વડીલો સહિત સહુ વાચક મિત્રો, પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા અને આપ સહુના આશીર્વાદથી આજે આપની સમક્ષ જીવંત પંથનો વધુ એક મણકો રજૂ કરી રહ્યો છું. જગતનિયંતાની રચના અલૌલિક છે. માનવંતા વાચકો-મિત્રો-શુભેચ્છકો-સમર્થકોને એક યા બીજા પ્રસંગે હળવા-મળવાનું બનતું રહે છે અને આપની સાથે વિચારવિનિમયનો અવસર પ્રાપ્ત થાય છે. ‘ગુજરાત સમાચાર’ની પ્રિન્ટેડ કોપી - વેબસાઇટ પર કે ઓનલાઇન કે સોશિયલ મીડિયા સહિતના વિવિધ માધ્યમ દ્વારા હજારો વાંચકો - એક અંદાજ પ્રમાણે દોઢથી બે લાખની જનસંખ્યા વધતું-ઓછું, વહેલું-મોડું આમાંથી કંઇક પ્રાપ્ત કરતા રહે છે. મારા સાથીઓ સહિત અમને સહુને આ હકીકતનો આનંદ છે. આપના જેવા વાચકોના - સમર્થકોના અને સાથીઓના અમે ઋણી છીએ.
ગુજરાતી વત્તાઓછા અંશે સમજે કે બોલે, વાંચે કે ના વાંચે તે બધા જ ગુજરાતી છે. માતૃભાષાને કોઇ સરહદ નથી. મારા મતે ગુજરાતી એટલે એવું વ્યક્તિત્વ જેના મૂળ અને કુળનું બીજ ગુજરાતમાં ધરબાયેલું છે. નાત, જાત, ધર્મના બાધ વિના.
અને રહી વાત ગુજરાતના સરહદી સીમાડાની... તો આ જાણવા-સમજવા માટે લેખક-કવિ-પત્રકાર-સર્જક નર્મદનું અમર કાવ્ય ‘જય જય ગરવી ગુજરાત...’ ગણગણી લેજો. ગુજરાતની ઉત્તરે મા અંબા, પૂર્વમાં મહાકાળી, દક્ષિણે કુંતેશ્વર મહાદેવ તો પશ્ચિમે સોમનાથ અને દ્વારકેશ સાક્ષાત બિરાજે છે. આપણે સહુ આવી પવિત્ર ભોમકાના અંશ અને વંશ છીએ.
પુરુષ અને સ્ત્રી સમાન છે, પરંતુ તાજેતરમાં સ્પેનમાં એક વિશદ્ અભ્યાસ થયો હતો. તેના તારણોનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે નારીશક્તિ કે જેને પરમાત્માએ માતૃત્વ ધારણ કરવાની ભેટરૂપે કૂખ આપી છે તે (પુરુષની સરખામણીએ) વધુ ઉદાર છે, સમજદાર છે.
આ બધા શબ્દોની વ્યાખ્યા કરીએ તે પહેલાં જાણીએ કે ગુજરાતી કોણ? તેની ઘણી બધી વ્યાખ્યાઓ છે.
લાંબો ડગલો મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી છેલ છબીલો ગુજરાતી
તન છોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભલો ભોળો હું છેલ છબીલો ગુજરાતી ,
હું છેલ છબીલો ગુજરાતી..!
વાચક મિત્રો, યાદ છે ને એક ગુજરાતી ફિલ્મના આ બહુ જાણીતા ગીતની શબ્દરચના વેણીલાલ પુરોહિતની છે.
ગયા પખવાડિયે અમેરિકામાં નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની ટોચની ટીમના હોદેદારોએ કાર્યભાર સંભાળ્યો. આ પૂર્વે તેઓ સેનેટ કમિટી સમક્ષ ઉપસ્થિત ઉલટતપાસ માટે હાજર થયા હતા. આ તપાસ ભલભલાને હંફાવી દે તેવી હોય છે. ધુરંધરોના નામોની યાદીમાં આપે તરવરિયા ગુજરાતી કશ્યપ ‘કાશ’ પટેલનું નામ પણ જોયું જ હશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે મધ્ય ગુજરાતના ચરોતરના છોરુ એવા કાશ પટેલને અમેરિકાની સર્વોચ્ચ તપાસનીશ સંસ્થા FBI - ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનનું સુકાન સોંપ્યું છે. સરખામણી કરવી હોય તો કહી શકાય કે ભારતમાં જેમ CBI - સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન કરે છે તેવી કામગીરી અમેરિકામાં FBI કરે છે.
અમેરિકી બંધારણે આ સંસ્થાને ક્રિમિનલ કેસ સંદર્ભે અમેરિકાની અંદર કે બહાર, અમેરિકન કે બિનઅમેરિકનની તપાસ માટે અફાટ સત્તા આપી છે. છેલ્લામાં છેલ્લા જાહર થયેલા આંકડા અનુસાર FBI માટે 38,500થી વધુ લોકો કામ કરે છે. અને તેનું વાર્ષિક બજેટ છે અધધધ 11 બિલિયન પાઉન્ડ. આવી પાવરફુલ સંસ્થાના વડાની જવાબદારી કાશ પટેલને સોંપાઇ છે. કોઇ ભારતવંશી અમેરિકન સરકારમાં આટલા ઉચ્ચ હોદ્દા પર પહોંચ્યો હોવાની આ પહેલી ઘટના છે.
કાશ પટેલને આવા અને આટલા પ્રતિષ્ઠિત હોદ્દા પર બિરાજવા બદલ અંતરમનથી અભિનંદન તો આપીએ જ સાથોસાથ તેમને અને તેમના માતા-પિતા અંજનાબહેન અને પ્રમોદભાઇ પટેલને પણ ધન્યવાદ આપીએ. ધન્યવાદ શા માટે?! કાશ પટેલના શબ્દોમાં ભારતીય સંસ્કૃતિ ઝળકે છે તેનો જશ અંજનાબહેન અને પ્રમોદભાઇ કરેલા ઉછેરને જ આપવો રહ્યો.
કાશ પટેલ સેનેટ સમક્ષ હાજર થયા કે તરત જ કમિટી હોલમાં હાજર માતા-પિતા અને બહેન નિશા સમક્ષ નજર કરીને ‘જય શ્રી કૃષ્ણ...’ કહ્યું. આટલું કહીને તેમણે સૌપ્રથમ માતા-પિતા અને બહેન નિશાનો પરિચય કરાવતા ઉમેર્યું કે અત્રે ઉપસ્થિત મારા માતા-પિતા મારી જિંદગીના આ અવસરના સાક્ષી બનવા જ ખાસ ભારતથી આવ્યા છે તો બહેન પણ દરિયાપારના દેશમાંથી આવી છે.
જરા કલ્પના તો કરો કે જે માણસ અમેરિકન રાષ્ટ્રપતિના ખાસંખાસ લોકોની યાદીમાં સ્થાન ધરાવે છે તેનું મિત્રવર્તુળ કેવું અને કેટલું વિશાળ, બહુવર્ણીય - બહુસાંસ્કૃતિક હશે, ચોમેર પશ્ચિમી જીવનશૈલીની કેવી ભરમાર હશે. આ માહોલ વચ્ચે તેમણે જલકમલવત્ રહીને ભારતીયતા - ગુજરાતીતા અકબંધ જાળવી રાખી છે.
હું એટલું જ કહીશ કે કાશ પટેલ ‘જય શ્રી કૃષ્ણ...’ બોલ્યા તે શબ્દ ભલે માત્ર પાંચ અક્ષરનો હોય, પરંતુ તેમાં ઘણુંબધું સમાયું છે. શું સમાયું છે?! ભારતીય સંસ્કાર - વારસો - સભ્યતા - કેળવણી - જીવનમૂલ્યો - માતા-પિતા પ્રત્યનો આદર અને પરિવારજનો પ્રત્યેનો પ્રેમ. સાહેબ, દુનિયામાં ધનદોલત તો તમે તાકાત હોય તેટલા કમાઇ શકો છો, પણ અહીં જે ગુણો લખ્યા છે એ તો તમારા ઉછેર સાથે જ આવતા હોય છે. તમારાં વાણી-વર્તન તમારા વ્યક્તિત્વનો આયનો છે. તે દર્શાવે છે કે તમે તમારા ધર્મ-સંસ્કાર-સભ્યતા માટે કેટલું ગૌરવ અનુભવો છો. જીવનની સાચી કમાણી તો આ છે.
મિત્રો, આ સાથે હું આપની સાથે કાશ પટેલ સેનેટ કમિટી સમક્ષ ઉપસ્થિત થયા તેના વીડિયોનો બારકોડ શેર કરી રહ્યો છું. જરા ધ્યાનથી આ વીડિયો નિહાળજો. સેનેટ કમિટીના ચેરમેને પણ ઉદ્બોધન કરતાં કહ્યું કે કાશ પટેલ ગુજરાતી છે. તેઓ આ શબ્દો બોલતા હતા ત્યારે તેમના શબ્દોમાં ગુજરાતી સમુદાય પ્રત્યેની શ્રદ્ધા - ભાવના - આશા - અપેક્ષા તરવતા હતા.
વાચક મિત્રો, આજકાલ ભારતમાં લાખો-કરોડો શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પવિત્ર સ્નાનની ડૂબકી લગાવી રહ્યા છે તો આપણે બ્રિટનમાં બેઠાં બેઠાં ભૂતકાળમાં ડૂબકી લગાવીએ. આપ સહુને યાદ હશે કે નવેમ્બર 2015માં આપણા સહુના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનના પ્રવાસે આવ્યા હતા. આ વેળા તેમણે લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં ભારતીય સમુદાયની 60હજારની વિશાળ મેદનીને ઉદ્બોધન કરતાં લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટ ફરી શરૂ કરવાની જાહેરાત કરતાં મારો નામજોગ ઉલ્લેખ કર્યો હતો.
કાર્યક્રમ પૂરો થયે હું બેકસ્ટેજમાં આમંત્રિત મહેમાનો સાથે બેઠો હતો ત્યારે એક તરવરિયો અંગ્રેજ આવ્યો. અને પોતાનો પરિચય આપતાં કહ્યું કે હું ‘ઇકોનોમિસ્ટ નામના મેગેઝિનનો વરિષ્ઠ પત્રકાર છું, પ્રાઇમ મિનિસ્ટરના સંબોધનમાં તમારો નામોલ્લેખ સાંભળ્યો અને મારે તમારી સાથે વાત કરીને થોડીક માહિતી મેળવવી છે. મેં તેને સમજાવ્યું કે આટલી મેદનીના અવાજમાં આપણે ક્યાં શાંતિથી વાત કરી શકશું... કાલે ઓફિસે આવી જાવ, નિરાંતે બેસશું. બીજા દિવસે એ ભાઇ આવી પહોંચ્યો કર્મયોગ હાઉસ કાર્યાલયે. તરત જ પ્રશ્નોનો મારો શરૂ થયોઃ તમે કોણ છો? તમારું બેકગ્રાઉન્ડ શું? નરેન્દ્ર મોદીને કઇ રીતે ઓળખો? તેમનો ને તમારો સંબંધ શું? વિવિધ ક્ષેત્રે ગુજરાતી સમુદાયની સફળતાનું રહસ્ય શું? વગેરે વગેરે.
મેં તેને ટાઢો પાડ્યો. અને માંડીને વાત કરી. મારો ઇરાદો એટલો જ હતો કે બ્રિટિશ પત્રકારને નરેન્દ્ર મોદી અને આપણા ગુજરાતી સમાજ અંગે સાચી જાણકારી મળે, મારા વિશે નહીં. બેઠક બહુ લાંબી ચાલી. તેને ઘણું બધું જાણવું હતું, અને મેં જણાવ્યું પણ ખરું. પછી ડિસેમ્બરમાં ધ ઇકોનોમિસ્ટમાં 5000 શબ્દોનો ‘ગોઇંગ ગ્લોબલ - સિક્રેટ્સ ઓફ ધ વર્લ્ડ્સ બેસ્ટ બિઝનેસપીપલ’ મથાળા હેઠળ મોટોમસ લેખ (મારા નામોલ્લેખ કે ફોટા વિના - એ ખાસ નોંધશો) પ્રકાશિત થયો. બહુવિધ તસવીરો સાથેના આ લેખમાં ગુજરાત અને ગુજરાતીતાના ગુણગાન રજૂ થયા હતા. આ છે વૈશ્વિક તખતે આપણી - ગુજરાતીઓની નામના.
મહત્વાકાંક્ષા ધરાવે, પણ મર્યાદા જાળવે. ગુજરાતી કરકસર કરે, પણ કંજૂસાઇ ના કરે. ધનપ્રાપ્તિની સાથે સાથે જ સખાવતમાં પણ માને. સ... ખાવત - પોતે પણ ખાય અને બીજાના પેટની પણ ચિંતા કરે. સખાવત એ ગુજરાતની ગળથૂંથીમાં છે. ગુજરાતી સંસ્કાર કહો, સંસ્કૃતિ કહો તેની આ સરળ વ્યાખ્યા. કેટકેટલા નામો લેવા જેમનું એક યા બીજા કારણસર ગુજરાતમાં આગમન થયું. ભગવાન કૃષ્ણને પણ ગુજરાતમાં જ આવવું પડ્યું તો સીતામૈયાને શોધવા નીકળેલા ભગવાન શ્રી રામ પણ ડાંગમાંથી પસાર થયા હતાને? અહીં જ તો તેમણે શબરીના મીઠાં બોર ખાધા હતા.
બ્રિટિશ પ્રજાનું આગમન પણ ગુજરાતના માર્ગે જ થયું હતું. સુરતના રાંદેરથી ગુજરાતમાં પ્રવેશેલા બ્રિટિશરોએ દેશમાં સામ્રાજ્યવાદનો પંજો પ્રસાર્યો, પણ ગુલામીની આ બેડી પણ એક ગુજરાતીએ જ તોડી. સાબરમતી નદીના કાંઠે બેઠેલા મોહનદાસ કરમચંદ ગાંધી નામના સત્ય-અહિંસાના પૂજારીએ જ તેમને ઉચાળા ભરવા ફરજ પાડીને..! અત્યારે વસ્તીમાં - વિસ્તારમાં ગુજરાત ભારતમાં નાનું કહેવાય, ખૂબ નાનું કહેવાય, પણ પહોંચ મોટી છે. તેણે આગવી ઓળખ ઉભી કરી છે. સમજો કે ભારતના નકશામાં ગુજરાત નાનો પણ રાઇનો દાણો બની રહ્યું છે.
ગુજરાતના સખાવતી વિરલાઓની વાત કરીએ તો તો કેટકેટલા નામ યાદ કરવા પડે. અમદાવાદના શેઠ હઠીસિંહથી લઇને રાણા પ્રતાપવાળા ભામાશા જગડુશા, દીપચંદ ગાર્ડી, રતન ટાટા, અઝીમ પ્રેમજી, પૂર્વ આફ્રિકાની વાત કરીએ તો કરીમજી જીવણજી, મૂળજીભાઇ માધવાણી, નાનજી કાલિદાસ મહેતા, આપણા બ્રિટનના ધામેચા, વડેરા, પટેલ્સ, ભુડીયા પરિવાર કેટલાય નામી-અનામી સખાવતી નક્ષત્રો આકાશમાં ચમકી રહ્યા છે. આ શ્રેષ્ઠીઓએ ક્યારેય સમાજને ઓછપ વર્તાવા દીધી નથી. નાણાના અભાવે જનકલ્યાણના કામ અટકવા દીધા નથી. આને તમે ગુજરાતી અસ્મિતા કહો કે સંસ્કાર કહો, પણ આ જ આપણી ઓળખ છે.
આજના લેખ સાથે કવિ દુલા ભાયા કાગની 17 લીટીની એક રચના ટાંકી રહ્યો છું. કવિ કાગ કે જેમને હું ચિંતક કહું છું, વિચારક કહું છું, પથદર્શક કહું છું તેમની આ રચના ‘તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે...’ વાંચજો, વારંવાર વાંચજો, વિચારજો.
તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે...
- દુલા ભાયા કાગ
તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે..
આવકારો મીઠો આપજે રે જી..
તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે..
બને તો થોડાં કાપજે રે જી..
માનવીની પાસે કોઈ, માનવી ન આવે રે..
તારા દિવસો દેખીને દુનિયા આવે તો..
આવકારો મીઠો આપજે રે જી..
કેમ તમે આવ્યા છો? એવું નવ પૂછજે રે..
એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે..
આવકારો મીઠો આપજે રે જી..
વાતું એની સાંભળીને, આડું નવ જોજે રે..
એને માથું રે હલાવી હોંકારો દેજે રે..
આવકારો મીઠો આપજે રે જી..
‘કાગ’ એને પાણી પાજે, ભેળો બેસી ખાજે રે..
એને ઝાંપા રે સુધી તું મેલવાને જાજે રે..
આવકારો મીઠો આપજે રે જી..
આ ગુજરાતી - હું ગુજરાતી, તમે ગુજરાતી. આ આપણા ઉજળા ભવિષ્યની એક આચારસંહિતા છે. આપણે તેને સમજીએ, સમજાવીએ, પચાવીએ. ગુજરાતી મહેનતકશ છે. કમાય છે, વાપરે છે, વેરે છે, થોડુંક વેડફે પણ છે, પરંતુ વાવે છે.
આ જે વાવેતર છે ગુજરાતીનું તે સતત ચાલતી પ્રક્રિયા છે. અને દાન એ માત્ર ધનમાં જ સમાઇ જતું નથી. સમયદાન, સંવેદનદાન, નાના-મોટા, ગરીબ-તવંગર નરનારી પોતાપોતાની રીતે સેવા કરતા જ હોય છે. દાન કરતા હોય છે. (ક્રમશઃ)