ઝ્યુરિચના ડિગ્નીટાસ (ડિગ્નીટાસ - સન્માન (સ્વમાન) સહિત!!! કેવું રૂપકડું નામ છે, નહીં!)માં અંતિમ શ્વાસ લેનાર બ્રિટિશ નાગરિકોની કુલ સંખ્યા ૧૨૬ નોંધાઇ છે. યુનિવર્સિટી ઓફ ઝ્યુરિચના નિષ્ણાતોએ ઝ્યુરિચ ઇન્સ્ટિટ્યુટ ઓફ લિગલ મેડિસિનના ડેટા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ રજૂ કરેલા વિશ્લેષણના આધારે આ તારણ કાઢ્યું છે. અભ્યાસમાં તેમને જાણવા મળ્યું છે કે ઐચ્છિક મૃત્યુ માટે સ્વીત્ઝર્લેન્ડ જનારા દર્દીઓની સંખ્યામાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૦ ટકાનો વધારો નોંધાયો છે. ૨૦૦૮માં આવા ૧૨૩ કિસ્સા નોંધાયા હતા, જેની સામે ૨૦૧૨માં આ આંકડો વધીને ૧૭૨ થયો છે.
હવે આપણે જરા એ આંકડાઓ પર નજર ફેરવીએ કે ઐચ્છિક મૃત્યુનો માર્ગ અપનાવનારા દર્દીઓ ક્યા રોગથી પીડાતા હતા. યુનિવર્સિટી ઓફ ઝ્યુરિચના આંકડા અનુસાર, ન્યૂરોલોજિકલ બીમારીથી પીડાતી ૧૬૦ સ્ત્રીઓએ ઐચ્છિક મૃત્યુ પસંદ કર્યું હતું, તેની સામે આ જ બીમારીથી પીડાતા ૧૪૭ પુરુષોએ જીવન ટૂંકાવ્યું હતું. ઐચ્છિક મૃત્યુ પસંદ કરનારાઓમાં ૧૦૨ સ્ત્રીઓ અને ૩૮ પુરુષો રયુમેટિક બીમારીથી પીડાતા હતા. કેન્સરથી પીડાતી ૧૫૧ સ્ત્રીઓએ અને ૭૬ પુરુષોએ ઐચ્છિક મૃત્યુનો માર્ગ પસંદ કર્યો હતો. જ્યારે કાર્ડિયોવાસ્ક્યુલર એટલે કે હૃદય સંબંધિત બીમારીથી પીડાતા અને ઐચ્છિક મૃત્યુ પસંદ કર્યું હોય તેવા દર્દીઓમાં ૫૩ પુરુષો અને ૪૦ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. માનસિક બીમારીથી થાકી-હારીને જીવન ટૂંકાવનારા સ્ત્રી-પુરુષોની સંખ્યા સમાન છે - પાંચ-પાંચ. જ્યારે અન્ય કોઇ બીમારીથી ત્રાસીને મૃત્યુને પંથે પ્રયાણ કરનારાઓમાં ૬૫ સ્ત્રીઓ અને ૬૨ પુરુષોનો સમાવેશ થાય છે.
ફરી એક વખત કહું છું કે આ આંકડાઓ હકીકત હોવા છતાં બ્રિટનમાં દર પાંચમાંથી ચાર ડોક્ટર માને છે કે ઐચ્છિક મૃત્યુ માટે સરળ રસ્તો અપનાવવો અયોગ્ય છે. કોઇ પણ સંજોગોમાં ઇચ્છવાયોગ્ય નથી. હવે આ જે ચર્ચા ચાલી છે તેની બન્ને તરફનાં પાસાં જરા સમજી લઇએ. સંસદમાં આ મુદ્દે જે કલાકો ચર્ચા થઇ તેમાં ઐચ્છિક મૃત્યુની તરફેણ કરનારાઓએ એવી રજૂઆત કરી હતી કે તબીબી વિજ્ઞાન એવો અભિપ્રાય આપે કે હવે જે તે દર્દીની કોઇ પણ પ્રકારે સારવાર શક્ય નથી, અને તે વ્યક્તિ દેહ છોડશે ત્યારે જ દર્દમાંથી તેની મુક્તિ સંભવ છે તે વેળાએ આવા દર્દીને ‘અંતિમ વિદાય’ આપીને તેને અને તેના સ્વજનોને વધુ પીડા ભોગવવામાંથી ઉગારી લેવા જોઇએ. કેટલાકનું કહેવું હતું કે જે વ્યક્તિનું મૃત્યુ નિર્વિવાદ છે, મૃત્યુ નજર સામે જ દેખાય છે, જે વ્યક્તિ જીવી શકે તેવી કોઇ શક્યતા જ બચી નથી ત્યારે તેને બચાવવાનો પ્રયાસ શું કરવાનો? આમાં પણ જ્યારે દર્દી જ આ દુનિયા છોડી જવા માગતો હોય ત્યારે તેને રોકવો એ ખરેખર તો જુલમ છે.
હવે ઐચ્છિક મૃત્યુનો વિરોધ કરનારાઓની વાત જોઇએ. આ વર્ગમાં તબીબી ક્ષેત્રના લોકો ઉપરાંત ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ પણ સામેલ છે. ડોક્ટર્સ કહે છે કે કોઇ દર્દી ભલે ગમે તેવા ઊંડા કોમામાં સરી પડ્યો હોય તેનું શરીર પુનઃ ચેતનવંતુ થવાની શક્યતા હોય છે. ગમે તેવા દર્દથી પીડાતી વ્યક્તિને પણ એક તબક્કે ભલે લાગે કે તે જીવનથી થાકી ગઇ છે, પણ સારવારનું સાનુકૂળ પરિણામ મળે અને આરોગ્યમાં સુધારો જોવા મળે તો જીવન પ્રત્યેનો તેનો અભિગમ બદલાય તેવું બની શકે છે. પોપ ફ્રાન્સીસ તો સ્પષ્ટ કહે છે કે કોઇ વ્યક્તિને જીવન ટૂંકાવવામાં મદદ કરવી એ તો પાપ છે. વળી, ઐચ્છિક મૃત્યુના કિસ્સામાં એવું પણ બનવાનું જોખમ રહે છે કે જો વ્યક્તિ અસહ્ય બીમાર હોય, અસાધ્ય રોગ હોય ત્યારે વ્યક્તિનું મગજ નબળું પડે, તેનું મનોબળ નબળું પડવાની પૂરી શક્યતા હોય છે. આ સંજોગોમાં તેના જમીન-જાયદાદ કે ધનદોલત પચાવી પાડવા માટે સ્વજન અમાનુષી વલણ અપનાવીને તેને ઐચ્છિક મૃત્યુના ‘ગેરમાર્ગે’ દોરી જાય તેવું પણ બની શકે છે. લગભગ ૨૦ ટકા કિસ્સામાં (દુર્જન જેવા) સ્વજન અંગત સ્વાર્થ માટે આવું વલણ અપનાવતા હોવાનું મનાય છે. અરે, જમીન-જાયદાદ કે સંપત્તિની લાલચ ના હોય તો પણ નકારાત્મક વિચારસરણી ધરાવતું સ્વજન - રોજિંદી સારવાર-સુશ્રુષાની પળોજણમાંથી છુટકારો પામવા - દર્દીને ઇચ્છામૃત્યુ તરફ દોરી જાય તેવું પણ બની શકે છે.
ઐચ્છિક મૃત્યુની તરફેણમાં અને વિરુદ્ધમાં માત્ર ચર્ચા ચાલી છે એટલું જ નહીં, આ મુદ્દે યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ સુધી ખટલા પણ ચાલ્યા છે. જેમાં એક પક્ષનો સૂર એવો રહ્યો છે કે તમને ભલે કોઇ દર્દીનું મૃત્યુ નિશ્ચિત કે ટાળી ન શકાય તેવું જણાતું હોય, પરંતુ એવું થશે જ તેની તો કોઇ ખાતરી નથી જ ને? આવા કેટલાક કિસ્સાનો તાગ પામવામાં તો વિજ્ઞાન પણ પાંગળું સાબિત થતું હોય છે. કદાચ આ જ વાતને ધ્યાનમાં રાખીને, શારીરિક અક્ષમ લોકોના અધિકારો માટે કાર્યરત Not Dead Yet નામની એક ચેરિટી અને સંશોધન કરાવનાર Care Not Killing સંસ્થાએ હાઉસ ઓફ લોર્ડસના માનવંતા સભ્યોને અનુરોધ કર્યો છે કે જો...જો હોં, ભૂલેચૂકેય ઐચ્છિક મૃત્યુ માટે મંજૂરી આપતા નહીં. જ્યારે ComRes દ્વારા થયેલા એક અન્ય સર્વેમાં ૫૪ ટકા ઉત્તરદાતાઓએ એવો મત વ્યક્ત કર્યો હતો કે જ્યારે અમુક સંજોગોમાં કોઇ વ્યક્તિ માટે જીવન શક્ય જ જણાતું હોય, કોઇ દવા કે સાધન-સારવાર થકી તેનું આયુષ્ય ટકાવવું મુશ્કેલ જણાતું હોય ત્યારે તેને પોતાના જીવનનો અંત આણવાનો અધિકાર હોવો જ જોઇએ. સરકારે તેમને જીવલેણ દવા પૂરી પાડવા સહિતની મદદ કરવી જોઇએ. જોકે ૫૮ ટકા લોકોએ એવો મત દર્શાવ્યો હતો કે અસહ્ય દર્દથી પીડાતી વ્યક્તિ ઐચ્છિક મૃત્યુનો નિર્ણય કોઇના પણ પ્રભાવમાં આવ્યા વગર સંપૂર્ણ સ્વેચ્છાએ કરે તેવી સુરક્ષિત વ્યવસ્થા ઘડવાનું શક્ય જ નથી. દર્દીઓના આ નિર્ણયને - બદઇરાદો ધરાવતા - સ્વજનો કે અન્યો પ્રભાવિત કરવાના જ. આ બન્ને સર્વેના તારણો પરથી તમને જણાશે કે ઐચ્છિક મૃત્યુની તરફેણ કરનારા બહુમતીમાં છે કે તેનો વિરોધ કરનારા તે નક્કી કરવું ખરેખર કપરું છે.
હું તો મારા વિચારો, મંતવ્યો રજૂ કરી જ રહ્યો છું, અને કરીશ પણ ખરો, પરંતુ અહીં ભારતીય વિદ્યાભવન લંડનના ડો. નંદ કુમારના વિચારો ટાંકી રહ્યો છું. તાજેતરમાં અમારી મુલાકાત દરમિયાન ઐચ્છિક મૃત્યુનો મુદ્દો પણ ચર્ચાયો હતો. ભારતીય ઇતિહાસ-શાસ્ત્રો-પરંપરાના અભ્યાસુ ડો. નંદ કુમારનું સ્પષ્ટ માનવું છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં યુથનેશીયા મતલબ કે ઐચ્છિક મૃત્યુને સ્વીકૃતિ જ નથી કારણ કે આ તો કોઇનો જીવ લેવાની વાત છે. આપણા શાસ્ત્રોમાં યુથનેશીયા કે આજકાલ લોકમોઢે ચઢેલા ‘દયા મરણ’ વિશે કોઇ ચોક્કસ ઉલ્લેખ જોવા મળતો નથી. હા, આપણા પુરાણોમાં એવા મૃત્યુનો સંદર્ભ અવશ્ય જોવા મળે છે, જેમાં પુરુષ કે સ્ત્રી ધીમે ધીમે તેના ખોરાક-પાણીનું પ્રમાણ ઘટાડતા જાય છે. તેનું શરીર ધીમે ધીમે નબળું પડતું જાય છે અને છેવટે તે મૃત્યુને વરે છે. આ સિવાય કોઇ પણ વ્યક્તિને પોતાની રીતે જીવન ટૂંકાવવાનો અધિકાર નથી. અને આ પ્રકારે જીવનનું અંત આણવાનો અધિકાર કેવા પુરુષ કે સ્ત્રીને છે? એક તો, અસહ્ય બીમારીથી પીડાતી વ્યક્તિને, અને બીજું, જે પુરુષ કે સ્ત્રીએ તેના જીવનની તમામ ફરજો, જવાબદારીઓ સુપેરે નિભાવી લીધી હોય તેને. આ લોકો ન તો ઇન્જેક્શન દ્વારા ઝેર લે છે કે ન તો મુખ વાટે કેમ કે આ પ્રકારે જિંદગીનો અંત આત્મહત્યા ગણાય છે. જાતે જ જીવનનો અંત આણતી આ પદ્ધતિને આપણા શાસ્ત્રોમાં ‘પ્રયોપવેશ’ તરીકે ઓળખાવાય છે. આ પ્રકારે મૃત્યુ હાંસલ કર્યું હોવાના કિસ્સા આપણા પૂરાણો, ઇતિહાસમાં પણ નોંધાયેલા છે. આ રીતે જીવનનો અંત આણવાનો નિર્ણય પુરુષ કે સ્ત્રી અન્ય કોઇના સૂચન કે સલાહને આધારે નહીં, પણ પોતાની ઇચ્છા અને સ્વતંત્રતાથી લેતા હોય છે.
આ તો મેં જુદા જુદા અભિપ્રાયો, વિચારો, મંતવ્યો રજૂ કર્યા છે. આપના મનમાં પણ કોઇ પ્રશ્ન ઉઠ્યા હોય, કે મંતવ્ય-અભિપ્રાયો વ્યક્ત કરવા ઇચ્છતા હો તો તમારા નામ-સરનામા સાથે કે તે વિના મોકલી શકો છો. આ ગહન મુદ્દા અંગે જરૂર પડ્યે નિષ્ણાતોની મદદ લેવા પણ તૈયાર છું. કોઇ પણ વ્યક્તિને સી.બી. પ્રત્યે ભલે ગમે તેટલો અનુરાગ કેમ ન હોય, પણ મારા વાક્યને બ્રહ્મવાક્ય માની લેવાની જરૂર નથી. અરે, મારા વાક્યને તો શું જીવનમાં કોઇના પણ વાક્યને બ્રહ્મવાક્ય માની લેવાની જરૂર નથી. કોઇ આપણને વાત કહે ત્યારે સાંભળવી, ખુલ્લા મને તેના પર વિચાર કરવો, જરૂર પડ્યે પરિવારજનો સાથે વિચારવિમર્શ કરવો, અને પછી સારા-નરસાં બધાં પાસાંનો વિચાર કરીને તેનો અમલ કરવો.
હું મારી જ વાત કરું તો... મેં વિલ બનાવ્યું છે. ડાયાબિટીક હોવાથી તેની માહિતી આપતું કાર્ડ પણ હંમેશા ખિસ્સામાં જ હોય છે, અને મેં દેહદાનનો સંકલ્પ કર્યો છે તેનું કાર્ડ પણ હોય. લાબું જીવન જીવવાની ખેવના તો છે, પણ ઇશ્વરનું તેડું આવે તો રોકી થોડું શકાય? મને તો પરમાત્માની કૃપાથી કોઇ ગંભીર બીમારી નથી, પણ જો કોઇને આવું કંઇ હોય તો તેમણે પરિવારને સ્પષ્ટ કરી દેવું જોઇએ કે ચોક્કસ પ્રકારના સંજોગો સર્જાય તો અમુક નિર્ણય લેવા. અને ડોક્ટરને કેવા પ્રકારનો નિર્ણય લેવાની છૂટ આપવી જોઇએ.
જોકે આ બધી, કંઇક અંશે, ગંભીર વાતો છતાં એક હળવો પ્રસંગ ટાંકતા મારી કલમને રોકી શકતો નથી. ભૂતકાળમાં પણ આ પ્રસંગ ટાંકી ચૂક્યો છું, પણ અત્યારે ‘અંતિમ પર્વ’ની જે વાત ચાલી રહી છે તેને આ એકદમ બંધબેસતું ઉદાહરણ છે. આમ તો અગાઉ એક યા બીજા પ્રસંગે લોકો સાથે મારે મૃત્યુ વિશે વાત થઇ છે, પણ આ મુદ્દો તો સ્મશાનમાં જ ચર્ચાયો હતો. એક સ્વજનને વિદાય આપવા સ્મશાનમાં ગયો હતો. સ્વાભાવિક છે કે વાતાવરણ ગંભીર હતું. અન્ય સ્થળોની જેમ પણ અહીં મિત્રો, પરિચિતો મળે જને? મોટા ભાગના લોકો - અંતિમ વિદાય આપવા આવ્યા હતા તે સ્વજન સાથેના - સંસ્મરણો વાગોળી રહ્યા હતા. આ દૌર ચાલતો હતો ત્યાં એક મિત્ર આવ્યા, આડીઅવળી વાતો થઇ અને પછી લાગલું જ પૂછ્યું - અરે સી.બી., તમે કેવું મૃત્યુ પસંદ કરો? હું તો બે ઘડી તેમને જોતો જ રહી ગયો. મનમાં શબ્દો પણ ફૂટ્યા - એલા, અહીં આપણે બધા બીજાને વિદાય આપવા ભેગા થયા છીએ ત્યારે તને આ પ્રશ્ન પૂછવાનું સૂઝ્યું..?! તમે ક્યાં મારો ‘કાર્યક્રમ’ ગોઠવવા લાગ્યા...
પણ મેં આ પ્રતિભાવ ટાળ્યો. મારા મૌનને તેમણે મારી મૂંઝવણ સમજી લીધી. તેમણે વધુ સ્પષ્ટતા સાથે પૂછ્યું - કેવું મૃત્યુ એટલે સમજોને... હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવે તો તરત જીવ જતો રહે એ તમને ગમે કે પછી કેન્સર કે તેના જેવી કોઇ જીવલેણ બીમારી હોય તો મૃત્યુ નિશ્ચિત હોય, પણ વિલંબથી આવે એ તમને ગમે? આમાં ભલે રિબાવું પડે, પણ પરિવાર માટે ભાવિ આયોજન કરવાનો સમય જરૂર મળી રહે...
વાચકમિત્રો, કેવા કેવા મારા ‘હિતચિંતકો’ હોય છે... જોયુંને? મેં તેમની સામે જોયું અને આ વખતે તેઓ ફરી મારી ચૂપકિદીને મારી મૂંઝવણ સમજી લે તે પહેલાં જ મેં ઉમેર્યું - ‘તમને કદાચ ખબર નહીં હોય, પણ મેં આ જ સ્મશાનમાં મારું ‘બુકીંગ’ કરાવ્યું છે. તારીખ છે ૧૧ એપ્રિલ, ૨૦૪૮.’ મારો જવાબ સાંભળીને તેમનું મોં ખૂલ્લું જ રહી ગયું! મેં તેમને હસતાં હસતાં સમજાવ્યું કે ભગવાન શંકરે કહ્યું છે કે નવમી એપ્રિલ, ૨૦૪૮ના રોજ તને ૧૧૧ વર્ષ પૂરા થશે ત્યારે યમરાજ લેવા આવશે. હા, જરૂર હશે તો વહેલા બોલાવી લઇશ, બાકી તારે ૨૦૪૮ સુધી મૃત્યુ વિશે વિચારવાની લગારેય જરૂર નથી!
વાચક મિત્રો, મેં ભલે તેમને હળવાશથી જવાબ આપ્યો, પણ જીવન પ્રત્યેનો આ મારો દૃષ્ટિકોણ છે. નકારાત્મક નહીં, હંમેશા હકારાત્મક વિચારવું. વધુ જીવવાની જીજીવિષા છે, પણ પળેપળનો સદઉપયોગ કરવા માટે. અનેક સારાં કામ કરવા છે. અને ધારો કે... ઉપરવાળાનું વહેલું તેડું આવી ગયું તો ય શું? આપણે કંઇ તેને અટકાવી શકવાના નથી. દિલથી કહું તો હું મૃત્યુ માટે તૈયાર છું, પણ તેનો મતલબ એ નથી કે યમરાજની રાહ જોઇને બેઠો છું. હું મારું કામ કરી રહ્યો છું, એ તેનું કામ કરશે. આવવું હશે ત્યારે આવશે અને લઇ જાશે. વાત ભલે મૃત્યુની હોય, પણ મારો ઉદ્દેશ જીવનનો છે. ઇશ્વરની અમૂલ્ય ભેટ સમાન માનવજીવન માટે મારો તો એક જીવનસિદ્ધાંત છે. ‘આઠોં જામ ખુમારી’ વાળા અમૃત ઘાયલ સાહેબના શબ્દોમાં કહું તો...
હું પણ મોજ કરું છું ‘ઘાયલ’,
તું પણ મોજ કરી લે,
મોજ કરી લે, મોજ કરી લે,
ભીતર ખોજ કરી લે ‘ઘાયલ’,
તું પણ મોજ કરી લે... ... ...
અમૃતથી હોઠ સૌના એઠાં કરી શકું છું,
મૃત્યુના હાથ પણ હેઠાં કરી શકું છું.
માનવજન્મ એક જ વખત મળતો હોય છે. મોક્ષની - મરણ પછીના મોક્ષની વાતને હું ભ્રામક ગણું છું. હું પુનર્જન્મમાં તો માનતો જ નથી, જે કંઇ સત્કર્મ કરવું હોય તે અત્યારે જ કરી લો. માનવદેહ ધારણ કર્યો છે તો તેનો લઇ શકાય તેટલો લાભ લો અને અન્યને દેવા યત્નશીલ રહો. આ દેહને ટકાવવા માટે જરૂર પડ્યે આધુનિક તબીબી વિજ્ઞાન, જાણકારી, દવા-સારવારનો ઉપયોગ કરવામાં પણ કશું ખોટું નથી. ગીતામાં કહ્યું જ છેને... માનવના જન્મ-મરણ અંતે તો ઓ’લાના હાથમાં છે. કોણ?! પરમ તત્વના હાથમાં, નામ ભલે ગમે તે હોય...
(ક્રમશઃ)
આપના ગુજરાત સમાચારના ૨૨ નવેમ્બરના અંકમાં ૨૬મા પાને ‘અંતિમ યાત્રાની પૂર્વ તૈયારી કરી છે ખરી? એ લેખ વાંચવા અને જરૂરી બાબતો સત્વરે લક્ષમાં લેવા વિનંતી.