વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુને મારા - અમારા નવા વર્ષના સાલ મુબારક... આ લેખનું શીર્ષક વાંચીને કેટલાકને સ્વાતંત્ર્ય સંગ્રામ યાદ આવશે. કેટલાકને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની કલમે રચાયેલી જગવિખ્યાત રચના ‘એકલો જાને...’ યાદ આવશે. આપ સહુ આ અંકમાં પાન નં. ૧૬ ઉપર આ આખી રચના વાંચી શકશો. કવિવરની આ બંગાળી રચનાનો મહાદેવભાઇ દેસાઈએ ગુજરાતીમાં એવો સુંદર શબ્દદેહ કંડાર્યો છે કે જાણે અસલ રચના જોઇ લો...
પરંતુ ક્રિસમસ - ન્યૂ યરની ઉમંગ-ઉલ્લાસની ઉજવણીના, સ્વજનોના સંગે-રંગે મોજમજા માણવાના દિવસોમાં આ રચના ટાંકવાનું કારણ શું? મારું નમ્રપણે માનવું છે કે ‘એકલા ચાલવા’ની વાતમાં જરા વધુ ઊંડા ઉતરવાનો આ જ એકદમ યોગ્ય સમય છે.
ક્રિસમસ પર્વ ભલે ધાર્મિક ઉત્સવ ગણાતો હોય, પરંતુ આ દિવસો સગાંસ્વજનોને એકતાંતણે બાંધવાનું કામ પણ કરે છેને?! એક સપ્તાહની રજામાં બધાં ભેગા મળ્યા હોય અને ખાણીપીણીનો સિલસિલો ચાલતો હોય. આમાંથી ‘ખાણી’નું તો સમજ્યા, પણ ‘પીણી’ જરાક ચિંતાજનક બાબત ગણી શકાય. ઉત્સવના માહોલમાં, સ્વજનોનાં સંગાથમાં માપમાં રહીને પ્રસંગોપાત એકાદ પેગ ઠપકારાય ત્યાં સુધી તો ખાસ વાંધો નથી, પરંતુ આ માદક પીણાની કુટેવ શરીરમાં કાયમ માટે ઘુસી જાય તો જીવતર ઝેર કરી નાંખે છે. ધીમે ધીમે તે તનને અને મનને ખોખલા કરી નાંખે છે. વાચક મિત્રો, આપને વર્ષોપહેલાં ભારતમાં આકાશવાણી રેડિયો પર આવતી એ જાહેરખબર કદાચ યાદ હશે જેમાં સૂત્રધાર દારૂના વ્યસન સામે ચેતવણી ઉચ્ચારતા ઘેરા અવાજે બોલતા સંભળાતો હતોઃ દારૂડિયો દારૂને શું પીવાનો હતો? દારૂ જ દારૂડિયાને પી જાય છે.
દારૂના વ્યસનીના જીવનમાં પણ ખરેખર આવું જ બનતું હોય છે. આ વ્યસન વ્યક્તિને પોતાનાં સગાંસ્વજનોથી અલગથલગ કરી નાખે છે. સમયાંતરે વ્યક્તિ આલ્કોહોલ ડિપેન્ડન્ટ બની જાય છે. તેને ટાણે-કટાણે દારૂ પીવાની તલપ જાગે છે. સવાર, પછી બપોર, પછી રાત - સિલસિલો લગાતાર ચાલતો રહે છે. તનના ગાત્રો શિથિલ પડતા જાય છે અને મનને નિરાશા, હતાશા, અમૂંઝણ ભરડો
લેતા રહે છે. દિવસ ઊગતાં જ વ્યક્તિના હાથ બોટલ-ગ્લાસ પકડી લે છે.
આજકાલ તો નાજુક-નમણી માનુનીઓ પણ - પુરુષોની વાદે વાદે, પુરુષ સમોવડા દેખાવાની લાયમાં - હાથમાં દારૂના ગ્લાસ ઉઠાવતી થઇ ગઇ છે, પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે આ જ દારૂએ કેટલાયના જીવન તબાહ કરી નાંખ્યા છે, ઘરસંસાર ભાંગ્યા છે. વ્યસનીઓને સંતાનથી વિમુખ થવું પડ્યું છે ને નોકરી-ધંધામાં પણ બરબાદી નોતરી છે.
મારા જ એક પરિચિત યુવકની વાત કરું. દારૂની બલાએ તેની કંઇક આવી જ હાલત કરી છે. તેનું જીવન ખરા અર્થમાં પીડાદાયક થઇ ગયું છે. ૪૦ વર્ષનો આ ફુટડો યુવાન રંગેચંગે દેખાવડો છે, શારીરિક બાંધો પણ હૃષ્ટપુષ્ટ અને સાચે જ બુદ્ધિશાળી ગણાય તેવી વિચારધારા. તેના દાખલા-દલીલ, તર્કબદ્ધ રજૂઆત કોઇને પણ પ્રભાવિત કરી દે તેવા. પરંતુ ક્યાં સુધી? ભાનમાં હોય ત્યાં સુધી. પેટમાં પેગ પડ્યો હોય ત્યારે તું કોણ? અને હું કોણ? આ યુવાન અકારણ-સકારણ દારૂનો બંધાણી બન્યો. દારૂ હોય એટલે તેની સાથે ગુટકા પણ હોય, સિગારેટની લત પણ વળગે. કોઇ એક નોકરીમાં લાંબો સમય ટકી શકાય નહીં એટલે વૈતરા જેવું કામ કરવું પડે. પત્નીએ થાકીહારીને આખરે છૂટાછેડા લીધા. સાથે સંતાનનો પણ સંગાથ છૂટ્યો. પત્નીએ તો ફરી લગ્ન કરીને ઘરસંસાર વસાવી લીધો, પણ આ યુવાન એકલવાયો થઇ ગયો. આ જણની હાલત કેવી હોય? આવી પીડા અનુભવી રહેલી વ્યક્તિ આખરે વ્યસનની ખીણમાં ઊંડાને ઊંડા ઉતરતી રહે છે. આમાંથી નીકળવાનો કોઇ માર્ગ ખરો? હા, આવા અત્યંત કરુણ સંજોગોમાં પણ અમુક માડીજાયા મજબૂત મનોબળ થકી જીવન રાહમાં પલટો લાવી શકે છે.
બ્રિટનમાં આજે નૂતન વર્ષના પ્રારંભે એક નવો સર્વે જાહેર થયો છે, જેના તારણમાં આંકડાઓ સાથે પુરવારમાં કરવામાં આવ્યું છે કે અંગતજીવનમાં મુશ્કેલીઓ હોય કે બ્રેક્ઝિટના કારણે પોતાના જીવન પર પડનારી આડઅસરની ચિંતા હોય, આશાવાદી માનસ ધરાવતી વ્યક્તિને આવા બધા પ્રશ્નો કે સમસ્યા સતાવતા નથી. કારણ? આવી વ્યક્તિઓનું મનોબળ મજબૂત હોય છે. મન હોય તો માળવે જવાય અને મન મક્કમ હોય તો દુઃખમય સ્થિતિને પણ સુખમય બનાવી શકાય છે તે આપણે સહુએ યાદ રાખવું રહ્યું.
નેશનલ હેલ્થ સર્વીસ (NHS)માં માનસિક સંતાપ કે પીડા અનુભવતી વ્યક્તિઓ માટે કાઉન્સેલર્સની સેવા ઉપલબ્ધ છે. આ નિષ્ણાતો વ્યક્તિ સાથે ચર્ચા કરીને, તેની સમસ્યા જાણી-સમજીને તેના મૂળ સુધી પહોંચે છે અને જે તે વ્યક્તિને પીડાના ઊંડા કૂવામાંથી બહાર કાઢવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે.
પરંતુ કોઇને કાઉન્સેલર્સ કે મનોચિકિત્સક સામે પોતાની અંગત વાત જાહેર કરવાનો સંકોચ થતો હોય તો? NHS દ્વારા આનો પણ ઉપાય શોધાયો છે. આજકાલ દુનિયાભરમાં એઆઇના ટૂંકાક્ષરી નામે જાણીતી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની બોલબાલા છે. NHS દ્વારા આ આધુનિક ટેક્નોલોજી આધારિત ચેટબોક્સ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં વ્યક્તિ ચેટીંગ થકી પોતાની મનોમૂંઝવણ રજૂ કરે છે અને ચેટબોક્સના સામેના છેડે રહેલા કાઉન્સેલર્સ તેને જરૂરી માર્ગદર્શન આપે છે. કમ્પ્યુટર સ્ક્રીન કે મોબાઇલના ચેટબોક્સ થકી જ વાત કરવાની હોય એટલે વ્યક્તિને પોતાની ઓળખ છતી થવાની ભીતિ રહેતી નથી અને તે મોકળા મને પોતાની રજૂઆત કરી શકે છે. ટૂંકમાં, NHS ઇચ્છે છે કે મનોમૂંઝવણ અનુભવતી વ્યક્તિ કોઇ પણ પ્રકારે ખુલીને વાત કરે જેથી તે એકલવાયાપણું મહેસૂસ ન કરે કે વ્યસનના માર્ગે ન વળી જાય અને તેને યોગ્ય માર્ગદર્શન આપીને મૂંઝવણમાંથી બહાર કાઢી શકાય.
વાચક મિત્રો, આ બધી વાત તો થઇ મનોમૂંઝવણમાંથી બહાર નીકળવાની, પરંતુ આપણે આ ઊંડી ગર્તામાં પડવું જ ન હોય તો? તેના પણ ઉપાય છે. થોડાક સપ્તાહ પૂર્વે આપ સહુએ આપણા સાથી પ્રકાશન Asian Voiceમાં ડો. રંગોન ચેટરજીનો એક લેખ વાંચ્યો હશે. આધુનિક જીવનશૈલીની દોડધામ વચ્ચે પણ કઇ રીતે સ્ટ્રેસફ્રી - તણાવમુક્ત જીવન જીવી શકાય તે વિશે ડોક્ટર સાહેબે ઊંડું સંશોધન કર્યું છે અને આ મુદ્દે ઘણુંબધું લખ્યું પણ છે. જીવનશૈલી સંબંધિત સમસ્યાઓના કારણ-નિવારણના ક્ષેત્રે આજે મોટા ગજાનું નામ ગણાતા ડો. રંગોન ચેટરજીનો સૌપ્રથમ પરિચય કરાવવાનું સદભાગ્ય Asian Voiceને સાંપડ્યું હતું તે અમારા પત્રકારોની સજ્જતા-ક્ષમતા દર્શાવે છે.
ડો. ચેટરજીનું કહેવું છે કે કોઇ પણ વ્યક્તિ રોજિંદી ખાણીપીણીમાં મામૂલી સુધારાવધારા કરીને જીવનશૈલીને - અને તેના પગલે મનોસ્થિતિને - તંદુરસ્ત બનાવી શકે છે. આપણી ભાષામાં ઉક્તિ છે જ ને - અન્ન તેવું મન. ડોક્ટર સાહેબ કહે છે કે પેટ સારું છે તેનું આરોગ્ય સારું છે અને જેનું આરોગ્ય સારું તેનું મનોબળ સારું. તેમણે એક વિગતવાર લેખમાં વ્યક્તિની ખાણીપીણી કેવી હોવી જોઇએ તે મુદ્દે કેટલાક સાદા નિયમો રજૂ કર્યા છે. તે વિશે અત્યંત સંક્ષિપ્તમાં કહું તો...
• દારૂનું સેવન વ્યક્તિને ક્રમે ક્રમે ભરખી જતું હોવાથી શક્ય હોય ત્યાં સુધી ટાળવું.
• દારૂ તો ટાળો જ, પરંતુ શક્ય હોય ત્યાં સુધી ફિઝી ડ્રીન્ક લેવાનું ટાળો. કોકા-કોલા કે સોડા જેવા કોલ્ડ ડ્રીન્ક ભલે નિર્દોષ ગણાતા હોય, પરંતુ સરવાળે તો તે પણ શરીર માટે નુકસાનકારક જ છે. ક્યારેક જીભનો ચટાકો સંતોષવા ફિઝી ડ્રીન્ક પી લો તે વાત અલગ છે, પણ વારંવાર તો બિલ્કુલ નહીં.
• ભોજનમાં વૈવિધ્યતા અપનાવો. તાજા શાકભાજી, ફળફળાદિ, કઠોળ વગેરે નિયમિત લો. રેસાયુક્ત આહાર અને દહીં (દૂધ ઓછું)ને વિશેષ પ્રાધાન્ય આપો.
• ફ્રૂટ જ્યુસ શરીર માટે સારો છે, પરંતુ એકદમ તાજો હોય તો જ. પેક્ડ જ્યુસ તો ટાળવો જ જોઇએ, કેમ કે તેને લાંબો સમય જાળવી રાખવા તેમાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરાયેલા હોય છે. ઘણી વખત તેમાં ખાંડ, કૃત્રિમ રંગ અને ફ્લેવર પણ ઉમેરાયેલા હોય છે. શક્ય હોય તો જ્યુસના બદલે ફ્રુટ ખાવ, આનાથી શરીરમાં ફાયબર જશે અને પાચનતંત્રને ફાયદો થશે.
• પેટને - હોજરીને ૨૪ કલાકમાં ઓછામાં ઓછા ૧૨ કલાક આરામ આપો. કઇ રીતે? સાંજે સાત વાગ્યે ડીનર લીધું તો પછી બીજા દિવસે સવારે સાત વાગ્યા સુધી બીજો કંઇ ખોરાક નહીં લેવાનો. ૧૨ કલાક સુધી હોજરીમાં બીજું કંઇ નહીં ઉમેરો તો અગાઉનું ખાધેલું એકદમ પચી જશે. આંતરડામાં ખોરાકનો ભરાવો પણ નહીં થાય. પેટ નરવું હશે તો આરોગ્ય સબળું રહેશે.
• બને ત્યાં સુધી ફ્રીઝમાં એક સપ્તાહથી વધુ સમય રાખેલાં પેક્ડ વેજિટેબલ્સ કે ફ્રુટનો વપરાશ ટાળો. આવા કપાયેલા શાકભાજી કે ફળફળાદિમાં સત્વ જેવું કંઇક હોતું જ નથી. માઈક્રોવેવ જેવાં સાધનો આરોગ્ય માટે હાનિકારક છે.
• જોગીંગ કે બ્રિસ્ક વોકીંગ (એકદમ ઝડપથી ચાલવું) કરવું કે નહીં એ વ્યક્તિગત પસંદગી પર નિર્ભર છે, પરંતુ દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં શારીરિક હલનચલન તો થવું જ જોઇએ. આ માટે તમે દિવસ દરમિયાન ૨૦થી ૩૦ મિનિટ ખુલ્લી હવામાં ચાલવાની ટેવ પાડો. ઓફિસ વર્ક હોય તો દર દોઢ-બે કલાકે ઉભા થઇને ચાલો.
• નિયમિત પૂરતી ઊંઘ લો. ઘણી માનસિક રાહત અનુભવશો. વ્યક્તિએ રોજના સાત-આઠ કલાક તો ઊંઘવું જ જોઇએ. પૂરતી ઊંઘ લેવાથી તમે અનેક માનસિક આધિ-વ્યાધિથી બચી શકો છો.
વાચક મિત્રો, આ બધું લખતાં લખતાં મને નિરપાલ ધાલીવાલ નો કિસ્સો યાદ આવે છે. તેઓ એક તબક્કે કેટલાય વિપરિત સંજોગો વચ્ચે ફસાઇ ગયા હતા. ૨૮ વર્ષની વયે તેમણે ઘરસંસાર માંડ્યો. પત્નીને એક વખત કસુવાવડ થઇ ગઇ. નાની-મોટી સારવાર પણ આવી. જિંદગીમાં એક પછી એક મુશ્કેલી આવતી ગઇ. થોડાક સમય બાદ લગ્નવિચ્છેદ થયો. ૧૧ વર્ષનું લગ્નજીવન તૂટ્યું હતું. કોઇ પણ વ્યક્તિ પડી ભાંગે, માનસિક રીતે ખતમ થઇ જાય, પણ તેઓ મજબૂત મનોબળને સહારે ટકી રહ્યા. દિવસોના વહેવા સાથે એક મહિલા સાથે મુલાકાત થઇ. પરિચય પ્રેમમાં પરિણમ્યો. નવેસરથી ઘરસંસાર વસાવ્યો. સંતાનની અત્યંત મહેચ્છા હોવા છતાં દંપતી આ સુખથી વંચિત જ રહ્યા. મજબૂત મનોબળ ધરાવતી ગમેતેવી વ્યક્તિ આટલી અડચણો સામે પડી ભાંગે, પરંતુ આ ભાઇસાહેબને જિંદગી સામે કોઇ ફરિયાદ નથી, કોઇ વાતે અફસોસ નથી. તેમણે પોતાનું જીવન વધુ સહેતુક બનાવ્યું. હકારાત્મક વિચારસરણી થકી સુખમય બનાવ્યું. તેમનું માનવું છે કે આપણું સુખ આપણા જ હાથમાં છે. દારૂની બોટલમાં ડૂબી જવાથી કે તેના જેવા બીજા કોઇ નશીલા વ્યસનના રવાડે ચડી જવાથી કંઇ જિંદગીની મુશ્કેલી દૂર થઇ જવાની નથી. મુશ્કેલી ગમેતેવડી મોટી હોય તેનો સામનો કરવામાં જ સાચી બહાદુરી છે.
મજબૂત મનોબળ થકી જ જીવનનો ઉદ્ધાર છે તે આપણે સહુએ પણ યાદ રાખવું રહ્યું. નૂતન વર્ષના પ્રારંભે મનોબળને મક્કમ બનાવવાનો સંકલ્પ કરીએ તો કેવું રહેશે?! (ક્રમશઃ)