વડીલો સહિત સહુ વાચક મિત્રો, જીભ કચરાય ત્યારે મન કચવાય એ માણસમાત્રની પરખ છે. સોમવારે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા પ્રેસિડેન્ટ બન્યા. સોગંદવિધિ સંપન્ન થઇ. નવા પ્રેસિડેન્ટને, અમેરિકાની પ્રજાને અને સાથે સાથે જ વિશ્વ સમસ્તને આપણી ઘણી ઘણી શુભકામનાઓ હોય તે સ્વાભાવિક છે.
મારા-તમારા જેવા સામાન્ય માણસોની જીભ પણ ક્યારેક કચરાતી હશે, અને જ્યારે આવું થતું હશે ત્યારે જીવ પણ કચવાતો હશે, પણ ડોનાલ્ડ ટ્રમ્પની વાત અલગ છે. આ માણસની જીભ વારંવાર કચરાતી રહે છે તે આપણે સહુએ જોયું-જાણ્યું છે. ન બોલવાનું બોલવું, અઘટિત બોલી નાંખવું, વધારે પડતું બોલી નાંખવું... આ જ ટ્રમ્પ સાહેબના વ્યક્તિત્વની આગવી ઓળખ છે. બમ્બૈયા ફિલ્મી ભાષામાં તો કહું તો તેઓ ‘બોલ બચ્ચન’ છે. તો એક વર્ગ કહે છે કે તેમની જીભ અતરડા જેવી છે. તેમના મોંમાંથી નીકળતા શબ્દો ધારે ત્યારે સામેવાળાને રહેંસી નાંખે છે.
અમેરિકામાં એક પરંપરા છે કે કોઇ વ્યક્તિ પ્રમુખપદ સંભાળે તે સાથે જ એક ઓફિશિયલ ફોટો રિલીઝ થાય છે. બ્રિટનમાં પણ આ પરંપરા છે, અને ભારતમાં પણ છે. પરંતુ આ કોલમ સાથે પ્રસિદ્ધ કરેલો ટ્રમ્પસાહેબનો ફોટો ધ્યાનથી જોવા જેવો છે. તેમની બોડી લેન્ગવેજ જોશો તો એવો ભાસ થશે કે જાણે તેઓ બિલ્લીની જેમ તરાપ મારવા તત્પર બેઠા છે.
અલબત્ત, આ બધું જોનારની નજર પર આધાર રાખે છે તે ખરું, પરંતુ બિલ્લીની વાત આવી છે એટલે ઉંદરની વાત પણ કરવી જ પડે. ઉંદર ઘરમાં જોવા મળે, ઓફિસમાં ય નજરે પડે, શિપમાં પણ દેખાય, પ્લેનમાં પણ ને શોપમાંય આંટા મારતો હોય. ઉંદરનું અસ્તિત્વ અત્ર - તત્ર - સર્વત્ર નજરે ચઢશે. (ઉંદર ક્યાં નથી મધુવનમાં?)કદ ટચુકડું, પણ ભલભલાને તોબા પોકારાવી દે. તેની હાજરી નુકસાની ને બરબાદ જ નોતરે. શોપમાં તેની હાજરી દેખાય કે તરત મોટી રકમના ફાઇનનો ચાંદલો થઇ જાય. આર્થિક નુકસાનીની સાથે બદનામીનો ટીકો લાગે તે લટકામાં. તેને તમે કાઢો ત્યાં સુધીમાં તો તેણે ખાસ્સું નુકસાન કરી નાંખ્યું હોય. પણ હા, તેની એક ખાસિયત નોંધપાત્ર છે - મુસીબતના ટાણે તે સૌથી પહેલાં પોતાનું સ્થાન છોડી દે છે. શીપ ડૂબવાનું થાય તે પહેલાં પાણીમાં ભૂસકો મારે ને દુકાનની બોરીમાં આગ લાગે તો સૌથી પહેલાં ઉભી પૂંછડીએ તે બહાર નાસે.
કહેવાનું તાત્પર્ય એટલું જ કે તમે ગમેતેટલા ભારાડી - તોફાની હો તેનું મહત્ત્વ નથી, સમય-સંજોગ સામે તમે કેટલી ઝીંક ઝીલી શકો છો, મુશ્કેલી સામે કેટલો સમય ટકી રહો છો તેના પર બધો આધાર હોય છે. મતલબ કે, અત્યાર સુધી બેફામ નિવેદનબાજી કે ધાકધમકીભર્યા ઉચ્ચારણો કરતાં રહેલા ટ્રમ્પ સાહેબ વાસ્તવિક પડકારો સામે કેવી ઝીંક ઝીલે છે તે હવે ખબર પડશે. અને રહી વાત સાચા-ખોટા માર્ગે વેપાર-ધંધો કરવાના તેમની સામેના આક્ષેપોની કે તેમની સ્ત્રીલાલસાની તો... તે બાબતે અત્યારે કંઇ પણ કહેવું અસ્થાને છે. જો જીતા વહી સિકંદર. અમેરિકી મતદારોએ ગયા નવેમ્બરમાં ખોબલે ખોબલે મત આપીને તેમને જીતાડ્યા છે તેનો કોઇ ઇન્કાર કરી શકે તેમ નથી. એમ પણ કહી શકાય કે મતદારોએ જો બાઇડેનની ડેમોક્રેટિક પાર્ટીના સૂપડાં સાફ કરી નાંખ્યા છે.
સત્તાના સિંહાસનેથી વિદાય લઇ રહેલા અમેરિકી પ્રેસિડેન્ટ જો બાઇડેન ગયા સપ્તાહે એવું બોલ્યા હતા કે જો હું પ્રમુખપદની ચૂંટણીમાં ઉભો રહ્યો હોત તો ટ્રમ્પને હરાવી દીધા હોત. અરે ભાઇ, આ બધી ‘જો’ અને ‘તો’ની વાત છે. બાઇડેન સાહેબની યાદશક્તિ નબળી પડી રહી છે તે સાચું, પણ તેમણે એ તો ન જ ભૂલવું જોઇએ કે પ્રમુખપદની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા હતા, મતદારોમાં તેમની લોકપ્રિયતાનો આંકડો 27 ટકાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો ત્યારે પક્ષના વડેરા નેતાઓથી માંડીને શુભેચ્છકો-સમર્થકોએ તેમને (દુરાગ્રહની હદે) આગ્રહ કરીને ચૂંટણીના મેદાનમાંથી માનભેર ખસી જવા સમજાવ્યા હતા. સાથી-સમર્થકોએ જ તેમને કડવી વાસ્તવિક્તાનું ભાન કરાવ્યું હતું કે ટ્રમ્પ સામે તમારો ગજ વાગે તેવું લાગતું નથી. આ પછી કચવાતા મને તમે પ્રમુખપદ માટેની દાવેદારી પાછી ખેંચવા અને તમારા સહયોગી કમલા હેરિસને ચૂંટણી મેદાનમાં ઉતારવા તૈયાર થયા હતા.
ટ્રમ્પ સામે (હેરિસ હારી ગયા, પણ...) હું જીતી ગયો હોત તેવો દાવો કરતાં બાઇડેન સાહેબે એ પણ ન ભૂલવું જોઇએ કે ચૂંટણી પ્રચાર માટે બહુ જ ઓછો સમય મળવા છતાં કમલા હેરિસ માત્ર દોઢ ટકાના અંતરથી હાર્યા છે. જો તેમને પ્રચાર માટે પૂરતો સમય મળ્યો હોત તો... ખેર, આ ફરી ‘જો’ અને ‘તો’ વાળી જ વાત છે. ટૂંકમાં, જો બાઇડેનનો દાવો તર્કહીન છે.
અહીં મિલિયન ડોલર ક્વેશ્ચન એ છે કે 20મી જાન્યુઆરીએ ટ્રમ્પ સાહેબ વિશ્વમાં સર્વોચ્ચ શક્તિશાળી મહાસતાના સિંહાસને બેઠા પછી શું? રાજકારણ જીવનના દરેક પાસાંને સ્પર્શે છે. જીવનની દરેક બાબત સાથે રાજકારણ સંકળાયેલું જોવા મળે છે. અમેરિકા કંઇ અમસ્તું જ મહાસત્તા નથી. વિશ્વમાં દરેક મોરચે તે ટોચનું સ્થાન ધરાવે છે - પછી વાત વિદ્વતાની હોય, વિજ્ઞાન, અર્થકારણ, ટેક્નોલોજી, સંરક્ષણ, સાહસ કે પછી સખાવતની હોય. તે અર્થમાં અરધમાં રામ અને અરધમાં ગામ તેવો તાલ છે.
ટ્રમ્પ સાહેબ જો જીતા વહી સિકંદરના ન્યાયે સત્તાના સિંહાસને પહોંચી ગયા છે, પણ વાચકમિત્રો આ જ સિકંદરની કહાણી આપણે સહુ જાણીએ છીએ. એક કવિએ તેમની રચનામાં સિકંદરની અંતિમ પળોને વાચા આપી છે. ‘સિકંદરના ફરમાનો’ નામની આ આખી રચના તો મને યાદ નથી, પણ કેટલીક પંક્તિઓ જરૂર યાદ છે, જેના અંશ અહીં રજૂ કરી રહ્યો છુંઃ ‘મારી નનામી લઈ જાઓ, ત્યારે કફનની બહાર મારા બે ખુલ્લા હાથ રાખજો... મારા મરણ વેળા સઘળી મિલકત અહીં પધરાવજો...’ એમ કહીને સિકંદર આગળ ઉમેરે છે કે મારા બધા વૈદ્ય-હકીમોને અહીં બોલાવજો, મારી નનામી એ જ વૈદ્યોને ખભે ઉપડાવજો. મારી નનામી સાથ એ સહુને પધરાવજો.
સિકંદરના જીવનસાર પર લખાયેલું આ ગીત એક જમાનામાં બહુ જ પ્રસિદ્ધ હતું. સિકંદર એલેક્ઝાન્ડર - ધ ગ્રેટના નામે જગવિખ્યાત હતો. પૂરી દુનિયા સર કરવાના નિર્ધાર સાથે તે સૈન્યનો વિશાળ રસાલો લઇને ગ્રીસથી નીકળ્યો હતો અને એક પછી એક દેશ-પ્રદેશ જીતતા જીતતા છેક પંજાબની ઝેલમ નદીના કિનારે પહોંચ્યો હતો. કહેવાનું તાત્પર્ય એટલું જ કે જે ચઢે છે તે પડે છે, જેનો આરંભ છે તેનો અંત પણ છે જ. જેણે આખું જગ (તે વેળાની દ્રષ્ટિએ) જીતી લીધું હતું તેવો સિકંદર પણ આ સનાતન સત્ય અને તથ્યને ટાળી શક્યો નહોતો.
શ્રીમાન ટ્રમ્પે પણ યાદ રાખવું રહ્યું કે જ્વલંત વિજય સાથે અમેરિકા જેવી મહાસત્તાની શાસનધૂરા સંભાળી છે તે સાચું, પણ સત્તાનો મદ દિમાગમાં ન ચઢી જાય. એક સમયે તેમની સામે વિરોધનો બૂંગિયો પીટનારા આજે ઝૂકી ઝૂકીને તેમની કુરનિશ બજાવી રહ્યા છે. ટ્રમ્પના વિજય બાદ તેમની બહુચર્ચિત ક્લબ માર-એ-લાગોના દરવાજે મહાનુભાવ મુલાકાતીઓની લાંબી લાઇન જોવા મળતી હતી, જેમાં સમર્થકોની સાથે વિરોધીઓ પણ નજરે ચઢતા હતા.
ઉગતા સૂરજને સહુ કોઇ પૂજતું હોય છે - આ દુનિયાનો નિયમ છે. ટેસ્લાના સર્વેસર્વા એલન મસ્ક અને તેમની નીતિરીતિ આનું ઉજળું ઉદાહરણ છે. એક સમયે આ જ મસ્કે ટ્વિટર ખરીદ્યું કે તરત જ તેના પર ટ્રમ્પની જાહેરખબરોના બેફામ નિવેદનો પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. આજે આ જ મસ્ક ટ્રમ્પના ‘પહેલા ખોળાના સંતાન’ બની બેઠા છે. ટ્રમ્પ પણ ભૂતકાળની કડવાશ ભૂલીને મસ્કને ખભે બેસાડીને ફેરવી રહ્યા છે. ફેસબુકના માર્ક ઝુકરબર્ગની વાત કરીએ તો તેઓ પણ એક સમયે ટ્રમ્પની વિચારધારાના આકરા વિરોધી હતા, પણ માર-એ-લાગો પહોંચનારામાં તેઓ પણ હતા. આ બધા ટ્રમ્પને લાખો ડોલરનું અનુદાન આપી આવ્યા છે.
માર-એ-લાગો કલબના દરવાજે મુલાકાતીઓની ભલે લાંબી લાઇન લાગી હતી, પણ વાચક મિત્રો, આપ સહુએ એક વાત નોંધી કે કુરનિશ બજાવવા ઉમટેલા દેશવિદેશના મહાનુભાવોની આ કતારમાં ભારત સરકારના કોઇ પ્રતિનિધિ નજરે ચઢ્યા નહોતા. વીતેલા પખવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસંખાસ એવા વિદેશપ્રધાન એસ. જયશંકર છ દિવસના અમેરિકા પ્રવાસે ગયા હતા. અમેરિકા રોકાણ દરમિયાન તેઓ ઘણા રાજનેતાઓથી લઇને નેશનલ સિક્યુરિટી એડવાઇઝર સુલિવન સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓને મળ્યા હતા, પણ તેઓ માર-એ-લાગો કલબ પહોંચ્યા હોવાનું જાણ્યું-સાંભળ્યું નથી. આ નવા ભારતની ઓળખ છે.
આમ જૂઓ તો ભારતના માનનીય વડાપ્રધાન નરેદ્રભાઇ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગાઢી મિત્રતા છે. નરેન્દ્રભાઇ તેમના મિત્ર ટ્રમ્પને ભારતમાં આવકારવા એક લાખની જનમેદની એકત્ર કરી હતી તે અલગ વાત છે. આજનું ભારત તે અર્થમાં આપણને સહુને મસ્તક ઊંચું રાખીને ચાલવા માટે પ્રેરે છે.
એક બીજી પણ વાત નોંધપાત્ર છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે તેમની શપથવિધિમાં દુનિયાભરના નેતાઓને આમંત્રણ આપ્યું હતું. અમેરિકાના ઇતિહાસમાં પહેલી વખત આવું બન્યું હતું. જોકે શપથવિધિ સમારોહમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉપસ્થિત રહે તેવી ટ્રમ્પની ઇચ્છા ફળી નથી.
આ સંજોગોમાં ટ્રમ્પ હવે ચીન અને તેના શાસક સામે કેવો અભિગમ અપનાવે છે તે જોવું રહ્યું. કોઇ અનાદર કરે તો ટ્રમ્પના દિમાગનો પારો સાતમા આસમાને ચઢી જાય છે એ તો સહુ જાણે છે, એટલે આગામી સમયમાં ખબર પડશે કે ચીન અને તેના શાસક પ્રતિ કેવો અભિગમ અપનાવે છે.
ચૂંટણી જીત્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ એકાંતરા દિવસે આકરા નિવેદનો કરતા રહ્યાં છે - પછી વાત ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની હોય કે ઇઝરાયલ-હમાસની યુદ્ધની હોય કે યુક્રેન-રશિયા યુદ્ધની હોય. તેમના શબ્દોમાં સત્તાનો નશો સતત છલકતો જોવા મળ્યો છે. તેઓ મહાસત્તાના સુકાની બન્યા છે તે ખરું, પરંતુ તેમણે બે પંક્તિઓ યાદ રાખવી રહીઃ
પીપળં પાન ખરંતા, હસતી કૂંપણીયા,
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપલીયા.
ટ્રમ્પ સાહેબને આપણી હાર્દિક શુભકામનાઓ... સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન. જો આવું ના હોત તો વેપાર-ઉદ્યોગ હોય કે સ્ત્રીસંબંધ હોય કે રાજકારણ હોય કે કાયદા-કાનૂનની ઐસીતૈસી કરવાની વાત હોય, જિંદગીના લગભગ દરેક તબક્કે માર બુદ્ધુ ને કર સીધું જેવો અભિગમ અપનાવનાર ટ્રમ્પ આજે દુનિયાના સર્વોચ્ચ શક્તિશાળી દેશના સિંહાસને ના બિરાજતા હોત. તેઓ અમેરિકાના ઇતિહાસમાં પહેલા એવા પ્રમુખ છે જેમને દેશની સર્વોચ્ચ અદાલતે ક્રિમિનલ જાહેર કર્યા છે. સહુએ યાદ રાખવું રહ્યું કે જીભ કચરાય ત્યારે જીવ કચવાય છે, અને આ જ અભિગમ કંઇક અંશે માણસની પરખ કરાવે છે. (ક્રમશઃ)
તા.ક. વાચક મિત્રો, આ કોલમ ડોનાલ્ડ ટ્રમ્પના શપથવિધિ સમારોહ પૂર્વે લખાઇ છે. ટ્રમ્પ સરકારની નીતિરીતિના લેખાજોખા આવતા સપ્તાહે... - સી.બી. પટેલ