વડીલો સહિત સહુ વાચક મિત્રો, ચાલો આપણે સહપ્રવાસે નીકળીએ... આપણો પ્રવાસ વૈચારિક છે, અને અમુક અંશે કાલ્પનિક પણ ખરો. આમાં ક્યાં બેગબિસ્તરા બાંધવાની કે ટિકિટ બુકીંગ કરાવવાની જરૂર છે? વાત તો ખરીને! બસ, આપ સહુને તો મારા ખભે બેસી જવાનું છે ને વિશ્વભ્રમણ કરવાનું છે. (જો જો હોં...બાપલ્યા, મારા શબ્દોને પકડવાના બદલે તેના ભાવાર્થને ધ્યાને લેજો, ક્યાંક એવું ન બને કે કાલે આપણે રસ્તામાં સામા મળી જઇએ ને તમે કૂદીને મારા ખભે ચઢી જાવ... આ ૮૧ વર્ષના માણસની કરોડરજ્જૂની દયા રાખજો...)
તો ચાલો આપણે વોશિંગ્ટનથી પ્રવાસ શરૂ કરીએ. વીતેલા સપ્તાહે હું ત્રણ દિવસ પારિવારિક દોહિત્રીના લગ્નમાં અમેરિકા જઇ આવ્યો. પણ એ તો સામાજિક પ્રસંગ હતો. આપણે તો અમેરિકામાં ડોકિયું કરવું છે રાજદ્વારી સંદર્ભે...
અમેરિકા... આધુનિક વિશ્વનું સૌથી શક્તિશાળી સુપર પાવર રાષ્ટ્ર. અર્થતંત્ર એટલું તાકાતવર કે અમેરિકા છીંક ખાય તો આખી દુનિયાને શરદી થઇ જાય. દુનિયાના આર્થિક ઉત્પાદન કે વપરાશમાં તેનો ચોથો ભાગ છે. કુલ ૭૧૫ કરોડની જનસંખ્યા ધરાવતા પૃથ્વીના આ ગોળા ઉપર અમેરિકાની વસ્તી બધું મળીને માત્ર ૩૧ કરોડ છે, પરંતુ દુનિયાભરમાં વપરાતી વિવિધ ચીજવસ્તુઓ અને સેવાઓનો ૨૫થી ૨૭ ટકા હિસ્સો અમેરિકાની સરહદમાં ખપી જાય છે. કેટલાક આને અડધમાં રામ અને અડધમાં ગામ એવું ગણાવશે, પરંતુ માથાદીઠ વપરાશનો આંકડો મેળવવા ત્રિરાશી માંડશો તો ટકાવારીનો આંક આનાથી પણ ઘણો ઊંચો જવા સંભવ છે.
વાત આંકડાઓની અને ખર્ચાની જ ચાલે છે તો આપણે અમેરિકાની લશ્કરી તાકાતની ચર્ચા કરી જ લઇએ. આ સુપર પાવર રાષ્ટ્રનું લશ્કરી શસ્ત્ર-સરંજામનું બજેટ છે અધધધ ૬૪૫ બિલિયન ડોલર. તેના પછીના ક્રમે આવતા ચીનનું સંરક્ષણ બજેટ છે લગભગ ૨૮૦ બિલિયન ડોલર. આ પછી રશિયા, ભારત, જર્મની, જાપાન, બ્રિટન તેમજ અન્ય દેશો આવે. દેશ નાનકડો હોય કે મોટકડો, તેનું સંરક્ષણ બજેટ તો હોવાનું જ ને?! પરંતુ દુનિયામાં સંરક્ષણ ક્ષેત્રે કુલ જેટલી રકમ ખર્ચાય છે તેમાં અમેરિકાનો હિસ્સો લગભગ ૩૩થી ૪૦ ટકા છે!
આમ, ચીજવસ્તુઓ કે સેવાઓના વપરાશના માપદંડથી જુઓ કે પછી લશ્કરી સાધનસરંજામ પાછળ થતા ખર્ચના દૃષ્ટિકોણથી મૂલવો, અડધમાં રામ અને અડધમાં ગામ કરતાં અમેરિકા ક્યાંય આગળ છે.
છેલ્લા સોએક વર્ષથી અમેરિકા આંતરરાષ્ટ્રીય પોલીસમેન તરીકે પણ (સ્વૈચ્છિક) ફરજ બજાવી રહ્યું છે. સારામાં સારા અને શાંતિપ્રિય દેશમાં પણ પોલીસ દળ તો જોઇએ જ. ભલે લોકોક્તિમાં સાંભળવા મળતું હોય કે પોલીસની બે તો ચોરની ચાર, પરંતુ પોલીસ ન હોય તો પછી કાયદો-વ્યવસ્થાના છોતરા જ ઉડે. પરંતુ પોલીસ કેવા હોવા જોઇએ? પ્રજાની સેવા કરે તેવા, તેમની સલામતી, સુખાકારી સાચવે તેવા. રોફ દાખવીને જોરજુલમ કે દમન ગુજારે તેવું તો પોલીસ તંત્ર ન જ હોવું જોઇએ.
અમેરિકા જેમ દુનિયામાં દબદબો ધરાવે છે એમ તેના પ્રમુખ પણ વિશ્વતખતે ભારે વર્ચસ ધરાવે છે. આમાં પણ વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તો વાત જ અલગ છે. વાચક મિત્રો, આપ કદાચ કહેશો કે ભલા માણસ, જે દેશ સુપર પાવર હોય તેનો પ્રમુખ પણ શક્તિશાળી હોવાનો જ ને? આમાં ક્યાં કંઇ કહેવા જેવું છે?! પ...ણ ટ્રમ્પની બાબતમાં એવું નથી.
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ચીલાચાલુ રાષ્ટ્રનેતાઓ કરતાં આગવી પ્રતિભા ધરાવે છે. તેમણે તેમની કાર્યપદ્ધતિ અને નીતિરીતિથી વૈશ્વિક રાજકારણમાં એક અલગ જ ઓળખ ઉભી કરી છે. જર્મન વંશજ ટ્રમ્પે બાવન પત્તાની જોડમાં હુકમના એક્કાનું જેવું સ્થાન હોય છે તેવું જ સ્થાન મેળવ્યું છે. ટ્રમ્પ ભલે અબજો ડોલરની પ્રોપર્ટીના માલિક હોય, પણ તેઓ તેમના પુરોગામીઓ બરાક ઓબામા કે બિલ ક્લિન્ટન જેવા ઉચ્ચ સુશિક્ષિત તો નથી જ. વ્હોર્ટન યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કરનાર ટ્રમ્પે સમયાંતરે પ્રોપર્ટી ડેવલપમેન્ટના પૈતૃક વ્યવસાયમાં ઝંપલાવ્યું અને અબજો ડોલરના સામ્રાજ્યનું સર્જન કર્યું. અમેરિકા ઉપરાંત ભારત સહિતના દરિયાપાર દેશોમાં અનેક પ્રોપર્ટી ઉભી કરીને એક સફળતમ બિઝનેસમેન તરીકે નામના મેળવી. એક બિઝમેનમેન તરીકે તો તેમણે નિઃશંક ઝળહળતી ફતેહ મેળવી છે, પરંતુ આ જ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે જે મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છે તે સર્વપ્રકારે - લોકશાહીના પરિપ્રેક્ષ્યમાં - યથાયોગ્ય રીતે નિભાવી રહ્યા છે કે નહીં તે વિચારણીય છે.
ખેર, ચાલો જરા દુનિયાના ગોળ પર છે...ક પૂર્વમાં આવેલા નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા પર નજર માંડીએ. આ બન્ને દેશો બીજા વિશ્વયુદ્ધ પછી ઉદ્ભવ્યા છે. ૨૦મી સદીના પ્રારંભે આ બન્ને દેશો એક જ હતા, અને આ ‘અખંડ’ કોરિયા જાપાનની કોલોનીનો એક હિસ્સો હતું. આ દરમિયાન જાપાનના તત્કાલીન શાસકોએ કોરિયન પ્રજા પર ખૂબ જોરજુલમ - દમન ગુજાર્યા હતા તે વાતનો ઇતિહાસ સાક્ષી છે.
બીજા વિશ્વયુદ્ધ પછી કોરિયા સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. કોરિયન પ્રજાનો આઝાદીનો આનંદ હજુ શમ્યો પણ નહોતો ત્યાં ઉત્તર દિશાએ આવેલી ચીન સરહદેથી સામ્યવાદી દળો તીડના કટકની જેમ ત્રાટક્યા. અને કોરિયાના બે ટુકડા થયા. સામ્યવાદી શાસન ધરાવતો ટુકડો નોર્થ કોરિયા તરીકે ઓળખાયો. અને બીજો ભાગ સાઉથ કોરિયા તરીકે ઓળખાયો, જ્યાં અમેરિકન પીઠબળથી મૂડીવાદી રાષ્ટ્ર ઉદભવ્યું.
ભારત-પાકિસ્તાનની જેમ એક જ ધરતી-માતાની કૂખે જન્મેલા નોર્થ અને સાઉથ કોરિયા વચ્ચે સમયાંતરે લોહિયાળ સંઘર્ષ થયો. હજારો નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા. માલમિલક્તને ભારે નુકસાન થયું. આ સંઘર્ષ અટકાવવા આખરે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન (UNO)ને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી. UNOએ ૩૮ અક્ષાંસ પર એક રેખા આંકી, જે જાનીદુશ્મન દેશો વચ્ચેની સરહદ બની. આ વાત છે ૧૯૫૪ની.
વાચક મિત્રો, તાજેતરમાં આપ સહુએ ટીવી અહેવાલો અને અખબારી તસવીરોમાં નોર્થ કોરિયાના પ્રમુખને ચારેક ઈંચની પાળી ઓળંગીને સાઉથ કોરિયામાં પ્રવેશતા જોયા હશે. આ ‘પાળી’ એ જ બન્ને દેશોને અલગ કરતી સરહદ. વિશ્વના સૌથી ખતરનાક સ્થળોની યાદીમાં આ જગ્યાનું નામ સ્થાન ધરાવે છે. અહીં બન્ને દેશના જાંબાઝ સૈનિકો ચોવીસેય કલાક ભરીબંદૂકે તૈનાત રહે છે. વરવી હકીકત એ છે કે સહોદર હોવા છતાં નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા બન્ને એકમેકના લોહીતરસ્યા બની રહ્યા છે. જોકે હવે હવાનો રુખ બદલાઇ રહ્યો છે. બન્ને દેશના પ્રમુખો મળ્યા છે, અને શાંતિપ્રક્રિયા શરૂ કરી છે. આશા રાખીએ કે આજે શાંતિનું બીજ વાવ્યું છે તે આવતીકાલે વટવૃક્ષ બનીને મહોરશે.
આપણે ઈતિહાસમાં જરાક વધુ ઊંડા ઉતરીએ... ૧૯૫૪ના તે કાળખંડમાં લગભગ સમગ્ર વિશ્વ બે ભાગમાં વહેંચાઇ ગયું હતું - એક તરફ મૂડીવાદીઓ તો બીજી તરફ સામ્યવાદીઓ. બન્ને વિચારધારા વચ્ચેનું શીતયુદ્ધ ચરમસીમાએ હતું. અલબત્ત, આવા તણાવપૂર્ણ વૈશ્વિક માહોલમાં પણ ભારત સહિતના કેટલાક દેશોએ તટસ્થ રાષ્ટ્ર તરીકે આગવું સ્થાન અને શાખ જાળવ્યા હતા.
મૂળ વાતનો તંતુ સાધીએ... UNO દ્વારા બન્ને દેશો વચ્ચે સરહદ તો અંકાઇ ગઇ, છતાં ત્યાં કોઇ દેશ અટકચાળું કરે તો? આ સ્થિતિ ટાળવા અને સરહદે શાંતિ જળવાય રહે તેની કાળજી રાખવા UNO દ્વારા ઇન્ટરનેશનલ કન્ટ્રોલ કમિશન (આઇસીસી) રચવામાં આવ્યું હતું. તેની મુખ્ય જવાબદારી એ હતી કે પડોશી દેશો એકબીજાની બાબતોમાં હસ્તક્ષેપ ન કરે. તેમની વચ્ચે સંઘર્ષ ન થાય અને એખલાસભર્યો માહોલ જળવાય રહે. આ આઇસીસીમાં ૧૯૫૪ બાદ ભારતના કેટલાક પ્રતિનિધિ મહત્ત્વની સેવા આપતા હતા. એક તબક્કે તેમાં કાઠિયાવાડના મોરબી સ્ટેટના ભૂતપૂર્વ દિવાન જે. કે. ગોહિલ (જસવંતસિંહ કે. ગોહિલ) પણ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા અને આ ગોહિલ સાહેબે આઇસીસીમાં સુંદર અનુદાન આપ્યું હતું.
વાચક મિત્રો, આપનામાંથી કેટલાય લોકો જે. કે. ગોહિલ સાહેબને જાણતા જ હશે, પણ જે લોકો નથી જાણતા તેમને આ દિગ્ગજનો પરિચય આપું... બ્રિટનમાં ૧૯૭૦ પછીના અરસામાં કન્ઝર્વેટિવ પાર્ટીના કોઇ એશિયન નેતાનું નામ સૌથી વધુ ગાજતું હોય તો તે જસવંતસિંહ કે. ગોહિલનું. રાજદ્વારી ક્ષેત્રે તેમના પ્રશંસનીય પ્રદાનને બિરદાવતાં વડા પ્રધાન થેરેસા મેએ તેમને નાઇટહૂડ સન્માનથી નવાજ્યા હતા. અને આમ જે. કે. ગોહિલ સર જે. કે. ગોહિલ બન્યા. પાઘડીધારી સર ગોહિલ મુત્સદ્દીગીરીમાં માહેર હતા, અને રાજદ્વારી બાબતોમાં ભારે વિચક્ષણ. ભારતીય વિદ્યાભવન સાથે પણ તેઓ સક્રિય રીતે જોડાયેલા હતા.
ગોહિલ સાહેબની વાત પૂરી કરીને આપણે ફરી નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા ભણી વળીએ... UNOના પ્રયાસોથી ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે યુદ્ધવિરામ તો જાહેર થયો, પણ પુરાણા દુશ્મનો વચ્ચેની આ શાંતિ કામચલાઉ હતી. બન્ને દેશો વચ્ચેના યુદ્ધવિરામ કરાર લેખિત નહોતા. બન્ને દેશો વચ્ચે ગમેત્યારે લશ્કરી સંઘર્ષ ફાટી નીકળવાનો ખતરો મંડરાતો હતો. કોઇ પણ સમયે જ્વાળામુખી ભભૂકી ઉઠે તેવો ભારેલા અગ્નિ જેવો માહોલ પ્રવર્તતો હતો.
પરંતુ આજની સ્થિતિ શું છે? સાઉથ કોરિયા મજબૂત અર્થતંત્ર અને વિકાસના પંથે હરણફાળ ભરી રહેલા વિશ્વના ટોચના ૧૦ દેશોની યાદીમાં સ્થાન ધરાવે છે. નક્કર પ્રગતિ હાંસલ કરનાર આ દેશ લોકતંત્રને વરેલો છે. જ્યારે સહોદર દેશ નોર્થ કોરિયામાં સામ્યવાદના ઓઠા તળે લગભગ સરમુખત્યારશાહી શાસન છે. ઉન પરિવાર એકહથ્થુ શાસનધૂરા સંભાળી રહ્યો છે. માથાદીઠ આવકથી માંડીને વિવિધ માળખાગત સુવિધાઓ અને પ્રજાની સુખાકારીમાં સાઉથ કોરિયા કરતાં જોજનો પાછળ છે.
વર્તમાન શાસક કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ-ઇલે બીજા વિશ્વ યુદ્ધ બાદ નોર્થ કોરિયામાં સત્તાના સૂત્રો સંભાળ્યા હતા, અને ત્યારથી આજ સુધી યેનકેન પ્રકારેણ આ જ પરિવારના હાથમાં સત્તા છે. અણુશસ્ત્રોથી માંડીને હજારો માઇલ દૂર જઇને ત્રાટકે તેવા લાંબા અંતરના મિસાઇલ જેવા સામૂહિક માનવસંહારના શસ્ત્રાસ્ત્ર વિકસાવીને એવી શક્તિ હાંસલ કરી કે દુનિયામાં હલચલ મચાવી દીધી. માત્ર પડોશી દેશ સાઉથ કોરિયા જ નહીં, જાપાન, ઓસ્ટ્રેલિયા, દૂર પૂર્વના એશિયાઇ દેશોથી માંડીને અમેરિકાને પણ આંબી શકે તેવા મિસાઇલોના પરીક્ષણથી દુનિયા પર ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો સર્જાયો હતો. નોર્થ કોરિયાનો વડો કિમ જોંગ ઉન કોઇને ગાંઠતો નહોતો.
પરંતુ કહેવાય છે ને કે કાંટો કાઢવા માટે કાંટો જ જોઇએ, લોઢું જ લોઢાને કાપે. કંઇક આવો જ તાલ નોર્થ કોરિયાના નિરંકુશ તાનાશાહ ઉન માટે થયો છે. આમ અમેરિકન નાગરિકથી માંડીને દુનિયાભરના શાસકોમાં આખાબોલા શાસક તરીકે જાણીતા ડોનાલ્ડ ટ્રમ્પે ઉનને નાથવા કમર કસી, અને હવે તેના પરિણામ જોવા મળી રહ્યા છે.
ટ્રમ્પ ભલે લોકશાહી શાસનપ્રણાલિ ધરાવતા રાષ્ટ્રના પ્રમુખ હોય, પરંતુ બેધારી તલવાર જેવું માનસ ધરાવે છે. આથી જ કેટલાક લોકો તેમને ભયજનક માનસિકતા ધરાવતા નેતા ગણાવે છે. કેટલાક તેમને ‘મેડ’ ગણાવે છે તો ઘણાને મન ટ્રમ્પ ધુની, તરંગી છે.
ટ્રમ્પનો સ્પષ્ટ અને આક્રમક અભિગમ, એક ઘા ને બે કટકા કરે તેવો આખાબોલો સ્વભાવ, કંઇક અંશે અભિમાની લાગે તેવી બોડી લેન્ગવેજ... આ બધા પરિબળોએના સરવાળાએ અમેરિકાના આ પ્રમુખની - તેમના તમામ પુરોગામીઓ કરતાં - કંઇક અલગ ઇમેજ ઉભી કરી છે. પરંતુ કોઇએ એ ન ભૂલવું જોઇએ કે (સંભવતઃ) ટ્રમ્પના આવા આક્રમક, બેબાક અભિગમે જ આક્રમણખોર કિમ જોંગ ઉનને કૂણો પાડ્યો છે. કિમ જોંગ ઉન આખી દુનિયાને શીંગડા ભરાવતો હતો. તેના આવા અભિગમથી વિશ્વ પર ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો મંડરાયો હતો, પણ હવે આ જ ઉન શાંતિ, અણુનિઃશસ્ત્રીકરણની સૂફિયાણી વાતો કરવા લાગ્યો છે. છ મહિના પહેલાની જ વાત લો ને... નોર્થ કોરિયાના આ તાનાશાહે પડોશી દેશ સાઉથ કોરિયા અને અમેરિકાને અણુશસ્ત્રો ઝીંકીને ભસ્મીભૂત કરી નાખવાની વાત કરી હતી તો ટ્રમ્પે તેને પાગલ રોકેટમેન ગણાવ્યો હતો. હવે આ બધી વાતો ભૂતકાળ બની ગઇ છે. પરંતુ ઉન કૂણાં કેમ પડી ગયા?
ગયા માર્ચની જ વાત છે. અમેરિકાએ તેની ટોચની ગુપ્તચર એજન્સી સીઆઇએના ડાયરેક્ટર માઇક પોમ્પિયોને કિમ જોંગ ઉનને મળવા નોર્થ કોરિયા મોકલ્યા હતા. નોર્થ કોરિયાની આ ગુપ્ત મુલાકાત દરમિયાન પોમ્પિયોએ નોર્થ કોરિયાના શાસક ઉન સહિતની નેતાગીરીને સાનમાં સમજાવ્યું હતું કે બસ, હવે બહુ થયું... લાંબી અંતરના મિસાઇલ, અણુશસ્ત્રો વિકસાવવાનું બંધ કરો, નહીં તો માઠા પરિણામ ભોગવવા તૈયાર થઇ જાવ. અમારા પ્રમુખ ટ્રમ્પે તમારી આવી વિધ્વંસક પ્રવૃત્તિઓ અટકાવવા માટે અમને (સીઆઇએ અને યુએસ આર્મીને) છૂટો દોર આપ્યો છે.
પ્રમુખ કિમ જોંગ ઉનસાથેની વાતચીતમાં ૧૯૭૨થી ૧૯૭૯ દરમિયાન અમેરિકા-ચીન વચ્ચે સધાયેલી સમજૂતીનો ઉલ્લેખ પણ કર્યો. નોર્થ કોરિયાને સમજાવ્યું કે વિશ્વમાં શાંતિ જાળવવા માટે જરૂરી તમામ આવશ્યક પગલાંઓ લેવાના મુદ્દે ચીન પણ સંમત થયું છે. (મતલબ કે જે ચીનના ખીલાના જોરે કૂદે છે તેને ચીન પણ સાથ આપવાનું નથી.)
અમેરિકાએ દંડો પછાડ્યો ને તાનાશાહ કિમ-જોંગ-ઉન સાનમાં સમજી ગયા. વાર્યા ન વળે તે હાર્યા વળે એવું કહેવતમાં ભલે કહેવાયું હોય, પરંતુ જો વાણી સાથે વર્તનનો યોગ્ય સમન્વય સાધવામાં આવે તો ગમેતેવા માથાફરેલાને પણ નાથી શકાય છે તે નોર્થ કોરિયાના કિસ્સામાં જોઇ શકાય છે.
છેલ્લા પાટલે બેઠેલા કિમ જોંગ ઉનને સમજાઇ ગયું કે દુનિયા સામે પડવામાં નહીં, દુનિયા સાથે રહેવામાં જ હિત છે. ભાઇ, જાનીદુશ્મન એવા પડોશી દેશ - સાઉથ કોરિયાની મુલાકાતે પણ જઇ આવ્યા અને શાંતિમંત્રનો ‘પાઠ’ પણ કરી આવ્યા. દસકાઓ જૂની દુશ્મનાવટ અને વેરઝેર ભૂલીને વિકાસ માટે સહયોગ સાધવા તેણે સાઉથ કોરિયાને હાકલ કરી છે. અણુશસ્ત્રોનું ઉત્પાદન કરતા પ્લાન્ટ - આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની નજર સામે - તોડી નાખવાની જાહેરાત કરી છે.
કિમ જોંગ ઉનનો આ બદલાયેલો અભિગમ દર્શાવે છે કે અમેરિકાએ હોટ એન્ડ કોલ્ડની નીતિનો અસરકારક અમલ કરી જાણ્યો છે. તેણે નોર્થ કોરિયાને ધમકી પણ આપી, અને સાથોસાથ એ પણ સમજાવ્યું કે જો તે અકડું, આક્રમક અને ઘમંડી અભિગમ છોડશે તો તેની સ્વાયત્તતા અને સુરક્ષાનું જતન તો થશે જ સાથોસાથ આર્થિક સહયોગ સાધવાનો માર્ગ પણ મોકળો બનશે.
હવે આગામી ૧૨ જૂને ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે સિંગાપોરમાં પહેલી દ્વિપક્ષીય બેઠક યોજાશે. એકબીજા સામે જે પ્રકારે તુંતું-મૈંમૈં થઇ હતી તે જોતાં બન્ને નેતાઓની મુલાકાત થવાના કોઇ અણસાર નહોતા, અને હવે મિટિંગનો એજન્ડા નક્કી થઇ રહ્યો છે. આનું નામ જ રાજનીતિ!
અલબત્ત, કિમ જોંગ ઉન સાથેની આ મુલાકાત પૂર્વે અમેરિકાએ સાઉથ કોરિયા, જાપાન, બ્રિટન, ભારત સહિતના રાષ્ટ્રોને વિશ્વાસમાં લેવા પડશે અને તે કામ શરૂ પણ થઇ ગયું છે. સીઆઇએના વડાની નોર્થ કોરિયાની ગુપ્ત મુલાકાતના પગલે વૈશ્વિક તખતે અનેક રાજદ્વારી સમીકરણો રચાઇ રહ્યા છે, જેની ચર્ચા હવે પછી આગામી અંકોમાં...
(ક્રમશઃ)