વડીલો સહિત સહુ વાચક મિત્રો, ૨૦૧૬ના વર્ષમાં આપ સહુ સુજ્ઞજનો સમક્ષ હાજર થવામાં હું ગૌરવ અનુભવું છું. સદભાગી છું. મથાળામાં ટાંકેલી કવિ-રાજ સુન્દરમની પંક્તિઓમાં પહેલા સાત શબ્દો જેમના તેમ રાખ્યા છે, પણ પછીના સાત શબ્દોમાં મેં છૂટછાટ લીધી છે. ભાંગવું અને સર્જવું - આ ક્રિયા આમ જૂઓ તો યુગો યુગોથી કુદરત સહજપણે કરતી જ આવી છે. પરંતુ માનવસર્જીત પ્રવૃત્તિમાં સર્જન કરવા માટે, ખાસ કરીને બારીક ચીજોનું સર્જન કરવા માટે, નાની છીણી અને નાની હથોડી ઉપયોગી બનતી હોય છે. નિસ્ડનમાં બીએપીએસ મંદિર, પ્રેસ્ટનમાં ગુજરાત હિન્દુ સોસાયટીનું મંદિર અને વલ્લભનિધિના ઇલિંગ રોડ પર આવેલા મંદિરના નિર્માણ વેળા, હોદ્દાની રુએ, મારી પણ કેટલીક જવાબદારી હતી. અવારનવાર હું ત્યાં ચાલી રહેલા કામના સ્થળની મુલાકાત લેતો હતો. આરસપહાણ જેવા પથ્થરની શીલા પર એકાગ્ર થઇને કોઇ આકૃતિ કે પ્રતિમા કંડારાઇ રહી હોય તે નિહાળવું એ પણ એક લ્હાવો છે. કેટલી બધી ધીરજ માગી લેતું આ કાર્ય છે. કૌશલ્ય હોય, હૈયાસૂઝ હોય, કળા પણ હોય, પરંતુ એકાગ્રતા ન હોય તો?! કૌશલ્ય, હૈયાસૂઝ, કળાના ત્રિવેણીસંગમમાં એકાગ્રતાનું ચોથું પરિબળ ઉમેરાય તો જ તે ધગશ સાચા અર્થમાં મૂર્તિમંત બનતી હોય છે તેનો હું સાક્ષી બન્યો છું.
બાય ધ વે, આ અને આવા વિદેશોમાં સાકાર થતા તમામ હિન્દુ કે જૈન મંદિરોના સ્થપતિ તરીકે મેં હંમેશા સોમપુરા અટકધારીઓને જ નિહાળ્યા છે. જો તેઓ કોઇ વય, જ્ઞાતિ કે રિઝર્વેશનના ક્વોટામાં રચ્યાપચ્યા રહ્યા હોત તો બિચારા સોમપુરા નામધારીઓનું આવી જ બન્યું હોત હોં...
જીવનમાં પણ હર સ્થળે, સ્તરે અને હર પળે, ભાંગવા કરતાં સર્જનની પ્રવૃત્તિ વધુ આકર્ષક છે. નાનામોટા અંશે, જાણેઅજાણે આપણે સહુ એક યા બીજા પ્રકારે પોતીકી અવનવી સૃષ્ટિ સર્જી જ રહ્યા છીએને? આ પ્રવૃત્તિમાં કેટલાક ભ્રમ આપણને ઘેરી લેતા હોય છે. કોઇક વાર એવો ભ્રમ થાય કે હું આમ કરી શકીશ નહીં. આ માટે મહદ્ અંશે કદાચ માનવસહજ ચિંતા, ડર કારણભૂત હશે. તો વળી કેટલાકને એવો પણ ભ્રમ હોય છે કે મને તો બધું આવડે. હું સર્વ જ્ઞાન સંપન્ન છું... મારા માટે આભને અડકવું અશક્ય નથી, વગેરે વગેરે. જો આ પ્રકારની ભાવના કે ભ્રમ વાસ્તવિક હોય તો ભયો ભયો. લ્યો ને... મારી જ વાત માંડુ.
દસેક વર્ષ પૂર્વે બાથરૂમમાં હું પડી ગયો હતો. ઇશ્વરકૃપાથી ખાસ કંઇ મોટી ઇજા થઇ નહોતી. શરીરને ઓછી ઇજા થઇ કે ખાસ કંઇ ગોબા ન પડ્યા, પણ આ ઘટના પછી વિચાર આવ્યો કે વાચકો સમક્ષ આવું કઇ રીતે બન્યું? શાથી બન્યું? અને આ કે આવા ખતરાજનક સંજોગો બાબત અગાઉથી આપણે શું કાળજી રાખી શકીએ? તે લખી જણાવવું જોઇએ. જેથી લોકો કાળજી રાખતા થાય, અને નાનીમોટી ઇજાથી બચી શકે. આ તબક્કે મને તે વેળાની એક ઘટના યાદ આવી રહી છે.
એક સજ્જન બાથરૂમમાં શાવર લેતા હતા. તેમને ન્હાતા ન્હાતા જ તીવ્ર હાર્ટ એટેક આવ્યો અને તેઓ પરલોકગમન કરી ગયા. સંભવ છે કે તેમના મોઢા પર પાણીનો ધોધ એટલો તીવ્રતાથી વહ્યો હશે કે તેઓ પોતાની જાતને સંભાળે તે પહેલાં જ ગૂંગળાઇ ગયા હશે, શ્વાસ ચઢી ગયો હશે અને હૃદય ધબકતું અટકી ગયું હશે. પરંતુ આ બધી વાતની બાથરૂમ બહાર તો લોકોને કેમ ખબર પડે? દરરોજ ૧૦-૧૨ મિનિટમાં શાવર લઇને બહાર આવી જતાં વડીલ લગભગ અડધો-પોણો કલાકે પણ બહાર ન નીકળ્યા ત્યારે પરિવારજનોને ચિંતા થઇ. પાણી ખળખળ વહેતું સંભળાતું હતું. બારણું ધમધમાવ્યું, પણ કોઇ જવાબ નહીં. છેવટે બાથરૂમના વેન્ટીલેટરનો કાચ તોડીને અંદર નજર કરી તો જણાયું કે વડીલ તો ફર્શ પર નિશ્ચેતન હાલતમાં પડ્યા છે. તરત દરવાજો તોડ્યો. ત્યાં સુધીમાં એમ્બ્યુલન્સ પણ બોલાવી લેવામાં આવી હતી. પરંતુ બધા પ્રયાસ વ્યર્થ ગયા. એમ્બ્યુલન્સની મેડિકલ ટીમે કહ્યું કે જીવ દેહ છોડી ગયો છે. ઘરના સહુ હેબતાઇ ગયા. હજુ કલાક પહેલાં જેમની સાથે વાતચીત કરતા હતા, ચા-નાસ્તો કર્યો હતો તે વડીલ આ રીતે આપણને છોડી ગયા?
કંઇક આવો જ બીજો ઘટનાક્રમ મારી સાથે બન્યો. ‘પરાક્રમ’ મારું છે એટલે જ નથી ટાંકી રહ્યો, પણ આ કિસ્સો જણાવીને વાચકોને સાવચેત કરવાનો મારો ઇરાદો છે. આ લેખમાળાના પ્રારંભના મૂળમાં આ જ વાત રહેલી છે. (આ લેખમાળાને હું કટારલેખન ગણતો નથી. કંઇક શબ્દસાધના કે સરસ્વતીઆરાધના માટે મને ‘કટાર’ શબ્દ બહુ ખૂંચે છે.) હું કેવી ચૂકના કારણે બાથરૂમમાં પડ્યો અને કેવી તકલીફ ભોગવવી પડી તે હું આ લેખમાળાના પ્રથમ જ મણકામાં લખી ચૂક્યો છું તેથી તેની પુનરોક્તિ ટાળું છું, પરંતુ આપનામાંથી જો કોઇ વાચક તેનાથી માહિતગાર ન હોય અને તે આ ઘટનાક્રમ અંગે જાણવા ઇચ્છતા હોય તો તેઓ અમારા ન્યૂઝ એડિટર ભાઇશ્રી કમલ રાવને ઇમેઇલ ([email protected]) પર લખી જણાવે. તેઓ તમને વળતા ઇ-મેઇલમાં આ લેખની પીડીએફ મોકલી આપશે.
ભ્રમ અને બ્રહ્મ વચ્ચે આસમાનજમીનનો તફાવત છે. એ ચર્ચામાં આગળ વધવાના બદલે આપણે વાતને ચેતતો નર સદા સુખી પૂરતી સીમિત રાખીએ. શુક્રવારે નૂતન વર્ષના પ્રારંભે (પરોઢીયે) ટીવી સામે નજર માંડીને બેઠો હતો. છેક પૂર્વમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડથી માંડીને ભારત સુધી વિશ્વભરમાં નવા વર્ષના આગમનની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી થઇ રહી હતી. ક્યાંક રોશની તો ક્યાંક આંખોને આંજી દેતું ફાયરવર્કસ. લોકો પોતપોતાની મસ્તીમાં ગુલતાન થઇને નવા વર્ષના આગમનને વધાવી રહ્યા હતા. પેરિસ અને બ્રસેલ્સમાં આતંકવાદનો ઓછાયો નજરે પડ્યો. આ બન્ને સ્થળે આતંકવાદી હુમલાના ડરે ઉજવણી અટકાવવામાં આવી હતી. યુરોપના અન્ય કેટલાક ભાગોમાં પણ આત્મઘાતી આતંકવાદી હુમલાના ભયે ઉજવણીના આયોજનો રદ કરવામાં આવ્યા હતા.
જોકે અહીં, ઘરઆંગણે, બ્રિટનમાં ભારે ધૂમ જોવા મળી. લંડન હોય કે એડીનબરા કે અન્ય કોઇ સ્થળ, લાખોની મેદની ઉમટી હોવા છતાં ક્યાંય નાનોસરખો પણ અણછાજતો બનાવ નહીં. લોકોએ ખૂબ આનંદપૂર્વક નૂતન વર્ષને વધાવ્યું. કોઇ દુર્ઘટના બની નહીં. બીજી એક વાતનો, આમ તો આપણે સહુ જાણીએ છીએ છતાં, પુનરોચ્ચાર કરું છું. અન્ય દેશોની સરખામણીએ બ્રિટિશ પ્રજા વધુ હિંમતવાન, સાહસિક અને સ્વમાની છે. કાયદો-વ્યવસ્થાનું જતન કરતા સુરક્ષા દળો પણ આતંકવાદના રાક્ષસને અંકુશમાં રાખવા માટે પૂરતી પૂર્વતૈયારી સાથે પ્રયત્નશીલ હોય છે. આથી જ તો આ દુરાચારી દુષ્ટોની મેલી મુરાદ મહદ્ અંશે કામિયાબ બનતી નથી.
આ કટ્ટરવાદ પણ એક પ્રકારે (આપણી સમક્ષ) આતંકવાદીઓ, રક્તપિપાસુઓનો ભ્રમ જ રજૂ કરે છેને... હિન્દુ પુરાણોમાં આપણને રાક્ષસી પરિબળો અને તેના દુષ્કૃત્યોનો ઉલ્લેખ જોવા મળે છે. અને સાથોસાથ જ આપણને એ પણ વાંચવા-જાણવા મળે છે કે આવા પરિબળોનો છેવટે કેવી રીતે સર્વનાશ થાય છે.
આજે વિશ્વમાં ઇસ્લામ ધર્મની સૌથી મોટી કમનસીબી એ છે કે કહેવાતા ધર્મના ઉપાસકો કે અનુયાયીઓ પાપકર્મ આચરીને હજારો-લાખો નિર્દોષોને હણી રહ્યા છે. ભૌતિક નુકસાનને તો આપણે ગણતા જ નથી. જોકે વધુ દુઃખની વાત તો એ છે કે આ પ્રકારના દુષ્કૃત્યના કારણે આખરે તો તેમના ધર્મને જ નાહક કે બિનજરૂરી બટ્ટો લાગી રહ્યો છે. આવા આતંકવાદીઓ ભ્રમમાં રાચી રહ્યા છે કે તેઓ ક્રૂર કૃત્યો થકી સૌને ડરાવી દેશે, દબાવી દેશે અને વિશ્વમાં વિજયપતાકા લહેરાવશે. પરંતુ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આજ સુધીમાં આવું કદી બન્યું નથી, અને બનવાનું પણ નથી. ગુનાહિત માનસિક્તા ધરાવતા પાંચ પચાસ, પાંચસો કે પાંચ હજાર કટ્ટરવાદીઓ શરૂઆતમાં નિર્દોષોનું લોહી વહાવીને કદાચ હાહાકાર મચાવી શકશે અને ક્યાંક ક્યાંક એવો માહોલ પણ બનાવી શકશે કે જેથી તેઓ પોતાના ભ્રમને વધુ દૃઢ બનાવી શકશે કે સમય વીત્યે અમારું શાસન શાસ્વત બનશે. અમારા વિચાર પ્રમાણેના આચાર ધરાવતું સામાજિક માળખું સ્થાપી શકશું. પરંતુ આ બધા ખયાલી પુલાવ છે એ તેમને કોણ સમજાવે?
કોમન માણસો અંતે તો ખૂબ ઊંચી કોમનસેન્સ ધરાવતા હોય છે. અને સામાન્ય માણસની આ જ તો અસામાન્ય તાકાત છે. આ વર્ગને પારખવામાં ભ્રમથી પીડાતા કટ્ટરવાદી પરિબળો ભીંત ભૂલી રહ્યા છે. હિટલર, ઇદી અમીન, સદ્દામ હુસૈન... ઇતિહાસના ચોપડે દાનવ જેવા કેટલાય સરમુખત્યારોના નામ નોંધાયેલા છે, જેઓ આવ્યા અને ગયા. સમગ્ર વિશ્વે આ નરાધમોએ આચરેલો નરસંહાર પણ નિહાળ્યો છે, અને તેમના પતનનું પણ સાક્ષી છે. કોઇના બદઇરાદા કાયમી સાકાર થયા નથી. આ અંકમાં અન્યત્ર નૂતન વર્ષની ઉજવણીના અહેવાલોમાં બ્રિટિશ નેતાઓ, સવિશેષ નામદાર મહારાણીથી માંડીને ચર્ચના મોવડીઓના મંતવ્યો વિશે આપ જાણી શકશો.
હવે વાતને મારે થોડોક વળાંક આપવો છે. શુક્રવારે - પહેલી જાન્યુઆરીએ થોડોક આરામથી ઉઠ્યો. અરે, ભલા માણસ, હવે એવું નહીં કહેતા કે નવા વર્ષના પહેલા દહાડે જ મોડે સુધી પથારીમાં પડ્યા રહ્યા! પણ વાત એમ હતી કે વીતેલું આખું સપ્તાહ ભારે દોડધામ વીત્યું હતું. ક્યાંક કોઇક સ્વજનના ખબરઅંતર પૂછવા પહોંચ્યો હતો તો ક્યાંક શુભેચ્છા મુલાકાત હતી. નવા વર્ષની પાર્ટીનું આમંત્રણ હતું તો તેમાં પણ મહાલ્યો, પરંતુ થોડોક જ સમય. બાકી સમયમાં સામાજિક જવાબદારી નિભાવી. મનુષ્યને સામાજિક પ્રાણી કંઇ અમસ્તું તો નથી જ કહેવાતું ને!
ઉઠ્યા બાદ નિત્યક્રમ અનુસાર પહેલાં બે ગ્લાસ હુંફાળુ પાણી ગટગટાવી કિડનીને કામે વળગાડી. શરીરમાં રહેલા કચરાને બહાર કાઢવાનો આ એકદમ અકસીર ઉપાય છે. ફ્લેટમાં જરા આઘોપાછો થયો. તે દરમિયાન સિંહાસન (સીટ) પરની બેઠક ત્રણથી ચાર મિનિટમાં સંતોષજનક રીતે સમાપ્ત થઈ ગઈ.
પાછો પથારીમાં પડ્યો. નવા વર્ષનો પ્રારંભ હોવાથી મનમાં પહેલો વિચાર રિઝોલ્યુશનનો આવ્યો. કેટલાક લોકો દર વર્ષે નવા સંકલ્પો કરતા હોય છે. અરે, હવે તો નવા વર્ષના સંકલ્પોનું ચલણ એટલું વધ્યું છે કે અખબારો, રેડિયો અને ટીવીમાં પણ તેની ભરમાર જોવા મળે છે. કેટલાકને આ વાત ભલે બોરીંગ લાગતી હોય, પણ આનું ચલણ તો છે જ એ સહુએ સ્વીકારવું રહ્યું. જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. મારે તો કંઇ નવા સંકલ્પ કરવાનો નહોતો. આ બંદાના સંકલ્પ તો પહેલેથી નક્કી છે.
• લાંબુ, પણ નિરામય જીવન જીવવું છે.
• સારા આરોગ્ય માટે સદાય સુસજ્જ રહેવું છે. અને
• સત્કાર્યમાં સતત પ્રવૃત્ત રહેવું છે.
પથારીમાં પડ્યાં પડ્યાં આઠ આંગળીઓ અને બે અંગૂઠા, ઘૂંટણ, ઢીંચણ, સાથળ, કમર, છાતી, કાંડા, કોણી, ખભ્ભા, માથું, બોચી... શરીરના બધા જ ભાગોને હલકા હાથે પસવાર્યા. સાથે જ તન-મનને સ્વસ્થ રાખવા માટે ઇશ્વરનો આભાર પણ માન્યો.
હવે કઇ સીટ પર એમ ન પૂછતાં... વધુ કંઇક લખીશ તો તરત સંસ્કારી સમાજ નાકનું ટીચકું ચડાવશે. ખેર, બેઠક તો અનેક પ્રકારની હોય છે, પણ આ સીટની વાત જરા અલગ છે. તમને એક જાણીતી ગુજરાતી કહેવત યાદ કરાવુંઃ એક વાર જાય જોગી, બે વાર જાય રોગી અને ત્રણ વાર જાય ભોગી. આપણે દિવસની શરૂઆત આ સીટ પર કરીએ છીએ અને તેના પરનું સુખ એટલે જાણે પરમ સુખ તેમ કહેવામાં લગારેય હિચકિચાટ ન હોવો જોઇએ.
વ્યક્તિનું હાર્ટ બંધ થઇ જાય એટલે રામ બોલો ભાઇ રામ થઇ જાય. શરીરમાં બીજું કોઇ દર્દ હોય તો તેની પણ સારવાર-સુશ્રુષા મળી રહેતી હોય છે. પરંતુ શરીરના ‘આ ભાગ’ની ઉઘાડ-બંધની કામગીરી અટકી પડે તો તો ભાઇ ભગવાન જ બચાવે. આ ‘સિંહાસન’ પર બિરાજમાન હોઉં ત્યારે કિડની પર પણ હળવેથી હાથ ફેરવતો રહું. પ્રિન્સ ચાર્લ્સ પણ જો પોતાના મહેલના ગાર્ડનમાં ફરતા ફરતા વૃક્ષો-છોડવાઓ સાથે વાતો કરતા કરતા તેમના પર વ્હાલ વરસાવતા હોય તો આપણી કિડનીએ શું ગુનો કર્યો છે? આપણા સુપ્રસિદ્ધ વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝે જ તો સાબિત કર્યું છે કે વનસ્પતિમાં પણ જીવ હોય છે. જ્યારે કિડની, લીવર, સ્પાઇન વગેરે તો આપણા શરીરના અભિન્ન અંગ છે. જો તમે તેને વ્હાલથી પસવારીને થેન્ક યુ કહો તો તેને લાગે કે તેની પણ કદર થાય છે.
તન સાથે સમય વીતાવ્યા પછી મનનો વારો આવે. થોડાક યોગ પણ કરું. આપણા કર્મયોગ હાઉસમાં બાબા રામદેવ પધાર્યા હતા તેમણે લાગલું જ મને કહ્યું હતું કે સીબીભાઇ, તમે તો નિયમિત કપાલભાતિ કરતા લાગો છો... આ સમયે મારો જવાબ હતો કે કપાલભાતિ એટલે શું એ તો હું નથી જાણતો, અને હું પરંપરાગત યોગ વિશે પણ બહુ મર્યાદિત જ્ઞાન ધરાવું છું, પણ મારી રીતે યોગાસન કરીને શ્વસનક્રિયા સહિતની વિવિધ કસરત જરૂર કરી લઉં છું. ખેર, સમગ્ર વિશ્વ આજે ભારતના પૌરાણિક યોગનું મહત્ત્વ સમજતું, તેને અપનાવતું થયું છે, પણ હું તો વર્ષોથી તેનો અમલ કરતો રહ્યો છું.
વાચક મિત્રો, આપણા ભારતના ઊંચા ગજાના રાજકારણી અને ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજીભાઇ દેસાઇથી ભાગ્યે જ કોઇ અપરિચિત હશે. તેમની એક આદત વિશે અગાઉ પણ લખી ચૂક્યો છું, પણ આજે ફરી તેનો પ્રસંગોચિત્ત ઉલ્લેખ કરી રહ્યો છું. તેઓ ટકોરાબંધ ૯૯ વર્ષ જીવ્યા. મેં પણ તેમને જોયા છે, અને આપનામાંથી પણ ઘણાએ તેમને નિહાળ્યા હશે. એકદમ ટટ્ટાર, સ્પષ્ટ વક્તા અને આચારવિચારના ચોખ્ખાચણાક. ભોજન બાદ જમીન પર કારપેટ પાથરીને શવાસન મુદ્રામાં સૂઇ જાય. આ પછી ડાબા પડખે થઇને ૮ વખત ઊંડા શ્વાસ લે. પછી જમણા પડખે ફરીને ૧૬ વખત ઊંડા શ્વાસ લે અને પછી ચત્તાપાટ થઇને ૩૨ ઊંડા શ્વાસ લે. વામકુક્ષી ખૂબ લાભદાયી છે. હોં કે! કોઈ કારણસર દિવસમાં થકાવટ વેળાએ પણ આવો વિશ્રામ લાભદાયી રહે છે.
આ ઊંડા શ્વાસ એટલે કેવા? વિગતવાર સમજાવામાં કદાચ વાત લંબાઇ જાય તો વાચક મિત્રો મને માફ કરજો. તાજેતરમાં લંડનના સુશ્રી રેબેકા ડેનિસ નામના લેખિકાએ બ્રિધિંગ ટ્રી નામની નાની પુસ્તિકા લખી છે. આ બહેન સેલ્ફ હેલ્પ કોર્ષ પણ ચલાવે છે અને વર્કશોપ પણ યોજતા હોવાનું વાંચ્યું છે. અલબત્ત, હું ક્યારેય તેનો લાભ લઇ શક્યો નથી. અને સાચું કહું તો મને આ જરૂરી પણ લાગતું નથી. આ રેબેકાબહેન કહે છે કે સામાન્ય રીતે પુખ્ત વયની વ્યક્તિ દિવસમાં ૨૩ હજાર વખત શ્વાસોચ્છશ્વાસની પ્રક્રિયા કરતી હોય છે. મતલબ કે વ્યક્તિ સરેરાશ આટલી વખત શ્વાસ લેતી અને છોડતી હોય છે. જોકે આમાંના બહુ ઓછા લોકો યોગ્ય રીતે શ્વાસ લે છે, અને તેના લીધે અનેક શારીરિક વ્યાધિનો ભોગ બને છે.
તેઓ કહે છે કે આપણી કમનસીબી એ છે કે આપણે નાના બાળકો પાસેથી પણ શ્વાસ લેવાનું શીખી શકતા નથી. નાના બાળકની શ્વાસોચ્છશ્વાસની પ્રક્રિયા એટલે કે બ્રિધિંગ પ્રોસેસ એકદમ સહજ હોય છે. તમે જરા ધ્યાનથી જોશો તો જણાશે કે તે છેક અંદર સુધી શ્વાસ લે છે. તે છેક પેટ સુધી હવા ભરે છે, અને પછી આ શ્વાસ બહાર કાઢે છે ત્યારે તેનું પેટ સપાટ થઇ જાય છે. બીજી જાણવા જેવી વાત એ છે કે આપણા પેટ, હોજરી, આંતરડા અને શરીરના ઉપરના ભાગમાં આવેલા ફેફસાં, હાર્ટ વગેરે વચ્ચેના ભાગે ડાયાફ્રામ નામનો એક પાતળો પરદો હોય છે.
શ્વાસોચ્છશ્વાસ એ જ શ્રેષ્ઠ છે જેમાં છાતી ફુલાવીને શ્વાસ લેવામાં આવતો હોય. પેટ ફૂલાવીને નહીં. જો આ પ્રક્રિયાને કાળજીપૂર્વક અનુસરીએ તો ખરા અર્થમાં પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન શરીરમાં પ્રવેશે છે. મોરારજીભાઇ ભોજન પછી જે યૌગિક પ્રક્રિયા કરતા હતા તેના મૂળમાં આ જ વાત રહેલી છે. આ પ્રક્રિયાથી શરીરને દરેક ભાગને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે અને તે સદાય સુચારુ રૂપથી કામ કરતા રહે છે.
સુશ્રી રેબેકા જણાવે છે કે મોટા ભાગના લોકો શ્વાસોચ્છશ્વાસ લેવામાં જાણે વેઠ ઉતારતા હોય છે. શેલો બ્રિધિંગ કરીને એટલે કે ઉપરછલ્લા શ્વાસ લેવાથી ફેફસા, હાર્ટ સહિતના ભાગોમાં ભ્રમણ કરતા લોહીમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચતો નથી અને લાંબા ગાળે શરીરમાં તકલીફ શરૂ થવાનું જોખમ રહે છે. જો હાફ બ્રિધિંગ થાય તો હાર્ટ પર તેની માઠી અસર થાય છે. પરિણામે શરીરમાં તનાવ વધે છે. પાચનક્રિયાને નુકસાન થાય છે. અયોગ્ય બ્રિધિંગના કારણે શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન પહોંચતા સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ વધે છે. કાર્ટિસોલ, એડ્રોલાઇન પર બોજ વધે છે. ટૂંકમાં, આપણે કહીએ છીએને કે જેમની ઊંઘ બગડી તેનો દિવસ બગડ્યો એમ જેમના શ્વાસોચ્છશ્વાસ બગડ્યા તેમનું શરીર બગડ્યું સમજો.
યોગ્ય શ્વાસોચ્છશ્વાસ પ્રક્રિયાને તમે લાખો દુખો કી એક દવા ગણાવી શકો. આ માટે તમારે એક પેની પણ ખર્ચવાની નથી કે કોઇ કેમિકલ પણ પેટમાં પધરાવવાના નથી. વ્યવસ્થિત રીતે શ્વાસોચ્છશ્વાસ લેવો એ તો તમારા જ હાથમાં છે. શરીરને કોઇ પણ જાતનું મોટું કષ્ટ આપ્યા વગર તમે યોગ્ય શ્વાસોચ્છશ્વાસને તંદુરસ્ત જીવનશૈલીના ભાગરૂપે અપનાવશો તો સમજી લેજો કે અનેક શારીરિક આધિવ્યાધિ તમારાથી જોજનો દૂર છૂટી રહેશે.
બસ, આજે તો અહીં જ અટકીએ. વાતો ઘણી કરી છે, પણ તમારા તન-મનને ધ્યાનમાં રાખીને તેનો અમલ કરજો. સારું સારું તમારું ને બાકીનું બધું... (ક્રમશઃ)
•••
ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા!
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા!
અનંત થર માનવી હૃદય-ચિત્ત-કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી જે ઘાવ ત્યાં.
ધરા ધણધણે ભલે થરથરે દિશા વ્યોમમાં
પ્રકંપ પથરાય છે, ઉર ઉરે ઊઠે ભીતિનો
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂબી ભલે,
પછાડ ઘણ, ઓ ભુજા! ધમધમાવ સૃષ્ટિ બધી!
અહો યુગાયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
લગાવ, ઘણ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,
ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર ફુત્કારથી.
તોડી ફોડી પુરાણું તાવી તાવી તૂટેલું,
ટીપી ટીપી બઘું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને, ઝીંકી રહે ઘા, ભુજા હે, લઇ ઘણ, જગતને ઘા થકી ઘાટ દે ને!
- સુન્દરમ્
•••