વડીલો સહિત સૌ વાચકમિત્રો, આદ્યશક્તિની આરાધનાનું પર્વ શરૂ થઇ ગયું છે, તે સાથે જ ભારતીય સમાજ દીપોત્સવને વધાવવા માટે પણ આતુર બન્યો છે. દીપોત્સવ પર્વની હારમાળામાં એક દિવસ આવે છે - ધનતેરસ. આ પર્વે વિશ્વભરમાં વસતાં ભારતીયો પછી તે હિન્દુઓ હોય, જૈન હોય, શીખ હોય કે બૌદ્ધ ધર્મના હોય... સહુ કોઇ લક્ષ્મીજીની પૂજા-અર્ચના-આરાધના કરે છે. જોકે આ તો દિવાળીની વાત થઇ. આજે તો કેટલાય (બધા જ!) લોકો એક યા બીજી રીતે આખું વર્ષ લક્ષ્મીજીની આરાધનામાં વ્યસ્ત બનેલા જોવા મળે છે. એમાં ય ગુજરાતીઓ માટે તો વળી એવું કહેવાય છે કે તેમના તો લોહીમાં જ ધંધો વહે છે. પરંતુ ધનપતિની સાચી વ્યાખ્યા સમજી લેવાની જરૂર છે.
ત્રીસેક વર્ષ પૂર્વે અમદાવાદમાં એક અનોખા સાંસ્કૃતિક કેન્દ્રનું ઉદ્ઘાટન થયું હતું. શેઠ કસ્તુરભાઇ લાલભાઇ અને અંબાલાલ સારાભાઇ જેવા શ્રેષ્ઠીઓના લખલૂટ અનુદાનથી તૈયાર થયેલા આ સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ હતો આપણી સંસ્કૃતિનું જતન-સંવર્ધન કરવાનો અને આપણી પરંપરાનો અભ્યાસ કરવાનો.
વાચક મિત્રો, મને યાદ છે તે પ્રમાણે ઊંચા ગજાના વિદ્વાન ભોગીલાલ સાંડેસરાએ આ મુદ્દે પાયાનું કામ કર્યું હતું. આ સંસ્કાર કેન્દ્રના ઉદ્ઘાટન વેળાએ સરસ્વતી સાધક અને પૂજક ઉમાશંકર જોષીએ યાદગાર પ્રવચન કર્યું હતું. આ પ્રસંગની નોંધ અમે તે વેળા ગુજરાત સમાચારમાં પણ લીધી હતી. ઉમાશંકર જોશીએ ધનવાન, શ્રીમંત અને શ્રેષ્ઠીની સીધી-સાદી-સરળ સમજ આપી હતી. રોજબરોજના ખર્ચ કરતાં વધુ આવક થાય તે ધનવાન. લાખોપતિ કરોડપતિ બને તે શ્રીમંત. જ્યારે શેઠ જગડુશાથી માંડીને દીપચંદ ગાર્ડી જેવાને શ્રેષ્ઠી ગણાય. સમાજ માટે, સંસ્કૃતિ કાજે, સંસ્કાર-વારસા-પરંપરાના સંરક્ષણ માટે પોતાના નાણાંની કોથળી ખુલ્લી મૂકી દે, સહાયની સરવાણી નહીં... ધનનો ધોધ વહાવે તે શ્રેષ્ઠી.
આ તબક્કે મને બીજી પણ એક વાતનો ઉલ્લેખ કરવો જરૂરી જણાય છે. વાચક મિત્રો, આપ સહુએ એક વાત નોંધી હશે કે જેઓ કોઇ પણ કારણસર આર્થિક મામલે સંગીન અવસ્થાએ પહોંચી શક્યા નથી, નાણાકીય સદ્ધરતા હાંસલ કરી શક્યા નથી તેમાંનો મોટો વર્ગ એવી માન્યતામાં રાચતો જોવા મળે છે કે ‘આ (ધનવાન) લોકોને ત્યાં ધનની છનાછન કંઇ અમસ્તી જ નથી... જરૂર તેમણે કંઇક કાળાંધોળાં કર્યા જ હશે...’ આ વર્ગ એવું માનતો હોય છે કે લૂંટ્યા વગર લાખેશ્રી ના થવાય, ને માર્યા વગર માલદાર ના થવાય. પોતાની આસપાસના કેટલાક છૂટાછવાયા પ્રસંગોને જોઇને વ્યક્તિ આવી માન્યતા કેળવવા પ્રેરાય તે સમજી શકાય એમ છે, પરંતુ ખરેખર આવું હોતું નથી. ખરેખર તો ધનવાન, શ્રીમંત કે શ્રેષ્ઠી કેટલાક ઉમદા માનસતંત્રના પરિણામે જે તે સ્થિતિને પામ્યા હોય છે તે સહુ કોઇએ યાદ રાખવું રહ્યું.
બ્રિટિશ ગુજરાતીઓ અને બ્રિટિશ ભારતીયોની આર્થિક સ્થિતિ વિશે સંક્ષિપ્તમાં કહું તો મારું માનવું છે કે 10 ટકા પરિવારો એવા છે કે જેઓ કેટલાક કારણસર તેમના પોતાના કોઇ વાંકગુના વગર આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે. પરિવારનો નિભાવ કરતા મોભીનું આકસ્મિક નિધન, અસાધારણ બીમારી, જુગારી કે સટ્ટાકીય માનસિકતા સાથે કરેલું મૂડીરોકાણ લાખનું બાર હજાર થઇ ગયા હોય કે પછી કપાતર સંતાને બેફામ ખર્ચા કરીને પરિવારની મૂડીને જલ્સાપાણીમાં ઉડાવી નાંખી હોય.
મહાન અર્થશાસ્ત્રી આચાર્ય ચાણક્ય લિખિત કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે પૈસા કમાવા, વાપરવા, વેડફવા કે વાવવા તે કોઇ પણ વ્યક્તિત્વના અગત્યના પરિબળો છે. નીતિમતા રાખીને નાણાં કમાવા શ્રેષ્ઠ ગણાય છે. લંડનમાં 32 બરો કાઉન્સિલ છે, જેમાંથી વેસ્ટ મિનસ્ટર બરોમાં અતિશય ધનવાન કહેવાય તેવા માલેતુજારોનો વસવાટ છે. અને જ્યાં ગામ હોય ત્યાં ઉકરડો પણ હોવાનો જ. આવા ધનાઢયોની વચ્ચે મનિ લોન્ડરીંગના કાળા કરતૂતો કરનારા પણ વસે છે. આ લોકોનું એક જ કામ હોય છે બેનામી કમાણીના કાળા નાણાંને ધોળા કરવાનું. બિનહિસાબી નાણાંને કાયદેસર બનાવવાનું. તેમાંય વળી લંડન તો દુનિયાભરની આર્થિક ગતિવિધિઓનું મહત્ત્વનું કેન્દ્ર ગણાય છે. આથી જ આખી દુનિયાના આર્થિક કુંડાળાબાજો કાયદામાં છીંડા શોધીને લંડન પહોંચતા રહે છે, અને સાચાખોટા લાભ મેળવતા રહે છે.
આપણા ભારતના ભાગેડૂઓની જ વાત કરો ને... આઇપીએલ ફેમ લલિત મોદીથી માંડીને વિજય માલ્યા અને નિરવ મોદી જેવા લોકો ભારતમાં આર્થિક ગેરરીતિ આચર્યા બાદ અહીં વસ્યા જ છેને. વિજય માલ્યા અને નિરવ મોદીના માથે તો ભારતીય બેન્કોના હજારો કરોડ રૂપિયા ઓળવી જવાનો આરોપ છે. નોંધનીય છે કે માલ્યા કે મોદીએ જે બેન્કોના નાણાં હડપ કરી ગયા છે તેમાંની મોટા ભાગની સરકારી માલિકીની છે. વર્ષેદહાડા લાખો રૂપિયાનો દરમાયો મેળવતા ઉચ્ચ અધિકારીઓએ પણ બેન્ક તિજોરીમાંથી આડેધડ નાણાં આપવાના બદલામાં કટકી મેળવી જ હશેને?! ખેર, મની લોન્ડરીંગના મામલે કેટલાય મોટા માથાઓ સામે, સંસ્થાઓની આગેવાની કરનારાઓ સામે આરોપો મૂકાયા છે, ખટલા ચાલી રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે 99 ટકા કિસ્સામાં સરકારી તંત્ર આવા કેસ જીતતું નથી. પોલીસની બે તો ચોરની ચાર, કંઇ અમસ્તું નથી કહેવાયું. તે અર્થમાં જોઇએ તો, આવા નઠારા માણસો હતા, છે અને રહેશે. આ વરવી વાસ્તવિક્તા આપણે સ્વીકારવી જ રહે.
જોકે, આ પ્રકારે - કાળા કરતૂતો કરીને જાહોજલાલી કે નામના મેળવનારા અંતે શું પ્રાપ્ત કરે છે તે લાખ પાઉન્ડનો સવાલ છે. સહુ કોઇએ યાદ રાખવું રહ્યું કે આવા લોકો કાયદેસરની સજામાંથી બચી જતા હોય તો પણ તેમણે કર્મના ફળ તો ભોગવવા જ પડતા હોય છે. તેમણે નહીં તો તેમના સંતાનો - પ્રપૌત્રોએ ‘વ્યાજ સાથે’ તેનું પરિણામ ભોગવવું પડતું હોય છે.
મારો બીજો પણ અંદાજ છે કે 10 ટકા લોકો બાહ્ય કારણસર આર્થિક ભીંસ ભોગવતા હોય છો. તો 25 ટકા લોકો વર્ષેદહાડે સરેરાશ 24,000 પાઉન્ડની સરેરાશ આવક કમાતા હોય છે. લગભગ 35 ટકા લોકો પોતાની આવકને વધુ સારી રીતે વાપરીને કમ્ફર્ટેબલ જીવન જીવતા હોય છે. જ્યારે 15 ટકા લોકો - બધો ખર્ચો બાદ કર્યા બાદ - ખરેખર એક લાખ પાઉન્ડની ચોખ્ખી આવક રળતા હોય છે. અને 10 ટકા એવા હોય છે જેઓ દરરોજ કરોડો કમાતા હોય છે. જેમ કે, ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી. તાજેતરના એક અહેવાલ અનુસાર, તેઓ પ્રતિ દિન રૂ. 1600 કરોડથી વધુની કમાણી કરે છે.
ભલે કોઇ ગમેતેટલું કમાતું હોય કે કરોડો - અબજોમાં આળોટતું હોય, પરંતુ સાચી વાત તો એ છે કે સમાજના મૂલ્યો અને પરંપરાનું જતન-સંવર્ધન તો મધ્યમ વર્ગ જ કરતો હોય છે.
ખરેખર જે ગરીબ (સાચું કહું તો મને આ શબ્દ ગમતો જ નથી...) છે મતલબ કે આર્થિક સકંજામાં છે, જેમના પરિવારમાં એક સાંધતા તેર તૂટતા હોય તે (ગમેતેટલું ઇચ્છવા છતાં) કઇ રીતે મૂલ્યોની માવજત કરવાનો?
સમાજમાં 10 ટકા વર્ગ એવો પણ છે જેમને મૂલ્યો - પરંપરા - સંસ્કૃતિની લેશમાત્ર દરકાર નથી. તેમને આવી કોઇ બાબતે પરવા નથી. તેઓ માને છે કે પૈસાથી બધું જ ખરીદી શકાય છે. પણ વાચક મિત્રો, ખરેખર તો આ ભ્રમ છે. પૈસાથી કમ્ફર્ટ - સગવડ ખરીદી શકાય, શાંતિ ન ખરીદી શકાય. પૈસાના જોરે તમે સાહ્યબી બતાવી શકો - દમ દેખાડી શકો, પણ પાયામાં જ કચાશ હોય તો આદર - સન્માન ન મળે.
કમાવું, વાપરવું, વેડફવું અને વાવવું. આચાર્ય ચાણક્યે આપેલા આ ચાર શબ્દોમાંથી તેમાંથી વાવવું શબ્દ મારા - તમારા સહિત સહુ કોઇના જીવન સાથે નિસ્બત ધરાવે છે. તમારા નાણાં હોય કે સમય, તેનું કંઇક એ રીતે રોકાણ કરો કે એ માત્ર તમારા માટે જ નહીં, તમારા પરિવારજનો માટે પણ લાભકારક સાબિત થાય. લ્યો ને મારા જ બાળપણની, સગી આંખે જોયેલી ઘટનાની વાત કરું.
આપ સહુ તો જાણો જ છે કે હું ગામડાંગામમાં ઉછરીને મોટો થયો છું. અમારા ઘરની બાજુમાં જ ઝવેરબા રહેતાં. તેમને બે ભેંસ. દૂધ વેચીને નાણાં રળે, અને પરિવારને પોષે. ભેંસ ઘરે બાંધી હોય એટલે ફળિયું હોય કે ગમાણ, પોદળા તો હોવાના જ. ઝવેરબા રોજ સવાર-બપોર-સાંજ આ પોદળા એકઠા કરીને એક જગ્યાએ ભેગા કરે. ઉકરડા જેવો ઢગલો થાય. જો બધું જૈસે થે પડ્યું રહે તો તેમાં કીડા પણ પડે, અને વાસ મારે તે નફામાં. પણ જો આ જ પોદળાના છાણાં છાપી નાંખવામાં આવે કે ખેતરમાં ખાતર તરીકે વેરી નાંખવામાં આવે તો?! ઝવેરબા આ જ કરતાં. બન્નેમાં તેમનો ફાયદો હતો. છાણાંને ઘરના ચૂલામાં વાપરે તો બળતણનો ખર્ચ બચતો અને ખાતર તરીકે ખેડૂતને વેચાણ કર્યું હોય તો રોકડા પૈસા મળતા. પોદળો તો એ જ છે, પણ તેનો યોગ્ય ઉપયોગ નાણાં કમાવી આપતો હતો. નાણાંનું પણ એવું જ છે, તેનો યોગ્ય ઉપયોગ - રોકાણ વળતરદાયી સાબિત થઇ શકે છે.
હવે જરા ‘વાપરવું’ શબ્દની પણ ચર્ચા કરી જ લઇએ. સમાજમાં શ્રીમંત તો ઘણા હોય છે, પણ આવી શ્રીમંતાઇ પચાવી જાણનારા ઓછા હોય છે. જે લોકો શ્રીમંતાઇને પચાવી શકતા નથી, તેઓ પોતાના નાણાં વડે અન્યો પર પ્રભાવ પાડવા દિવસ-રાત મથતાં રહે છે. તેઓ સમાજના વગદાર પરિબળોના સમર્થનમાં - હિતમાં પોતાના નાણાં વાપરતા રહે છે અને માન-મોભો દેખાડવા હવાતિયા મારતાં રહે છે. પરંતુ પોતાની શ્રીમંતાઇને - સમૃદ્ધિને જેમણે પચાવી જાણી છે તેઓ કોઇ પણ જાતના દંભ - દેખાડા વગર જનહિતાર્થે - સમાજ કલ્યાણ માટે પોતાનાં નાણાં વાપરતાં રહે છે. આમ, નાણાં તો બન્ને પ્રકારના શ્રીમંત વાપરે છે, પણ તેનો ઉદ્દેશ અને અસર અલગ અલગ હોય છે.
વીતેલા સપ્તાહના Asian Voiceમાં ‘કપિલ્સ ખિચડી’ નામની કોલમમાં બ્રિટનની જેલોમાં બંદીવાન કેદીઓના આંકડા રજૂ થયા છે. (આ કોલમ ન વાંચતા હોય તો અચૂક વાંચજો તેવી મારી ભલામણ છે, તેમાં કપિલભાઇ અનેકવિધ વિષયો પર બહુ રસપ્રદ છણાવટ રજૂ કરે છે.) બહુ અફસોસ સાથે કહેવું પડે છે કે આમાં અમુક ધર્મના બંદીવાનોની ઊંચી ટકાવારી જોવા મળે છે. જ્યારે હિન્દુ, જૈન, શીખ સહિતના ભારતીય સમુદાયના લોકોનું પ્રમાણ એક ટકો કરતાં પણ ઓછું જોવા મળે છે. 1973માં લંડનમાં અત્યારે જ્યાં સુપ્રીમ કોર્ટ છે ત્યાં અગાઉ હાઇ કોર્ટ હતી. તેની જ્યુરીમાં બેસવાનો મને પણ મોકો મળ્યો હતો. સરકારી આદેશ અનુસાર ૧૨ સભ્યોની જ્યુરી રચાઇ હતી. સાત દિવસ કેસ ચાલવાનો હતો, અને મારે એક દિવસ પરિવારની દીકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવી અનિવાર્ય હતી. મેં હાઇ કોર્ટના જસ્ટિસને નોટ મોકલી અને જણાવ્યું કે આ દિવસે મારી ભાણેજનું મેરેજ રજિસ્ટ્રેશન છે અને તેમાં મારે પણ સહી કરવાની હોવાથી મને રજા આપી શકો? તરત જ તેમનો જવાબ આપ્યો ‘ના’. તમને રજા ના મળી શકે કેમ કે તમે જ્યુરીના સભ્ય છે. આના બદલે તેમણે તે દિવસે કેસની સુનાવણી જ બંધ રાખવા આદેશ કર્યો. તે કેસ ડ્રગ્સ ટ્રાફિકિંગનો હતો, અને તમામ 12 જ્યુરી મેમ્બર્સે આરોપીને એકી અવાજે દોષિત ઠરાવ્યો હતો.
અત્યારે બ્રિટનની જેલોમાં એક ટકાથી પણ ઓછા જે ભારતીય બંદીવાનો છે તેમાંથી બહુધા એટલે કે 96 ટકા VAT ફ્રોડ કે આર્થિક ગેરરીતિ જેવા વ્હાઇટ કોલર ક્રાઇમમાં સંડોવાયેલા છે. જીબીએચ તરીકે ઓળખાતા ગ્રોસ બોડી હાર્મ જેવા કેસોમાં તેમની સંડોવણી જવલ્લે જ જોવા મળે છે. કારણ એ છે કે ભારતીયો મહદ્અંશે શારીરિક હિંસાથી દૂર રહે છે.
આપણે ધનતેરસની, ધન ધોવાની વાત કરીએ છીએ ત્યારે તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘સાઇકોલોજી ઓફ વેલ્થ’ નામના રિપોર્ટની પણ વાત કરી જ લઇએ. આ રિપોર્ટમાં ધનનું માનસ પર કેટલું વર્ચસ હોય છે તેની સરસ વાત કરી છે. જગવિખ્યાત મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા દર વર્ષે રિચ લિસ્ટ પ્રકાશિત થાય છે, તેમાં 50 ટોચના ધનવાનો યાદી (જોકે આ બધા જ ‘શ્રીમંત’ કે ‘શ્રેષ્ઠી’ નથી હોં...) સાથે જણાવાયું છે કે આમાંથી બહુ ઓછા ધનાઢયો છાશવારે અખબારી પાનાઓમાં ચમકતા રહેતા કે માધ્યમોમાં જોવા મળતા સેલિબ્રિટીસમાં જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આપણી પાસે ધન હોય એટલે બધે તેનો દેખાડો કરતાં ફરવું તે જરૂરી નથી.
વાચક મિત્રો, આપણી લોકોક્તિમાં કહેવાયું છે કે નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ. આ બધું સાચું, પણ આપણા મુઠ્ઠીઊંચેરા ઉમાશંકર જોષીએ કહેલી વાત પણ ભૂલવા જેવી નથી. આપણે જે નીતિમતા - મૂલ્યોને અનુસરીને વાવીએ છીએ તેવું જ ધનપતિ, શ્રીમંત કે શ્રેષ્ઠી તરીકે લણીએ છીએ. ધન પામવા માટે સહુ કોઇ પોતપોતાની રીતે પ્રયાસ કરતા હોય છે, અને પ્રયાસને અનુરૂપ ધન પામતા પણ હોય છે. આપણે તો પરમ તત્વને એટલી જ પ્રાર્થના કરીએ કે આવક ઓછી હોય કે વધુ, સહુ કોઇને સંતોષી જીવન સાથે સન્મતિ આપે, સદ્બુદ્ધિ આપે. (ક્રમશઃ)