વડીલો સહિત સહુ વાચક મિત્રો, હું સાચે જ આપ સહુનો ખૂબ ઋણી છું. પત્રકારત્વના આ વ્યવસાયમાં કંઇ કેટલીય વખત પૂર્વઆયોજિત કાર્યક્રમમાં ફેરફાર કરવાની મજબૂરી ઉભી થાય. જોકે મહદ્અંશે આ બધું અંતે તો સારું જ નીવડે. આજે જીવંત પંથ દ્વારા આપ સહુ સમક્ષ ઉપસ્થિત થવામાં સોમવારના સાંજના ચાર વાગી ગયા છે. આપ નામદાર વાચકોની કોર્ટમાં, આ સાક્ષી નજરે નિહાળેલો, જાતે અનુભવેલો અહેવાલ રજૂ કરવા હાજર થયો છે.
આજે મધ્યાહને પ્રો. નાગેન્દ્ર રાવ કાર્યાલયમાં પધાર્યા હતા. તેમની સાથે ત્રણેક મિત્રો પણ હતા. રાવસાહેબને સમગ્ર વિશ્વમાં સહુ કોઇ યોગગુરુ તરીકે સ્વીકારે છે. એક રીતે તેઓ સાધુચરિત છે એમ કહી શકાય. એકદમ નમ્ર, સરળ અને સાલસ સ્વભાવ. તમે મળો તો જાણે ઋષિને મળ્યાની આહલાદક્ અનુભૂતિ થાય. કર્ણાટકમાં જન્મ. બેચલર ઓફ એન્જીનિયરીંગ (મિકેનિકલ)નો અભ્યાસ. લંડનની ઇમ્પિરિયલ કોલેજમાં પણ કેટલાક વર્ષ અભ્યાસ કર્યો. પીએચ.ડી. પણ કર્યું. અમેરિકાની જગવિખ્યાત અવકાશ સંસ્થા ‘નાસા’માં દોઢેક વર્ષ કામ કર્યું. દેહ ભલે વિદેશમાં વિચરતો હતો, પણ દિલોદિમાગમાં સ્વદેશ ભમતો હતો. જે જમાનામાં (અત્યારની જેમ જ સ્તો) આપણા તેજસ્વી તારલાઓ અમેરિકા, બ્રિટન કે તેના જેવા વિકસિત દેશોમાં કાયમી વસવાટ કરવાનું સપનું સેવતા હતા, તેને સાકાર કરવા આકરી મહેનત કરતા હતા તેવા સમયે રાવસાહેબ સ્વેચ્છાએ ભારત પરત પહોંચી ગયા.
ત્રીસેક વર્ષ પહેલાની આ વાત છે. અભ્યાસ એન્જિનિયરિંગનો અને જીવ વૈજ્ઞાનિકનો. રાવસાહેબે સોનેરી સમન્વય સાધ્યો. તેમણે માનવજાતના હિતાર્થે કામ શરૂ કર્યું. બેંગ્લોર નજીક ૧૦૦ એકરમાં નેચરોપથી સેન્ટર સ્થાપ્યું. પણ આ કોઇ ચિલાચાલુ કુદરતી ઉપચાર કેન્દ્ર નહોતું. કુદરતી ઉપચાર, યોગ થકી આરોગ્ય વગેરેને તેમણે વૈજ્ઞાનિક અભિગમ સાથે અપનાવ્યા. તે સમયે બેંગ્લોર આજના જેટલું ફૂલ્યુંફાલ્યું નહોતું કે ‘ભારતના આઇટી કેપિટલ’ની ઓળખ પણ મેળવી નહોતી, પરંતુ રાવસાહેબનું કુદરતી ઉપચાર કેન્દ્ર સદાબહાર સ્વાસ્થ્યના ચાહકોમાં જાણીતું બની ગયું હતું.
આપણા વડા પ્રધાન માનનીય નરેન્દ્રભાઇ તે અરસામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે કાર્યરત હતા. તેઓ દર વર્ષે અમુક દિવસ આ કુદરતી ઉપચાર કેન્દ્રમાં વીતાવીને પોતાની બેટરી ચાર્જ કરતા હતા. અહીં જ પ્રો. નાગેન્દ્ર રાવે તેમને યોગની દુનિયાનો પરિચય કરાવ્યો. આજે મોટા ભાગના લોકો વિચારે છે કે કલાકોના અતિ વ્યસ્ત શિડ્યુલ છતાં નરેન્દ્ર મોદી આટલા સ્ફૂર્તિલા કેમ જોવા મળે છે? તો તેનું રહસ્ય છે યોગની શક્તિ. તેઓ નિયમિત યોગ અને પ્રાણાયમ કરે છે. આ વાતને રાવસાહેબ ખુદ સમર્થન આપે છે.
યોગગુરૂ પ્રો. નાગેન્દ્ર રાવે વાતચીતનો પ્રારંભ શ્લોકથી કર્યો
ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
(અર્થાત્ પૂર્ણ છે તે, પૂર્ણ છે આ, પૂર્ણમાંથી પૂર્ણ ઉદ્ભવ્યું
પૂર્ણનું પૂર્ણ ગ્રહી લેતાં પૂર્ણ જ બાકી રહી ગયું.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ)
આ શ્લોક રજૂ કરીને તેમણે આપણા પૌરાણિક વારસાની શક્તિનો પરિચય કરાવ્યો. સમગ્ર માહોલ જાણે ચેતનવંતો થઇ ગયો. રાવસાહેબ અને તેમના સાથીઓ સાથે વાતોનો ડાયરો જામ્યો હતો ત્યાં જ એકાએક જાણીતા સંગીતસાધિકા માયાબહેન પધાર્યા. રાવસાહેબે યોગની વાત કરી. પછી જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગ એમ કરતાં કરતાં છઠ્ઠા ક્રમે આવેલા કર્મયોગ સુધી પહોંચ્યા. છએ છ પ્રકારના યોગ વિશે સરળ ભાષામાં સરસ સમજ આપી.
પ્રો. નાગેન્દ્ર રાવથી તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને સહુ કોઇ પ્રભાવિત છે, પણ તેઓ કોનાથી પ્રભાવિત છે? તેઓ કહે છે કે હું જ્યારે પરદેશમાં હતો ત્યારે સ્વામી વિવેકાનંદ વિશે વાંચ્યું અને તેમના કેળવણી સંબંધિત દૃષ્ટિકોણથી બહુ પ્રભાવિત થયો. સ્વામીજીએ કહ્યું હતું કે પશ્ચિમની કેળવણીમાંથી શ્રેષ્ઠ પ્રાપ્ત કરો, અને પૂર્વની કેળવણીમાંથી પણ શ્રેષ્ઠ પ્રાપ્ત કરો. આજના યુગમાં આ બન્નેનો સમન્વય સાધતા - વિજ્ઞાન આધારિત - શિક્ષણ, કેળવણીની તાતી જરૂર છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે આવશ્યક બદલાવની પણ વાતો પણ કરી.
અમારા સહુની વિનતીને માન આપીને માયાબહેને બે-ત્રણ સુંદર ગીત-ભજન તેમના સૂરિલા કંઠે રજૂ કર્યા. તેમાંની એક રચના એટલે મીરાબાઇનું ભજન - પાયો જી મૈને રામ રતન ધન પાયો... વાચક મિત્રો, મીરાબાઇના હૈયામાં કૃષ્ણ બિરાજે છે તો મારા હૈયામાં આપ સહુ. મારી-તમારી-આપણી વચ્ચે જે સમન્વય રચાઇ રહ્યો છે તેને ઇશ્વર કૃપા જ સમજવી રહી. ઇશ્વરની ઇચ્છા વગર તો સૂકું પાંદડું પણ ફરફરતું નથી, જ્યારે આ તો અમૂલ્ય પ્રેમ પામવાની વાત છે.
શુક્રવારે બપોરે અમે લિવરપુલ જવા રવાના થયા. સાંજે ત્યાં યોજાયેલા પ્રાણવાન સંગીત કાર્યક્રમમાં લોર્ડ નવનીતભાઇ ધોળકિયા, લેડી ધોળકિયા, કોકિલાબહેન પટેલ અને મારે હાજરી આપવાની હતી. આ કાર્યક્રમ વિશે આ અંકમાં અન્યત્ર કોકિલાબહેનનો વિશેષ અહેવાલ પ્રસિદ્ધ થયો છે, જેમાં લોર્ડ નવનીત ધોળકિયાના મનનીય પ્રવચનનો ઉલ્લેખ છે જ એટલે પુનરોક્તિ ટાળું છું. હા, મિલાપ ફેસ્ટ વિશે એટલું અવશ્ય કહેવું રહ્યું કે મોરના ઇંડા ચીતરવા પડતા નથી.
જાણીતા શિક્ષણવિદ્ અને શિક્ષણ ક્ષેત્રે અપ્રતીમ સેવાઓ બદલ ભારત સરકારના પદ્મશ્રી ખિતાબથી સન્માનિત ડો. રઘુભાઇ નાયક અને જશીબેનના સુપુત્ર ડો. પ્રશાંતભાઈ ઓર્થોપેડિક સર્જન બન્યા. લિવરપુલમાં ૪૦ વર્ષ પૂર્વે સ્થાયી થયા. હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. સંગીતના સૂરો સાથે ભારે લગાવ. સૂરો પ્રત્યેના તેમના આ જ આકર્ષણમાંથી મિલાપ ફેસ્ટનો જન્મ થયો. નામનું સૂચન રઘુભાઇનું હતું. નામ જેવા જ ગુણ ધરાવતા મિલાપ ફેસ્ટમાં હાજરી આપો એટલે તમને ખાતરી થઇ જાય કે સંગીતને ક્યારેય દેશ-પ્રદેશ-ખંડના સીમાડા નડ્યા નથી, અને નડવાના પણ નથી. સાચે જ બ્રિટનમાં આપણા સંગીત અને નૃત્યકળાના જતન માટે લિવરપુલમાં એક ભગીરથ કાર્ય થઇ રહ્યું છે. આ વિશે સમયે સમયે હું રજૂઆત કરતો રહીશ, પરંતુ આદરણીય જશીબહેનને મળવા જવાનો પ્રસંગ યાત્રાસમાન ગણું છું.
પૂ. જશીબહેન આગામી ૧૮ નવેમ્બરે આયખાનું ૯૬મું વર્ષ પૂરું કરશે, પણ તેમનો ઉત્સાહ-ઉમંગ યુવાપેઢીને પણ શરમાવે તેવા. ઉંમર ઉંમરનું કામ કરે છે, પણ પ્રાણવાન વ્યક્તિનો પ્રભાવ સદાબહાર રહેતો હોય છે. તેમની સ્વસ્થતાનું રહસ્ય જીવન પ્રત્યેના તેમના હકારાત્મક અભિગમમાં છુપાયેલું છે એમ કહેવામાં લેશમાત્ર અતિશ્યોક્તિ નથી. કોઇની નિંદા-કુથલી નહીં અને જીવનમાં સતત ગાંધીચીંધ્યા સિદ્ધાંતોનો અમલ. પુત્ર-પૂત્રવધૂ, પૌત્ર સહિતના પરિવારજનો જે પ્રકારે તેમના માતૃત્વની છાયા મેળવી રહ્યા છે તે જોઇને હું ખૂબ પ્રભાવિત થયો. અમે પૂ. જશીબહેનને તેમના પ્રત્યેના આદર-સન્માનના પ્રતીક સ્વરૂપે કર્મયોગ સન્માન પત્ર અર્પણ કરીને શિક્ષણ ક્ષેત્રે તેમની સેવાઓને બિરદાવી.
શનિવારે સવારે ડો. નાયક અમને ગાડીમાં બેસાડીને લિવરપુલ દર્શન કરાવવા નીકળ્યા. તેઓ રસ્તામાં જુદા જુદા સ્થળોની અમને માહિતી આપી રહ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં જે જોયું, જે માણ્યું, જે અનુભવ્યું તેનાથી મારાથી સહજપણે જ ઉદ્ગાર સરી પડતા હતાઃ હમીનસ્તો, હમીનસ્તો.
ડોક્ટરસાહેબ મારા શબ્દો સાંભળીને ચોંક્યા. તરત તેમણે પૂછ્યું, ‘અરે સી.બી., તમે આ શબ્દો ક્યાંથી જાણો? આ શબ્દો તો કાશ્મીરમાં વાંચવા-સાંભળવા મળે...’ મારો જવાબ હતોઃ મેં ક્યાંક વાંચ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં ઘણા સ્થળોએ, બસ-ટેક્સી જેવા વાહનોમાં, હાઉસ બોટમાં આ વાક્ય લખ્યું હોય છે - ગર ફિરદોસ બર રૂએ, હમિનસ્તો, હમિનસ્તો. મતલબ કે જો ધરતી પર કોઇ સ્વર્ગ હોય તો તે અહીં જ છે. આમ તો હું વેદોનું બીજું એક સૂત્ર પણ વારંવાર ટાંકતો રહું છુંઃ નેતી નેતી વેદ પુકારે. પરંતુ આ બધી વાતો ફરી ક્યારેક માંડીશું.
હું ગયા ગુરુવારની વાત ટાંકતા મારી કલમને રોકી શકતો નથી. દર મહિનાની ૨૩ તારીખે અનુપમ મિશન દ્વારા ભારતમાં કે બ્રિટનમાં યોજાતી ભજનસંધ્યામાં શક્ય હોય ત્યારે અવશ્ય હાજરી આપું છું. મારા અનુભવે યોગીબાપા એક જીવતાજાગતા જોગી હતા. આજે તેઓ ભલે દૈહિક સ્વરૂપે આપણી વચ્ચે ઉપસ્થિત ન હોય, પરંતુ તેમનો જીવનસંદેશ, ઉપદેશ આપણે અનેક રીતે મેળવી શકીએ છીએ. ૨૩મી તારીખ યોગીજીમહારાજનો જન્મદિન છે. ભજનસંધ્યાના પ્રારંભે ચેતન અને કલ્પેશ વ્યાસની બંધુબેલડીએ અન્ય સાજીંદાઓ સાથે સુંદર શરૂઆત કરી. તેના શબ્દો હતા...
સંતોની વાત જેવી બીજી કોઇ વાત નહી,
ભક્તોની નાત જેવી બીજી કોઇ નાત નહી,
ભજનની રાત જેવી બીજી કોઇ રાત નહી,
માયાની લાત જેવી બીજી કોઇ લાત નહી,
આ માયા પણ વધતા-ઓછા અંશે આપણને સહુને કેવી જકડી રાખે છે... ખરુંને?
શનિવારે પાછો લંડન પરત આવી ગયો. નિત્યક્રમ અનુસાર નોંધપોથીના ટાંચણ પર નજર ફેરવી રહ્યો હતો. બે સંસ્કૃત સુભાષિત યાદ આવ્યા અને વાત સંસ્કૃત તથા સુભાષિતની હોય ત્યારે ડો. નંદ કુમારને યાદ કર્યા વગર તે કંઇ છૂટકો છે?! તરત ફોન લગાવ્યો. તેમણે કૃપા કરીને બે સુભાષિત મોકલી આપ્યા છે જે અહીં રજૂ કર્યા છે. બન્ને સુભાષિત આપણને આજીવન સુખી થવાનો અર્ક આપે છે.
લોભ્મૂલાનિ પાપાનિ, રસમોલાનિ વ્યાધયઃ ।
ઇષ્ટમૂલાનિ શોકાનિ ત્રીણિ ત્યક્ત્વાસુખી ભવ ।।
અર્થાત્, તમામ પાપોના મૂળમાં લોભ રહેલો છે. આપણી તમામ માંદગીઓના મૂળમાં સ્વાદ રહેલો છે. તમામ સમસ્યાઓ-આફતોના મૂળમાં લાલસા સમાયેલી છે. આ ત્રણેયનો ત્યાગ કરીને તમે આજીવન ખુશી પામી શકો છો.
લોભાત્ ક્રોધઃ પ્રભવતિ લોભાત્ કામઃ પ્રજાયતે
લોભાત્ મોહશ્ચ લોભઃ પાપસ્ય કારણમ્
અર્થાત્ લોભ રોષને, લોભ લાલસાને વધારે છે. લોભ ભ્રમણાઓ અને વિનાશનું કારણ છે. આપણા તમામ પાપોના મૂળમાં લોભ રહેલો છે.
મિત્રો, માયાના અનેક સ્વરૂપ હોય છે. અને તેના બધાય સ્વરૂપ કદરૂપા હોય છે તેવું પણ નથી. મર્યાદામાં માયાનો મોહ એક આશીર્વાદ સમાન છે. પણ જો માયાનો મોહ આપણને અતિ લોભ, સત્તાના અતિરેકનો શિકાર બનાવે તો પછી આપણે સામાન્ય માનવી હોઇએ કે પંડિત હોઇએ કે ગુરુ હોઇએ કે પછી અધ્યાપક હોઇએ, માયાની લાત પડે છે ત્યારે છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય છે.
આ વેળા સ્થળસંકોચના કારણે મારે કલમને અહીં જ વિરામ આપવો પડશે, પરંતુ અંત પૂર્વે એટલું અવશ્ય કહીશ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ સૂત્રને યાદ કરીને જો મર્યાદા જાળવી શકાય તો કેટલું સારું? (ક્રમશઃ)
•••
કર્મયોગી કલામની કમાલઃ ક્યાંથી ક્યાં જઇ પહોંચ્યા
આ સાથેની ‘જીવંત પંથ’ કોલમ ટપકાવવાનું પૂરું થયું અને થોડીક પળોમાં તો સમાચાર આવ્યા કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે વિદાય લીધી છે. ૧૬૦૦ સ્કવેર ફીટના આપણા કાર્યાલયના એક ભાગમાં અમે સહુ સાથીઓએ ઉભા થઇને આવા મુઠ્ઠીઊંચેરા અદના આદમીને શ્રદ્ધાંજલિ અર્પી. આ અંકમાં અન્યત્ર આપણા કલામસાહેબની જીવન ઝરમર અને સિદ્ધિ વિશે વાંચી શકશો. ત્રણેક વખત કલામસાહેબને મળવાનો શુભ અવસર મને સાંપડ્યો છે. નિર્દોષ છતાં અત્યંત આકર્ષક વ્યક્તિત્વ. સીધીસાદી છતાં વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી દૃષ્ટિ. અને ભારતમાતા પ્રત્યેનો અતૂટ આદર. તેઓ આપણા વેદો, પુરાણો અને શાસ્ત્રોના પણ ઊંડા અભ્યાસુ હતા. આવા રાષ્ટ્રપતિ આપણને સાંપડ્યા હતા તે પણ ભારતનું સદભાગ્ય. આપ સહુ વાચકો વતી, સમગ્ર માનવજાત વતી આવા પ્રેરણાપુરુષને સંક્ષિપ્તમાં શ્રદ્ધાંજલિ નતમસ્તકે સાદર કરીને અત્રે વિરમું છું.
•••
પાયોજી મેને રામ-રતન ધન પાયો
– મીરા બાઇ
વસ્તુ અમોલીક દી મેરે સતગુરુ,
કિરપા કર અપનાયો... પાયોજી મેને
જનમ જનમકી પુંજી પાઇ,
જગમેં સભી ખોવાયો... પાયોજી મેને
ખરચૈ ન ખુટે, વાકો ન લૂટે,
દિન દિન બઢત સવાયો... પાયોજી મેને
સતકી નાવ, ખેવટિયા સતગુરુ,
ભવ-સાગર તર આયો... પાયોજી મેને
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
હરખ હરખ જસ ગાયો...પાયોજી મેને