વડીલો સહિત સૌ વાચકમિત્રો, આપ સહુ નવરાત્રિ મહોત્સવને બરાબર માણીને વધુ તરોતાજા થયા હશો (ગરબા-રાસનો થાક તો લાગતો જ નથી... ખરુંને?!) હવે આપ સહુ પ્રકાશના પર્વ દીપોત્સવને વધાવવા તૈયારી કરી રહ્યા હશો. દુકાનદાર જેમ રોજમેળ કરે છે એમ આપણે સહુ પણ વર્ષાંતે લેખાંજોખાં કરશું.
જોકે આજના વિષયની વાત માંડતા પહેલાં આપણી ગુજરાતી ભાષાસાહિત્યની અમર રચનાઓમાંથી અમુક પદો - ભજનો - કવિતાની કેટલીક પંક્તિો યાદ કરી લઇએ.
• જાગીને જોઉં તો જગત દીસે નહીં...
• દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું..... શૂન્યમાં શબ્દ થઇ વેદ વ્યાપે...
• વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું...
આદરણીય આત્મીયજનો, ઉપરોક્ત શબ્દો કે વાક્યોમાં સમાયેલા સંદેશની વધુ રજૂઆત આગળ ઉપર...
બ્રિટનમાં અત્યારે રાજકીય પક્ષોના વાર્ષિક સંમેલનનો ગાળો છે. અત્રેનું રાજકીય તંત્ર (અન્ય વ્યવસ્થા તંત્રની જેમ) ગોઠવાઇ ગયું છે. બધું સ્થાપિત પરંપરા પ્રમાણે હોય છે. ડોક્ટરો કે ફાર્માસિસ્ટ કે વ્યવસાયીઓ, સેવાલક્ષી સંસ્થાઓ વાર્ષિક સંમેલન કે પરિષદ યોજતા જ હોય છે. ટ્રેડ યુનિયન કોંગ્રેસ (ટીયુસી) નામની મજૂર મહાજનની સંસ્થાએ પણ તાજેતરમાં વાર્ષિક સંમેલન યોજ્યું હતું. હવે રાજકીય પક્ષોના સંમેલનોનો વારો છે.
આ દેશમાં ત્રણ મુખ્ય રાજકીય પક્ષો છે. સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી, વિરોધ પક્ષ લેબર પાર્ટી અને ત્રીજો પક્ષ તે લિબરલ ડેમોક્રેટ્સ (લિબ ડેમ). પાર્લામેન્ટમાં દર વર્ષે જુલાઇથી સપ્ટેમ્બર રિસેસ હોય છે, લગભગ તે જ ગાળામાં વારાફરતી રાજકીય પરિષદ યોજાતી હોય છે. બ્લેકપુલ, બ્રાઇટન, માંચેસ્ટર, બર્મિંગહામ, સ્કારબરો, આવા સ્થળોએ આ રાજકીય સંમેલનો યોજાતા હોય છે. આ વર્ષે લિબ ડેમનું વાર્ષિક અધિવેશન નામદાર મહારાણીના અચાનક નિધનથી લગભગ ખોરવાઇ ગયું એમ કહો તો પણ ચાલે. લેબર પાર્ટીની વાર્ષિક પરિષદ હમણાં જ યોજાઇ ગઇ. (જેનો અહેવાલ આપ સહુને આ અંકમાં અન્યત્ર વાંચવા મળશે.)
આ લખાઇ રહ્યું છે ત્યારે સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીનું વાર્ષિક અધિવેશન ચાલી રહ્યું છે. નોંધનીય છે કે રિશી સુનાક, સાજિદ જાવિદ જેવા કેટલાય - હજુ હમણાં સુધી કેબિનેટમાં મહત્ત્વના મંત્રાલય સંભાળતા હતા તેઓ - આ બેઠકમાં હાજર રહ્યા નથી. જોકે તેમનો હેતુ સકારાત્મક છે. રિશી સુનાક જેવા નેતાઓએ વ્યવહારુ અને વાજબી આર્થિક નીતિને પ્રાધાન્ય આપ્યું. જ્યારે નવનિયુક્ત વડા પ્રધાન લિઝ ટ્રસે તેથી સાવ વિપરિત વિચારસરણી રજૂ કરી એટલું જ નહીં, તેને લાગુ કરવાની તજવીજ કરી તો પણ પીછેહઠ કરવી પડી. ગુજરાતીમાં ભલે કહેવત હોય કે દેવું કરીને પણ ઘી પીવું, પણ આરોગ્યનો આધુનિક આરોગ્ય અભ્યાસ તેની સામે લાલ બત્તી ધરે છે. લિઝબહેને આ જ ઉક્તિને અર્થશાસ્ત્રના સંદર્ભમાં લાગુ કરી છે ત્યારે આર્થિક નિષ્ણાતોએ તેના અમલ સામે લાલ બત્તી ધરી હતી. તેમનું કહેવું છે કે આર્થિક હાલત નબળી હોય ત્યારે દેવું કરીને નાણાંની છનાછની ના જ કરી શકાય, પછી તે પરિવારના બજેટની વાત હોય, કંપનીના બજેટની વાત હોય કે પછી દેશના બજેટની વાત હોય. પછેડી લાંબી હોય તેટલા જ પગ લાંબા કરાય. ગમેતેવો ધનવાન પણ જો સુખસાહ્યબીમાં રચ્યોપચ્યો રહે અને ઉલાળ-ધરાળનો ખ્યાલ રાખ્યા વગર નાણાં ખર્ચ્યા કરે તો વહેલોમોડો તે નાદારીના આરે પહોંચીને જ ઉભો રહે.
ઈંગ્લીશમાં બે શબ્દ છે - ઇનપુટ અને આઉટપુટ. બન્ને એકમેક સાથે જોડાયેલા છે. કરીએ તેવું પામીએ. આપણે વાતને જરાક કેન્દ્રીત કરીએ. જીવનના દરેક તબક્કે આપણને રાજકારણ સ્પર્શે છે - તેમાંય બ્રિટન જેવી જીવંત લોકશાહીમાં તો ખાસ.
જે દેશ આપણી કર્મભૂમિ છે, જેના પ્રતાપે - પ્રભાવે હું રુડો છું તેના રાજકારણ અને પરિવર્તનની કેટલીક વાતો મારે આપ સહુ માનવંતા વાચક મિત્રો સમક્ષ રજૂ કરવાનું મને આવશ્યક જણાય છે. 1976માં મને ‘ગુજરાત સમાચાર’ની જવાબદારી સોંપવામાં આવી. અથવા તો એમ પણ કહી શકાય કે મેં આ જવાબદારી હોંશે હોંશે સંભાળી. આપણી ભાષાના દિગ્ગજ કવિ ઉમાશંકર જોષીના શબ્દોમાં કહું તો...
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
તે સમયે પણ હું માનતો હતો કે મારે ઘણું શીખવાનું હતું અને આજે પણ માનું છું કે મારે હજુ ઘણું શીખવાનું બાકી છે. શીખવાની આ પ્રક્રિયાના કારણે જ નીતનવા ક્ષેત્રે ચંચુપાત ચાલુ જ છે એમ પણ કહી શકાય. સમાચાર માધ્યમમાં જતાં પહેલાં અહીંના રાજકારણ સાથે એક પ્રકારે સંબંધ બંધાયો હતો.
1968માં લેબર પાર્ટીમાં જોડાયો. દુકાનદાર હતો. અન્ય પ્રકારે પણ જીવનવ્યવહારમાં ઠરીઠામ થઇ રહ્યો હતો. એજવેરમાં તે વેળાએ બ્રેન્ટ નોર્થ લેબર પાર્ટીના વડા તરીકે એક ડેન્ટીસ્ટ આલ્બર્ટ ઓટન હતા. તેઓ અને તેમનો પરિવાર બીજા વિશ્વયુદ્ધ વેળા રેફ્યુજી તરીકે અહીં આવીને વસ્યો હતો. તે વેળા લેબરમાં યહૂદી સમાજનું પ્રતિનિધિત્વ બહુ મોટું હતું. (હજુ પણ તેમનો પ્રભાવ એવો જ છે... હોં.) આ ઓટનના પ્રતાપે હું લેબર પાર્ટીમાં જોડાયો. દુકાનના નિયત કામકાજના ફાજલ સમયમમાં સ્થાનિક રહીશો - દુકાનદારો વગેરેને મળતા રહેવાનું. તેમને લેબર પાર્ટીના મેમ્બર બનાવવાનું મારું કામ હતું.
આમ કરતાં કરતાં તેમણે મારી કામગીરી નિહાળીને મને લોકલ યુનિટનો ટ્રેઝરર બનાવ્યો. મેં રસ ચાખી લીધો હતો. અને સમાજ સાથે સીધો સંપર્ક તો મારું મનપસંદ કામ. કોઇ પણ સંસ્થામાં હોદ્દેદારથી માંડીને સભ્યોની ચોક્કસ જવાબદારી હોય છે અને તેની આગવી અગત્યતા હોય છે. દરેકે પોતાની સંસ્થાના ઉત્થાન માટે કામ પણ કરવું પડતું હોય છે. આમાં પણ સંસ્થાના પ્રમુખ, મંત્રી અને ખજાનચીની જવાબદારી વિશેષ હોય છે. તેમના યોગદાન થકી જ સંસ્થા પ્રાણવાન બનતી હોય છે. ખિસ્સા ખાલી હોય તેવી સંસ્થા કે વ્યક્તિનું કેટલું ઉપજે? ખિસ્સા ખાલી હોય તે ખત્તા ખાય. ન સાંભળી હોય તો આ કહેવત સાંભળી લેજો. ક્રમે ક્રમે એક - બે લેબર કોન્ફરન્સમાં પણ હાજરી આપી.
પરંતુ 1975માં મારી વિચારસરણીની સાથે સાથે મારો દૃષ્ટિકોણ પણ બદલાયો હતો. તેથી લેબર પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપ્યું. બસ, તે સમયથી કોઇ પણ રાજકીય પક્ષનો સક્રિય કે સામાન્ય સભ્ય પણ નથી. બધા સાથે મારે સારાસારી. હેરોલ્ડ વિલ્સન, એડવર્ડ હીથ, માર્ગરેટ થેચર, જ્હોન મેજર, ટોની બ્લેર, ગોર્ડન બ્રાઉન, ડેવિડ કેમરન, થેરેસા મે અને બોરિસ જ્હોન્સન... બધા વડા પ્રધાનો, તેમની કેબિનેટના અગત્યના પ્રધાનો... બધાનો અવારનવાર સંપર્ક થતો રહ્યો, વાતો થતી રહી, પણ રાજકારણ બાબત જળકમળવત્ રહેવું તે મારો નિયમ છે.
1978માં મેં લિબરલ ડેમોક્રેટ્સના વાર્ષિક સંમેલનમાં (તે સમયના સક્રિય સભ્ય અને હવે) લોર્ડ નવનીત ધોળકિયાના સહયોગથી હાજરી આપી. પછીના વર્ષોમાં તારા મુખરજી, કિથ વાઝ, શાંતુ રૂપારેલ કાન્તી નાગડા આવા બધા પક્ષના અગ્રણીઓના સહકાર અને ગુજરાત સમાચાર - ન્યૂ લાઇફ (‘એશિયન વોઇસ’ના પૂરોગામી પ્રકાશન)ના પ્રકાશક - તંત્રી તરીકે અવારનવાર એક યા બીજા પક્ષના સેમિનાર - અધિવેશનમાં હાજરી આપતો રહ્યો છું.
દરેક અધિવેશનમાં માત્ર હાજરી આપવાની એટલું જ નહીં, ત્યાં આપણો સ્ટોલ પણ હોય. મારી સાથે કાર્યાલયના બીજા સાથીસહયોગી પણ હોય.
તે સમયે મોટા ભાગના અધિવેશન અહીં 225 માઇલના અંતરે આવેલા બ્લેકપુલમાં યોજાતા હતા. તે વેળા બધાના હોટેલમુકામ થઇ શકે તેવું બજેટ નહીં, તેથી વહેલી સવારે બે-ચાર સાથીદાર સાથે નીકળવાનું. પાંચેક કલાક ડ્રાઇવ કરીને અધિવેશન સ્થળે પહોંચીએ. સ્ટોલમાં આપણા પ્રકાશનોનું ડિસ્પ્લે ગોઠવીએ. અને ઉભા રહી જવાનું. દરેક વિઝિટરને આપણે છાપેલા લિફલેટ આપીએ. થોડીક આપણા ગ્રૂપ વિશે માહિતી આપીએ, થોડીક તેમની વિગતો મેળવીએ. તે બધી મહેનતના પરિણામે આપના લાડકા ગુજરાત સમાચાર - એશિયન વોઇસે સમાજમાં નામના મેળવી છે, અને વિશ્વસનિયતા કેળવી છે. દિવસભરની મહેનતના અંતે સાંજે પાર્ટી માણીએ.
એકબીજાને હળવામળવાનું અને એન્જોય કરવાનું. રાત્રે લગભગ 11 વાગ્યે ત્યાંથી પરત આવવા નીકળીએ. મળસ્કે ઘરે પહોંચવાનું. કોઇને ભલે આ પળોજણ લાગે, પણ અમને તો આમાં મજા આવતી હતી. આનંદ આવતો હતો. વાવીએ તેવું લણીએ. ખેડેલું - વાવેલું અત્યારે ઉગી રહ્યું છે.
હવે આપણે આજની વાત આગળ વધારીએ... આ દેશમાં, લોકતંત્રમાં હંમેશા એક પોલિટિકલ સાઇકલ ચાલતી હોય છે. આજે તારો વારો તો કાલે મારો. આજે કન્ઝર્વેટિવ્સ છે તો કાલે લેબર સત્તા પર આવી શકે. દસ-બાર વર્ષે આ જ ચક્કર ચાલતું હોય છે. ઘણા કારણ હશે, પણ પ્રજા સમયના વહેવા સાથે એકની એક સરકાર, એકના એક રાજકારણથી બદલાવ ઇચ્છતી હોય છે.
ગુજરાતમાં 1990માં પહેલી વાર ભાજપની સરકાર ચીમનભાઇ પટેલના ‘કિમલોપ’ પક્ષના સહયોગમાં સત્તારૂઢ થઇ. 1995માં ભાજપનો વિજય થયો અને પક્ષે કેશુભાઇ પટેલને ગુજરાતનું સુકાન સોંપ્યું. શંકરસિંહ વાઘેલાને લાગ્યું કે કેશુભાઇ આખો લાડવો લઇ ગયા છે. તેથી ખજૂરાહો કર્યું. શંકરસિંહ વાઘેલાએ કેશુભાઇના ખાસંખાસ એવા વિપુલ ચૌધરીને પોતાની શતરંજનું મુખ્ય પ્યાદુ બનાવ્યા. ખેર, આ બધું એટલે યાદ કર્યું છે કે 1995 પછી થોડાક, અલ્પ સમયને બાદ કરતાં સતત ભાજપ સરકારનું શાસન રહ્યું છે. તેમાંય 2002થી નરેન્દ્ર મોદીએ એવો પગદંડો જમાવ્યો છે કે કોંગ્રેસ અને વિપક્ષને સત્તા હાંસલ કરવાનું તો ઠીક, અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ થઇ પડ્યું છે. 2014માં નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં જઇને ધામા નાંખ્યા છે અને અત્યારે સદીપુરાણી કોંગ્રેસના શા હાલ છે, અને શું કરે છે એ તો આપ સહુ જાણો જ છો.
અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં ‘આપ’વાળા જરૂર જાગ્યા છે, પણ ગુજરાતના મતદારો તેમને કેટલો ભાવ આપે છે એ તો સમય જ કહેશે. રાજ્યમાં ભાજપ - ભાજપ છે. એન્ટી-ઇન્કમબન્સી (સત્તાપક્ષ વિરોધી જનજુવાળનો માહોલ)ના અત્યારે તો ગુજરાતમાં કોઇ એંધાણ દેખાતા નથી.
ખેર, આપણે આગળ વધીએ. ગુજરાતથી બ્રિટન પાછા ફરીએ. આગે આગે હોતા હૈ તે જોઇએ. અત્યારના એંધાણ તો દર્શાવે છે કે લિઝબહેનની સરકારના પગ હચમચી રહ્યા છે. માનવંતા વાચક મિત્રો, શરૂઆતમાં ટાંકેલા વાક્યોનો ઉલ્લેખ ક્યા સંદર્ભે કર્યો છે તેનો ઘટસ્ફોટ આવતા સપ્તાહે આ જ કોલમમાં કરીશ.
દેશની જેમ સમાજને પણ નીતનવીન પ્રકારની સમસ્યાઓ આવે આવે અને આવે જ. આથી મારે સમસ્યા - સાધના અને સિદ્ધિની વાત કરવી છે. આપણા સમાજના ઉપલક્ષ્યમાં, આપણી કર્મભૂમિના ઉપલક્ષ્યમાં અને આપણી જન્મભૂમિના ઉપલક્ષ્યમાં આપણે સહુએ યહૂદી પ્રજાની વાત સમજવા જેવી છે. તેમનો જ્વલંત ઇતિહાસ છે, અને અનુભવ છે. દેહમાં દેહ તું, વૃક્ષમાં બીજ તું... થોડાક શબ્દો કેટલું બધું કહી જાય છે. આપણા નરસિંહ મહેતા કે કબીર કે મીરાબાઇ કે સુરદાસ શિક્ષિત નહોતા, પણ કરત કરત અભ્યાસ સે જડમતિ હોત સુજાણ...
આવતા સપ્તાહે આપણે યહૂદી પ્રજાની વાત કરીશું. ભાભીના જુલમથી ત્રસ્ત નરસૈંયો જૂનાગઢની ગલીઓ રઝળતો-ભટકતો હશે ત્યારે તેના માનસપટમાં કેવો ભીષણ જંગ ચાલતો હશે? તેને બીજી પણ અઢળક તકલીફો હશે જને? આમ છતાં તેના અંતરમનમાં તો જીવનબોધની સરવાણી જ વહે છે... તેમને સ્ફૂરેલા તત્વચિંતનનું મુખ્ય પરિબળ ક્યું? મારા મતે આ દેન છે સનાતન સંસ્કૃતિની. આવતા સપ્તાહે આપણે આની જ વાત કરશું... અસ્તુ. (ક્રમશઃ)