જનની જણ તો ભક્ત જણજે, કાં દાતા, કાં શૂર, નહીં તો રે’જે વાંઝણી, મત ગુમાવીશ નૂર

સી. બી. પટેલ Wednesday 04th November 2015 07:43 EST
 
(ડાબે) મનોજ લાડવા, નરેન્દ્ર મોદી અને પરેશ રાવલ
લોર્ડ ગુલામ નૂન
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, મથાળામાં લખેલી ઉક્તિ સાચા અર્થમાં જીવનનિચોડ સમાન ગણી શકાય. ગયા સપ્તાહના આપના ગુજરાત સમાચાર અને એશિયન વોઇસમાં લોર્ડ ગુલામભાઇ નૂનના દુઃખદ નિધનના સમાચાર આપે વાંચ્યા હશે. આ માઠા સમાચાર જાણીને હું ખૂબ જ વ્યથિત બન્યો હતો. ગુલામભાઇ સાથે મારે લગભગ ૩૫ વર્ષનો સંબંધ હોવાના કારણે તેમની અનેકવિધ શક્તિને હું જોઇ શક્યો હતો. સમજી શક્યો હતો અને માણી શક્યો હતો. જીવંત પંથના કેટલાય હેતુઓ કે ઉપયોગિતા સંદર્ભે આપે નોંધ્યું હશે કે કોઇ પણ નામ પાડ્યા વગરનો ગર્ભિત સંકેત પણ ઘણું સૂચવી જાય છે. ૫ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ મેં આ જ કોલમમાં નામોલ્લેખ વગર એક સજ્જન પ્રત્યેની મારી સંવેદના અને સન્માન પ્રકટ કર્યા હતા. આજે હું જાહેરમાં કહી શકું છું કે એવું મેં સહેતુક કર્યું હતું.
ગુલામભાઇને કેટલાક વર્ષથી એક અસાધ્ય રોગે ભરડો લીધો હતો. એક તબક્કે દવા અને ટ્રીટમેન્ટથી તબિયતમાં સારો એવો સુધારો પણ થયો. જોકે આવા જીવલેણ રોગ ફરીથી ઉથલો મારતા જ હોય છેને? મેં જાણ્યું કે હવે ગુલામભાઇએ અંતિમ પ્રવાસ ભણી પ્રયાણ શરૂ કર્યું છે ત્યારે નામ લખ્યા વગર જે ઉલ્લેખ કર્યો તેને કેટલાક સ્વજનોએ તેમના કાને પહોંચાડ્યો. કેટલાક વાચકોએ તેમની પાસે એવી પણ લાગણી વ્યક્ત કરી કે ‘ગુજરાત સમાચાર’માં તમને બહુ સુંદર શબ્દાંજલિ આપી છે, અને સાચું કહું તો ગુલામભાઇને પણ આ ગમ્યુ હતું. મરણોત્તર શ્રદ્ધાંજલિ એ અલગ વાત છે, પણ વ્યક્તિને જીવતેજીવ જણાવી શકાય કે તમે ખરેખર ઉમદા અને પ્રેરણાદાયી વ્યક્તિત્વના માલિક છો તો તે મનમાં કેટલા સંતોષની લાગણી અનુભવે? આજે ફરી એ જ લેખનો એક અંશ ટાંકી રહ્યો છુંઃ
એક સજ્જન ખૂબ જ જાણીતા વેપાર-ઉદ્યોગ સાહસિક છે. જંગી રકમ સખાવતોમાં આપી છે. કોઇને સાચું કહેવામાં જરા પણ સંકોચ રાખ્યો નથી. પોતાના સમાજના ગેરમાર્ગે દોરવાયેલા લોકોને ખુલ્લેઆમ ડહાપણભરી સલાહ કે ચીમકી આપીને આ સજ્જને સમાજની અફલાતુન સેવા કરી છે. બ્રિટિશ સરકારે અને કંઇકેટલીય યુનિવર્સિટીઓએ તેમને સર્વોચ્ચ માન-અકરામોથી બિરદાવ્યા છે. આ મહાનુભાવ આપણા સમાજના દરેક વર્ગમાં સર્વમાન્ય ઉમદા વ્યક્તિની ઓળખ ધરાવે છે. છેલ્લા ત્રણેક વર્ષથી તેઓ અસાધ્ય રોગનો પ્રતિકાર કરી રહ્યા છે. આવા રોગ વેળા પ્રાથમિક તબક્કે નિદાન થઇ જાય અને ઉપચાર કરવામાં આવે તો પણ કેટલીક વખત રોગ ઉથલો મારતો હોય છે. આ મહાનુભાવ સાથે પણ આવું જ બન્યું. આ સજ્જનને હું એટલું જ કહી શકું કેઃ તમે તો તમારા ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવો છો. તમે સાચા અર્થમાં સહિષ્ણુ, સમજદાર છો. તમારા સંતાનોએ જીવનસાથી તરીકે અન્ય ધર્મની વ્યક્તિને પસંદ કરી છે છતાં તમે તેમને - તેમના ધર્મ સાથે - કોઇ પણ જાતના ખચકાટ વગર, ખુલ્લા દિલે આવકાર્યા છે, અપનાવ્યા છે. તમારા જેવા સજ્જનને પામીને ભારતીય સમાજ ગૌરવ અને ધન્યતા અનુભવે છે.
આ સજ્જન અને હું લગભગ સમાન વયના છીએ - કદાચ તેઓ મારાથી એકાદ વર્ષ મોટા હશે. પરંતુ મેં મારી સમગ્ર જિંદગીમાં આટલા જાગ્રત, પ્રેમાળ અને સમાજલક્ષી વિચારસરણી ધરાવતા સજ્જન જવલ્લે જ જોયા છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી. કોઇને કોઇ વાચક આપના સુધી મારી આ અંતઃકરણપૂર્વકની લાગણી પહોંચાડશે જ તેવી મને શ્રદ્ધા છે...
વાચક મિત્રો, ગુલામભાઇ માટેની આ લાગણીમાં રતિભાર પણ દંભ નથી. મારે આવું કરવાની જરૂર પણ નથી. મેં ગુલામભાઇની પ્રતિભામાં પાંચ બાબત ખાસ નિહાળી છે, જે તેમના ઉમદા વ્યક્તિત્વને નિખારે છે.
(૧) આદર્શ. કંઇક સિદ્ધ કરવાની, સત્કાર્ય કરવાની બાબત જાણે તેમના જીવન સાથે વણાઇ ગઇ હતી. સેવાકાર્યો, સત્કાર્યો જાણે તેમના જીવનનું અભિન્ન અંગ બની ગયા હતા.
(૨) બુદ્ધિપ્રતિભા. તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવીને વર્તમાન સફળતા હાંસલ નહોતી કરી. માત્ર ૧૪ વર્ષની માસુમ વયે પિતાની છત્રછાયા ગુમાવી. મુંબઇમાં ગ્રાન્ટ રોડ વિસ્તારમાં આવેલી પરિવારની મિઠાઇની દુકાને કામે લાગ્યા. બુદ્ધિપ્રતિભા ક્યારેય શિક્ષણની ઓશિયાળી રહી નથી, અને રહેશે પણ નહીં. વાંચન, ચિંતન, સંપર્ક, સંવાદોના પરિપાક રૂપ તેમની બુદ્ધિપ્રતિભા ઉચ્ચ પ્રકારની હતી.
(૩) શક્તિવાન. અહીં તનની તાકાતની નહીં, મનની તાકાતની વાત છે. દૃઢ નિર્ધાર ધરાવતો માનવી ક્યાંથી ક્યાં પહોંચી શકે તેનું ઉત્તમ ઉદાહરણ ગુલામભાઇ હતા. મુંબઇથી ખિસ્સામાં માત્ર ૫૦ પાઉન્ડ લઇને બ્રિટન આવ્યા હતા. મિત્રોના સાથસહકારથી તેમણે બોમ્બે હલવા નામથી ભારતીય મીઠાઇની શોપ શરૂ કરી. પ્રગતિ કરી. અહીંથી અમેરિકા પહોંચ્યા. નૂન પ્રોડક્ટ નામની કંપની લોન્ચ કરી. જંગી આર્થિક નુકસાનનો ફટકો ખમવો પડ્યો. પરંતુ હિંમત હારે તે ગુલામ નૂન નહીં. લંડન પાછા ફર્યા. વધુ ચીવટપૂર્વક આયોજન કરીને નૂન પ્રોડક્ટનું કામકાજ શરૂ કર્યું. સુંદર પ્રગતિ હાંસલ કરી હતી. અને એકાએક વિશાળ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી. બધું ભસ્મીભૂત થઈ ગયું. તેમના હૈયે આર્થિક નુકસાન કરતાં પણ સેંકડો કર્મચારીઓના હિતની ચિંતા વધુ હતી.
ફિનિક્સ પંખીની જેમ તેઓ ફરી રાખમાંથી બેઠા થયા. દઢ નિર્ધાર, મક્કમ મનોબળ સાથે ફરી કમર કસી અને ફરી એક વખત નૂન સામ્રાજ્ય ઉભું કર્યું. રાજેશ પટેલ નામના ઇન્સ્યોરન્સ બ્રોકર તેમના નીકટના સાથી અને સોબતી. ગુલામભાઇના આવા તો કેટલાય સમર્થકો હતા. સેન્સબરી હોય કે માર્કસ એન્ડ સ્પેન્સર... સુપરમાર્કેટ્સની વિશાળ ચેઇનમાં તેમના ઉત્પાદનો પહોંચ્યા. ઉચ્ચ ગુણવત્તા અને વાજબી દામના કારણે તેમના ઉત્પાદનોએ મોટું નામ હાંસલ કર્યું. આમ અનેક અવરોધો છતાં તેઓ સહુ કોઇ માટે અવિરત શક્તિનો સ્રોત બની રહ્યા.
(૪) ઇન્ટિગ્રિટીઃ હંમેશા હકારાત્મક વલણ એ એક અર્થમાં પરિવારની ખાનદાની કહેવાય. ઇસ્લામ ધર્મના સિદ્ધાંતોને ચુસ્તપણે પાળ્યા. સિગારેટ-દારૂને કદી હાથ પણ લગાડ્યો નહોતો. તેઓ સાચા અર્થમાં માનવતાવાદી મુસ્લિમ હતા. તેમની બન્ને દીકરીઓએ જીવનસાથી તરીકે બિનમુસ્લિમ યુવાનને પસંદ કર્યા હતા. એક હિન્દુ અને બીજા શીખ, પણ બન્નેને - તેમના ધર્મ સાથે - સગા દીકરાની જેમ અપનાવ્યા. ગુલામભાઇએ ખુદ શીખ યુવતી મોહિનીબેન કેન્ટ સાથે લગ્ન કર્યાં હતાં. ધર્મપાલન તો સહુ કોઇ કરતા હોય છે, પણ પર-ધર્મને સ્વ-ધર્મ જેટલા જ આદર-સન્માન આપવાનું જ્ઞાન ખૂબ ઓછામાં હોય છે. ગુલામભાઇ આવા જૂજ લોકોમાંના એક હતા.
અહીં મને ૧૯૯૫નો એક પ્રસંગ યાદ આવે છે. ૧૯૯૫માં નિસ્ડન સ્વામીનારાયણ મંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આદેશ અનુસાર, જે પાંચેક વ્યક્તિને સમારંભના મુખ્ય મહાનુભાવો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા તેમાં હાઇ કમિશનર એલ. એમ. સિંઘવી, જજ મોતા સિંહ, ગુલામભાઇ નૂન અને આ લેખકનો સમાવેશ થતો હતો. ગુલામભાઇએ આ મંદિરને આર્થિક તેમ જ અન્ય પ્રકારે ખૂબ સેવા આપી હતી.
(૫) ખેલદિલી. તમે કોઇ મુદ્દે તેમની સંમત થાવ તો ઠીક છે, અને ન થાવ તો પણ કંઇ વાંધો નહીં. પોતાના અભિપ્રાય, મંતવ્ય, વિચારો જેટલું જ માન તમારા અભિપ્રાય, મંતવ્ય, વિચારને પણ આપે. તેઓ વિચારોનું ખુલ્લાપણું ધરાવતા હતા. મતભેદ છતાં સામેવાળાને બિરદાવી શકતા હતા.
એક દિવસ વાતવાતમાં મને કહે, ‘સી.બી., અમે તમને અવારનવાર જાહેરખબર આપીએ છીએ તેના નાણાં ચૂકવીએ છીએ. પરંતુ તમેય જાણો છો કે તમારા એક પ્રતિસ્પર્ધી અખબારી જૂથને અમારા નૂન ફાઉન્ડેશને ૧૫ હજાર પાઉન્ડની આર્થિક સહાય કરી હતી છતાં તમે ક્યારેય ન તો આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ન તો આ અંગે ક્યારેય સવાલ ઉઠાવ્યો છે.’
આરોગ્ય, શિક્ષણ કે રમતગમતને પ્રોત્સાહનની વાત હોય કે ગાંધીસ્મૃતિના જતનની વાત, દરેક સત્કાર્યોમાં મદદરૂપ થવામાં ગુલામભાઇ ડગલું આગળ જ હોય, અને તે પણ સ્વેચ્છાએ. તેઓ ઉદાર દાતા તો હતા જ, પોતાના ધર્મ જેટલી જ આસ્થા, આદર, સન્માન અન્ય ધર્મ પ્રત્યે પણ ધરાવતા હતા.
વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં હિંસાના કમનસીબ બનાવથી તેઓ વ્યથિત હતા. લગભગ દરેક મુસ્લિમ નરેન્દ્ર મોદીને શંકાની નજરે નિહાળી રહ્યો હતો ત્યારે ગુલામભાઇ પોતાના સંપર્ક સૂત્રો દ્વારા તપાસ કરાવીને એવા તારણ પર પહોંચ્યા હતા કે મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઇ મોદી સામે જે બેફામ અને અઘટિત આક્ષેપો થઇ રહ્યા છે તેના મૂળમાં રાજકારણ છે. રાજકીય હેતુપ્રેરિત આવા આક્ષેપો થઇ રહ્યા છે.
આ જ સમયગાળામાં ઇસ્લામિક આતંકવાદે માથું ઊંચક્યું હતું. ગુલામભાઇએ પોતાના પ્રવચનોમાં તેમ જ જાહેર નિવેદનોમાં આવા લોહીતરસ્યા પરિબળોને ખૂલ્લેઆમ વખોડવામાં જરા પણ કસર છોડી નહોતી. આવા નરબંકાની વિદાયથી સમાજને ન પૂરાય તેવી ખોટ પડી છે. આપણે સહુ પોતપોતાની રીતે આવા વ્યક્તિત્વમાંથી કંઇ ગ્રહણ કરી શકીએ તો ભયો ભયો.
ગુલામભાઇ, આ ધરતી પર આવનારની વિદાય તો નક્કી જ છે, પરંતુ આ પાવક ધરતી પરના ‘વસવાટ’ દરમિયાન તમે શું કાર્ય કરીને જાવ છો તેની નોંધ સહુ કોઇ લેતું જ હોય છે. ગયા બુધવારે આપને અંતિમ વિદાય આપવા કબ્રસ્તાનમાં ઉપસ્થિત સમુદાયમાં હું પણ ઉપસ્થિત હતો. આપણા સમુદાયના તમામ ધર્મના, તમામ વર્ણના અબાલવૃદ્ધોની વિશાળ હાજરી જ દર્શાવતી હતી કે આપ ભલે આપનો નશ્વર દેહ ભલે આ ફાની દુનિયા છોડી ગયો, પણ અમારા સહુના દિલમાં તો આજે પણ વસો જ છો.

•••

ભલે પધાર્યાઃ માનનીય નરેન્દ્રભાઇ સાથે સ્મરણપટ પર એક લટાર

બ્રિટનમાં જ નહીં, વિશ્વભરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગામી બ્રિટન પ્રવાસની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. વડા પ્રધાન ડેવિડ કેમરન ખુદ તેમની સરભરામાં સામેલ થવાના છે. આ માટે એક નહીં, અનેક કારણ છે. ભવ્ય સાંસ્કૃતિક-ઐતિહાસિક વારસો ધરાવતા બન્ને દેશો - ભારત અને બ્રિટન વચ્ચે વિસ્તરી રહેલા દ્વિપક્ષીય વેપારવણજના સંબંધો. અને ભારતીય સમુદાયમાં ટોરી પાર્ટીના લાખો પ્રશંસકો છે. આથી કેમરન ભારતના લોકલાડીલા વડા પ્રધાનને આવકારવાના અવસરમાં વોટબેન્કનો પાયો મજબૂત કરવાની સોનેરી તક નિહાળી રહ્યા છે.
હા, આંગળીના વેઢે ગણાય તેટલા વિરોધીઓ પણ સજ્જ થઇ રહ્યા છે, પણ આમાં ક્યાં કંઇ નવું છે? ભગવાન શ્રીરામને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો જ્યારે આ તો કાળા માથાના (સોરી, ધોળા માથાના) વડા પ્રધાન છે! આવા જે પરિબળો છે તેમના માટે અંગ્રેજીમાં કહેવત છેઃ One man's hero is unother man's scoundral. ફરક ફક્ત એટલો જ છે કે સેંકડો કે હજારો નહીં, લાખો ભારતીયો માટે નરેન્દ્ર મોદી હીરો છે. આમ બ્રિટનમાં અજ્ઞાની, ગેરમાર્ગે દોરવાયેલા લોકો તેમનો વિરોધ કરીને આખરે તો મોદીની લોકપ્રિયતામાં જ ઉમેરો કરી રહ્યા છે. મુઠ્ઠીભર તત્વો એવો પણ આક્ષેપ કરે છે કે નરેન્દ્ર મોદી પર ભૂતકાળમાં લેબર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો તો હવે તેમને (બ્રિટનપ્રવેશની) છૂટ આપવાનું કારણ શું?
સાચી વાત એ છે કે બ્રિટન સરકારે ક્યારેય મોદીના બ્રિટનપ્રવેશ પર પ્રતિબંધ લાદયો જ નહોતો. લેબર સરકારના કેટલાક સંસદ સભ્યોએ (પોતાની મતબેન્કને મજબૂત બનાવવાનો અંગત સ્વાર્થ સાધવા માટે) મોદીવિરોધી મતદારોને ભાઠે ભરાવતા એવું કહીને ગેરમાર્ગે દોર્યા હતા કે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને બ્રિટન આવવું હશે તો તેમને વિઝા જ નહીં મળે કેમ કે તેમના પર પ્રતિબંધ લદાયો છે.
જ્યારે વાસ્તવિક્તા એ છે કે ઓગસ્ટ ૨૦૦૩માં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી કાયદેસર બ્રિટનના પ્રવાસે આવ્યા તે પછી તેમણે કદી અહીં આવવાનું આમંત્રણ સ્વીકાર્યું જ નથી કે વિઝા માટે નામ નોંધાવ્યું જ નથી. આથી સરકારે તેમના વિઝા સામે પ્રતિબંધ ફરમાવ્યો હોવાની વાત એ અર્થમાં સાચી નથી.
અન્ય હકીકત એ છે કે છેલ્લા ચારેક વર્ષમાં બ્રિટન સરકારે નરેન્દ્ર મોદીના ગુજરાત સાથે, ભારત સાથે મિત્રતા બાંધવા અવનવા અભિયાન હાથ ધર્યા હતા. આના ભાગરૂપે જ ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશનર જેમ્સ બેવન જાતે ગાંધીનગર જઇને મુખ્ય પ્રધાન મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. એટલું જ નહીં, ગુજરાતમાં પ્રવર્તતા શાંતિના, વિકાસના માહોલના ઓવારણા લીધા હતા.
છેલ્લા બે વર્ષ દરમિયાન ભારતમાં ગંગામાં ઘણાં પાણી વહી ગયા છે. ભારતમાં નરેન્દ્ર મોદીએ પોતાનું દૈવત દેખાડ્યું છે. લોકશાહીના અભૂતપૂર્વ ચૂંટણીજંગમાં મોદી છવાઇ ગયા
. તેમણે ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવી. ભાજપનો આ કલ્પનાતીત વિજય નરેન્દ્ર મોદીના મક્કમ મનોબળ, તેમની વૈચારિક તાકાત અને દેશવાસીઓના વિશ્વાસનું પ્રમાણ છે.
એક વાત કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે બ્રિટનમાં કેટલાક રાજકારણીઓનો જાહેર સૂર ભલે એવો હતો કે નરેન્દ્ર મોદી બ્રિટનમાં આવકાર્ય નથી, પરંતુ આ દેશના ત્રણેય મુખ્ય પક્ષો - લેબર, કન્ઝર્વેટિવ અને લિબ-ડેમના ઘણા સાંસદો અને નેતાઓ ગુજરાતના વિકાસમોડેલ અંગે જાણકારી મેળવવા ખૂબ જ ઉત્સુક હતા તે વાતનો હું સાક્ષી છું. તેઓ ઇચ્છતા હતા કે નરેન્દ્ર મોદી અહીં આવે અને ગુજરાતના વિકાસમોડેલ અંગે પરિસંવાદ યોજાય.
બ્રિટિશ સરકાર દર વર્ષે ૮૦૦૦ મિલિયન પાઉન્ડ આર્થિક પછાત દેશોને ફાળવે છે. આ સંજોગોને નજરમાં રાખીને બ્રિટનના નીતિનિર્ધારકો (સંસદ સભ્યો) એ સમજવા માગતા હતા કે ગુજરાતમાં (દુનિયાની નજરે) ‘ખરડાયેલો માહોલ’ હોવા છતાં ઔદ્યોગિક-સામાજિક વિકાસના ક્ષેત્રે હરણફાળ ભરી છે તેના મૂળમાં કઇ વાત રહેલી છે? ક્યારે પ્રકારે આયોજનનો અમલ થઇ રહ્યો છે?
વાચક મિત્રો, હું તો એક નાનકડો પ્રકાશક-તંત્રી છું, પણ આ બધા જ નેતાઓ (હું ગુજરાતનો હોવાના નાતે) સતત મારા સંપર્કમાં રહેતા હતા. તેઓ મારી પાસેથી જાણવા-સમજવા માગતા હતા કે ગુજરાતના પૂરઝડપે વિકાસનું રહસ્ય શું છે. લંડનની રિફોર્મ ક્લબમાં, હાઉસ ઓફ લોર્ડસમાં, અન્ય સ્થળોએ કે કર્મયોગ હાઉસમાં આ અંગે કેટલીક બેઠકો યોજાતી હતી. એક તબક્કે તો ભાજપના વરિષ્ઠ મહામંત્રી પણ બ્રિટનની મુલાકાતે આવ્યા હતા અને સંસદ સભ્યો, માનવંતા લોર્ડસ, વેપાર-ઉદ્યોગના માંધાતાઓને મળ્યા હતા. આ બેઠકોમાં મને પણ બોલાવવામાં આવતો હતો.
સમયના વીતવા સાથે તેમને સમજાયું કે મોદી સામેના આક્ષેપો તથ્યઆધારિત તો નથી જ તર્કસંગત પણ નથી. જેમ જેમ તેમને સમજાતું ગયું કે આવા આક્ષેપો હળાહળ જૂઠાણાંથી વધુ કંઇ નથી, ગુજરાતમાં વિકાસની ભરપૂર તકો રહેલી છે તેમ તેમ આ નેતાઓનો નરેન્દ્ર મોદીને બ્રિટનમાં બોલાવવાનો થનગનાટ વધતો ગયો. લેબર, કન્ઝર્વેર્ટિવ અને લિબ-ડેમ - ત્રણેય પક્ષના સંસદ સભ્યો અને લોર્ડસ મોદીને આમંત્રણ આપવા ઉત્સુક હતા.
જ્યારે જ્યારે મને અભિપ્રાય પૂછવામાં આવ્યો તો ત્યારે મારો સ્પષ્ટ મત હતોઃ બ્રિટન સરકાર આમંત્રણ આપે તો જ તેમણે (નરેન્દ્ર મોદી) બ્રિટન આવવું જોઇએ. ભારતના આ નેતાને તેમની સજ્જતા-ક્ષમતા અનુસાર સરકારી આદર-સન્માન મળવા જ જોઇએ. તમે સંસદ સભ્યો નરેન્દ્ર મોદીને બ્રિટન તેડાવો અને કેટલાક મગતરા જેવા લોકો તેમનો વિરોધ કરીને માહોલ બગાડે તે ભારત કે બ્રિટન એક પણ દેશના હિતમાં નથી. આથી હું આ વાત સાથે સંમત નથી.
આજે મને એ વાતનો આનંદ છે કે મારા અભિપ્રાયને ધ્યાનમાં લેવામાં આવ્યો. ૨૦૧૧માં હું ભારતપ્રવાસે હતો અને માનનીય નરેન્દ્રભાઇનો ફોન આવ્યો. ચર્ચા થઇ કે તેમણે બ્રિટન આવવું જોઇએ કે નહીં? આ સમયે પણ મારો અભિપ્રાય હતો કે આપે બ્રિટન આવીને શા માટે સમય બગાડવો જોઇએ? મૂર્ખ લોકોને વિનાકારણ હોબાળો મચાવવાની તક આપવાની કોઇ જરૂર નથી. વાચક મિત્રો, વિચક્ષણ વ્યક્તિત્વના માલિક નરેન્દ્રભાઇ પણ આ મતના જ હતા. અને તેમના બ્રિટન પ્રવાસની વાત મુલત્વી રહી.
આવતા સપ્તાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેમરન સરકારના આમંત્રણથી બ્રિટન આવી રહ્યા છે ત્યારે મને એક પ્રસંગ યાદ આવે છે. ૨૦ એપ્રિલ, ૨૦૧૪ની વાત છે. આપણા ગુજરાત સમાચાર-એશિયન વોઇસ અને ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરમાં બેઠેલા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધા વાર્તાલાપનું આયોજન થયું હતું. સેન્ટ્રલ લંડનના એક ભવ્ય હોલમાં યોજાયેલી આ વીડિયો કોન્ફરન્સમાં ભારતના હાઇ કમિશનર, લોર્ડ ગુલામ નૂન સહિતના અગ્રણી લોર્ડસ, કિથ વાઝ, બોબ બ્લેકમન, સ્ટીફન કિંગ, સ્ટીવન પાઉન્ડ સહિત તમામ પક્ષોના વરિષ્ઠ સંસદ સભ્યો, સોલિસીટર મનોજ લાડવા, અભિનેતા મનોજ જોષી, ભૂતપૂર્વ હાઇ કમિશનર અને ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની એનઆરઆઇ કમિટીના ચેરમેન કે. એચ. પટેલ, ઇંડિયા ટુડેના સિનિયર એડિટર ઉદય માહુરકર, માર્કેટિંગ આલમના પંકજ મુધોલકર સહિતના કેટલાય મહાનુભાવો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આમંત્રિત મહેમાનોથી ભરચક્ક આ લાઇવ કોન્ફરન્સમાં, ભારત પ્રત્યે અત્યંત નિષ્ઠા ધરાવતા હેરોના એમપી બોબ બ્લેકમને પ્રશ્ન પૂછ્યો હતોઃ સીએમ સર, બ્રિટન ક્યારે આવો છો? આ સમયે મેં હસ્તક્ષેપ કરતાં - પ્રોટોકોલની ઉપેક્ષા કરીને પણ - વચ્ચે જ કહ્યું હતું કે ‘સાહેબ, આ પ્રશ્નનો જવાબ આપવાની જરૂર નથી.’ આટલું કહીને મેં ઉમેર્યું હતુંઃ ‘સરકાર આમંત્રણ આપશે તો જ નરેન્દ્રભાઇ બ્રિટન આવશે.’ આજે મને આનંદ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ માનભેર અને મહત્ત્વના આયોજન માટે બ્રિટન આવી રહ્યા છે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના વાચકો પ્રત્યે નરેન્દ્ર મોદી વર્ષોથી ઉમળકાભેર પ્રેમ પ્રકટ કરતા રહ્યા છે. તેમણે ૨૦ ઓગસ્ટ, ૨૦૦૩ના રોજ આપણા ‘કર્મયોગ હાઉસ’માં શક્તિ હોલના ઉદ્ઘાટન વેળા બહુ સરસ વાત કરી હતી. જન્માષ્ટમીનો તે સપરમો દિવસ હતો. નરેન્દ્રભાઇ આવ્યા કે એબીપીએલ ગ્રૂપના ડાયરેક્ટર સુશ્રી સરોજબહેન પટેલે હાર પહેરાવીને તેમને આવકાર્યા. ચાર દિવસના રોકાણ દરમિયાન શ્રેણીબદ્ધ કાર્યક્રમો-સમારંભોમાં અતિ વ્યસ્ત રહેલા નરેન્દ્રભાઇનો શક્તિ હોલનું ઉદ્ઘાટન કરતાં પ્રતિભાવ હતોઃ ‘હું આજે કુટુંબીજનોની વચમાં આવ્યાની અનુભૂતિ કરી રહ્યો છું. છેલ્લા ત્રણ દિવસથી અલગ-અલગ સમારંભોમાં મેં હાજરી આપી પણ, અહીં આવ્યો ત્યારે થયું કે મારા ઘરમાં, મારા કુટુંબીજનોની વચમાં છું.’
આ તો વાત થઇ પારિવારિક ઉષ્માની, તેમણે તો આપના લોકલાડીલા સાપ્તાહિકોને પણ ફૂલડે વધાવતા કહ્યું હતું, ‘મને ખુશી થઇ કે આ હોલનું નામ શક્તિ હોલ રાખ્યું, એટલા માટે નહીં કે હું ઊર્જાશક્તિ, જળશક્તિ કે જ્ઞાનશક્તિની વાતો કરું છું, પણ ૨૧મી સદી એ જ્ઞાનની અને માહિતીની સદી છે. અને ગુજરાત સમાચાર એ જ્ઞાનનું વાહક છે. તેથી એ નામ સુયોગ્ય છે. એ માહિતી મેળવે છે, સંકલન કરે છે અને લોકો સુધી પહોંચાડે છે. તે ભારત અને અત્રે વસતા ભારતવાસીઓ વચ્ચેનો સેતુબંધ બને છે. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ એ સાચે જ એવું એક સ્થળ છે, જ્યાં જ્ઞાનની પૂજા થાય છે. જ્ઞાન એ શક્તિ છે એથી શક્તિ હોલ એ જ્ઞાનનું પાવર હાઉસ છે.’
નરેન્દ્રભાઇ મોદી સાથેના સંભારણા તો માનસપટ પર અનેક ઉમટી રહ્યા છે, પણ એક છેલ્લો પ્રસંગ ટાંકીને અટકવું પડશે. પ્રકાશક-તંત્રી ભલે હું હોઉં, પણ આ વિભાગના કર્તાહર્તાઓની વાત પણ મારે સાંભળવી જ રહી. આ વખતે જગ્યાની થોડીક ખેંચ હોવાથી તેમણે રેડ સિગ્નલ બતાવી દીધું છે. પ્રસંગ છે ૨૦ ઓગસ્ટ, ૨૦૦૩નો. ગુજરાતના ઉદારવાદી મુસ્લિમ અગ્રણી ઝફર સરેશવાલા અહીં લંડન આવ્યા હતા. મુસ્લિમ સમુદાયના અન્ય લોકોની જેમ ઝફરભાઇ પણ ગોધરાકાંડના લીધે નરેન્દ્રભાઇ માટે ભારોભાર પૂર્વગ્રહ ધરાવતા હતા. મારી મધ્યસ્થીથી તેમની નરેન્દ્રભાઇ સાથે માત્ર ૧૫ મિનિટની બેઠકનું આયોજન થયું. બાદમાં ઝફરભાઇએ કહ્યું હતુંઃ ગોધરાકાંડ પછીના હિંસક તોફાનોમાં મારી ફેક્ટરી પણ બળીને ખાખ થઇ ગઇ હતી. મેં પણ નરેન્દ્રભાઇ સામે ઝૂંબેશ આદરી હતી. પરંતુ જૂઓ, માત્ર ૧૫ મિનિટ માટે યોજાયેલી અમારી બેઠક બે કલાક ચાલી.’ આજે ઝફરભાઇ ન.મો.ના પ્રશંસક બની ગયા છે. નરેન્દ્રભાઇ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં મુસ્લિમ સમુદાય સાથે સંપર્કનું કામ ઝફરભાઇ સંભાળે છે. આ ન.મો.નો જાદુ છે. આ ન.મો.નો કરિશ્મા છે. નરેન્દ્રભાઇ આપનું - સમસ્ત ભારતીય સમુદાય વતી - બ્રિટનમાં હાર્દિક સ્વાગત છે... (ક્રમશઃ)

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter