વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા શનિવારે એક અગત્યની ધાર્મિક ચર્ચાસભામાં હાજરી આપવાનો મને સોનેરી અવસર સાંપડ્યો. વેસ્ટ લંડનના શેફર્ડબુસ વિસ્તારમાં લંડન સેવા સંઘનું એક નાનું, પણ પ્રાણવાન મંદિર છે. ચાલીસેક વર્ષ પૂર્વે સાઉથ અમેરિકાના ગયાનાથી લંડન આવીને સ્થાયી થયેલા સ્વામી નિર્લિપ્તાનંદજી આ મંદિરના પ્રણેતા છે. તેમના વાણીવર્તનમાં સાચા અર્થમાં સાધુતા અને સરળતા જોઇ શકાય છે. ત્યાં ડો. જતીન સહા હિન્દુ ધર્મની સાચી સમજ વિષયે એક વ્યાખ્યાનમાળા રજૂ કરી રહ્યા છે. તે કાર્યક્રમમાં એક અતિથિ વક્તા તરીકે મને પણ કંઇક લાભ મળ્યો. આ કે તે શું છે એ વિશે સંશોધન કરવાનું કે સમજણ આપવાનું કામ વિજ્ઞાનનું છે, પણ તે શા માટે છે? શા કારણે છે? વગેરે પ્રશ્નોના (સંતોષજનક) ઉત્તર આપવામાં વિજ્ઞાન કદાચ ઊણું ઉતરે તેમ ચિંતકોએ અનુભવ્યું છે. આ અધ્યાત્મનો, ધર્મનો વિષય ગણાય. સનાતન ધર્મ કોઇ પુસ્તકોના આધારે ઉદભવ્યો નથી. સનાતન ધર્મની વ્યાખ્યા અતિ વિકટ છે. સનાતન ધર્મ એ હજારો વર્ષ પુરાણી માનવસંસ્કૃતિ, વિકાસગાથા આધારિત જીવનપદ્ધતિ છે. તે પુસ્તકીયું જ્ઞાન નથી. સનાતન ધર્મમાં સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરા, ધર્મની સાથે સાથે જ આરોગ્ય વિષયક આયુર્વેદ, યોગ વગેરે વગેરે પણ વણાઇ ગયા છે. મુખ્ય વક્તાએ તેમની વાત ઉચ્ચ કોટિના વૈજ્ઞાનિકની દૃષ્ટિએ બહુ સરસ રીતે રજૂ કરી. સભાગૃહમાં લગભગ ત્રીસેક શ્રોતાઓ બેઠા હતા, તેમાં બે જણાને બાદ કરતાં તમામ બિનગુજરાતી હતા.
ગુજરાતીમાં જૂનાગઢના કવિ નરસિંહ મહેતાનું સરસ પદ છેઃ ‘ગ્રંથ ગરબડ કરી, વાત સાચી ન કહી...’ કંઇક આવું જ વ્યાખ્યાન શ્રેણીમાં જોવા મળ્યું. ધર્મ અંગેનું આ જે વ્યાખાન હતું તે વિદ્વતાસભર જરૂર હતું, પરંતુ તે પાયાનો ઉદ્દેશ (ધર્મ વિશેની સાચી સમજ આપવામાં) સમજાવવામાં ઊણું ઉતર્યું હોવાનું મારું નમ્ર મંતવ્ય છે. આ પ્રકારના ‘જટિલ’ અભિગમના લીધે જ સીધી વાત આડા પાટે ચઢી જતી હોય છે. પછી આપણે જ ફરિયાદ કરીએ છીએ કે જુવાનિયાઓને આપણા ધર્મ વિશે જાણવામાં રસ નથી... તેઓ આપણી સંસ્થામાં નિયમિત હાજરી આપતા નથી... તેમને આપણા સંસ્કાર-વારસા વિશે જાણવા-સમજવામાં રસ નથી વગેરે વગેરે.
કંઇક આવી જ વાત, આવો જ સૂર રવિવારે યોજાયેલી એક કમિટીની બેઠકમાં સાંભળવા-જોવા મળ્યો. સૂર કંઇક એવો હતો કે - આપણા સમાજના સુશિક્ષિત, સંવેદનશીલ, વિવિધ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરનારા મોટા ભાગના યુવક-યુવતીઓ આપણી સામાજિક કે કહેવાતી ધાર્મિક સંસ્થાઓમાં રસ લેતા નથી. આપણા મેળાવડામાં યુવાશક્તિની હાજરી પાંખી જોવા મળે છે, એવા મંતવ્યો રજૂ થયા.
જોકે હું માનું છું કે યુવા પેઢીના આ વલણ માટે દોષનો ટોપલો તેમના માથે ઢોળી દેવાના બદલે સંબંધિતોએ દિલમાં દીવો કરવાનું વલણ અપનાવવું જોઇએ. આપણે આપણા અંતરમનને પૂછવું જોઇએ કે આપણે જે કંઇ કરીએ છીએ તે વાતોના વડાં હોય છે કે કંઇક નક્કર સિદ્ધિ હાંસલ કરવાના ઇરાદે કરીએ છીએ. યુવાશક્તિને માટે ડીસ્કો, ડીનર કે ડાન્સ તો જોઇએ જ. સાથોસાથ જ જે તે સંસ્થાના હેતુઓ સાકાર થઇ શકે, નક્કર પરિણામ હાંસલ થાય અને આ બધા ઉપરાંત મૂળ જે સંદેશ છે - સમાજસેવાનો, સંસ્કૃતિનો, જીવદયાનો, માનવસેવા, દરેકનો આદર, સહિષ્ણુતા, પર્યાવરણનું જતન, યોગ - તે બધાની જો વાતચીત થાય કે તેને અનુરૂપ કાર્ય થાય તો કદાચ યુવા શક્તિને આકર્ષિત કરી શકીએ.
આપણને જે સમાજનું ગૌરવ છે તેનો વારસો આધુનિક અભિગમ અપનાવીને આજની યુવાપેઢીને સોંપવાની જરૂર છે. અંદરોઅંદરની ટાંટિયાખેંચ, આપણી ખામીઓ છુપાવવા બીજાને દોષ આપવો, કરવા જેવી પ્રવૃત્તિઓ ન કરવી અને પછી (તે પ્રવૃત્તિ ન કરવાના) બ્હાના બતાવવા, તે બધામાં આપણા સફળ દીકરા-દીકરીઓને શું રસ પડવાનો હતો? આ સ્થિતિ બદલવી હશે તો આપણે આપણી લાયકાત વધારવી પડશે. આપણે યુવા પેઢીને કોસવાના બદલે, તેમની લીટી નાની કરવાના બદલે આપણી (દૃષ્ટિકોણની) લીંટી મોટી કરવી પડશે.
હજારો વર્ષથી આપણી સંસ્કૃતિએ પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે તે સાચું, પરંતુ આજના સમાજની જે સમસ્યાઓ છે, પડકારો છે તેને આપણે કેવી રીતે ઝીલીએ છીએ, કેવો અને કેટલો સામર્થ્યસભર પ્રતિસાદ આપીએ છીએ તે બધી બાબતોના આધારે આપણી કિંમત અંકાશે.
મેં આ લેખમાં દિલમાં દીવો કરવાની આ વાત જે પંક્તિના આધારે કરી છે તે ભક્ત-કવિ રણછોડ રચિત આખુ ભજન અહીં રજૂ કર્યું છે, જે આપ વાંચી શકો છો. બહુ થોડાક શબ્દોમાં ભક્ત-કવિએ જીવન જીવવાની કુંચી આપણને સોંપી દીધી છે, વાહ!
દિલમાં દીવો કરો રે, દીવો કરો.
- ભક્તકવિ રણછોડ
કૂડા કામ ક્રોધને પરહરો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં....
દયા-દિવેલ પ્રેમ-પરણાયું લાવો,
માંહી સુરતાની દિવેટ બનાવો;
મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં....
સાચા દિલનો દીવો જ્યારે થાશે,
ત્યારે અંધારું સૌ મટી જાશે;
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં....
દીવો અભણે પ્રગટે એવો,
તનનાં ટાળે તિમિરનાં જેવો;
એને નયણે તો નરખીને લેવો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં....
દાસ રણછોડે ઘર સંભાળ્યું,
જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં....
•••
કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
આ છોકરા (કે છોકરીઓ) આપણું તો સાંભળતા જ નથી... દરેક વાતે ઉલાળ્યું કરે છે... પોતાની દુનિયામાં જ રચ્યાપચ્યા રહે છે... હું - મારી વહુ ને મારા છોકરામાં જ તેમનો સંસાર સમાઇ ગયો છે...
આ અને આવી ઘણી બધી ફરિયાદો તમે એક યા બીજા સમયે, એક યા બીજાના મોંઢે તમે સાંભળી હશે. અરે, તમે પણ ક્યારેક બોલ્યા હશો. આ શબ્દોમાં આપણા સંતાનો માટે ‘ફરિયાદ’ નથી હોતી, પણ ‘પીડા, વ્યથા’ હોય છે. જે કોઇ આવું બોલતાં હશે કે ક્યારેક બોલ્યાં હશે તેમણે પોતાની યુવાનીના દિવસો યાદ કરી લેવા. જાતને પ્રશ્ન પૂછી લેવોઃ શું આપણે પણ યુવાનીના દિવસોમાં સ્વકેન્દ્રી નહોતા? આપણે માતા-પિતા કે વડીલોની નાની-મોટી વાતનો પ્રતિકાર નહોતા કરતાં? તેઓ સૂચવતા હતા કંઇક અને આપણે કરતા હતા કંઇક એવું નહોતું બનતું?
કહેવાનું તાત્પર્ય એ છે કે આ ઉંમર જ એવી હોય છે. કંઇક નવું કરવા, આઝાદીના આસમાનમાં વિહરવાનું અનેરું આકર્ષણ હોય છે. અને આ કંઇ આજકાલનું વલણ પણ નથી - યુગોથી આવું જ બનતું રહ્યું, અને બનતું રહેશે. અહીં સવાલ હોય છે સમય સાથે આગળ વધી રહેલી પેઢી સાથે કદમથી કદમ મિલાવવાનો. જો તમે (તમારા પોતાના ભૂતકાળને નજરમાં રાખીને) તેમના દૃષ્ટિકોણથી વિચારશો, તેમની સાથે ખભેખભા મિલાવીને જમાના સાથે ચાલવા પ્રયાસ કરશો તો તમને ક્યારેય એવી ફરિયાદ નહીં જ રહે કે - આ છોકરાંવ તો કોઇનું સાંભળતા જ નથી...
વાચક મિત્રો, લો ને જાતે જ અજમાવેલા પ્રયોગની વાત કરું. મારા પરિવારજનો, મારા કાર્યાલયના સાથીદારો અથવા તો હું જે કોઇ સંસ્થાઓ સાથે વધતા-ઓછા અંશે સંકળાયેલો છું તેના કાર્યકરોને કોઇ પ્રવૃત્તિમાં સામેલ કરવા માટે, સાંકળવા માટે હંમેશા આ પદ્ધતિ અજમાવતો રહ્યો છું. જેમ કે, કોઇ ચોક્કસ પ્રવૃત્તિ હાથ ધરવાની હોય તો હું તેમને આ કાર્ય શા માટે કરવું છે? કઇ રીતે કરવાનું છે? તેના લાભાલાભ શું છે? વગેરે તમામ પાસાં વિશે બહુ ચીવટપૂર્વક માહિતી આપું છું. મતલબ કે તેમને જે તે કાર્યપ્રવૃત્તિના ઉદ્દેશ, અમલ અને તેના ફાયદા-નુકસાનના પાસાંની જાણકારી આપું છું. તેમના મનમાં કોઇ શંકા-કુશંકા હોય તો તેનું નિવારણ કરું છું, અને આ ચર્ચા દરમિયાન તેમણે ઉઠાવેલા પ્રશ્નોના નિવારણ માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરું છું. એટલું જ નહીં, આવી પ્રવૃત્તિમાં સામેલ થવા માટે હું ખુદ પણ પ્રયાસ કરું છું. સાચું કહું? આટલા નિષ્ઠાપૂર્વકના પ્રયાસ પછી ભાગ્યે જ કોઇ યુવાન કે યુવતી પ્રવૃત્તિમાં સામેલ થવા ઇન્કાર કરે છે. ‘છોકરાંવ વાત સાંભળવા ઇન્કાર કરે છે...’ એવી ફરિયાદ મને તો રહેતી નથી. યુવાપેઢીને ઉપદેશ કરતાં આચરણ વધુ માન્ય છે.
આ મારો જાતઅનુભવ રહ્યો છે કે અન્યોને દોષ આપવાના બદલે આપણી કાર્યશક્તિ, વિચારશૈલી, કાર્યપદ્ધતિમાં સમયાનુસાર ઘટિત ફેરફાર કરવાથી ધાર્યું પરિણામ હાંસલ કરી શકાય છે. આપણી જાતમાં આ પ્રકારે ફેરબદલ કરવો ઘણો જ કષ્ટદાયક હોય છે કેમ કે માનસપરિવર્તનની પ્રક્રિયા આસાન નથી. જે તે ઇરાદાને કેટલી અસરકારકતાથી અમલી બનાવવામાં આવે છે તેના ઉપરથી જ આપણા નેતૃત્વની મૂલવણી થતી હોય છે. જાત બદલવા માટે આકરી મહેનત કરવી જ પડે. કવિ દલપતરામની આ સાથે પ્રકાશિત કરેલી એક રચના વાંચી જવા ભલામણ છે. કોઇ પણ સાહસમાં સફળતા માટે ખંત પાયાની શરત છે.
કરતા જાળ કરોળિયો
– દલપતરામ
કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય
મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,
પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ.
એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર
હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર,
ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર
ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત
ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત.
એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત
આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત.
•••
સોને મઢ્યા સોમનાથ
મારા ઇષ્ટદેવના દ્વાદશ જ્યોર્તિલીંગો વિષે આદિ શંકરાચાર્યજીની એક અમર પ્રાર્થનામાં સોમનાથનું પ્રથમ સ્થાન આવે છે. તે માત્ર શૈવ પંથીનું મંદિર નથી. સનાતન ધર્મમાં જે કોઇને શ્રદ્ધા છે, તેના પ્રાણવાન સંદેશામાંથી જે કોઇને કંઇક પ્રાપ્ત કરવું છે તેમના માટે જ નહીં, પરંતુ શીખ, જૈન, બુદ્ધિષ્ટ સહિતના સહુ કોઇ માટે સોમનાથ તીર્થ ભારત વર્ષનું, સનાતન સંસ્કૃતિનું મહત્ત્વનું ધર્મસ્થાન ગણાય છે. તાજેતરમાં સમાચાર વાંચવા મળ્યા કે સોમનાથ મંદિરના દરવાજાને સોનાના આવરણથી મઢી લેવામાં આવશે. ભોળેનાથ શંકર ભગવાનની ઓળખ કઇ? શરીરે ભભૂત ચોળી હોય, ગળા પર સર્પ સરકતો હોય, હાથમાં ત્રિશુળ ધારણ કર્યું હોય અને મંદિરમાં દીવડો ઝળહળતો હોય. શંકર ભગવાનના દેહ પર રુદ્રાક્ષની માળા હોય એટલે બહુ થઇ રહ્યું, આભૂષણની કોઇ આવશ્યક્તા જ નહીં.
પરંતુ સોમનાથ મંદિર પર મહમૂદ ગઝની કે તેના જેવા આક્રમણખોરોએ ૧૭ વખત ચઢાઇ કરી. શા માટે? સોમનાથ મંદિરમાં રહેલી અઢળક સંપત્તિ લૂંટી લેવા માટે. ખેર, રાત ગઇ સો બાત ગઇ. તે જમાનાની ઘટનાનું આજના યુગમાં તો પુનરાવર્તન શક્ય નથી. સોમનાથ મહાદેવ હોય, અંબાજીનું મંદિર હોય, તિરૂપતિ બાલાજી હોય કે શીરડીના સાઇબાબા હોય... આપણા ધર્મસ્થાનોમાં અખૂટ નાણા સંગ્રહાયેલા પડ્યા છે તેનો શું અર્થ? ઘણા દાતાઓ કાળા ધનના નાણાં દાનમાં આપતા હોય છે. જે આવકને તમે સરકારની નજરથી છુપાવીને કરવેરાની ચોરી કરી છે તેને ધાર્મિક હેતુ માટે મંદિરને આપવામાં આવે છે! આમાં ધર્મ ક્યાં છે? આ કે આના જેવી (અ)ધાર્મિક પ્રવૃત્તિ જ આપણી યુવાપેઢીને ધર્મથી વિમુખ કરતી હોય છે.
ખ્રિસ્તી ધર્મની એક સુંદર પરંપરા છે. દેવળનો ભવ્ય દેખાવ હોય છે, મોટા પાયે મેળાવડા પણ યોજાય છે, ધર્મસભાઓ પણ થાય છે, પણ ધર્મભંડોળનું સંચાલન મુખ્યત્વે એક જ સ્થળેથી થાય છે. બ્રિટનમાં ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ ખ્રિસ્તીઓનું સર્વોચ્ચ ધાર્મિક સંસ્થાન ગણાય છે. આ સંગઠન અર્થતંત્રમાં ૭ બિલિયન પાઉન્ડનું રોકાણ કરે છે. તમે જરા અંદાજ માંડો - આ મૂડીરોકાણ પર કેટલી આવક થશે? આ નાણાથી દેશના અર્થતંત્રને વેગ પણ મળે અને રોકાણના વળતર પેટે જે આવક થાય તેમાંથી વિશાળ પાયા પર માનવસેવાના કાર્યો પણ હાથ ધરાય. આ નાણા આરોગ્ય, શિક્ષણ, સમાજ ઉદ્ધાર, ગરીબી નિવારણ જેવા કાર્યો પાછળ વપરાય છે. આપણા સમાજના યુવક-યુવતીઓ પણ આ બધું જોઇ રહ્યા હશે. તેમના દૃષ્ટિકોણથી મૂલવી રહ્યા હશે. હું માનું છું કે આપણા ધર્મમાં ભંડોળનો આ પ્રકારે આયોજનબદ્ધ, સદઉપયોગ ન થતો હોવાનું જાણીને તેમને દુઃખ થતું હશે.
સોમનાથ હોય કે બીજા કોઇ પણ ધર્મસ્થાનો - તેમને હીરાજડિત સુવર્ણ આભુષણોથી સજાવવાનો કે મંદિરને સોને મઢવાનો ફાયદો શું? મનુષ્યમાત્રને દેવનો દીધેલ માનવામાં આવે છે તો તેના (સામાજિક ઉત્થાન) માટે આપણે શું કરીએ છીએ? આપણા ધર્મસ્થાનકો દ્વારા માનવસેવાની પ્રવૃત્તિઓ થાય છે તેની ના નહીં, પણ તેમની તિજોરીમાં જે ભંડોળ સંગ્રહાયેલું છે તેના પ્રમાણમાં આવી પ્રવૃત્તિઓનું પ્રમાણ બહુ નજીવુ ગણી શકાય. માનવતાના જતનમાં આપણે કાચા પડી રહ્યા છીએ એ સહુકોઇએ સ્વીકારવું રહ્યું.
આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ, પરંપરા ખૂબ જ શક્તિસભર છે અને એટલે જ સૈકાઓ વીતવા છતાં તે ટકી રહી છે. પરંતુ બાહ્યાડંબર લોકોની ધાર્મિક આસ્થાને ઉધઇની જેમ અંદરથી ખોખલી બનાવી રહ્યો છે તે જરૂર ચિંતાજનક બાબત છે.
•••
યુરોપિયન યુનિયન રેફરન્ડમ
આજથી લગભગ પાંચ સપ્તાહ બાદ બ્રિટને યુરોપિયન યુનિયન (ઇયુ)માં રહેવું જોઇએ કે નહીં તે મુદ્દે Yes કે No થકી રાષ્ટ્રવ્યાપી જનમત લેવામાં આવશે. બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું કે નીકળી જવું તે મુદ્દે દેશઆખામાં ભારે વિવાદ જામ્યો છે. બ્રિટીશ સરકાર, પાંચ-પાંચ વરિષ્ઠ પ્રધાનો સિવાય, ખૂલ્લેઆમ વડા પ્રધાન ડેવિડ કેમરન, પ્રચાર કરવાના કામે વળગ્યા છે. સરકાર એક જ પક્ષની છે, પણ આ મુદ્દે ભારે મતભેદ, વિખવાદ જોઇ શકાય છે.
આ જ કોલમમાં મેં અગાઉ લખ્યું હતું કે કન્ઝર્વેટિવ પક્ષના જ કેટલાક નેતાઓ બ્રિટને ઇયુમાં રહેવું જોઇએ કે નહીં તે મુદ્દે અવઢવમાં છે. આ ‘ઢચુપચુ’ વર્ગને પોતાના સમર્થનમાં લેવા માટે ડેવિડ કેમરને રેફરન્ડમ લેવાનું પગલું તો ભર્યું છે, પણ તેમનો નિર્ણય ઊલમાંથી ચૂલમાં પડવા જેવો સાબિત થાય તેમ લાગે છે. આગામી અંકોમાં ઇયુ રેફરન્ડમ સાથે સંકળાયેલા પાંચ-સાત મુદ્દા વિશે ચર્ચા કરવા આયોજન છે. યુરોપિયન યુનિયનનો ઇતિહાસ, તેનું શાસ્ત્ર અને અર્થતંત્ર, દરેક દેશની પોતીકી પળોજણ, રાષ્ટ્રવાદ, એકબીજા પ્રત્યેના પૂર્વગ્રહો, સાથે સાથે જ રાજકીય દાવપેચ અને નેતાઓની પોતાની પ્રાયોરિટી સહિતના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાનું આયોજન છે.
બ્રિટને યુરોપિયન યુનિયનમાં જ રહેવું જોઇએ તેવા કેમ્પેઇનને બ્રિટીશ સરકારનું સમર્થન હોય તે સમજાય તેવું છે. લેબર પાર્ટી તેમજ અન્યો પણ આ મુદ્દે સંમત છે. તો બીજી તરફ, ધનપતિઓ પણ આ કેમ્પેઇનને ‘યથાશક્તિ’ આર્થિક સહયોગ આપી રહ્યા છે. નાથન્ કર્શ નામના યહુદી મૂળના એક ધનપતિએ ‘બ્રિટનઃ સ્ટ્રોન્ગર ઇન ધ યુરોપ’ કેમ્પેઇનને પાંચ લાખ પાઉન્ડનું ફંડ આપ્યું છે. એવા તો કેટલાય ધનપતિઓ છે જેમણે ત્રણ લાખ, પાંચ લાખ કે સાત લાખ પાઉન્ડ હસતા મોઢે આ કેમ્પેઇનને આપ્યા હોય.
કોઇ કેમ્પેઇનને લોકો સ્વેચ્છાએ આર્થિક સહયોગ આપતા હોય તો તેમાં કશું ખોટું નથી. કોઇ પણ ઝૂંબેશ, પ્રચાર અભિયાન માટે અઢળક નાણાં જોઇએ જ હા, આ નાણાનો ઉપયોગ લોકોને પ્રભાવિત કરવામાં થતો હોય તો તે કેટલું યોગ્ય કે અયોગ્ય, કેટલું સાચું કે કેટલું ખોટું તે અલગ ચર્ચાનો વિષય છે. મતદાતાઓને પ્રભાવિત કરવા માટે નાણાનો ઉપયોગ થઇ રહ્યો હોવાનો મુદ્દો માત્ર બ્રિટનમાં જ ચર્ચામાં છે એવું નથી.
અમેરિકામાં આગામી નવેમ્બર માસમાં પ્રમુખ પદની ચૂંટણી યોજાઇ રહી છે. ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત ઉમેદવાર તરીકે હિલેરી ક્લિન્ટનનું નામ લગભગ નક્કી માનવામાં આવે છે. જ્યારે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે બિલિયોનેર અને પોતાના બેફામ નિવેદનોથી અત્યંત વિવાદાસ્પદ બની ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પનું નામ આગળ છે. ટ્રમ્પના ખુદના અબજો ડોલર તો આ ચૂંટણીપ્રચારમાં વપરાય રહ્યા જ છે, પણ હવે બીજા ધનાઢયો પણ તેની વ્હારે પહોંચ્યા છે. સહુ કોઇએ ટ્રમ્પ કાજે નાણાની કોથળી નહીં, કોથળા ખૂલ્લા મૂકી દીધા છે એમ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી. ‘કેસિનો મોગલ’ના ઉપનામથી જાણીતા યહૂદી ધનપતિ શેલ્ડન એસોલ્ડને ૧૦૦ મિલિયન ડોલર ફાળવ્યા છે.
એનર્જી ટાયકુન ટી. બુન પિકેન્સ સહિતના બીજા ઉદ્યોગપતિઓએ ટ્રમ્પ માટે નાણાનો ધોધ વહાવ્યો છે. આ ધનપતિઓનું એક જ સૂત્ર છેઃ નાણા વાપરો, પણ ટ્રમ્પને લાવો. ધનપતિઓના વ્યાપક સમર્થનથી હાથ ધરાયેલી આ પ્રચારઝૂંબેશ ચૂંટણી પરિણામને કેટલી હદે પ્રભાવિત કરે છે એ તો સમય જ કહેશે.
•••
મોદી સરકારઃ ઇરાદા અને અમલ
૨૬મી મે, ૨૦૧૪ના રોજ માનનીય નરેન્દ્રભાઇ મોદીએ ભારતના ૧૫મા વડા પ્રધાન તરીકે શપથ લીધા. લગભગ ત્રણ દસકાના લાંબા અંતરાલ બાદ દેશમાં કોઇ એક પક્ષની સંગીન સરકાર રચાઇ. લગભગ ૫૫ કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી ૨૮૩ બેઠકો જીતીને (એનડીએ સાથે ૩૩૩) ભાજપે સત્તા હાંસલ કરી. ભારતીયોએ ભાજપને ખોબલા મોઢે મત આપ્યા તો સામી બાજુ નરેન્દ્ર મોદીએ પણ લોકોની અપેક્ષાઓ સંતોષવા ક્રાંતિકારી આયોજનો હાથ ધર્યા. ઔદ્યોગિક મોરચે વિકાસને વેગ, સંરક્ષણ ક્ષેત્રે સ્વાવલંબન પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાની સાથોસાથ સામાજિક સમતુલા પ્રાપ્ત કરવા પણ પગલાં લીધા. સ્વચ્છ ભારત અભિયાન હાથ ધર્યું તો પવિત્ર ગંગા નદીની સફાઇ માટે પણ અભિયાન આદર્યું. એક નહીં, અનેક આયોજન હાથ ધર્યા.
અલબત્ત, કેટલાક એવું પણ માને છે કે મોદીએ ઠાલા વાયદા જ કર્યા છે, કામ કરતાં વાતોના વડાં વધારે કર્યા છે. આવા લોકો માટે એટલું જ કહી શકીએ જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. બાકી વિદેશના નિષ્પક્ષ નિષ્ણાતો તો સ્પષ્ટ માને જ છે કે મોદીએ ભારતના અથતંત્રમાં ચેતનાનો સંચાર કર્યો છે. મોદીના બે વર્ષના શાસનકાળમાં માર્ગનિર્માણ કાર્યમાં વેગ આવ્યો છે. રેલવે તંત્રમાં ધરમૂળથી પરિવર્તન અમલી બની રહ્યા છે. જન-ધન યોજના હેઠળ આશરે ૨૦ કરોડ ભારતીયોના બેન્ક એકાઉન્ટ ખૂલ્યા છે. એક અહેવાલ અનુસાર છેલ્લા એક વર્ષમાં દેશમાં ૬૩ બિલિયન ડોલરનું વિક્રમજનક વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ) આવ્યું છે. આમ કેટલાય ક્ષેત્રે આપણે વડા પ્રધાન મોદીના ભગીરથ પ્રયાસોનું શુભ પરિણામ આપણે જોઇ શકીએ છીએ.
‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ સહિતના ટોચના અખબારોના આર્થિક નિષ્ણાતો માને છે કે મોદી સરકારની અત્યારે રાજ્યસભામાં બહુમતી નથી. ભારતીય સંસદના આ ઉપલા ગૃહમાં કોંગ્રેસ સહિતના વિપક્ષની બહુમતી હોવાથી તેઓ જીએસટી બિલના નામે જાણીતા ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ બિલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નિર્માણકાર્યને વેગ આપે તેવા ખરડા સહિત અનેક મહત્ત્વના ખરડાઓની મંજૂરી આડે અવરોધો ઉભા કરી રહ્યા છે. આનાથી દેશનો આર્થિક વિકાસ રુંધાઇ રહ્યો છે.
તેમની વાત તો સાચી છે. પણ આ સ્થિતિમાં નરેન્દ્ર મોદી શું કરી શકે? ખરેખર તો કોંગ્રેસ સહિતના વિપક્ષે વગરવિચાર્યો વિરોધ કરવાના બદલે રાષ્ટ્રહિત, વ્યાપક જનહિતને ધ્યાનમાં રાખીને મુદ્દા આધારિત વિરોધ કરવો જોઇએ. તેઓ માત્ર મોદી સરકારને ભીડવવા માટે જ ખરડાઓને અટકાવી રહ્યા છે તે વલણ નુકસાનકારક છે. કદાચ કોઇ એવી પણ દલીલ કરશે કે યુપીએ સરકારના શાસન વખતે વિપક્ષની પાટલીએ બેસતા ભાજપે પણ આવું જ કર્યું હતું. આનો મતલબ તો એવો થયો કે કોંગ્રેસ જેવા સાથે તેવાની, આંખના બદલામાં આંખ અને હાથના બદલામાં હાથની નીતિ અપનાવી રહી છે. પરંતુ આ લોકોને એટલું જ કહેવું રહ્યું કે આવા દ્વેષપૂર્ણ વર્તનથી આખરે તો દેશહિતને જ નુકસાન થઇ રહ્યું છે. આર્થિક વિકાસ ખોડંગાઇ રહ્યો છે.
વાચક મિત્રો, આ અંક તમારા હાથમાં આવશે ત્યારે તામિલનાડુ, પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળ, આસામ અને કેરળ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા હશે. આ ચૂંટણીમાં અમુક રાજ્યોમાં ભાજપ જ્વલંત દેખાવ કરે તેવો અને અમુકમાં મજબૂત દેખાવ કરે તેવા એક્ઝિટ પોલના તારણ છે. આસામમાં ભાજપની સરકાર રચાય તેવા સંજોગો છે. જો આમ થયું તો ભાજપ લાભની સ્થિતિમાં હશે. આવતા મહિને ૧૧ જૂને રાજ્યસભાની ૫૭ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ ભાજપને રાજ્યસભામાં પોતાનું સ્થાન મજબૂત કરવામાં મદદરૂપ થશે.
એક બીજી પણ અગત્યની વાત સમજી લેવી પડે. વૈશ્વિક સ્તરે રાજકારણ, અર્થકારણ, સંરક્ષણ આદિ અનેક ક્ષેત્રે ભારત અને ચીનની સ્પર્ધાને કેટલાક અભ્યાસો, સંશોધનો, મંતવ્યોમાં કાચબા અને સસલાની દોટ સાથે સરખાવવામાં આવે છે. ચીનમાં ૧૯૭૯ પછી એવી નીતિ અમલી બની હતી કે સરકાર નક્કી તેમ જ થાય. તેના નિર્ણય સામે કોઇ ચૂં કે ચાં ન કરી શકે. આમ વિકાસ ઝડપી બન્યો, પણ સરકારી નિર્ણયોના અમલીકરણના નામે માનવાધિકારોનો ભોગ પણ લેવાયો. લોકતંત્રનો તો આંકડો જ નીકળી ગયો.
આ મુદ્દે તાજેતરમાં ચર્ચા ચાલતી હતી ત્યારે એક મિત્રે હળવાશથી, પણ કટાક્ષમાં કહ્યું કે ભૂખે મરતા માણસને તે વળી લોકશાહીની શું જરૂર છે? તેમનો પ્રશ્ન સમજાય તેવો હતો. તેમનો અંગૂલિનિર્દેશ ભારતમાં પ્રવર્તતી ગરીબી વિશે હતો. પરંતુ મારું એટલું જ કહેવું છે કે ભારતમાં અનેક આપત્તિઓ હશે, સમસ્યાઓ હશે, પડકારો પણ હશે, પરંતુ દેશનો આમઆદમી પોતાની ઇચ્છા પ્રમાણે સરકાર રચી શકે છે, બદલી શકે છે, અને ભૂતકાળમાં બદલી પણ છે. અંતે તો વ્યક્તિની સ્વતંત્રતા વધુ મૂલ્યવાન હોય છે. સરમુખત્યારશાહી અને સ્વતંત્રતાની સરખામણી શક્ય જ નથી.
એક અભ્યાસના તારણ અનુસાર ચીનમાં હાલ નવી ઝૂંબેશ શરૂ થઇ છે. પ્રમુખ શી જિનપિંગ તેમના વડવા શાસક માઓ ત્સે તુંગની જેમ દેશમાં પોતાનું એકહથ્થું શાસન જમાવવા પ્રયત્નશીલ છે. પોતાની સત્તા જડબેસલાક જળવાય રહે તે માટે વર્તમાન સરકાર પ્રયાસ કરી રહી છે. માઓ ત્સેના સરમુખત્યારશાહી શાસન દરમિયાન ‘સાંસ્કૃતિક ક્રાંતિ’ના જુવાળમાં લગભગ ૪ કરોડ લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. ચીન આજે ભલે સફળતાના શીખરે બિરાજતું હોય, પણ તેના પાયામાં અસંખ્ય નિર્દોષ મનુષ્યોની જિંદગી, કરોડો લોકોના અધિકારો ધરબાયેલા છે તે ન ભૂલવું જોઇએ.
વિકાસ, પ્રગતિના નામે આમ આદમીનું શોષણ કરીને હાંસલ કરાયેલી પ્રગતિથી શું લાભ થવાનો હતો? ભારતનો વિકાસદર - ચીનની સરખામણીએ - ધીમો જરૂર હશે, પણ વિકાસના નામે માનવજિંદગીનો, માનવાધિકારોનો ભોગ લેવાયો હોવાનું તો ક્યારેય સાંભળ્યું નથી. આ વાતનો ભલા કોણ ઇન્કાર કરી શકશે?
•••
એશિયન ચેરિટી એવોર્ડસ
આ શુક્રવારે આપના બન્ને પ્રકાશનો દ્વારા એશિયન ચેરિટી એવોર્ડસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. વ્યક્તિગત ઉદારમના સખાવતીઓને એવોર્ડસ આપવાનો આ કાર્યક્રમ નથી, પણ સેવાકીય સંસ્થાઓની અલગ અલગ કેટેગરીઓમાં નમૂનેદાર કાર્ય કરનાર સંસ્થાઓને એવોર્ડથી નવાજવામાં આવશે. તટસ્થ અને અનુભવી જજીંગ પેનલ દ્વારા આ એવોર્ડ વિજેતા સંસ્થાઓના નામ નક્કી થશે.
આગામી જુલાઇ કે ઓગસ્ટમાં ‘ગુજરાત સમાચાર’ - ‘એશિયન વોઇસ’માં આપણા સમાજમાં માનવસેવાના વિવિધ કાર્યોમાં પોતીકા નાણાં ફાળવનારા ઉદારમના સખાવતીઓ વિશેની યાદી સહિતનો એક અંક પ્રકાશિત કરવા સંશોધન ચાલી રહ્યું છે. આપને પણ આવા કોઇ આપણા અહીંના સખાવતી વિશે - પછી ભલે તેઓ બ્રિટનમાં સેવાકાર્યો કરતા હોય કે ભારતમાં - માહિતી કે જાણકારી હોય તો અમને લખી જણાવવા અનુરોધ છે. સામાજિક કાર્યોમાં યોગદાન આપી રહેલા આવા સખાવતીઓના નામ સૂચવીને આપ પણ આંગળી ચીંધ્યાનું પૂણ્ય કમાઇ શકો છો. (ક્રમશઃ)
•••