ના હું ગાઇશ. ના હું તો ગાઇશ જ... પણ ક્યાં સુધી..? ધોતિયું ફાડીને રૂમાલ ન થાય સુધી?

સી. બી. પટેલ Tuesday 04th December 2018 13:14 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, બોદા વાજિંત્રની સંગતમાં બેસૂરા સ્વરે ગાયન રજૂ થાય અને જે ઘાટ રચાય કંઇક તેવી જ હાલત અત્યારે બ્રિટિશ રાજકારણની અને તેમાં પણ તે સત્તાધારી પક્ષની જોવા મળી રહી છે. થેરેસા મે હટાવ ઝૂંબેશ એ જાણે આ બેસૂરા, કઢંગા ગાયનનું શીર્ષક બન્યું છે. બ્રિટિશ સરકારનું પ્રધાનમંડળ લગભગ ૯૧ સભ્યો ધરાવે છે. તેમાંના સાતેક જેવા કેબિનેટ મિનિસ્ટર ઉપરાંત પ્રધાન, નાયબ પ્રધાન, પાર્લામેન્ટરી સેક્રેટરી એવા બીજા ૧૨ નાના મોટા પ્રધાનપદ ધરાવનારાઓએ બ્રેક્ઝિટ મુદ્દે મે સરકારમાંથી રાજીનામા ધરી દીધાં છે. આવા નેતાઓની યાદી પર એક નજર ફેરવવા જેવી છે.
ડેવિડ ડેવિસ એટલે પૂર્વ બ્રેક્ઝિટ સેક્રેટરી અને એક વેળાના નેતાપદના પરાજીત ઉમેદવાર. સ્ટીવ બેકર - યુરોપિયન રિસર્ચ ગ્રૂપ (૧૫-૨૦ ટકા યુરોસ્કેપ્ટિક ટોરી સાંસદોના વિપ્લવી જૂથના પૂર્વ નેતા), બોરીસ જ્હોન્સન હાડોહાડ બ્રેક્ઝિટ સમર્થક અને જિસ કે તડમેં લડ્ડુ ઉસકે તડમેં હમ...ની નીતિને માનનારા-અનુસરનારા રીઢા રાજકારણી. આ ઉપરાંત બાકીના નામો જોઇએ તો સર્વશ્રી કોનોર બર્ન્સ, રોબર્ટ કોટ્સ, ક્રીસ ગ્રીન, ટોરી પક્ષના બે નાયબ નેતાઓ - બેન બ્રેડલી તથા મારિયા કોલફિલ્ડ, તદ્ઉપરાંત સ્કોટ માન, ગુટો બેબ, યો જ્હોન્સન, ડોમિનિક ટબ (બીજા પૂર્વ બ્રેક્ઝિટ સેક્રેટરી) અને એસ્થર મેક્વી, સુએલા બ્રેવરમેન (ફર્નાન્ડીઝ), આપણા ગુજરાતી જણ શૈલેષ વારા, રહેમાન ચિશ્તી, અનિલ જયવર્ધને, મેરી ટ્રેવલીન... ૩૦ નવેમ્બરે પ્રધાનમંડળમાંથી રાજીનામું ધરી દેનારા આફ્રિકન વંશના સામ જીમા... આ જરા વધુ વજનદાર નામ ગણી શકાય. આશરે ૯૧માંથી ૧૯ સાથીદારોએ સરકારમાંથી રાજીનામું ધરી દીધું છે એટલે થેરેસા મેને ફટકો તો પડ્યો છે, પરંતુ મેડમ પ્રાઇમ મિનિસ્ટર એ વાતનો સંતોષ લઇ શકે છે કે આ ફટકો હજી સુધી મરણોતલ તો નથી જ.
એક વેળા શાસક કન્ઝર્વેટિવ (ટોરી) પાર્ટી સ્થિર, ગંભીર, જવાબદાર, વિશ્વાસપાત્ર પક્ષ તરીકે આગવી નામના ધરાવતી હતી. તે ભવ્ય સમયની સરખામણીએ પક્ષની અત્યારની હાલત સાચે જ દયાપાત્ર ગણાય. તો બીજી તરફ, આ જ બાબતને બ્રિટનના ભાવિ માટે ખતરાજનક પણ કહી શકાય. પ્રવર્તમાન સંજોગોમાં બ્રિટનનું રાજકીય ભાવિ શું? સવાલના જવાબમાં ચાર વિકલ્પ ઉભરી આવે છે.
પ્લાન એઃ થેરેસા મેની દરખાસ્તઃ ૨૦૧૬ના રેફરન્ડમ વેળા જનતાએ આપેલા નિર્ણયને અમલી બનાવવો અને યુરોપિયન યુનિયનની કોમન એગ્રીકલ્ચર એન્ડ ફિશરીઝ પોલીસીમાંથી આગામી ૨૯ માર્ચે અલગ પડીને તેનું અમલીકરણ કરવું.
વીથડ્રોઅલ એગ્રીમેન્ટ (છૂટાછેડા સંબંધિત સમજૂતી કરાર) કે જેને બે વર્ષની ગંભીર ચર્ચાવિચારણાના અંતે આખરી ઓપ આપવામાં આવ્યો છે તેને બન્ને પક્ષો (બ્રિટન અને યુરોપિયન યુનિયન) એકમાત્ર અને આખરી પ્રસ્તાવ ગણે છે. થેરેસા મેના પ્રસ્તાવની સૌથી નબળી બાજુ એ છે કે બે વર્ષ કે ચાર વર્ષના આ ટ્રાન્ઝિશન પિરિયડ દરમિયાન યુરોપિયન યુનિયનના નીતિનિયમો પર બ્રિટનનો કોઇ જ પ્રભાવ નહીં હોય.
પ્લાન બીઃ યુરોપિયન યુનિયનના આરંભે નોર્વે માટે અલગ પ્રકારની સંધિ સાધવામાં આવી છે. તે યુરોપિયન યુનિયનમાં નથી, પરંતુ વેપાર-વિનિમય વગેરે ક્ષેત્રે યુરોપિયન યુનિયન સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ટોરી પક્ષના બ્રેક્ઝિટ સમર્થક જૂથને આ અધકચરી પણ વાસ્તવિક લેતીદેતી પસંદ નથી.
પ્લાન સીઃ બ્રેક્ઝિટ મુદ્દે નવેસરથી જનમત મેળવવો, નવું રેફરન્ડમ યોજવું. પ્રથમ રેફરન્ડમ વેળા - યુરોપિયન યુનિયનમાં રહેવું કે પછી છૂટા પડવું તે મુદ્દે - બન્ને પક્ષકારોના મુદ્દાઓ કે પ્રચારના વક્તવ્યો વધુ ભાવનાશીલ અને ઉશ્કેરણીજનક હતા એ તો હકીકત છેને? વળી, ઓછા મતદાનમાં અલ્પ બહુમતીથી બ્રેક્ઝિટનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બ્રેક્ઝિટ એક યા બીજી રીતે સાકાર થાય તો પણ બ્રિટનની આર્થિક સ્થિતિ આજે અને આવતી કાલે અત્યંત નબળી થાય તે ચોક્કસ જણાય છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડ, બ્રિટિશ સરકાર અને બ્રેક્ઝિટ માટે થનગનતા વર્તુળો પણ એ તો સ્વીકારે જ છે કે વિવિધ પ્રકારના ‘છૂટાછેડા’ બાદ આગામી દોઢ દસકા એટલે કે ૧૫ વર્ષ સુધી બ્રિટનની આર્થિક હાલતને ૦.૯ ટકાથી માંડીને ૯.૩ ટકા સુધીનો ઘસારો લાગવાનો તે નિશ્ચિત છે. આમાં પણ વળી જો બ્રેક્ઝિટ બાબતે બન્ને પક્ષકારોને સ્વીકાર્ય એવું સમાધાન ન સધાયું તો વળી આનાથી પણ વધુ ગંભીર કટોકટી સર્જાશે તેવા સંકેતો સ્પષ્ટ જોઇ શકાય છે.
અર્થશાસ્ત્રીઓએ આંકડાઓ સાથે કડાકૂટ કરીને તારણ કાઢ્યું છે કે - બ્રેક્ઝિટના પગલે - બ્રિટિશ નાગરિકની સરેરાશ આવકમાં ૮.૧ ટકાનો ઘટાડો નોંધાશે. પાઉન્ડના મૂલ્યમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ૨૫ ટકાનો તીવ્ર ઘટાડો નોંધાશે. વાત અહીં પૂરી નથી થતી. એક યા બીજા પ્રકારે અર્થતંત્રના અન્ય ક્ષેત્રોમાં પણ વિપરિત અસર જોવા મળશે. મારે - કે અમારે - ભલે મરવું પડે, પણ તને તો વિધવા બનાવશું જ તેવો આત્મઘાતી અભિગમ ના તો સમજદાર માણસનું લક્ષણ છે અને ના તો સ્વસ્થ સમાજનું.
પ્લાન ડીઃ ૧૧મી ડિસેમ્બરે બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં બ્રેક્ઝિટ પ્રશ્ને અતિ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવશે. આર યા પાર જેવા આ નિર્ણયના સમર્થનમાં બહુમતી સમુદાયનું સમર્થન પ્રાપ્ત કરવા થેરેસા મે સરકાર અને તેમના સમર્થકો દેશભરમાં ફરી વળ્યા છે. પ્રવાસ અને પ્રચાર ઝૂંબેશમાં તેઓ દિવસ-રાત એક કરી રહ્યા છે. તો સામા પક્ષે પણ જનમતને પોતાની તરફેણમાં વાળવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. ખરાખરીના આ જંગ માટે એકેય પક્ષ કોઇ કસર છોડવા માગતો નથી.
...જો થેરેસા મે સરકારની દરખાસ્તને પાર્લામેન્ટે મંજૂરીની મહોર ન મારી તો?! ટોરી પક્ષના અસંતુષ્ટ બ્રેક્ઝિટવાદી ત્રીસેક સભ્ય ઉપરાંત નોર્ધર્ન આયર્લેન્ડના યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (યુડીપી)ના ૧૦ સભ્યો એવો અંદાજ માંડે છે કે તેમની સાથે લેબર પાર્ટીના સારા એવા સાંસદો મે સરકારની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કરશે. આ જો અને તોનો વિષય અત્યારે આપણે આવતા સપ્તાહ પર ચર્ચવાનું મુલત્વી રાખીએ.
અલબત્ત, અવઢવના આ માહોલ વચ્ચે એક વાત નક્કી છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલી વખત એવું બન્યું છે કે બ્રિટનના સમગ્રતયા ભાવિ પર ભારે કટોકટી ઝળૂંબી રહી છે.

શાબ્દિક જંગનો તખતો તૈયાર

આવતા રવિવારે - નવમી ડિસેમ્બરે BBC ટીવી ઉપર વડા પ્રધાન થેરેસા મે અને લેબર પાર્ટીના પીઢ નેતા જેરેમી કોર્બિન આમનેસામને હશે. પાર્લામેન્ટમાં બ્રેક્ઝિટ દરખાસ્ત પર ૧૧ ડિસેમ્બરે ચર્ચા - મતદાન થાય તે પૂર્વે આ બન્ને નેતાઓ વચ્ચે શાબ્દિક જંગ ખેલાશે. નો હોલ્ડ્સ બાર ડિબેટ તરીકે ઓળખાતી આ ચર્ચામાં વિષયને કે મુદ્દાને કોઇ સીમાડા નથી હોતા. મે અને કોર્બિન અનેકવિધ મુદ્દે ખાંડા ખખડાવશે. તો આઇટીવી પણ કંઇક આવા જ પ્રકારની ચર્ચા બીજી કોઇ રીતે યોજવા માટે આતુર છે.
જોકે આ ટીવી ડિબેટ માટે નાચવું નહીં તેથી આંગણ વાંકુ તેવો ઘાટ થઇ રહ્યો છે. લેબર પાર્ટીનો આ અભિગમ એક વૈકલ્પિક પક્ષને છાજે તેવો જરાય નથી. આર્થિકથી માંડીને અન્ય પ્રકારના મુદ્દે ડાબેરી વલણ ધરાવતી હાલની લેબર પાર્ટી કદાચ આ જ કારણસર રાષ્ટ્રીય સ્તરે અત્યંત મર્યાદિત સ્વીકૃતિ ધરાવે છે. આ સંજોગોમાં જેરેમી કોર્બિન પણ એકલા હાથે શું કરી શકશે તે એક સવાલ છે.
બ્રિટન કોઇ પણ ભોગે યુરોપિયન યુનિયનમાંથી છૂટા પડવા તત્પર છે, પરંતુ સરવાળે તો તેને જ નુકસાન છે, અને તે પણ તમામ ક્ષેત્રે. મમતે ચઢેલા રાજકારણીઓ જ જ્યારે બે ફાડિયા માટે તત્પર બન્યા હોય ત્યારે શું કહેવું? (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter