વડીલો સહિત સહુ વાચક મિત્રો, વૈશ્વિક સ્તરે ધનવાન વધારે ધનિક બની રહ્યા છે અને અછતવાળા પ્રમાણમાં વધુ અછતવાળા બની રહ્યા છે. કેટલાકને આ વાત કદાચ માન્યામાં નહીં આવે, પણ આંકડાઓ તો આ ચોંકાવનારી કડવી હકીકત ઉજાગર કરે જ છે. દુનિયામાં કુલ ૬૨ બિલિયોનેર્સ એવા છે કે જેમની સંપત્તિનો સરવાળો માંડશો તો જણાશે કે વિશ્વની કુલ સંપત્તિમાંથી લગભગ અડધોઅડધ સંપત્તિ તેમના હસ્તક છે. અડધમાં રામ અને અડધમાં ગામ એવી કહેવત તો આપણે સહુ જાણીએ છીએ, પરંતુ અહીં તો એક ટકામાં ‘રામ’ અને બાકીના ૯૯ ટકામાં આખી દુનિયા સમાય જતી હોવાનો ઘાટ છે. વિશ્વના ૬૨ ધનાઢય મહાનુભાવોની યાદીમાં તમને ભારતીય વંશજોના નામ પણ જોવા મળશે. ધનાઢયોની આ યાદી તમને ‘ગુજરાત સમાચાર’માં અન્યત્ર વાંચવા મળશે જ તેથી તેનું પુનરાવર્તન ટાળી રહ્યો છું, પરંતુ આપ સહુ સુજ્ઞ વાચકોને એક અનુરોધ અવશ્ય કરવાનો કે તેના પર એક નજર અવશ્ય ફેરવજો.
જે વ્યક્તિઓ પોતીકા બળે, પરસેવો વહાવીને ધનવાન બન્યા છે તેની સામે કોઇને પણ વાંધો હોય શકે નહીં. ભારતીય સનાતન સંસ્કૃતિમાં જેનું સવિશેષ મહત્ત્વ છે તેવા ચાર સ્તંભો ધર્મ, અર્થ, કામ અને મોક્ષની યાદીમાં ધન, સંપત્તિ, માલમિલકત બીજા નંબરનું મહત્ત્વનું સ્થાન ધરાવે છે એ વાતની ન તો આપણે ઉપેક્ષા કરી શકીએ, અને ન તો તેને નજરઅંદાજ કરી શકીએ. અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ધનપ્રાપ્તિ, ધનસંચય અને ધનઉપયોગ આપણા જીવનમાં એક પાયાની બાબત છે. આપણે યુગો યુગોથી આ બાબતને આપણા જીવનમાં - એક યા બીજા પ્રકારે - ચરિતાર્થ કરતા રહ્યા છીએ. અર્થ હોય, કામ હોય કે મોક્ષની ભાવના હોય... ત્રણેયનું જીવનમાં આગવું મહત્ત્વ છે, પરંતુ જો તેને ધર્મના ધોરણે પામવામાં આવે તો.
સદભાગ્યે માનવમાત્ર પોતીકી સંપત્તિમાંથી યથામતિ યથાશક્તિ સમાજના અન્ય જરૂરતમંદ ભાઇભાંડુ માટે ફાળવતો જ હોય છે. દરેક સમજદાર અને જવાબદાર વ્યક્તિના હૃદયમાં અન્યને સહાયભૂત થવાની ભાવના ઓછાવત્તા અંશે હોય જ છે. વીતેલા પખવાડિયે આ જ કોલમમાં મેં ટાંક્યું હતુંઃ કોઇને કશું જ આપી ન શકે કે કોઇકને માટે કશું ન કરી શકે તેવો દરિદ્ર કે નિર્બળ માણસ હોતો જ નથી. આ શબ્દોને હોંગકોંગના એલ્સી ટુએ શબ્દશઃ ચરિતાર્થ કર્યા છે. તેમણે ૧૦૨ વર્ષની વયે ગત આઠમી ડિસેમ્બરે અંતિમ શ્વાસ લીધા છે, પરંતુ તેમણે કરેલા સામાજિક કાર્યો આજે પણ મહેક ફેલાવી રહ્યા છે, અને વર્ષો પછી પણ તે ફોરમતા રહેશે તેમાં બેમત નથી. એલ્સીએ લગભગ ખાલી હાથે સેવાકાર્યો શરૂ ધર્યા હતા. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે મન હોય તો માળવે જવાય, એમ ઇચ્છા હોય તો ખાલી હાથે પણ સત્કાર્યો થઇ શકે. આ તો વાત થઇ ખાલી હાથ ધરાવતા લોકોની. ધનવાનો માટે તો માત્ર મુઠ્ઠી મોકળી કરવાનો જ સવાલ હોય છે ને?!
આપણે તેમની પાસે સહજ અપેક્ષા રાખી શકીએ કે સામાન્ય વ્યક્તિ કરતાં વધુ ધન ધરાવતા કે અસામાન્ય પ્રમાણમાં સંપત્તિ ધરાવતા હોય તેમનામાં વધુ ઉદારતા અને વધુ સંવેદનશીલતા આવકાર્ય છે. બ્રિટનમાં નાના માણસો વર્ષેદહાડે સરેરાશ ૧૦૦ પાઉન્ડનું દાન આપતા હોય છે. આ વર્ગની આવક બહુ ઓછી હોય છે, છતાં તેઓ ફુલ નહીં તો ફુલની પાંખડી સમજીને સામાજિક યોગદાન આપતા રહે છે. આ લોકોને સાચા અર્થમાં સખાવતી ગણી શકાય. વધુ ધનાઢય, વધુ આપે તે આવકાર્ય છે.
તાજેતરમાં બ્રિટનમાં એક કિસ્સો બહુ ચર્ચાસ્પદ બન્યો છે. એક વ્યક્તિનું મૃત્યુ થતાં તેના પરિવારની મોવડી મહિલા પર દાનધર્મની અપીલ કરતી સંસ્થાઓ દ્વારા એટલા બધા પત્રો, અપીલનો મારો થયો કે તેમણે આ બધાથી ત્રાસી જઇને છેવટે જીવન ટૂંકાવી લીધું. ફંડફાળો મેળવવા માટે આ ચેરિટીવાળાઓ જે હદે માનસિક ત્રાસ ગુજારીને શોષણ કરી રહ્યા છે તે મુદ્દે બ્રિટનભરમાં અત્યારે ભારે ચકચાર મચી છે.
સામાન્ય માણસોમાં વધતાઓછા અંશે સદભાવના હોય જ છે, અને કેટલાક તકસાધુઓ તેનો સતત ગેરલાભ લેતા રહે છે. બ્રિટન હોય, ભારત હોય કે અન્ય દેશ, ચેરિટી ટ્રસ્ટની રચના બહુ આસાન છે. આ જોગવાઇઓ સરળ રાખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે જરૂરતમંદ લોકોને શક્ય તેટલા વધુ પ્રમાણમાં મદદરૂપ થઇ શકાય. પરંતુ કેટલાક લોકો આ સરળતાનો ગેરલાભ ઉઠાવીને અંગત સ્વાર્થ સાધતા રહે છે. પહેલા ચેરિટીના નામે ટ્રસ્ટ રચે અને પછી તેમાં મા મૂળો અને બાપ ગાજરના ન્યાયે પરિવારજનોને કે મળતિયાઓને જ ટ્રસ્ટી તરીકે બેસાડી દે. પછી બાપીકા બિઝનેસની જેમ ‘ધંધો’ શરૂ થાય. સંસ્થાના ઉદ્દેશો અંગે ગાઇવગાડીને મીઠીમધુરી રજૂઆતો થાય. કામ ચપટીક થાય અને દેખાડો મસમોટો કરે. કામ એક પાઉન્ડનું થયું હોય, પણ દેખાડો તો એવો કરે કે ૫૦૦ પાઉન્ડ ખર્ચી નાખ્યા હોય.
વાચક મિત્રો, આ તબક્કે મને એક દાતાએ કહેલો પ્રસંગ યાદ આવે છે. તેમણે કાળી મજૂરીના નાણાનો એક હિસ્સો ઉમદા ઉદ્દેશ સાથે એક સેવાભાવી સંસ્થાને દાનમાં મોકલી આપ્યો. રકમ નાનીસૂની નહોતી. મને બરાબર યાદ તો નથી, પણ આ નાણામાંથી મોબાઇલ ડિસ્પેન્સરી કે એમ્બ્યુલન્સ કે તેવી કંઇક વ્યવસ્થા ઉભી કરવાની હતી. સંસ્થાએ એક જૂનું વાહન ખરીદીને આરોગ્ય સેવાના નામે ફરતું કરી દીધું હતું. શું વચન આપીને દાન મેળવાયું હતું અને કેવો તેનો અમલ થયો હતો. દાતા પરિવાર તો આ જોઇને આઘાત પામી ગયો હતો.
આરોગ્ય ક્ષેત્ર હોય કે શિક્ષણ ક્ષેત્ર હોય, ચેરિટી તો અછતવાળા અને જરૂરતમંદ લોકો માટે જ શરૂ થતી હોય છેને?! આના બદલે કેટલાક બની બેઠેલા ટ્રસ્ટીઓ દાનમાં મળેલા નાણાં યેનકેન પ્રકારેણ ચાઉં કરી જાય છે. માત્ર ચેરિટી સંસ્થાઓ જ આવું કરે છે તેવું નથી, કેટલીક ધાર્મિક સંસ્થાઓ પણ સેવાના અંચળા તળે આવી પ્રવૃત્તિ આચરતી રહે છે.
આપણા સમાજમાં ઘણા ધાર્મિક સંસ્થાનો એવા છે જે અનેકવિધ ક્ષેત્રે જરૂરતમંદ માટે એવું તે નમૂનેદાર કામ કરી રહ્યા છે કે તેની નોંધ મારે-તમારે લેવી જ પડે. તેમનું સેવાકાર્ય જ એટલું શ્રેષ્ઠ અને સુવ્યવસ્થિત હોય કે તમે ઇચ્છો તો પણ તેની ઉપેક્ષા કરી જ ન શકો. આવા સંસ્થાનો માનવતાની સેવા કરીને સમાજસેવાના ક્ષેત્રને ચાર ચાંદ લગાવી દેતા હોય છે. પરંતુ કેટલીક ધાર્મિક સંસ્થાનો ધર્મના અંચળા તળે ચેરિટીના નાણા ભેગાં તો કરી લે છે, પણ તેનો સદઉપયોગ કરવામાં ઊણા ઉતરે છે. દુનિયામાં જ્યાં સુધી આવા લોભિયા, ધુતારા છે ત્યાં સુધી આવી ગોબાચારી થતી જ રહેવાની છે. કદાચ આથી જ બ્રિટનમાં ચર્ચા ચાલી છે કે સેવાકાર્યોના નામે દાનધર્માદો મેળવતી ચેરિટી પર શક્ય તેટલી ચાંપતી નજર રાખવા જરૂરી પ્રયાસ થવા જ જોઇએ. જો સરકાર અને સમાજ આ મુદ્દે જાગ્રત નહીં થાય તો સમાજના જરૂરતમંદ ભાઇભાંડુને મદદરૂપ થવાની સામાન્ય માનવીની ભાવના જ નેસ્તનાબૂદ થઇ જશે.
નરસિંહ મહેતાનું સુંદર ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઇ જાણે રે...’ ભલે જિંદગીમાં ક્યારેય સાંભળ્યું ન હોય, છતાં ચેરિટીમાં શક્ય તેટલો નાનોમોટો સહયોગ આપવા સદા તત્પર જીવ આ ઉમદા સહયોગમાંથી પોતાનો હાથ પાછો ખેંચી લેશે તો નુકસાન કોને થશે? મારા-તમારા જેવા ખાધેપીધે સુખી લોકોને તો કોઇ ફરક નહીં પડે, પણ જરૂરતમંદને જરૂર કમ્મરતોડ ફટકો પડશે. જો આમ પ્રજામાં ચેરિટી સંસ્થાઓ પ્રત્યે વિશ્વાસ નહીં રહે કે તેમને ભરપૂર આસ્થા હશે તેવી ચેરિટીનું ભોપાળું બહાર આવશે તો તે ભવિષ્યમાં બીજી કોઇ સંસ્થાને દાન આપતાં પૂર્વે સો વખત વિચાર કરશે. કાગડા બધા કાળા જ હોય તેવું વિચારીને કોઇને પણ દાન આપવાનો વિચાર જ
કાયમ માટે માંડી વાળે તેવું પણ બની શકે છે. તો આનો ઉપાય શું?
આપણા સહુના કમનસીબે ચોરને હંમેશા ચાર આંખ હોય છે. જેઓ ચેરિટીના નામે ધંધો માંડીને બેઠા છે તેમને તો જરૂરતમંદો સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથીને? આવા લોકો તો આમ પ્રજાની ઉદારતાનો એક યા બીજા પ્રકારે ગેરલાભ ઉઠાવતા રહીને જલ્સા કરતા જ રહેશે. આરોગ્ય ક્ષેત્રે ચેરિટીનું ધુપ્પલ નહીં ચાલે તો જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે શિક્ષણના નામે પાખંડ ચલાવશે અને જો આ શિક્ષણના નામે નાણા ભેગા નહીં થઇ શકે તો દિવ્યાંગોની મદદના નામે નાણા ઉઘરાવશે.
બાય ધ વે, દિવ્યાંગ શબ્દની વાત નીકળી જ છે તો તેની સાથે જોડાયેલી એક આડ વાત પણ કરી લઇએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શારીરિક અક્ષમ લોકોની ઓળખ માટે વાપરેલો એક સર્વોત્તમ શબ્દ એટલે દિવ્યાંગ. વડા પ્રધાને તેમની અતિ લોકપ્રિય ‘મન કી બાત’ રેડિયો પ્રોગ્રામમાં તાજેતરમાં શારીરિક અક્ષમ કે વિકલાંગ લોકોની સમસ્યાઓ અને તેમની સજ્જતા વિશે વાત કરતા કહ્યું હતું કે આ લોકો શરીરના એકાદ અંગ કે ભાગથી કદાચ અક્ષમ હશે, પણ એક યા બીજા પ્રકારે સામાન્ય માનવી કરતાં પણ વધુ સુસજ્જ, સક્ષમ હોય છે. અને આથી જ તેઓ વિકલાંગ નહીં, દિવ્યાંગ હોય છે.
ફંડફાળો ઉઘરાવવામાં હોંશિયાર, કાગળ પર આયોજન કરવામાં કુશળ અને આંકડાના ચિતરામણ કરવામાં માહેર સંસ્થાઓ મોટા ભાગે ભારતીય, ગુજરાતી કે એશિયન સમુદાયને નિશાન બનાવે છે કેમ કે તેઓ જાણે છે કે આ સમુદાય ધર્મભીરુ, માનવતાના સમર્થક હોય છે. ધર્મના નામે, સેવાના નામે, સમાજ ઉત્થાનના નામે ફંડફાળો ઉઘરાવી સૌને છેતરતી સંસ્થાઓ વિશે જોવા કે જાણવા મળે ત્યારે દુઃખ પણ થાય અને માનવતાના નામે સમાજનું શોષણ કરતા લોકો પર ગુસ્સો પણ આવે. પરંતુ થાય શું?
છેલ્લા થોડાક સમયમાં કેટલાક વાચકોએ ‘ગુજરાત સમાચાર’ને પત્રો લખીને પોતાની હૈયાવરાળ ઠાલવી છે, જેમાં ચેરિટેબલ પ્રવૃત્તિના ઓઠા તળે પોતાનો સ્વાર્થ સાધતી બે સંસ્થાની માહિતી સાંપડી છે. આમાંની એક સંસ્થા તો ભારત તેમ જ અન્ય દેશોમાં જરૂરતમંદો માટે સેવા કરી રહી હોવાના વાહિયાત દાવા સાથે દર સપ્તાહે સરેરાશ બેથી ત્રણ હજાર પાઉન્ડ એકઠા કરે છે. વાચક મિત્રો, તમે જરા સરવાળો માંડજો - વર્ષેદહાડે આ ફંડફાળાનો આંકડો કેટલા પાઉન્ડ સુધી પહોંચતો હશે. આ સંસ્થા મુખ્યત્વે બ્રિટનના ગુજરાતી સમુદાયમા, હિન્દુ અને જૈન સમુદાયમાં, સક્રિય છે. સંભવ છે કે આ સંસ્થા પાંચ-પચીસ ટકા રકમ સારા કામમાં ફાળવતી પણ હશે, પરંતુ - કેટલાક વાચકોએ લખી જણાવ્યું છે તેમ - મોટા ભાગે તો આ સંસ્થામાં સેવાના નામે ડિંડવાણું જ ચાલે છે. લંડન, લેસ્ટર જેવા શહેરોમાં નાટકના શો વખતે આ ચેરિટી સંસ્થાના અગ્રણીઓ ૧૦-૧૫ ટિકિટ ખરીદી લઇને સાગમટે મોજ માણવા પહોંચી જાય છે. આ લોકો દાતાઓની આંખમાં તો ધૂળ નાંખી શકતા હશે, પણ તેમના માંહ્યલાનું શું? આ ચેરિટીવાળાઓએ પોતાના અંતરમનને પૂછવું જોઇએ કે જે ઉદ્દેશ સાથે ચેરિટીની સ્થાપના થઇ છે તે માટે ખરેખર કામ થઇ રહ્યું છે ખરું? કામ થઇ રહ્યું છે તો કેટલું થઇ રહ્યું છે? આપણે સમાજસેવાના નામે મોટા ઉપાડે મોટા સદગૃહસ્થના નામે ચેરિટી સ્થાપીને નાણાં ઉઘરાવીએ છીએ ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ આપણને શોભે છે ખરી?
સદભાગ્યે સમાજની આંખો ઉઘડી રહી છે. અને આમાં ચેરિટી ક્લેરિટી જેવી સંસ્થાઓ મહત્ત્વનું યોગદાન આપી રહી છે. આ સંસ્થા છેલ્લા બે વર્ષથી કાર્યરત છે અને તેના સંચાલનમાં સર્વશ્રી સુભાષ ઠકરાર, પ્રતીક દત્તાણી, અલ્પેશ પટેલ જેવા સુશિક્ષિત, જાગ્રત અને પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાત એવા અગ્રણીઓ સંકળાયેલા છે. ચેરિટી ક્લેરિટી ખૂબ પદ્ધતિસર અને સચોટ સંશોધન દ્વારા ચેરિટી સંસ્થાઓનું મૂલ્યાંકન કરીને તેનો અહેવાલ બહાર પાડે છે. ચેરિટી ક્લેરિટીએ સામાજિક ઉત્થાનના ભાગરૂપે આ મહત્ત્વની પ્રવૃત્તિ શરૂ કરી છે. અમે પણ સામાજિક જાગ્રતિરૂપી આ સેવાયજ્ઞમાં યથાશક્તિ આહુતિ આપવા પ્રયત્નશીલ છીએ.
હવે અમે આ દિશામાં એક ડગલું આગળ વધી રહ્યા છીએ. આપ સહુ સુજ્ઞ વાચક મિત્રો, અવારનવાર આવા ચેરિટી સંબંધિત સમાચારો, અહેવાલો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’માં વાંચતા હશો. આગામી મે મહિનામાં એશિયન વોઇસ અને ચેરિટી ક્લેરિટીના સંયુક્ત ઉપક્રમે એક એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહનો મુખ્ય હેતુ કામિયાબ અને સોળ આની સેવા પ્રવૃતિ કરતી ચેરિટી સંસ્થાઓને બિરદાવવાનો અને ચેરિટીના ઉદ્દેશ સાથે સ્થપાયેલી જે સંસ્થાઓ તેના કામમાં ઉણી ઉતરે છે તેની ઉપેક્ષા કરવાનો છે.
બ્રિટનના કાયદા અનુસાર, બદનક્ષી બાબત કાળજી રાખવી તે જાહેરજીવનમાં પ્રવૃત્ત વ્યક્તિ કે સમાચાર માધ્યમો માટે અગત્યનું હોવાથી આવી ભેળસેળવાળ ી સંસ્થાઓના નામ તો જાહેર થઇ શકે નહીં, પરંતુ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે, જનતા જનાર્દનના શુભ હિતને ધ્યાનમાં રાખીને અસરકારક સમાજસેવા કરતી ચેરિટીઓ વિશે વિગતવાર અને અધિકૃત માહિતી આપવા પ્રયાસ હાથ ધરાયો છે. માનવજીવનના વિકાસ માટે સદભાગ્યે અસંખ્ય સદ્કાર્યો થઇ રહ્યા છે. બ્રિટનમાં જ લગભગ બે લાખ ચેરિટી સરકારના ચોપડે નોંધાયેલી છે. દાન પેટે તેઓ પ્રતિ વર્ષ અબજો પાઉન્ડની આવક મેળવે છે. જે દર્શાવે છે કે સામાન્યજનથી માંડીને ધનવાનો આવી ચેરિટી સંસ્થાઓને મદદ કરવામાં ધન્યતા અનુભવતા હોય છે. જોકે કેટલાક શેતાની પરિબળો અંગત સ્વાર્થ, લાલસા સંતોષવા માટે ઉદારમના માનવીની સદભાવાનાનો વિશ્વાસભંગ કરતા પણ ખચકાતા નથી. આવા સમાજવિરોધી પરિબળોને ડામવા માટે સમાજ, સરકાર અને ન્યાયતંત્ર સક્રિય બન્યા છે તે આવકાર્ય છે.
•••
કાળાં / ખોટાં નાણાં ઓકાવવા અભિયાન
આર્થિક ગુનાખોરીની મોટી મોટી ઘટનાઓમાં ડુંગરા જેવી રકમ ચાંઉ થઇ જતી હોય છે. ગુનેગાર તો વહેલો કે મોડો પકડાય જાય છે અને પુરાવાઓ સંગીન હોય તો તેને આકરી સજા પણ થાય છે, પરંતુ આ ગેરરીતિ દરમિયાન આઘીપાછી થયેલી જંગી રોકડ રકમ ભાગ્યે જ પાછી મળતી હોય છે. આર્થિક ગેરરીતિમાં આજકાલ મનિ લોન્ડ્રીંગનું દૂષણ બહુ વધી ગયું છે. આમાં તમને માત્ર ખરડાયેલો કે કલંકિત ભૂતકાળ ધરાવતા અસામાજિક તત્વો જ નહીં, સમાજના ભદ્ર વર્ગના, કહેવાતા પ્રતિષ્ઠિત અને મોભાદાર વર્ગના લોકો પણ સંકળાયેલા જોવા મળશે. સમાજમાં જરા આસપાસમાં નજર કરજો, અખબારી અહેવાલો પર આંખો ફેરવશો તો તમને આવા કેસોમાં સજા પામેલા દોષિતોના નાનામોટા ફોટોગ્રાફ પણ નજરે ચઢી જશે.
મનિ લોન્ડ્રીંગ એવો વ્યવસાય છે જેમાં નાણાની હેરફેર કેન્દ્રસ્થાને હોય છે. સ્મગલિંગની કાળી કમાણી, કોઇને કિડનેપીંગ કરીને વસૂલ કરેલી ખંડણી, નશીલા પદાર્થોની હેરફેરમાંથી મળેલાં નાણાં, કોઇ સંસ્થા કે રાજકારણમાં ભ્રષ્ટાચાર આચરીને એકત્ર કરેલાં નાણાંને આમાં બહુ સિફતપૂર્વક, સરકારની નજર ચૂકવીને અર્થતંત્રમાં ફરતા કરી દઇને આ કાળી કમાણીને સત્તાવાર કમાણીનું લેબલ લગાવી દેવામાં આવે છે. ‘કાળાં’ને ‘ધોળાં’ કરવાનો ધંધો આજકાલ દુનિયાભરમાં ફૂલ્યોફાલ્યો છે. આ માટે પહેલાં તો કાળી કમાણીને - હવાલા કે તેના જેવા કોઇ ગેરકાયદે માર્ગે - કોઇ ટેક્સ-ફ્રી દેશોમાં પહોંચાડવામાં આવે છે. અને પછી આ રકમને કોઇ કંપની કે બિઝનેસના રૂપાળા ઓઠા તળે ઇચ્છિત દેશમાં પહોંચાડવામાં આવે છે. દુનિયાભરના દેશોની સરકાર આ આર્થિક દૂષણ વિશે જાણે છે, પણ પોલીસની બે તો ચોરની ચાર આંખ જેવો તાલ છે. ઊંટ કાઢે ઢેકા તો માણસ કાઢે કાઠાના ન્યાયે આર્થિક માફિયાઓ નાણાની હેરફેરના નીતનવા (ગેરકાયદે) માર્ગ શોધી જ લે છે.
આ દૂષણે દુનિયાભરમાં માથું ઊંચક્યું છે તેના એક નહીં અનેક કારણો છે. એક તો, આવા લોકોને પકડવા મુશ્કેલ બની રહે છે, અને જો તેઓ પકડાય છે તો ગુનો પુરવાર કરવો મુશ્કેલ બની જાય છે કેમ કે કેસના છેડા દૂર-સુદૂરના દેશ સુધી પહોંચતા હોય છે. બીજું, આવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ બહુ સુશિક્ષિત હોય છે. કાયદાની છટકબારીથી વાકેફ હોય છે. ત્રીજું, પ્રોફેશનલ ક્વોલિફિકેશન હોય તો વેપાર-ધંધો ઉભો કરીને તેના ઓઠામાં મનિ લોન્ડ્રીંગની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોય છે. ચોથું, આ લોકો કાગળ પર હિસાબકિતાબનું ચિતરામણ કરવામાં એક્સપર્ટ હોય છે. તેઓ રજનું ગજ અને ગજનું રજ કરી શકતા હોય છે. જો આવી ‘લાયકાત’ હોય તો જ પોલીસ, કસ્ટમ જેવી તપાસનીશ સંસ્થાઓને ચકમો આપી શકેને?! આમ બહુ જૂજ કિસ્સામાં આરોપી દોષિત ઠરતા હોય છે અને સજા પામતા હોય છે. અને બ્રિટનના કાયદો-વ્યવસ્થા તંત્રને તો આપણે સહુ જાણીએ જ છીએ - આ દેશમાં તો આરોપી દોષિત પુરવાર ન થાય ત્યાં સુધી નિર્દોષ જ ગણાય છે, પછી ભલેને ધરપકડ થઇ હોય.
આક્ષેપ થયા હોય, આરોપ પણ મૂકાયા હોય, પરંતુ સૌથી મોટી જફા તેને કાનૂનના કઠેડામાં પુરવાર કરવાની હોય છે. મનિ લોન્ડ્રીંગના કેસમાં પકડાયેલા લોકો પણ આ વાત સારી પેઠે જાણતા હોય છે. આથી જ તેઓ કાયદાના છટકામાં સપડાયા કે તરત જ મોટા વકીલ કે બેરિસ્ટરની ફોજને કામે લગાડી દે છે. નાના મુદ્દે એવો કાનૂની જંગ ખેલાય કે સરકારી તંત્રને પણ કેસ પુરવાર કરતાં ફાંફા પડી જાય.
સરકારને પણ સમયના વહેવા સાથે સમજાયું છે કે આવા લોકો સામે કાનૂની કાર્યવાહીમાં જંગી રકમ તો ખર્ચાય જાય છે, પરંતુ આ મોટા માથાંઓ કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને જે રકમ ચાઉં કરી જાય છે એ તો સરકારની તિજોરીમાં પાછી આવતી જ નથી. આથી જ સરકારે કાયદામાં રહેલા છીંડા શોધવા માટે સંસદસભ્યોની એક સમિતિ રચી છે. આ હોમ અફેર્સ કમિટીના ચેરમેન કિથ વાઝ કહે છે કે ગઠિયાઓ એક યા બીજા પ્રકારે નાણા ઓળવી જાય છે તે જાણવા મળ્યા બાદ આ તપાસ સમિતિ રચવાનું નક્કી થયું છે. ગુનેગારોને બક્ષવામાં નહીં જ આવે તેવો સ્પષ્ટ સંદેશ તંત્ર દ્વારા જવો જ જોઇએ. આ સમિતિ તંત્રમાં રહેલી ખામીઓ દૂર કરવા પ્રયાસ કરશે. જેમ કે, વિવિધ તપાસનીશ એજન્સીઓ વચ્ચે માહિતીના આદાનપ્રદાનનો અભાવ, નબળું આઇટી તંત્ર, ચોક્કસ બાબતોમાં કાયદાકીય જાણકારીનો અભાવ સહિતના પાસાઓ ધ્યાનમાં આવ્યા બાદ આ કમિટી રચવાનો નિર્ણય કરાયો હતો.
આવી આર્થિક ગેરરીતિમાં સંડોવાયેલા કેટલાક લોકો તમને ‘કાયદાની નજરે’ નિર્દોષ ઠર્યા બાદ સમાજમાં કોલર ઊંચા રાખીને ફરતા જોવા મળશે. આ લોકો ભલે કાયદાની છટકબારીનો લાભ ઉઠાવીને નિર્દોષ ઠરતાં, પરંતુ તેમનો માંહ્યલો તો જાણતો જ હોય છે કે તેમણે મુઠ્ઠીભર પાઉન્ડ માટે પોતાના દેશ સાથે કેવું છળકપટ આચર્યું છે. તમે દુનિયાની નજરથી ભલે તમારી ગેરરીતિ છુપાવવામાં સફળ રહો, અંતરચક્ષુની નજરથી બચવું મુશ્કેલ છે. (ક્રમશઃ)
•••