વડીલો સહિત સહુ વાચક મિત્રો, બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વના લગભગ ૧૦૦ જેટલા નાનામોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી. ભારતવાસીઓ સકારણ ગર્વ લઇ શકે કે છેલ્લા ૬૮ વર્ષથી વિપરિત સંજોગો અને વિરોધાભાસી વમળો વચ્ચે પણ દેશમાં લોકશાહી ક્રમે ક્રમે વધુ બળવત્તર બની છે. અખબારી સ્વાતંત્ર્યનું અનુદાન પણ સ્વીકારવું જ રહ્યું. અખબારી સમાચાર માધ્યમોને ચોથી સત્તા કહેવાય છે. લોકતંત્રમાં શાસન, સરકાર અને ન્યાયતંત્ર ત્રણ પાયાના પથ્થર ગણાય છે, અને ચોથી સત્તા અખબારી માધ્યમો હોય છે. સરકારમાં સર્વોચ્ચ પદે મહારાણી કે રાષ્ટ્રપ્રમુખ બીરાજે, સરકારનું પ્રધાનમંડળ જે તે વિષયોની નીતિ નક્કી કરે, અને વહીવટી તંત્ર તેના અમલની કાળજી લે. આમાં કચાશ રહી જાય તો તે સુધારવા માટે ન્યાયતંત્ર ચાંપતી નજર રાખે. જોકે લોકશાહીના આ ત્રણેય પાયાના પરિબળો પર સતત નજર ચાંપતી નજર રાખવાનું કામ સમાચાર માધ્યમોનું છે. ટીવી, રેડિયો અને સવિશેષ અખબારી આલમની અસરકારક લોકશાહીની રચના અને તેના સંવર્ધન માટે, સમાચાર માધ્યમોની આગવી જરૂરિયાત હોય છે. ભારતમાં અખબારી આલમે સારી રીતે ફરજ બજાવી છે. પણ વારંવાર એવા સમાચાર ચમકે છે, જે બિલ્કુલ પાયા વગરના કે પૂર્વગ્રહયુક્ત જ ગણી શકાય.
તાજેતરમાં ગુજરાતના કેટલાક અખબારોમાં સમાચાર છપાયા છે - ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા નિશિત વ્યાસને ટાંકીને અહેવાલમાં એકથી વધુ વખત સત્યથી વેગળા સમાચાર પ્રસિદ્ધ થયા છે.
જેમાંનો એક મુદ્દો છે - કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહમદ પટેલ અને ગુજરાત સરકારના તત્કાલીન પ્રધાન દિનશા પટેલે કરેલી રજૂઆતોના પગલે અમદાવાદ-લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટનો નિર્ણય લેવાયો હતો અને ખરેખર તો મનમોહન સિંહે ૨૦૦૪થી તે શરૂ કરાવી હતી.
આ દાવો નર્યું જૂઠ્ઠાણું છે. સાચી વાત તો એ છે કે ૨૦૦૩માં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી લંડન પ્રવાસે આવ્યા હતા ત્યારે સીધી ફ્લાઇટના મુદ્દે ગુજરાતી સમુદાય દ્વારા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. તેમને જણાવાયું હતું કે ડાયરેક્ટ ફ્લાઇટના અભાવે પ્રવાસીઓને - ખાસ કરીને સગર્ભા મહિલાઓ, વડીલોને, શારીરિક અક્ષમ લોકોને કે નાના બાળકોને ફ્લાઇટ ચેઇન્જ કરવા ટ્રાન્ઝીટ લોન્જમાં ત્રણ-ચાર કલાક વીતાવવા પડે છે. હેન્ડ લગેજની તેમજ કેટલીક વાર બધા સામાનની હેરફેર કરવી પડે છે. આ બધાના કારણે સમય, નાણાંનો ભારે વ્યય અને નિરર્થક હાડમારી થાય છે. આ પ્રકારની રજૂઆત અમે સહુએ મોદીસાહેબ સમક્ષ કરી હતી. આ તમામ કાર્યવિધિમાં ભાઇશ્રી મનોજ લાડવાએ ખૂબ સહયોગ આપ્યો હતો.
શ્રી નરેન્દ્રભાઇ બીજા રાજકારણીઓની જેમ વાયદાના વેપારી નહોતા. આથી ભારત પરત ફર્યા બાદ તેમણે તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને તે વેળાના નાગરિક ઉડ્ડયન પ્રધાન સમક્ષ બ્રિટનવાસી પ્રવાસીઓને સીધી ફ્લાઇટના અભાવે ભોગવવી પડતી હાલાકી અંગે રજૂઆત કરી. વાતને ગંભીરતાથી લેવામાં આવી અને તરત જ સીધી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત થઇ.
પ્રારંભે એક ફ્લાઇટ અને પછી ક્રમે ક્રમે પેસેન્જરોનો ધસારો ધ્યાનમાં રાખીને ફ્લાઇટની સંખ્યા વધારવામાં આવી. આપણા સમુદાયે તો અઠવાડિયે માત્ર એક કે બે ફ્લાઇટ ઓપરેટ કરવાની માગણી કરી હતી કેમ કે પ્રવાસીઓની સંખ્યા વધતી જાય તેમ તેમ ફ્લાઇટની સંખ્યા પણ વધતી જાય તે જ અમને વાજબી જણાયું હતું. સમયના વહેવા સાથે મુસાફરોની સંખ્યા એટલી વધી કે એર ઇંડિયા સપ્તાહની ચાર-ચાર ફ્લાઇટ આ રૂટ પર ઓપરેટ કરતી હતી.
જોકે ખાટલે મોટી ખોડ એ હતી કે એર ઇંડિયા અમદાવાદ-લંડનની સીધી ફ્લાઇટમાં મુસાફરી કરતા પ્રવાસીઓ પાસેથી વધારાના ૫૦ પાઉન્ડ વધુ વસૂલતી હતી. તેનો આ અણઘડ નિર્ણય પોતાના પગ પર જ કુહાડીસમાન પુરવાર થયો. સીધી ફ્લાઇટનો પ્રવાસી હિસાબ તો કરે જને?! ૫૦ પાઉન્ડનો વધારાનો ‘ચાંદલો’ ચૂકવવાના બદલે કેટલાક પ્રવાસી અન્ય એરલાઇન તરફ વળ્યા. આકરી કમાણીના નાણાં વાપરવાના હોય ત્યારે પ્રવાસી બે વખત વિચાર કરે તેમાં કંઇ અજૂગતું તો છે નહીં. બીજી તરફ, એર ઇંડિયાની સીધી ફ્લાઇટથી ભીંસમાં મૂકાયેલી મિડલ ઇસ્ટની ત્રણ અગ્રણી એરલાઇન્સે પણ પ્રવાસીઓની આકર્ષવાની ગળાકાપ સ્પર્ધામાં ઝૂકાવતાં પ્રવાસદરમાં ઘટાડો કર્યો. એર ઇંડિયાએ ‘ડાયરેક્ટ ફ્લાઇટ માટે પૂરતાં પ્રવાસી મળતાં નથી...’ તેવો રાગ આલાપવાનું શરૂ કર્યું. કોઇએ પ્રવાસીઓ ઘટવા પાછળનું સાચું કારણ શું છે તે ચકાસ્યું જ નહીં ને એક દિવસ અચાનક જ ડાયરેક્ટ ફ્લાઇટના પાટિયા પડી ગયાં...
...ફરી એક વખત રજૂઆતનો દોર શરૂ થયો. આપણી તર્કબદ્ધ રજૂઆતો પણ બહેરા કાને અથડાઇ. છેવટે ૨૦૧૦માં તે વેળાના નાગરિક ઉડ્ડયન પ્રધાન પ્રફૂલ પટેલે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-૨ના ઉદ્ઘાટન પ્રસંગે ઘોષણા કરી કે ટૂંક સમયમાં અમદાવાદ-લંડન-અમદાવાદને સાંકળતી ડાયરેક્ટ ફ્લાઇટ ફરી થશે. વિન્ટર ટાઇમટેબલમાં આ ફ્લાઇટ ઉમેરાઇ જશે તેવી ખાતરી પણ ઉચ્ચારી, પરંતુ પ્રફૂલભાઇ ખરેખર વાયદાના વેપારી જ નીકળ્યા. આટલી વિશાળ જનમેદની સમક્ષ ખાતરી ઉચ્ચાર્યા પછી પણ પાણીમાં બેસી ગયા અને ફ્લાઇટ કાગળ પર જ રહી ગઇ.
કેટલાકનું માનવું રહ્યું છે કે ગુજરાત પ્રત્યે જ નહીં, વિદેશવાસી ગુજરાતીઓ પ્રત્યે પણ ઇરાદાપૂર્વક ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે. સીધી ફ્લાઇટ ફરી શરૂ કરવાની આપણી માગણી પ્રત્યે સેવાઇ રહેલી ઉપેક્ષા આ જ વાત પ્રતિબિંબિત કરતી હતી.
થોડાક સમય પૂર્વે બર્મિંગહામથી અમૃતસરની સીધી ફ્લાઇટ શરૂ થઇ ત્યારે પણ અમે એર ઇંડિયાના કોમર્શિયલ ડિરેક્ટર સાથે એક બેઠક યોજીને આપણને વતન સાથે જોડતી સીધી ફ્લાઇટ શરૂ કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી. આપ સહુ વાચકો જાણતા જ હશો કે પ્રારંભે અઠવાડિયે એક દિવસથી શરૂ થયેલી આ ફ્લાઇટની સંખ્યા કાળક્રમે વધતાં વધતાં દરરોજ એક ફ્લાઇટ સુધી પહોંચી છે. બર્મિંગહામથી ઉપડતું વિમાન પહેલાં દિલ્હી જાય છે, અને ત્યાંના પેસેન્જરોને ઉતારીને અમૃતસર પહોંચાડે છે. આ જ પ્રકારે અમૃતસરથી ઉપડીને વિમાન દિલ્હી પહોંચે છે અને ત્યાંના પેસેન્જરોને ઉતારીને અને બર્મિંગહામના પેસેન્જરોને લઇને રવાના થાય છે. બર્મિંગહામથી અમૃતસર જઇ રહેલા કે પરત આવી રહેલા યાત્રિકને આ પ્રવાસ દરમિયાન ક્યાંય પણ પ્લેન બદલવાની કે હેન્ડ લગેજ સાથે હડદા ખાવા પડતા નથી.
૨૦૦૯માં અને ૨૦૧૦માં પણ મુંબઇ અને દિલ્હી જઇને અમે એર ઇંડિયાના ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ મળીને અમદાવાદ સાથે જોડતી સીધી ફ્લાઇટ શરૂ કરવા રજૂઆત કરી હતી. તેમની સમક્ષ કાળજીપૂર્વકના અભ્યાસના આધારે એકત્ર કરાયેલી આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી કે ડાયરેક્ટ ફ્લાઇટ માટે પ્રવાસી મળતા નથી એવી વાત તથ્યહિન છે, પણ સાંભળે કોણ? બધું બહેરા કાને અથડાયું. પરંતુ આખરે આપણા સમુદાય માટે સુખના દિવસો આવ્યા છે ખરા...
૧૫ ડિસેમ્બરથી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઇ રહી છે. અલબત્ત, આના પણ કેટલાક ભયસ્થાનો તો છે જ, પણ આશા રાખીએ કે એર ઇંડિયાએ ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લીધો હશે. અમે ગયા મહિને સરકારી વર્તુળો તેમ જ એર ઇંડિયાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી કે ગયા વખતની ભૂલોનું પુનરાવર્તન ટાળજો. ગત વખતની જેમ સીધી ફ્લાઇટના પ્રવાસીઓ પર અગાઉની જેમ ૫૦ પાઉન્ડ કે તેના જેવો કોઇ વધારાનો ચાર્જ લાદવાનું ટાળજો. આ પ્રકારનો કોઇ પણ નિર્ણય ગેરવાજબી અને બિનસંવેદનશીલ સાબિત થશે.
સાથોસાથ એ બાબત પ્રત્યે પણ ધ્યાન દોર્યું કે લંડન-અમદાવાદ-લંડન રૂટ પર મિડલ ઇસ્ટની ત્રણ એરલાઇન્સ ઓપરેટ કરે છે. તે લોકો સીધી ફ્લાઇટ પસંદ કરતા પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષવા માટે તીવ્ર કટ પ્રાઇઝ કરી શકે છે તો ડ્યુટી ફ્રી શોપના સંચાલકો પણ વિમાન પ્રવાસીઓને લલચાવવા ગતકડું ઉમેરી શકે છે, પરંતુ તમે ડગતા નહીં.
ભારતીય પ્રવાસીઓને પોતાના દેશની રાષ્ટ્રીય એરલાઇન તરફ પૂરતો લગાવ રહેવાનો જ છે, પરંતુ એર ઇંડિયાએ પણ આ સીધી ફ્લાઇટ અંગે લોકોની જાણકારી વધારવા પૂરતી પબ્લિસીટી કરવાની જરૂર છે. ભારતમાં જે પ્રકારે આ નવા રૂટ અંગેની જાહેરખબરો પ્રકાશિત થઇ રહી છે તે જ પ્રકારે અહીં પણ જાહેરખબરોના માધ્યમોથી સીધી ફ્લાઇટ અંગે પૂરતો પ્રચાર કરવાની જરૂર છે. એર ઇંડિયાનું સૌથી મોટું આકર્ષણ હોય છે ભારતીય ક્રૂ મેમ્બર્સ અને ભારતીય ભોજન એ યાદ કરાવવાની જરૂર ખરી?
અલબત્ત, કેટલાક લોકો એવી ગેરસમજ ફેલાવી રહ્યા છે કે આ ફ્લાઇટ ડાયરેક્ટ નથી. પરંતુ હકીકત એ છે કે અમદાવાદ લંડન ફ્લાઈટ આવતા જતાં મુંબઇમાં માત્ર હોલ્ટ કરવાની છે. મુંબઇના પેસેન્જરોને ઉતારવા અને અમદાવાદનાને લેવા માટે જ. આ સમય દરમિયાન અમદાવાદનો કે લંડનનો પ્રવાસ કરી રહેલા મુસાફરોએ વિમાનમાંથી નીચે ઉતરવાની જરૂર નથી કે ફ્લાઇટ પણ બદલવાની નથી. માત્ર સિક્યુરિટીના કારણસર તેમનું હેન્ડ લગેજની ઓળખ થશે. સમયપત્રક સાથેની આ વિગતવાર માહિતી આપ સહુ વાચકોએ ગયા સપ્તાહના ‘ગુજરાત સમાચાર’માં વાંચી જ હશે. એ તો સમજાય તેવી વાત છે કે એર ઇંડિયાએ પણ ટ્રાફિક લોડ અંગે વિચારવાનું હોય અને તેમાં કંઇ ખોટું પણ નથી.
એર ઇંડિયા અને આપણને માદરે વતન ગુજરાત સાથે જોડતી સીધી ફ્લાઇટની વાત હોય એટલે સ્વાભાવિક છે કે વાત લંબાઇ જ જાય, પણ મારે એક બીજા મુદ્દે પણ ચર્ચા કરવાની છે. આ મુદ્દો પણ કોંગ્રેસી પ્રવક્તા નીશિત વ્યાસે જ ઉઠાવ્યો છે. કોંગ્રેસે એક આક્ષેપ કર્યો છે કે વેમ્બલી સ્ટેડિયમમાં હજારો માણસોને લાવવા-મૂકવા, ભોજન વગેરે પાછળ ૧૦૦૦ કરોડનો ખર્ચ થયો છે. આ ધન ક્યાંથી આવ્યું છે? કોણે આપ્યું છે? વગેરે... વગેરે...
આ અંગે પણ અમે પૂરી તપાસ કરી છે. વેમ્બલી સ્ટેડિયમના સમગ્ર આયોજન પાછળ આશરે બે મિલિયન પાઉન્ડનો ખર્ચો થયો છે. આમાં બ્રિટન કે ભારત સરકારનું એક પાઉન્ડનું પણ અનુદાન નથી. આ સમગ્ર ભંડોળ ઇંડિયન યુરોપ ફાઉન્ડેશનના અગ્રણીઓએ ભારતીય સાધનસંપન્ન સમુદાય પાસેથી એકત્ર કરીને પ્રસંગ રંગેચંગે પાર પાડ્યો છે. વેમ્બલી સ્ટેડિયમના ભાડા પેટે જ આશરે સાત લાખ પાઉન્ડની તોતિંગ રકમ ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત સિક્યુરિટી અને વહીવટી ખર્ચા અલગ. સ્ટેજની સજાવટ, લાઇટીંગ, ઓડિયો સિસ્ટમ વગેરે પણ નાણાં ચૂકવાયા છે.
કોંગ્રેસે એક આક્ષેપ એવો કર્યો છે કે સભામાં ઉપસ્થિત જનમેદનીને લાવવા-લઇ જવા ઉપરાંત તેના ભોજન પાછળ જંગી નાણા ખર્ચાયા છે. આ હકીકત તદ્દન તથ્યહિન હોવાનું તો હું છાતી ઠોકીને કહી શકું છું. આવા કોઇ પણ ખર્ચ ઇંડિયન યુરોપ ફાઉન્ડેશને ચૂકવ્યા નથી. આ તમામ ખર્ચ જે તે વ્યક્તિઓ, સંગઠનો, સંસ્થાનોએ ઉઠાવ્યો છે.
કોંગ્રેસના પ્રવક્તા સાવ પાયા વગરની વાત કરે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે માણસને આજે નહીં તો કાલે સાચી વાતની ખબર પડતી જ હોય છે. કોંગ્રેસ લાંબા સમયથી સત્તાવિહીન છે તેના કારણમાં આવી જ તથ્યહીન વાતો અને જૂઠાણાં રહેલા છે. જ્યાં સુધી આવી ધડમાથા વગરની વાતો થતી રહેશે ત્યાં સુધી લોકો તેનામાં વિશ્વાસ મૂકતાં બે વખત વિચાર કરશે જ. તમે કોઇની પણ સામે આક્ષેપ કરો, આરોપો મૂકો, પણ જરા તથ્યો ચકાસવાની પણ આદત પાડો. લોકોનો તમારી વાતોમાંથી એક વખત ભરોસો ઉઠી જશે, પછી તે ફરી હાંસલ કરવો મુશ્કેલ છે.
તાજેતરમાં ગુજરાતના એક અગ્રણી અંગ્રેજી દૈનિકના અહેવાલમાં પણ એર ઇંડિયાની સીધી ફ્લાઇટ અંગે આવો જ પાયાવગરનો એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. મને ૧૮ નવેમ્બરે રાત્રે ઇ-મેઇલથી આ અહેવાલની નકલ મળી કે તરત જ મેં તેમને ‘ગુજરાત સમાચાર’ના ૨૧ નવેમ્બર, ૨૦૧૫ના અહેવાલની કોપી ઇ-મેઇલથી મોકલી આપી હતી. સાથે જ અખબારના વરિષ્ઠ તંત્રીને જણાવ્યું હતું કે આપનો અહેવાલ બિલ્કુલ પાયા વગરનો છે. યુવાન તંત્રીએ પણ તરત જ વળતો મેઇલ કરીને ખોટા અહેવાલની ભૂલ કબૂલતાં જણાવ્યું કે તમારી વાત સાચી છે.
•••
ગ્લોવ્ઝ વગર મહારાણી-મોદીનું હસ્તધૂનન
નામદાર મહારાણી બકિંગહામ પેલેસની મુલાકાતે આવતા કે બહાર કોઇ જાહેર સમારંભમાં જ્યારે પણ મહાનુભાવ કે મહેમાન સાથે હસ્તધૂનન કરે છે ત્યારે હંમેશા હાથમાં ગ્લોવ્ઝ પહેરી રાખે છે. તાજેતરમાં બ્રિટનના મહેમાન બનેલા ચીનના પ્રમુખ શી જિનપિંગને આવકારતા તેમના ફોટોગ્રાફ પર નજર ફેરવશો તો સમજાઇ જશે. મહેમાન કોઇ પણ હોય, હાથમાં ગ્લોવ્ઝ રાણીનો વણલખ્યો નિયમ રહ્યો છે.
જોકે ૧૩ નવેમ્બરે નામદાર મહારાણીએ આ નિયમ જાતે જ તોડ્યો. ભારતના માનનીય વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી માટે. મહારાણીએ અતિથિ નરેન્દ્રભાઇનું ખુલ્લા હાથે સ્વાગત કર્યું. કારણ શું? સંપૂર્ણ શાકાહારી. ધુમ્રપાન કે દારૂના તેવા કોઇ પણ જાતના દૂષણથી મુક્ત નરેન્દ્રભાઇની યોગસાધના, અવિરત કાર્ય કરવાની અગાધ શક્તિ વગેરેથી મહારાણી પ્રભાવિત થયા હોય તેવું લાગે છે. નામદાર મહારાણીએ કદાચ આ જ કારણસર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગ્લોવ્ઝ વગર હાથ મિલાવ્યા હશે, અને તેમને લંચ માટે દોરી ગયા હશે. (ક્રમશઃ)
•••