આપ તાર્યા અમે તરવાના, સાચું રે જાણો...
પથિક તારા વિસામાના, દૂર દૂર આરા...
જીવન પંથ ખૂટે ના મારો, જીવન પંથ ખૂટે ના...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે (સોમવારે) વહેલી સવારે મારા ચિંતનના પિરિયડ દરમિયાન આ ત્રણ ગીતોની સ્મૃતિ થઇ આવી. ‘પથિક તારા વિસામાના...’ એ ગીત ૧૯૪૫-૪૬માં આણંદમાં મ્યુનિસિપાલિટીના મકાનની સમીપ ઉભેલી કોંગ્રેસ સમિતિની ભવ્ય ઇમારતમાં ચાલતા સંગીત વર્ગમાં સાંભળ્યું હતું. રજાઓમાં મારા માસા પૂ. તુલસીદાસને ત્યાં અમે જતા અને તેમના જયેષ્ઠ પુત્ર (મારા મોટા ભાઇ) ઇન્દુભાઇ હાર્મોનિયમ ઉપર ગીત લલકારતા હતા. હાર્મોનિયમ શીખવા મેં પણ - નિરર્થક - પ્રયત્ન કર્યો હતો. આ ગીતની કેટલીક પંક્તિઓ હજુ પણ અવારનવાર ગણગણું છું. તેમાંની ‘ન સીંચરે કોઇ મારગે તારા...’ પંક્તિમાંથી તો બહુ મોટીવેશન, પ્રેરણાબળ પ્રાપ્ત થાય છે. સ્વામીશ્રી કૃપાલાનંદજીની કૃતિ, તેમનું એક ભજન ‘જીવન પંથ ખૂટે ના મારો...’ એ તો લગ્ન બાદ સાંભળ્યું. અને મનમાં વસી ગયું.
આ સપ્તાહના અંકમાં બ્રિટનના ઉચ્ચતમ મેનેજરિયલ, એડમિનિસ્ટ્રેટિવ અને પ્રોફેશનલ ક્ષેત્રે જે પ્રકારે ભારતીય યુવાધન કાઠું કાઢી રહ્યું છે તેના આંકડાઓ વાંચતા આપ સહુ સાચે જ ગૌરવ અનુભવશો. સિટી ઓફ લંડનની ફાઇનાન્સિયલ સર્વિસીસ, સમાચાર માધ્યમો, સોલિસીટર્સ, બેરિસ્ટર્સ, સનદી સેવા (સિવિલ સર્વિસ), ડોક્ટર્સ, મેડિકલ કન્સલ્ટન્ટ્સ તેમ જ નર્સીસ, મિડવાઇવ્સ,
હેલ્થ વિઝિટર્સમાં આપણા ભારતવંશી યુવક-યુવતીઓએ, બ્હેનો-ભાઇઓએ ખૂબ પ્રશંસનીય સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
બ્રિટનમાં વસતાં પાંચ મિલિયન જેટલા લઘુમતી પ્રજાજનોમાંથી, અહીં ટાંકેલા વ્યવસાયોમાં, ભારતીય વંશજોનો સરેરાશ પ્રગતિ દર ૫૦ ટકાથી વધુ હોવાનું એક વિસ્તૃત અભ્યાસમાં જોવામાં આવ્યું છે. આપણા સમાજનો આવો વિકાસ કોઇ યોગાનુયોગ કે અકસ્માત નથી. વેપાર-ધંધામાં પણ આપણે ખૂબ સક્રિય છીએ. આ સહુ કર્મયોગીઓના માતાપિતા અને વડીલોના પારાવાર પ્રયત્નો તેમ જ બલિદાનના પરિણામે પ્રાપ્ત થયું છે.
થોડાક વર્ષો પૂર્વે હું લંડનની એક જાણીતી કોલેજની મુલાકાતે ગયો હતો. આ શિક્ષણ સંસ્થાનમાં અભ્યાસ કરતાં કુલ ૮૭૦૦ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓમાંથી લગભગ ચારેક હજાર એશિયન હતા. પ્રિન્સિપાલ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે મીડિયા સ્ટડી, જનરલ સ્ટડી, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જેવા કોર્સમાં આપણું પ્રમાણ વિશેષ હતું. ફિઝિક્સ, વિજ્ઞાન, મેથમેટિક્સ, એકાઉન્ટન્સી વગેરેમાં તે કોલેજમાં આપણી હાજરી ઓછા પ્રમાણમાં જોવા મળતી હતી.
તે કોલેજમાં કેરિયર એડવાઇઝર સાથે વિચારવિનિમય કરવાનો મોકો મને સાંપડ્યો. શિક્ષિત અને સહેજસાજ સાધનસંપન્ન પરિવારના સંતાનો વધુ મહત્ત્વાકાંક્ષા ધરાવે છે અને સાથે સાથે જ તેમને ઘરમાં તેમ જ બૃહદ પરિવારમાંથી સતત પ્રેરણા, પ્રોત્સાહન, પીઠબળ સાંપડતા રહે છે. તેનો એક અર્થ એવો પણ થયો કે વધુ અને વધુ ભળતામાં ભળે છે. જેમાં કંઇક સંગીન પરિસ્થિતિ છે, તેમાં સહજ રીતે ઉમેરો થતો રહે છે. તેથી ઉલ્ટું, ઓછી આવકે, નાનામોટા વિપરિત સંજોગોમાં જીવન નિભાવતા પરિવારના સંતાનો શિક્ષણમાં અને વ્યવસાયમાં ઓછું પ્રાપ્ત કરે છે. આ મુદ્દો અત્રે મેં એટલે રજૂ કર્યો છે કે પોતાની જ્ઞાતિ, પોતાના સમાજ કે પોતાના વિસ્તારમાં જેઓ વિવિધ ક્ષેત્રે વધુ આગળ જઇ રહ્યા છે કે ગયા છે તેઓ પણ પોતાના ભાઇભાંડુ વિશે, વધુ સમજદારી અને અનુકંપા દાખવીને એક યા બીજી રીતે મદદગાર નીવડી શકે તો આપણા ભાવિ પેઢી વધુ સક્ષમ અને સિદ્ધિને વરેલી હશે. યહૂદી સમુદાયમાં ભાઇભાંડુઓને મદદરૂપ થવા માટે વ્યવસ્થિત માળખું ગોઠવાયું છે તેનો પણ મેં અભ્યાસ કર્યો છે. આપણા સમાજમાં અમુક જ્ઞાતિઓ, સવિશેષ લોહાણા, ઓશવાળ, ઇસ્માઇલી અને વ્હોરા આ બાબત જાગ્રત છે તેમ પણ કહી શકાય.
હું માનું છું કે એક યા બીજી રીતે આપણા ૧૪-૧૫ વર્ષની ઉંમરથી માંડીને ૨૧-૨૨ વર્ષના યુવક-યુવતીઓ સાથે આ બાબતમાં જો આપણે વાતચીતનો સેતુબંધ રચીએ તો બન્ને પક્ષને હિતકારી છે. કોઇને પણ સલાહ કે આદેશ આપવાની મારી હેસિયત નથી, પણ વ્યક્તિગત વિકાસની સાથે સાથે જો આપણો સમુદાય સામુહિક વિકાસના પંથે વળે અને વધુ વેગ પ્રાપ્ત કરે તો ભયો ભયો.
વાચક મિત્રો, આપનામાંથી કોઇ વળી પૂછશે કે આ ‘આપ તાર્યા....’ એ ગીત કોનું? ૧૯૫૬માં આપનો આ સેવક વડોદરા કોલેજમાં અભ્યાસ કરતો હતો. દિવસ પછી રાત અને રાત પછી દિવસ ક્રમ અનુસાર અમારો પરિવાર તે વેળા ભારે સંઘર્ષમાંથી પસાર થઇ રહ્યો હતો. દાંડિયા બજાર અને રાવપુરા રોડને જોડતા પ્રતાપ રોડ પર એક નાની ભાડાની ઓરડીમાં હું અને સેજાકૂવાના કાંતિભાઇ મગનભાઇ પટેલ રહેતા હતા. તેઓ ફેકલ્ટી ઓફ એજ્્યુકેશનમાં ટીચર્સ ડિપ્લોમાનો અભ્યાસ કરતા હતા. મારી મજબૂરી હતી કે હું બાજુની ફ્રેન્ડ્સ ક્લબમાં અડધું ભાણું જમતો હતો. આવા તપસ્યાભર્યા દિવસો માટે પ્લીઝ, મહેરબાની કરીને મને બિચારો ન કહેતા. આ વાત અહીં ટાકવાનું કારણ એટલું જ કે આવા પણ દિવસો હતા, જે સમયના વ્હેણ સાથે વહી ગયા છે. આવા દિવસોમાં, અમુક અંશે દુઃખના દિવસોમાં, અંતરમનમાં લાગણીના ઘોડાપુર એવા ઘુઘવાટા મારતા હોય છે કે ક્યારેક તે શબ્દદેહ ધારણ કરીને કાગળ પર રેલાઇ જતા હોય છે. આ શબ્દરચનામાં છંદ, પ્રાસ, લયના તાલમેળનું એટલું મહત્ત્વ નથી હોતું જેટલું ભાવનાનું, લાગણીનું હોય છે. પ્રતાપ સિનેમા નજીક આવેલા ગાંધીનગર હોલ પાસે ગાંધીબાપુની પ્રતિમા છે. મારા માટે આશાનું કિરણ કે પ્રેરણાનો આશરો આ પ્રતિમા હતી. ત્યાં બેસીને એક વખત મેં મારા ઇષ્ટદેવને ઉદ્દેશીને એક ભજન લખી નાંખ્યું. આમ જૂઓ તો ‘લખ્યું’
કહેવા કરતાં પણ કોઇ કવિતા કે ગીતમાં શબ્દો આઘાપાછા કરીને આ રચના સાકાર થઇ. એટલે જોડકણાં જ કહોને...
‘આપ તાર્યા અમે તરવાના...’ ગીત આમ તો મારા ઇષ્ટદેવને ઉદ્દેશીને લખ્યું હતું. સાથોસાથ તેમાં ઊંડે ઊંડે આત્મબળ, સ્વપ્રયાસની પણ કંઇક ઝલક સમાયેલી હતી. આવા થોડાક ભજનો કે ગીતો મેં લખ્યા હતા અને બહુ સહજતાથી મારા માનસમાં તે વિચારો, નિશ્ચયો કાયમ માટે કંડારાઇ ગયા છે.
પરંતુ આજે આ બધું લખવાનો ઉદ્દેશ શું છે? તાજેતરમાં બાળઉછેર વિષયમાં જાતજાતની માહિતી મેં મેળવી છે. અમેરિકામાં વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન-સેન્ટ લૂઇના ડો. જાન કોબાકેમનો અભ્યાસક્રમ વિશેનો એક લેખ વાંચ્યો. બાળઉછેર દરમિયાન નાના બાળકને અથવા તો કહો કે તમારા વહીવટ, વ્યવસાય કે ધંધા કે ઓફિસની વાત કરીએ તો સ્ટાફને વધુ કાર્યદક્ષ બનાવવા માટે, તેનું ધ્યાન લક્ષ્ય પ્રત્યે વધુ કેન્દ્રીત થાય તે માટે વિવિધ વિકલ્પોની ચર્ચા થાય છે. વખાણી ખીચડી દાઢે વળગે તે ઉક્તિ તો તમે સાંભળી જ હશે. ડો. કોબાકેમ પણ ઉક્તિમાં માનતા હોય તેવું લાગે છે. તેમના મતે બાળકને કે જૂનિયર સ્ટાફને વારંવાર ખૂબ શાબાશી આપવામાં આવે, તેની વધુ પડતી પ્રશંસા કરવામાં આવે તો લાંબા ગાળે કદાચ તે વધુ લાભદાયી રહેતું નથી. કાં તો બાળકમાં (કે સ્ટાફમાં) સુસ્તી આવી જાય છે અથવા તો સંભવ છે કે ગુરુતાગ્રંથિ, અહંનો ફણગો ફૂટે છે. અને આ બધાના પરિણામ સ્વરૂપ પ્રગતિના પંથે પ્રયાણ કરી રહેલો બાળક હોય કે વ્યક્તિ તેના નિર્ધારિત માર્ગથી ભટકી જાય છે.
અલબત્ત, ડો. કોબાકેમ સ્પષ્ટતા કરે છે કે આનો મતલબ એમ પણ નથી કે તમારા બાળક કે સ્ટાફ પ્રત્યે એકદમ આકરું વલણ અપનાવો. અમુક માત્રામાં રહીને તેના વખાણ કરશો તો તે અવશ્ય ઉપકારક નીવડશે, બાકી અતિ પ્રશંસા નકારાત્મક નીવડશે. સત્યં વદ્, પ્રિયમ્ વદ્... ક્ષતિ કે સુસ્તી વેળાએ સપ્રમાણ અને સહેતુક પ્રતિભાવ આપવાથી વધુ ફાયદો થાય છે. બાળક અભ્યાસમાં સારું પરિણામ મેળવે કે પછી સ્ટાફ સારું કામ કરે તો તેને ઇનામ કે બક્ષિસ આપવી તે પણ અમુક રીતે હદની બહાર હોય તો લાભ કરતાં ગેરલાભ વધુ થાય છે. ‘ભય વગર પ્રીતિ નથી’ કે ‘સોટી વાગે ચમ ચમ અને વિદ્યા આવે ધમધમ’ એવું ભલે કહેવાયું હોય પણ હું આ વાત સાથે સંમત નથી. હા, પરિવારમાં કે તમારા કાર્યાલયમાં શિસ્ત માટે આચારસંહિતાનું પાલન થવું જ રહ્યું. મિત્રો, આજે હું ભૂતકાળમાં નજર ફેરવીને ભવિષ્ય તરફ નજર દોડાવવા આપ સહુને વિનતી કરું છું, નિમંત્રણ આપું છું. કરેલું ક્યારેય સાવ ફોગટ જતું નથી. સારું કે ખરાબ અંતે તો બૂમરેંગ જેમ પાછું ફરીને પગ પાસે જ પડે છે.
બીજો પણ એક સરસ લેખ વાંચ્યો. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો એ તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા વિદ્યાર્થી સિવાયના માટે અકલ્પ્ય છે. રોલી પોલીમથ નામનો બ્લેક ટીનેજર એક એવા પરિવારમાં અને અશાંત વિસ્તારમાં રહેતો હતો કે જ્યાં ધાંધલધમાલ, હિંસાખોરી, ડ્રગકિલીંગ અને અંદરોઅંદરના ઝઘડો-ટંટા રોજિંદી ઘટનાઓ હતી. તેને એક મિત્રે પૂછ્યું કે તું ૩૦ વર્ષની વયે શું બનવા માગે છે? રોલીએ જવાબ આપ્યો - સંભવ છે કે ત્યાં સુધીમાં તો મારું ખૂન થઇ ગયું હશે. તેની આસપાસનો માહોલ જ એટલો અશાંત, અંધાધૂંધી ભર્યો હતો કે તેજસ્વી કારકિર્દીની કલ્પના પણ ન થઇ શકે. આ રોલી પોલીમથને માત્ર ૩૦ વર્ષની વયે ગત ૨૪ એપ્રિલે અમેરિકન ઇકોનોમિક એસોસિએશનનો જ્હોન બેઇટ્સ ક્લાર્ક મેડલ એનાયત થયો છે. આ પ્રકારનું સન્માન પહેલી વખત કોઇ બિનગૌરને મળ્યું છે. મન હોય તો માળવે જવાય અને પરિવારજનો કે હિતેચ્છુઓ જો યથાયોગ્ય અનુદાન આપે તો ગમે તેવું અશક્ય પણ સાકાર થઇ શકે છે.
આ તબક્કે એક અન્ય બાબત પરત્વે પણ આપ સહુનું ધ્યાન દોર્યા વગર રહી શકતો નથી. પ્રિન્સ હેરીએ હમણાં એક મનનીય વાત કરી. તેમને ૩૦ વર્ષ થયા. શાહી પરિવારનું ફરજંદ છે. એશોઆરામ ભરી જિંદગી સહજ છે. આવી જીવનશૈલીના પરિણામે કેટલાય શાહજાદાઓ અને શાહજાદીઓ આડા માર્ગે ચડી જતા હોય છે. જોકે પ્રિન્સ હેરીની વાત અલગ છે. પ્રિન્સ હેરીએ હમણાં કહ્યું કે મને ૧૦ વર્ષની જે મિલિટરી તાલીમ મળી તેણે મારું જીવન કસ્યું છે. તેમાં તાલીમ મળી, કેળવણી મળી અને શિસ્તબદ્ધ જીવનના પરિણામે નુકસાનકારક આદતો અને કુટેવોથી દૂર રહી શક્યો. બ્રિટનમાં યુવા પેઢીને સન્માર્ગે દોરવા માટે, કુમાર્ગે જતી અટકાવવા માટે શાળા-કોલેજોમાં નેશનલ સર્વિસ ફરી શરૂ કરવી જરૂર જોઇએ એમ તેઓએ જણાવ્યું છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ બ્રિટિશ લશ્કરમાંથી એક તરફ લાખો સૈનિકોને નિવૃત્તિ આપવામાં આવી. સાથે સાથે જ યુનિવર્સિટી ટ્રેનિંગ કોર (યુટીસી)ના માળખામાં સહુ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને લશ્કરી તાલીમ આપવામાં આવતી હતી.
ભારતમાં સમાંતર રીતે નેશનલ કેડેટ કોર (એનસીસી) આ બાબતમાં સુંદર કાર્ય કરી રહી છે. હું પણ પૂરા ચાર વર્ષ એનસીસીમાં જોડાયો હતો અને છેલ્લે અંડર ઓફિસરનો હોદ્દો મેળવી શક્યો હતો. (બાય ધ વે, એનસીસીમાં જોડાયેલા વિદ્યાર્થી માટે આ સર્વોચ્ચ હોદ્દો છે.) એનસીસીમાં જોડાવાથી શારીરિક ચુસ્તતાની સાથોસાથ જીવનશૈલીમાં પણ શિસ્તબદ્ધતા આવી. અને પ્રસંગોપાત મહાનુભાવોના મિલન-મુલાકાતનો અવસર મળ્યો તે નફામાં. વર્ષો બાદ ૧૯૭૮માં નવી દિલ્હીમાં આપણા એચ. એમ. પટેલસાહેબ ભારતના નાણાપ્રધાન હતા ત્યારે તેમના નિવાસસ્થાને તેમને મળવાનો, તેમની સાથે ભોજન કરવાનો મહામૂલો અવસર સાંપડ્યો હતો. આવા દિગ્ગજ સાથે થોડીક મિનિટ વાતચીત કરવા મળે તો પણ તેમાંથી આપણને ઘણુંબધું જાણવાનું, શીખવાનું ભાથું મળી જતું હોય છે, જ્યારે પટેલસાહેબ સાથેની આ મુલાકાતે તો મનની સાથે પેટની ક્ષુધા પણ સંતોષી! મારા માટે તો આ પ્રસંગ સોનામાં સુગંધ ભળવા જેવો બની રહ્યો.
ધર્મજના વતની હીરુભાઇ ભારતના ટોચના સિવિલ સર્વન્ટ્સમાં એક હતા. સરદાર વલ્લભભાઇ પટેલ સાથે તેમણે ખૂબ કામ કર્યું. વિદ્યાનગરમાં ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ પદે પણ રહ્યા. જોકે આ બધી વાતો તો સહુ કોઇ જાણે છે, પણ તમને એક ઓછી જાણીતી વાત કહું. ભારતમાં એનસીસીના પ્રારંભનો યશ એચ. એમ. પટેલસાહેબના ફાળે જાય છે. સન ૪૬-૪૭માં દેશને આઝાદી મળી તે વેળા તેઓ ડિફેન્સ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. તેમણે એનસીસીની રચનાનો વિચાર સરદાર સમક્ષ વહેતો મૂક્યો હતો અને દેશને એક યાદગાર નજરાણું મળ્યું.
પાંચમી મેના રોજ ‘ગુજરાત સમાચાર’ના સ્થાપના દિને મેં મારા સાથીઓને એક પત્ર પાઠવ્યો હતો. તેમાં મેં મારા સાથીદારોને જણાવ્યું હતું કે ‘આપણે ખૂબ નસીબદાર છીએ છે કે ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ સાપ્તાહિકો અને એબીપીએલ ગ્રૂપના અન્ય પ્રકાશનો થકી આપણને સમાજસેવાનું અહોભાગ્ય સાંપડ્યું છે.’ બાદમાં મેં લંડનમાં મિટિંગ દરમિયાન અને અમદાવાદ ઓફિસના સાથીદારો સાથે ફોનમાં વાતચીત દરમિયાન ભાવના વ્યક્ત કરી કે સમાજ ખૂબ કદરદાન છે. આપણા વાચકો, સમર્થકો, કદરદાનો એવા દિલદાર છે કે આપણે ખોબો પ્રેમ માગીએ છીએ ને તેઓ પ્રેમનો દરિયો દઇ દે છે.
વાત આ અખબારની ચાલે જ છે તો એ પણ જણાવી દઉં કે આગામી ઓગસ્ટમાં મને પ્રકાશન ક્ષેત્રે પ્રવેશને ૪૦ વર્ષ પૂરા થશે. મારા માટે મુક્તિનું દ્વાર આ વ્યવસાયે ખોલી નાખ્યું છે. આપણી તંત્રીમંડળની બેઠકમાં હમણાં ન્યૂસ એડિટર કમલ રાવે કહ્યું કે અમે લેસ્ટર, પ્રેસ્ટન, લંડન સહિતના સ્થળોએ અનેક કાર્યક્રમોમાં લોકોને મળીએ છીએ ત્યારે તેઓ જે ઉમળકાભેર આવકાર આપે છે તેનું શબ્દોમાં વર્ણન શક્ય નથી. ઉદાર સમાજ અઢળક પ્રેમ આપે છે.
વાચક મિત્રો, એક બીજી વાત પ્રત્યે પણ આપ સહુનું હું ધ્યાન દોરવા માગું છું. છેલ્લા ૪૦ વર્ષમાં જે કોઇ ભાઇ કે બ્હેન ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ સાપ્તાહિકો હોય કે પછી એબીપીએલ ગ્રૂપમાં કામ કરીને વિમુખ થયા છે તેઓ બહાર નીકળીને બહુ સફળતાને વર્યા નથી. તેઓ અહીં કરતાં વધુ સફળતા મેળવી શક્યા નથી. કેમ? આપના જેવા વાચકોની, શુભેચ્છકોના પ્રચંડ સમર્થનનો અભાવ. એબીપીએલ ગ્રૂપના સમર્થકોની આ પ્રચંડ શક્તિ જ અમારા વ્યવસાયની નાવને વર્ષ - પ્રતિવર્ષ આગળ ધપાવતી રહી છે. અમારા માટે વાચકોની મંજૂરીની મ્હોર સૌથી મોટી સુવર્ણ મુદ્રા છે. અમારા વાચકો હોય, સમર્થકો હોય કે વિજ્ઞાપનદાતાઓ... અમારી પ્રગતિમાં કોઇનું પ્રદાન રતિભાર પણ ઓછું નથી. વાચકોથી માંડીને વિજ્ઞાપનદાતાઓ હંમેશા અમને એટલો પ્રેમ કરતા રહ્યા છે, સદભાવ દાખવતા રહ્યા છે કે તેમની આ લાગણી પ્રત્યે ઉપકાર વ્યક્ત કરવા અમારી પાસે શબ્દો નથી. અમે ઇચ્છીએ છીએ કે આ સંબંધ, આપણો સબંધ ચિરંજીવ બની રહે. સમયાંતરે પત્રો પાઠવીને અમારી પીઠ થાબડતાં રહો છો તેમ અમારી ક્યાંય, કોઇ ક્ષતિ રહી ગઇ હોય તો કોઇ પણ જાતનો ક્ષોભ-સંકોચ રાખ્યા વગર જણાવશો એવી મારી સૌને વિનંતી છે. અંગ્રેજી સાહિત્યના મોટા ગજાના સર્જક રોબર્ટ ફ્રોસ્ટની કવિતાનું એક સુપ્રસિદ્ધ સુવાક્ય છેઃ Miles to go before I sleep... અમારે પણ આપને આ જ કહેવું છે એબીપીએલ ગ્રૂપને હજુ ઘણી લાં...બી મજલ કાપવી છે, અને આપ સહુના સહકાર વગર તે શક્ય નથી જ નથી. (ક્રમશઃ)