વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે આપ સહુ સમક્ષ એક અત્યંત જરૂરી વિષયની ચર્ચા કરવાનો હું પ્રયાસ કરી રહ્યો છું. આમાં કેટલો સફળ રહ્યો કે નિષ્ફળ એ તો આપ સહુ સુજ્ઞજનો જ (વણલખ્યા નિયમ અનુસાર) નક્કી કરજો... બાકી આ બંદો તો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવા શક્ય તમામ પ્રયાસ કરશે જ.
બાળકના જન્મ બાદ થોડાક દિવસોમાં જ પરિવારમાં એક યા બીજા પ્રકારનું પારણું બંધાઇ જતું હોય છે. અરે, થોડાંક વાસા (દિવસો) કે સપ્તાહની વય ધરાવતા આ મોંઘેરા મહેમાન પર માતા કે પિતા, વાલી કે અન્ય કોઇ સ્વજન ગોદમાં સૂવડાવીને કે છાતીએ વળગાડીને વ્હાલ વરસાવતા થાકતા નથી. આપણી ક્ષણેક્ષણ, પળેપળ પ્રેમમાં પરોવાય જાય છે. આ અરસામાં નવજાત જીવનું જે પ્રેમપૂર્વક પોષણ થાય છે તે બાળક અને પરિવાર વચ્ચે, બાળક અને સમાજ વચ્ચે કાયમનું અનુસંધાન રચે છે એમ કહી શકાય.
બાળક સાથે નાભિનાળનો નાતો હોય કે સાત પેઢીએ કોઇ સંબંધ પણ ન હોય, બાળક હંમેશા બાળક જ હોય છે. માસુમ બાળકને જોતાં જ દરેક વ્યક્તિના હૃદયમાં પ્રેમનું, લાગણીનું ઝરણું ફૂટી નીકળે છે. અરે, દાના દુશ્મનનું સંતાન કેમ ન હોય, તેના પર નજર પડતાં જ દુશ્મની નહીં, નર્યો પ્રેમ જ છલકાતો હોય છે. આજે મારે આ જ વિષય પર આપની સમક્ષ થોડીક વાતો કરવી છે. શિર્ષકમાં લખ્યું છે એમ જે કર ઝુલાવે પારણું, તે જગ પર શાસન કરે. વાવીએ તેવું લણીએ. સિંચીએ તેવું પામીએ. બ્રિટનવાસી ભારતીય સમુદાયના ગુણોની વાત હું આપની સમક્ષ થોડાક સપ્તાહ પૂર્વે જ રજૂ કરી ચૂક્યો છું, છતાં થોડીક પુનરોક્તિ કરતાં મારી કલમને રોકી શકતો નથી.
બ્રિટનના આમ સમાજમાં બ્રિટિશ ગુજરાતી કે બ્રિટિશ ભારતીયનું સ્થાન માનવંતુ ભર્યું છે. તેના મૂળમાં ઉચ્ચ શિક્ષણ, વેપાર-ઉદ્યોગમાં આગવું અનુદાન, કાયદો અને વ્યવસ્થાનું સન્માન, શાંતિપ્રિય સ્વભાવ, આતંકવાદ કે તેવા ટંટાફસાદથી સો ગજનું છેટું વગેરે ગુણો રહેલા છે. આપણો આ શાંત-સ્વસ્થ સમાજ છે તેની પૂર્વભૂમિકામાં આપણા ઋષિમુનિઓની, વડેરાંઓની, મોટેરાઓની દેણ રહેલી છે.
હમણાં બોલિવિયા ગાર્ડન નામનાં વિદૂષીએ માતાના ઉદરમાં ગર્ભ ધારણ થાય ત્યારથી માંડીને તેની ખીલવણીને આવરી લેતો એક તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. તેનો સચિત્ર અહેવાલ પણ ઉપલબ્ધ છે. સદભાગ્યે, લંડનની યુનિવર્સિટી કોલેજ હોસ્પિટલમાં ફેટલ મેડિસીનના ડાયરેક્ટર તરીકે સેવા આપતા પ્રો. પ્રણવ પંડ્યાનો પણ આ અભ્યાસમાં સુંદર મજાનો ઉલ્લેખ છે. માતાના ઉદરમાં જે બાળક ઉછરી રહ્યું છે તેની વાત ઉપરાંત તેના સમગ્ર વિકાસની, ઉછેરની વાત પણ આજે રજૂ કરવાની મારી ભાવના છે.
માતાના ઉદરમાં ૩૨ સપ્તાહ દરમિયાન ગર્ભસ્થ શીશુ પ્રકાશ, અંધકાર, અવાજ... બધેબધું અનુભવી શકે છે. અરે, આંખની પાંપણ પણ ઝપકાવે છે - આંખો ખોલે છે ને બંધ પણ કરે છે. અને આજના આધુનિક વિજ્ઞાનની કમાલ તો જૂઓ. જરૂર પડ્યે તે આ ગર્ભસ્થ શીશુ પર સર્જરી પણ કરી શકે છે. પ્રસવ પહેલાના બે મહિના પૂર્વે - ઉદરમાં રહેલા શીશુ પર - સર્જરી કરી શકવાની આ વૈજ્ઞાનિક સિદ્ધિ, સજ્જતાને આજના જમાનાની સદનસીબી ગણવી રહી.
જોકે મારે તો વાત કરવી છે - બાળઉછેરના સંદર્ભમાં. બાળઉછેર માટે જેટલી કાળજી રાખવામાં આવે, જેટલું સત્વશીલ સિંચન થાય તે પ્રમાણે બાળકની ભાવિ તવારીખ કંડારાઇ જતી હોય છે - પછી તે બાળક પુરુષ હોય કે સ્ત્રી હોય. જેમ કે, બીબીસીએ એક નવી સીરિઝ શરૂ કરી છે. તેમાં ૧૯૫૦ના દાયકામાં બાળકો કઇ રીતે ઉછરતા હતા અને આજે - ૨૦૧૬ના વર્ષમાં બાળકોનો ક્યા પ્રકારે ઉછેર થઇ રહ્યો છે તેની વિગતે વાત કરવામાં આવી છે. આ વિશે સમાજશાસ્ત્રીઓએ ઊંડો અભ્યાસ કર્યો છે, જેમાં વિશ્વના ૧૬ દેશોના બાળકોને આવરી લેવામાં આવ્યા છે. આ અભ્યાસ દ્વારા એ મૂલ્યાંકન કરવા પ્રયાસ થયો છે કે બાળકો આનંદિત જીવન વીતાવી રહ્યા છે કે નહીં અથવા તો પછી તેજસ્વી રીતે તૈયાર થઇ રહ્યા છે કે નહીં.
તારણો જાણીને તમને નવાઇ લાગશે કે જે ૧૬ દેશના બાળકોને અભ્યાસમાં આવરી લેવામાં આવ્યા છે તેમાંથી ક્યા દેશના બાળકો ગુણવત્તાસભર જીવન વીતાવી રહ્યા છે તેને ક્રમાનુસાર ગોઠવવામાં આવે તો બ્રિટન છેક ૧૩મા ક્રમે આવે છે. યાદીમાં રોમાનિયા અને પોલેન્ડ જેવા અવિકસિત, અર્ધવિકસિત કે વિકાસલક્ષી દેશો બ્રિટન કરતા આગળ જોવા મળે છે. આ તારણ શું દર્શાવે છે? આધુનિક સાધનસવલત, સમૃદ્ધ જીવનશૈલી, આર્થિક વૃદ્ધિ જેવા કોઇ પાસાને બાળઉછેર સાથે ગાઢ નિસ્બત નથી. બાળવિકાસ સાથે સંકળાયેલી સૌથી મહત્ત્વની બાબત હોય તો એ છે કે તેનો ઉછેર ક્યા પ્રકારે થાય છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બ્રિટનમાં ૩થી ૧૩ વર્ષના સંતાનોને ઉછેર દરમિયાન મા-બાપ બહુ પપલાવે છે. રમતગમતનું મેદાન હોય કે જમવાની વાત હોય, સ્પર્ધા હોય કે સ્કૂલમાં સ્ટડીની વાત હોય, મા-બાપની નજર માંડીને જ બેઠા હોય. તું આમ કર... અને આમ ન કર... છોકરું બહુ દોડાદોડી કરતું હશે તો ટોકશેઃ અરે, ધ્યાન રાખ, પડીશ તો વાગી જશે. અને સંતાન બેઠું બેઠું વીડિયો ગેમ્સ રમશે તો ટપારશે કે અરે તું તો ઘરમાં જ રહે છે, જરા એક્ટિવ રહેવાનું... જો સંતાન મિત્રો સાથે ધીંગામસ્તી કરશે તો કહેશે - મારે જરાય તોફાન ન જોઇએ, શાંતિથી એક જગ્યા બેસી જા... સંતાન સમજી જ ન શકે કે તેના મમ્મી-પપ્પા ખરેખર ઇચ્છે છે શું?
આજકાલ ‘હેલિકોપ્ટર પેરન્ટીંગ’ શબ્દ બહુ ચર્ચામાં છે. ચાઇલ્ડ સાઇકોલોજિસ્ટ્સ માતા-પિતાને ‘હેલિકોપ્ટર પેરન્ટીંગ’ ટાળવા સલાહ આપે છે. હેલિકોપ્ટર પેરન્ટીંગ એટલે શું? પોતાના સંતાનો પર (નજર રાખવા) હેલિકોપ્ટરની જેમ સતત મંડરાતા રહેતા મા-બાપ માટે આ શબ્દ વપરાય છે. એક જ સંતાન ધરાવતા દંપતીના કિસ્સામાં આવા પ્રકારનું વલણ વધુ જોવા મળે છે. એક જ સંતાન હોય એટલે માતા-પિતાની તમામ પ્રવૃત્તિના કેન્દ્રમાં સંતાન જ રહેવાનુંઃ તે શું ખાય છે? શું પીએ છે? ક્યારે ભણે છે? કેટલું ભણે છે? કેટલું રમે છે? શું રમે છે? કોની સાથે રમે છે? નાનામાં નાની પ્રવૃત્તિ પર મા-બાપની બાજનજર હોય. એટલું જ નહીં, બાળકને તેની દરેકેદરેકે વાતમાં માતા-પિતાની ‘એક્સપર્ટ કોમેન્ટ’ પણ મળતી રહે છે.
આવા ‘ટકટકિયા’ (સંતાનને સતત ટકોર કરતા રહેતા મા-બાપને બીજું શું કહેવું?!) મા-બાપ વળી પાછા એવા ભ્રમમાં રાચતા હોય છે કે તેઓ સંતાનનો શ્રેષ્ઠ ઉછેર કરી રહ્યા છે, પરંતુ હોય છે ખરેખર ઉલ્ટું. રિસ્ક ફ્રી માહોલ બાળકને સારા-નરસા, સાચા-ખોટા, યોગ્ય-અયોગ્ય અનુભવોથી વંચિત રાખે છે. પરિણામે બાળકમાં નિર્ણય લેવાની ક્ષમતા, સજ્જતા અવિકસિત રહી જાય છે. સરવાળે ઘણી વખત એવું બને છે કે વય વધવા છતાં તેમના આત્મવિશ્વાસની ઉણપ જોવા મળે છે. મા-બાપની ગેરહાજરીમાં તે અસલામતી, અસુરક્ષાનો અનુભવ કરે છે. કટોકટીના સમયે તે નિર્ણય લેવાનું ટાળશે. પોતાની જાતને વ્યક્ત કરતા સંકોચ અનુભવશે. અરે, સીધી ને સટ વાત છે - બાળક દોડાદોડી કરતી વખતે પડશે-આખડશે જ નહીં તો તેને સમજાશે કેમ કે ઘૂંટણ છોલાય જાય ત્યારે શું કરાય અને શું ન કરાય. મા-બાપના વધુ પડતા સુરક્ષિત અભિગમના કારણે બાળકને લાભ કરતાં નુકસાન વધુ થતું હોય છે. તેનો વિકાસ મર્યાદિત બનતો હોય છે.
ખરેખર તો બાળકની પ્રગતિ, વિકાસ ઝંખતા મા-બાપે તેને જાતે નિર્ણય કરતા શીખવવું જોઇએ. તેને નિર્ણય લેવા સ્વતંત્રતા આપો. તેનો નિર્ણય સાચો હોય તો બિરદાવો અને ખોટો હોય તો તેને સ-કારણ સમજાવો કે તે ક્યાં ભૂલ કરી રહ્યું છે. ક્યાંક ભૂલ થઇ જાય તો પણ ડોન્ટ વરી... આભ તો નથી જ તૂટી પડવાનું - તેને ભૂલમાંથી શીખવા મળશે. સંતાન ભૂલ કરે ત્યારે બહુ ગુસ્સો આવે છે? વેઇટ અ મિનિટ, જરા તમારા પોતાના ભૂતકાળ પર એક નજર ફેરવી લો. ખોટા નિર્ણયોની લાંબી યાદી નજર સામે આવી જશે એટલે આપોઆપ તમારો ગુસ્સો ટાઢો પડી જશે!
બાળઉછેર સંબંધિત એક બીજો અહેવાલ પણ તાજેતરમાં વાંચ્યો. આ રિપોર્ટ યુનિવર્સિટી ઓફ કોલેજ-લંડનના સુશ્રી માર્ગરેટ ઓ’બ્રાયનના વિચારો વ્યક્ત કરે છે. ૨૧મી સદીમાં સામાજિક પરિવર્તન કેવી રીતે થઇ રહ્યા છે તે વિશે ઓક્સફર્ડ બ્રુક્સ યુનિવર્સિટી અને પિતૃત્વના પ્રો. ટીના મિલરનો પણ એક લેખ મેં વાંચ્યો છે. કોઇને કોઇ પણ પ્રકારની સલાહ આપવાની મારી ઇચ્છા નથી, પરંતુ સંક્ષિપ્તમાં કેટલાક મુદ્દા હું અવશ્ય ટાંકવા માંગુ છું.
૨૦૧૬માં પિતા પાસે અપેક્ષા
૧) બાળક સાથે શરૂઆતથી જ શક્ય તેટલી વધુ વાતચીત કરતા રહો.
૨) બાળકને રસ પડે, જાણવા મળે, મજા પડે, ઇંતેઝારી વધે તેવું વાચન તેની સાથે નિયમિત કરતા રહો.
૩) બાળક પ્રાયમરી સ્કૂલમાં જવા લાગ્યું હોય તો તેને હોમવર્ક કરવામાં મદદગાર બનો. અલબત્ત, એટલી હદે તેના પર છવાઇ ન જાવ કે તે પોતીકાપણું જ વીસરી જાય.
૪) ચિંતાજનક બાબત એ છે કે સિંગલ પેરન્ટ - સવિશેષ માતા - પાસે સંતાનનો ઉછેર થતો હોય, પિતાની ગેરહાજરી હોય તો બાળકને અમુક પ્રકારે ખોટ વર્તાય છે.
૫) નાનું બાળક હોય ત્યારે અવશ્ય તેને તેડીને ફરો, પરંતુ શક્ય બને ત્યાં અને ત્યારે તેને આંગળી આપીને તેના પોતાના પગ પર ચલાવો પણ ખરા. આ માટે તમારે ભલે તેની સાથે પા પા પગલી કરવું પડે, પરંતુ તેને કંઇક નવું કર્યાની અનુભૂતિ અવશ્ય થશે. તમે તેના ચહેરા પર આ વાતનો આનંદ જોઇ શકશો.
૬) દરેક પિતાએ દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક તેના બાળકને આપવો જોઇએ.
૭) બાળક સાથે થોડીક રમત પણ રમો. આ માટે મેદાનમાં જ જવું જરૂરી નથી - તમે ઘરમાં પીલો ફાઇટ પણ કરી શકો છો. નિર્દોષ અને માસુમ કાયાને જરા પણ ઇજા ન થાય તેવી રમત. કોઇક રીતે ખેંચતાણ થાય, રસાકસી થાય, શરીરના તમામ અંગોને કસરત થાય તેવી પ્રવૃત્તિ કરો. ખેર, આ અંગે વધુ તો કંઇ કહેવાની જરૂર નથી, પણ આવી કોઇને કોઇ પ્રવૃત્તિ સંતાનને સ્ફૂર્તિલું અને સક્રિય રાખશે.
આ અભ્યાસ દરમિયાન દીકરી સંદર્ભે એક ગંભીર બાબત એવી પણ જાણવા મળી કે જે ઘરમાં પિતાની હાજરી નથી ત્યાં ટીનેજ છોકરી તેની સરેરાશ ઉંમર કરતાં પાંચ-સાત વર્ષ વહેલી રજસ્વલા થઇ જાય છે. એમ કહેવાય છે કે આવી છોકરી પ્રેમ, લાગણી કે વાસના પ્રત્યે વહેલી આકર્ષિત થાય છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ૭ વર્ષની વયથી માંડીને ૩૩ વર્ષની વયના ૧૭ હજાર લોકોનો ઊંડો અભ્યાસ કરીને આ તારણ કાઢ્યું છે. આથી અભ્યાસના તારણો અંગે રતિભાર પણ શંકા-કુશંકા કરવાનું કારણ નથી.
વાતને આગળ વધારતા પહેલાં એટલું અવશ્ય કહીશ કે બાળકના - કે જે સમયના વહેવા સાથે યુવાન બને છે તેના - તન અને મનનું આરોગ્ય કેવું છે તેનો સંપૂર્ણ આધાર તેના ઉછેર પર અવલંબે છે.
બાળ ઉછેર સંબંધિત એક અન્ય અહેવાલ એવું દર્શાવે છે કે બાળકોની હાજરીમાં બનતી નાની-નાની બાબતો પણ કુમળા બાળમાનસ પર અમીટ છાપ છોડી જતી હોય છે. ઉદાહરણરૂપે જોઇએ તો આપણું સંતાન બીજા કોઇ બાળક સાથે કોઇ રમત રમી રહ્યું છે. આપણે આપણા સંતાનનો ઉત્સાહ વધારવા તેને શાબાશી આપતા રહીએ, તેને સતત પ્રોત્સાહિત કરતા રહીએ તેની સાથે (કે સામે) રમતા બાળક પ્રત્યે ઉપેક્ષાભર્યું કે તેને નીચા દેખાડતું વર્તન કરીએ તો કુમળા માનસ પર તેની માઠી અસર પડતી હોય છે. બાળક તો જે નરી આંખે જુએ છે તેને જ સત્ય સમજે છે. આથી જ બાળકોની હાજરીમાં આપણું વર્તન સમતોલ હોવું જોઇએ.
બાળકોની જ વાત ચાલી રહી છે ત્યારે આ વાત પણ ટાંક્યા વગર રહી શકતો નથી. વર્ષોના વીતવા સાથે બાળક પુખ્ત વયની વ્યક્તિ બને છે ત્યારે તેની પ્રગતિમાં તેજસ્વી શિક્ષણ જ નિર્ણાયક ભૂમિકા ભજવતું હોય છે એવું જરૂરી નથી. મતલબ કે બાળપણમાં તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતી વ્યક્તિ પુખ્ય વયની થતાં નોકરી કે ધંધામાં પણ એવી જ ઝળહળતી ફતેહ મેળવશે તે જરૂરી નથી. બાળપણમાં શિક્ષણમાં સાધારણ કે નબળો દેખાવ કરનાર વ્યક્તિ પુખ્ત વયની વયે પોતાની કારકીર્દિમાં ઝળહળતો દેખાવ કરે તેવું બની શકે છે.
તાજેતરમાં બ્રિટનની અતિ પ્રતિષ્ઠિત રોયલ સોસાયટીએ આ જ વિષયને કેન્દ્રમાં રાખીને અભ્યાસ કર્યો હતો. ૩૦૦ ટોચના વિજ્ઞાનીઓને આવરી લેતા આ અભ્યાસમાં તેમની શૈક્ષણિક કારકીર્દિથી માંડીને અન્ય પાસાંને આવરી લેવાયા હતા. જેમાં સ્પષ્ટ જણાયું હતું કે શાળા-કોલેજમાં ફર્સ્ટ ક્લાસની ડીગ્રી મેળવનાર પોતાના કાર્યક્ષેત્રે પણ ટોચના સ્થાને જ બીરાજે છે તેવું નથી અને અભ્યાસ દરમિયાન થર્ડ ક્લાસ સાથે ડીગ્રી મેળવનાર કારકીર્દીમાં નબળા જ પુરવાર થાય છે તેવું પણ નથી. વ્યક્તિ જે કંઇ હાંસલ કરે છે તેની સાથે શૈક્ષણિક કારકીર્દિ સિવાયના બીજા અનેક પરિબળો સંકળાયેલા હોય છે.
રોયલ સોસાયટીએ ભલે આ તારણ આપ્યું, પણ હું તો એટલું કહી શકું કે માતા-પિતા સુજાણ હોય, તેમણે વાંચવાનો શોખ કેળવ્યો હોય, જેઓ પોતાની સર્વાંગી પ્રગતિ વિશે વિચારતા હોય તેમના સંતાનો વધુ અસરકારક સફળતા હાંસલ કરતા હોય છે.
હવે મારી વાતને જરાક વળાંક આપું. હું બ્રિટનમાં દર સપ્તાહે કોઇક ને કોઇક સમારંભમાં હાજરી આપતો રહું છું. કોઇ કોઇ વખત તો અઠવાડિયે ૪-૫ સમારંભમાં હાજરી આપવાનું બને છે. આ દેશમાં, ખાસ કરીને પાંચ દસકાથી જ્યાં વસવાટ કરું છું તે લંડનમાં નીતનવીન સારા કાર્યો થઇ રહ્યા છે. હું તો સદભાગી છું કે આવી સમાજોપયોગી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો, હાજરી આપવાનો મને સોનેરી અવસર સાંપડે છે. કંઇક નવું જોવા-જાણવાનો આનંદ તો અનુભવું જ છું સાથોસાથ વિવિધ વર્ગના, વયના, સમૂહના, લોકો સાથે વિચારોનું આદાનપ્રદાન કરવાનો મોકો પણ મળે છે.
તાજેતરમાં એક ભારતીય સંસ્થાના મેળાવડામાં હાજરી આપવાનો મોકો મળ્યો. સંસ્થાના હોદ્દેદારોમાં અમુક ગુજરાતીઓ પણ છે, પરંતુ તાજેતરમાં સંસ્થાને જે કંઇ સખાવતો મળી છે તેમાં સિંહફાળો પંજાબી સમુદાયનો છે. એક ગુજરાતી હોદ્દેદારે વેદના વ્યક્ત કરતા કહ્યું કે આપણો (અહીં વાંચો - ગુજરાતીઓનો) પ્રભાવ ઘટી રહ્યો છે.
ગુજરાતી સમાજના ઉત્થાન માટે સદા સક્રિય આ હોદ્દેદારના શબ્દોમાંથી ‘સમાજના માનપાન ઘટી રહ્યા’ની વેદના ટપકતી હતી. આ સજ્જને (સંસ્થામાં) આપણો પ્રભાવ ઘટી રહ્યાની નોંધ લીધી હતી, પરંતુ સંસ્થામાં આપણા સમુદાયનું આર્થિક યોગદાન ઘટ્યું હોવાની વાતને તેમણે ધ્યાનમાં લીધી જ નહોતી. હું સખાવતોનું સત્ય જાણતો હતો. આથી મારે કહેવું પડ્યું કે કોઇ વ્યક્તિ કે સમાજનો પ્રભાવ એમને એમ વધતો કે ઘટતો નથી. સંસ્થામાં આપણે શું પોષણ (પછી તે આર્થિક સખાવતના સ્વરૂપમાં હોય કે સમયના અનુદાનના સ્વરૂપમાં) આપીએ છીએ? કેટલું પોષક (એટલે કે સક્ષમ) નેતૃત્વ પૂરું પાડીએ છીએ? તેના પર પ્રભાવના વધવાનો કે ઘટવાનો આધાર હોય છે. તમને એમ લાગતું હોય કે આપણા સમાજનો પ્રભાવ ઘટી રહ્યો છે તો એક હોદ્દેદાર તરીકે તમારે સમાન વિચારસરણી ધરાવતા લોકોને સાથે લઇને આ મુદ્દે ચર્ચાવિચારણા કરવી જોઇએ.
વાચક મિત્રો, આ વિચારો તો મેં વ્યક્ત કર્યા હોદ્દેદાર સાથેની વ્યક્તિગત ચર્ચામાં, પરંતુ મેં સમારોહને સંબોધતાં પણ કહ્યું કે પરિવાર હોય, અંગત જીવન હોય કે જાહેર સંસ્થા હોય, તમે યોગદાન આપશો તેટલો પ્રભાવ વધશે. ગોળ નાખીએ એટલું જ ગળ્યું થાય ને?! બાળઉછેર સાથે પણ આ જ વાત સંકળાયેલી છે. બાળક નામના કુમળા છોડને સંસ્કાર, નીતિમત્તા, આચારવિચાર વગેરેનું જેટલું પોષણ આપશું એટલો તેનો સુયોગ્ય વિકાસ થશે. એમ આપણે પણ જો આ દેશમાં હાંસલ કરેલી સિદ્ધિઓને વધુ સંગીન બનાવવી હોય તો તેને સંલગ્ન જવાબદારી પણ નિભાવવી પડેને? અપેક્ષા માત્ર ઇચ્છાશક્તિનો પ્રશ્ન નથી. આપણી તેમાં શું કાર્યશક્તિ છે, શું ક્રિયાશક્તિ છે, શું યોગદાન આપી શકીએ છીએ તેનું પણ વિશેષ મહત્ત્વ છે.
શનિવારે હું હેરો આર્ટ સેન્ટરમાં ભારતીય વૃંદ ગાનના કાર્યક્રમમાં એક મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતો. આપણા સમાજના આશરે ૫૦૦-૭૦૦ સંસ્કારી સજ્જનો-સન્નારીઓના વિશાળ ઓડિયન્સમાં છેક છેલ્લી હરોળમાં વિજયભાઇ પટેલ અને તેમનાં જીવનસાથી સ્મિતાબહેનને બેઠેલા જોયા. તેમના મિત્ર રજનીભાઇ ભટ્ટના આમંત્રણને માન આપીને આ દંપતી એસેક્સથી ૪૦ માઇલનો પ્રવાસ કરીને કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. એકચિત્તે સમગ્ર કાર્યક્રમ માણ્યો અને કાર્યક્રમ સંપન્ન થયે મુખ્ય આયોજક રાકેશ જોષી તેમ જ કાર્યક્રમમાં ભાગ લેનાર કલાકારોને મળીને સુંદર અને સફળ આયોજન માટે પોતાનો આનંદ પ્રગટ કર્યો.
મને આ બધું નિહાળીને સ્હેજે’ય વિચાર આવી ગયો. વિજયભાઇ પટેલ અને તેમના ભાઇ ભીખુભાઇ પટેલે વેમેડ પીએલસી જૂથનું વિશાળ સામ્રાજ્ય સર્જ્યું છે. ‘સન્ડે ટાઇમ્સ’ના રિચ લિસ્ટ અનુસાર તેઓ આશરે ૭૦૦-૮૦૦ મિલિયન પાઉન્ડની અસ્કયામતના માલિક છે. દેશવિદેશમાં તેમનો કારોબાર ફેલાયેલો છે. તેમના માતુશ્રી પૂ. શાંતાબા પ્રત્યે મને બહુ આદર-સન્માન છે, અને તેઓ પણ મારા પર તેમના પુત્રો જેટલું જ વ્હાલ વરસાવતા રહે છે. વાચક મિત્રો, આપ સહુને યાદ હશે જ કે ૨૦૧૫નો દિપોત્સવી અંક તેમને જ અર્પણ કર્યો હતો. વિદેશમાં વસતાં ભારતીય પરિવારોની સાફલ્યગાથામાં વિજયભાઇ અને ભીખુભાઇ પટેલની સફળતા સુવર્ણઅક્ષરે લખાય તેવી છે. સફળતા આસમાનને આંબે છે, પણ એમના પગ ધરતી પર છે.
મિત્રો, આપને કદાચ જાણ નહીં હોય કે લેસ્ટરની યુનિવર્સિટી વિજયભાઇના નામે આર્ટ અને ડિઝાઇન વિભાગની છ માળી ઇમારતનું નિર્માણ કરી રહી છે. વિજયભાઇ આ જ યુનિવર્સિટીમાંથી ફાર્મસીસ્ટ થયા છે તો તેમના જીવનસાથી સ્મિતાબહેને પણ આ જ કોલેજમાંથી ફાર્મસીસ્ટ તરીકે ડીગ્રી મેળવી છે. યુનિવર્સિટીમાં ફાર્મસી વિભાગના એક બિલ્ડીંગને સ્મિતા પટેલ લેબોરેટરી નામકરણ થવાનું છે. ચોક્કસ આંકડો તો હું જાહેર કરી શકું નહીં, પરંતુ એકડા પાછળ છ મીંડા કરતાં પણ પાંચ-સાત ગણી રકમનું અનુદાન આ દંપતીએ યુનિવર્સિટીને હસતા હસતા આપ્યું છે.
આ પટેલ પરિવાર પર લક્ષ્મીજીએ ખોબલા ભરીને આશીર્વાદ વરસાવ્યા છે છતાં તેઓ નમ્રતાનો ગુણ ભૂલ્યા નથી. આટલા ઐશ્વર્ય છતાં દંપતીએ કોઇ પણ જાતના ખચકાટ વગર હેરો આર્ટ સેન્ટરના સંગીત સમારોહને છેલ્લી હરોળમાં બેસીને માણ્યો હતો.
મિત્રો, સામાન્યતઃ નાણા, સત્તા કે ખ્યાતિ વધવા સાથે નમ્રતા ઘટતી હોય છે અને અહંકાર વધતો હોય છે. પરંતુ જો બાળઉછેરનો પાયો મજબૂત હોય તો નાણા, સમૃદ્ધિ આદિ વધવાની સાથે નમ્રતા, વિવેક, શિસ્ત જેવા ગુણો વધુ મજબૂત બનીને ઉભરતા હોય છે. વિજયભાઇ હોય કે ભીખુભાઇ - અઢળક સંપત્તિ છતાં તેમનામાં નમ્રતા, વિવેક, વડીલો પ્રત્યે આદર-સત્કાર, શિસ્તબદ્ધતા જેવા ગુણો આજે પણ સચવાયેલા હોય, જળવાયેલા હોય તો તેના યશના હકદાર પૂ. શાંતાબા છે. બાળઉછેર દરમિયાન તેમણે સંતાનોમાં સંસ્કાર-મૂલ્યોનું જે જતન-સંવર્ધન કર્યું છે તેનું આ પરિણામ છે. અંતે તો એટલું જ કહીશ કે જે કર ઝૂલાવે પારણું, તે જગ પર શાસન કરે. મારી આ વાતો, વિચારો સંતાન ઉછેરતા માતા-પિતાઓના કે દાદા-દાદી સંવેદનના સિતારનો એક તાર ઝંકૃત કરવામાં સફળ થશે તો પણ ભયો ભયો... (ક્રમશઃ)