેના એડિટોરિયલ બોર્ડમાં મને પણ કંઇક સેવા કરવાનો લાભ મળ્યો. મારો એક લેખ Secret of Modi Mania પણ તેમાં પ્રસિદ્ધ થયો હતો. આ વેળાના ‘એશિયન વોઇસ’માં આપ સહુ તે વાંચી શકશો.
વડનગરના એક અતિ સામાન્ય પરિવારમાં જન્મ અને સંઘર્ષભર્યા બાળપણમાંથી પસાર થવા છતાં આજે નરેન્દ્રભાઇ આસમાનને આંબતી પ્રતિભા તરીકે વૈશ્વિક સ્તરે છવાઇ ગયા છે. આ માટે તેમનું દેશપ્રેમભર્યું શકવર્તી સ્વપ્ન, ચીવટપૂર્વકનું ચિંતન, અપાર પરિશ્રમ તેમ જ સ્વહિતના સ્થાને રાષ્ટ્રનિર્માણની ઉદ્દાત ભાવનાને મુખ્ય પરિબળોમાં ગણી શકાય.
આ અંકમાં અન્યત્ર, મારા સર્વ સુજ્ઞ વાચકોના કરકમળમાં, વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના બ્રિટન પ્રવાસને આવરી લેતું ભરપૂર વાંચન સાદર કરવામાં આવ્યું છે. નરેન્દ્રભાઇની અસામાન્ય સિદ્ધિમાંથી આપણે સહુ કેટલાય બોધપાઠ લઇ શકીએ. શ્રીમદ્ ભગવદ ગીતામાં કહ્યું છે ને... કર્યા વગર કંઇ મળતું નથી. કરેલું ક્યારેય ફોગટ જતું નથી. ફોગટનું લઇશ નહીં. નિરાશ થઇશ નહીં. કામ કરવાની શક્તિ તારામાં છે. લઘુતાગ્રંથિ બાંધીશ નહીં. કામ કરતો જા. હાક મારતો જા. મદદ તૈયાર છે. વિશ્વાસ ગુમાવીશ નહીં.
આપણે સહુ ઇચ્છીએ તો મહાપુરુષોના જીવનચરિત્રો અને સંઘર્ષમાંથી વિવિધ પ્રકારે ખૂબ ખૂબ પ્રાપ્ત કરી શકીએ.
ભારતીય ધર્મ, ભાષા અને સંસ્કારનું અદભૂત આકર્ષણ
હોલેન્ડના એમ્સ્ટરડમમાં આવેલી ઇન્સ્ટિટ્યુટ ફોર સોશ્યલ સાયન્સ રિસર્ચની ફેકલ્ટી ઓફ સોશ્યલ એન્ડ બિહેવિયરલ સાયન્સીસના પ્રોફેસર (કમ્પેરિટવ એન્થ્રોપોલોજી એન્ડ સોશ્યોલોજી ઓફ એશિયા) મેરિયો રટ્ટન બે દસકાથી મારા મિત્ર છે. તેમણે તાજેતરમાં એક સુંદર પુસ્તક લખ્યું છે - Anthropological Encounters. દિવાળીના ટૂંકા વેકેશનમાં તે વાંચવાનો લાભ મળ્યો.
છેલ્લા ૩૦-૩૨ વર્ષથી મેરિયોભાઇ નિયમિતપણે ભારત, ગુજરાત અને ખાસ તો આણંદ સાથે જોડાયેલા બોરિયાવીમાં ધામા નાખે છે. ૨૦૧૧માં તો તેમની સાથે હું પણ બોરિયાવીમાં લટાર મારવા નીકળ્યો હતો. કંઇકેટલાય સાથે નિકટનો નાતો ધરાવે. કેટલાયને તેઓ નામજોગ બોલાવે તો સામી બાજુ ‘ચ્યમ મેરિયોભઇ, ક્યારે આયા?’ એવું પૂછનારા પણ અનેક મળ્યા. બોરિયાવીમાં જન્મેલા-ઉછરેલા, પણ આજે યુકે, યુએસ કે યુરોપના દરિયાપારના દેશોમાં જઇ વસેલાં લોકોના પણ સંપર્કમાં. જે તે દેશમાં ગયા હોય અને મેળ પડે તો રૂબરૂ મળવા પણ પહોંચી જાય, બાકી ઇ-મેઇલ કે ફોનથી તો સંપર્ક જાળવે જ. તેમના ખબરઅંતર સતત જાણતા રહે. પુસ્તકમાં પ્રો. રટ્ટને આવા કેટલાય સચિત્ર અહેવાલો રજૂ કર્યા છે. તેમની દીકરી લીસાનો સરસ મજાનો ઉલ્લેખ પણ પુસ્તકમાં વાંચવા મળે છે.
૨૧ વર્ષની લીસા પણ વિદ્વાન તરીકે ઉભરી રહી છે. તેણે પણ તે વેળા ક્રિસમસના દિવસો બોરિયાવીમાં વીતાવ્યા હતા. જાણે બોરિયાવીમાં પોતાના કાકા-કાકી કે માસા-માસી વસતાં હોય તેવો ઘરોબો આ મેરિયો રટ્ટન, તેમના પત્ની કે પુત્રી-પુત્રે કેળવ્યો છે!
ગયા રવિવારે શ્રી જલારામ મંદિર-ગ્રીનફર્ડનો ૧૫મો સ્થાપના દિન ઉજવાયો. યોગાનુયોગ જલારામ બાપાની ૨૧૬મી જન્મજયંતી પ્રસંગે યોજાયેલા ભવ્ય સમારોહમાં હાજરી આપવાનું સદભાગ્ય પણ મને સાંપડ્યું. આ પ્રસંગે પ્રકાશિત સુવેનિયરમાં ડો. માર્ટિન વુડનો એક સુંદર મજાનો લેખ વાંચવા મળ્યો. ડો. માર્ટિન વુડ યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલમાં રિલિજીયસ સ્ટડી વિભાગમાં રિસર્ચર અને લેક્ચરર તરીકે કાર્યરત છે. લંડનસ્થિત હિતેષભાઈ બગડાઇ અને તેમના પરિવાર દ્વારા સ્પોન્સર પૂ. જલારામબાપા અને પૂ. વીરબાઇમા વિશેનું સંશોધન કરવા માટે તેઓ રાજકોટ, વીરપુર, ચરખડી વગેરે સ્થળોની મુલાકાત લઇ ચૂક્યા છે. યોગાનુયોગ રાજકોટ સ્થિત માતુશ્રી વીરબાઇમા આર્ટસ મહિલા કોલેજના ઇંગ્લીશ વિભાગના વડા પ્રો. ઇરોસ વાજાનો સહકાર મળ્યો. પૂજ્ય જલારામ બાપાની સાદગી, સતત સેવાપ્રવૃત્તિથી ડો. માર્ટિન વુડ અત્યંત પ્રભાવિત છે. આ વિશે વધુ ઊંડાણપૂર્વક સંશોધન કરી રહ્યા છે.
લંડન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ (SOAS), ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ - બેલિઓલ કોલેજ, ઓક્સફર્ડની મુલાકાતનો તાજેતરમાં મને મોકો સાંપડ્યો. અહીં ભારતીય દર્શનશાસ્ત્ર, ધર્મપરંપરા, સંસ્કૃતિ અને હિન્દી, ગુજરાતી, પંજાબી આદિ ભારતીય ભાષાઓનો અભ્યાસ થાય છે. અહીં સુધી તો સમજ્યા, પણ વિચારવા જેવી વાત તો એ છે કે આ અભ્યાસક્રમોમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ વિદેશી મૂળના જોવા મળે છે! ભાગ્યે જ ક્યાંય રડ્યોખડ્યો ભારતવંશી તમારી નજરે ચઢે. શા કારણે?
સંભવ છે કે સ્થળાંતરના પ્રારંભના વર્ષોમાં આપણે બધાએ ઠરીઠામ થવામાં વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું હશે. જોકે હવે સંતાનો પણ પોતાના પૂર્વજોની પરંપરા વિશે વધુ માહિતગાર થવા વિચારી રહ્યા હોય તેવું લાગે છે. વૃક્ષ જેમ જેમ ફૂલેફાલે-વિસ્તરે તેમ તેમ તેના મૂળિયા ઊંડા ઊતરવાના, વિસ્તરવાના. આ સંજોગોમાં પોતાના કુળના મૂળ વિશેની સાચી સમજ વિવિધ પ્રકારે ફળદાયી નીવડે. દિશાસૂચન આવશ્યક, હોં કે!
•••
પેરિસમાં રક્તપિપાસુઓનો પાશવી સંહાર
ફ્રાન્સમાં ગયા શુક્રવારની ઘટના વિશે દરેક સંવેદનશીલ વ્યક્તિ પારાવાર દુઃખ, ચિંતા અને વેદના અનુભવે તે સહજ છે. રાક્ષસીવૃત્તિ ધરાવતા આ ભાન ભૂલેલા ઇસ્લામના કહેવાતા ઉપાસકો કાયમ સફળતા મેળવી ન જ શકે. રાક્ષસી વૃત્તિના આવા પરિબળો અગાઉ પણ ઉદભવ્યા છે અને ભવિષ્યમાં પણ નહીં જ ઉદભવે તેમ ન કહી શકાય. હા, એક
બાબત નિશ્ચિત છે. અંતે આવા નરાધમોને ભોંયમાં જ ભંડારી દેવામાં આવતા હોય છે.
આપ સહુ વાચકો વતી પરમ તત્વને પ્રાર્થના કરીએ કે ભાન ભૂલેલાને તું સાચો માર્ગ સત્વરે ચીંધજે. મારા સંખ્યાબંધ મુસ્લિમ મિત્રો પણ પારાવાર યાતના ભોગવી રહ્યા છે. ઇસ્લામના સહુ ઉપાસકોને દુઃખ તો થાય, પણ તેમનો વાંક કે ગુનો ક્યો? ધર્મ, વ્યક્તિ અને વિચારસરણી વચ્ચેની સીમા આપણે સમજી લેવી રહી. ધર્મના નામે માનવતાનું નિકંદન કાઢી રહેલા આવા પરિબળો પ્રત્યે ધિક્કાર કે ધૃણા ઉપજે તે ભલે સહજ ગણાય, પરંતુ ખરેખર તો આ તત્વો દયાને પાત્ર છે.
•••
સબ કા સાથ, સબ કા વિકાસ
વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપણી વર્ષોજૂની માગણીને મંજૂરીની મહોર મારી છે. આગામી ૧૫ ડિસેમ્બરથી અમદાવાદ-લંડન-અમદાવાદ વાયા મુંબઇ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઇ રહી છે. લગભગ ૧૬ વર્ષના આ આંદોલનમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ના મારા માનવંતા અસંખ્ય વાચકોએ કંઇકેટલાય પ્રકારની મદદ કરી છે. પિટિશનમાં હસ્તાક્ષર કરીને પોતે તો ચળવળને સમર્થન આપ્યું જ, પરંતુ અન્યોને પણ પિટિશનમાં હસ્તાક્ષર કરવા પ્રેર્યા. પોતાના સમાજ-સમુદાયના સંગઠનોના અગ્રણીઓને જાગૃત કર્યા. આ જ પ્રમાણે પોતપોતાના વિસ્તારના સાંસદોને, હાઉસ ઓફ લોર્ડસના પ્રતિનિધિઓ-સ્થાનિક કાઉન્સિલરોને સીધી ફ્લાઇટની વાજબી માગણીથી વાકેફ કર્યા, આ માટે સમર્થન હાંસલ કર્યું.
માત્ર બ્રિટનમાં જ નહીં, ભારતમાં, ગુજરાતના સાંસદો-વિધાનસભ્યો, સમાચાર માધ્યમોના વડાઓ, વેપાર-ઉદ્યોગના શાહસોદાગરો સહિત કંઇકેટલાય પરાક્રમી મિત્રોએ ખૂબ સાથસહકાર આપ્યો. સંગ સંગ ભેરુ, તો સર થાય મેરુ... એ સુખદ પળ આપણે સહુ જોઇ રહ્યા છીએ. આ સમગ્ર યાત્રા દરમિયાન બ્રિટનમાંથી કોર્પોરેટ લોયર ભાઇ મનોજ લાડવા અને અમદાવાદ સ્થિત વરિષ્ઠ પત્રકાર અને ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઇટના ભારત ખાતેના કો-ઓર્ડિનેટર ભૂપતભાઇ પારેખે દિવસ-રાત જોયા વગર ખૂબ જહેમત ઉઠાવી છે. આ બધાનો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી.
સાથોસાથ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વેમ્બલી સ્ટેડિયમમાં મારા માટે જે ઉષ્માભર્યા શબ્દો ઉચ્ચાર્યા છે તેને તેમની ઉદારતા સમજું છું. આપ સહુની અમારા પ્રકાશનો પ્રત્યે જે ઉષ્માભરી લાગણી છે, સદભાવ છે તેનો આ પરિપાક છે. અંતે... ફરી એક વખત મારું મસ્તક ઝૂકાવી, નતમસ્તક થઇને આપ સહુને વંદન કરું છું તેથી વિશેષ તો શું કરી શકું? (ક્રમશઃ)