પહેલું સુખ તે જાતે નર્યા, સાચું સુખ તે તન-મનનું

સી. બી. પટેલ Wednesday 06th June 2018 05:47 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, એક સપ્તાહની ગેરહાજરી બાદ આપનો સેવક હાજર છે. એક રીતે જોઇએ તો આ ગેરહાજરી ન કહેવાય હોં... ‘જીવંત પંથ’ની આ રજા જલ્સાપાણી કરવા નહોતી રાખી. આ દિવસોમાં પણ કામ તો કર્યું જ છે. ગયા સપ્તાહે કારણ જણાવી જ ચૂક્યો છું એટલે પુનરોક્તિ ટાળી રહ્યો છું.
કેનેડા જવાના ઘણા કારણો હોય શકે. સન્માન મેળવ્યું એ તો બહુ ગૌણ બાબત હતી, પરંતુ સાચું કહું તો ટોરોન્ટો વિશે ઘણું બધું સાંભળ્યું હતું, વાંચ્યું હતું, જાણ્યું હતું, પરંતુ આ ક્યારેય આ શહેર કે કેનેડા દેશની મુલાકાતે નહોતો ગયો. ઇચ્છા ઘણી હતી, અને અવસર પણ મળી ગયો એટલે બંદા પહોંચી ગયા. જવાના અને પરત ફરવાના દિવસને ગણીએ તો ચાર દિવસ થાય. ગુરુવારે જતાં અને રવિવારે પરત ફરતાં (બંને દિવસોએ) વિમાન પ્રવાસમાં થોડાંક ઝોકાં ખાધાં તો થોડોક સમય બંધ આંખે (!) ફિલમુ પણ નિહાળી... નજર સામે ઘણું આવ્યું ને ઘણું ગયું, પરંતુ સાચું કહું તો મજા પડી. એક રીતે વિમાન પ્રવાસ તમને જાત સાથે સમય વીતાવવાનો અવસર આપે છે. જો કોઇ સાથી-સંગાથી ન હોય તો બધા પોતપોતાનામાં પડ્યા હોય. આંખ બંધ કરો, એટલે પીછે ડૂબ ગઇ સારી દુનિયા.
મિત્રો, કેટલીય વખત મને ખુદને મારી તંદુરસ્તીની નવાઇ લાગે છે. આવી તંદુરસ્તીને હું પરમાત્માની દેન અને પરિવારજનો-સાથીદારો તથા આપ સહુના સાથસહકારની કૃપા-આશીર્વાદ સમજું છું.
પોપટ ભૂખ્યો નથી,
પોપટ તરસ્યો નથી,
પોપટ સરોવરની પાળ,
પોપટ આંબાની ડાળ...
આવું કંઇક આપણે સહુ પ્રાથમિક શાળામાં ગણગણતા હતાને? મારું પણ આવું જ છે. હું એક જણને જનમથી જ ઓળખું છું. બરાબર જાણું છું. તેની વય પણ એકદમ મારા જેટલી જ છે. આ ઉંમરે પણ ઘોડા જેવો જ થનગનાટ ધરાવે છે ને ગધેડાની જેમ ભાર પણ વહન કરી જાણે છે. તે માને છે કે આ બધી તો કુદરતની કમાલ છે, પરમાત્માની કૃપા છે.
કેનેડા પ્રવાસ દરમિયાન મને આગવો અનુભવ થયો. ટોરોન્ટોના સર્વપ્રથમ હિન્દુ મંદિર હોવાનું બહુમાન ધરાવતા વિષ્ણુ મંદિરમાં દર્શનાર્થે ગયા હતા. જ્યાં તામિલ પરિવારનો એક યુવક મળી ગયો. તેણે અંગવસ્ત્રમ્ (ધોતી જેવું વસ્ત્ર) ધારણ કર્યું હતું અને હાથમાં પૂજાપાની થાળી હતી. મંદિરમાં જઇ રહેલા આ યુવક સાથે જે અલપઝલપ વાતચીત થઇ તેને હું અનેરો અવસર ગણું છું. તેની સાથેની મુલાકાતે મને યુવા પેઢીને સમજવાની વધુ એક તક આપી. મંદિર શા માટે છે અને મંદિરની શું ઉપયોગિતા છે એ વિશે તેણે સંક્ષિપ્તમાં, પણ બહુ રસપ્રદ રીતે વિચારો રજૂ કર્યા. આ તરવરિયા યુવકે કહેલી વાતના અંશો તેના જ શબ્દોમાં રજૂ કરું છુંઃ
‘મારું નામ અશ્વેન પકીર છે. હું યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં લાઇફ સાયન્સીસ ફેકલ્ટીના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. અમારો પરિવાર લગભગ ૧૪ વર્ષથી નિયમિત મંદિરે આવે છે તેના ભાગરૂપે હું પણ દર શનિવારે સવારે અચૂક મંદિરમાં દર્શનાર્થે આવું છું. પરિવારનું એકમાત્ર સંતાન એવો હું મોટા ભાગે પોકેમોન ગેમ રમીને અને ટીવી જોઇને ઊછરતો હતો. આથી મંદિરની નિયમિત મુલાકાત મારા જીવનમાં એક અલગ જ પરિમાણ ઉમેરે છે. આ મુલાકાત મને વિવિધ લોકો સાથે હળવામળવાનો, સંબંધ વિકસાવવાનો મહામૂલો અવસર પૂરો પાડે છે, જે મારા જીવનમાં આનંદ આણે છે. આ લોકોને સામાન્ય સંજોગોમાં કદાચ ક્યારેય મળવાનું શક્ય બન્યું ન હોત. ત્યાં મળતાં માણસો બહુ ઉષ્માપૂર્ણ હોય છે અને તમારી સાથેનો તેમનો વ્યવહાર એક સ્વજન જેવો હોય છે. આજે વર્ષો બાદ એવી લાગણી અનુભવું છું કે જાણે હું પણ આ સમુદાયનો જ એક ભાગ છું અને તેમણે મને એક ઉમદા માનવી તરીકે નિખાર્યો છે. જેમ કે હું વર્ષમાં ત્રણેક વખત તો રક્તદાન કરું જ છું. આ વર્ષો દરમિયાન મંદિરની મુલાકાત વેળા ઈશ્વર સ્મરણથી મેં હંમેશા અનહદ આનંદની અનુભૂતિ કરી છે અને આવનારા વર્ષોમાં પણ હું દર શનિવારે મંદિરમાં દર્શનાર્થે આવતો જ રહીશ.’
વાચક મિત્રો, આપણા માટે મંદિર એક ધર્મસ્થાન તરીકેની ઓળખ ધરાવે છે જ્યારે આ યુવાનની નજરે મંદિર માત્ર ધર્મસ્થાન જ નહીં, પરંતુ વ્યક્તિવિકાસનું કેન્દ્ર પણ છે.

દુનિયાનો છેડો ઘર...

તમે ગમેતેવી સાધનસુવિધા સાથે આખી દુનિયા ફરો, પણ છેવટે તો એમ જ થવાનું કે બસ, હવે ઘરે પહોંચીએ તો સારું.... દુનિયાનો છેડો એટલે ઘર કંઇ અમસ્તું નથી કહેવાયું. તો ચાલો, આપણે પણ વિમાનપ્રવાસ પૂરો કરીએ...
લંડનમાં ગયા શનિવારે વેમ્બલીના ઇલિંગ રોડ પર આવેલા ભવ્ય સનાતન મંદિરમાં દર્શનાર્થે જઇ પહોંચ્યો. ત્યાંનું દૃશ્ય નિહાળીને તો હું આશ્ચર્યચકિત થઇ ગયો. ધર્મ અને સંસ્કારપ્રેમી ભારતીયો વિશાળ શમિયાણામાં બેસીને રામકથાનું રસપાન કરી રહ્યા હતા. રામકથાનો આઠમો દિવસ હતો અને પૂ. શ્રી શ્યામભાઇ ઠાકર સાચે જ સુંદર રીતે રસલ્હાણ વહાવી રહ્યા હતા. તેમના કેટલાક પ્રેરણાદાયી ઉદ્ગારોને અહીં ટાંકતા પૂર્વે હું એક આડ વાત ટાંકવા માંગુ છું. મને આશા છે કે આપ સહુને પણ આ વાત જાણવાનું ગમશે.
આપ સહુએ એક વાત નોંધી છે?! પૂ. મોરારીબાપુ હોય કે પૂ. રમેશભાઇ ઓઝા, લેસ્ટરના પૂ. રમણિકભાઇ ભટ્ટ હોય કે પૂ. શ્યામભાઇ ઠાકર, મોટા ભાગના કથાકારો કાઠિયાવાડી જોવા મળે છે. આમ હોવાનું કોઇ ચોક્કસ કારણ હશે? મને લાગે છે કે ચરોતર અને મધ્યમ ગુજરાત કરતાં કાઠિયાવાડી ભાષા બોલવામાં જરાક મીઠડી ખરી, લહેકો પણ જુદો. આ એક કારણ હોય શકે. અને આ કથાકારના હાવભાવ પણ આહાહા.... પરંતુ આજથી ૭૦ વર્ષ પહેલાં - મારી દસેક વર્ષની વયે - ભાદરણ, ચાણોદ, નડિયાદ વગેરે સ્થળોએ કયા કથાકારોનો ડંકો વાગતો હતો? ખંભાતના પૂ. ફુલાશંકર મહારાજ, અમદાવાદના પૂ. નટવરલાલ મહારાજ, કલોલના પૂ. શંકરલાલ બારોટ, નડિયાદ અને અમદાવાદના પૂ. કૃષ્ણશંકર શાસ્ત્રીજી અને વડોદરાના પૂ. ડોંગરેજી મહારાજ. આ બધાનો એક સુવર્ણ યુગ હતો. ડોંગરેજી મહારાજ કે કૃષ્ણશંકર શાસ્ત્રીજી તો કથાનું એવી ભાવવાહી શૈલીમાં રસપાન કરાવતા કે શ્રોતાઓની આંખમાંથી આંસુડા સરી પડે. મને પૂ. શ્યામભાઇની કથાનું સૌથી નોંધનીય પાસું એ જણાયું કે તેઓ સરળ ભાષા અને ભાવનાત્મક શૈલીમાં (લાગણીવેડા નહીં...) રજૂઆત કરે છે. તેમની રજૂઆત એવી સરસ કે આપણી નજર સમક્ષ રામાયણ જાણે તાદૃશ્ય થઇ જાય. તેમના કેટલાક શબ્દો ટાંકું તો...
જાણવું જરૂરી છે કેમ કે જણાવવું આવશ્યક છે અને આ માટે મેળવવું જ રહ્યું. બહુ ઓછા શબ્દોમાં કેટલી ચોટદાર વાત કરી છે? જો તમે જાણશો જ નહીં તો બીજાને જણાવશો કઇ રીતે? આજે તો બોલે તેના બોર વેચાય તેનો જમાનો છે, પરંતુ અહીં મુદ્દો એ છે કે જો તમે કોઇ પણ વિષય અંગે વાત કરવા માગતા હો તો તેની પૂરતી જાણકારી તો હોવી જ જોઇએને... વિચારો વ્યક્ત કરવા માટે આવશ્યક માહિતી હોવી જરૂરી છે, અને આ માહિતી કેવી હોવી જોઇએ? ઊંડાણપૂર્વકની. જાણકારી ઉપરછલ્લી હોય તો તે ન જ ચાલે... વિવેકપૂર્ણ માહિતી સુવિચાર ગણાય, અને તેમાં ઊંડાણ ભળે તો જ્ઞાન કહેવાય. પંડિતો કહે છે કે જ્ઞાન હોય, અભ્યાસ હોય, ચિંતન હોય, મનની પવિત્રતા હોય, વિવેકભાન હોય તો પ્રજ્ઞા સતેજ થાય જ....
કથાકાર પૂ. શ્યામભાઇએ ટાંકેલા બીજા બે શબ્દો પણ બહુ વિચારણીય છેઃ આવે તે જાય.
વાચક મિત્રો, આપણે સહુ જાણીએ છીએ કે કોઇના સો દા’ડા એકસરખા પસાર નથી થતા. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ. ક્યારેક મિલન તો ક્યારેક વિરહ. આપણું કોઈ જાય છે, વિદાય લે છે ત્યારે રડીએ છીએ, પણ જે જ્યારે આવે છે ત્યારે આપણો અભિગમ કેવો હોય છે?! હું નવજાત શિશુના આગમન સંદર્ભે આવવાની જ વાત નથી કરતો, પણ વયના વધવા સાથે સૂઝ-સમજ, શિક્ષણ, લાયકાત, નાણાં, સમૃદ્ધિ, વયસ્ક બનતાં રૂપવંતી નારી (કે નર) આપણા જીવનમાં આવે છે, આપણી પ્રતિષ્ઠા, માન-મોભામાં ઉમેરો થાય છે તેની વાત કરું છું. આ વેળાએ આપણો અભિગમ, પ્રતિભાવ કેવો હોય છે તેના પર આપણી ઓળખ નિર્ભર કરે છે. જીવનના વિવિધ તબક્કે આવતાં આ બધા તબક્કાને પચાવી જાણવાના હોય છે. સાચું શું અને ખોટું શું? તે સમજ્યા વગર આ અભિગમ શક્ય નથી. આખરે તો આ બધું પણ એક યા બીજા પ્રકારે અંતે તો વિલયના માર્ગે જ જવાનું હોય છે... લે કર વાત. દુનિયા ગોળ છે. (ગોળ નહીં, હોં!)
રામ-રાવણના યુદ્ધની રજૂઆત કરતાં કથાકારે શસ્ત્ર, શૌર્ય અને ધૈર્ય વિશે ખૂબ સુંદર રજૂઆત કરી હતી. ૧૪ વર્ષ વનવાસ ભોગવ્યા બાદ છેલ્લા દિવસે અયોધ્યા નગરીમાં ભરત-રામના મિલનનો પ્રસંગ આપણે સહુ જાણીએ છીએ. ભગવાન શ્રીરામના ગુણગાન થાય છે, પરંતુ આપણે આમ કરીને ‘અન્ય’ને અન્યાય નથી કરતાં? મારા મતે રામાયણના તમામ પાત્રોની વાત કરીએ ત્યારે પહેલી હરોળમાં બીજા નંબરનું સ્થાન ભરતને મળવું જોઇએ.
આપનામાંથી કદાચ કોઇ પૂછશેઃ ...તો પછી પહેલી હરોળનું પ્રથમ સ્થાન કોના માટે ખાલી રાખ્યું છે? વાચક મિત્રો, મારો જવાબ છેઃ સીતા માતા માટે. મારા મતે, રામાયણમાં સૌથી વધુ અન્યાય કોઇએ સહન કર્યો હોય, સૌથી અઘટિત વ્યવહાર કોઇની સાથે થયો હોય તો તે સીતા માતા સાથે. એક હકીકત એ છે કે અકારણ-સકારણ હજારો વર્ષોથી, રામાયણકાળ પૂર્વેથી આપણે પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા ધરાવીએ છીએ અને સીતા માતા પણ તેનો જ ભોગ બન્યા હતા તેમ કહી શકાય. જો આપણે મતભેદોનું સુખદ સમાધાન શોધીને જીવનસાથી સાથે સમન્વય સાધી લઇએ તો ઘણું સુખી જીવન માણી શકીએ છીએ તેવી સુંદર રજૂઆત પણ કથા દરમિયાન થઇ.
રામાયણની વાત કરીએ છીએ ત્યારે હનુમાનજીના ઉલ્લેખ વગર વાત અધૂરી જ રહેશે. રામાયણમાં સૌથી વધુ સેવા કરનાર પાત્રનું બિરુદ આપવું હોય તો તે હનુમાનજીને જ આપી શકાય. સેવક હોય તો હનુમાનજી જેવા. પરંતુ આપણે વાત કરતા હતા આવે અને જાયની... હું આ જ સંદર્ભે આરોગ્યની ખાસ વાત કરવા માંગુ છું.

•••

સ્વાસ્થ્ય સાથે સુખ આવે, બીમારી સાથે સુખ જાય

લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસીન એ સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રે વિશ્વ સ્તરે કામ કરતી ટોચની સંસ્થા છે. ૧૯મી અને ૨૦મી સદીમાં આ ક્ષેત્રે સવિશેષ સ્થાન ધરાવતી આ સંસ્થાના નામના આજેય સિક્કા પડે છે એમ કહી શકાય.
તાજેતરમાં તેણે અલગ અલગ ૭૫ પ્રશ્નોના માધ્યમથી ૨૫૦૦ વ્યક્તિઓની વર્તણૂક-જીવનશૈલીનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો. જેના આધારે તેણે રસપ્રદ માહિતી તારવીને એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ પ્રશ્નોત્તરીમાં (આપણી નજરે) ક્ષુલ્લક જણાય તેવા સવાલો સામેલ હતા, પરંતુ તેનો ઉદ્દેશ હતો લોકોના જીવન વિશે બારિકાઇથી જાણકારી મેળવવાનો. તેમણે કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા તેના એકાદ-બે નમૂના જોઇએઃ તમે બ્રેકફાસ્ટ વેળા બાઉલમાં સિરિયલ્સ લો છો તો તેમાં દૂધ કઇ રીતે ઉમેરો છો? દૂધ ધીમી ધારે રેડો છો (દેશી ભાષામાં કહું તો શિવલિંગ પર અભિષેક કરતા હો તેમ?) કે પછી બધા સિરિયલ્સ બરાબર પલળે તેમ ફરતી ધાર કરો છે કે પછી દૂધને ધમાક કરતું જેમતેમ ઠાલવી દો છો? બીજો એક પ્રશ્ન જોઇએઃ બહેનો, તમે અન્ય વ્યક્તિનું ડિયોડરન્ટ તેની નજર ચૂકવીને વાપરી લો છો ખરાં?
આ અને આવા પ્રશ્નો ભલે ક્ષુલ્લક કે નાખી દેવા ગણાતા હોય, પરંતુ સંશોધન કરી રહેલી સંસ્થાએ પ્રશ્નોત્તરીના ઉત્તરનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને તેના આધારે લોકોની જીવનશૈલી સંદર્ભે ચોક્કસ તારણ કાઢ્યા છે. આ રિસર્ચ રિપોર્ટ અનુસાર સ્ત્રીઓ છ બાબતમાં પુરુષો કરતાં વધુ સારા માર્કસ મેળવી જાય છે.
૧) સ્વચ્છતાના મુદ્દે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ સારી કાળજી લે છે અને આ પ્રકારે આરોગ્યનું જતન કરે છે.
૨) જીવજંતુઓથી સાવચેતીઃ જીવજંતુઓથી ફેલાતા રોગચાળા કે પ્રદૂષણ અંગે વધુ સાવચેતી દાખવે છે.
૩) દેખાવ વિશે સભાનઃ પોતાના દેખાવ અંગે વિશેષ સભાન રહે છે, વસ્ત્રો વિશે ખાસ.
૪) ચહેરાની કાળજીઃ ચહેરા પર કરચલી ન દેખાય તે માટે આવશ્યક પગલાં લે છે.
૫) ખોરાકમાં સાવચેતીઃ સ્ત્રીઓ સામાન્ય રીતે વાસી ખોરાક ખાવાનું ટાળે છે. (જ્યારે પુરુષ પ્લેટમાં જે કંઇ પીરસાય તે કે સ્વાદ-સોડમની બહુ ચિંતા વગર - વાસી હોય તો પણ - ખાઇ લે.
૬) જાતીય રોગથી બચવાની સભાનતાઃ સ્ત્રીઓ સંભોગ દરમિયાન આરોગ્ય સંબંધિત વિશેષ કાળજી લે છે. કોઇ ચેપી રોગ ન લાગે તે માટે સતત સજાગ રહે છે.
આ કારણ દર્શાવે છે કે આરોગ્ય અને તંદુરસ્તીના મુદ્દે સ્ત્રીઓ પુરુષો કરતાં એક ડગલું નહીં, છ ડગલાં આગળ છે. તેઓ પુરુષોની સરખામણીએ વિશેષ કાળજી લે છે, જીવન પ્રત્યે વધુ તંદુરસ્ત અભિગમ ધરાવે છે.
વાચક મિત્રો, આ લખનાર પુરુષ છે. એવું માની લેવાની જરૂર નથી કે સમસ્ત નારી જાતિ સમક્ષ પુરુષ સમાજે શરણાગતિ સ્વીકારી લીધી છે. (જે સત્ય હોય એ તો કહેવું પણ પડે, અને સ્વીકારવું પણ પડે.) અલબત્ત, પુરુષોમાં પણ ક્યાંક ક્યાંક અપવાદ જોવા મળે છે. આરોગ્યના જતન-સંવર્ધન સંબંધે સ્ત્રીઓ કરતાં તેઓ વિશેષ કાળજી ધરાવતા જોવા મળે છે.
લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસીનના આ જ રિપોર્ટમાં તંદુરસ્તી માટે આવશ્યક ખોરાકથી માંડીને આપણો જીવનવ્યવહાર કેવો હોવો જોઇએ તે વિશે પણ લાંબુલચ્ચ લખાણ રજૂ કરવામાં આવ્યું છે. આ પતરાળું નાનું હોવાથી બધું લખાણ તો તમને પીરસી શકું તેમ નથી, પરંતુ તેમાંથી કેટલીક ઉપરછલ્લી માહિતી અહીં રજૂ કરી રહ્યો છું.
• તમારું નિવાસસ્થાન પૂરતા હવાઉજાસ ધરાવતું હોવું જોઇએ.
• ગંદા વસ્ત્રો કે સડેલા ફળફળાદિ કે શાકભાજી સિટિંગ રૂમમાં કે બેડરૂમમાં ક્યારેય રાખવા નહીં.
• કિચનમાં પણ - શક્ય હોય તો - બગડેલાં શાકભાજી કે ફળફળાદિ રાખવાનું ટાળો. આવા શાકભાજી કે ફળફળાદિમાં રોગના જીવજંતુ હોય છે, જે તેમાંથી નીકળીને ઘરમાં ફેલાઇ શકે છે.
• રસોડામાં હંમેશા તાજાં શાકભાજી કે ફળફળાદિ વાપરવાનો આગ્રહ રાખો. પેકેજ્ડ શાકભાજી કે ફળોની ક્વોલિટી ભલે ગમેતેટલી સારી દેખાય, પરંતુ તે લાંબો સમય જળવાય રહે તે માટે તેના પર કેમિકલ પ્રોસેસ (પ્રિઝર્વેટિવ, રસાયણો કે ઈલેક્ટ્રોનિક રેયઝ) થયેલી હોય છે તે ન ભૂલો. આ કેમિકલ આપણા સ્વાસ્થ્યને એક યા બીજા પ્રકારે નુકસાન કરતું હોય છે.
• આજકાલ ગ્રીન સલાડ ખાવાની જાણે ફેશન થઇ ગઇ છે. ગ્રીન સલાડ ખાવાનું શરીર માટે સારું છે તેમાં બેમત નહીં, પરંતુ ડબ્બાપેક ગ્રીન સલાડ આવે છે તે નહીં. હંમેશા તાજા શાકભાજીમાંથી તૈયાર કરેલો ગ્રીન સલાડ ખાવ. ઘણા લોકો ચટણી કે સોસ કે સલાડ ક્રીમ પણ તૈયાર વાપરવાનું પસંદ કરે છે. બધી જ જાતના સોસ કે ક્રીમ ઘરે બનાવવાનું સંભવ ન હોય તે સમજાય, પરંતુ ચટણી તો ઘરે જ બનાવેલી ઉપયોગમાં લેવી જોઇએ.
એક ૮૧ વર્ષનો બુઢ્ઢો હંમેશા ભોજનમાં તાજાં શાકભાજી કે ફળફળાદિ લેવાનો આગ્રહ રાખે છે, અને તેનું ‘તંદુરસ્ત’ પરિણામ આપ સહુની નજર સમક્ષ છે. મેં ઘણી જગ્યાએ જોયું છે કે બ્હેનો રસોઇમાં પેકેજ્ડ પોટેટો, ફ્રોઝન વટાણાં કે ગવાર સીંગો કે તુરિયાં જેવા શાકભાજીનો મોકળા હાથે ઉપયોગ કરે છે. આજની દોડધામભરી જિંદગીમાં સમયનો અભાવ હોય તે સમજાય તેવું છે, પરંતુ શક્ય હોય ત્યાં સુધી ફ્રોઝન વેજિટેબલ્સ કે ફ્રૂટ્સ કે અન્ય ખાદ્યપદાર્થો ટાળો.
આમેય આધુનિક જીવનમાં શાકભાજી ઊગે કે ઊગાડાય એક દેશમાં અને વપરાય હજારો જોજન દૂરના મૂલકમાં. ગ્રામ્યજીવનમાં ‘વાડા’માંથી જ મેળવેલાં શાકભાજી સ્વાદ, સુગંધ અને સત્ત્વમાં કેવાં મઝાનાં લાગતાં હતાં.
એ સરેરાશ ૧૨-૧૫ દિવસ પછી તે ‘તાજાં’ હોય તો પણ ઉપયોગમાં લેવાય-ખવાય છે. ેમાં જો ‘ફ્રોઝન’ - હોય તો અઠવાડિયાં તો શું મહિનાઓ પછી ખવાય. શું દૈવત રહે. વળી પ્લાસ્ટિકની કોથળીઓ-પ્રદૂષણનો ભંડાર.
આપણું શરીર છે તો તેને સાચવવા માટે સમયનો પણ થોડોક ભોગ આપવો જ રહ્યો. થોડોક સમય બચાવવા માટે આ પ્રકારના શાકભાજી કે ફળોનો ઉપયોગ તમને લાંબી માંદગીમાં કે ધકેલી દેશે તો સરવાળે વધુ નુકસાનકારક સાબિત થશે. હંમેશા યાદ રાખો કે આ તમામ પ્રકારના પેકેજ્ડ ખાદ્ય પદાર્થો કેમિકલ પ્રોસેસ્ડ હોય છે. કોઇ ભલે ગમેતેવો દાવો કરે પેકેજ્ડ ફૂડ શરીર માટે નુકસાનકર્તા બને જ છે. આથી શક્ય હોય ત્યાં સુધી ભોજનમાં તાજા ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરો... અને બને ત્યાં સુધી ઋતુને અનુસરો. જે મોસમમાં જે કંઇ ઉગતું-પાકતું હોય તે જ ખાવાનો આગ્રહ રાખો. ઘણી શારીરિક આધિ-વ્યાધિથી બચી જશો. એ ન ભૂલો કે પહેલું સુખ તે જાતે નર્યા.
એક કરતાં વધુ સંશોધનમાં સાબિત થઇ ચૂક્યું છે કે પેકેજ્ડ શાકભાજી કે ફળો લેતાં લોકોની સરખામણીએ ભોજનમાં તાજાં શાકભાજી કે ફળો લેતા લોકો પર કેન્સરનો ખતરો ઓછો ઝળૂંબે છે.
અલ્યા આપણે ક્યારના તાજા શાકભાજી અને ફળફળાદિની કથા માંડીને બેઠાં છીએ તે સાચું, પણ ગળચટ્ટી ગોળપાપડી, ગુંદર પાક કે મગસ ક્યાં ગયાં? ઘણા લોકો કહેતા હોય છે કે મેં તો આવું બધું ખાવાનું ક્યારનું બંધ કરી દીધું છે. મન થાય તોય કટકી પણ મોંમાં નાખતો નથી. તો બીજા કેટલાક વળી એવું કહે છે કે ભ’ઇ ડાયાબિટીસ તો મને છે, પણ ઇચ્છા પડે ત્યારે મીઠાઇ ધબકાવી લઉં છું. આમાં ઝાઝી ચીંત્યા શું કરવાની?
વાચક મિત્રો, આ બન્ને પ્રકારના અભિગમ અયોગ્ય છે. આમાંનો પહેલો અભિગમ મન પર જુલમ ગુજારે છે અને બીજો શરીર પર. આ ડોસો તમને આ બન્નેથી અલગ જ વાત કરવા માગે છે. હું કહું છું કે ક્યારેક ઇચ્છા થઇ જાય ત્યારે ગોળપાપડી, ગુંદર પાક કે મગસ કે બીજી કોઇ મિઠાઇનું ચકતું મોઢામાં પધરાવી દેવામાં કંઇ વાંધો નથી. પણ જોજો હોં... હું ક્યારેકની વાત કરું છું. ડાયાબિટીસ ચાર દસકાથી મારો જિગરી ભાઇબંધ બની બેઠો છે, દિવસમાં ચાર વખત ઇન્સ્યુલિનની સોય પણ ખાવી પડે છે, પરંતુ ઇચ્છા થાય ત્યારે (ભોજન બાદ લગભગ નિયમિત) એકાદ નાનકડો ટુકડો મિઠાઇ પણ ખાઇ લઉં છું. ‘એકાદ’ અને ‘નાનકડો ટુકડો’ શબ્દો હંમેશા નજરમાં રાખું છું, અને તેને વળગી રહું છું. તેથી જ - ડાયાબિટીસ હોવા છતાં - મારું સ્વાસ્થ્ય ટનાટન છે. હું તો તન-મનનું ધન ગુમાવવા માગતો નથી, અને તમારે પણ તન-મનના ધનની કાળજી લેવી જ જોઇએ. ક્યોંકિ... પહેલું સુખ તે જાતે નર્યા... (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter