ચિતાસમાન ચિંતા ટાળો, જીવનની મોજ માણો

જીવંત પંથ-2 (ક્રમાંક 53)

- સી.બી. પટેલ Wednesday 19th March 2025 06:36 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે આપ સહુની સમક્ષ એવા કેટલાક મહત્ત્વના મુદ્દાઓ ઉપર મારે રજૂઆત કરવી છે કે જેને હું ટાળવામાં હંમેશા ડહાપણ સમજું છું. એક તો આપણે કોણ? બિંદુસમાન માનવ કે જેનું પળભર અસ્તિત્વ આ સૃષ્ટિ પર હોય છે. પરંતુ સમાજમાં આસપાસ નજર કરશો તો એવા અનેક લોકો નજરે પડશે એક યા બીજા પ્રકારે એવી મનોસ્થિતિમાં અટવાતા જોવા મળશે કે હું કંઇ જ નથી, હું સુક્ષ્મ છું, મારું અસ્તિત્વ નથી, મારી કોઇ હેસિયત નથી કે હું તો નિષ્ફળ છું... તો બીજી તરફ, કેટલાક લોકો એવા વિચારવમળમાં, કહો કે મદમાં - ઘમંડમાં રાચતા જોવા મળશે કે હું તો બહુ પૈસાદાર છું, હું બહુ પાવરફુલ છું કે હું અમુકતમુક ઉચ્ચ જ્ઞાતિનો છું કે પછી મારો બોલ ઉથાપવાની કોઇની તાકાત નથી... વગેરે વગેરે. તુલસી ઇસ સંસાર મેં ભાંતિ ભાંતિ કે લોગ કંઇ અમસ્તું થોડું કહ્યું છે?! પણ આજે મારે વાત કરવી છે મને - તમને - આપણને સહુને સ્પર્શતા કેટલાક મુદ્દાની.
હું જાણીજોઇને કે ખાસ પ્રયત્નપૂર્વક ‘જીવંત પંથ’માં કેટલાક મુદ્દા કે સમસ્યાની ચર્ચા ટાળતો રહ્યો છું. આવો જ એક મુદ્દો છે આસિસ્ટેડ ડાઇંગનો. આ એક એવો મુદ્દો છે જેના અંગે લોકોના મનમાં અનેક શંકા-કુશંકા-પ્રશ્નોનો વંટોળ ઘુમરી લઇ રહ્યો છે. બ્રિટિશ પાર્લામેન્ટ હાઉસ ઓફ કોમન્સમાં છેલ્લા કેટલાય મહિનાઓથી આસિસ્ટેડ ડાઇંગના બિલ પર ચર્ચા ચાલી રહી છે. જે પ્રકારે લાંબા સમયથી આ બિલ મુદ્દે ચર્ચાનો વંટોળ ઉઠતો રહ્યો છે અને એક યા બીજા પ્રકારે આ મુદ્દો ખોતરાતો રહ્યો છે તેના આધારે કહી શકાય કે આસિસ્ટેડ ડાઇંગના મામલે કેટલાયના મનમાં ચિંતા ઘર કરી ગઇ હશે. આમ થવાના એક નહીં, અનેક કારણ છે. કેટલાકને આ મામલે પૂરી ખબર પડતી નથી. કેટલાક વળી ‘મૃત્યુ’ શબ્દમાત્રના ઉલ્લેખથી ચિંતામાં છે તો કેટલાક આ મુદ્દે વધુ પડતા સંવેદનશીલ બની ગયા છે. સહુ કોઇની મૂંઝવણ સમજી શકાય તેવી છે, અને તેથી જ આજે આ મુદ્દે ચર્ચા છેડવી પડી છે.
વાચકમિત્રો, મરવું કોને ગમે? બાપલ્યા, મનમાં મલકો નહીં, હું મારી વાત નથી કરતો... હું તો ખુલ્લેઆમ કહું છું કે હે પરમાત્મા આપે મને આ સૃષ્ટિ પર મોકલ્યો છે તો આપની પણ અપેક્ષા હશે કે હું લાબું જીવું, મારી તબિયત સાચવું અને સારા કામ કરું અને તે રીતે માનવ તરીકેનો આ ફેર સફળ રહે. ઇશ્વરકૃપાથી માનવદેહ મળ્યો છે તો આ ધરતી પર ક્યાં સુધી રહીશ એ પણ તે જ નક્કી કરશે. સહુ કોઇએ સમજી લેવું રહ્યું કે જન્મ લેનાર દરેક જીવમાત્રનું મૃત્યુ નિશ્ચિત છે. એક સંસ્કૃત સુભાષિતમાં કહેવાયું છેઃ યદેકો જાયતે જન્તુઃ એક એવં વિનશ્યતિ. અર્થાત્ જીવ એકલો જ જન્મે છે અને એકલો જ મરણ પામે છે. જો આટલું સનાતન સત્ય સમજાઇ ગયું તો ભયો ભયો... ભગવાન શ્રીકૃષ્ણે પણ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં અર્જુનને આ જ સમજાવ્યું હતું ને?
મૃત્યુ એ ટાળી ન શકાય તેવું નક્કર સત્ય હોવા છતાં બ્રિટિશ પાર્લામેન્ટમાં રજૂ થયેલા આસિસ્ટેડ ડાઇંગના બિલના બારામાં અમુક પ્રશ્ન વધારે પરેશાન કરે તેવા છે. જેમ કે, વ્યક્તિ જ્યારે અસાધ્ય દર્દથી અત્યંત પીડાતી હોય અને પેઇન કિલર સહિતની જીવનરક્ષક દવાઓના મારાથી તે નિંદ્રા કે તંદ્રામાં વધુ રહેતી હોય, વિચારશક્તિ બરાબર કામ ન કરતી હોય તેવા સમયે ઐચ્છિક મૃત્યુનો મોટો નિર્ણય લેવો તે જાનનું જોખમ છે, પીડા પણ છે.
વાચક મિત્રો, આપ સહુ જાણો છો તેમ હું સતત લોકો વચ્ચે હરતોફરતો રહું છું. આપના જેવા મિત્રો - સમર્થકોને મળતો રહું છું અને વિચારોનું આદાનપ્રદાન કરતો રહું છું. હમણાં આવા જ એક પ્રસંગે ખ્રિસ્તી પાદરી સાથે વિચારવિનિમય કરવાનો અવસર મળ્યો. તેમણે વાત વાતમાં કહ્યું કે હું શાંતિપૂર્ણ મૃત્યુ ઇચ્છું છું. મેં તરત, પણ સવિનય કહ્યું કે અપવાદને બાદ કરતાં મૃત્યુની અંતિમ પળો શાંતિપૂર્ણ જ હોય છે. તબીબી નિષ્ણાતો પણ કહે છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ આવે છે ત્યારે ધીમે ધીમે તેના ગાત્રો શિથિલ થતા જાય છે. હાથ-પગ સહિતના અંગઉપાંગોનું સાનભાન લુપ્ત થતું જાય છે. મૃત્યુના સામાન્ય સંજોગોમાં આ પ્રક્રિયા એટલી સ્થિર ગતિએ આગળ વધે છે કે જ્યારે આત્મા/જીવ શરીર છોડે છે ત્યારે વ્યક્તિ ચિર શાંતિ અનુભવતી હોય છે - પછી ભલે તે વ્યક્તિ કોઇ રોગથી પીડાતી હોય કે ના પીડાતી હોય. હા, હસતા-રમતા માણસ પર અકસ્માત-દુર્ઘટના કે તેવા બીજા કોઇ કારણસર મોત ટપકી પડે તો વાત અલગ છે, અન્યથા મોતની ઘડી મોટા ભાગે ચિર શાંતિની પળ જ હોય છે.
બ્રિટનની સંસદમાં આસિસ્ટેડ ડાઇંગ બિલ મુદ્દે ચર્ચા દરમિયાન કેટલાય વિદ્વાન - અનુભવી - સંવેદનશીલ એમપીઓ નાનામાં નાના મુદ્દાની વિગતવાર છણાવટ કરી રહ્યા છે, બિલનાં સારા-નરસાં પાસાં ચર્ચાની એરણે ચકાસી રહ્યા છે. જેથી ‘આસિસ્ટેડ ડાઇંગ’ના ઓઠા તળે કોઇ છેતરપિંડી ના થાય, અંગત સ્વાર્થ માટે કે કોઇ વ્યક્તિના પ્રપંચના કારણે કોઇ દર્દી ઐચ્છિક મોતના બદલે અનૈચ્છિક મોતના મુખમાં ના ધકેલાય જાય તે બાબતની આવશ્યક કાળજી લેવા ઘણી દરખાસ્તો આવી છે. નિષ્ણાત ડોક્ટરોથી લઇને ન્યાયધીશોના અભિપ્રાય સહિતની ઘણી જોગવાઇ કરવામાં આવશે એ ચોક્કસ.
મારા મતે બ્રિટનમાં આ કાયદો હજુ તો ચર્ચાની તાવણીમાં તપાસાઇ રહ્યો છે. આ દેશમાં કોઇ પણ મામલે નાનીમોટી કાયદાકીય જોગવાઇ ઘડતાં કે લાગુ કરતાં પહેલાં અનેક પાસાં પર ઝીણવટભર્યો વિચારવિનિમય થાય છે. જે તે નિયમ - જોગવાઇને સો ગળણે ગાળ્યા બાદ... તેના સાચાખોટાં - સારાનરસાં પાસાંનું મૂલ્યાંકન કર્યા બાદ જો બધું ઠીકઠાક જણાય તો જ તે કાનૂની સ્વરૂપ ધારણ કરે છે. કોઇ પણ નીતિ-નિયમમાં ક્યાંય પણ રતિભારેય શંકા-કુશંકા જણાય છે તો તેને ઠીકઠાક કરાય છે, અને જો આવું થઇ શકે તેમ ન હોય તો તેને અભેરાઇએ ચઢાવી દેવાય છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે મારી કે તમારી કલ્પનાશક્તિથી પણ આગળનું વિચારીને દરેક કાયદા ઘડાતા હોય છે. જ્યારે આ તો બીમાર વ્યક્તિના જીવનમરણ સાથે જોડાયેલો પ્રશ્ન છે. આ સંજોગોમાં આસિસ્ટેડ ડાઇંગ બિલના મુદ્દે હજુ તો ઘણી ચર્ચા થશે.
આ સંજોગોમાં મારા હમઉમ્ર કે વધતી-ઓછી વયના લોકોએ આસિસ્ટેડ ડાઇંગ બિલના મુદ્દે ઓછીવત્તી કે સાચી-ખોટી ચિંતા કરવાની જરૂર નથી. કોઇ આ કાયદાનો ઉપયોગ કે દુરુપયોગ કરીને મારો કે તમારો જીવ લઇ લેવાનું નથી. નાહકની ચિંતા કરીને ચિતા નજીક પહોંચી જવાની જરૂર નથી. ચિંતા ચિતાસમાન કંઇ અમસ્તું નથી કહ્યું. આજનો લ્હાવો લિજિયે રે... માનવજીવન મળ્યું છે તો તેને ભરપૂર માણો. હું તો ત્યાં સુધી કહીશ કે પરિવારજન હોય, સગાંસ્વજન હોય કે પ્રિયજન હોય - તેમના સાથસંગાથની હર એક પળ માણો.
આપણા બ્રિટનની લાઇફલાઇન ગણાતી NHS માટે સૌથી માથાના દુખાવારૂપ સમસ્યા તેનો જંગી ખર્ચો કે દર્દીની કાળ કે નિષ્કાળજી નથી, પણ દર્દીના મનમાં દોડતાં ચિંતાના ઘોડા છે. વ્યક્તિ બીમાર હોય કે ના હોય, નાનીમોટી શારીરિક-માનસિક તકલીફ થાય કે તરત જ તેના મનમાં વિચારોનું ઘોડાપૂર ધસમસવા લાગે છે. આધિ-વ્યાધિ અંગેના વધુ પડતા વિચાર વ્યક્તિને તન-મનથી ખોખલી કરી નાંખે છે, અને દુનિયાના કોઇ મેડિકલ સાયન્સમાં આનો ઇલાજ નથી.
ભૂતકાળમાં હું મારી શારીરિક તકલીફો વિશે લખી ચૂક્યો છું. તે સમયે હું અલ્સરથી હેરાનપરેશાન હતો. ડાયાબિટીસે પણ શરીરમાં પગપેસારો કર્યો હતો. પ્રોસ્ટેટમાં તકલીફ શરૂ થઇ હતી. વાચક મિત્રો, કોઇ પણ બાબતનું અધકચરું જ્ઞાન વધુ ખતરનાક હોય છે. મારા કિસ્સામાં પણ આવું જ હતું. હું કન્સલ્ટન્ટ પાસે ગયો. તેમના સમક્ષ મારી શારીરિક તકલીફો વર્ણવી, અને તેની સાથે જોડાયેલી ચિંતા વ્યક્ત કરી. કેટલાક મુદ્દે ચિંતા સાચી હતી, પણ મોટા ભાગની ચિંતા ખોટી હતી. તેમણે મને શાંતિપૂર્વક સાંભળ્યો, અનેક પ્રશ્નો પૂછ્યછયા અને પછી ઠાવકાઇથી કહ્યુંઃ ‘જો સી.બી., તારી ચિંતાઓ અંગે જાણ્યા પછી તને એટલી ખાતરી તો અવશ્ય આપી શકું એમ છું કે તારે પ્રસવની પીડા નહીં ભોગવવી પડે... કેમ કે તું પુરુષ છો.’ અને અમે બન્ને હસી પડ્યા.
આ પછી તેમણે જે કહ્યું તે સહુકોઇએ સાંભળવા - સમજવા અને જીવનમાં અપનાવવા જેવું છે. તેમણે ઉમેર્યુંઃ ઢંગધડા વગરની ચિંતા કરવાનું છોડી દે... થોડીક લાઇફસ્ટાઇલ સુધાર, ખાવાપીવામાં કાળજી રાખ, હરવાફરવાનું ચાલુ છે તે સારું છે, પણ થોડોક ધીમો પડ. થોડો સમય તારી જાત સાથે પણ વીતાવ, આ માટે સવારના ખુલ્લી હવામાં થોડુંક ચાલવાનું આદત રાખ...’ આ વાતને આજે 40 વર્ષ થઇ ગયા. જ્યારથી આ જ્ઞાન લાધ્યું છે, કન્સ્લ્ટન્ટની સલાહનો અમલ શરૂ કર્યો છે ત્યારથી સદાબહાર સ્વસ્થ - ટનાટન જીવન જીવી રહ્યો છું.
તો બાપલ્યા, આપ સહુને પણ મારે એટલું જ કહેવું રહ્યું, કોઇ પણ વાતે બહુ ચિંતા કરવાનું છોડો, અને (તન-મનને માફક એવું) ખાઓ-પીઓ અને એશ કરો. સહુકોઇને બને તેટલા મદદરૂપ બનતા રહો. અને સારા કામ કરવાનો અવસર ના ચૂકો. પછી જૂઓ, દિવસો કેવા ફુલગુલાબી પસાર થાય છે.

જીવનની સાચી કમાણી

તન-મનની વાત કરી છે તો ધનનો મુદ્દો કેમ રહી જાય ખરુંને?! હમણાં એક ફાઇનાન્સિયલ જર્નલમાં અભ્યાસના આધારે તારણ રજૂ થયું છે કે માણસ કોઇ ચીજની અછતથી દુઃખી થાય એ તો સમજ્યા, પણ આજકાલ માણસો (નાણાંની - ચીજવસ્તુઓની કે સંબંધોની...) ભરપૂર છત હોવા છતાં નિરર્થક ચિંતા કરીને દુઃખી થઇ રહ્યા છે.
હમણાં ઊંચા ગજાના એક સજ્જન અને નિષ્ણાંત એકાઉન્ટન્ટ સાથે આ મુદ્દે ચર્ચા થઇ. આવકજાવકના હિસાબકિતાબ હોય કે મૂડીખર્ચની વાત હોય, વસિયતની વાત હોય કે વહેંચણીની વાત હોય, પરમાત્માને માથે રાખીને સોળ આની સલાહ આપવા માટે જાણીતા આ સજ્જને બહુ ટૂંકમાં પણ ચોટદાર વાત કરી. તેમનું કહેવું હતું કે વ્યક્તિના આવા વલણના મૂળમાં હોય છે અસંતોષ. નાણાંના અભાવથી પીડાતી વ્યક્તિ દુઃખી હોય એ તો સમજી શકાય પણ આજકાલ ખાધેપીધે સુખી લોકોને પણ રોદણાં રોતાં જોઇએ ત્યારે નવાઇ લાગે છે. આવા લોકો પોતે તો દુઃખી થાય છે, પરંતુ (કાયમ રોદણાં રોતાં રહેવાના) તેમના અભિગમથી બીજાને પણ દુઃખી કરતા રહે છે.
 આ એકાઉન્ટન્ટ સાહેબે એક બહુ રસપ્રદ વાત કરી કે તેમણે એવા પણ કિસ્સા જોયા છે જેઓ ઠીક ઠીક સમયથી બ્રિટનમાં વસતાં હોય છે, પોતિકી માલિકીના મકાનમાં વસવાટ કરતાં હોય છે, તેનું મોર્ગેજ પણ ભરાઇ ગયું હોય છે, અને સમયના વહેવા સાથે મિલકતની માર્કેટવેલ્યુમાં સારો એવો વધારો નોંધાયો હોય છે. આ ઓછું હોય તેમ આ દેશમાં બે-ત્રણ બીજી પ્રોપર્ટી ધરાવતા હોય છે, સંતાનો સારી રીતે પોતાની લાઇફમાં સારી રીતે સેટ થઇ ગયા હોય અને તે પણ તગડી આવક રળતા હોય છે. આવા લોકોને પણ નાણાં માટે રોદણાં રડતાં જોયા છે.
વાચક મિત્રો, આવા લોકોની માનસિકતા માટે આપણે દયા ખાવાથી વિશેષ શું કરી શકીએ? સાચું કહું તો આવા લોકો કમાઇ તો જાણે છે, પણ વાપરવાનું તેમને આવડતું નથી. આખી જિંદગી મહેનત કરીને કમાણી કર્યા બાદ નિવૃત્ત થઇને જીવન માણવાને બદલે હાય મારો પૈસો... હાય મારો પૈસો કરતાં રહેવું મને તો યોગ્ય નથી લાગતું. જિંદગીમાં જ્યારે મહેનત કરવાનો સમય હોય, કામધંધો કરીને નાણાં કમાવાનો સમય હોય ત્યારે તમે દિવસરાત મહેનત કરો એ તો સમજ્યા, પણ નિવૃત્તિનો સમય સારી રીતે જીવી શકાય તેટલી સંપત્તિ એકઠી થઇ ગયા બાદ તો પરિવારને, તેમની સાથે આનંદપ્રમોદને પ્રાધાન્ય આપવું જ રહ્યું. જીવનની સાચી કમાણી તો આખરે આ જ છે. પૈસા - ધનને સંપત્તિને જ પ્રાધાન્ય આપવાની વ્યક્તિની આ મનોવૃતિ આખરે તો પોતાના પરિવારનો - પોતાના સંતાનોનો વિશ્વાસ ગુમાવી બેસે છે. આવું ના બનવું જોઇએ. આખરે તો આપણે ખાલી હાથે આવ્યા છીએ, અને ખાલી હાથે જવાનું છે.
જીવનમાં માત્ર ધનસંપત્તિ જ સર્વસ્વ નથી, જીવનમાં થોડીક ઉદારતા દાખવો - થોડીક અનુકંપા દાખવો તે પણ જરૂરી છે. સહુકોઇએ પોતાની જાતને એક સવાલ અવશ્ય પૂછવો રહ્યોઃ આપણે કોણ છીએ?

સનાતન ધર્મના હિતાર્થે સ્તુત્ય પ્રયાસ

અને છેલ્લે... એક વાત સનાતન ધર્મની. બ્રિટનમાં સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હિન્દુ - જૈન - શીખ - બૌદ્ધિષ્ટ સહિત વિવિધ સમુદાયના અનેક ભાઇભાંડુઓ બહોળી સંખ્યામાં વસવાટ કરે છે. જોકે નાના-મોટા પ્રશ્નો હોય, ભાઇશ્રી નીતિન પલાણ, નિલેશ સોલંકી અને બીજા મિત્રો આ બાબતે સંગીન કામ કરી રહ્યા છે. એકશન ફોર હાર્મની, હિન્દુ એજ્યુકેશન બોર્ડ, એન્ટી હિન્દુ હેટક્રાઇમ કેમ્પેઇન... આ બધા મુદ્દે આયોજનપૂર્વક સુંદર ચર્ચાવિચારણા થાય છે. અને સરકાર, હોમ ઓફિસ, સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ વગેરે સહિતના સંબંધિત સત્તાધીશો સમક્ષ દસ્તાવેજી પુરાવાઓ દ્વારા તર્કબદ્ધ રજૂઆત થાય છે. આ દેશમાં એન્ટિ સેમિટિક (યહૂદીવિરોધી), ઇસ્લામોફોબિયા (મુસ્લિમવિરોધી) જેવા મુદ્દે ચળવળ ચાલી રહી છે ત્યારે આપણું સદ્ભાગ્ય છે કે સનાતન ધર્મ માટે મન - વચન - કર્મથી પ્રતિબદ્ધ હોય તેવા લોકો પણ સરસ કામ કરી રહ્યા છે. ખરેખર આ પહેલ અભિનંદનીય છે. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter