વડીલો સહિત સહુ વાચક મિત્રો, ૧૨-૧૩ નવેમ્બર અને ૧૯-૨૦ નવેમ્બર - એમ બન્ને વીકેન્ડ મારા માટે થોડાક ભારે રહ્યા. ના, બાપલ્યા... ના કોઇ ગ્રહ-દશા સંદર્ભે નહીં, પણ આરોગ્ય-દશા સંદર્ભે આ વાત કરી રહ્યો છું. આપ સહુ તો જાણો જ છે કે ગ્રહો સાથે તો મારો ‘મનમેળ’ જ નથી. શરદી-ખાંસી એટલા બધા થઇ ગયા હતા કે ફરજીયાતપણે ઘરમાં આરામ જ કરવો પડ્યો. પગના તળિયે ભમરો ધરાવતા મારા જેવા માણસને તો આ બહુ કાઠું પડે હોં... બધું સાવ અણધાર્યું થયું હતું - જીવનમાં ઘણું બધું અણધાર્યું બને છે તેમ જ. તબિયતની તો હું બહુ કાળજી રાખું છું. સારવાર કરતાં સાવચેતી સારી એવો મારો હંમેશા અભિગમ રહ્યો છે, પરંતુ આ વખતે ઝડપાઇ જ ગયો. શરદી-ખાંસીએ શરીરમાં એવો તે અડીંગો જમાવ્યો કે વાત ન પૂછો...
શુક્રવાર, ૧૧ નવેમ્બરે, મારા આમંત્રણથી ભાઇશ્રી દીક્ષિત જોશી કાર્યાલયે આવ્યા હતા. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે બેન્કીંગ ક્ષેત્રે ખૂબ ગણનાપાત્ર હોદ્દો ધરાવે છે. સ્વાભાવિક છે કે એક બેન્કરના દૃષ્ટિકોણથી તો મારે તેમની સાથે વાતચીત કરવાની ઓછી હોય, પરંતુ અર્થશાસ્ત્ર કે તેને સંકલિત વિષયોની ઘણી બધી વાતો કરી. અમે લગભગ દોઢેક કલાક સાથે વીતાવ્યો. તેમની સાથે ચર્ચા કરીને, તેમની સાથે વિચારોનું આદાનપ્રદાન કરીને ઘણું પામ્યો તેમ કહું તો ખોટું નથી.
દીક્ષિતભાઇ બેન્કીંગ ક્ષેત્રના મહારથી તો છે જ, પરંતુ સવિશેષ તો તેઓ ભારતીય સંસ્કૃતિ અને દર્શનશાસ્ત્રના ઊંડા અભ્યાસુ પણ છે. ખાસ કરીને તેઓ યુવા પેઢી સાથે જોડાયેલી વિવિધ પ્રકારની રચનાત્મક પ્રવૃત્તિના પ્રોત્સાહક - સમર્થક રહ્યા છે. સેવાકાર્યોમાં પણ ખૂબ સક્રિય જોવા મળે છે.
અમુક વાચક મિત્રો જાણતા જ હશે કે દીક્ષિતભાઇના દાદા પ્રિતમલાલ ને ૧૯૦૫માં મોહનદાસ કરમચંદ ગાંધીએ ખાસ દક્ષિણ આફ્રિકા તેડાવ્યા હતા. કાઠિયાવાડના પાટનગર જેવા રાજકોટમાં વસવાટ દરમિયાન ગાંધી પરિવાર અને જોશી પરિવાર વચ્ચે ગાઢ ઘરોબો હતો. કાળક્રમે જોશી પરિવાર દક્ષિણ આફ્રિકા જઇ વસ્યો. વેપાર-ધંધામાં મોટું કાઠું કાઢ્યું.
પાંચેક વર્ષ પૂર્વે દીક્ષિતભાઇના પિતાશ્રી અશ્વિનભાઇ અને માતુશ્રી જ્યોતિબહેન સાથે દક્ષિણ આફ્રિકાથી પચાસેક જેટલા નિવૃત્ત વયના ગુજરાતીઓનો સમૂહ લંડનના પ્રવાસે આવ્યો હતો. તેમના ઘરે (સ્ટેનમોર)ના નિવાસસ્થાને બેઠક રાખી હતી. મારે પણ આ લોકોને સંબોધવાના હતા. ભાનુભાઇ પંડ્યાએ હાસ્યરસમાં ધૂબાકાં ખવડાવીને સહુ કોઇ માટે આ પ્રસંગ યાદગાર બનાવી દીધો હતો. શુક્રવારે અમે સાથે બેઠા હતા ત્યારે આ સંસ્મરણો પણ વાગોળ્યા.
વ્યક્તિ ભલેને કોઇ પણ ક્ષેત્રમાં નિષ્ણાત હોય, પરંતુ તેની સાથેના મિલન-મુલાકાત, વિચારોનું આદાનપ્રદાન હંમેશા આપણા જ્ઞાનમાં ઉમેરો જ કરતું હોય છે. દીક્ષિતભાઇ સાથેની મુલાકાત પણ મારા માટે આવી જ બની રહી. ગુજરાત સમાચાર કેવી રીતે અને ક્યા પ્રકારે વધુને વધુ સમાજોપયોગી બની શકે તે પણ ચર્ચાયું. વાતવાતમાં તેમના પિતા અશ્વિનભાઇનો પણ ઉલ્લેખ થયો. તેમણે કહ્યું કે તેમની તબિયત થોડીક નરમ છે, અને હાલમાં સાઉથ આફ્રિકામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બસ, આટલી જ વાત થઇ હતી. રવિવારે રાત્રે અશ્વિનભાઇ કૈલાસવાસી થયાનો દીક્ષિતભાઇનો ઇ-મેઇલ વાંચીને આઘાતનો આંચકો અનુભવ્યો. સ્વ. અશ્વિનભાઇની જીવન ઝરમર ગુજરાત સમાચારના ૧૯ નવેમ્બર, ૨૦૧૬ના અંકમાં પાન ૨૬ પર આપ સહુએ વાંચી જ હશે.
શનિવારે, લંડનમાં અશ્વિનભાઇની સ્મૃતિમાં પ્રાર્થના સભાનું આયોજન થયું હતું. હાજરી આપવાની ઇચ્છા તો ઘણી હતી, પણ મેં નરમ તબિયતના કારણોસર જવાનું ટાળ્યું હતું. લોકોની સાથે બેસીને ખાંસીના ઠહાકા મારીને બીજામાં પણ ચેપ ફેલાવવો તેના કરતાં ઘરે જ રહેવાનો નિર્ણય કર્યો.
બન્ને વીકેન્ડમાં ચારેય દિવસ ઘરે જ પડ્યા રહેવું તે એક રીતે કમનસીબ બાબત ગણી શકાય. મને તો હંમેશા સમાજમાં હરતાંફરતાં રહેવાનું, લોકોને મળતાં રહેવાનું ગમે. ફરે તે ચરે. જોકે શરદી-ખાંસી જેવી બીમારી વેળા ઘરમાં રહીને આરામ કરવાનું જ બહેતર ગણાય. બસ, હાથપગને કષ્ટ આપ્યા વગર ઘરમાં પડ્યા રહેવાનું. અલબત્ત, તમે તનને કાબૂમાં રાખી શકો, મન તો મુક્ત ગગનનું પંખી ખરુંને? તનને તમે જેટલું અંકુશમાં રાખશો એટલું જ મન ચંચળ બનવાનું.
નવરા બેઠાં અનેક જાતના વિચારો આવે, સંજોગોને પણ દોષ દઇએ. એક પ્રકારના બંધનના કારણે માનસપટલ પર વેદના, ઉદાસીનતા, આક્રોશ જેવી લાગણીઓના મોજાંની જાણે ભરતી ઉમટે. શરદી કે ખાંસી બીમારી જ એવી કે તમને ક્યાંય જંપીને બેસવા ન દે. એક તો કોઇને લાગે નહીં કે તમે બીમાર છો, અને તમે અંદરથી સુસ્તી, અકળામણ, અસ્વસ્થતા અનુભવતા હો. અન્યોને ચેપ લાગી જવાના ભયે તમે ઘરના સાથે પણ બહુ હળીભળી ન શકો અને ટીવીના પરદે પણ મન ચોંટે નહીં. આંખમાં પાણીની ઝાંય હોય ને મગજમાં સુસ્તી હોય - ક્યાંથી મજા આવે?
જોકે હું તો આમાંથી રસ્તો કાઢી લઉં છું. આવા સમયે મારા માટે શ્રેષ્ઠ અને મનગમતો વિકલ્પ હોય છે ઇશ્વર સ્મરણ. અથવા તો રચનાત્મક યાદદાસ્તને તાજી કરવી, જૂના સંસ્મરણો વાગોળવા કે પછી મનગમતા પુસ્તકોનું વાચન કરવું. મારા માટે તો હાથમાં ગમતું પુસ્તક આવે એટલે આંખ પણ ખુલી જાય અને મન પણ દોડતું થઇ જાય.
આંખો ભલે સ્થુળ પુસ્તકના પાન પર દોડતી હોય, પરંતુ આખરે તો આ પ્રવૃત્તિ અંતરમનના ચક્ષુ ઉઘાડવાનું જ કામ કરતી હોય છે. એક પ્રકારે સબ-કોન્સિયસ માઇન્ડમાં (અર્ધજાગ્રત મનમાં) જાણે ચેતનાનો સંચાર થાય છે. શરીરમાં શરદી-ખાંસીએ ભલે ડેરા-તંબૂ તાણ્યા, પરંતુ આ ચારેય દિવસ અંતરમનમાં ડોકિયું કરવાનો અમૂલ્ય લ્હાવો જરૂર મળ્યો. હું તો માનું છું કે આપણે અંતરમનમાં ડોકિયું કરીએ તો અફાટ અંતરીક્ષને પણ નિહાળી શકીએ છીએ. કબીરે પણ કંઇક આવી જ અનુભૂતિ બાદ સુપ્રસિદ્ધ ભજન રચ્યું હશેઃ ઘૂંઘટ કા પટ ખોલ, તોહે પિયા મિલેંગે...
કબીર ઘૂંઘટ ઉઠાવવાનું કહે છે. આ ઘૂંઘટ શાનો છે? આપણા અંતરચક્ષુ સામે રાગ, દ્વેષ, દંભ, ઇર્ષ્યા, મોહ, માયા, લાલચ, કડવાશનો જે પરદો પડેલો છે તેને ઉઠાવવાનું કબીર કહે છે. કબીર કહે છે કે તમે આ મનો-જંજાળમાંથી મુક્તિ મેળવળો તો નજર સામે પિયા સ્વરૂપે ઇશ્વર હાજરાહાજુર હશે તે નક્કી સમજો. જો આપણી દૃષ્ટિ, અભિગમ હકારાત્મક નહીં હોય તો આપણે સંકુચિતતાના કોચલામાં પૂરાતા જઇશું, અને આમ ધીમે ધીમે દુન્યવી દૂષણોના ઘેરામાં લપેટાઇ જઇશું.
આમ આ ચારેય દિવસ શારીરિક અસ્વસ્થતા ભલે અનુભવી, પરંતુ માનસિક રીતે સુખની લાગણી અનુભવતો હતો. આપણો આ અભિગમ જ શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી પાવર) વધારતો હોય છે તેવું મારું સ્પષ્ટ માનવું છે. આરામ કર્યા બાદ શરીર વધુ તંદુરસ્ત બન્યાનું અનુભવ્યું.
વાચક મિત્રો, આ બધું લખું છું ત્યારે મનમાં થોડોક સંશય, થોડોક ડર પણ છે. ક્યાંક મારી વાતમાં અર્થનો અનર્થ ન થઇ જાય. નવસારીના એક શાયરે લખ્યું હતું અને ક્યાંક આ કોલમમાં અગાઉ તેનો ઉલ્લેખ પણ કરી ચૂક્યો છું, પરંતુ આજે યાદ આવતું નથી. આ શાયરની વ્યાધિ એવી હતી કે તેઓ વધુ ખ્યાતિ ધરાવતા થઇ ગયા છે એવું તેમને લાગતું હતું. આ જ રીતે હું પણ હંમેશા સાવચેત રહું છું કે ‘હું કરું હું કરું તે જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે...’ના ચક્કરમાં અટવાઇ ન જાઉં. આ કોલમ સાથે રજૂ કરેલા આ ગીતને હું હંમેશા નજરમાં રાખું છું, જેથી તન-મનમાં રતિભાર પણ અહમ્ પ્રવેશી ન જાય. હું તો હંમેશા, હર પળ ઇશ્વર કૃપાનો એકરાર કરું છું. આપ સહુ વાચકો, પરિચિતો, શુભેચ્છકોના પ્રેમથી જ આ ડોસો ‘જુવાન’ છે તેમ કહેવામાં લેશમાત્ર અતિશ્યોક્તિ નથી. ભ્રમર જેમ ભ્રમણ કરવું અને વિવિધ પુષ્પોમાંથી જ્ઞાનરૂપી મધ એકત્ર કરીને આપ સમક્ષ રજૂ કરવું તે મારો ‘જોબ’ છે.
આજકાલ અત્ર-તત્ર-સર્વત્ર રેડીમેડની બોલબાલા છે. વસ્ત્રો તો સમજ્યા, ફૂડ પણ રેડીમેડ! બજારમાં રેડી-ટુ-ઇટ ફૂડ પેકેટ્સ મળે જ છે ને... પેકેટમાંથી પરોઠા કાઢો, શેકો અને પેટમાં પધરાવો. મારો ઇરાદો પણ આપ સહુ માનવંતા વાચક મિત્રોને ઇન્સ્ટંટ ફૂડ પીરસવાનો હોય છે, પરંતુ ફાસ્ટફૂડ કે જંકફૂડ નહીં હો... ‘હેલ્ધી ફૂડ’ જ આપની સેવામાં ધરું છું. મારો હંમેશા પ્રયાસ રહ્યો છે કે અન્યોન્યના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તેવી સત્વશીલ અને પોષક વાચનસામગ્રી રજૂ કરવી. હું હંમેશા એ વાતે કાળજી રાખું છું કે આપ સહુની સમક્ષ જે કંઇ વાચન પીરસું તે આરોગ્યવર્ધક પણ હોય અને ઉભય પક્ષને હિતકારી પણ.
•••
ઘૂંઘટ કા પટ ખોલ રે...
- કબીર
ઘૂંઘટ કા પટે ખોલ રે...
તોકો પીવ મિલેંગે ઘૂંઘટ કા પટ ખોલ રે.
ઘટઘટ સેં વહ સાંઇ રમંતા કટુક વચન મત બોલ રે.
ધન જોબન કો ગરબ ન કીજૈ જૂથ પચરંગ ચોલ રે.
સુન્ન મહલ મેં દિયના બારિ લે આસ સોં મત ડોલ રે.
જોગ જુગત સોં રંગ મહલ મેં પિય પાયો અનમોલ રે,
કહૈ કબીર આનંદ ભયો હૈ બાજત અનહદ ઢોલ રે.
•••
જે ગમે જગત ગુરુ જગદીશને
- નરસિંહ મહેતા
જે ગમે જગત ગુરુ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા
શકટનો ભાર જેમ શ્વાન તાણે
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેર
જોગી જોગેશ્વરા કો'ક જાણે
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી
શત્રુ મારીને સૌ મિત્ર રાખે
રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ
ભવન પર ભવન પર છત્ર દાખે
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે,
યથા માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું
તેહને તે સમે તે જ પહોંચે
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
ગ્રંથે ગરબડ કરી, વાત ન કરી ખરી
જેહને જે ગમે તેહને તે પૂજે
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સૂઝે
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
સુખ સંસારી મિથ્યા કરી માનજો
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે
જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
•••
નારી તું નારાયણી...
બ્રિટનના વડા પ્રધાનપદે બિરાજનારા થેરેસા મે બીજા મહિલા નેતા છે. તેઓ ભલે ક્રમમાં બીજા રહ્યાં, પરંતુ તેમની જે જીવનયાત્રા છે, જે સાધના છે, જે વિચારસરણી છે તેને અદ્વિતિય ગણી શકાય. થેરેસા મે વિશે અગાઉ આ જ કોલમમાં વિગતવાર વાતો કરી ચૂક્યો છું એટલે પુનરાવર્તન ટાળી રહ્યો છું, પરંતુ પાદરી પિતાના એકમાત્ર સંતાન એવા થેરેસા તેમના સંસ્કાર-વારસાને નજર સમક્ષ રાખીને કામ કરી રહ્યા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કરતા હતા ત્યારે પતિ ફિલિપનો પરિચય થયો હતો, જે સમયના વહેવા સાથે આજીવન સંબંધમાં પલટાયો.
વિશ્વભરના યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનમાં ઓક્સફર્ડ યુનિયન ટોચનું સ્થાન ધરાવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દે અહીં થતી ચર્ચાઓ, સંવાદો, વિચારોનું આદાનપ્રદાન ભાવિ વડા પ્રધાનોનું ઘડતર કરતી હોય છે. એક સમયે ભૂતપૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન પણ અહીં ચર્ચામાં સામેલ થતા હતા. તો પાકિસ્તાનના વડા પ્રધાન પદે રહી ચૂકેલા બેનઝીર ભૂટ્ટો તો આ સંગઠનના પ્રથમ બિન-ગૌર પ્રેસિડેન્ટ બનવાનું બહુમાન મેળવી ચૂક્યા છે. ફિલીપ અને થેરેસાનો પરિચય બેનઝીર ભૂટ્ટોએ કરાવ્યો હતો, તે વાત કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે.
થેરેસા પતિ ફિલીપ કરતાં એક વર્ષ મોટા છે, પરંતુ આ દંપતી વચ્ચે ગજબનું ઐક્ય જોવા મળે છે. ઓક્સફર્ડ યુનિયનના દિવસો દરમિયાન ફિલીપ વધુ જાણીતો ચહેરો હતા. કાળક્રમે બન્ને લગ્નબંધને બંધાયા. થેરેસા મે એક બેન્કમાં ઉચ્ચ હોદ્દા પર ઓફિસર તરીકે કાર્યરત હતા અને સાઉથ લંડનના મર્ટન વિસ્તારમં રહેતા હતા. તે વખતે બ્રિટિશ પાર્લામેન્ટમાં કન્ઝર્વેટિવ પાર્ટીના માત્ર ૧૨ મહિલા સભ્યો હતા. એમપી તરીકે સંસદમાં પહોંચવા માટે સલામત ગણાતી બેઠક મળવી હંમેશા મુશ્કેલ હોય છે. આ માટે લાંબી રાહ જોવી પડતી હોય છે. મહેનતનું બીજ વાવ્યા પછી વર્ષો રાહ જૂઓ ત્યારે સફળતાનું ફળ મળતું હોય છે.
જોકે સ્થાનિક મર્ટન બરો કાઉન્સિલના કાઉન્સિલર તરીકે ઉમેદવારોની પસંદગી શરૂ થઇ ત્યારે ફિલીપે બહુ સમજદારીપૂર્વક નિર્ણય લઇને આ સ્થાન માટે દાવેદારી નોંધાવવા થેરેસાને પ્રોત્સાહિત કર્યા.
પક્ષના હાઇ કમાન્ડને કાઉન્સિલરની બેઠક માટે થેરેસાનું નામ સૂચવ્યું. આપણે ઘણી વખત કહીએ છીએ કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. જોકે થેરેસાના કિસ્સામાં આથી ઉલ્ટું છે. આ સ્ત્રીની સફળતા પાછળ એક પુરુષનો, તેમના પતિદેવનો હાથ અને સાથ છે. થેરેસા મેને પતિ ફિલીપે દરેક પળે, દરેક સ્થળે ભારે સમર્થન આપ્યું છે તેના જ પરિણામે આજે તેઓ વડા પ્રધાન પદ સુધી પહોંચ્યા છે એમ કહીએ તો ખોટું નથી. અરે ખુદ થેરેસા એમ વારંવાર કહે છે...
વાચક મિત્રો, એક બીજી પણ અગત્યની વાત કરી જ લઉં. મિસિસ માર્ગરેટ થેચર બ્રિટનના પ્રથમ મહિલા વડા પ્રધાન હતા તે સાચું, પરંતુ તેમણે દેશની મહિલાઓ રાજકારણમાં વધુ સક્રિય થાય, વધુ પ્રવૃત્ત થાય તે માટે ખાસ પ્રયાસો કર્યા નહોતા. થેરેસાની ખાનદાની છે કે તેમણે એક સ્ત્રી તરીકેના વિશેષાધિકાર ભોગવીને રાજકીય કારકિર્દી આગળ ધપાવવાના ઉધામા કર્યા વગર જ જાતમહેનતથી આગળ વધ્યા છે. જોકે રાજકીય યાત્રા દરમિયાન તેમણે પણ અનુભવ્યું હશે કે આ ક્ષેત્રે પોતાની કારકિર્દી આગળ ધપાવવાનું એક મહિલા માટે કેટલું મુશ્કેલ પુરવાર થતું હોય છે. આથી તેમણે એમ.પી. થયા બાદ અન્ય મહિલા સાંસદોના સહયોગમાં નવું સંગઠન સ્થાપ્યું - Women 2 win (નારીશક્તિ જીતેંગે)
થેરેસા મે પોતે ડાયાબિટીક છે અને દરરોજ ચાર વખત ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લે છે. અને હા, આ વાત તેઓ છુપાવતા નથી. બહુ ઓછા લોકો જાણે અને સમજે છે કે ડાયાબિટીસ એ બીમારી કે રોગ નથી, પરંતુ શારીરિક સ્થિતિ છે. પેન્ક્રિયાસ ગ્લેન્ડમાં ઇન્સ્યુલિન ન બનતું હોવાથી બ્લડમાં સુગર નિયંત્રણ થતું નથી. આ સ્થિતિ નિવારવા માટે ઇન્સ્યુલિન લેવું સહજ છે.
વાત નારીશક્તિની ચાલી રહી છે તો અમેરિકાના નીકિ હેલીનો ઉલ્લેખ કર્યા વગર તો વાત અધૂરી જ રહે. અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સુશ્રી નીકિ હેલીની યુનાઇટેડ નેશન્સમાં અમેરિકી એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે. કોઇ ભારતવંશી વ્યક્તિએ અમેરિકી સરકારમાં કેબિનેટ પ્રધાન સમકક્ષ દરજ્જો મેળવ્યો હોવાની આ પ્રથમ ઘટના છે. નીકિ પણ માર્ગરેટ થેચરની જેમ ૧૨ વર્ષના હતા ત્યારે માતાને ધંધામાં મદદ કરતા હતા. કુમળા છોડને વાળો તેમ વળે. નીકિ હેલીએ આજે સફળતાના આસમાનમાં ઊંચી ઊડાન ભરી હોવા છતાં તેમના પગ ધરતી પર છે તેના મૂળમાં પાયાની વાત એ છે કે તેમનો ઉછેર સામાન્ય માહોલમાં થયો છે. આપને આ અંકમાં તેમના વ્યક્તિત્વ વિશે અન્યત્ર વિગતવાર વાંચવા મળશે.
ભારતવંશી નીકિ હેલીનું નામ અમેરિકામાં ગાજી રહ્યું છે તો જીના મિલરનું નામ કેટલાક સમયથી બ્રિટનમાં ગાજી રહ્યું છે. ગયાનાના હિન્દુ પરિવારની આ પુત્રી ‘બ્રેક્ઝિટ’ના નિર્ણયને હાઇ કોર્ટમાં પડકારીને દેશભરમાં છવાઇ ગઇ છે. જીનાનો જન્મ ગયાનામાં થયો છે, પણ ઉછેર બ્રિટનમાં. તેના પિતા દૂદનાથ સિંહ ગયાનામાં એટર્ની-જનરલ હતા. બહુમુખી પ્રતિભા ધરાવતી જીના મિલર ફિલાન્થ્રોપીની સ્થાપક ચેરમેન છે. આ સંસ્થા તેમણે બાવન વર્ષીય પતિ એલનના સહયોગમાં સ્થાપી છે. એલન નાણાકીય સંસ્થામાં ફંડ મેનેજરના ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે.
નારીશક્તિએ અનેકવિધ ક્ષેત્રે હાંસલ કરેલી સફળતાની યાદી તૈયાર કરો તો આ અંક પણ નાનો પડે, પરંતુ આપણે સેરેના રીસની વાત કરીને આ સપ્તાહ પૂરતી કલમ-યાત્રાને અટકાવશું. નીકિ હેલી અને જીના મિલરની જેમ જ આજકાલ સેરેનાનું નામ બહુ ચર્ચામાં છે. કાશ્મીરી-ભારતીય પરિવારની સેરેનાએ બ્રિટનમાં બિઝનેસ ક્ષેત્રે એજન્ટ પ્રોવોકેટરના સહ-સ્થાપક તરીકે આગવી નામના મેળવી છે. આ કંપની પરફ્યુમ, શૂઝ તેમજ સ્ત્રીઓના અંતર્વસ્ત્રોના ઉત્પાદન ક્ષેત્રે બહુ જાણીતું નામ છે.
આજે દરિયાપારના દેશોમાં ભારતીય સમાજ જે આગેકૂચ કરી રહ્યો છે, વિકાસપંથે હરણફાળ ભરી રહ્યો છે તેમાં માતૃશક્તિનું અમૂલ્ય યોગદાન છે. પરંતુ અફસોસ... સમાજ તે સ્વીકારતો નથી. યત્ર નાર્યેસ્તુ પૂજ્યંતે, રમન્તે તત્ર દેવતા... જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં જ દેવતાઓનો વાસ હોય છે તેવી આપણી જ સંસ્કૃતિનું સૂત્ર ભૂલી ગયા હોય તેવું લાગે છે. (ક્રમશઃ)
•••