વડીલો સહિત સહુ વાચક મિત્રો, શ્રીમતી કોકિલાબહેને તેમના જીવનસાથી ધીરુભાઇ અંબાણી વિશે એક સચિત્ર ગ્રંથ લખ્યો છે. તેમાં ભારતીય ઉદ્યોગજગતના આ દિગ્ગજના જીવનકવન વિશે વિવિધ પ્રકારની માહિતી, નક્કર હકીકતના આધારે નિખાલસતાપૂર્વક રજૂ કરવામાં આવી છે. ચાલો, આપણે પણ પુસ્તકના પાન પર સવાર થઇને પચાસના દાયકાના સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામે જઇ પહોંચીએ.
ધીરુભાઇએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી તે સમયગાળાનો આ પ્રસંગ છે. શિક્ષક પિતાએ ધીરુભાઇને નોકરીમાં પરોવાઇ જવાનું સૂચન કર્યું. બીજી તરફ, નાનપણથી જ ઊંચા આભને આંબવાનો ઇરાદો ધરાવતા ધીરુભાઇના હૈયે આગળ અભ્યાસ કરવાનો ઉમંગ ઉછાળા મારતો હતો. મધ્યમ વર્ગના પિતાએ દીકરાને કામે ચઢીને આવક ઉભી કરવાની વાત પર ભાર મૂક્યો. ધીરુભાઇ ત્યારે લગભગ અઢારેક વર્ષના હશે. જુવાની છે ને... તેમણે પિતાને સંભળાવ્યું, ‘ફદિયા, ફદિયા શું કરો છો? હું ધનના ઢગલા કરી દઇશ.’
ધીરુભાઇ અક્કડ કે આડા નહોતા. સમય વર્ત્યે સાવધાનમાં માનનારા હતા. મેટ્રિક પરીક્ષા પાસ કરીને આગળ ભણવાનો ઉમંગ હોવા છતાં પિતાની સલાહને માથે ચઢાવીને રોજગારી અર્થે એડન જઇ પહોંચ્યા. એક તબકકે તેમણે ત્યાં પેટ્રોલ પંપ એટેન્ડન્ટ તરીકે પણ કામ કર્યું.
પરંતુ આજે ધીરુભાઇ અંબાણીને યાદ કરીએ તો?! નજર સામે એક એવું વ્યક્તિત્વ તરી આવે છે કે જેમની સંપત્તિના ઢગલાની ઊંચાઇ માપતાં માપતાં આંકડાઓમાં અટવાઇ જઇએ. તેમના પુત્ર મુકેશભાઇ અંબાણી વિશ્વના સૌથી ધનિક ભારતીય હોવાનું બહુમાન ધરાવે છે. ‘ફોર્બ્સ’ના તાજા અહેવાલ અનુસાર મુકેશભાઇ કુલ ૪૪.૩ બિલિયન ડોલરની અસ્ક્યામત ધરાવે છે. આ આંકડો જુલાઇ ૨૦૧૮નો છે, આમાં આજ દિનમાં સુધીમાં બીજો ઉમેરો થયો હોય તે અલગ. વાચક મિત્રો, આ આંકડો જરા રૂપિયામાં તો માંડી જૂઓ, ગેરંટીપૂર્વક કહું છું કે ગોથે ચઢી જ જશો.
નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૯૮૨-૮૩માં કૂદકે અને ભૂસકે આગેકૂચ કરી રહી હતી. રિલાયન્સ જૂથની છપ્પરફાડ પ્રગતિ જોઇને સહુ કોઇની આંખ પહોળી થઇ રહી હતી - અખબારી માધ્યમોની તો ખાસ. તેમને દાળમાં કાળું દેખાઇ રહ્યું હતું. કંપનીના કથિત કૌભાંડો, ગેરરીતિઓ વિશે અખબારોમાં - સવિશેષ તો અંગ્રેજી દૈનિક ‘ઇંડિયન એક્સપ્રેસ’માં - પાનાંના પાનાં ભરીને અહેવાલો પ્રકાશિત થઇ રહ્યા હતા. વડા પ્રધાન વી. પી. સિંહે સાચે જ ધીરુભાઇને દાઢમાં રાખ્યા હતા તેમ કહેવાય છે. પ્રમાણમાં કાચી વયે ધીરુભાઇનું અવસાન થયું.
જોકે સમય પણ તેનું કામ કરતો હોય છે ને? પ્રથમ પૂણ્યતિથિ વેળાએ યોજાયેલા સ્મરણાંજલિ કાર્યક્રમમાં પૂર્વ તંત્રી અરુણ શૌરી મુખ્ય વક્તા હતા. આ એ જ અરુણ શૌરી હતા, જેમના તંત્રીપદ દરમિયાન ‘ઇંડિયન એક્સપ્રેસ’ દૈનિકે રિલાયન્સ ગ્રૂપ સામે સૌથી આક્રમક અભિગમ અપનાવ્યો હતો. રિલાયન્સ ગ્રૂપ વિરોધી લખાણનો એક મોકો જેમણે છોડ્યો નહોતો, તેવા અરુણ શૌરીએ મુખ્ય વક્તા પદેથી શું કહ્યું હતું?
‘મેં પણ તેમની (ધીરુભાઇની) ટીકા કરવામાં કચાશ બાકી રાખી નથી. એ વાતને વર્ષો વિતી ગયા. આ વર્ષોમાં તેમણે અઢળક સિદ્ધિ પ્રાપ્ત કરી છે, કેટલાય વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે તેમણે ભારતનું નામ રોશન કર્યું છે. જે જમાનામાં લાયસન્સ - પરમિટ રાજ પ્રવર્તતું હતું, રાજ્યમાં વેપાર-ઉદ્યોગ સાહસિકો માટે તુમારશાહી ત્રાસદાયક પુરવાર થઇ રહી હતી. તે સમયે, તેવા સંજોગોમાં ધીરુભાઇએ કારોબારના વિસ્તરણ માટે શોર્ટકટ લીધો હોય તો પણ કંઇ ખોટું કર્યું નહોતું તેવું હવે હું માનતો થયો છું.’
વાચક મિત્રો, ધનપ્રાપ્તિ થયા પછી તેના ઉપયોગ, સદુપયોગ અને દુરુપયોગનું પણ આગવું માનસશાસ્ત્ર છે હોં...
તાજેતરમાં ફાઈનાન્સિયલ ટાઈમ્સના એક પ્રકાશનમાં વાંચવામાં આવ્યું. તેમાં ધનવાનના સંતાનો કે ધનવાનો ખુદ પોતાના માટે જીવનસાથી શોધતી વેળા અને તેમની સાથે સંસાર માંડતી વેળા કેવા પરિબળોને ધ્યાને લે છે તેનું રસપ્રદ વિશ્લેષણ કરાયું છે. લેખમાં તારણ રજૂ થયું છે કે આવા પાત્રો જેમની સાથે ઘરસંસાર વસાવવાનું પસંદ કરે છે તેઓ પણ ખાસ્સા ધનવાન જ હોય છે. ચાલો, આપણા ખૂબ જ લોકપ્રિય બની રહેલા રાજવી યુગલ પ્રિન્સ હેરી અને અમેરિકી ફિલ્મ અભિનેત્રી મેગન મર્કેલની જ વાત કરીએ.
પ્રિન્સ હેરીએ જ્યારે મેગન સાથે ઘરસંસાર માંડ્યો ત્યારે તેની કુલ અસ્ક્યામત આશરે ૩.૫ મિલિયન પાઉન્ડ હતી અને મનોરંજન ક્ષેત્રે તેની વાર્ષિક આવક હતી ૩,૩૦,૦૦૦ પાઉન્ડ. મેગન સમૃદ્ધ હતી તો પ્રિન્સ હેરી કંઇ ઓછો ઠન ઠન ગોપાલ હતો? બ્રિટિશ સામ્રાજ્યના આ શાહજાદાની કુલ અસ્ક્યામતનો ચોક્કસ આંકડો તો અત્યાર સુધી બહાર આવ્યો નથી, પરંતુ આંકડો ચોક્કસપણે કરોડો પાઉન્ડમાં પહોંચતો હશે તેમાં બેમત નથી. જૂઓને, નામદાર મહારાણીએ તાજેતરમાં આ નવદંપતીને એક નિવાસ્થાન ખરીદવા માટે ૧૨ મિલિયન પાઉન્ડ ભેટ આપ્યા છે.
એક સંશોધનમાં એવું પણ પુરવાર થયું છે કે યુવક કે યુવતી અથવા તો પુરુષ કે સ્ત્રી જ્યારે કોઇ પાત્ર સાથે સહવાસ માણવાનું કે લગ્ન કરીને સહજીવનનો આરંભ કરવાનું વિચારતી હોય છે ત્યારે સામેનું પાત્ર પસંદ કરતી વેળા તેની આર્થિક સ્થિતિ કે ભવિષ્યમાં આ સંબંધથી થનારી પ્રગતિની શક્યતાને ખાસ ધ્યાને લેતી હોય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એક ધનવાન વ્યક્તિ કે જેમની સાથે જોડાવાથી વિકાસની ઉજળી શક્યતા હોય તેવા પાત્ર સાથે નાતો બાંધતી વેળા તેના રૂપ-રંગ કે વયનું ખાસ મહત્ત્વ રહેતું નથી. મતલબ કે સહુ સહુની રીતે આગળ ઉપર આ સંબંધના આધારે કેટલી પ્રગતિ થઇ શકે તે વિચારતા હોય છે.
ધનવાનો અને તેમની માનસિક્તાની વાત ચાલી રહી છે ત્યારે એક ફિલ્મનો પણ ખાસ ઉલ્લેખ કરવો જ રહ્યો. શુક્રવારે જ રિલીઝ થનારી ફિલ્મ ‘Crazy Rich Asians’ તેના કથાવસ્તુના કારણે આજકાલ ચર્ચાના ચકડોળે ચઢી છે. ફિલ્મમાં સિંગાપોરના ચાઇનીઝ સમાજની વાત રજૂ થઇ છે. અમુક રીતે ધનવાનોની એશોઆરામ અને મોજમજાભરી જીવનશૈલીની સાથે સાથે જ આકાર લેતી માનસિક કે શારીરિક સ્થિતિને પણ આ ફિલ્મની કથામાં વણી લેવાઇ છે. અમેરિકા અને ફ્રાન્સમાં બહુ બારીકાઇથી એક અભ્યાસ ચાલી રહ્યો છે, જેમાં એ સમજવા પ્રયાસ થઇ રહ્યો છે કે એક ધનાઢય વ્યક્તિ આ ફાનિ દુનિયા છોડી જાય છે ત્યારે ક્યા પ્રકારે તેની સંપત્તિની વહેંચણી કરવાનું પસંદ કરતી હોય છે.
અભ્યાસના પ્રાથમિક તારણ અનુસાર, ૭૪ ટકા ધનવાનો પોતાની અસ્ક્યામતો સંતાનોને લગભગ સરખા હિસ્સે વહેંચવાનું વિચારતા હોય છે. જ્યારે ૧૦ ટકા ધનવાનો સંપત્તિની વહેંચણી સંબંધે પોતાના મનનો ઇરાદો છતો કરવા તૈયાર નથી. બીજી તરફ, ૧૬ ટકા ધનવાનો એવા છે જેમણે પોતાની અનુપસ્થિતિમાં મિલકતની વહેંચણી કઇ રીતે થાય તે અંગે હજુ સુધી નક્કી કર્યું નથી.
ધનવાનો પોતાની સંપત્તિ પરિવારજનોમાં કઇ રીતે વહેંચવા માગે છે તેના અભ્યાસના આંકડા પણ રસપ્રદ અને આપણને વિચારતા કરી મૂકે તેવા છે. જેમ કે, ૫૬ ટકા ધનવાનો એવું ઇચ્છે છે કે તેમની સંપત્તિ મેળવનાર વારસદારની વય ઓછામાં ઓછી ૩૦ વર્ષ હોય તો વધુ સારું. કારણ? તેઓ માને છે કે જો સંપત્તિ મેળવનાર વ્યક્તિ ૩૦ વર્ષથી નાની વયની હોય તો - વૈચારિક પાકટતાના અભાવે - નાણાંનો દુરુપયોગ થવાનું જોખમ રહે છે. ૩૪ ટકા ધનવાનો પોતાની સંપત્તિનો ૧૦ ટકા હિસ્સો ચેરિટીમાં આપી દેવાનું વિચારતા હોય છે. જ્યારે લગભગ ૧૪ ટકા લોકો પોતાની સંપત્તિનો ૧૧થી ૫૦ ટકા હિસ્સો ચેરિટીમાં ફાળવી દેવાનું વિચારતા હોય છે. વાત અહીં પૂરી નથી થતી, જરા ધ્યાનથી વાંચજો...
ધનવાનોનો બે ટકા વર્ગ એવો પણ છે કે જે પોતાની તમામ સંપત્તિ ચેરિટીમાં આપવી દેવાનું વિચારે છે. તો બીજી તરફ ૨૫ ટકા સમૂહ એવો છે, જે ચેરિટીમાં કાણી પેની પણ આપવા ઇચ્છતા નથી. ધનવાનોનો ૨૧ ટકા સમૂહ એવો છે, જે પોતાની સંપત્તિનો કેટલો હિસ્સો ચેરિટી માટે ફાળવવો તે મુદ્દે અનિર્ણિત છે.
અને છેલ્લી વાત... ધનવાનો તેમના ધનનો ઢગલો સંતાનોને સોંપે તે યોગ્ય ગણાય કે અયોગ્ય તે મુદ્દે એક ફ્રેન્ચ લેખકે ઊંડા સંશોધન બાદ, દાખલા-દલીલ સાથે કેટલાક તથ્યો જાહેર કર્યા છે. જે અનુસાર, માત્રને માત્ર સંતાન હોવાના નાતે જ્યારે વ્યક્તિને ધનદોલત પ્રાપ્ત થાય છે ત્યારે મહદ્ અંશે દુર્વ્યય થતો જોવા મળે છે. આવા સંતાનો પોતાને વારસામાં મળેલી સંપત્તિ, વહેલા કે મોડા, વેડફી નાખે છે. આવા લોકો એક બીજા પ્રકારના દૂષણમાં લપેટાયેલા હોય છે. ભવિષ્યમાં આવી સ્થિતિ ટાળી શકાય તે માટે ધનવાન, પણ સમજદાર માતા-પિતા પોતાના સંતાનોને થા થા થાબડી કરીને ઉછેરતા નથી. તેઓ સંતાનોના સર્વગ્રાહી વ્યક્તિત્વ વિકાસ માટે શક્ય તમામ પગલાં લે છે.
વાચક મિત્રો, બે ઉદાહરણ ટાંકીને આ મુદ્દાને વધુ સ્પષ્ટ કરવા પ્રયત્ન કરું. મુકેશ અને નીતા અંબાણીએ તેમના ત્રણેય સંતાનોને વિખ્યાત મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટમાં ઉચ્ચ અભ્યાસ કરાવ્યો છે, અને પછી વ્યવસાયમાં સામેલ કર્યા છે. અંબાણી દંપતી આ સંતાનોને સીધા જ કંપનીથી માંડીને અધધધ સંપત્તિનું સુકાન સોંપી શક્યા હોત. તેમને કોણ રોકનારું કે ટોકનારું હતું? પણ ના... તેમણે આવું નથી કર્યું. તેમણે પહેલા તો સંતાનોને મિડલ લેવલ મેનેજમેન્ટમાં પલોટ્યા અને પછી ટોચના મેનેજમેન્ટમાં સામેલ કર્યા છે. આજે ભારતમાં મોબાઇલ-ઇન્ટરનેટ ક્ષેત્રે રિલાયન્સ જૂથની જીઓ બ્રાન્ડે ક્રાંતિનો પવન ફૂંક્યો છે. આ કંપની જે ઝડપે બજાર સર કરી રહી છે, વિસ્તરણ કરી રહી છે તેની વિશ્વસ્તરે નોંધ લેવાઇ રહી છે. આ કંપની પાછળનું મુખ્ય ભેજું કોણ છે? મુકેશ-નીતા અંબાણીની દીકરી ઇશા અને દીકરો આકાશ. મુકેશ અંબાણીએ ખુદે જાહેર કર્યું છે આ ટેલિકોમ કંપનીનો આઇડિયા મૂળે ઇશાનો છે. કંપનીના ચીફ સ્ટ્રેટેજિસ્ટ તરીકે આકાશે એવો બિઝનેસ વ્યૂહ અપનાવ્યો છે કે હરીફ ટેલિકોમ કંપનીના શેરોમાં કડાકો બોલી ગયો છે.
આવું જ બીજું ઉદાહરણ વિપ્રો સોફ્ટવેર કંપનીના સ્થાપક અઝીમ પ્રેમજીનું છે. તેમનો પુત્ર રિષદ આજે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં બેસે છે, પરંતુ તેનેય આ સ્થાને પહોંચતા લાંબી મજલ કાપવી પડી છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકેલો રિષદ મિડલ લેવલ મેનેજમેન્ટમાં જોડાયો હતો અને તે પણ કોઇ વિશેષાધિકાર વગર. ફરજ દરમિયાન તેને પણ કંપનીના અન્ય કર્મચારીઓ જેટલો જ પગાર, લાભ કે અધિકારો મળતા હતા.
બાય ધ વે, આ બન્ને પરિવારો ગુજરાતી છે. આમ પણ ગુજરાતીઓ તો છોકરાને પેઢીમાં બેસાડીને જ પલોટતા હોય છે ને? અંબાણી અને પ્રેમજી પરિવારે આ જ કર્યું છે. હવે આપ સહુ જ કહો કે જેમના સંતાનોને વ્યવસાયમાં આવી રીતે પલોટવામાં આવ્યા હોય તે કદી પારિવારિક સંપતિ વેડફે ખરાં? જે માતા-પિતા પોતાના સંતાનોના વ્યક્તિત્વ વિકાસ માટે આવી જાગ્રતિ દાખવે તેના પારિવારિક સુખ-શાંતિ-સમૃદ્ધિમાં દિવસ-રાત ઉમેરો થવાનો જ તેમાં બેમત નથી.
પરંતુ આ સમૃદ્ધિ આખરે ક્યાં સુધી ટકતી હોય છે? મહદઅંશે ત્રણ પેઢી સુધી જ. કેટલાક કિસ્સામાં ચોથી પેઢીએ આવી અઢળક સંપત્તિ કે સમૃદ્ધિ જળવાતાં હોય છે. આનું કારણ શું? ભવિષ્યમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા કરશું.
અત્યારે તો એટલું જ કહું કે ધનની પ્રાપ્તિ આવશ્યક છે, પરંતુ અતિશય ધનદોલત ક્યારેક સંતાપજનક પણ પુરવાર થાય છે. આદિ-અનાદિ કાળથી નાણું અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી તેનો (સિક્કા સ્વરૂપે) આકાર ગોળ રહ્યો છે. આ ગોળાકાર ચપટા સિક્કાને એકની ઉપર એક ગોઠવતા જાવ... દસ-બાર સિક્કાની થપ્પી ગોઠવાશે કે સિક્કાનો મિનારો ગબડી પડશે. અને પેની, પાઉન્ડ, રૂપિયો કે ડોલર ગબડતો ગબડતો એક યા બીજી દિશામાં આગળ વધી જશે. સિક્કાનું ગબડવું એક રીતે જોઇએ તો સાંકેતિક સ્વરૂપે એ દર્શાવે છે કે ધન કેટલું ચલાયમાન છે. એક મર્યાદાથી વધુ પ્રમાણમાં એક સ્થાન પર ધન એકત્ર થયા બાદ તે પાણીની જેમ પોતાનો રસ્તો શોધી જ લેવાનું છે, એક સ્થાનેથી બીજા સ્થાને જઇ પહોંચવાનું છે.
આપણી ગુજરાતીમાં એક શબ્દ છેઃ ધંધો. આની સંધિ છૂટી પાડશો તો વંચાશે ધન + ધો. આપણે ત્યાં ધનતેરસે ધન ધોવાની પરંપરા પણ છે. આ પ્રથા માત્ર સિક્કા પર પંચામૃતના અભિષેક પૂરતી સીમિત નથી. તે આપણને સંદેશ આપે છે કે ધન પ્રાપ્ત કરો, પણ ધોયેલું ધન પ્રાપ્ત કરો. અહીં વાત સ્વચ્છતાની નથી, પણ નૈતિક્તાથી નાણાં મેળવવાની, કમાણી કરવાની, ધનસંચય કરવાની છે. જો નાણાં નીતિમત્તાથી કમાયેલા નહીં હોય તો તે ગમેતેટલી જંગી માત્રામાં હશે, ધનતેરસે ગમેતેટલા ભક્તિભાવથી પૂજાયેલા હશે, તે નહીં અને નહીં જ ટકે. આવા નાણાં અચૂકપણે વહી જ જવાના - અન્યના હાથમાં પાસે.
આજના ભૌતિકવાદના જમાનામાં નાણાં વગર ડગલું પણ માંડવું શક્ય નથી. પાણીના પણ પૈસા આપવા પડે છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કહે છે કે ધર્મસ્ય મૂલમ્ અર્થઃ ધન એ સંસ્કૃતિના પાયામાં રહેલું છે. ચાણક્યનું આ સૂત્ર સાચું, સોએ સો ટકા સાચું, પરંતુ ધન કેટલી માત્રામાં આવશ્યક છે એ તો દરેકે પોતીકી રીતે વિચારવું રહ્યું.(ક્રમશઃ)