વડીલો સહિત સહુ વાચક મિત્રો, આમ તો આજની વાતના પ્રારંભે હું સો દા'ડાના સાસુના તો એક દા'ડો વહુનો એવી કોઇ ગુજરાતી ઉક્તિ ટાંકીને શરૂઆત કરી શક્યો હોત, પરંતુ કોણ જાણે કેમ આ કે આના જેવી કોઇ કઢંગી કહેવત ટાંકવાનું મારું મન થતું નથી. કારણ? આજે હું જે કેટલાક મુદ્દા આપ સહુની સમક્ષ રજૂ કરવા માંગુ છું તે એટલા સંવેદનશીલ (મારી દૃષ્ટિએ જ સ્તો) છે કે તેના વિશે મતભેદ સંભવ છે. હું મારી વાત, મુદ્દા મૂકી રહ્યો છું, મારો તર્ક રજૂ કરી રહ્યો છું, પરંતુ આપ સહુ સુજ્ઞજનો આ અંગે શું માનો છો તે જાણવા હું વિશેષ ઉત્સુક છું.
કોઇ ઘટના હોય કે વિષય હોય, ‘જીવંત પંથ’માં સાંપ્રત જીવનને સ્પર્શતા પ્રશ્નો, સમસ્યા અંગે સુજ્ઞ વાચકો સાથે કંઇક - એકપક્ષી તો એકપક્ષી - વિચારવિનિમય કરતા રહેવાનો હંમેશા મારો પ્રયત્ન રહ્યો છે. સંભવતઃ આપનામાંથી કદાચ કોઇ એવું પણ કહેશે કે અલ્યા ભગા, તેં તો શ્રીમદ્ ભાગવદ્ બહુ વાંચ્યું, હવે માનવંતા વાચકોને પણ કંઇક કહેવાની તક આપ...
મિત્રો, સાચે જ અહીં રજૂ કરેલા મુદ્દા બહુ નાજુક છે. જોકે તેનો મતલબ એવો નથી કે હું અભિપ્રાય આપતા ખચકાઉં છું. પરંતુ આપ સહુ આ મુદ્દે આપના વિચારો જણાવો તેવો મારો હાર્દિક અનુરોધ છે. આપ ઇ-મેઇલ દ્વારા કે પોસ્ટ દ્વારા પ્રતિભાવ પાઠવી શકો છો.
અને હા, બીજો પણ એક ખુલાસો કરી જ દઉં. હું સહેજ પણ એવા ભ્રમમાં રાચતો નથી કે મારા કરતાં મારો વાચક ઓછો જ્ઞાની કે ઓછો સંવેદનશીલ છે. હું મારી જવાબદારી તરીકે કંઇક વિશેષ વાચન કરું, અભ્યાસ કરું એ તો પાર્ટ ઓફ ધ ડ્યુટી જ છેને? આપની સેવામાં કંઇક નીતનવું રજૂ કરતું રહેવાની મારી નૈતિક ફરજ છે. આથી જ મેં જે કંઇ જોયું છે, જાણ્યું છે તેના આધારે આજે હું બે પ્રશ્નો કે મુદ્દા ચર્ચાની એરણે ચઢાવી રહ્યો છું.
એક યુવાનની વીડિયોક્લીપ આજકાલ યુટ્યુબ પર ધુમ મચાવી રહી છે. એકવડા બાંધો, ચહેરા પર દાઢી અને માથે લાંબા વાળની અંબોડી, શરીર પર સાધુ જેવી કેસરી ધોતી... આ તેનો દેખાવ. સાધુ જેવો આ યુવાન માતાને કાવડમાં બેસાડીને ચાર ધામની યાત્રાએ નીકળ્યો છે. લોકો યુવાનને ‘કળિયુગના શ્રવણ’ તરીકે ઓળખાવી રહ્યા છે.
શ્રવણ શબ્દ સાંભળીને કંઇક યાદ આવી ગયું?! તમારી વાત સાચી છે, હું શ્રવણ સન્માન સમારોહની જ વાત કરી રહ્યો છું. આપ સહુ જાણો છો તેમ તાજેતરમાં જ ‘ગુજરાત સમાચાર’ દ્વારા શ્રવણ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ અંગેનો એક વિગતવાર અહેવાલ પણ આપ સહુએ ૨૬ માર્ચ, ૨૦૧૬ના અંકમાં વાંચ્યો હશે. તાજેતરમાં એકાદ-બે જાહેર કાર્યક્રમોમાં પણ આપણા શ્રવણ સન્માન સમારોહની અને તેના સંદર્ભે ‘કળિયુગના શ્રવણ’ની વાત પણ નીકળી.
વાત માત્ર ચર્ચા પૂરતી સીમિત ન રહેતા, તેમાંથી કેટલાક પ્રશ્નો પણ ઉઠ્યા. અને પ્રશ્નો હોય ત્યાં મતભેદ તો રહેવાના જ ને?! તુંડે તુંડે મર્તિ ભિન્નાઃ કંઇ અમસ્તું તો કહેવાયું નથી. આ પ્રશ્નો કંઇક આવા હતા... હું આ વિશે આપ સહુનો અભિપ્રાય જાણવા માંગુ છું. આ દરેક પ્રશ્ન સાથે (જ્યાં શક્ય છે ત્યાં હા / ના વિકલ્પ પણ આપ્યા છે. અને આપને લાગતું હોય કે તમે આ મુદ્દે હા / ના કરતાં પણ કંઇક વિશેષ ટિપ્પણી કરવા માગો છો તો તે પણ આવકાર્ય છે. સાથે તમારું નામ-સરનામું લખવાનું ભૂલતા નહીં.)
૧) કૈલાશભાઇ તેમના પૂજ્ય માતુશ્રીને કાવડમાં બેસાડીને ચાર ધામની યાત્રાએ નીકળ્યા છે. કૈલાશભાઇનો આ પ્રયાસ તેમને સાચા અર્થમાં શ્રવણ કહેવા યોગ્ય ગણાય કે નહીં? હા / ના
૨) આ ભાઇ પોતે તો જુવાનજોધ જણાય છે, પણ માતાને ચાર ધામની જાત્રા કરાવવાના એકમાત્ર ઉદ્દેશને તેમણે પોતાનું સમગ્ર આયખું અર્પણ કરી દીધું છે તે કેટલા અંશે યોગ્ય છે? તેમની રોજીરોટીનું, પત્ની-સંતાનો (જો હોય તો) સહિતના પરિવારજનોની સારસંભાળનું શું? આ સંદર્ભે શું તેમનો કાવડયાત્રાનો નિર્ણય યોગ્ય ગણી શકાય? હા / ના
૩) તમને શું લાગે છે માતાની ચાર ધામની ઇચ્છાને નજરમાં રાખીને જ તેમણે સામાજિક જવાબદારીમાંથી સંન્યાસ લીધો છે? હા / ના
૪) ચાલો, આપણે માની લઇએ કે કૈલાશભાઇનો નિર્ણય સાચો છે, પણ ટાઢ-તડકો-વરસાદ જેવા કુદરતી પરિબળો ઉપરાંત ખરાબ માર્ગો, ટ્રાફિકની સમસ્યા જેવા માનવસર્જીત પ્રશ્નોનું શું? માતાને કાવડમાં સતત બેસી રહેવું પડે તો તેનાથી તેમના શારીરિક સ્વાસ્થ્ય પર વિપરિત અસર ન થાય? વાચક મિત્રો, આપ સહુને નથી લાગતું કે આ પ્રકારે પ્રવાસથી તો ઉલ્ટાનું તેમના માતાનું સ્વાસ્થ્ય કથળી શકે છે? હા / ના
૫) કૈલાશભાઇએ માતાની ઇચ્છાને સાકાર કરવાને પોતાનું કર્તવ્ય સમજ્યું છે તે આનંદની વાત છે, પરંતુ આ રીતે હજારો માઇલની પદયાત્રાનો નિર્ણય કેટલા અંશે યોગ્ય છે? હા / ના
૬) માતાની જાતરાની ઇચ્છા છે અને પુત્રમાં શારીરિક સજ્જતા છે, પરંતુ માર્ગ પરિવહનના અનેક વિકલ્પો ધરાવતા આજના યુગમાં આ પ્રકારનો પ્રવાસ જુલ્મ (ભલેને પોતાની જાત પર જ થતો હોય) ગણાય કે નહીં? હા / ના
મિત્રો, આ અને આવા તો અનેક પ્રશ્નો મનમાં ઉઠી રહ્યા હોય. સંભવ છે કે તમારા મનમાં પણ ઉઠતા હશે. જોકે આપ સહુ કદાચ કહેશો કે સી.બી., તમે તો ‘કળિયુગના શ્રવણ’ની વીડિયોક્લીપ જોઇને આ બધા પ્રશ્નો લખી રહ્યા છો. જરા અમને તો બતાવો કે આ વીડિયોક્લીપમાં છે શું? અમે પણ વીડિયોક્લીપ જોઇને અમારો અભિપ્રાય આપશું. તો લ્યો... આ સાથે તમને પણ લિન્ક મોકલી રહ્યો છું.
ગુગલમાં Rebirth of Shravan Kumar in Kalyug ટાઇપ કરીને સર્ચ કરશો કે તરત સૌથી ઉપર જ આ વીડિયોલિન્ક જોવા મળશે. લિન્ક પર ક્લીક કરશો કે તરત જ વીડિયો શરૂ થઇ જશે. જરા ટ્રાય કરજો, બહુ સહેલું છે... અને છતાં કોઇ મૂંઝવણ હોય તો ડોન્ટ વરી, ઘરમાં ફરતાં કોઇ ટેણિયા-મેણિયાને પૂછશો તો તે પણ સમજાવી દેશે. આપણી ભાવિ પેઢી ટેક્નોલોજીની બાબતમાં આપણા કરતાં દસ ડગલાં આગળ છે એ ન ભૂલશો...
આ વીડિયો નિહાળીને કોઇ વાચકે મને પૂછ્યું કે સી.બી. ‘ગુજરાત સમાચાર’એ શ્રવણ સન્માનનું સ્તુત્ય આયોજન શરૂ કર્યું છે તેમાં તમે પથારીવશ માતા-પિતા કે ભાઇભાંડુની સારસંભાળ લેતા પરિવારજનોને બિરદાવો છો. ખરુંને? પરંતુ તમને અવસર મળે તો આ પ્રકારના શ્રવણનું સન્માન કરો કે નહીં?!
વાચક મિત્રો, ૨૬ માર્ચના અહેવાલમાં લખ્યું છે તે પ્રમાણે શ્રવણ સન્માન સમારોહનું આયોજન અમારું સદભાગ્ય હતું. છે. અને રહેશે. અમારું નમ્રપણે માનવું છે કે આ કાર્યક્રમ દ્વારા અમને સમાજના એવા વીરલાઓને પોંખવાનો સુવર્ણ અવસર મળ્યો છે જેઓ તેમના પરિવારના જ નહીં, સમગ્ર સમાજના, સમગ્ર સમુદાયના રીયલ લાઇફ હીરો છે. આ લોકોને સન્માનીને એબીપીએલ ગ્રૂપ ખુદ ગૌરવની લાગણી અનુભવે છે.
મિત્રો, આપ સહુ ‘કળિયુગના શ્રવણ’ વિશે શું માનો છો? તે અમને નિઃસંકોચ લખી જણાવો.
આવો જ એક બીજો એટલે કે ચર્ચાના ચાકડે ચઢાવી શકાય તેવો મુદ્દો ઇન્ટરનેટ પર ફરી રહ્યો છે. આ અને આના જેવી માહિતી પૂર્વ બેન્કર ગિરીશભાઇ દેસાઇ પરિચિતોને ઇ-મેઇલ પર મોકલતા રહે છે. ક્યારેક તેઓ જ્ઞાનની લ્હાણી કરે છે અને ક્યારેક તેઓ ગમતાનો ગુલાલ કરે છે તો ક્યારેક તેઓ અહીં ટાંક્યો છે તેવો ઇ-મેઇલ મોકલીને માથું ખંજવાળતા પણ કરી દે છે. હા, ‘સફાચટ મેદાન’ ધરાવતા મારા જેવાને ક્યારેક માથામાં ખંજવાળતા ખંજવાળતા લોહીનો ટશિયો ફૂટી જાય છે તે વાત અલગ છે, પણ આ મુદ્દો વાંચ્યા પછી તમેય વિચારના ચકરાવે ચઢી જાવ તો નવાઇ નહીં.
આ ઇ-મેઇલ ન્યૂ ઝીલેન્ડથી બ્રાયન નામના એક ભાઇએ ફરતો કર્યો છે. તેમણે ઇ-મેઇલમાં સંખ્યાબંધ મુદ્દાઓ ટાંક્યા છે જેનું ટાઇટલ છે ઇંડિયન પર્સપેક્ટિવ - ભારતીય દૃષ્ટિકોણ. બ્રાયનભાઇના ઇ-મેઇલમાં ભારતીય સમાજનું અભિન્ન અંગ બની ગયેલા ભ્રષ્ટાચાર, ધર્મભાવના, વેપારીવૃત્તિ, તકવાદી વલણ વગેરે મુદ્દાઓ અંગે તાર્કિક દલીલો સાથે રજૂઆત કરવામાં આવી છે.
ઇ-મેઇલ વાંચતા પહેલી નજરે એવું લાગે કે આમાં તો ભારતની બદબોઇ થાય છે, પણ ગાંધીજીએ કહ્યું છે તેમ સત્ય હંમેશા કડવું જ હોય છે. અને આ સત્ય કડવું હોવા છતાં આપણે સહુએ પચાવવું જ રહ્યું. ન્યૂ ઝીલેન્ડના બ્રાયને લખ્યો છે એટલે ઇ-મેઇલ તો અંગ્રેજીમાં છે, પણ તેના અંશો ગુજરાતીમાં રજૂ કરી રહ્યો છું. તો વાંચો આગળ...
• ભારતમાં ભ્રષ્ટાચાર. ભારતીય સમાજની રગેરગમાં વ્યાપી ગયેલી બદી એટલે ભ્રષ્ટાચાર. ભારતવાસીને તેમાં કશુંય નવાઇજનક કે અજૂગતું જણાતું નથી. ભારતવાસી ભ્રષ્ટાચારને સહન કરે છે એટલું જ નહીં, પણ જ્યારે તક મળે છે ત્યારે ભ્રષ્ટાચાર આચરવામાં, લેવડદેવડ કરવામાં પણ સંકોચ અનુભવતો નથી. આખી કોમ ભ્રષ્ટાચારી છે એમ તો ન કહી શકાય, પણ ભ્રષ્ટાચારના વલણે સમુદાયને અજગરભરડો લીધો છે તેમાં બેમત નથી.
• ધર્મ અને ધર્મનું આચરણ. હિન્દુ ધર્મ એ લેવડદેવડનો સંબંધ છે. ભારતીય ઇશ્વરસમક્ષ નતમસ્તક થઇને રોકડ કે દરદાગીનો તો મૂકે છે, પણ એવી આશા-અપેક્ષા સાથે કે બદલામાં (તેને ઇશ્વર પાસેથી) લખલૂટ દોલત, અમર્યાદ પ્રભાવ - પ્રતિષ્ઠા કે સત્તા પ્રાપ્ત થશે. આવી લેવડદેવડ કે લાલચ એ સમાજને એક વિચિત્ર મનોદશા તરફ દોરી ગઇ છે. મંદિરોમાં ભગવાનના ચરણોમાં વિના સંકોચ કાળું નાણું, (ઓળવી જવાયેલું) પારકું ધન, વગર મહેનતે કમાયેલા નાણા ધરવામાં આવે છે. એટલું જ નહીં, એવી અપેક્ષા પણ રાખવામાં આવે છે કે ભગવાનના ચરણોમાં ધરેલા નાણા પવિત્ર થઇ જાય અને ભગવાન આ નાણા તેને અનેકગણા કરીને પરત આપશે.
ઇ-મેઇલમાં ‘ધ હિન્દુ’ દૈનિકનો હવાલો ટાંકીને એક ઉદાહરણ પણ ટાંકવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે જૂન ૨૦૦૯માં જી. જનાર્દન રેડ્ડી નામના કર્ણાટક સરકારના એક પ્રધાને તિરુપતિ બાલાજી મંદિરમાં સોના અને હીરાજડીત મુગટ ભેટ આપ્યો હતો, જેની કિંમત ૪૫ કરોડ રૂપિયા હતી.
ભારતના મંદિરોમાં અફાટ સંપત્તિ સંગ્રહાયેલી છે. સોના-ચાંદીના હીરા-મોતી મઢ્યા ઝવેરાતનો જંગી ખજાનો છે. થોડાક વર્ષ પૂર્વે દક્ષિણ ભારતમાં આવેલા પદ્મનાભ મંદિરના વર્ષોથી બંધ ઓરડાં ખોલતાં સોનાના સિક્કાથી માંડીને ઝરઝવેરાતનો એટલો વિશાળ ખજાનો મળ્યો કે તેની ગણતરી કરવા માટે સરકારને નિષ્ણાત ઝવેરીઓની સમિતિ રચવી પડી હતી.
જો ભગવાનના નામે સાચુંખોટું નાણું પણ ‘સ્વીકારાતું’ હોય તો ભ્રષ્ટાચારમાં કંઇ ખોટું નથી તેવું સામાન્ય ભારતીય માનતો થઇ જાય તો તેમાં નવાઇ શું? હિંદુ ધર્મગુરૂઓ ‘કાળા ચોર’ના નાણા લેતાં જરાય અચકાતા નથી.
• ભારત કદી દુશ્મનોનો પ્રતિકાર કરવામાં સફળ રહ્યું નથી. અગાઉ ટાંકેલા મુદ્દાઓમાં મતમતાંતર હોય શકે, પરંતુ આ મુદ્દો તો તથ્ય આધારિત છે એમ કહેવામાં લેશમાત્ર અતિશ્યોક્તિ નથી. તમે ઇતિહાસના પૃષ્ઠો પર નજર ફેરવશો તો જણાશે કે આ તારણ રતિભાર પણ ખોટું નથી. ઇતિહાસમાં નોંધાયેલી અસંખ્ય ઘટનાઓ, પ્રસંગો આ વાત પુરવાર કરે છે. ગ્રીસથી એલેક્ઝાન્ડર (કે સિકંદર) આવ્યો. યુરોપમાંથી વેપારવણજ કરવાના બહાને ફિરંગીઓ આવ્યા, ડચ આવ્યા, પોર્ટુગીઝો આવ્યા અને અંગ્રેજો પણ પહોંચ્યા. તે પહેલાં અફઘાની શાસકો પહોંચ્યા, અને મોગલો પણ હિન્દુસ્તાન પહોંચ્યા. આક્રમણ કર્યું. સામાન્ય નાગરિકોનું (વગદાર લોકોનું નહીં હોં...) ભયંકર શોષણ કર્યું, બેફામ લૂંટફાટ મચાવીને પોતાની તિજોરીઓ ભરી.
આ તમામ આક્રમણખોરો કે ઘૂસણખોરો ભારતમાં પંજો પસારવામાં ફાવ્યા કઇ રીતે? જાણવા જેવું છે.
સુરતમાં ઇસ્ટ ઇંડિયા કંપનીએ પોતાનું થાણું સ્થાપ્યું અને લશ્કર ઊભું કરવા સૈન્યોની ભરતી શરૂ કરી. પણ આ ભગીરથ કાર્ય માટે નાણા આવ્યા ક્યાંથી? સુરતના બે શેઠિયાઓએ તેમને પુષ્કળ નાણા ધીર્યા હતા. આમાંના એક હિન્દુ હતા અને બીજા જૈન. ઊંચું વ્યાજ કમાવા અને ઇસ્ટ ઇંડિયા કંપનીના વગદાર લોકો સાથે સંપર્ક મજબૂત બનાવવા તેમણે તિજોરી ખુલ્લી મૂકી દીધી. આમાં રાષ્ટ્રભાવના જેવું ક્યાંય દેખાય છે?
સુરત નામની સોનાની મૂરતને લૂંટવા માટે શિવાજીની સેનાએ આક્રમણ કર્યું. સેનાના વડાએ સહુ કોઇને લૂંટ્યા, પણ ઇસ્ટ ઇંડિયા કંપનીને હાથ પણ ન લગાડ્યો! કહેવાય છે કે ઇસ્ટ ઇંડિયા કંપનીએ શિવાજીની સેનાના લશ્કરના સરદારને નાણા ચૂકવ્યા હતા. સલાહ આપી હતી પેલા શેઠીયાઓએ.
આ જ પ્રમાણે પ્લાસીનું યુદ્ધ થયું તે વેળા ૧૭૫૭માં મીર ઝાફરની સેના સામેની લડાઇમાં ચાલીસ લાખ રૂપિયા લીધા બાદ અમીચંદનું લશ્કર યુદ્ધમાં જોડાયું નહોતું. પરિણામે અંગ્રેજી હાકેમ ક્લાઇવનું લશ્કર નાનું હોવા છતાં જીતી ગયું હતું. ૧૬૮૭માં ઇસ્ટ ઇંડિયા કંપનીએ ગોલ કોન્ડાનો કિલ્લો કઇ રીતે જીત્યો હતો? કિલ્લાની પાછળના ભાગે વિશાળ દરવાજો હતો. આક્રમણખોર ટુકડીના વડાએ દરવાનને નાણા આપી દીધા અને દરવાજો ખુલી ગયો!
જયપુરના રાજપૂત રાજાઓએ મોગલ બાદશાહ સાથે પોતાની બે-બે પુત્રીઓને પરણાવીને તાજ અને સિંહાસન બચાવ્યા હતા તે વાત ઇતિહાસના ચોપડે નોંધાયેલી છે.
આ જ પ્રમાણે બીજા પણ એવા અનેક ઉદાહરણો છે જેમાં દુશ્મનોના આક્રમણને ખાળવા માટે ભારતીયો લગારેય પ્રતિકાર કરતા જોવા મળ્યા નથી. એટલું જ નહીં, ભારતીયો લાંચરુશ્વત આપીને, લળી લળીને કુરનીશ બજાવીને દુશ્મનના શરણે થઇ જતા જોવા મળે છે.
• ભારતમાં ધર્મના નામે ધંધો ચાલે છે. હિન્દુ ધર્મ જૂઓને છેલ્લા ૫૦૦ વર્ષમાં કેટલો બધો બદલાઇ ગયો છે. કેટલાય ધર્મો ઉદ્ભવ્યા, કેટલાય સંપ્રદાયોનો જન્મ થયો. સહુ કોઇએ ધર્મના નામે મનફાવે તેમ ચરી ખાધું, એ ચાલુ જ છે. પોતપોતાની રીતે ‘તંત્ર’ ગોઠવી દીધું. ઇચ્છા પડી તે વ્યક્તિ ‘ભગવાન’ બની બેઠી છે. હિન્દુ પરંપરામાં ધર્મના નામે ધંધો કરવાનું કદાચ સૌથી સરળ છે. બસ પાંચ-પચાસનું ટોળું ઊભું કરો. ભજન અને ભોજનના નામે સહુ કોઇને એકતાંતણે બાંધો. જેનું પેટમાં ગયું હોય તેની પિપુડી વાગે જ તેમાં નવાઇ શી? જયજયકાર થઇ જાય. ચમત્કારની વાતો ચાલે, પરિવાર પરથી સંકટ દૂર થયાની વાતો ઊડે, રોગ મટી ગયાનું ગાણું ગવાય, અધધધ માલ-મિલકત મળ્યાના કિસ્સા ચગે... પરચા જ પરચા. બસ પછી તો જોઇએ જ શું?! લોભી અને લાલચુઓની લાઇન લાગે. અને ગાડરિયા પ્રવાહમાં સહુ જોડાતા જાય! ઇશ્વર બાજુમાં રહી જાય અને જીવતાજાગતા માણસની પૂજા શરૂ થઇ જાય. છેલ્લા ૪-૫ સૈકાથી હિન્દુ ધર્મમાં આવું જ બનતું રહ્યું છે.
હિન્દુ ધર્મમાં નવચેતન લાવવાના ઉમદા ઉદ્દેશ સાથે ૧૯૫૩માં ઉપ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને મદ્રાસ યુનિવર્સિટીના પદવીદાન સમારંભને સંબોધતા એલાન કર્યું હતું કે હિન્દુઓએ ભગવાન શ્રીકૃષ્ણ પછી કોઇને પણ ભગવાન તરીકે સ્વીકારવાનું બંધ કરવું જોઇએ. જો આવું નહીં થાય તો હિન્દુ ધર્મનું વિઘટન થઇ જશે.
લોકોએ સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત એવા સર્વપલ્લી રાધાકૃષ્ણનની વાતોને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખી હોય તેમ લાગે છે. આજે ધર્મના નામે અધર્મ ચાલે છે. ધર્મના નામે ધીકતો ધંધો થાય છે. અને શ્રદ્ધાના નામે લોકો હોંશે હોંશે અંધશ્રદ્ધાના પૂરમાં તણાતા રહે છે. લોકો પોતાના ધર્મ કે સંપ્રદાયની વિરોધમાં એક વાક્ય તો શું એક શબ્દ પણ સાંભળવા તૈયાર નથી.
ભારત આધુનિક્તાના પંથે ભલે પ્રયાણ કરી રહ્યું હોય, પણ પચાસ પૂર્વે જે સહિષ્ણુતા, સ્વાભિમાન, સ્વમાનની લાગણી હતી તેનો દસમો ભાગ પણ ટક્યો નથી. આધુનિક વિચારસરણી ધરાવતો માણસ ધર્મના નામે એટલો જ આળો (સંવેદનશીલ) બન્યો છે. આ જ કારણ છે કે ધર્મના નામે ધતિંગ કરનારાઓને ફાવતું મળી ગયું છે. તમે કોઇ ધર્મની ટીકા કરો કે તેના અનુયાયીઓ તમારા પર પસ્તાળ પાડે.
વાચક મિત્રો, આ તો એક અભિપ્રાય છે. આપનું શું માનવું છે? હિન્દુ ધર્મમાં શ્રદ્ધાના ઓઠા તળે પ્રવર્તતી અંધશ્રદ્ધાનું મારણ શું છે? આ વિશે આપના વિચારો ૫૦૦ શબ્દોની મર્યાદામાં ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં અમને લખી જણાવવા સહુને અમારું હાર્દિક આમંત્રણ છે. આ વિચારોમાંથી પસંદગીના પ્રતિસાદને અમે પ્રકાશિત કરવા માગીએ છીએ. અમારો ઇરાદો નેક છે - હિન્દુ ધર્મમાં પ્રવર્તતી બદીને દૂર કરવાનો. અમારા આ સામાજિક યજ્ઞમાં આપની શાબ્દિક આહુતિ અનિવાર્ય છે. (ક્રમશઃ)