વડીલો સહિત સહુ વાચક મિત્રો, વિક્રમ સંવત ૨૦૭૦ની વિદાય વેળાએ, આપના પ્રિય ‘ગુજરાત સમાચાર’ના આ વર્ષના અંતિમ અંકના માધ્યમથી આપ સહુ સમક્ષ ઉપસ્થિત થયો છું. બે કર જોડીને આપ સહુના હૃદયમાં બિરાજમાન પરમાત્માને હું વંદન કરું છું. આજે (સોમવાર, ૧૩ ઓક્ટોબરે) આ લખાઇ રહ્યું છે. વહેલી સવારે, પરોઢિયે જ કહોને, ઉઠી ગયો. કેવો મંગળ દિવસ! ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી... પંક્તિઓ મનમાં ગુંજી રહી હતી અને આંખો ખુલી ગઇ. પરમાત્માની કરુણા અને આપ સહુ આત્મીયજનોનો ઉષ્માપૂર્ણ સહયોગ... કેવો સુભગ સમન્વય.
હવે સપરમા દિવસોની લગભગ શરૂઆત થઇ ચૂકી છે. આપના હાથમાં આ અંક આવશે ત્યારે એકાદશી હાથવેંતમાં હશે. પછીના સપ્તાહે આપણે સહુ દીપોત્સવ ઉજવીશું અને નૂતન વર્ષના પ્રવેશમાં ડગલું માંડશું. સહુ વડીલો, વાચકો, લેખકો, કવિઓ, કલાકારો, વિતરકો, વિજ્ઞાપનદાતાઓ અને સર્વે શુભ ચિંતકોના અદભૂત સહકારથી વીતેલું વર્ષ આપની આ પ્રકાશન પેઢી માટે સર્વાંગી સંતોષજનક રહ્યું છે. બ્રિટનનું અર્થતંત્ર સુધરી રહ્યું છે. એબીપીએલ ગ્રૂપનું તંત્ર પણ મજબૂત બન્યું છે. અલબત્ત, એક બાબત જરૂર સ્વીકારવી રહી કે દેશને જ્યારે ફ્લુ થયો હોય ત્યારે કોઇને પણ છીંક તો આવે જ. હા, પણ પડકારજનક વર્ષમાં પણ આપ સહુ વાચકોએ ખૂબ કરુણા દાખવી છે એ વાત તો માથે ચઢાવવી જ રહી.
વીતેલા વર્ષમાં મારા અને મારા પરિવારના જીવનમાં (આપના સૌની જેમજ સ્તો!) કેટલીક નાની-મોટી ઘટનાઓ બની ગઇ. લઘુબંધુ સહિત નિકટના અનેક સ્નેહીજનો-મિત્રોએ વિદાય લીધી. સ્વ-જનની વિદાયનો વિષાદ પણ સહજ છે. જોકે આવા વિષાદના નિવારણ અર્થે મહા મૃત્યુંજય મંત્રનો જાપ જ મારા માટે અમોઘ શસ્ત્ર નીવડે છે. વીતેલા વર્ષમાં એકથી વધુ વાર ભારત પ્રવાસે જવાના પ્રસંગ બન્યા તો સિગ્મા ફાર્માસ્યુટિકલ થકી મેક્સિકો, પોપટ પરિવાર થકી રોમ, અને ‘ન.મો.’ થકી અમેરિકાનો પ્રવાસ પણ કરી શક્યો.
કાર્યાલયનો અહેવાલ આપું તો, પ્રામાણિકપણે કહી શકું કે લંડન તથા અમદાવાદના મારા સાથીઓ સાચે જ આપ સહુની સેવામાં સમર્પિત છે. કોઇક નિવૃત્ત થયા, કોઇ બીજી પ્રવૃત્તિમાં ગયા તો કેટલાક નવા સાથીઓ પણ આપણને સાંપડ્યા છે... આ બધું ઉપરવાળાએ બહુ સારી રીતે ગોઠવ્યું છે. આપણે સૌ વાચક મિત્રો, સનાતન ધર્મના અનુયાયીઓ, એક અમૂલ્ય વિરાસતના વારસદારો છીએ. સુખેદુખે સમેકૃત્વા લાભાલાભે જયાજયો એ સંસ્કાર પણ આપણે ગળથૂંથીમાં જ મેળવ્યા હોય છેને?
તાજેતરમાં ન્યૂ યોર્ક અને વોશિંગ્ટનના પ્રવાસ દરમિયાન હું ન્યૂ જર્સીમાં સ્થપાયેલા નૂતન સ્વામિનારાયણ મંદિરના દર્શને જઇ શક્યો હતો તેને મારું સદ્ભાગ્ય ગણું છું. આ ભવ્યાતિભવ્ય મંદિરના દ્વાર તો હરિભક્તો માટે ખુલ્લાં મૂકાઇ ગયાં છે, પણ ૧૬૭ એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ સંકુલમાં સ્વામિનારાયણ અક્ષરધામના મહામંદિરનું નિર્માણકાર્ય આજે પણ ચાલી રહ્યું છે. ભવિષ્યમાં આ વિશે વધુ વિગતવાર લેખ પ્રસિદ્ધ કરવાનું વિચારી રહ્યો છું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ લાખો હરિભક્તોની ઇચ્છાને લક્ષમાં લઇને, થોડીક નાદુરસ્ત તબિયત હોવા છતાં, બે મહિના પૂર્વે અમેરિકા પ્રવાસે ગયા હતા અને તેમના હસ્તે મંદિરમાં અંજનશલાકા વિધિ સંપન્ન થઇ હતી.
હું એમ માનું છું કે આ અદભૂત મહા-અક્ષરધામનું નિર્માણકાર્ય નિહાળીને સ્વામીબાપાએ પરમ સંતોષ અને આનંદની લાગણી અનુભવી હશે. મારુ સદ્ભાગ્ય તો જૂઓ... હું આ મંદિરના દર્શને પહોંચ્યો અને વર્ષોજૂના પરિચિત સત્સંગી શ્રી હરીશભાઇ અમૂલખભાઇ બ્રહ્મભટ્ટ (તારાપુરવાળા) - મને આવકારવા માટે - પ્રવેશદ્વારે જ ઉભા હતા. તેમને નિહાળીને આનંદ આનંદ થઇ ગયો. તેમના પરિવાર સાથે મારે નાતો ૬૦ વર્ષ જૂનો છે. મંદિર સંકુલમાં ફર્યો ત્યારે આ પ્રોજેક્ટના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી કનુભાઇ પટેલે સતત મારી સાથે રહીને નાની નાની વાતોથી માહિતગાર કર્યો. મને ખ્યાલ છે ત્યાં સુધી કનુભાઇ ઉત્તર ગુજરાતના વતની છે. ઉચ્ચ સુશિક્ષિત છે અને કન્સ્ટ્રક્શન વ્યવસાયમાંથી વર્ષેદહાડે પોણા બે લાખ ડોલરની તગડી કમાણી કરી લેતા હતા. પણ ‘સ્વામી’નો રાજીપો મેળવવા માટે આ યુવાન જેવા હરિભક્ત હવે BAPSને સમર્પિત સેવા આપી રહ્યા છે.
આપણી સનાતન ધર્મની પ્રવૃત્તિઓમાં BAPS મોખરાના સ્થાને ઉભરી આવી છે તેમાં કોઇ બેમત નથી. હવે તે માત્ર ધાર્મિક સંસ્થા રહી નથી. નાનાં ભૂલકાંથી માંડીને વડીલો સુધી - સહુ કોઇને આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કારિક સહિત સર્વ પ્રકારનું સત્વશીલ જીવનભાથું પ્રદાન કરવામાં વિશ્વભરના સત્સંગીઓ અવિરત પરિશ્રમ ઉઠાવી રહ્યા છે. આ તમામને પણ આજે વંદન કરું છું.
ન્યૂ જર્સીમાં સ્થપાયેલા BAPSમંદિર અને તેની બાજુમાં જ આકાર લઇ રહેલા મહા-અક્ષરધામનું સરનામું નોંધી લોઃ
BAPS Shri Swaminarayan Mandir,
112 - N Main Street, Robbinsville, NJ - 08561
Phone: 001609 9181212
Fax: 001609 9181111
http://www.baps.org/Global-Network/North-America/Robbinsville.aspx
આવા એક સુંદર રમણીય અને પ્રેરણાદાયી સ્થળે દર્શન કરવા, મુલાકાત લઇને કંઇક નવું મેળવવા જઇ શકાય તો સોનેરી અવસર ગુમાવવા જેવો નથી.
આપ સહુ વાચક મિત્રોએ, મને સરસ મજાની નોકરી આપી છે તે મારું સદભાગ્ય છે. તાજેતરમાં ગુજરાતના અગ્રણી પ્રકાશક રાજકોટ સ્થિત પ્રવીણ પ્રકાશનના ગોપાલભાઇ કાર્યાલયમાં પધાર્યા હતા અને સરસ મજાના બે પુસ્તકો ભેટ આપી ગયા. આમાંનું એક પુસ્તક છે - ‘મહામાનવ સરદાર’. વિદ્વાન-અભ્યાસુ લેખક મુરબ્બી દિનકરભાઇ જોશીએ આ પુસ્તક આપીને સમાજને ઉપકૃત કર્યો છે એમ કહું તો તેમાં જરા પણ અસત્ય નથી. આ પુસ્તકની આવૃત્તિ ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને હિન્દીમાં પણ પ્રકાશિત થઇ છે. સરદાર વિશે અધિકૃત, ગહન સંશોધન બાદ અવનવી અને સત્ય આધારિત માહિતી મેળવવા ઇચ્છતી દરેક વ્યક્તિએ ‘મહામાનવ સરદાર’ વાંચવું જ જોઇએ. પણ આ પુસ્તક મેળવશો ક્યાંથી? લખી લો પ્રવીણ પ્રકાશનનો સંપર્ક - ફોન +91-281-2232460 અથવા +91-281-2234602.
પુસ્તકોની વાત નીકળી જ છે તો બીજું પણ એક આંગળી ચીંધામણ કરી જ દઉં. બે’ક મહિના પૂર્વે, રાજકોટના જ વતની એવા અશ્વિનભાઇ અનડકટ પણ મને મળવા આવ્યા હતા. અનડકટ પરિવાર વર્ષોથી રિઅલ એસ્ટેટ વ્યવસ્થાય સાથે સંકળાયેલો છે અને આ ક્ષેત્રે આગવી નામના અને વિશ્વસનીયતા ધરાવે છે. અશ્વિનભાઇ જ્યારે પણ મળવા આવે ત્યારે જાહેરખબરોનું તો અન્ય સાથીદારોને મળીને ગોઠવી લે, પણ મને હંમેશા અવનવા અને રસપ્રદ પુસ્તકો વાંચવા આપતા જાય. આ વેળાની મુલાકાતમાં તેમણે મને આપેલા પુસ્તકોમાંથી મારે શ્રી રામકૃષ્ણ આશ્રમ-રાજકોટ દ્વારા પ્રકાશિત બે પુસ્તિકાઓનો ખાસ ઉલ્લેખ કરવો છે.
સ્વામી વિશ્વેશરાનંદ એટલે રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ. તેમણે ૩૦ વર્ષ પૂર્વે અંગ્રેજીમાં આપેલા પ્રવચનોનો ગુજરાતી અનુવાદ ‘આધુનિક યુગમાં આધ્યાત્મિક આદર્શો’ નામે કંડારવામાં આવ્યો છે.
આ પુસ્તક વાંચવા જેવું છે, અને વિચારવા જેવું પણ. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહું તો, આપણને ત્રણ બાબતની બહુ જરૂર છે - સંવેદનશીલ હૃદય, વિચારશીલ મગજ અને કાર્યરત હાથ. આ બધાનો વૈચારિક ત્રિવેણી સંગમ પુસ્તકમાં છે.
હવે વાત બીજા પુસ્તકની. બ્રહ્મલીન સ્વામી બુદ્ધાનંદનો ૩૧ વર્ષ પૂર્વે અંગ્રેજીમાં એક લેખ પ્રકાશિત થયો હતો - ‘પ્રબુદ્ધ ભારત’માં પુસ્તિકા સ્વરૂપે પ્રકાશિત થયેલા આ લેખના ગુજરાતી અનુવાદની અત્યાર સુધીમાં ૬૦,૦૦૦ નકલો વેચાઇ ચૂકી છે. પુસ્તિકાનું નામ છે - ‘ઇચ્છાશક્તિ અને તેનો વિકાસ’. જો સગવડ પડે તો તે પણ વસાવવા જેવું, વાંચવા જેવું, વિચારવા જેવું અને વાગોળવા જેવું પુસ્તક છે. આ બન્ને પુસ્તકો માટે તમે સંપર્ક કરી શકો - રામકૃષ્ણ આશ્રમ-રાજકોટ - ફોનઃ +91-281-2465200 અથવા +91-281-2463000.
સરદાર સ્મરણનું પર્વ
સરદાર જયંતી આવી રહી છે તેના ઉપલક્ષ્યમાં ‘મહામાનવ સરદાર’ પુસ્તકમાંથી પાન નં. ૫૭-૫૮ તરફ આંગળી ચિંધામણ કરવાનું મન રોકી શકતો નથી. વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલ પાસે કરમસદ, બારડોલી, અમદાવાદ, મુંબઇ, દિલ્હી કે અરે, દેશમાં (કે પરદેશમાં) અન્ય કોઇ પણ સ્થળે અંગત માલિકીના જમીન કે મકાન ક્યારેય નહોતા. ૧૯૪૬માં જ્યારે વચગાળાની સરકારમાં તેમની વરિષ્ઠ સ્થાને નિમણૂક થઇ ત્યારે પણ ઉચ્ચ અધિકારીઓના આગ્રહના કારણે જ તેમણે ૧-ઔરંગઝેબ રોડ પરના મકાનમાં રહેવા જવાનું સ્વીકાર્યું હતું. પૂ. મણિબહેન અમુક ચોક્કસ દિવસે, ચોક્કસ સમયે પહોંચશે તેવું ઘરની સારસંભાળ રાખતા ચોકીદારોને આગોતરું જણાવી દેવાયું હતું. નિયત સમયે મણિબહેન ગાડીમાં સામાન સાથે પહોંચી ગયા. સામાનમાં પણ ખાસ કંઇ નહીં, બે પતરાની પેટી અને બે-ત્રણ ડબ્બા હતા. ઘરનો ચોકીદાર તો તેમને જોયે ઓળખતો પણ નહોતો. ડ્રાઇવરે હજુ તો ગાડીમાંથી સામાન ઉતાર્યો. અને ડ્રાઇવર કે બીજું કોઇ સામાન ઊંચકે તે પહેલાં તો મણિબહેન એક હાથમાં પતરાની બેગ અને બીજા હાથમાં એક ડબો લઇને ઘરમાં પહોંચી ગયા. આ જોઇને ચોકીદારથી માંડીને નોકરો બધા અવાચક જ થઇ ગયા હતા. આ હતી સરદારની જાગીર! તેમના અવસાન બાદ - બેન્ક એકાઉન્ટમાં - તેમના નામે માત્ર ૨૫૨ રૂપિયાની પૂંજી જમા હતી. આ પણ દિવસો હતા.
આપણે બધા સરદાર તો ન થઇ શકીએ, પણ તેમના વિશે થોડુંક વધુ જાણીએ, થોડુંક તેમના જીવનમાંથી શીખીએ અને તેમના જીવનમાંથી રજમાત્ર અમલમાં મૂકીએ તો ભયો ભયો...
સહુ વાચક મિત્રોને, દિપોત્સવી પર્વ અને નૂતન વર્ષના ઝાઝેરા જુહાર...
લી. સી. બી.ના સહૃદય ૐ નમઃ શિવાય (ક્રમશઃ)