વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણે એક યા બીજા સમયે અખબારમાં પારિવારિક વિખવાદના નાના-મોટા સમાચાર વાંચતા રહીએ છીએ. પરંતુ જ્યારે આ વાત સાધનસંપન્ન કે સમાજના મોભાદાર બિઝનેસ ફેમિલી સાથે સંકળાયેલી હોય છે ત્યારે કિસ્સો ચર્ચાના ચોતરે ચઢતો હોય છે. અલબત્ત, બ્રિટનમાં તો આવા કિસ્સા જવલ્લે જ જોવા મળે છે, પણ ભારતમાં એક યા બીજા સમયે આવા પારિવારિક વિખવાદ અખબારોમાં ચમકતા રહે છે.
આજથી 50 વર્ષ પહેલાં ભારતમાં કામાણી પરિવારના વિખવાદનો મામલો બહુ ચર્ચાસ્પદ બન્યો હતો. કામાણી બ્રધર્સના ભાઇઓમાં વિખવાદ, ભાગીદારોમાં ઝગડા થયા, કોર્ટે ચઢ્યા વગેરે વગેરે.
લગભગ આ જ અરસામાં વેપારઉદ્યોગમાં મોભાદાર સ્થાન ધરાવતા મફતલાલ ગગનભાઇ પરિવારનો ઝઘડો પણ અખબારોમાં બહુ ચમક્યો હતો. રોજેરોજ કંઇને કંઇ અહેવાલો છપાતા રહેતા હતા.
સમાચાર પત્રો પણ આવા સમાચારોને વિશેષ પ્રાધાન્ય આપતા હોય છે. અને મિત્રો, સમાચાર પત્રોની વાત કહી રહ્યો છું તો હું પણ આ જ પંગતમાં બેઠેલો પત્રકાર છું. પછી ભલે તંત્રી કે પ્રકાશકના છોગા હોય. સાચી વાત તો એ છે કે સમાચારપત્રોનું કામ હોય છે સમાજને આરસી બતાવવાનું. તો ઘણા આમાં વ્યવસાયની તક પણ શોધતા હોય છે.
કામાણી બ્રધર્સનો વિખવાદ અખબારોમાં છવાયો હતો તે વેળાની એક ઘટના મને યાદ આવે છે. વાત એવી છે કે અમેરિકન લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં આપણા સમાજના એક ભાઇ ઊંચા હોદ્દે કામ કરતા હતા. નામ રમણિકભાઇ કક્કડ. ખૂબ કાર્યદક્ષ અને સિદ્ધાંતપ્રિય.
રમણિકભાઇએ મને વાત કરી કે યુકેમાં મોટી નામના ધરાવતા એક મોટા એકાઉન્ટન્ટને ઇંડિયા જવામાં રસ છે. તેમને લવાદના ક્ષેત્રે કાર્યક્ષેત્ર વિકસાવવું છે. તેઓ ઇંડિયા ગયા પણ ખરા. મારી પાસેથી બે-ચાર સરનામાં પણ લઇ ગયા અને અભ્યાસ કરીને પોતે એક્સપર્ટ પણ બન્યા. અને ફેમિલિ વેલ્થ ક્રિએશન અને ડિસ્પ્યુટ ઉપર અભ્યાસપૂર્ણ પુસ્તક પણ લખ્યું. સમયના વહેવા સાથે લવાદ બન્યા અને કોથળાબંધ કમાયા. સદભાગ્યે તેઓ કાતરનું કામ કરવાના બદલે સોયનું કામ વધુ કરતા હતા.
વિખવાદના આવા સમાચાર જાણીએ ત્યારે એક આમ આદમી તરીકે આપણને દુઃખ થાય કે માળું જૂઓ તો ખાધેપીધે સુખી છે - સાધનસંપન્ન છે, છતાંય મનમેળ રાખીને શાંતિથી સાથે રહી શકતા નથી...
પ્રકાશન ઉદ્યોગ સાથે સંકળાયેલો હોવાથી મને બ્રિટનના, પૂર્વ આફ્રિકાના અને ભારતના વેપાર-ઉદ્યોગ સાથે આપણા સાહસિકો બાબતમાં સારા પ્રમાણમાં - પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે - જાતભાતની માહિતી મળતી રહે છે. આ માહિતીના આધારે હું એટલું તો પ્રમાણિકપણે કહી શકું કે કોઇ પણ પરિવારની પેઢી - પછી તે નાની હોય કે મોટી - તેની શુભ શરૂઆત એક સામાન્ય સહયોગ સાથે થતી હોય છે. ચાલો, આપણે બ્રિટનમાં - લંડનમાં આગવી નામના ધરાવતા પાઠક સ્પાઇસીસની વાત કરીએ.
લખુભાઇ પાઠક નોર્થ લંડનમાં કેન્ટીસટાઉનમાં રહેતા હતા. 60ના દસકામાં તેઓ પૂર્વ આફ્રિકાથી લંડન આવીને વસ્યા હતા. આપણા સહુની જેમ જ તેઓ પણ સામાન્ય કામે લાગ્યા હતા. આર્થિક સંઘર્ષના આ દિવસોમાં પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. ઘર નજીકની એક ગ્રીકની ફૂડ શોપ જોઇને તેમના પત્ની શાંતાબહેનને વિચાર આવ્યો કે સમોસા બનાવીને વેચીએ તો? ટાઇમ પણ નીકળે ને ઘરેબેઠાં બે પૈસાની આવકેય થાય. તેમણે લખુભાઇને કહ્યું કે પે’લા ગ્રીકની ખાવાપીવાની શોપ છે તો તેને જઇને પૂછોને જો આપણા સમોસા વેચવા તૈયાર થાય તો... આપણે તેને સેલ પર કમિશન આપીશું. અને શાંતાબહેન-લખુભાઇનું આ વિચારબીજ સમયના વહેવા સાથે યુરોપભરમાં પિકલ-સ્પાઇસીસનો લાખો પાઉન્ડનો વ્યવસાય બનીને પાંગર્યું. પાઠક પરિવારે માત્ર કમાણી કરી છે એવું નથી, નાના-મોટા સત્કાર્યોમાં સંગીન અનુદાન પણ આપ્યું છે.
વાચક મિત્રો, કહેવાનું તાત્પર્ય એટલું છે કે સાહસે વરે લક્ષ્મી. પરંતુ આ જ લક્ષ્મીજી પારા કરતાં પણ વધુ ચંચળ પણ છે તે કોણ નથી જાણતું?! અરે લક્ષ્મી જ શા માટે, રિદ્ધિ-સિદ્ધિ, સફળતા, સમૃદ્ધિ, કીર્તિ હોય કે આબરૂ-પ્રતિષ્ઠા હોય... આ બધા ‘દેવીઓ’ પણ ચંચળ જ હોય છે. જ્યારે તેમને લાગે છે કે પરિવારમાં તેમનો અનાદર થઇ રહ્યો છે, તેમની પવિત્રતા જળવાતી નથી, તેમના નામે અપકૃત્ય થઇ રહ્યા છે, આચાર-વિચાર-વાણી-વર્તનમાં માનમર્યાદા-ઉદારતા-નમ્રતાનો લોપ થઇ રહ્યો છે ને લોભ-લાલચ-અહં-અસંતોષ-ઇર્ષ્યાનું જોર વધી રહ્યું છે ત્યારે આ બધી ‘દેવીઓ’ એક પછી એક વિદાય લેવાનું શરૂ કરે છે અને વિવાદ-વિખવાદનો વારસો આપતાં જાય છે. સાહ્યબી જાય પણ સંતાન મૂકતા જાય.
જીવનમાં સંપાદન કરવું સહેલુ છે, પ્રમાણમાં... પરંતુ સાવ સરળ પણ નથી. સંઘરવું, જીરવવું, વાપરવું અને વાવવું - એક અલગ પ્રકારની યોગ્યતા કહો કે ક્વોલિટી માગી લે છે. જ્યારે પરિવાર (માતાપિતા - ભાઇબહેન આદિ...) સાથે મળીને શરૂઆત કરે છે ત્યારે તે બહુ નાનાપાયે હોય છે, જે જાતમહેનત - સૂઝબૂઝ - કૌશલ્યથી નિખરે છે. ચીનના ક્રાંતિકારી માઓ ત્સે તુંગે યોગ્ય જ કહ્યું છેને... લોન્ગેસ્ટ લાઇન્સ સ્ટાર્ટ્સ વીથ એ ડોટ.... લાંબી રેખાની શરૂઆત એક ટપકાંથી થતી હોય છે. ભારત હોય - બ્રિટન હોય કે વિશ્વનો અન્ય કોઇ પણ દેશ, મસમોટી કંપનીઓના ઇતિહાસ પર નજર ફેરવશો તો જણાશે કે તેની શરૂઆત તો નાના પાયે થઇ છે, પણ દૂરંદેશીભર્યું નેતૃત્વ, અનેકનો પુરુષાર્થ તથા સહયોગ અને સમજદારીભર્યો અભિગમ તેને પ્રગતિના પંથે દોરી જતો હોય છે. પ...ણ પછી જ્યારે સાચાખોટા કારણસર સંપ કુસંપ થાય છે ત્યારે સુખ જાય છે - સંપત્તિ જાય છે અને શાખ પણ ગુમાવવાનો વારો આવે છે. ઝઘડો-ટંટો-વિખવાદ થાય છે ત્યારે છાપાવાળાઓ તેને છાપે ચઢાવવા તૈયાર જ હોય છે. પે’લાની દાઢી બળતી હોય ને બીજાને તાપણું. તે આનું નામ.
જે જોડતું તે તોડતું અને તોડતું તે સાધતું પણ... કંઇક આવી કવિતા હતી ને? જીવનમાં આવું પણ બનતું હોય છે. એક જમાનામાં દેશવિદેશના અખબારી માધ્યમોમાં અંબાણી બંધુઓ - મોટાભાઇ મુકેશ અને નાનાભાઇ અનિલ વચ્ચે ધંધાદારી વિખવાદની સમાચાર બહુ ચમક્યા હતા. રિલાયન્સ ગ્રૂપના સ્વપ્નદૃષ્ટા આદરણીય ધીરુભાઇ પોતાના વિલ-વસિયત વગર ધામમાં ગયા હતા. પરંતુ પરિવારના મોભી કોકિલાબહેનની સૂઝ-સમજદારી અને સદગુણોના પ્રભાવે આજે સહુ એક જ છત નીચે રહે છે. વ્યવસાય મામલે મતભેદ થયા છે, પણ મનભેદ થયો નથી. આજે વિશ્વની સૌથી મૂલ્યવાન ઇમારતોની યાદીમાં સ્થાન ધરાવતા ‘એન્ટિલિયા’માં સ્ટાફ સહિત 600 જણ રહે છે, કેટલીય ગાડીઓના પાર્કિંગની સગવડ છે, અને મુકેશભાઇ - અનિલભાઇ તથા કોકિલાબહેન પણ સપરિવાર ત્યાં જ રહે છે.
એક જમાનામાં આ અનિલભાઇએ એક વખત મોટાભાઇ મુકેશભાઇ સામે બાંયો ચઢાવીને કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, પરંતુ અનિલભાઇ પુષ્કળ તકલીફમાં આવ્યા ત્યારે આ જ આ જ મુકેશભાઇએ લગભગ 600 કરોડ ચૂકવી દીધા હતા. અહીંના અખબારોમાં - ખાસ તો પશ્ચિમના અખબારોમાં - બન્ને ભાઇના વિખવાદ-ઝઘડાના સમાચારો તો ચમકતા રહે છે, પણ આવા યાદગાર સહયોગ - સહકારની વાતો છપાતી હોવાનું ઓછુ આવે છે.
મને એક વાત એ પણ જાણવા મળી છે કે મુકેશભાઇનો નાના દીકરો અનંત બહુ જ સંવેદનશીલ છે. તેને ભાઇભાંડુઓ સાથે મજબૂત નેહનાતો છે. તાજેતરમાં જામનગરના આંગણે યોજાયેલા તેના ભવ્યાતિભવ્ય લગ્નપ્રસંગની તસવીર પર નજર ફેરવશો તો જણાશે કે ભાઇ અનંતને તેના સગા ભાઇબહેન આકાશ અને ઇશા માટે જેટલો લગાવ છે એટલો જ સ્નેહ પિતરાઇ ભાઇ અનમોલ માટે પણ છે.
સમય સમય બલવાન હૈ... એક સમયે તેજતર્રાર ઉદ્યોગપતિ ગણાતા અનિલભાઇના સાહસો સફળ ન થયા, અને મુકેશભાઇના સાહસો પૂરજોશમાં ચાલે છે. છતાં ધીરુભાઇના પ્રપૌત્રો વચ્ચે મજબૂત સ્નેહ જળવાયો છે. આવા સમાચારનો એક અર્થ એ થયો કે ડાંગે માર્યા પાણી છૂટા ના પડે. સંબંધ લોહીનો હોય, મિત્રતાનો હોય, ભાગીદારીનો હોય, ક્ષણિક ઉશ્કેરાટના લીધે મામલો કોર્ટ-કચેરીમાં પહોંચ્યો હોય તો ય તેનો મતલબ એ નથી કે બધું ખલાસ. માનવસ્વભાવમાં સારપ પણ છે, સારા વિચારોની આપલેનો સંબંધ માનવમાત્રની ગ્રંથીમાં છે, અને છેવટે સહુ સારાવાના થાય તેવો એક બીજો પણ કિસ્સો મને વિગતવાર જાણવા મળ્યો છે.
મુંબઇ એટલે મહાનગર. કંઇકેટલીય મોટી મોટી પેઢી આ મહાનગરમાંથી શરૂ થઇ છે, અને પછી તેણે દેશવિદેશમાં વેપારવણજની પાંખો ફેલાવી છે. મુંબઇ ગુજરાતમાં નથી, પણ મુંબઇના વિકાસમાં ગુજરાતીઓનો સંગીન ફાળો છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. મુંબઇ અને મહારાષ્ટ્ર પણ વિકસ્યા છે ભારતના સૌથી સમૃદ્ધ રાજ્ય તરીકે.
વીસમી સદીની શરૂઆતમાં મધ્ય ગુજરાતમાંથી મુંબઇ જઇને એક સાહસિકે શરૂઆતમાં નાના પાયે શરૂઆત કરી. હૈયાસૂઝ અને પૈસા ને પાસે લાવે તેમ કરતાં કરતાં મસમોટો મેટલ અને એન્જિનિયરીંગ ઉદ્યોગ સ્થાપ્યો. એમના એક પત્ની કાં તો બીમાર હતા કે ગુજરી ગયા હતા. બીજા લગ્ન કર્યા હતા. બન્ને લગ્નજીવનથી એક - એક દીકરા હતા. કાળક્રમે ધંધો વિકસ્યો. તેમણે ગુજરાતમાં પણ મોટા પાયે ઉદ્યોગો સ્થાપ્યા. સાવકાભાઇઓ વચ્ચે સ્પર્ધા હતી, પણ સદભાગ્યે થોડીક મર્યાદા પણ હતી. ઉદ્યોગોના ભાગલાં કર્યા, વચ્ચે દિવાલ પણ કરી, પરંતુ તેમણે કોર્ટમાં જવાનું ટાળ્યું. બધું ઠીકઠાક ચાલતું હતું. પણ સમય બદલાયો. તેમના પરિવારો - દીકરાઓ દીકરીઓ વચ્ચે મનમેળ વધ્યો તેમણે એવું સરસ એક આવકારદાયક પગલું ભર્યું છે કે ફરી વેપાર-ધંધામાં બધા ભેગા, પરિવારમાં વિખવાદ નહીં, દિવાલ હતી તે પણ તોડી નાંખી. આવા તો કેટલાય કિસ્સા હું જાણું છું.
ભારતીય સંસ્કારમાં આપણા સનાતી વારસામાં, આપણે નાતજાત બાજુમાં રાખીએ, પણ આપણામાં જે ખાનદાની છે, લોહીના સગા હોય કે મિત્રતા હોય, ભાગીદારો છૂટા પણ પડી શકે છે અને સદભાગ્યે તેમના સંતાનો કે ગ્રાન્ડ ચિલ્ડ્રન પાછાં ભેગાં પણ થઇ શકે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે ડાંગે માર્યા પાણી છૂટાં ના પડે...
દુબઇના આંગણે વૈશ્વિક લોહાણા બિઝનેસ સમિટ
દુનિયામાં (ભારતીય) લોહાણાની વસ્તી આશરે સાતથી આઠ લાખની કહેવાય છે, પણ તેમની સિદ્ધિ-સફળતા જૂઓ તો આંખો
ચાર થઇ જાય. સંખ્યા ભલે અલ્પ જણાતી હોય, પણ યહૂદીઓની જેમ જ (પ્રમાણમાં વધુ) પોતાના શક્તિ-સામર્થ્યના જોરે આગવું સ્થાન મેળવ્યું છે.
સમાજમાં આસપાસ નજર કરશો તો જણાશે કે લોહાણા શ્રેષ્ઠીઓએ માત્ર પોતાની જ્ઞાતિ માટે જ નહીં, સમાજના અન્ય વર્ગોના કલ્યાણની પણ ખેવના કરી છે. સમાજનો સાદ પડ્યો હોય કે સનાતન ધર્મની સેવાનો અવસર હોય... તન-મન-ધનથી યોગદાન આપવામાં તેમણે ક્યારેય પાછી પાની કરી નથી. આપણે એમ પણ કહી શકીએ કે રઘુવંશી હોવાની - ભગવાન શ્રીરામના વંશજ હોવાની - ઓળખ તેમણે દીપાવી જાણી છે.
લોહાણા મૂળે સૌરાષ્ટ્રના. પોરબંદર - જામનગર - રાજકોટના લોહાણા કાળક્રમે મુંબઇ અને ભારતના અન્ય શહેરોમાં મોટી સંખ્યામાં જઇ વસ્યા છે અને વેપારઉદ્યોગ-વ્યવસાય સહિત અનેક ક્ષેત્રે ખૂબ સિદ્ધિને વરેલા છે. દુનિયામાં લોહાણાની બીજા ક્રમે સૌથી વધુ વસ્તી બ્રિટનમાં વસે છે. આંકડો માંડવો હોય તો કહી શકાય કે આશરે 40થી 50 હજાર. આ જ્ઞાતિ સાથે તેના મોવડીઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલો છું. આ સમાજમાં ઘણાં મિત્રો છે, શુભેચ્છો છે, સમર્થકો છે, અને આ વાતનો આનંદ પણ છે, અને ગૌરવ પણ છે. લગભગ 83-84ની સાલમાં ગુજરાત વિધાનસભામાં સ્પીકર તરીકે જવાબદારી સંભાળતા મુ.શ્રી શશીકાન્તભાઇ લાખાણી લંડનના પ્રવાસે આવ્યા હતા અને ‘ગુજરાત સમાચાર’ના ઉપક્રમે આપણા સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેમનો કર્મયોગ હાઉસમાં સન્માન સમારંભ પણ યોજાયો હતો.
પિતાના પગલે ચાલીને દીકરા યોગેશભાઇ પણ લોહાણા સમાજની ઉન્નતિમાં આગવું યોગદાન આપી રહ્યા છે.
તેમનું પણ સન્માન યોજવાનો અવસર અને સાંપડ્યો હતો. લોહાણા સમાજ એક તાંતણે બાંધવાનું શ્રેય શ્રી લોહાણા મહાપરિષદને આપવું રહ્યું. આ સંસ્થા જ્ઞાતિજનોની માત્ર સામાજિક જ નહીં, સર્વગ્રાહી ઉન્નતિ માટે સક્રિય જોવા મળે છે. તેના પ્રથમ પ્રમુખ તરીકે શેઠશ્રી નાનજી કાળીદાસ મહેતા સાહેબ હતા. વિશ્વ લોહાણા પરિષદનું આવું જ અને આગવું યોગદાન એટલે ગ્લોબલ બિઝનેસ સમિટ. વેપારઉદ્યોગ સાથે જોડાયેલા સમાજના નાનામોટા સહુ કોઇને મિલન-મુલાકાતનો - નેટવર્કિંગનો એકસમાન અવસર મળી રહે તે માટે યોજાતો આ ઇવેન્ટ આવતા મહિને દુબઇના આંગણે યોજાઇ રહ્યો છે.
જ્ઞાતિના યુવા ઉદ્યોગસાહસિકોથી લઇને ઘડાયેલા બિઝનેસમેનને મિત્રતાનો મોકો આપતા - સમાજના દિગ્ગજો સાથે વિચારવિનિમય કરવાનો અવસર પૂરો પાડતા આ પ્રકારના આયોજન વેપાર-ઉદ્યોગને વિકસાવવામાં બહુ ઉપકારક બનતા હોય છે. એક સામાજિક સંગઠન પોતાના જ્ઞાતિજનોની આર્થિક ઉન્નતિ માટે પોતાના સમય-શક્તિ-સાધન-સ્રોતનો કઇ રીતે સુપેરે ઉપયોગ કરી શકે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. જ્યાં જ્યાં નેતાગીરી જાગ્રત હોય, અને પૂર્વઆયોજન હોય ત્યાં આવા કાર્યક્રમો થતા જ રહેશે, થવા જ જોઈએ, અન્ય જ્ઞાતિ સમાજોમાં.
જળ હૈ તો જીવન હૈ... ઠાલાં શબ્દો નહીં,
નક્કર આયોજન જરૂરી.... પાણી જોઈએ?
અત્યારે દેશ અને દુનિયામાં પાણીનો પ્રશ્ન વિકરાળ બની રહ્યો છે. આ સમસ્યા માટે તમે ક્લાયમેટ ચેન્જને જવાબદાર ગણો કે ગ્લોબલ વોર્મિંગને કારણભૂત ગણો કે પછી આ કાળમુખી સમસ્યા માટે કાળા માથાના માનવીની બેદરકારી કે બેવફાઇને જવાબદાર ગણાય, પણ સો વાતની એક વાત એ છે કે કુદરત તેનું રૌદ્ર સ્વરૂપ દર્શાવી રહી છે. અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ જેવી વિરોધાભાસી ઘટનાઓ બનતી આપણે જોઇ શકીએ છીએ. ભારત જેવા દેશ માટે આગામી વર્ષોમાં પાણીની સમસ્યા વધુ ગંભીર રૂપ ધારણ કરશે એમ કેટલાક નિષ્ણાતો માની રહ્યા છે.
વહી જતાં વરસાદી જળને સંગ્રહવા માટે / અટકાવવા માટે તમે નદીઓ પર બંધ બાંધો કે વિરાટકાય બંધ જોડાયેલી નહેરોનું નિર્માણ કરો એ કેવો કાયમી ઉકેલ છે એ તો સમય જ કહી શકે. હા, વૃક્ષોનું છેદન અટકાવીને તેનો વ્યાપ વધારવામાં આવે તો સંભવ છે કે ક્લાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ હળવી થતાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જળસ્ત્રોત વધુ સમૃદ્ધ બની શકે.
પાકિસ્તાનમાં 1934માં સક્કરબરાજના વિશાળકાય બંધનું નિર્માણ થયું અને સૂકાભઠ સિંધ ઉપરાંત પંજાબનો અમુક ભાગ કૃષિઉપજથી સમૃદ્ધ બન્યા. આવું જ ભારતના પંજાબમાં ભાંખરા નાંગલ બંધના પરિદૃશ્ય બદલાયું. બંધના નિર્માણ સાથે જ ખેતરોમાં બારેમાસ હરિયાળી લહેરાતી થઇ. આજે રાજ્ય ખેતપેદાશના મામલે ભારતમાં મોખરાનું રાજ્ય બન્યું છે. કુદરતી સ્ત્રોતોને તમે અમુક હદ સુધી જ નાથી શકો. તેથી વધુ નહીં. ભારતની સરખામણીએ પાકિસ્તાનમાં પાણીની સમસ્યા કંઇક વધુ ઝડપે પંજો પ્રસારી રહી છે. ભારતે સમય રહ્યે આમાંથી ધડો લેવો રહ્યો. જો આમ ના થયું તો દેશભરમાં ગંભીર જળકટોકટીના દિવસો દૂર નથી.
પ્રશ્ન પાણીનો છે, અને ખરેખર ગંભીર છે. જોકે તેની ગંભીરતા સમજવા માટે કે તેના ઉકેલ માટે સંબંધિત સત્તાધીશોમાં કેટલું પાણી છે તેના પર બધો મદાર છે. (ક્રમશઃ)