વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે મારે આપ સહુ સમક્ષ એક એવા પ્રશ્નની છણાવટ કરવી છે જે ઓછાવત્તા અંશે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, વાંચતાં-જાણતાં આપણને અત્યંત પીડા કે સંતાપ થાય. આ સાવચેતી સાથે જ આ કુટપ્રશ્નની ચર્ચા અમુક રીતે આવશ્યક હોવાનું માનું છું, પણ ચાલો નિયમ પ્રમાણે શરૂઆત અપોષણથી કરીએ.
રવિવાર, સાતમી ફેબ્રુઆરીએ હું બ્રાયટન મારા પૌત્ર અને પૌત્રીની હોકીની રમત નિહાળવા ગયો હતો. બન્ને પોતપોતાની સ્કૂલની હોકી ટીમમાંથી મેદાનમાં ઉતર્યા હતા. લંડનથી દક્ષિણ દિશામાં નાકની સીધી લીટીએ આગળ વધીએ તો આશરે ૪૦ માઇલના અંતરે બ્રાયટન આવે. ગુજરાતમાં બાર ગાઉએ બોલી બદલાતી હોય છે તેમ અંગ્રેજોના આ દેશમાં બારથી પંદર ગામે મોસમનો મિજાજ બદલાતો જોવા મળે છે. લંડનના અગ્નિ ખૂણે ક્રોયડનમાં જો વાતાવરણ સારું હોય, કોકરવરણો તડકો હોય તો વાયવ્ય ખૂણે હેરોમાં ઠંડાગાર પવન સાથે ઝરમર વરસાદ વરસતો જોવા મળે તેમાં નવાઇ ન લાગે. લંડનથી બ્રાઇટન જવા રવાના થયો ત્યારે વેધર ફોરકાસ્ટ જોયું તો વરતારો હતોઃ વરસાદ બહુ પડશે.
ભારતમાં હવામાનનો વરતારો ક્યારેક જ સાચો પડતો હોય છે, ને બ્રિટનમાં આ વરતારો ભાગ્યે જ ખોટો પડતો હોય છે! મારા નસીબ પાધરા હતા તે આગાહી ખોટી ઠરી. વરસાદ ન પડ્યો. હા, સૂસવાટા મારતો ઠંડોગાર પવન જરૂર હતો. પણ બંદાએ અંગ્રેજી સ્ટાઇલનો ઓવરકોટ ઠઠાડ્યો હતો એટલે તેની સામે ઝીંક ઝીલવી મુશ્કેલ નહોતી. મારા પૌત્ર અને પૌત્રીની હોકી મેચના ગ્રાઉન્ડ પાંચેક માઇલના અંતરે હતા, પણ બન્ને જગ્યાએ હાજરી આપી. અડધો-અડધો કલાક મેચની મજા માણીને જલ્સો કર્યો. જરા કહો તો... ક્યો દાદો કે દાદી એવા હશે કે જેને ગ્રાન્ડ ચિલ્ડ્રનની પ્રગતિ જોઇને રાજીપો ન થાય?! સંભવતઃ આ રાજીપાનું એક કારણ કદાચ એ પણ હશે કે
આપણે તેમનામાં આપણા બાળપણની છબી નિહાળતા હોઇએ છીએ.
મને પણ ભાદરણની ટી. બી. હાઇસ્કૂલના દિવસો યાદ આવી ગયા. ૧૯૫૨-૫૩માં હાથમાં હોકીસ્ટીક - પારકી જ સ્તો - પકડીને મેદાનમાં ખૂબ હડિયાપટી કરી છે. અત્યારના હોકી મેદાનોની સરખામણીએ તે સમયની - ખાસ કરીને ભારતની - રમત વધુ અઘરી હતી એમ કહી શકાય. મેદાનમાં ઘાસના નામે ભાગ્યે જ કંઇ હોય, અને મેદાન પણ ઉબડખાબડ. સામેવાળો ખેલાડી બોલને ફટકો મારે ત્યારે સાબદા રહેવું પડે. બોલ ગમે તે ઘડીએ ઉછળે અને ધ્યાન ન રાખો તો બોલ શરીર પર ‘છપાય’ પણ જાય. આજે તો શું બ્રિટન કે શું ભારત - બધે હોકી માટે ઘાસિયા મેદાન થઇ ગયા છે. ઘાસ કૃત્રિમ હોય, પરંતુ દેખાવમાં અસલનેય ટક્કર મારે તેવું લીલુંછમ્મ અને સુંવાળું.
ખેર, મેદાની રમતગમતમાં જેમ સમયમર્યાદા હોય છે તેમ માનસપટ પર રઝળપાટ કરવામાં પણ સમયમર્યાદા તો જાળવવી પડે ને! ચાલો, વાતને વાળીએ. સો વાતની એક વાત, બ્રાયટનના આ પ્રવાસથી મને મજા પડી ગઇ. દીકરો, દીકરી જેવી લાગણીશીલ પૂત્રવધુ સહિતના પરિવારજનોને મળવાનો, તેમની સાથે થોડાક કલાકો રહેવાનો મોકો મળ્યો. અને દોઢેક કલાકની વળતી જર્ની શરૂ થઇ.
ટ્રેનમાં બેસીએ એટલે શરીર પગ વળીને બેસી જાય, મન થોડું જપે? સ્મરણયાત્રા ટ્રેન કરતાં પણ વધુ પૂરપાટ ઝડપે ચાલી રહી હતી. પાછલા અઠવાડિયે, ઇસ્ટ લંડનમાં એક કેર હોમની મુલાકાતે ગયો હતો. તેના દૃશ્ય એક પછી એક મન પર ઉપસવા લાગ્યા. સવારે તેજીલા તોખાર જેવી જિંદગીને નાથવાનો અદમ્ય જુસ્સો ધરાવતી ભાવિ પેઢીને નિહાળી હતી તો કેર હોમમાં જિંદગીની રેસમાં દોડતાં દોડતાં હાંફી ગયેલા વડીલો નજર સામે તરવરી રહ્યા હતા.
કેર હોમમાં પહોંચવાનું કારણ હતું કાર્યાલયના એક સાથીદારના ૮૬ વર્ષના માતુશ્રીના ખબરઅંતર જાણવાનું. તેમને મળ્યો, લાગણીસભર આશીર્વાદ મેળવ્યા. થોડોક સમય તેમની સાથે વીતાવ્યા પછી કેર હોમમાં લટાર મારી.
કોઇક વડીલ પથારીમાંથી જાતે બેઠા થઇ શકતા નહોતા, તો કોઇ વડીલ બેસી શકતા નહોતા. કોઇનો વળી શૌચક્રિયાઓ પર અંકુશ નહોતો. કોઇનામાં શારીરિક અસ્વસ્થતાના કારણે સૂઝબૂઝ ઓછી હતી. કોઇ તમને ટગર ટગર તાકતુ જોવા મળે... આંખો ઘણું બધું બોલતી હોય અને ઘણું બધું કહેવા માગતી હોય, પણ શબ્દોને જીભનો સંગાથ ન મળતો હોવાથી ગળામાં જ લાગણીનું ગળું ઘોંટાઇ રહ્યું હોવાનું તમે અનુભવી શકો. કોઇકને ડિમેન્શિયા હતો, કોઇને અલ્ઝાઇમર્સ તો કોઇને વળી પાર્કિન્સન પજવતો હતો. સહુ કોઇ - પોતપોતાની શારીરિક-માનસિક ક્ષમતા પ્રમાણે - જિંદગી સામે ઝઝૂમવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અને આમાં તેમને સાથ મળી રહ્યો હતો કેર હોમના નર્સીંગ સ્ટાફનો.
પહેલી નજરે આપણને લાગે કે વડીલ કેટલી પીડા અનુભવી રહ્યા છે, પરંતુ આપણી નજર જરાક વિસ્તારીએ તો ખ્યાલ આવે કે માત્ર વડીલ જ નહીં, તેની સારસંભાળ લેતા પરિવારજનો પણ એટલો જ સંતાપ, પીડા અનુભવી રહ્યા હોય છે. ફરક માત્ર એટલો જ હોય છે કે દર્દી શારીરિક વ્યથા ભોગવતો હોય છે, સ્વજન માનસિક વ્યથા.
કેર હોમની મુલાકાત બાદ બીજા દિવસે જેરિયાટ્રિક (મોટી વયના દર્દીઓની સારસંભાળ લેતા તબીબી નિષ્ણાતો માટે વપરાતો શબ્દ) ડો. શાહ સાથે વાતચીત થઇ, બશર્તે કે હું તેમની ઓળખ છતી નહીં કરું. મારે તેમનું આખું નામ નહીં ટાંકવાનું એવી તેમણે શરત મૂકી હતી. તેમણે કહ્યું કે મોટી વયના દર્દીને શું થતું હોય છે, તેમની સ્થિતિ વધુ કથળતી અટકાવવા શું કરવું જોઇએ, કેવી સ્થિતિમાં કેવી સારવાર કરવી જોઇએ... વગેરે ઘણીબધી વાતો કરી.
એનએચએસના એક જવાબદાર તબીબ તરીકે ડો. શાહ પોતાની ઓળખ જાહેર કરીને વધુ વિગતવાર વાતો કરી શકે તેમ નહોતા, પરંતુ તેમણે જે થોડીઘણી જાણકારી આપી તે - મને લાગે છે કે સહુ કોઇને ઉપયોગી છે તેથી - અહીં ટાંકી રહ્યો છું. (સાચું કહું તો, તેમને કદાચ એવી આશંકા હશે કે આ માણસ ‘ગુજરાત સમાચાર’માં કંઇક આડુંઅવળું ચિતરામણ કરી નાખશે તો ઓડનું ચોડ થઇ જશે...)
જગતનિયંતાની રચના એવી છે કે બાળક જન્મ્યા બાદ ક્રમે ક્રમે તેનો વિકાસ થતો હોય છે. પ્રારંભિક તબક્કે બાળક સંપૂર્ણ પરવશ હોય છે. તેની દરેક જરૂરતની કાળજી રાખવાની જવાબદારી અન્યના શિરે હોય છે. તમે જૂઓ કે આ ગાળામાં બાળકની કુદરતી રચના જ એવી હોય છે કે તે સહજ રીતે જોનારને ગમી જાય. તેનું મન મોહી લે. લોહીનો સંબંધ હોય કે ન હોય, તે માસુમ જીવ પ્રત્યે કોઇને પણ માયા, બંધન, પ્રેમ ઉદભવે. તેની સહજપણે સારસંભાળ લેવા તૈયાર થઇ જાય. જન્મ વેળા આશરે બેથી ત્રણ કિલોનું બાળક સમયના વહેવા સાથે મોટું થાય. જાતે પડખું ફેરવે. બેઠું થતાં શીખે. પગ ચલાવતું થાય. ઊભું થાય. પડે. ફરી પાછું ઊભું થાય. અને ડગલું માંડે. પછી બીજું ડગલું માંડતું થાય. ચાલતું થાય. દોડતું થાય. અને વયના વધવા સાથે જીવનની ઘટમાળમાં જોડાઇ જતું હોય છે.
ડોક્ટર સાહેબે બીજી પણ એક સ-રસ વાત કરી. સંપૂર્ણ તંદુરસ્ત વ્યક્તિ યુવાન વયે ક્યારેય એકાએક અવસાન (અકસ્માત સિવાય) પામતી નથી. વ્યક્તિના શરીરમાં તેનું કાઉન્ટડાઉન અગાઉથી શરૂ થઇ જ ગયું હોય છે. અવસાનની પ્રક્રિયા પણ કુદરતે બહુ અજબગજબની રચી છે. મૃત્યુના મુખ ભણી આગળ વધી રહેલી વ્યક્તિનાં હાથ-પગ, આંખ-કાન સહિતના અંગો, ગાત્રો નબળાં પડતાં જાય છે. ક્યારેક આ પરિવર્તન નરી આંખે નજરે ચડે તેવું હોય છે તો ક્યારેક છાનાપગલે આ પરિવર્તન ચાલતું રહે છે. અમુક સમય પછી જે તે અંગ કે ગ્રંથિ ખોટાં પડે એટલે કે કામ કરતાં બંધ થાય. અને આમ કરતાં કરતાં અંતિમ પળ વેળા સંભવત્ તેનું મગજ જ કાર્યરત હોય. અને હૃદયની ઘડિયાળનું ટીક ટીક અટકી જાય.
ડો. શાહ સાથેના એક યુવા તબીબે આમાં ઉમેરો કરતાં કહ્યું હતું કે કોઇ દર્દીનો રોગ મગજ સાથે જોડાયેલો હોય, અલ્ઝાઇમર્સ, પાર્કિન્સન, ડિમેન્શિયા જેવી બીમારી હોય તો આ તકલીફ જેમ જેમ વકરતી જાય છે તેમ તેમ દર્દીની યાદદાસ્ત ઘટતી જાય છે, શરીરને સ્પર્શ-સંવેદનાનો અનુભવ કરાવતા જ્ઞાનતંતુ નબળા પડતા જાય છે. સંભવ છે કે આ કારણસર દર્દી પીડા ઓછી અનુભવતા હશે કે સાવ અનુભવતા જ નહીં હોય. બન્ને તબીબી નિષ્ણાતોનું કહેવું હતું કે આ વાતની ખરાઇ તો આધુનિક મેડિકલ સાયન્સ પણ કરી શક્યું નથી.
કેર હોમના બિછાને પડ્યા પડ્યા જિંદગી સામેનો જંગ લડી રહેલા વડીલોની હાલત નિહાળીને સ્વજનોને કેવી પીડા થતી હશે તેની તો કલ્પના પણ થઇ શકે તેમ નથી. આવા સ્વજનને આપણે સાંત્વનાથી વિશેષ તો શું આપી શકીએ? વર્ષોજૂના એક ગીતની પંક્તિ ટાંકી રહ્યો છું, જેના શબ્દો છેઃ
વસમી એક વિદાય વ્હાલાની...
અરે, આ બધું છોડો... મારી જ વાત કરવા દો ને ભઇલા... મને લાંબુ આયુષ્ય ભોગવવાના ઓરતા છે. પણ માંગ્યુ મોત પણ ન મળતું હોય ત્યાં ઇચ્છિત આયુષ્યની તો વાત જ ક્યાં કરવી? મારા જીવનનો અંત ક્યારે આવશે એ તો મને ખબર ન હોય, પણ વહેલો કે મોડો અંત નિશ્ચિત છે તેમાં તો કોઇ મીનમેખ નથી જને? હું મૃત્યુને ન ટાળી શકું, પણ તે પૂર્વેની જીવનશૈલીનું નિયંત્રણ તો મારા જ હાથમાં છેને! મારી તબિયત સ્વસ્થ હોય ત્યારે તન-મનની સંભાળ રાખવા માટે હું શું કરી શકું તે જાણવા-સમજવાની, તંદુરસ્ત જીવનશૈલી ઘડવાની જવાબદારી નિભાવું તો પીડાદાયક મૃત્યુથી તો અવશ્ય બચી જ શકાય તેવું મારું માનવું છે. આ મારું માનવું છે. ઉપરવાળાની ઈચ્છા બલીયસી.....
આ ‘યુવાન’ને ત્રણ મહિના પછી ૮૦મું શરૂ થઇ રહ્યું છે. છેલ્લા ૩૬ વર્ષથી ‘મીઠામધુરા મિત્ર’ની સોબત માણું છું. ‘મિત્ર’ની ઉછળકૂદને કાબૂમાં રાખવા દિવસમાં ચાર વખત શરીરમાં સોયા ભોંકું છું. અને દિવસમાં બે વખત બ્લડ ટેસ્ટ કરીને ‘મિત્ર’ના ખબરઅંતર જાણી લઉં છું. ખાવાપીવામાં, કાળજી રાખું છું, અને શારીરિક સક્રિયતા જાળવું છું. તન-મન પ્રફુલ્લિત રહે તે માટે પૂરતી સંભાળ લઉં છું. આપ સહુના અવિરત પ્રેમ, આશીર્વાદ અને શુભકામના તો ખરા જ. આ તમામ પ્રયાસોના સોનેરી સમન્વયથી બંદાની તબિયત ટકોરાબંધ છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. આ બધી તો મારી વાત થઇ. હવે શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત બે સંશોધન અહેવાલોની વાત ટાંકવા માંગુ છું.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ બ્રિટનભરની ૧૦૦ સ્કૂલોમાં ૩૨ હજાર વિદ્યાર્થીઓને આવરી લેતો વ્યાપક સર્વે કર્યો હતો. અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ એ જાણવાનો હતો કે વિદ્યાર્થીઓ કેટલા કલાક અને ક્યારે ઊંઘે છે. આ અભ્યાસના ચોંકાવનારા તારણો જાણીને સંતાનોના સ્વાસ્થ્ય માટે સદાસર્વદા ચિંતિત માતા-પિતાની ઊંઘ ઉડી જાય તો નવાઇ નહીં. નિષ્ણાતોના મતે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સરેરાશ નવ કલાક ઊંઘ લે તે શ્રેષ્ઠ સ્થિતિ છે. જો તેમને સવારે ૭ વાગ્યે ઊઠવું હોય તો રાત્રે ૧૦ વાગ્યે પથારીભેગા થઇ જ જવું જોઇએ, સૂઇ જવું જોઇએ. વિદ્યાર્થીની ચુસ્તી-સ્ફૂર્તિ માટે ઊંઘનું આ આદર્શ સમયપત્રક થયું.
એક ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ એકેડેમીના પ્રિન્સિપાલ સ્ટીવ ગિબ્સનના મતે, પરિવારના મોવડીઓ તેમના અભ્યાસ કરતા સંતાનોના સૂવા-જાગવા વિશે પૂરતી કાળજી રાખતા નથી તે અત્યંત ચિંતાજનક બાબત ગણાય. કેટલાય ટીનેજર્સ રાત્રે સમયસર બેડરૂમમાં તો ઘુસી જાય છે, પણ પછી બેડમાં પડ્યા પડ્યા લેપટોપ, ટેબ્લેટ કે સ્માર્ટ ફોન વડે કાં તો ફેસબુક - ટ્વીટર જેવા સોશ્યલ મીડિયા મચી પડે છે કાં તો વીડિયો ગેમ્સ પર ચોંટી જાય છે. કંઇ ન હોય તો ફ્રેન્ડસ ગ્રૂપ તો ઓનલાઇન હોવાનું જ - તેની સાથે ચેટિંગ પર જામી પડ્યા હોય. નોશીન કરીમ નામના ૧૬ વર્ષના ટીનેજરની કબૂલાત ઘણુંબધું કહી જાય છે. તેણે સ્વીકાર્યું છે કે તે વીક-ડેમાં પણ એક વાગ્યા પહેલાં બેડમાં જતો નથી. વીકએન્ડની તો વાત જ ન કરશો.
પૂરતી નિંદ્રાનો અભાવ વ્યક્તિના સ્વાસ્થ્ય પર એક પ્રકારે સુસ્તીનું, નિષ્ક્રિયતાનું અદૃશ્ય આક્રમણ કરે છે. માનવશરીર માટે ઓછામાં ઓછા ૮ કલાકની ઊંઘ જરૂરી છે, એમ બાઇબલ પણ કહે છે, અને હિન્દુ શાસ્ત્રો પણ કહે છે. પૂરતી ઊંઘનો અભાવ મોટી વયે અનેક દર્દને નોતરે છે.
શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત એક બીજો પણ સંશોધનાત્મક રિપોર્ટ જાણવા જેવો છે. કદાચ મારી વયના વાચકોને પણ આ માહિતી ઉપયોગી બનશે. મોટા ભાગના લોકો - શારીરિક સ્વાસ્થ્ય સંબંધે - પોતાના સંતાનોને કે તેમના સંતાનોને સીધું ને સટ કહી શકતા નથી અથવા તો તેઓ તેમને આરોગ્યની કાળજી રાખવાનું કેટલું જરૂરી છે તે બાબત સમજાવી શકતા નથી, કે ગળે ઉતારી શક્તા નથી.
આ સમસ્યાનો ઉપાય શું? સ્વસ્થ જીવનશૈલીનો અમલ તમે ખુદ શરૂ કરો. મતલબ કે તંદુરસ્ત ખાણીપીણી અપનાવો, યોગ-કસરત કરો, હેતુલક્ષી અને પ્રવૃત્તિમય જીવન જીવો... તન-મનથી ચુસ્ત-દુરસ્ત રહેવા શક્ય તમામ પ્રયાસ કરો. સંતાનોને કંઇ જ કહેવા-સમજાવવાની જરૂર નહીં પડે. તમને જોઇને વહેલાં કે મોડાં, જાણતા કે અજાણતાં તેઓ પણ આપોઆપ તંદુરસ્ત જીવનશૈલીને અનુસરતા થઇ જશે.
કેમ્બ્રિજ યુનિવર્સિટીએ છેલ્લા ૨૦ વર્ષમાં ડિમેન્શિયાનો ભોગ બનેલા દર્દીઓનો અભ્યાસ કર્યો છે. ડિમેન્શિયા બાબત એક આનંદના સમાચાર છે કે ૨૦ વર્ષ પૂર્વે ૬૫ વર્ષથી મોટી વયના બ્રિટિશ નાગરિકોમાં સરેરાશ ૮.૩ ટકા લોકો ડિમેન્શિયાથી પીડાતા હતા. આજે આ પ્રમાણ ઘટીને ૬.૫ ટકા થયું છે. બ્રિટનમાં ૮.૫૦ લાખ નાગરિકો ડિમેન્શિયાગ્રસ્ત હોવાનું મેડિકલ રિસર્ચ કાઉન્સિલનો અહેવાલ જણાવે છે. મતલબ કે જીવનશૈલીમાં આવશ્યક સુધારા ન થયા હોત તો દર્દીઓની સંખ્યામાં બેથી ત્રણ લાખનો વધારો થયો હોત. કેમ્બ્રિજ યુનિવર્સિટીના અહેવાલે જે વિગતવાર જણાવ્યું છે તેને ટૂંકમાં કહું તો...
આપણે યુવાવસ્થામાં કે પ્રૌઢાવસ્થામાં ખાણીપીણી, શારીરિક પ્રવૃત્તિઓ, સવિશેષ માનસિક સક્રિયતા જાળવવા વધુ જાગ્રત રહીએ તો પાકટ વયે કે ઢળતી ઉંમરે તેનો અઢળક ફાયદો થવા સંભવ છે. જેટલી નાની વયે તંદુરસ્ત જીવનશૈલી અપનાવશો તેટલો મોટી વયે વધુ ફાયદો મેળવશો. આ વાતને તમે નાણાકીય બચત સાથે સરખાવી શકો. જેટલી નાની વયે બચત શરૂ કરો એટલું જ મોટી વયે તગડું બેન્ક બેલેન્સ બને અને મોટો આર્થિક લાભ થાય તેવી જ આ વાત છે.
અલ્ઝાઇમર્સની બીમારીના ૬૨ ટકા કિસ્સાઓમાં ઓછાવત્તા અંશે ડિમેન્શિયા કારણભૂત હોવાનું જણાયું છે. વિજ્ઞાનીઓએ પુરવાર કર્યું છે કે બ્રેઇનમાં જે બ્લડ સપ્લાય થવો જોઇએ તેમાં એક યા બીજા કારણસર જેટલો ઘટાડો થાય તેના પ્રમાણમાં બીમારીની ગંભીરતામાં વધઘટ જોવા મળે છે.
ચાલોને, ફરી એક વખત મારી જ વાત કરું મિત્રો... લાંબુ તો જીવવું જ છે, પણ ઓછામાં ઓછી પીડા સહન કરીને જીવન જીવવાનું હું પસંદ કરું છું. તન-મનને આ માટે સુસજ્જ બનાવવા માટે શું કરી શકાય? આ સૂચનોનો અમલ કરવા જેવો છે.
• પૂરતી ઊંઘ લેવી તે પહેલી પાયાની શરત.
• દરરોજ થોડીક મિનિટ બ્રિસ્ક વોક લો. શરૂઆત ધીમે ધીમે ચાલવાથી કરો અને ઝડપ વધારતા જાવ અને છેલ્લે સામાન્ય ઝડપ સાથે વોક પૂરી કરો.
ધારો કે, તમે ૩૦ મિનિટ ચાલવાના હો તો... પહેલી ૧૦ મિનિટ સામાન્ય ઝડપે ચાલો. બીજી ૧૦ મિનિટ ઝડપભેર ચાલો, અને ત્રીજી ૧૦ મિનિટ ફરી સામાન્ય ઝડપે ચાલો.
• ખાણીપીણીમાં સંયમ કેળવો. શરીરને માફક હોય તે બધું જ જમો, પણ સંયમ જાળવો. શક્ય હોય ત્યાં સુધી ભોજનમાં ત્રણ સફેદ ચીજ ટાળો - મીઠું, ખાંડ અને મેંદો. આજથી જ નિયમ બનાવો કે ટેબલ સોલ્ટનો કદી ઉપયોગ નહીં કરો કે ભોજનની કોઇ પણ વાનગીમાં ક્યારેય એક્સ્ટ્રા ખાંડ નહીં ઠપકારો. મતલબ કે રસોઇમાં જે મીઠું કે ખાંડ નાંખ્યા હોય તેમાં એક્સ્ટ્રા ઉમેરો કરવાનું ટાળો. તીખું-તળેલું-આથેલું બને ત્યાં સુધી ટાળો.
• ઊંડા શ્વાસ લેવાની આદત કેળવો. તમારા ફેફસા સ્વસ્થ અને મજબૂત રહેશે. મગજને પૂરતો ઓક્સિજન મળશે. મનની સાથે તન પણ સ્ફૂર્તિલું રહેશે.
• મિત્રો-સ્વજનોને હળતામળતા રહો. સુખદુઃખની આપલે કરતા રહો. મન હળવું હશે તો તન પણ પ્રફુલ્લિત રહેશે.
• શારીરિક સક્રિયતા વધારો. કોઇ પણ પ્રકારે બેઠાડું જીવન તો ટાળો જ.
અને છેલ્લું.
• સમયનો સદુપયોગ કરો. મનગમતી પ્રવૃત્તિમાં સતત વ્યસ્ત રહો.
વાચક મિત્રો, અમુક શારીરિક-માનસિક આધિ-વ્યાધિ પર આપણો અંકુશ નથી હોતો, પણ અમુક કાળજી તો આપણે અવશ્ય લઇ જ શકીએ. આપણે તન-મન માટે શું કરી શકીએ અને શું ન કરી શકીએ તે ભેદ સમજી લઇશું, જીવન સાચવી લઇશું તો નાનીમોટી શારીરિક-માનસિક આધિ-વ્યાધિ ટાળી શકશું. અંત સમય પણ સુધરી શકે.
આ સૃષ્ટિ પરથી મારી, તમારી, આપણા સહુની વિદાય નિશ્ચિત છે. હા, સમયમાં આઘુંપાછું હોય શકે છે, કોઇ આજે તો કોઇ કાલે, કોઇ આવતા સપ્તાહે તો કોઇ આવતા મહિને કે આવતા વર્ષે લાંબા ગામતરે રવાના થશે. પરંતુ આપણે જો જીવન દરમિયાન થોડીક કાળજી રાખી હશે, સંભાળ રાખી હશે તો આ વિદાય આકરી નહીં બની રહે. આપણી શારીરિક અસ્વસ્થતા, પરવશતા માત્ર આપણા માટે જ પીડાદાયક નથી હોતી, સ્વ-જનો માટે પણ તે એટલી જ પીડાદાયક બની રહેતી હોય છે.
વાચક મિત્રો, આપણે માર્ચ મહિનાના અંત ભાગમાં શ્રવણ સન્માન સમારોહ યોજી રહ્યા છીએ. સમગ્ર આયોજનને સાકાર બનાવવા ભાઇશ્રી કમલ રાવ ભારે પરિશ્રમ ઉઠાવી રહ્યા છે. એક યા બીજા કારણસર સ્વજનનું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય કથળે છે, તેઓ પરવશ બને છે ત્યારે માતા હોય કે પિતા, પતિ હોય કે પત્ની, ભાઇ હોય કે બ્હેન તેમની સારસંભાળ, સારવાર-સુશ્રુષાની જવાબદારી ઉઠાવી લેતા હોય છે. આધુનિક યુગના આવા શ્રવણોને ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી સન્માનવાની અમારી ઇચ્છા છે. આવા સુપાત્ર વિશે આપ જાણતા હો તો તેમના નામ-સરનામા સાથેની વિગતો અમને લખી જણાવવા અનુરોધ છે. આ સન્માન માતા-પિતાની સેવા કરતા પુત્ર-પુત્રી પૂરતું જ સીમિત નથી. પરવશ સ્વજનની સારસંભાળ માટે તન-મનથી સમર્પિત કોઇ પણ વ્યક્તિનું નામ આપ સૂચવી શકો છો. આપ સહુ સુજ્ઞ વાચકોને ક્રોલીના દિલીપભાઇ અને પન્નાબહેન શાહ દંપતીનો કિસ્સો યાદ હશે જ. પોતાના શારીરિક અક્ષમ પુત્ર નિશીતની સેવાસુશ્રુષા માટે સર્વસ્વ અર્પણ કરી દેનાર આ માતા-પિતાના જીવનસંઘર્ષની કહાની ભાઇ કમલ રાવે ગુજરાત સમાચારના તા. ૨૬ ડિસેમ્બર, ૨૦૧૫ના અંકમાં રજૂ કરી હતી. જો જૂના અંક ફંફોસવા ન હોય તો તમે આ વેબલીન્ક - www.bit.ly/1Taas57 પર ક્લીક કરીને પણ લેખ વાંચી શકો છો.
અરે... વાત વાતમાં કેટલો સમય વીતી ગયો કંઇ ખબર જ ન પડી. વાતો અને વિચારોના ઘોડા તો હજુ પણ પૂરપાટ દોડી રહ્યાં છે, પણ મારો મુકામ નજીક આવી રહ્યો છે. ઓલ્ડ સ્ટ્રીટ ટ્યુબ સ્ટેશન આવી રહ્યું હોવાનો મેસેજ ટ્યુબના સ્ક્રીન પર ફ્લેશ થઇ રહ્યો છે ત્યારે અટકવું જ રહ્યું. (ક્રમશઃ)