વડીલો સહિત સહુ વાચક મિત્રો, શીર્ષકમાં ટાંકેલા પાંચ શબ્દોના અર્થ તો અનેક છે, પરંતુ સાદા શબ્દોમાં એટલું કહી શકાય કે આપણી તબિયત સારી તો સુખનું પહેલું પગથિયું ચઢી ગયા સમજી લો. પહેલું સુખ તે જાતે નર્યામાં ‘સુખ’ અને ખાસ તો તેની સાથેનો ‘જાતે’ શબ્દ કંઇક અધિક સૂચક છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. કરો તેવું પામો. જેવા વિચાર, વાણી અને વર્તન તેવું પરિણામ તેવા વિવિધ અર્થઘટન કરવા આપણને શક્તિમાન બનાવે છે.
તાજેતરમાં ફ્રેન્ડ્સ ઓફ ઇંડિયા ઇન્ટરનેશનલ અને બ્રેન્ટ ઇંડિયન એસોસિએશન (બીઆઇએ)ના સહયોગમાં આપણે બે વાર્તાલાપો કે વિચારમંથનોના કાર્યક્રમો યોજ્યા હતા. આ અંગેનો અહેવાલ આપ સહુ સુજ્ઞ વાચકોએ ગુજરાત સમાચારમાં વાંચ્યા જ હશે.
આ કાર્યક્રમની જ વાત છે. સહુ કોઇ પોતપોતાના વિચાર વ્યક્ત કરી રહ્યા હતા. એક બહેન ઊભા થયા અને ભારતમાં શૌચાલયોની બદતર હાલત તથા આ સ્થિતિના નિવારણ માટે તેમણે કરેલા શક્ય પ્રયાસોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે અમુક વિસ્તારમાં સંખ્યાબંધ શૌચાલયોના નિર્માણનું કાર્ય પૂર્ણ કર્યું છે અને બીજા સ્થળોએ આવી જ કામગીરી ચાલી રહી છે. ખુલ્લામાં શૌચક્રિયાએ જવાનું બંધ થશે તો અનેક રોગ પર અંકુશ આવશે. વગેરે વગેરે...
આ સાંભળીને બીજા એક બહેન ઊભા થયા અને તેમણે કહ્યું કે તમે શૌચાલયોની વાત કરો છો, પણ પાણીની સમસ્યાને તો તમે ધ્યાનમાં જ નથી લેતા. પહેલા પાણીની સમસ્યા ઉકેલો એટલે ખુલ્લામાં શૌચક્રિયાએ જવા સહિત શૌચાલયોની સમસ્યા પણ ઘણા અંશે હળવી થઇ જશે, વગેરે વગેરે...
વાત ‘આગળ’ વધે તેમ હોવાથી મેં હસ્તક્ષેપ કર્યો. મારું એક જ સૂચન હતું - સહુ કોઇએ પોતપોતાની રીતે જાહેર જીવનમાં યોગદાન આપવું જ જોઇએ. તમને શૌચાલયના ક્ષેત્રે કામ કરવાનું મહત્ત્વનું લાગતું હોય તો તમે એમ કરો અને કોઇને પાણીના ક્ષેત્રે સહયોગ આપવાનું જરૂરી જણાતું હોય તો તે આ કામ કરે. જાહેરજીવન સાથે સંકળાયેલા આ બધા કામો એવા છે કે સબ કા સાથ વગર સબ કા વિકાસ શક્ય જ નથી. જો લોકોનો સહયોગ ન હોય તો ગમેતેવા વિકસિત દેશનું તંત્ર આખું ઊંધા માથે થઇ જાય અને સરકાર એકલા હાથે કંઇ પણ ન કરી શકે.
બ્રિટનની જ વાત કરોને. આટલો સમૃદ્ધ - સંપન્ન દેશે છે, છતાં આ દેશમાં ચેરિટીનું આગવું મહત્ત્વ છે. આશરે ૬.૩ કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં પ્રત્યેક વ્યક્તિ માથાદીઠ સરેરાશ ૯૦ પાઉન્ડ સખાવતી કાર્યો માટે ફાળવે છે. તેમાં પણ અછતવાળા કહેવાય, સામાન્ય કહેવાય તેવા, પેન્શનની ટૂંકી આવક ધરાવતા લોકોનું યોગદાન સૌથી વધુ ઉમદા ગણી શકાય. આશરે ૫૫૦૦થી ૬૦૦૦ પાઉન્ડના પેન્શન પર જીવનનિર્વાહ કરતી વ્યક્તિ પોતાની આ મર્યાદિત રકમમાંથી ભલે સોએક પાઉન્ડનું દાન કરતી હોય, પણ તેનું મૂલ્ય મિલિયોનેરના હજારો પાઉન્ડ કરતાં પણ અનેકગણું વધુ હોવાનું મારું નમ્ર મંતવ્ય છે. દુનિયાભરમાં અનેક સ્થળે જનસમૂહ દ્વારા રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, જાહેર સુવિધા સહિતના ક્ષેત્રે જે કંઇ સેવાકાર્યો ચાલી રહ્યા છે તે સાચે જ માનવસમાજનું સૌથી ઉજળું પાસું દર્શાવે છે.
આપણી આ વાતને આગળ વધારીએ તે પહેલાં તાજેતરનો એક પ્રસંગ ટાંકવાનું જરૂરી સમજું છું. ગયા સપ્તાહે એક યુવાન દંપતી કાર્યાલયમાં પધાર્યા હતા. બન્ને મેડિકલ કોલેજમાં જ્વલંત શિક્ષણ બાદ હાલમાં જીપીની ટ્રેનિંગ લઇ રહ્યા છે. જેમની ગળથૂંથીમાં આપણો ભારતીય સંસ્કારવારસો ધબકે છે તેવા આ યુગલ પાસેથી ઘણું જાણવા મળ્યું. આપણે તબીબી સેવાને સમાજસેવા માટે સૌથી ઉમદા વ્યવસાય ગણી શકીએ. માનવીય દૃષ્ટિકોણથી જોઇએ તો પણ ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ છે. સવિશેષ જે ડોક્ટરો કે પેરામેડિકસ એનએચએસમાં કામ કરે છે તેમને ખરેખર હું ખૂબ સમાજ પરસ્ત ગણું છું.
બ્રિટનમાં પણ અઢળક પ્રાઇવેટ હોસ્પિટલ અને કેર હોમ છે અને તમામ કમાણીથી ધમધમે છે. જ્યારે એનએચએસમાં કામ કરનારની મર્યાદિત આવક હોય છે. હું સંક્ષિપ્તમાં કહું તો જીપીને વર્ષેદહાડે સરેરાશ ૮૦૦૦ પેશન્ટની સારસંભાળની જવાબદારી નિભાવવાની હોય છે. નિદાન, દવા આપવા સહિતની જવાબદારીઓ તેના માથે હોય છે. એનએચએસના સંચાલકો એવી અપેક્ષા રાખે છે કે જે તે જીપીએ દરેક દર્દીને સરેરાશ ૧૦ મિનિટ તો ફાળવવી જ જોઇએ. ૧૦ મિનિટમાં દર્દી શું રજૂઆત કરે અને જીપી શું સમજે તે અંગે મેં મારી મૂંઝવણ આ યુવા યુગલ સમક્ષ રજૂ કરી.
તેમણે સમજાવ્યું કે દરેક જીપીએ સરેરાશ ૮૦૦૦ પેશન્ટ જોવાના હોય તો સંભવ છે કે ૨૦થી ૨૫ ટકા એટલે કે આશરે ૨૦૦૦ દર્દીઓ જીપી પાસે જતા પણ નથી કેમ કે કાં તો તેઓ તંદુરસ્ત હોય છે અથવા તો તેઓ પોતાના જ આરોગ્ય પ્રત્યે એટલા બેદરકાર હોય છે, જેથી તેમને જીપીને મળવા જવાની કોઇ પરવા જ હોતી નથી.
જે દર્દીઓ જીપી પાસે જાય છે, અને તેમાં પણ જેઓ પહેલું સુખ તે જાતે નર્યાના સૂત્રને ચરિતાર્થ કરી જાણે છે, તેમના પ્રત્યે જીપીને વધુ હમદર્દી હોય છે. આવા દર્દીઓ પોતાના આરોગ્યની તો પૂરતી સંભાળ લેતા જ હોય છે, સાથોસાથ ધુમ્રપાન, દારૂનું સેવન જેવા વ્યસનોને પણ અંકુશમાં રાખી જાણતા હોય છે.
આ યુગલે મને કહ્યું કે સીબીદાદા, અમે જાણીએ છીએ કે તમે વર્ષોથી ડાયાબિટિસના પેશન્ટ છો. તમે જાહેરમાં પણ આ વાત સ્વીકારો છો અને તમારો આ ‘મિત્ર’ તમારા કહ્યામાં કહે રહે તે માટે જરૂરી તમામ કાળજી પણ લો છો. દિવસમાં બે વખત સુગર લેવલ ચેક કરીને તેની નોંધ રાખો છો. સમયાંતરે જીપીને કન્સલ્ટ કરતા રહો છો અને તમારા આરોગ્ય વિષયક તમામ વિગતથી તેમને માહિતગાર રાખો છો. આ બધાના કારણે જીપી માટે પણ તમારી સારસંભાળ લેવાનું સરળ બની રહે છે અને આરોગ્ય પ્રત્યેની તમારી ખેવના જાણીને તે પણ હંમેશા તમને તમામ પ્રકારે મદદરૂપ થવા તત્પર રહે છે. તમારા જેવા દર્દીઓ પ્રત્યે જીપી હંમેશા સજાગ રહેતા હોય છે.
જ્યારે કેટલાક દર્દીઓ આરોગ્ય પ્રત્યે સાવ જ બેફિકર હોય છે. આવા દર્દીમાં જીપીને ઓછો રસ પડે છે કેમ કે જીપી માટે તેમની સારસંભાળ લેવાનું મુશ્કેલ બની જાય છે. જેમ કે ઓબેસિટીની જ વાત કરો ને. મેદસ્વિતાથી પીડાતી વ્યક્તિ પોતાની ખાણીપીણીનું ધ્યાન ન રાખે અને જીપીની સુચનાની ઉપેક્ષા કરીને ગમેતે પેટમાં ઓચર્યા કરે તો દવાની અસર ન જ થાયને? આવા દર્દીમાં કોઇ પણ ડોક્ટરને ઓછો રસ પડે તો તેમાં કોઇને નવાઇ લાગવી જોઇએ નહીં.
યુવા તબીબ બહેને એક બહુ ચોંકાવનારી વાત એ કરી કે કેટલાક દર્દીઓ વળી એવું માને છે કે અમારા આરોગ્યની સંભાળ લેવાની જવાબદારી તો એનએચએસની જ છે - પછી ભલે અમે ગમે તે કરીએ. વાચક મિત્રો, સાચું કહું તો આ મનોવૃત્તિ ભૂલભરેલી છે. આપણા સ્વાસ્થ્યની કાળજી લેવાની જવાબદારી આપણી પોતાની જ હોય છે.
આ ડોક્ટર કપલે એક વાત બહુ સરસ કરી કે દવાદારૂ એ બધું તો સેકન્ડરી છે. પાયાની વાત તો એ છે કે વ્યક્તિ શું ખાય છે? શું પીએ છે? તેના આચારવિચાર કેવા છે? તેની જીવનશૈલી કેવી છે? વગેરે પર તેના આરોગ્યનો આધાર હોય છે.
તમને નથી લાગતું કે સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો આપણે સહુએ આ બાબત પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ? પહેલું સુખ તે જાતે નર્યા કંઇ ખોખલા શબ્દો નથી. ધન ગમેતેટલું હશે, તન સ્વસ્થ નહીં હોય તો બધું નક્કામું છે.
•••
વોહ સુબહા કભી તો આયેગી...
હું આ ગીત ગણગણતો હતો ત્યારે મારા મનમાં વેમ્બલી સ્ટેડિયમમાં ૬૦ હજાર દર્શકોની ઉપસ્થિતિમાં વડા પ્રધાન ડેવિડ કેમરને ઉચ્ચારેલા શબ્દો યાદ તાજા થઇ ગયા. લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંબોધન પૂર્વે જનમેદનીને સંબોધતા ડેવિડ કેમરને કહ્યું હતું કે અચ્છે દિન આને વાલે હૈ... આ પછી તેમણે કહ્યું કે અચ્છે દિન આ રહે હૈ... તેના ઉચ્ચારણોમાંથી મને આ બાબતે આત્મમંથન કરવાનો અવસર સાંપડ્યો. અહીં રજૂ કરેલા ગીતની એક પંક્તિમાં સર્જક ખીલ્યા છે...
જબ દુખ કે બાદલ પીઘલેંગે,
સુખ કા સાગર છલકેગા
જબ અંબર ઝુમ કે નાચેગા,
જબ ધરતી નગમેં ગાયેગી...
ગીતકારે કેટલી સુંદર વાત કરી છે. આ ગીત ગણગણતાં મારા મનમાં એક બાબત તો સ્પષ્ટ થઇ જ ગઇ કે સુખનો સુરજ ક્યારે ઉગ્યો તે મનથી સમજવાની નહીં, દિલથી અનુભવવાની બાબત છે. કેટલાક લોકો - ઘુવડની જેમ - માની લે છે કે સુરજ ઉગતો જ નથી, પણ મલ્ટીનેશનલ બેન્કોના આંકડાઓ દર્શાવે છે કે ભારતમાં ૧૨ મહિના દરમિયાન મોટા પ્રમાણમાં વિદેશી મૂડીરોકાણ આવ્યું છે. આ ઉપરાંત અન્ય પ્રકારે પણ દેશમાં વિકાસ, પ્રગતિ, સુખાકારીનો આશાવાદ, આત્મવિશ્વાસ ધબકી રહ્યો છે તે પણ હકીકત જ છેને?
જ્યાં સુધી મનુષ્ય ઉજળા ભવિષ્ય માટે મનમાં દૃઢ નિશ્ચય ન કરે, આ માટે વિવિધ સ્તરે યથોચિત પ્રવૃતિ ન કરે ત્યાં સુધી ઉજળા દિવસો કે ઉજળા યુગનું આગમન સંભવ નથી. આવા દિવસો, યુગ બધું કંઇ સામેથી આવીને મળતું નથી. આ બધું આપમેળે આવીને આપણને મળશે એ માનસિક્તા તો પોતાની જાતને છેતરતી ભ્રમણા છે. ભૂલભૂલામણી છે. આથી જ સુખાકારીને હાંસલ કરવા માટે સહુકોઇએ યથાશક્તિ પ્રયત્નશીલ બનવું જ જોઇએ - પછી આ સુખાકારી સ્વહિત માટે હોય, પરહિત માટે હોય કે જનહિત માટે હોય.
વહ સુબહ કભી તો આયેગી,
વહ સુબહ કભી તો આયેગી,
ઈન કાલી સદિયો કે સર સે,
જબ રાત કા આંચલ ઢલકેગા
જબ દુઃખ કે બાદલ પિઘલેંગે,
જબ સુખ કા સાગર છલકેગા
જબ અંબર ઝુમ કે નાચેગા,
જબ ધરતી નગમેં ગાયેંગી
વહ સુબહ કભી તો આયેગી
જિસ સુબહ કી ખાતિર જુગ જુગ સે,
હમ સબ મર મર કર જીતે હૈ
જિસ સુબહ કે અમૃત કી ધૂન મેં,
હમ જહર કે પ્યાલે પીતે હૈ
ઈન ભૂખી પ્યાસી રુહો પર,
એક દિન તો કરમ ફર્માયેગી
વહ સુબહ કભી તો આયેગી
માના કે અભી તેરે મેરે અરમાનોં કી
કિંમત કુછ ભી નહીં
મિટ્ટી કા ભી હૈ કુછ મોલ મગર,
ઈન્સાનો કી કિંમત કુછ ભી નહીં
ઈન્સાનોં કી ઈજ્જત જબ જુઠે સિક્કો મેં
ના તોલી જાયેગી
વહ સુબહ કભી તો આયેગી
(ફિલ્મઃ ફીર સુબહ હોગી-૧૯૫૮,
ગીતકારઃ સાહિર લુધિયાનવી,
સંગીતઃ ખૈય્યામ)
•••
કોઇને કશું જ આપી ન શકે કે કોઇકને માટે કશું ન કરી શકે તેવો દરિદ્ર કે નિર્બળ માણસ હોતો જ નથી
તાજેતરમાં બનેલા બે પ્રસંગો આ વિચારની ચર્ચા માટે યથાયોગ્ય ગણાય. ૮ ડિસેમ્બરે શ્રીમતી એલ્સી ટુ નામના મહિલાનું ૧૦૨ વર્ષની વયે હોંગ કોંગમાં અવસાન નીપજ્યું. ૧૯૫૧માં તેમણે પાદરી પતિ સાથે હોંગ કોંગમાં સહજીવન શરૂ કર્યું. ઉત્તર ઈંગ્લેન્ડમાં જન્મેલ એલ્સીબેન સામાન્ય પરિવારની યુવતી. પતિ મિશનરી એટલે હાઉસવાઇફનું કામ, મહેમાનગતિ કરવાનું અને પતિની સરભરાનું.
હોંગકોંગમાં તે વેળા ચીનથી આવી રહેલા નિરાશ્રિતોનો ભારે ધસારો હતો. પુષ્કળ ગરીબી અને પછાતપણું હતા. શ્રીમતી એલ્સી પાદરીના પત્ની તરીકે સહુ કોઇની સેવા તો કરતા, પણ આ નજારો નિહાળીને પારાવાર સંતાપ અનુભવતા હતા. જરૂરતમંદો માટે કંઇક સવિશેષ કરવાની ભાવના ઉદભવી. સમજોને તેમના અંતરમનમાં સેવાનો દિવડો પ્રગટ્યો. એલ્સીએ એક આર્મી ટેન્ટ મેળવીને ૩૦ બાળકો માટે પ્રાથમિક શાળા શરૂ કરી. આજે ૨૦૧૫માં સાત માળની ઇમારતમાં ૧૩૦૦ વિદ્યાર્થીઓ વાળી અદ્યતન સ્કૂલ ચાલે છે.
આ એક પાયાની શરૂઆત કરતા કરતા એલ્સીબહેને જોયું કે અદના આદમીનો અવાજ સાંભળનારું કોઇ નથી. સહુ કોઇ અન્યાય તો સહન કરે છે, પણ તેનો ઉકેલ શું? આથી બહેને કલમ ચલાવો આંદોલન શરૂ કર્યું. જ્યાં જ્યાં કોઇ મુદ્દે ત્રાસજનક કે અન્યાયકારી વ્યવહાર થતો હતો તે દરેક સરકારી કે બિનસરકારી ખાતાઓમાં અધિકારીઓને કે ચૂંટાયેલા કાઉન્સિલર્સને કે એસેમ્બલી મેમ્બર્સને સતત પત્રો પાઠવીને રજૂઆત કરવાનું શરૂ કર્યું.
આ પત્રો પણ કેવા? તેમાં ધારદાર સત્ય હકીકત હોય, અને સાથોસાથ દૃઢતાપૂર્વક રજૂઆત હોય - કોઇની પણ સાડીબારી રાખ્યા વગર. સમસ્યાના ઉકેલ માટે નમ્રભાવે આજીજી કરી હોય અને અન્યાય દૂર કરવા ઘટતું કરવા હાકલ કરી હોય. ભગવદ ગીતામાં કહ્યું છે કે કરેલું ફોગટ જતું નથી. હિન્દુસ્તાન હોય કે હોંગકોંગ - આ સનાતન સત્ય થોડું મિથ્યા થવાનું હતું?! માત્ર કલમ ચલાવો આંદોલન દ્વારા તેમણે અનેક પ્રશ્નો ઉકેલવા સત્તાધિશોને ફરજ પાડી. બહોળા સમુદાયને હાલાકીમાંથી મુક્તિ અપાવી.
એલ્સીબહેન માત્ર શિક્ષણની જ પ્રવૃત્તિમાં પરોવાયેલા ન રહ્યા. ૧૯૬૩માં ૫૦ વર્ષની વયે ચૂંટણી લડ્યા અને હોંગકોંગ અર્બન કાઉન્સિલના સભ્ય પદે ચૂંટાયા. આમ કરતાં કરતાં ૧૯૮૮માં હોંગકોંગ એસેમ્બલીમાં પણ ચૂંટાયા. તેઓ રાજકારણમાં જોડાયા, પણ માત્ર અને માત્ર સેવાનો ભેખ લીધો હતો.
આ દરમિયાન પાદરી પતિ સાથે લગ્નવિચ્છેદ થઇ ગયો હતો. પાદરી પતિ માત્ર ધર્મપ્રચાર અને ઉપદેશમાં રચ્યાપચ્યા રહેતા હતા, જ્યારે એલ્સીએ તો વાસ્તવિક જીવનમાં તેનો અમલ કર્યો હતો. તેઓ હંમેશા જરૂતમંદોની શક્ય તેટલી મદદ કરવા તત્પર રહેતા હતા. ૧૯૮૫માં ઇનર મોંગોલિયામાથી હોંગકોંગ આવેલા એક ભાઇ તેમના કામમાં જોડાયા. બન્નેનું લક્ષ્ય સમાન હતું - માનવજાતની સેવા. સમાન વિચારધારાએ તેમને એકબીજા પ્રત્યે આકર્ષ્યા. પરિચય પ્રણયમાં પરિણમ્યો અને થોડાક સમય બાદ તેમણે લગ્ન કરીને સહજીવનનો આરંભ કર્યો. પાદરી પતિ સાથેના સહજીવન કરતાં અહીં ઉલ્ટું હતું. અહીં પતિ ઘર સંભાળતા હતા, દુભાષિયાનું કામ કરીને જીવનનું ગાડું ગબડાવતા હતા અને પત્ની એટલે કે એલ્સી આજીવન લોકોની સેવા કરતા રહ્યા. એલ્સીબહેન આઠમી ડિસેમ્બરે ૧૦૨ વર્ષની વયે ઇશ્વરના ધામમાં પહોંચી ગયા. પ્રેરણાદાયી જીવન વીતાવનાર એલ્સીબહેન વિશે સતત માહિતગાર રહેવા હું હમેશા પ્રયત્નશીલ રહ્યો છું.
ગમેતેવો વિપરિત કે અન્યાયકારી સમય કે સંજોગ હોય, કોઇ પણ વ્યક્તિ મૂંગા મોઢે તે સહન કરતી રહે કે પોતાની તકલીફોને નજરઅંદાજ કરતી રહે તે કોઇ પણ સંજોગોમાં સ્વીકાર્ય ન જ હોવું જોઇએ. શ્રીમતી એલ્સીએ આ જ કર્યું. માત્ર તેમણે અવાજ જ ન ઉઠાવ્યો, પોતાને નિરાધાર, નિરાશ્રિત, લાચાર સમજતા લોકોને પણ અવાજ ઉઠાવવા માટે પ્રેરણા પૂરી પાડી. જેમને કંઇક કરવું છે, જેમના હૈયે એકના કે અનેકના હિતની ખેવના છે, તેમના માટે ઉપરના મથાળાના લખાયેલા શબ્દો યથાર્થ છે.
રવિવારે ૧૦ જાન્યુઆરીએ ક્રોયડનની એક શાળામાં યંગ ઇંડિયા વેજિટેરિયન સોસાયટી દ્વારા ક્રિસમસ લંચનું આયોજન થયું હતું. આ પ્રસંગે હાજરી આપીને હું સાચે જ ધન્ય થઇ ગયો. આશરે એકસો જેટલા સ્થાનિક ગોરા નાગરિકો, નેતાઓ વગેરેએ સંપૂર્ણ શાકાહારી ભોજનસમારોહમાં સામેલ થયા. સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોમાં ક્રોયડનના કાઉન્સિલર, લીડર, મેયર, ચર્ચના પ્રતિનિધિઓ, મંદિરો, સહિતની સંસ્થાઓના અગ્રણીઓ વગેરે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ વિશે આગામી અંકોમાં આ વિશે વધુ વિગતે રજૂઆત કરીશું, પણ આ સપ્તાહે એટલું તો અવશ્ય જાણી જ લઇએ કે આ પ્રવૃત્તિની શુભ શરૂઆત કેવી રીતે થઇ.
૩૫ વર્ષ અગાઉ નીતિન મહેતા નામનો ૨૩ વર્ષનો વણિક - જૈન યુવાન ગ્રેજ્યુએટ થયો. પિતા અને મોટા ભાઇની ઓટો સ્પેર્સની ધમધમતી શોપ હતી. ભાઇ નીતિન પણ તેમાં જોડાઇને લાંબો-પહોળો ધંધો પાથરી શક્યો હોત, પરંતુ તેણે જૈન પરંપરાના સિદ્ધાંતોને સાચા અર્થમાં સાકાર કરવાનો નિર્ધાર કર્યો. યંગ ઇંડિયન વેજિટેરિયન સોસાયટીની સ્થાપના કરી.
ગયા રવિવારે સંસ્થા દ્વારા ૩૫મું લંચ યોજાયું હતું. શરૂઆત ખૂબ નાના પાયા પર થઇ હતી. નીતિનભાઇએ પોતાના પરિચિતો, મિત્રો, શુભેચ્છકોની મદદથી લંચનું આયોજન કર્યું. સ્થાનિક નાગરિકો, ચર્ચના અગ્રણીઓને આમંત્ર્યા કે અમારી સંસ્થાએ વેજિટેરિયન લંચનું આયોજન કર્યું છે. તમે સહુ આવો અને ભારતીય વ્યંજનોની લિજ્જત માણો. લોકો આવ્યા અને મજા માણી. સમય વહેતો ગયો, આયોજન લોકપ્રિય થતું ગયું, મહેમાનો વધતા ગયા. ભાઇ નીતિન મહેતા કહી શકે...
હમ ચલે થે અકેલે,
લોગ જુડતે ગયે,
કારવાં બનતા ગયા...
(ક્રમશઃ)
•••