વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપની સેવામાં કોકટેલ રજૂ કરી રહ્યો છું. જો જો લ્યા, મનમાં કલ્પનાના ઘોડા દોડાવવા લાગો તે પહેલાં જ સ્પષ્ટતા કરી દઉં કે આ કોઇ હાર્ડ ડ્રિન્ક કે સોફ્ટ ડ્રિન્કનું નહીં, પણ ઘટનાપ્રસંગોનું કોકટેલ છે. પ્રસંગ અલગ અલગ છે, પરંતુ દરેક સાથે કોઇને કોઇ વિચાર જોડાયેલો છે. આ મુદ્દા વિચારપ્રેરક હોવાથી, સહુના વિચારમાનસને પોષણ પૂરું પાડે તેવા હોવાથી તેનું ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ અહીં રજૂ કરી રહ્યો છું.
દેખાદેખીનો મોહ છોડો ને
પછેડી જેટલા પગ લંબાવો
બ્રિટનના અખબારોમાં આજકાલ એક સમાચાર છાશવારે ચમકતા રહે છે - મોંઘવારીએ માઝા મૂકી છે. વાત સાચી કે ખોટી તેના ચક્કરમાં પડ્યા વગર આપણે બીજા એક અહેવાલ પર નજર કરીએ જેમાં જણાવાયું છે કે સરેરાશ 40 ટકા લોકોને જીવનનિર્વાહ માટે મા-બાપનો સહારો લઇ રહ્યા છે. મોંઘવારી અને તેની સાથે સંકળાયેલા વિવિધ કારણસર જીવવું દુષ્કર થઇ રહ્યું છે ત્યારે 35થી 44 વર્ષની વ્યક્તિઓ બે છેડા ભેગા કરવા માટે મોટા ભાગે માતા-પિતા પાસેથી ઉછીનાં નાણાં લે છે કે પછી વ્યાજે લોન મેળવે છે. રિઝોલ્યુશન ફાઉન્ડેશને વિવિધ વર્ગની આર્થિક સ્થિતિ વિશે કરેલા ઊંડા અભ્યાસમાં આ તારણ નીકળ્યું છે. આમાં ય વળી 55 વર્ષથી મોટી વયના લોકોમાંથી તો લગભગ 70 ટકા લોકો આવક-જાવકનું પલ્લું સરભર કરવામાં ભારે ખેંચ અનુભવે છે.
આ બધી વાત સાચી, પણ દર છ-બાર મહિને હોલીડે કરવા જવું કે દર સપ્તાહે એકાદ-બે વખત ખાણીપીણી માટે રેસ્ટોરાંમાં જઇ પહોંચવું તેને જનજીવનની આવશ્યક જરૂરત ગણી શકાય? શું આવા મોજશોખ જીવનની મૂળભૂત જરૂરત ગણાય? જી નહીં... જીવનમાં કરકસર આવશ્યક છે.
હવે તો સરકારના પ્રધાનો પણ કહે છે કે જીવનનિર્વાહ ચલાવવામાં નાણાંની તંગી વર્તાતી હોય તો ઉછીનાપાછીના કરીને તેનો સામનો કરવાના બદલે વાસ્તવિક્તાનો સ્વીકાર કરી લો. આવક અનુસાર જીવનધોરણ અપનાવી લેશો તો ઘણી રાહત થઇ જશે. વાતમાં દમ તો છે...
ખેર, આપણે - ગુજરાતીઓ તો વર્ષોથી જાણીએ જ છીએ કે પછેડી હોય તેટલા પગ લાંબા કરાય (નહીં તો હેરાન થવાય.) સુનાક સરકારના પ્રધાનોએ જે રીતે સલાહ આપી છે તે જોતાં તો લાગે છે કે આપણા જ કોઇ ભાઇભાંડુએ તેમને આ કહેવત સંભળાવી - સમજાવી લાગે છે.
ના હું તો લડીશ...
જો બાઇડેન હૈ કી માનતા નહીં
જો જો બાપલ્યા રખે ગેરસમજ કરી લેતાં. અહીં ખાંડા ખખડાવવાની વાત નથી, ચૂંટણી લડવાની વાત છે. અમેરિકાના પ્રમુખ જો બાઇડેને જાહેરાત કરી છે કે તેઓ પ્રમુખપદની આગામી ચૂંટણી લડવાના છે. મહાસત્તા અમેરિકાનું સુકાન સંભાળી ચૂકેલા નેતાઓમાં બાઇડેનસાહેબ સૌથી મોટી વયના પ્રમુખ છે. અત્યારે જ તેમને 80 વર્ષ પૂરા થઇ ગયા છે, અને ચૂંટણી યોજાવાની છે આવતા વર્ષે - નવેમ્બર 2024માં. ના કરે જિસસ ક્રાઇસ્ટ ને તેમની તબિયત લથડી તો?! તેમના ઇરાદા કે મનોબળ ભલે ગમેતેટલા મજબૂત હોય, તેમના સ્વાસ્થ્ય અંગે શંકા-કુશંકા સેવાઇ રહી છે એ હકીકત છે. ક્યારેક એવું લાગે છે કે તેઓ પૂરી સ્વસ્થતાથી ઉભા રહી શકતા નથી તો આપણે એવું પણ જોયું છે કે પ્લેનની લેડર ચઢતાં તેમણે સમતુલા ગુમાવી હોય. છતાંય તેઓ ચૂંટણી લડવા તૈયાર છે! ભલા માણસ પહેલાં શરીર અને સ્વાસ્થ્ય તો સાચવો. જો તેમાં જ અપડાઉન આવતું રહ્યું તો દેશનું સુકાન કઇ રીતે સંભાળી શકશો.
પ્રમુખ બાઇડેને ચૂંટણી જંગ લડવાનો નિર્ણય જણાવ્યો તેની સાથે સાથે જ એવું પણ જાહેર થયું છે કે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કમલા હેરિસ પણ ચૂંટણીમાં ઝૂકાવશે. સુશ્રી કમલા હેરિસ એક તો મહિલા છે, અને બીજું, તેમના માતા ઇંડિયન જ્યારે પિતા જમૈકન હોવાથી તેઓ અશ્વેત ગણાય છે. અમેરિકી મતદારોની વાત કરીએ તો મહિલા મતદારો અને અશ્વેત સમુદાયમાં તેમનો ખાસ્સો પ્રભાવ છે. ગત ચૂંટણીમાં તેમને આ વાતનો સારો લાભ મળ્યો હતો. જોકે આમ કમલાબહેન માટે તો ફાયદો જ ફાયદો જ છે. અમેરિકી બંધારણમાં એવી જોગવાઇ છે કે જો પ્રેસિડેન્ટના કાર્યકાળ દરમિયાન કંઇ અઘટિત બને તો તેમના અનુગામી તરીકે વાઇસ પ્રેસિડેન્ટ દેશનું સુકાન સંભાળતા હોય છે. આગામી બે-પાંચ વર્ષમાં અમેરિકાના પ્રમુખપદે ભારતવંશી જોવા મળે તો નવાઇ નહીં.
સલાહ-સૂચન સહુના સાંભળો,
પણ અમલ બે વખત વિચારીને કરો
ગયા પખવાડિયે મેં આ જ કોલમમાં આરોગ્યની વાત કરી હતી. આ પછી કેટલાક લોકો મળ્યા તો વાત કરી કે આજકાલ ડાયાબિટીસનું બહુ ચગ્યું લાગે છે. એક તબીબી સંસ્થાને તો અભ્યાસના આધારે તારણ આપ્યું છે કે ડાયાબિટીસ થયો હોય તે વ્યક્તિ જો રોજ 800 કેલરી ધરાવતો ખોરાક ભોજનમાં લે તો ડાયાબિટીસ મટી જાય. આ સાંભળીને કોઇ ભ્રમમાં પડી જવાની જરૂર નથી. મારા જાત અનુભવ અને અભ્યાસના આધારે કહું તો તેમના અભ્યાસનું તારણ સાચું ખરું, પણ સોળ આની સાચું નહીં. પૂછો કેમ?
જો ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ બેઠાડું નહીં, પણ સક્રિય જીવન જીવતી હોય, રોજ કલાક - દોઢ કલાક પગ ચલાવતી હોય, ખાણીપીણીમાં ચીવટ રાખતી હોય તો આવી વ્યક્તિને રોજે 1700થી 1800 કેલરી ખોરાક જોઇએ જ. પ...ણ જો ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ બેઠાડુ જીવન જીવતી હોય, દિવસનો મોટો ભાગનો સમય ટીવી સામે જ પસાર થતો હોય તો તેના માટે 800 કેલરી ધરાવતો ખોરાક પૂરતો ગણાય.
વાચક મિત્રો, આપનામાંથી કોઇને ડાયાબિટીસ હોય કે નહીં, મારી તો આપ સહુને એક જ વિનંતી છે આરોગ્ય મામલે જ્યારે પણ કોઇ વાતે સલાહ-સુચન મળે કે તેના અમલ માટે આગ્રહ થાય તો તેને લાગુ કરવામાં લગારેય ઉતાવળ નહીં કરતાં. પહેલાં તો સામેવાળાની રજૂઆત સાંભળજો - સમજજો અને તેનો અમલ કરતાં પૂર્વે તમારા જીપીનો સંપર્ક કરજો. તમારા શરીર માટે શું લાભકારક છે અને શું નુકસાનકારક છે એ તમારા જીપીથી વિશેષ કોઇ જાણતું નથી આ વાતને બરાબર ધ્યાનમાં રાખજો.
આ પ્રકારના અભિગમ પાછળ સામેવાળાના સલાહ-સુચન કે ઇરાદામાં શંકા કરવાનો નથી, પરંતુ તમારી તાસીરને સમજવાનો છે. કોઇ ચોક્કસ વસ્તુ મારા આરોગ્ય માટે સારી હોય એ તમારા શરીર માટે પણ લાભકારક હોય જ તે જરૂરી નથી. કારણ કે આપણા સહુની તાસીર, જીવનશૈલી, ખાણીપીણી અલગ અલગ હોય છે. પહેલું સુખ તે જાતે નર્યા સૂત્રને સાકાર કરવા માટે પાયાની પહેલી જરૂરિયાત હોય છે આપણા શરીરને ઓળખવાની.
તાજેતરમાં જ મેં ક્યાંક વાંચ્યું કે જો દરરોજ બપોરે અડધો કલાક વામકુક્ષી કરો તો ડાયાબિટીસ નિયંત્રણમાં ના રહેવાની સંભાવના છે. આ સાચું પણ છે, એ ખોટું પણ છે. એક સિક્કાની બે બાજુ જેવી આ વાત છે. જો તમે દરરોજ સવારે છએક વાગ્યે ઉઠીને આઠ વાગ્યાથી કામે લાગી જતા હોવ, દરરોજના આઠ-દસ કલાક કામ કરતાં હોવ, રાત્રે પથારીમાં પડતાં બારેક વાગી જતાં હોય તો બપોરે વામકુક્ષી આવશ્યક છે. પણ હા, અડધો કલાક બહુ થઇ ગયો. બાકી બે - બે કલાક ઘોર્યા કર્યું તો કમરે ‘ટાયર’ બનવા લાગશે. ઈંગ્લીશમાં આને ‘નેપ’ કહે છે અને ગુજરાતીમાં ઝપકી. કહેવાનું તાત્પર્ય એટલું જ કે શું ખાવું, શું પીવું, કેટલી અને કેવી કસરત કરવી વગેરે બધું કોઇના કહેવાથી શરૂ કરી દેવાની જરૂર નથી. તમારા શરીરને ઓળખો અને તેનો અમલ કરો. સ્વાસ્થ્ય માટે બહુ ઉપકારક સાબિત થશે.
કરે કોઇ અને ભોગવે કોઇઃ
નિકોલાએ બળતું ઘર હમઝાર્પણ કર્યું!
થોડાક દિવસો પૂર્વે જ સ્કોટલેન્ડમાં ફર્સ્ટ મિનિસ્ટર તરીકે કાર્યભાર સંભાળનાર યુસુફ હમઝા બહુ જ લોકપ્રિય હતા અને છે. સક્ષમ છે. અને લોકતાંત્રિક પદ્ધતિથી ચૂંટાયા છે. પરંતુ હાલત જોતાં લાગે છે કે એક નેતા તરીકેની તમામ લાયકાત અને લોકપ્રિયતા હોવા છતાં તેઓ નસીબના બળિયા નથી આજે પક્ષ સામે જે પડકારો સર્જાયા છે તે જોતાં કહી શકાય કે બીજાએ કરેલા ‘પાપ’ના પરિણામ તેઓ ભોગવી રહ્યા છે. તેમના પૂરોગામી નિકોલા સ્ટર્જને રાજીનામું આપ્યું. અને હમઝાએ ચૂંટણીમાં ઉતર્યા ત્યાં સુધી કોઇને ખબર નહોતી તેમના પક્ષ સ્કોટિશ નેશનલ પાર્ટી (એસએનપી)માં મોટી રકમ આઘીપાછી થઇ ગઇ છે.
આ બધી વાતોથી અજાણ યુસુફ હમઝાએ ચૂંટણીમાં ઝૂકાવ્યું. વિજય મેળવ્યો, અને ફર્સ્ટ સેક્રેટરી તરીકે હરખભેર કાર્યભાર સંભાળ્યો. તેઓ લોકપ્રિય હોવાથી સ્વાભાવિક જ બહોળો વર્ગ સુશાસન માટે તેમના ભણી આશાભરી મીટ માંડીને બેઠો હતો. યુસુફ હમઝાના પણ ઇરાદા નેક હતા, અને છે, તેઓ ભાવિ આયોજનની રૂપરેખા સાથે તેઓ આગળ વધી રહ્યા હતા કે નાણાકીય હેરાફેરીનો વિવાદ ઉઠ્યો છે. આ મામલે તપાસ શરૂ થતાં જ એસએનપીની લોકપ્રિયતામાં ધરખમ ઘટાયો નોંધાયો છે તેનો ભાગ્યે જ ઇન્કાર કરી શકશે.
હમઝા ભલે સાફસુથરી ઇમેજ ધરાવતા હોય, પરંતુ છાંટા તો ઉડે જ ને? અત્યારે તો એવું લાગે છે કે નિકોલા સ્ટર્જને બળતું ઘર કૃષ્ણાપર્ણ કર્યું છે. (ક્રમશઃ)