વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુ અવારનવાર કોઇક વખત પ્રત્યક્ષ કે ફોન પર તો ક્યારેક વળી અન્ય કોઇના માધ્યમથી મળતા રહો છો. જો હું પારસી હોત તો અવશ્ય લખી નાખતઃ ‘ઘન્નો ઘન્નો આભાર...’ સાચે જ આપનો પ્રતિભાવ ખૂબ પ્રોત્સાહિત કરે છે. હમણાં જ જૂના અને આપ સહુના જાણીતા સાથીદાર શ્રી કિશોરભાઇ (કિશોરભાઇ પરમાર, એડવર્ટાઇઝીંગ મેનેજર)એ મને જણાવ્યું કે તાજેતરમાં તેમને મહેતાસાહેબ નામના એક સજ્જન મળી ગયા હતા. વડીલ ૮૫ વર્ષના છે. નિયમિત સ્વીમિંગ કરે છે. નવરાત્રિમાં દસેય દિવસ ગરબે ઘૂમી વળે છે. તેમણે કિશોરભાઇને જણાવ્યું કે ગુજરાત સમાચાર હાથમાં આવે કે તરત જ તેઓ જીવંત પંથ વાંચે છે.
મહેતાસાહેબ જેવા આ કટારના નિયમિત વાચક મિત્રો કદાચ કહી શકે કે શિર્ષકમાં લખેલી ઉક્તિ તો તમે અગાઉ પણ લખી ચૂક્યા છો. અરે, બાપલ્યા, તમારી વાત સાચી, આ મથાળું અગાઉ પણ લખી ચૂક્યો છું, પરંતુ આ સૂત્ર સદા સર્વદા યાદ રાખવું ઘટે. આ સૂત્ર સંદર્ભે હું તો એમ પણ કહીશ કે ભૂલ્યા ત્યાંથી ફરી ગણો.
આપ સહુ સમક્ષ મારા એક અર્ધ્ય તરીકે સાંપ્રત જીવનના અનેક નાના-મોટાં પાસાંને રજૂ કરવાની ફરજ પણ છે, અને ઇચ્છા પણ હોય છે. રાજકારણ, અર્થતંત્ર, ભારત-પાકિસ્તાન સંબંધો કે બ્રિટનની બ્રેક્ઝિટ સમસ્યા જેવા અગત્યના મુદ્દાઓ હોવા છતાં આજે (ગયા અંકમાં જણાવ્યું હતું તે અનુસાર) આરોગ્ય વિશે કંઇક વિશેષ રજૂઆત કરવાની ખેવના છે.
આ દેશમાં જ જન્મેલા કે ઉછરેલા, ક્યાંક ઢીલાઢશ કે કોઇક વ્યાધિમાં સપડાઇને બેઠા હોય તે બધાને પૂછીએ કે કેમ છો? ત્યારે સરેરાશ પ્રતિભાવ હોય છેઃ થોડાક પ્રેશરમાં છું... અંગ્રેજીમાં કહેઃ I'm under weather... આને તમે માનસિક તનાવ કહો કે માનસિક દબાણ કહો - તે એક સહજ બીના છે. આ માટે શરમ-સંકોચ કે ગ્લાનિ રાખવાની આવશ્યક્તા નથી. મનની મૂંઝવણ દરેકને, ઓછાવત્તા અંશે અશાંત અને અસ્વસ્થ બનાવતી જ હોય છે તેમાં નવું શું? જોકે આવી માનસિક મૂંઝવણ અંતે શારીરિક પીડા બની જાય છે તેવું આજનું એલોપથી વિજ્ઞાન કહે છે. આ તબીબી અભિપ્રાયને આધુનિક વિજ્ઞાનની દેન ગણાવવામાં આવે છે, પરંતુ હકીકત તો એ છે કે સુશ્રુત અને ચરક જેવા આપણા આયુર્વેદાચાર્યો સેંકડો-હજારો વર્ષ પૂર્વે જ તેમના ગ્રંથોમાં આ વાત લખી ગયા છે.
આજકાલ દુનિયાભરમાં માળું બેટું ડિપ્રેશનનું બહુ ચાલ્યું છે. અને આ સમસ્યાની ચર્ચા ચાલી રહી છે તેમાં કંઇ ખોટું પણ નથી. આ મનોવ્યાધિએ દુનિયાઆખીને અજગરભરડો લીધો છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. ઇશ્વર કરે કોઇને આ વ્યથા ન વળગે, પરંતુ જે વસ્તુ ઓછાવત્તા અંશે બનવાની નિશ્ચિત જ છે તેનો વળી અફસોસ શું? ગ્લાનિ શું? તેનો અચંબો શું?
આ ડિપ્રેશન શું છે? તેની ઓળખ કઇ?
દેશવિદેશમાં મનોમસ્તિષ્કને ભરડામાં લઇ રહેલી આ બીમારીની ઓળખ કઇ? વિશ્વની વસ્તી આજે ૭.૨૫ બિલિયન છે (૭,૨૫,૦૦૦,૦૦૦,૦૦૦). આખી દુનિયાના આરોગ્યની સારસંભાળ પર નજર રાખતા અને ‘હૂ’ના નામે જાણીતા સંગઠન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)નો એક રિપોર્ટ તાજેતરમાં જ પ્રકાશિત થયો છે. જેના આંકડા અનુસાર દર ૨૦ વ્યક્તિમાંથી એકને ડિપ્રેશનની સમસ્યા સતાવે છે. તેનો મતલબ એવો થયો કે વિશ્વમાં ૩૫ કરોડ અબાલવૃદ્ધને (હા, આ વ્યાધિને ઉંમરનો કોઇ બાધ નડતો નથી) આ દરદ સતાવે છે. આ દર્દ ગરીબ દેશોનું જ કે ઓછી આવક ધરાવતા લોકોનો જ પ્રશ્ન નથી. અરે, અછતવાળા કરતાં છતવાળાને ડિપ્રેશન વધુ વળગતું હોવાનું જોવા મળ્યું છે. પોતીકી ઇચ્છા કે અપેક્ષા અનુસાર ઘટના ના ઘટે એટલે શ્રીમાન ડિપ્રેશન (ભાઇશ્રી તનાવ)નું આગમન નક્કી સમજો - પછી તે વાત રૂપની હોય કે રંગની હોય. વ્યક્તિ આ પૃથ્વી પરના કોઇ પણ દેશનો નાગરિક હોય, આ સમસ્યા તો સહુને એકસમાન ધોરણે જ સતાવે છે.
મિત્રો, આપ સહુ સુજ્ઞ વાચકોને આ તનાવની વિશેષ ઓળખ આપવાની જરૂર નથી.
તાજેતરમાં એક ભવ્ય ડીનરમાં મોટા ગજાના તબીબી કન્સ્લ્ટન્ટને મળવાનો અવસર સાંપડ્યો. તેઓ જાણીતા જેરિયાટ્રિક્સ છે એટલે કે વડીલો (વૃદ્ધો નહીં કહું બાપલ્યા, મારા જેવડી ઉંમરના લોકો માટે આ સિવાય બીજો કોઇ જોમવંતો શબ્દ હોય તો વાપરજોને...) સંબંધિત સમસ્યાઓના નિષ્ણાત છે. અમારે વધતી વય સાથે જોડાયેલી વિવિધ સમસ્યાઓ અંગે વિચારવિનિમય થયો. તેમણે નામ નહીં પ્રકાશિત કરવાની શરતે ઘણી બધી વાતો કરી. મનોવૈજ્ઞાનિક રીતે જોઇએ તો, અમુક રીતે ડિપ્રેશન કે તનાવ સ્વસર્જિત કહેવાય. મનમાં મૂંઝવણ એક વખત પેસે પછી મોટા ભાગના કિસ્સામાં તેના સરવાળા-ગુણાકાર જ થતા રહે છે. કાળા માથાનો માનવી તેના જીવનમાંથી આ પ્રકારના તનાવની બાદબાકી કે ભાગાકાર કરવા માટે જરૂરી સીધા ચઢાણ ચઢવા લગભગ અશક્તિમાન હોય છે, કેમ કે તેનું મનોબળ એટલું મક્કમ ભાગ્યે જ હોય છે. ટૂંકમાં કહું તો, આ દર્દની સંપૂર્ણ કે સચોટ ઓળખ નિદાન અતિશય મુશ્કેલ છે.
ચેતતા રે’જો, બાપલ્યા...
યુગો યુગોથી માનવી જ્યારે જ્યારે માનસિક સંતાપમાં અટવાય છે ત્યારે ત્યારે તે નાનામોટા ઉપાયો - પંડીતો કે વૈદ્યરાજોના માધ્યમથી (હું આ યાદીમાં ગુરુઓનો ઉલ્લેખ ટાળવા માંગુ છું કેમ ધંધાદારી ગુરુઓ અહીં લંડનમાં પણ બહુ જોવા મળે છે) અજમાવતા રહ્યા છે. સેંકડો વર્ષ પૂર્વે ભારતમાં આ દર્દના નિવારણ અર્થે વૈદ્યરાજો વનસ્પતિ કે તેના મૂળિયાનો અર્ક કે તેના જેવા કુદરતી પદાર્થોનો લેપ કરતા હતા કે તેને મધ સાથે ભેળવીને તેનું ચાટણ દર્દીને ચટાડતા હતા. જ્યારે એલોપથીમાં તો ટીકડાં, ઇન્જેક્શનથી માંડીને અમુક સંજોગોમાં તો વીજ કરંટ જેવા આકરા ઉપચાર પણ અજમાવાય છે.
માનવી અસહાય હોય છે, પીડાતો હોય છે, સાચો મારગ શોધતો હોય છે, ત્યારે પે’લા ઊંટવૈદ્યો, મંત્રતંત્રના નામે ધતિંગ કરતા ઠગારાઓ તેની આસપાસ લોબાન કે ગુગળના ધૂપ લઇને ફરતા જોવા મળે છે. જંતર-મંતરના નામે ધતીંગ કરે છે. દોરાધાગા કરે છે. ગળામાં કે હાથમાં તાવિજ બાંધી દે છે. અરે, કેટલાક તો ધર્મના નામે મંત્રજાપ પણ કરાવે છે. અલ્યા ભઇ, જાતે જાપ-અનુષ્ઠાન કરો તો હજુ સમજ્યા, પણ અહીં તો નાણાં પડાવવાનો જ ખેલ હોય છે. આથી જાળ બીછાવી દે. તનાવથી પીડાતી વ્યક્તિ લંડનમાં હોય અને જાપ-અનુષ્ઠાનનું ચક્કર દેશમાં, વતન કે ગામમાં ચલાવે. દર્દી કે તેના સ્વજનના મનમાં એવું ઠસાવી દે કે તમારા નામે જાપ થઇ જશે એટલે તમને શાંતિ થઇ જશે! અલ્યા કોણ કોને છેતરે છે? આવા ઊંટવૈદ્યો કે ધુતારાઓ છપ્પન ઘંટીનો લોટ ચાખી ચૂકેલા હોય છે. જેવો દર્દી, જેવી તેની આધિ-વ્યાધિ-ઉપાધિ એવા નાણાં પડાવવાના. આધિ-વ્યાધિમાં ઘેરાયેલાને શીશામાં ઉતારવાનું તેમને સારી પેઠે ફાવતું હોય છે. આવા લોકોથી સહુકોઇએ સાવધ રહેવું જોઇએ તેટલું જ કહી શકાય. છેતરાઇ ગયા પછી કોઇ (ગ્રહ)ને દોષ દેતા નહીં!
સબ દુઃખોં કી એક દવા - ઈશ્વર સ્મરણ
ચર્ચ ઓફ ઇંગ્લેન્ડે તાજેતરમાં તેમની સન્ડે પ્રેયરમાં અલ્ઝાઇમર્સ કે ડિમેન્શિયા કે તેના જેવી માનસિક વ્યાધિ ધરાવતા દર્દીઓ માટે સવિશેષ પ્રાર્થનાનો ઉમેરો કર્યો છે. ચર્ચમાં કઇ પ્રાર્થના ક્યા પ્રસંગ માટે યથાયોગ્ય ગણાય તેનો નિર્ણય લિટર્જિકલ કમિશન કરે છે. ખ્રિસ્તી ધર્મને સમર્પિત આ સંગઠને વરિષ્ઠ પાદરીઓને ખાસ સલાહ આપી છે કે પ્રાર્થનામાં વરિષ્ઠ નાગરિકોએ બાળપણમાં સાંભળેલી કે વાંચેલી પ્રાર્થનાઓનો વિશેષ સમાવેશ કરવો. બાળપણમાં જે કંઇ સાંભળ્યું હોય કે વાંચ્યું હોય તેની યાદ તાજી કરાવવા પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે ભૂતકાળના સંસ્મરણો તાજા કરવાથી અલ્ઝાઇમર્સ કે ડિમેન્શિયાના દર્દીઓને મનોમસ્તિષ્કમાં એક ચેતના પ્રગટે છે, જે તેમને શાંતિ અને સુખનો અહેસાસ કરાવે છે.
ચર્ચ ઓફ ઇંગ્લેન્ડે ગયા ઓગસ્ટમાં જાહેર કર્યું હતું કે લાખ દુખોં કી એક દવા આપણા ધર્મગ્રંથો છે. મતલબ કે ઇશ્વર સ્મરણ. પરંતુ સનાતન હિન્દુ ધર્મના ગ્રંથો તો સૈકાઓ પૂર્વે જ આ વાત કહી ચૂક્યા છે. આપણા ધર્મગ્રંથો કહે છે કે આપણા શ્વાસોચ્છશ્વાસમાં ઇશ્વર સ્મરણને વણી લેવાથી એક અનોખી શક્તિ આપોઆપ ઉદ્ભવે છે.
આ બધી વાત ટાંકવાનું તાત્પર્ય એટલું જ કે શારીરિક-માનસિક આધિ-વ્યાધિમાંથી મુક્તિ મેળવવા માટે કહેવાતા પંડિતો કે ગુરુનો અંચળો ઓઢીને ફરતા ધુતારા કે ઠગારાઓ પાસે અનુષ્ઠાન કરાવવાની જરૂર નથી. જાતે જ ઇશ્વર સ્મરણ કરો, ગમેતેવી કટોકટીમાં અવશ્ય રાહત અનુભવશો.
ડિપ્રેશન શું કે ડિમેન્શિયા શું કે અલ્ઝાઇમર્સ શું... નાના-મોટા તનાવમાં વ્યક્તિએ અંતરમન વધુ સ્વસ્થ અને શક્તિશાળી બનાવવું જ પડે. ઇશ્વર છે કે નહીં તેની અનંત ચર્ચામાં આપણે નહીં પડીએ કેમ કે આ મુદ્દે તુંડે તુંડે મર્તિભિન્ના જેવું છે. કેટલાક કહે છે કે ઇશ્વર છે, કેટલાક કહે છે કે નથી. કેટલાક વળી ઇશ્વર હોવાની સાબિતી માગતા કહે છે કે ખાતરી થાય તો અમે માનવા તૈયાર છીએ. લો... ને, આવા જ એક સજ્જન સાથે થયેલી ચર્ચાનું ઉદાહરણ ટાંકી જ દઉં.
હમ-વતની એવા આ સજ્જન એક કમ્યુનિટી કાર્યક્રમમાં મળી ગયા. ગામના ખબરઅંતરની આપ-લે કરી. વાતમાંથી વાત નીકળી ને તેમણે કહ્યુંઃ સીબી, તમે જીવંત પંથમાં ઘણી વખત લખો છો કે નાની-મોટી કોઇ પણ પ્રકારની તકલીફ હોય ઇશ્વર સ્મરણ કરો, અચૂક રાહત અનુભવશો... અથવા તો ક્યારેક તમારી વાતનો સૂર એવો હોય છે કે અત્ર-તત્ર-સર્વત્ર ઇશ્વરનો વાસ છે. મુશ્કેલીમાં મુકાયેલી આપણી જાતને આશ્વાસન આપવા માટે ‘સારી’ છે, પણ સાચી કઇ રીતે છે તે સમજાવો... જરા કહો તો અત્યારે આપણી આસપાસ ઇશ્વર ક્યાં છે?
હું તો અપલક નજરે તેમને જોઇ જ રહ્યો. પછી મેં જવાબ આપ્યોઃ હું જરાય ડીંગ નથી મારતો, ઇશ્વર આપણી આસપાસ તમામ સ્થળે છે.
તો કહે કે પણ બતાવો તો ખરા...
વાચક મિત્રો, હવે તમે જ કહો. આમને કઇ રીતે ખાતરી કરાવવી? મેં તેમને સમજાવતાં કહ્યું કે મુરબ્બી, આ વિષય શ્રદ્ધાનો છે, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવો આપવાનો ના હોય.
પરંતુ તેઓ મમત છોડવા તૈયાર નહોતા. છેવટે મેં આસપાસ નજર દોડાવી અને મને લાગલું જ દૃષ્ટાંત મળી ગયું. મેં તેમને કહ્યું કે તમે થોડીક વાર પૂર્વે જ તમારી પ્લેટમાં જાતભાતના લિજ્જતદાર વ્યંજનો લઇને આવ્યા છો. તમે ધારી લીધું છે કે આ તમામ રસોઇ શાકાહારી છે તેથી કોઇને પૂછીને ખાતરી કરવાની જરૂર સમજી નથી. આ તમારી (રસોઇ પ્રત્યેની) શ્રદ્ધા થઇ... તમે આ રસોઇ કરનાર રસોઇયાને નામઠામથી કે દીઠે ઓળખતા નથી, છતાં તમે એક ચુસ્ત શાકાહારી વ્યક્તિ હોવા છતાં ધારી લીધું છે કે તેણે રસોઇમાં માંસ-મચ્છી કે તેના જેવા કોઇ નોન-વેજ પદાર્થોનો રસોઇમાં જરા સરખો પણ ઉપયોગ કર્યો નથી. આ તમારી રસોઇયા પ્રત્યેની શ્રદ્ધા થઇ... તેના પ્રત્યેનો તમારો અતૂટ વિશ્વાસ થયો. તમે ટેસથી આ ભોજન આરોગી રહ્યા છો કેમ કે તમે ખાતરી છે કે ભોજન એકદમ સ્વચ્છ માહોલમાં તૈયાર થયું છે તે આરોગવાથી માંદગી કે બીમારીનું કોઇ જોખમ નથી, આ તમારી આયોજકો પ્રત્યેની શ્રદ્ધા થઇ. જો આ બધી બાબતોમાં તમે કોઇ પુરાવા જોયા ન હોય, નજરે કંઇ નિહાળ્યું ન હોય તેમ છતાં શ્રદ્ધા રાખી શકતા હો, વિશ્વાસ ધરાવતા હો તો પછી જે કુદરતે તમારું સર્જન કર્યું છે, તમે જે સુખરૂપ હરી-ફરી રહ્યા છો, શ્વાસ લઇ રહ્યા છો, તે પણ કંઇ ચમત્કારથી ઓછું થોડુંક છે? મારા જેવા કોઇ આને ઇશ્વરીય શક્તિ ગણાવે છે તો તમારા જેવા કોઇ આને પરમ શક્તિ ગણાવે છે. કોઇ વળી આને કુદરતની કમાલ ગણાવે છે... આખરે તો તે એવી કોઇ શક્તિ જ છે, જેને આપણે સહુ અલગ અલગ નામે ઓળખીએ છીએ. ઇશ્વર હોય, માન્યતા હોય, વિચાર હોય કે શ્રદ્ધા... નરી આંખે દેખાય તો જ પુરાવો એવું જરૂરી નથી. સામ્યવાદી વિચારસરણીમાં માનનારા લોકો પણ ભલે ઇશ્વરમાં માનતા ન હોય, પણ એક (ડાબેરી) વિચારસરણીમાં તો માને જ છેને?! આ આસ્થા, માન્યતા, વિચારસરણી કે ભરોસો એ જ તો છે ઇશ્વર કે પરમ શક્તિ...
વાચક મિત્રો, પે’લા સજ્જનના ગળે મારી વાત ઉતરી તો ખરી, પણ ભારે મહેનત કરવી પડી. ઇશ્વર અને તેના પ્રત્યેની આસ્થાની વાત ચાલી રહી છે ત્યારે મને કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો એક પ્રસંગ આવે છે. કવિવર શાંતિનિકેતનમાં વસતા હતા ત્યારની વાત છે. પરિવારની દીકરીને ત્યાં પારણું બંધાયું. દીકરો અવતર્યો. તેનું નામ અમર્ત્ય. આ બાળક એટલે અર્થશાસ્ત્ર ક્ષેત્રે નોબેલ પારિતોષિક વિજેતા એકમાત્ર ભારતીય ડો. અમર્ત્ય સેન. તેમનું
નામ પાડ્યું હતું ખુદ કવિવર ટાગોરે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ડો. સેને આ વાત કરી હતી, તેમણે કેમ્બ્રિજમાં પ્રોફેસર તરીકે ભારે નામના મેળવી હતી.
આ અરસામાં તેમને કવિવર સાથે મુલાકાતનો અવસર મળ્યો હતો. તેમણે વાત વાતમાં કવિવરને કહ્યું, I'm an atheist... હું નાસ્તિક છું... હું ઇશ્વરમાં માનતો નથી.
ડો. સેનને તો એમ હતું કે આ વાત સાંભળીને કવિવર આંચકા સાથે આઘાતની લાગણી અનુભવશે, પરંતુ આવું કંઇ થયું નહીં. આથી ઉલ્ટું કવિવરે કહ્યું હતુંઃ બહુ સરસ, તું તો સાચો સનાતની કહેવાય. ડો. સેને ફરી કહ્યું કે મારો કહેવાનો મતલબ છે કે હું ધર્મમાં માનતો નથી. આથી ધાર્મિક ન ગણાઉં... કવિવરે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું કે તું ભલે ધર્મમાં માનતો ન હોય, પણ આ વાત કે વિચારમાં શ્રદ્ધા છે તે પણ એક પ્રકારે ધર્મ જ છે તેથી તું ધાર્મિક જ ગણાય. માણસ કોઇ વિચાર કે પ્રણાલી ટકાવી રાખે કે એનાથી તેનું મનોબળ મજબૂત બને, જે વિચાર તેને સંકટ સામે ઝઝૂમવાનો કે સંકટ સામે ટકી રહેવાનો સધિયારો પૂરો પાડે તો તે ધર્મ જ છે. આ વાતનો ઉલ્લેખ આપણા ધર્મગ્રંથોમાં પણ છે, આપણા વિદ્વાનો, પંડિતો પણ આ વાતને સમર્થન આપે છે. આમ તું નાસ્તિક તો ગણાય જ નહીં.
વાચક મિત્રો, આથી જ હું આ લેખમાં અગાઉ કહી ચૂક્યો છું કે ડિપ્રેશન કે ડિમેન્શિયાનો સચોટ ઉપાય છે આત્મશ્રદ્ધા. અને આત્મશ્રદ્ધાને મજબૂત બનાવવાનો એકમાત્ર અને અકસીર ઉપાય છે ઇશ્વર સ્મરણ. આ માટે ઇશ્વર છે કે નહીં તેનો પુરાવા મેળવવા માટે ફાંફા મારવાની જરૂર નથી. બસ, અંતરમનમાં ડોકિયું કરજો, અને તમને ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો મળી જશે.
વાચક મિત્રો, હું અહીં બે શબ્દો ટાંકી રહ્યો છુંઃ
Depth v/s .......................... અને ............................ v/s Superficial.
વડીલો સહિત સહુ વાચક મિત્રોને આ શબ્દો વિશેનું અર્થઘટન લખી મોકલવા આમંત્રણ છે. આપના વિચારો ઇ-મેઇલ cb.patel@abplgroup પર મોકલી આપશો (જેથી પોસ્ટનો એક પેનીનો ખર્ચ પણ નહીં.) અને હા, મહેરબાની કરીને આ મુદ્દે ટેલિફોન કરીને ચર્ચા કરવાનું ટાળજો. બાય ધ વે, જો ઇચ્છો તો મને ફોન કરીને વોઇસ મેસેજ મૂકી શકો છો, મને અનુકૂળતા હશે ત્યારે વળતો ફોન કરીશ. અને હા, મિસ્ડ કોલ ક્યારેય એટેન્ડ કરતો નથી તે ધ્યાનમાં રાખશો.
સંક્ષિપ્તમાં કહું તો મનના કે તનના - સંઘર્ષભર્યા સંજોગોમાં પ્રાણવાન પાત્રો, પ્રાણવાન વિચારસરણી અને પ્રાણવાન રહેણીકરણી અત્યંત લાભદાયી નીવડે છે.
•••
નવા નવા રોગો, સંશોધનો અટપટા ઔષધો
મેડિસીન સાયન્સ - ઔષધ શાસ્ત્ર સતત આગેકૂચ કરતું રહ્યું છે. નવા નવા દર્દો માનવજાતને હેરાન-પરેશાન કરતા રહે છે તો તેના નિવારણ માટે અટપટી દવાઓ, ઔષધો પણ શોધાતા જ રહે છે. આ સંજોગો માટે તમે એમ પણ કહી શકો કે - ઊંટ કાઢે ઢેકા તો માણસ કાઢે કાઠા. ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર ખૂબ જ વિશાળકાય અને અમુક અંશે અબજો પાઉન્ડનો ધીકતો ધંધો છે. જાયન્ટ કંપનીઓ જાતભાતના સંશોધનો કરીને નવા નવા રોગોના મારણ માટે દવાઓ વિકસાવે છે. અને અઢળક કમાણી રળે છે. કેટલાક વર્ષો બાદ જે તે દવાની પેટન્ટ પૂરી થાય ત્યારે વિવિધ દેશોમાં તેનું ઉત્પાદન શક્ય બનતાં દર્દીઓને કંઇક અંશે સસ્તા ભાવે દવા મળતી થાય છે. વિકસિત દેશો, સવિશેષ ભારત, જેનેરિક દવાઓના ઉત્પાદનમાં હરણફાળ ભરી રહ્યું છે. ભારતનો ૪૫ ટકા ફાર્મા ઉદ્યોગ ગુજરાતમાં ધમધમે છે. ભારતની નંબર વન સન ફાર્માસ્યુટિકલથી માંડીને એલેમ્બિક, કેડિલા, ટોરેન્ટ, ઝાયડસ સહિતની અનેક કંપનીઓ મોટા પાયે રાજ્યમાં ઉત્પાદન કરે છે.
ડિપ્રેશનની બીમારી માટે ખૂબ જ જાણીતી દવાઓની વાત કરીએ તો છેલ્લા દસકાઓમાં પ્રોઝેક (Prozac)નો દુનિયાભરમાં ભારે દબદબો રહ્યો છે. ૧૯૯૮ની સાલમાં આ દવાનું દુનિયાના ૮૦ દેશોમાં ૫.૪૦ કરોડ દર્દીઓએ સેવન કર્યું હતું. આટલા જથ્થાની કુલ કિંમત હતી ૩ બિલિયન ડોલર. અમેરિકી કંપની Eli Lilly - એલી લીલીને આ દવાએ છપ્પર ફાડકે કમાણી કરાવી હતી. આશરે ત્રણ-ચાર દસકા પહેલાં કંપનીના વિજ્ઞાનીઓએ તેની લેબમાં એક દવા વિકસાવી. તેનું નામકરણ નહોતું થયું, પણ કોડ અપાયો હતોઃ Ly110141. કંપનીની પરેશાની એ હતી કે આ દવા ક્યા રોગનો અસરકારક ઉપચાર કરી શકે એમ છે તેનો ખાસ ખ્યાલ જ આવતો નહોતો. આ પછી પ્રયોગ કરતાં જાણવા મળ્યું કે ડિપ્રેશનથી હેરાન-પરેશાન દર્દીઓને તેનાથી કંઇક રાહત થાય છે. કોઇ કંપની આવો મોકો છોડે? જોરદાર પબ્લિસિટી કરવામાં આવી. બહુ આયોજન અને કુશળતા સાથે તેનું માર્કેટિંગ અને બ્રાન્ડીંગ કરવામાં આવ્યું. કંપનીને બખ્ખાં થઇ ગયા. જાણે ડોલરિયો વરસાદ વરસ્યો.
વૈજ્ઞાનિક રીતે જોઇએ તો આપણા મસ્તકમાં જે ગ્રે સેલ હોય છે તે શરીરના જ્ઞાનતંત્રને અલગ અલગ રીતે કનેક્ટ કરે છે. આ કામગીરી દરમિયાન જે કેમિકલ ઇમ્બેલેન્સ - રાસાયણિક અસમતુલા સર્જાય ત્યારે ડિપ્રેશન કે તેના જેવી માનસિક બીમારી સર્જાતી હોવાનું કોઇએ શોધી કાઢ્યું. હવે આટલા વર્ષો પછી ખબર પડી છે કે આ સત્ય છે, પણ સંપૂર્ણ સત્ય નહીં. કેમિકલ ઇમ્બેલેન્સ છેલ્લા ૫૦ વર્ષથી ડિપ્રેશન માટે મુખ્ય કારણભૂત મનાતું હતું. પણ છેલ્લા વર્ષોમાં વિજ્ઞાને વધુ પ્રગતિ કરી છે. હું આ શોધનું ટેક્નિકલ નામ આપીને આપ વાચકોને વધુ પ્રભાવિત કરવા કે ગૂંચવાડામાં નાખવા આતુર નથી. સાથે સાથે જ ફરી એ વાતનો પણ ખુલાસો કરી દઉં કે આપનો આ જણ ડોક્ટર પણ નથી કે આ શાસ્ત્રનો વિદ્વાન પણ નથી. મધમાખી જેમ ચારેતરફ ઉપલબ્ધ ફૂલોમાંથી રસ એકઠો કરીને મધપૂડા દ્વારા આપણા સુધી પહોંચાડે છે તેમ હું આપણી આસપાસની દુનિયામાં ઉપલબ્ધ જ્ઞાનરૂપી રસ એકઠો કરીને આપની સેવામાં સમર્પિત કરું છું. ફરજ મારી, પણ મારી બધી વાત માની લેવાની જરૂર નથી. સાવચેતી રાખું છું, પણ જાત અભ્યાસથી, નિરીક્ષણ કરીને જાણકારી મેળવું છું તે આપની સમક્ષ રજૂ કરું છું.
વિજ્ઞાનીઓએ ભારે જહેમત બાદ એન્ટી ડિપ્રેશન્ટ તરીકે શોધી કેટામાઇન. તેના પ્રયોગો કરતાં ખબર પડી કે પ્રોઝાક દવા ૫૮ ટકા દર્દીઓમાં સફળ રહેતી હતી, જ્યારે કેટામાઇન દવા ૭૫ ટકા દર્દીઓમાં સફળ જોવા મળી હતી. આ દવા એટલી અસરકારક જણાઇ હતી કે ડિપ્રેશનનો ભોગ બનેલી કોઇ વ્યક્તિ આત્મહત્યા કરવા થનગની રહી હોય અને જો તેને આ દવાનો ડોઝ આપી દેવામાં આવે તો તે અટકી જાય છે. તાજેતરમાં અમેરિકાની જાયન્ટ ફાર્મા કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સને એક નવા જ સ્પ્રેની શોધ કરી છે. ડિપ્રેશનનો ભોગ બનેલી વ્યક્તિ નાકમાં તેનો સ્પ્રે કરે તો તે અવશ્ય રાહત પામે છે એવો કંપનીનો દાવો છે.
તબીબી વિજ્ઞાન અને ઔષધ વિજ્ઞાન ક્ષેત્રે અનેક સંશોધન થઇ રહ્યા છે. એક વાત સદભાગ્યે બહુ જ સારી છે કે અમેરિકાની કંપનીના આ દાવાની બહુ ઊંડી ચકાસણી થઇ રહી છે. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થમાં આ અંગે વિગતવાર અભ્યાસ થઇ રહ્યો છે. જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીમાં ન્યૂરો સાયન્સ વિભાગના વડા હુસૈની મનજી છે, સંભવતઃ તેઓ ઇસ્માઇલી ખોજા હશે. ટૂંકમાં કહું તો નજીકના ભવિષ્યમાં ડોક્ટરો કે નેશનલ હેલ્થ સર્વીસ (એનએચએસ) આ સ્પ્રેની ભલામણ કરવા લાગે તેવી શક્યતા છે. આશા રાખીએ કે જે દવાઓ શોધવામાં આવી રહી છે તે પૂરતી ચકાસણી પછી જ બજારમાં આવે.
આની સાથે સાથે બીજી દવાની વાત પણ કરી જ લઇએ. અમેરિકામાં સારેપ્ટા થેરાપ્યુટિક્સ નામની એક મોટી ફાર્મા કંપની છે. આ કંપનીએ જવલ્લે જ જોવા મળતી ડ્યુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની એક ભયંકર બીમારીની દવા શોધ્યાનો દાવો કર્યો છે. અત્યાર સુધી આ બીમારીની કોઇ દવા જ નહોતી. હવે આ દવાની અસરકારકતાના પ્રયોગો થઇ રહ્યા છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના રોગમાં આ દવા અસરકારક છે. સપ્ટેમ્બરની ૨૮ તારીખે આ જાહેરાત થઇ અને બે સપ્તાહમાં તો કંપનીના શેરના ભાવમાં બમણો ઉછાળો નોંધાયો છે. આ જે ટ્રીટમેન્ટ શોધાઇ છે તેનો એક વર્ષનો દર્દીદીઠ ખર્ચ છે ૬૬૫.૬૦૦ ડોલર. હવે દવાના એક ડોઝની કિંમત સાંભળીને તમે એ ચિંતામાં નહીં ડૂબી જતા કે કાંતશે કોણ અને પીંજશે કોણ? આટલી મોંઘી સારવાર કોણ કરાવશે? જે તે દવાના શોધ-સંશોધન પાછળ એટલો તોતિંગ ખર્ચ થતો હોય છે કે દવાની કિંમત નીચી રાખવાનું શક્ય બનતું નથી એમ કંપનીઓ જણાવે છે.
પૂરતી તબીબી ચકાસણી વગરની દવા વેચાય કે વપરાય તો તેની કેવી ભયંકર આડઅસર થતી હોય છે તેનું એક ઉદાહરણ ટાંક્યા વગર રહી શકતો નથી. થોડાક દસકાઓ પૂર્વે નિઃસંતાન માતાઓ માટે થેલોડોમાઇડ નામની દવા બજારમાં મૂકાઇ હતી. સંતાન ઝંખતી, પરંતુ કોઇ કારણસર માતૃત્વ ધારણ ન કરી શકતી સ્ત્રીઓ માટે આ દવા વરદાનરૂપ સાબિત થઇ. આ દવાના સેવનથી હજારો મહિલાઓ સગર્ભા બની. માતૃત્વ ધારણ કર્યું. પરંતુ દવાની આડઅસર એવી થઇ કે મોટા ભાગના બાળકો શારીરિક-માનસિક ખોડખાંપણનો ભોગ બન્યા. થેલોડોમાઈડ નામની આ દવા બજારમાં મૂકનાર સ્વીસ કંપની હોફમેને તો કોથળા ભરીને કમાણી કરી લીધી, પરંતુ તેણે દવાની આડઅસરોનું પૂરતું પરીક્ષણ કર્યું ન હોવાથી આજે હજારો બાળકો જિંદગીભરની સજા ભોગવી રહ્યા છે.
આ ઉદાહરણ થકી હું એટલું જ કહેવા માંગુ છું કે દવા કોઇ પણ શોધવામાં આવે, પરંતુ તેના ઉપયોગ પૂર્વે માનવજીવન પર તેની સારી-નરસી અસરો અંગે વિશદ્ અભ્યાસ થવો જ રહ્યો. આમાં સ્હેજ પણ કચાશ, જે તે દર્દી માટે ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવી સ્થિતિ સર્જી શકે છે.
(ક્રમશઃ)