વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગુજરાતી ભાષા સાથે કે પછી તળપદી ભાષા કે કહેવતો સાથે જરાક લગાવ ઓછો હોય તો પણ આ કોલમના મથાળામાં લખેલા શબ્દો વિશે વધુ કંઇ ફોડ પાડીને સમજાવવાની જરૂર નથી. ગુજરાતીમાત્રને ગળથૂંથીથી જ એક બાબતની ત્રેવડ પહેલેથી જ હોય છે એવું કેટલાય બિનગુજરાતીઓનું માનવું છે. ગુજરાતીના મનમાં બે સવાલ સદા ગુંજતા રહેવાનાઃ મારે શું? અને મારું શું?
હમણાં ગયા સપ્તાહે ભારતમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારામને વર્ષ 2025-26ના બજેટની ઘોષણા કરી. વિદેશના આર્થિક બાબતના નિષ્ણાંતોથી માંડીને ટોચના અર્થશાસ્ત્રીઓનું મહદ્ અંશે માનવું છે કે ભારતનું બજેટ રચનાત્મક અને વિકાલસક્ષી છે.
આપણે જ્યારે વિકાસની વાત કરીએ છીએ ત્યારે ભારતમાં, ખાસ તો કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન પદે શ્રી નરેન્દ્ર મોદી બિરાજ્યા છે ત્યારથી કંઇકેટલાય પાયાના સુધારા જોઇ શકાય છે. તેમાં પણ આપણે GST - ગુડ્ઝ એન્ડ સર્વીસીસ ટેક્સની વાત કરીએ. બજેટની વાત હોય એટલે તેમાં આવક પણ હોય, અને જાવક પણ. પણ આ બજેટના આંકડાકીય ચિત્ર પર નજર રજૂ કરશો તો માલુમ પડશે કે કરવેરા અને સવિશેષ તો આવક પરના વેરાની આવકમાં ઘટાડાનો અંદાજ રજૂ થયો છે.
આ જોતાં કોઇના પણ મનમાં સ્હેજેય એવો વિચાર ઝબકે કે તો પછી સરકારના ખર્ચા કેમના પૂરા થશે. વાચક મિત્રો, આપ સહુએ વીતેલા સપ્તાહના - ગુજરાત સમાચારના 8 ફેબ્રુઆરીના અંકમાં પાન 16 પર પ્રકાશિત થયેલા બજેટ અંગેનો
વિશેષ અહેવાલ વાંચ્યો હશે. આ રિપોર્ટ સાથે રજૂ થયેલા આંકડાઓ દર્શાવે છે કે GST પેટે થતી આવકનો આંક ઇન્કમ
ટેક્સના માધ્યમથી થતી આવકની સરખામણીએ થોડોક અમસ્તો જ ઓછો છે.
ભારત સરકારની તિજોરીમાં GST દર મહિને 2 લાખ કરોડ રૂપિયાના આળેગાળે આવક ઉમેરે છે. પ...ણ આ GST છે શું?! આપનામાંથી મોટા ભાગના લોકો જાણતા જ હશો કે GST એટલે ગુડ્સ એન્ડ સર્વીસીસ ટેક્સ, પણ રાહુલબાબા (અરે ભ’ઇ ગાંધી પરિવારના યુવરાજ..!) કહે છે ના, એવું નથી. GST એટલે તો ગબ્બર સિંહ ટેક્સ. GST એટલે સરકાર દ્વારા વેરાના નામે આમ આદમી પાસેથી - ડાકુ-લૂંટારુઓની જેમ - ચલાવાતી ઉઘાડી લૂંટ. GST દેશભરમાં લાગુ થયો તે પૂર્વે સંસદમાં થયેલી ચર્ચા વેળા રાહુલભાઇએ ગળું ફાડી ફાડીને કંઇક આવું કહેતા હતા કે GST નામનો આ ટેક્સ લાગુ થઇ ગયો તો તમે લૂંટાઇ જશો, તમારી આવકનો કચ્ચરઘાણ નીકળી જશે, મધ્યમ વર્ગને કમ્મરતોડ ફટકો પડશે વગેરે વગેરે. અર્થશાસ્ત્રની સાવ સીધીસાદી બાબતે પાકટ વયના (માત્ર દેખાવમાં જ સ્તો...) રાહુલભાઇને સમજાવવા બેસવું એ મને તો અયોગ્ય લાગે છે. તેઓ મોતીલાલ નેહરુના જે ધનાઢય ખાનદાનમાંથી આવે છે તે જોતાં તેમની પાસેથી મધ્યમ વર્ગની મુશ્કેલીઓની સમજવાની અપેક્ષા પણ અસ્થાને છે.
અલબત્ત, વિપક્ષી વિરોધના વંટોળ છતાં GST લાગુ થયે જ રહ્યો. વાચક મિત્રો, આપ સહુને જાણીને આનંદ અને ગૌરવ થશે કે આ GSTના સ્ટ્રક્ચરને આકાર આપવાથી લઇને 2016માં તેને સુચારુ ઢબે લાગુ કરવામાં આપણા ગુજરાતના ગાંધીનગરના વતની અને વરિષ્ઠ આઇએએસ અધિકારી હસમુખભાઇ અઢિયાનું મૂલ્યવાન યોગદાન છે. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નરેન્દ્રભાઇએ અઢિયાસાહેબના કાર્યકૌશલ્ય-સૂઝબૂઝને બહુ નજદીકથી નિહાળ્યા હતા. આથી જ વડાપ્રધાન તરીકે તેમણે દિલ્હીમાં કાર્યભાર સંભાળ્યો અને GSTને આકાર આપવાનું શરૂ થયું કે તરત હસમુખભાઇને ડેપ્યુટેશન પર દિલ્હી લઇ ગયા. અને પરિણામ આપણી સામે છે. આજે GST સરકારી તિજોરી માટે દૂઝણી ગાયસમાન સાબિત થયો છે અને તેની આવકમાં વર્ષોવર્ષ સતત વધારો થઇ રહ્યો છે. અઢિયાસાહેબ સક્રિય સરકારી સેવામાંથી ભલે નિવૃત્ત હોય, પણ ગુજરાત સરકારના સલાહકાર અને નરેન્દ્રભાઇના ડ્રીમ પ્રોજેક્ટ એવા ‘ગિફ્ટ સિટી’ના ચેરમેન તરીકે તો આજે પણ જવાબદારી સંભાળી રહ્યા છે.
ખેર, આપણે મૂળ વાત પર પાછા ફરીએ. આવકવેરો એ વ્યક્તિગત ટેક્સ છે. વ્યક્તિની જેવી અને જેટલી આવક તેવો અને તેટલો ટેક્સ ચૂકવવો પડે. જ્યારે GST ચીજવસ્તુઓ અને સેવાઓ પર લાગુ થતો ટેક્સ છે. એક પ્રકારે અહીં બ્રિટનમાં જોવા મળતા VAT - વેલ્યુ એડેડ ટેક્સ જેવો. વ્યક્તિ જે ચીજવસ્તુની ખરીદી કરે તેના પર લાગુ પડતો ટેક્સ. તેમાં પણ ખાધાખોરાકી કે જીવનજરૂરતની મૂળભૂત ચીજવસ્તુઓ આ ટેક્સ ના હોય કે પછી તેના પર નહીંવત્ ટેક્સ હોય. પણ જો તમે મોજશોખની કે આનંદપ્રમોદ માટેની લક્ઝુરિયસ ચીજવસ્તુ ખરીદો તો તેના પર સૌથી વધુ 20 ટકા VAT લાગુ પડતો હોય છે. અલગ અલગ ચીજવસ્તુઓ પર તેની ઉપયોગીતા, તેની જરૂરત વગેરે પાસાંને ધ્યાનમાં રાખીને અલગ અલગ સ્લેબમાં VAT વસૂલાતો હોય છે.
અર્થશાસ્ત્રની દૃષ્ટિએ, સંવેદનશીલ ચિંતકોની દૃષ્ટિએ સેલ્સટેક્સ, VAT કે GST આ બધું - આર્થિક વિકાસ માટે - સુયોગ્ય અને સ્વીકાર્ય ગણાયું છે. આ મામલે વધુ કંઇ કહેવા - લખવા કરતાં એક ઉદાહરણ જ પૂરતું થઇ પડશે.
બ્રિટનમાં એક જમાનામાં જ્યારે જ્હોન મેજર વડાપ્રધાન હતા ત્યારે વિપક્ષની પાટલી પર લેબર નેતા તરીકે જ્હોન સ્મિથ બેસતા હતા. 10 વર્ષ લાંબા માર્ગારેટ થેચર યુગ બાદ જ્હોન મેજર દેશનો કારભાર સંભાળતા હતા. આ વેળા બજેટ પરની એક ચર્ચા દરમિયાન VAT બાબતે દલીલોની તડાતડી ચાલતી હતી. લેબર નેતાએ VAT બાબતે આકરા ટીકાત્મક વિધાન કર્યા. તેમણે એમ પણ કહ્યું કે આનાથી તવંગરોને તો કોઇ વાંધો - તકલીફ નહીં પડે, પણ ઓછી આવકવાળાને ભારે ત્રાસ થશે, મર્યાદિત આવકમાં બાપડા હેરાનપરેશાન થઇ જશે. વડાપ્રધાન મેજરે સ્મિથના શબ્દો બરાબર ધ્યાનપૂર્વક સાંભળીને નોંધી લીધા હતા.
આ પછી વારો આવ્યો ક્વેશ્ચન ટાઇમનો. સૈકાઓ પુરાણી બ્રિટિશ સંસદીય પ્રણાલીમાં આ બહુ જ રસપ્રદ જોગવાઇ છે. હાઉસ ઓફ કોમન્સમાં યોજાતા પ્રશ્નોત્તરીના આ સેશનમાં કોઇ પણ સભ્ય લેખિત - મૌખિક કોઇ પણ પ્રકારે પ્રશ્ન પૂછી શકે છે, અને વડાપ્રધાન કોઇ પણ જાતની ટાળંટોળ કર્યા વગર સંક્ષિપ્તમાં આ પ્રશ્નોના જવાબ આપતા હોય છે. સ્મિથે ક્વેશ્ચન ટાઇમનો લાભ ઉઠાવતા વડાપ્રધાન મેજરને પૂછયું કે આપે VATમાં વધારો કરવાની દરખાસ્ત કરી છે? અને આ વધારો તો એકદમ અયોગ્ય છે, વગેરે વગેરે.
જ્હોન મેજર પણ કંઇ ગાંજ્યા જાય તેવા નહોતા. પૂરી તૈયારી સાથે બેઠેલા મેજરે ફાઇલમાંથી એક લેખ કાઢ્યો અને તેનો મહત્ત્વનો ભાગ વાંચી સંભળાવ્યો. લેખમાં તર્કબદ્ધ દલીલ સાથે રજૂઆત થઇ હતી કે ઓછી કે મધ્યમ આવક ધરાવતા લોકો માટે ઇન્કમટેક્સ કરતાં VAT કઇ રીતે વધુ યોગ્ય છે. સૂચિત જોગવાઇથી ઓછી આવકવાળા મુશ્કેલીમાં મૂકાશે અને તવંગરને તાગડધિન્ના થઇ જશે તેવું નથી... ઊંચી કિંમતની - લક્ઝુરિયસ ચીજવસ્તુઓની ખરીદી પર VAT વધારવાનું જે આયોજન છે તે આવકાર્ય છે. આ પ્રકારની વ્યવસ્થા તો ખરા અર્થમાં સમરસ વ્યવસ્થા કહેવાય. (કેમ કે આ જોગવાઇ વધુ અને ઓછી આવક ધરાવનારાઓ પરના વેરા-બોજનું અંતર ઘટાડે છે.)
વડાપ્રધાન મેજર લેખના આ અંશો વાંચ્યા બાદ પળભર થોભ્યા... પોતાના સાથીઓથી લઇને વિપક્ષની બેન્ચ પર બિરાજમાન માનવંતા સંસદસભ્યો પર એક મર્મભરી નજર ફેરવી. અને પછી લેબર નેતા પર જ્હોન સ્મિથ પર નિશાન સાધતા કહ્યું આ લેખના લખવૈયા બીજું કોઇ નહીં, પરંતુ આપણા દેશના વિદ્વાન અર્થશાસ્ત્રી અને આપની જ લેબર પાર્ટીના પ્રવક્તા લોર્ડ મેઘનાદ દેસાઇ છે. VATના મામલે કેટલાય દિવસથી સંસદમાં ઊહાપોહ મચાવતા સ્મિથ સહિતના લેબર સાંસદોના મોં વિલાઇ ગયા.
વાચક મિત્રો, આપ સહુ જાણતા જ હશો કે લોર્ડ દેસાઇ એક પનોતા ગુજરાતી પુત્ર છે. તેમનું મૂળ વતન મધ્ય ગુજરાતનું પેટલાદ. એક જમાનામાં તેમના બાપદાદાઓનું જ મહેસૂલ ઉઘરાણીના ઇજારામાં એકચક્રી શાસન હતું એમ કહો તો પણ અતિશ્યોક્તિ નથી. દેસાઇસાહેબનો ઉછેર વડોદરામાં થયો છે. ખંડેરાવ માર્કેટ સામે લીંબચ ભુવન આવેલું છે એમાં તેમનું બાળપણ વીત્યું છે. નાનપણથી જ અત્યંત તેજસ્વી અને મેઘાવી. નાની ઉંમરે વાયા મુંબઇ લંડન પહોંચ્યા અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં જોતજોતામાં ઇકોનોમેટ્રિક્સના પ્રોફેસર બની ગયા. મેઘનાદભાઇ નાગર પરિવારનું ફરજંદ એટલે તર્કબદ્ધ લખતાં પણ આવડે ને બોલતાં પણ આવડે. મા સરસ્વતીની કૃપાથી જ્ઞાનસંપદા-બુદ્ધિસંપદામાં પણ સમૃદ્ધ. પણ તેમનું આ જ જ્ઞાન રાજકારણમાં અડચણરૂપ બન્યું.
સંસદમાં VATમાં વધારાના મામલે વિવાદ થયો, વડાપ્રધાન મેજરે તેમનો મુદ્દો સાચો ઠરાવવા લેબર પાર્ટીના જ નેતા લોર્ડ મેઘનાદ દેસાઇનો લેખ ટાંક્યો. બીબીસીએ3.30 વાગ્યે આ અંગે રિપોર્ટ પ્રસારિત કર્યો તેની બરાબર 15 મિનિટ પછી લેબર નેતાગીરીએ જાહેર કર્યું કે લોર્ડ મેઘનાદ દેસાઇ પાસેથી પક્ષના પ્રવક્તા તરીકેની જવાબદારી પરત લઇ લેવામાં આવે છે. આ જાહેરાતની 15 મિનિટ પછી લોર્ડ દેસાઇસાહેબનું પણ નિવેદન આવ્યું કે માનનીય વડાપ્રધાન જ્હોન મેજર મારા લેખ વાંચે છે અને તેને અનુસરે પણ છે તે જાણીને અત્યંત આનંદ થયો.
વાચક મિત્રો, મૂળ વિષયવસ્તુ પર પર પાછા ફરીએ. નાણાંમંત્રી નિર્મલા સીતારામ દ્વારા બજેટમાં આવકવેરા દરોમાં જે રાહત અપાઇ છે તે મધ્યમ વર્ગ માટે ખૂબ ફાયદાકારક છે. એટલું જ નહીં, આ જ બાબત અર્થતંત્રને દોડતું કરવામાં પણ ઉપયોગી થશે. આર્થિક નિષ્ણાતો માને છે કે કરમુક્તિના લીધે લોકોના હાથમાં નાણાં વધુ આવશે એટલે વ્હાઇટ ગુડ્સ (રેફ્રિજરેટર, ઓવન, હિટર, વોશીંગ મશીન વગેરે)થી લઇને જીવનજરૂરી ચીજવસ્તુઓની ખપત પણ વધશે, જે સરવાળે ઉત્પાદન ચક્રને વેગવંતુ બનાવશે. અને પ્રત્યક્ષ કે પરોક્ષ વેરા પેટે સરકારી તિજોરીની આવકમાં ઉમેરો થશે.
અને રહી વાત ઓછી આવક ધરાવતા નીચલા વર્ગની... તેમના માટે માટે તો ‘રેવડી’ છે જ! (પછી ભલેને સરકારી તિજોરી તળિયાજાટક થઇ જાય). દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (‘આપ’)એ મતબેન્ક મજબૂત બનાવવાની લાલસાએ જે રેવડી કલ્ચરને જન્મ આપ્યો છે તે આખરે તો સરકારી તિજોરી પરનો બોજ વધારી રહ્યું છે. આ પ્રકારની રાજનીતિ ખરેખર તો વાઘ પરની સવારી જેવી પુરવાર થતી હોય છે. એક વખત લોકોને મફત લેવાની ટેવ પડી ગઇ પછી ગમેતેવી મજબૂત સરકાર માટે પણ તે યોજના બંધ કરવાનું કપરું બની જતું હોય છે.
સાચી સરકારી નીતિ તો એવી હોવી જોઇએ કે જરૂરતમંદ પરિવારોની સજ્જતા-ક્ષમતામાં વધારો થાય. આવા પરિવારના સંતાનોને પ્રાથમિકથી લઇને કોલેજ સુધીનું શિક્ષણ સરળતાથી અને સહજતાથી મળી રહે. આ વર્ગની યુવા પેઢીને નોકરી-ધંધો-રોજગાર માટે પૂરતી તક મળી રહે. જો તેમનામાં સજ્જતા હશે તો આપોઆપ સરકારી સહાય પરની તેમની નિર્ભરતા ઘટાડી શકાશે. ત્રેવડ ત્રીજો ભાઇ કંઇ અમસ્તું નથી કહેવાયું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસનધુરા સંભાળી ત્યારે સુપ્રીમ કોર્ટના કાનૂનવિદ્ અરુણ જેટલી મોદી સરકારના પહેલા નાણાપ્રધાન હતા. આ પછી છેલ્લી આઠ ટર્મથી નિર્મલા સીતારામન્ નાણાં મંત્રાલયનું નેતૃત્વ કરી રહ્યા છે.
દેશના પ્રથમ મહિલા સંરક્ષણ પ્રધાન બનવાનું બહુમાન ધરાવતા નિર્મલા સીતારામનને નાણાં મંત્રાલયનું સુકાન સોંપાયું ત્યારે અર્થશાસ્ત્રીઓના એક વર્ગને તેમની ક્ષમતા અંગે શંકા હતી. જોકે તેમણે તમામ શંકા-કુશંકાને ખોટી ઠરાવતા સરકારી તિજોરીના આવક-જાવકના પલડાંની સમતુલા સફળતાપૂર્વક જાળવી છે. તેમની આ કૂનેહના કારણે જ આજે દેશનું અર્થતંત્ર ચેતનવંતુ જોવા મળી રહ્યું છે. આજે ભારતીય અર્થતંત્ર વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રની યાદીમાં સ્થાન ધરાવે છે. પડોશી દેશોમાં રાજકીય અસ્થિરતા અને અશાંતિના સંજોગો, યૂક્રેન-રશિયા, ઇઝરાયલ-પેલેસ્ટાઇન સહિતના દેશોમાં યુદ્ધનો માહોલ, કેટલાય દેશોમાં આર્થિક નરમાઇ વગેરે સહિત વૈશ્વિક તખતે અનેક પડકારો પ્રવર્તતા હોવા છતાં ભારતે વિકાસકૂચ જાળવી રાખી છે આ કંઇ નાનીસૂની સિદ્ધિ નથી. મોદીસાહેબમાં (સબળ અને કુશળ નેતૃત્વની) ત્રેવડ છે તેનું આ ઉજળું ઉદાહરણ છે. ત્રેવડ જ ત્રીજો ભાઇ છે... (ક્રમશઃ)