જોજે જોજે ઝીરોમાં જંગ જાય ના!*

સી. બી. પટેલ Tuesday 27th September 2016 14:11 EDT
 
 

કોના બાપની દિવાળી?

વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટન તેમજ અમેરિકામાં રાજકીય ક્ષેત્રે કંઇક અવનવી અને વિચિત્ર ઘટનાઓ આકાર લઇ રહી છે. શનિવારે લેબર પાર્ટીના નેતાપદની ચૂંટણીના પરિણામો જાહેર થયા. જંગી સરસાઇ સાથે જેરેમી કોર્બિનનો વિજય થયો. ત્રણ-ચાર લાખ સભ્યો ધરાવતી લેબર પાર્ટીના નેતાપદે ચૂંટાવું એક વાત છે, અને - દેશનો શાસક નક્કી કરતી - ચારેક કરોડ મતદારોની રાષ્ટ્રીય ચૂંટણીમાં વિજય હાંસલ કરવો તેમાં આસમાન-જમીનનો ફરક છે. સ્વાભાવિક છે કે દેશના સુકાનીની પસંદગી કરતી ચૂંટણીમાં જ્વલંત જીત મેળવવી વધુ અગત્યની બાબત ગણી શકાય. લેબર પક્ષના નેતા તો ચૂંટાઇ ગયા. હવે થોડાક સમયમાં પક્ષના છાયા પ્રધાનમંડળની રચના પણ થઇ જશે. જોકે ખાટલે મોટી ખોડ એ છે કે પાર્લામેન્ટમાં - હાઉસ ઓફ કોમન્સમાં - બિરાજતા લેબર સાંસદોમાંથી લગભગ ૭૫ ટકા જેરેમી કોર્બિનની તરફેણમાં નથી. થોડાક સમય પૂર્વે થયેલા મતદાનનું તારણ છે. (આમ છતાં જેરેમી કોર્બિન પક્ષના નેતાપદે ચૂંટાઇ આવે છે તેને સમયની બલિહારી ગણવી કે પછી પક્ષની કમનસીબી ગણવી તે નક્કી કરવાનું કામ આપ સહુ સુજ્ઞ વાચકો પર છોડી દઉં છું.)
આમજનતામાંથી ૨૫ પાઉન્ડની સભ્યપદ ફી ભરીને સામાન્ય ઉમેદવાર તરીકે નેતાપદની ચૂંટણીમાં ઝૂકાવનાર સભ્યોને જેરેમી કોર્બિન અવશ્ય કહી શકે કે જંગી બહુમતીએ મને ચૂંટ્યો છે. જ્યારે સાંસદોની સાર્વત્રિક ચૂંટણી થાય ત્યારે દરેક બ્રિટિશરને મતદાન અધિકાર હોય છે. તે વેળા શક્તિશાળી વિરોધ પક્ષ તરીકે લેબર પક્ષની નીતિરીતિ કઇ છે તે મધ્ય નજર રાખીને મતદાન થતું હોય છે.
વાચક મિત્રો, ગયા સપ્તાહે આપ સહુએ લેબર પક્ષના ઉદ્ભવની વાત જાણી. કામદાર કે કર્મચારીને થતો અન્યાય દૂર કરવા માટે લેબર સ્થપાયો એ તો સ્વીકારવું જ પડે. પરંતુ કોઇ પણ નોકરી-ધંધાની કરોડરજ્જૂ તો મૂડીરોકાણ કે વેપાર-ઉદ્યોગના અધિપતિઓ કે શેરહોલ્ડર્સ હોય છે ને? અંતિમ કક્ષાની નીતિ ધરાવતો કે પછી મૂડીવાદ કે સમાજવાદને જ સંપૂર્ણ સમર્થનની વાતો કરતો પક્ષ હવે ક્યારેય સત્તા હાંસલ કરી શકે નહીં. બ્રિટનના લાંબા ઇતિહાસ પર નજર ફેરવતાં આપણે જોઇ શકીએ છીએ કે જે કોઇ રાજકીય પક્ષ - સમાજના સર્વ વર્ગના હિતોને સમતોલ રાખીને - મધ્યમ માર્ગની નીતિ કે રીતિ અપનાવે છે અને તે માટે મતદારોનો વિશ્વાસ સંપાદિત કરી શકે છે તે જ રાજકીય પક્ષ ચૂંટણી જંગ જીતવામાં સફળ થાય છે, સત્તા હાંસલ કરે છે.
દેશના પ્રવર્તમાન રાજકીય માહોલમાં જેરેમી કોર્બિન કે તેમનું સંગઠન આ પ્રકારે આમ જનતાની અને મતદારોની સંમતિ (કે સ્વીકૃતિ) મેળવવા માટે સક્ષમ છે કે નહીં એ પાયાનો પ્રશ્ન છે. આજે (સોમવારે) આ લખાય રહ્યું છે ત્યારે સમાચાર છે કે લેબર પક્ષના છાંયા નાણાપ્રધાન જ્યોર્જ મેકડોનેલે જાહેર કર્યું છે કે બ્રિટનના અર્થતંત્રને વધુ ચેતનવંતુ બનાવવા માટે, આર્થિક મોરચે તેજીનો સંચાર કરવા માટે ભાવિ લેબર સરકાર ૧૦૦ બિલિયન કે વધુ પાઉન્ડનું મૂડીરોકાણ કરશે. આ માટે જરૂરી નાણાભંડોળ વિશ્વસનીય મૂડીરોકાણકારો પાસેથી કરજ પેટે મેળવવામાં આવશે. કોના બાપની દિવાળી?! ખરેખર આ આંકડો વાંચીને મારું તો મગજ ચક્કરભમ્મર થઇ ગયું છે.
આપણા દેશમાં વડીલો કહેતા હતા કે દેવું કરીને પણ ઘી પીવું. ચાર્વાકે સદીઓ પૂર્વે સંસ્કૃતમાં કહ્યું છેઃ ઋણમ્ કૃત્વા ધૃતમ્ પિબેત.. અર્થતંત્રમાં અમુક હદ સુધી મૂડીરોકાણ માટે નાણાંભંડોળ મેળવવામાં આવે, કરજબોજ ઉભો કરવામાં આવે તે વાજબી ગણાય, પણ આની સાથે સાથે ઉલાળ-ધરાળનોય ખ્યાલ તો રાખવો પડેને? શારીરિક સ્વાસ્થ્ય માટે અમુક માત્રામાં ઘી પીવું જરૂરી હશે તેની ના નહીં, પણ વિવેકભાનને અભેરાઇએ ચઢાવીને ઘી ખાવા મચી પડો તો શું થાય? લોટો લઇને આંટાફેરા કરતા થઇ જાવ...
લેબર પક્ષના અત્યારના કટોકટી કાળની સમીક્ષા હાલમાં કરવી કદાચ અજૂગતું ગણાય, પણ લાગતાવળગતા સહુને એટલું અવશ્ય કહી શકાય કે હાથના કર્યા હૈયે વાગશે જ. આ સ્થિતિ ટાળવી હોય તો સમાજના એક જ સ્તર કે જૂથને હિતકારી વલણના બદલે સહુનો સાથ મેળવવા માટે, સહુના હિત-અહિતનો વિચાર કરવો પડે. લેબર પક્ષમાં ટોળાશાહી કે નીતિરીતિ મુદ્દે ડાબેરી ઝોક પ્રત્યે ચિંતા સેવાઇ રહી છે તો બીજી તરફ ટોરી પક્ષ પણ કોણ જાણે કેમ જીતમાં હોવા છતાં કેટલાક સભ્યો પોતાના જ પગ પર કુહાડો મારી રહ્યા છે. ૨૩ જૂને યુરોપિયન યુનિયન (ઇયુ) સાથે જોડાયેલા રહેવાના મુદ્દે બ્રિટનનું ભાવિ તોળાઇ ગયું. તે જ પ્રમાણે - ઇયુની તરફેણમાં જનમત જીતી જવાના આત્મવિશ્વાસમાં રાચતા - ડેવિડ કેમરનનું પાણી પણ મપાઇ જ ગયું ને? વધુ અફસોસજનક બાબત તો એ છે કે કેમરન જૂથના જ કેટલાક અગ્રણીઓ વડા પ્રધાન થેરેસા મે સામે જાણે રણે ચઢ્યા હોય તેમ હાકલા-પડકારા કરી રહ્યા છે. અલ્યા બાપલ્યા, જરા સાચવીને... આવતીકાલે કોઇ એમ ન કહી જાય કે પશુમાં પડી એક તકરાર.
બ્રિટનમાં તો માત્ર લેબર પાર્ટીની હાલત કથળી છે જ્યારે અમેરિકામાં તો સમગ્રતયા રાજકીય માહોલ ખરડાયેલો હોય તેવું જોવા મળી રહ્યું છે. બ્રિટનની સરખામણીએ જોઇએ તો કહી શકાય કે અમેરિકામાં કદાચ વધુ નાજુક પરિસ્થિતિ છે. ત્યાં આગામી નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ મેદાનમાં ઉતર્યા છે, જ્યારે ડેમોક્રેટિક પાર્ટીમાંથી હિલેરી ક્લિન્ટને જંગમાં ઝૂકાવ્યું છે. પ્રમુખપદના આ બે દાવેદારો વચ્ચે આજે મોડી રાત્રે જાહેર ચર્ચાનો પહેલો રાઉન્ડ યોજાશે. પ્રેસિડેન્શિયલ ડિબેટ નામે જાણીતી આ ચર્ચા પર અમેરિકા જ નહીં, આખી દુનિયા આંખ-કાન માંડીને બેઠી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ વિશે કહેવાય છે કે ન કરે નારાયણ અને જો તેઓ ચૂંટણી જીતીને પ્રમુખ પદે બિરાજ્યા તો અમેરિકા સહિત સમગ્ર વિશ્વનું ભાવિ ખૂબ ભયજનક સપાટીએ પહોંચી જાય તેવી પૂરતી શક્યતા છે.
સર્જન માટે વિસર્જન અમુક તબક્કે આવશ્યક ગણી શકાય, પરંતુ બ્રિટનમાં લેબર પક્ષમાં ભંગાણ થાય તે વાજબી પણ નથી કે જરૂરી પણ નથી. આ જ રીતે જો અમેરિકામાં - વિશ્વની એકમાત્ર લોકતાંત્રિક મહાસત્તામાં - જો અપરિપકવ, ઉતાવળિયા અને અધકચરા અભિગમ માટે જાણીતા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ સ્થાને આવ્યા તો પરિસ્થિતિ ખૂબ નાજુક બની જશે.
*(સ્વાતંત્ર્યસંગ્રામ વેળાના સુપ્રસિદ્ધ રાષ્ટ્રીય ગીત ‘જોજે ‘જોજે યુવાન રંગ જાય ના’ આધારે સહેજ ફેરફાર સહિત)

•••

એક અદભૂત યંત્રની આપવીતી

તાજેતરમાં લંડનના સાયન્સ મ્યુઝિયમમાં વિજ્ઞાનની વાટે થયેલી અવનવી શોધખોળો વિષે એક સેમિનાર યોજાયો હતો. જેમાં અમેરિકા, સાઉથ કોરિયા, જપાન, જર્મની અને બ્રિટનના મેડિકલ સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન આપનારા તજજ્ઞો એકત્ર થયા હતા. સેમિનારમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો મુદ્દો પણ ચર્ચાયો. આજકાલ આ ક્ષેત્રે ઘણું સંશોધન થઇ રહ્યું છે. વિજ્ઞાનજગતના ધુરંધરો માનવીય સંવેદના ધરાવતો રોબોટ વિકસાવવા માગે છે તે માટેની આ મથામણ છે. જોકે નાની-મોટી દરેક વાતને વિજ્ઞાનના સિદ્ધાંતોના ત્રાજવે તોળતા આ દરેક વિજ્ઞાનીઓ, ચિંતકો, સંશોધકો એક વાત અવશ્ય સ્વીકારે છે કે જીવમાત્રને જગતનિયંતાએ શરીરરૂપી જે અદભૂત યંત્ર આપ્યું છે તે વિકસાવવાનું તો શું (અસલ નજર સામે હોવા છતાં) તેની નકલ કરવાનું પણ માનવીના ગજાની બહાર છે. ડીએનએ કહો કે જીન્સ... આ બધાનું એક આગવું સાયન્સ છે. જીવમાત્ર એક યંત્ર તરીકે ચેતનાથી ધબકે છે, પરંતુ આ પૃથ્વી પરના બધા (સજીવ) યંત્રોમાં માનવયંત્ર સહુથી વધુ શક્તિ અને સામર્થ્ય ધરાવે છે. મન, વચન, કર્મ, ચિંતન, ક્રિયાશક્તિ, કાર્યશક્તિ - સમગ્ર સૃષ્ટિનું ચાલકબળ ગણાતી - પ્રજનનક્ષમતા... આ તમામેતમામ પરિબળો માનવશરીરમાં સમાવિષ્ટ હોય છે. ક્રમેક્રમે આકાર લેતા રૂપ, રંગ, શરીર સૌષ્ઠવ, સુવિધા, સુખસગવડ તેમજ દુઃખ, અજંપો કે તેવા નકારાત્મક પરિબળો પણ આ ‘યંત્ર’ની જ દેણ હોય છે. હોર્મોનનો પ્રતાપ જ છે ને?
અલબત્ત, આ ‘યંત્ર’ સમસ્યાઓ પણ સર્જી શકે છે. તો બીજી તરફ, આ જ ‘યંત્ર’ આરોગ્ય બાબત - શારીરિક કે માનસિકની સાથે સાથે જ જો સ્વભાવમાં, પ્રકૃતિમાં, સાત્વિક કે રાજસી કે તામસિક પરિમાણોનો ભેદ સમજી-વિચારીને યથાયોગ્ય સકારાત્મક વિચાર અપનાવે તેમજ સાથે સાથે જ યોગ્ય વર્તન, વાણી, આહારવિહાર, રહેણીકરણી કે જીવનશૈલી અપનાવે તો આ માનવયંત્ર - અંદર કે બહાર - સાચે જ શુભ સત્કાર્ય કરવાનું સામર્થ્ય ધરાવે છે. અલબત્ત, કોઇ પણ ‘યંત્ર’ને શ્રમની સાથે સાથે જ આરામની પણ એટલી જ આવશ્યક્તા છે.
જો તમારા વાહનને, દાખલા તરીકે મોટરકારને, સમયસર ફ્યુલ, પાણી, એર વગેરેથી સુસજ્જ રાખવામાં ન આવે તો? રોડટેક્સ કે બીજા વેરા ન ભર્યા હોય તો? કારને માર્ગ પર ચલાવવા માટે સજાગતા ન હોય તો? કહેવાનું તાત્પર્ય એટલું જ કે સગવડ-સુવિધા સાથે સમજદારીની આવશ્યક્તા તો ખરીને? મિત્રો, મેં તો આ શબ્દો, મારી સૂઝબૂઝ અનુસાર, મારી અંદરની ભાવના આપ સહુ સમક્ષ રજૂ કરી છે. આમાંથી કઇ વાતને કેટલી ગંભીરતાથી સ્વીકારવી કે સમજવી આપના અભિગમ પર નિર્ભર છે. આ લો...ને મારી જ વાત કરું. સ્વાનુભવથી શ્રેષ્ઠ શું હોય શકે?!
આપની સમક્ષ રજૂઆત કરી રહેલા આ જણને આજથી પચ્ચીસેક વર્ષ પૂર્વે ધંધા-વેપારમાં થોડોક કપરો કાળ હતો. પરિણામે ધુમ્રપાન, દારૂસેવન, દોડધામ, માનસિક અશાંતિ જેવા અનેક પ્રકારના - લગભગ હડકવા કહી શકાય તેવા - વળગણોએ માનસપટલ પર અડીંગો જમાવ્યો હતો. જોકે આ જણ નસીબદાર છે (પરમ કૃપાળુ પરમાત્માની કૃપા જ ગણવી રહી...) સમયસર તે ચેતી ગયો. ડ્રાઇવીંગ બંધ કર્યું. બધા જ વ્યસનો કે દૂષણોને કાં તો સાવ જ છોડ્યા કે ખૂબ જ ઓછા કર્યા. ભાગંભાગભરી જિંદગી છોડીને બહુ શિસ્તબદ્ધ અને સંતોષજનક જીવનશૈલી અપનાવી. વાચક મિત્રો, તે વેળાએ આ જણની તબિયત ખરેખર સારી નહોતી. તે ડાયાબિટીક હોવાથી સુગર લેવલ કન્ટ્રોલમાં આવતું જ નહીં. આંખોમાં બે વખત કેટેરેક્ટ આવ્યા હતા. બે વખત ટ્રાન્ઝીયન સ્ટ્રોક પણ આવી ગયા હતા. એક વેળા હૃદયએ ધમપછાડા મારતા એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે જવું પડ્યું હતું. ઓછાવત્તા અંશે પેશાબપાણીમાં પણ મુશ્કેલી પડતી હતી. આજે આ જણ આમાંની મોટા ભાગની તકલીફોથી વિમુખ થઇ ગયો છે. હા, એક સમયે ઊંચા સ્તરને સ્પર્શતું સુગર લેવલ પણ કન્ટ્રોલમાં છે - આ માટે પૂરી તકેદારી રાખવી પડે છે, અને તે આવી બાબતોની કાળજી રાખે છે પણ ખરો.
શું તેને કોઇ ઇશ્વરીય વરદાન પ્રાપ્ત થયું હતું? કે પછી સ્વાસ્થ્યની સારસંભાળ લેતો જાદુઇ ચિરાગ હાથ લાગી ગયો હતો? ના, આમાંનું કશું પણ નહોતું. આ બધું ચોક્કસ દિશામાં, સજાગતાપૂર્વક કરેલા પ્રયાસોનું પરિણામ છે. ખાણીપીણીમાં પૂરતી કાળજી, કસરત અને યોગ સહિતની શારીરિક-માનસિક સક્રિયતા, માનસિક તનાવ ઘટાડવા દૃઢ નિર્ધાર સાથેના પ્રયાસો... વગેરે જેવા પરિબળોનો ગુણાકાર એટલે આ જણનું આજનું સદાબહાર સ્વાસ્થ્ય. વધારામાં પરમાત્માની અસીમ કૃપા, પરિવારજનોનો સહકાર. સમય વર્ત્યે સાવધ થઇ જવાનું આ પરિણામ છે. આ જણે સારા-નરસા પાસાંનો ભેદ પારખીને તન-મનના સ્વાસ્થ્યનો ભાવિ માર્ગ નક્કી કર્યો. અને જીવન સરળ બનાવ્યું.
મિત્રો, સ્વાનુભવની આ તો થોડીક જ વાતો છે, કેમ કે આપ સહુ સમજદાર છો. પહેલું સુખ તે જાતે નર્યા... આટલું સમજ્યા તો જગ જીતી ગયા સમજી લેજો...
સુજ્ઞ વાચક મિત્રો, થોડાક વર્ષો પૂર્વે અમેરિકાના પ્રવાસે ગયો હતો તે વેળાની વાત છે. એ...યને ટેસથી હરતાં-ફરતાં મોજ કરતો હતો ત્યાં કોણ જાણે શું થયું કે પીઠમાં અને પગ (ઘૂંટણ - ઢીંચણ)માં તીવ્ર પીડા સાથે સણકાં ઉપડ્યાં. ત્યારબાદ સાયટીકા. સહેવાય નહીં તેવું દર્દ થાય. મોંઢામાંથી સિસકારા નીકળી જાય. તાબડતોબ ડોક્ટરને કન્સલ્ટ કર્યા.
પરંતુ શું પીડામુક્તિનો આ અહેસાસ હકીકત હતી? ના. માત્ર કેટલીક (અલ્પ) ગોળીઓએ દર્દનું નિવારણ નહોતું કર્યું, પણ પીડાનું શમન કર્યું હતું. મિત્રો, મારું કહેવાનું તાત્પર્ય સમજ્યા ન હો તો આગળનું વાક્ય ફરી એક વખત વાંચી જવા વિનતી છે.
હું લંડન પરત ફર્યો. જાતભાતનું સતત વાચન કરવાની ટેવ બહુ ઉપયોગી સાબિત થઇ. એક લેખમાં તબીબી નિષ્ણાતે જણાવ્યું હતું કે પેઇનકિલર દવાઓ તમને પીડામાં રાહતનો અહેસાસ ભલે કરાવતી હોય, પણ આ દવાનું લાંબા સમયગાળા માટે સેવન સરવાળે તમારા સ્વાસ્થ્ય પર વિપરિત અસર કરે છે. શરીરને લાભ કરતાં નુકસાન વધુ કરતી આ પ્રકારની દવાઓ બને ત્યાં સુધી લેવાનું ટાળવું જોઇએ. અને તબીબી સલાહ વગર તો તેનું સેવન ક્યારેય ન જ કરવું જોઇએ.
તો શું આનો મતલબ એ થયો કે આપણે જીવનભર પીડા સહન કરતાં રહેવાની? આ પ્રશ્નનો પણ જવાબ છે - ના. હું મારા જીપીને મળ્યો અને તેમની સલાહને અનુસર્યો. તમે પણ તમારા જીપીને મળો. તમારી શારીરિક તકલીફની માહિતી આપો, અને તેઓ જે દવા પ્રિસ્ક્રાઇબ કરે તે દવાનું - તેટલી જ માત્રામાં - સેવન કરો. ડોઝ વધુ પણ નહીં લેવાનો, અને ઓછો પણ નહીં. સેલ્ફ મેડિકેશન તો ક્યારેય નહીં કરવાનું. એટલે કે જાતે જ નક્કી કરીને ગોળીઓ નહીં ગળતા રહેવાની.
સાથોસાથ જીવનશૈલીમાં સુધારો લાવવા પ્રયાસ કરો. કોઇ પણ દવા તમને દર્દમાં કામચલાઉ રાહત આપશે, જ્યારે જીવનશૈલીમાં બદલાવ દર્દમાં આજીવન રાહત આપશે. જેમ કે, મને કમર અને પગમાં દુઃખાવો ઉપડ્યો હતો. ડોક્ટરે મારી પીડા માટે કરોડરજ્જૂમાં તકલીફને કારણભૂત ગણાવી હતી. આથી મેં ખાણીપીણી, શારીરિક હલનચલન, ઉઠવા-બેસવામાં - ડોક્ટરના સલાહસૂચન અનુસાર - યોગ્ય સુધારાવધારા કર્યા. સામાન્ય-સરળ યોગ કરવાનું શરૂ કર્યું. કરોડરજ્જૂના જ્ઞાનતંતુ એટલે કોઇ પણ શરીરનો કન્ટ્રોલ રૂમ. પગથી તે માથા સુધીના સમગ્ર શરીરના વજનથી માંડીને તેનું સંચાલન એક યા બીજી રીતે કરોડરજ્જૂ સાથે સંકળાયેલું હોય છે. કરોડરજ્જૂની તકલીફ ઘટે તેવા પ્રયાસ કર્યા એટલે તેણેય શરીરને સાથ આપવાનું શરૂ કર્યું! સમયાંતરે દર્દ પણ ઘટ્યું, અને દવા પણ ઘટી. હવે દર્દ પણ ગાયબ છે, અને દવા પણ. ટનાટન આરોગ્ય માટે ટટ્ટાર બેસવું, ચાલવું, ઊભા રહેવું જેવી સામાન્ય શિસ્ત ખૂબ ઉપયોગી છે. આજે આ બધી પીડા-પરાયણ માંડવાનું કારણ એટલું જ કે મારા અનુભવમાંથી આપને પણ કંઇ ઉપયોગી ભાથું મળી રહે. સારું અને કંઇક ઉપયોગી જણાય તો તમારું, અને બાકીનું બધું મારું. (ક્રમશઃ)

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter