વડીલો સહિત સૌ વાચક મિત્રો, વીતેલા સપ્તાહે વાત કરી હતી ‘પરાક્રમી પ્રમોદભાઇ’ની, અને તે સમયે કરેલા વાયદા પ્રમાણે આ સપ્તાહે પ્રમોદભાઇને ‘વિગતવાર’ લઇ આવ્યો છું.
આ દિવસો દરમિયાન કેટલાક વાચકોએ ફોન કરીને પ્રમોદભાઇ વિશે વધુ જાણવાની ઉત્સુક્તા પણ દર્શાવી અને ભારપૂર્વક કહ્યું પણ ખરું કે તમે માંડેલી વાત જાણતાં એટલું તો સમજાઇ ગયું છે કે પ્રમોદભાઇ સહુ કોઇ માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવે છે. પણ આ પ્રમોદભાઇ કોણ છે? તેઓ કેવું પડકારજનક જીવન જીવી રહ્યા છે તે બધું અમારે જાણવું છે, સમજવું છે.
વાચક મિત્રો, સાચું કહું તો આપની આ ઉત્સુક્તા મને ગમી. ખરા અર્થમાં આપણા સહુ કોઇ માટે પ્રેરણાદાયી બની રહે તેવું જીવન જીવી રહેલા પ્રમોદભાઇના જીવનસંઘર્ષ વિશે અહીં વાત કરે છે તેમના સુપુત્ર દક્ષેશ ‘ડેક’ પટેલ. પરિવારના વડીલના, પિતાના સંઘર્ષને એક પુત્રથી વિશેષ કોણ સમજવાનુું?! દક્ષેશભાઇ વ્યવસાયે એકાઉટન્ટ છે એ તો આપ સહુને ગયા સપ્તાહે જણાવી જ ચૂક્યો છું. તો વાંચો પુત્રના શબ્દોમાં પિતાની જીવનકહાની...
•••
મને પાણી આપોને. મને દવા આપોને. મને બહુ દુઃખાવો થાય છે. મારી કોઈને પડી જ નથી. કોઈ મારો ખ્યાલ રાખતું નથી. કોઈ ને કોઈ બીમારીથી પીડાતા સાઠી વટાવેલા કેટકેટલાય વૃદ્ધોની આવી ફરિયાદ તમે સાંભળી હશે. અરે સાઠી વટાવેલા જ શું બાળકથી માંડીને યુવાનોને પણ તમે નાની મોટી વાતે ફરિયાદ કરતાં જોયા હશે. શક્ય છે તમે પોતે પણ તમારા સ્વજનો પાસે કોઈને કોઈ અપેક્ષા સાથે ફરિયાદ કરતા હો કે તેં મારા માટે ફલાણું ન કર્યું અને તેં મારા માટે ઢીંકણું ન કર્યું. સામાન્ય રીતે બધાને આ કે આવા દર્દ હોય જ છે, પણ જે આ પીડાને વશમાં રાખીને કે નાથીને જીવન જીવતાં શીખી લે તે અસામાન્ય અને અસાધારણ માનવી બની જાય છે. તે વિશિષ્ટ માણસ બની જાય છે.
આજે આપણે આવા જ એક વ્યક્તિત્વની વાત કરવાની છે. એમને પણ આપણા બધાની જેમ બે હાથ છે. બે પગ છે. એક માથું છે. આંખ, નાક, કાન અને ગળું, તાળવું અને એક સમયનું તાળવાથી ગળા સુધી વકરી ગયેલું કેન્સર પણ. છતાં આ માણસે કોઈ ફરિયાદ વગર જાતને સંભાળી. પારકા દેશમાં. માતા - પિતાની છત્રછાયા વગર. પોતાના સગાં સંબંધીઓ સ્વજનોથી, વતનથી હજારો માઈલ દૂર કોઈ પણ જાતની ફરિયાદ વગર જાતને સંભાળી.
તમે જ તમારા હૃદય પર હાથ મૂકીને કહો આ કંઈ સાધારણ વાત છે? નથી. બિલકુલ નથી અને એટલે જ આજે એંશી વર્ષ વટાવી ચૂક્યા છતાં પણ તેઓ મનથી, આત્માથી કડેધડે છે. તમને આ અસાધારણ માણસનું નામ જાણવાની ઇચ્છા તો હશે જ? તો આ માણસનું નામ છે પ્રમોદભાઈ જશભાઈ પટેલ ઉર્ફે નરેન્દ્રભાઈ પટેલ.
આફ્રિકામાં આવેલા ટાંકાન્યિકાના મિકિંડાણીમાં ૧૩મી મે ૧૯૩૭ના રોજ પ્રમોદભાઈનો જન્મ થયો હતો. જશભાઈ મોતીભાઈ પટેલ અને લક્ષ્મીબહેનના તેઓ એકમાત્ર લાડકવાયા સંતાન, પણ વિધિની વક્રતાએ ૨૪મા વર્ષે તેમને એકલવાયા કરી નાંખ્યા. તેઓ ૨૪ વર્ષના હતા અને એક કાર અકસ્માતે તેમના માતા-પિતાને તેમની પાસેથી છીનવી લીધાં.
પોતે જ પોતાના પરિવારના મોભી છે તેવી સૂઝ તેમણે ભરયુવાનીમાં જ કેળવી લીધી. પત્ની, બે પુત્રો અને ભત્રીજી સાથે ૨૮ જૂન ૧૯૭૫ના રોજ તેઓ બ્રિટન આવીને વસ્યા. પોસ્ટ ઓફિસમાં નોકરી કરવા સાથે સાથે એસેક્સના ગિડિયા પાર્કમાં આવેલી એક ફેક્ટરીમાં પાર્ટ ટાઈમ કામ પણ કરે.
જૂન ૧૯૭૯માં પત્ની વિમલાબહેન સાથે બચત મૂડીમાંથી હેનોલ્ટમાં કન્વીનીયન્સ સ્ટોર શરૂ કર્યો.
જે આજે પણ ધમધોકાર ચાલી રહ્યો છે.
વ્યવસાયના પ્રારંભિક વર્ષે જ ૧૯૭૯માં ૪૨ વર્ષની ઉંમરે તેમને દાંતમાં દુઃખાવો ઉપડ્યો. તેઓએ તેમના પિત્રાઈ ભાઈ ડેન્ટિસ્ટ રઘુવીર પાસે જનરલ ચેક અપ કરાવ્યું. ડોક્ટરે ચેક અપ દરમિયાન તેમના તાળવામાં સફેદ ડાઘા હોવાનું જણાવ્યું.
માતા-પિતા ગુમાવી ચૂકેલા એક કુટુંબના આધારસ્તંભના જીવનની અતિ નોંધપાત્ર સંઘર્ષગાથા અહીંથી જ શરૂ થાય છે.
તમે પોતે જ તમારા ભાગ્યના ઘડવૈયા બની શકો છો એ સૂત્ર સાથે પ્રમોદભાઈ પોતાના પ્રેરક બન્યા. સક્રિયતા, હકારાત્મક્તા અને મનની મક્કમતા સાથે કોઈ પણ મુશ્કેલી અને પડકારોને તમે ડામી શકો છો એવો પ્રેરણાત્મક સંદેશ તેમના જીવનમાંથી મળે છે. કારણ કે ૧૯૮૦માં એ સફેદ ડાઘાની મેડિકલ તપાસ કરાવતાં તેમને કેન્સર હોવાનું બહાર આવ્યું. સોપારી ખાવાની આદતના લીધે તેમને આ બીમારી લાગુ પડી હતી.
જીવનમાં સંઘર્ષથી ન થાકતાં તેમણે YOU CAN DO IT!!! સૂત્ર અપનાવ્યું. જેમ કોઈ પણ પ્રકારના કેન્સરમાં ટ્રીટમેન્ટ વખતે બને તેમ તેમણે અત્યંત સારા માઠા દિવસો જોયાં છે.
એક સમયે સામાન્ય ખોરાક પણ ખાવામાં હવે વાર થવા લાગી હતી. સખત પદાર્થ ચાવવામાં મુશ્કેલી પડતી અને મસાલેદાર ખોરાક તો જાણે મોઢામાં બળતરા કરે. જાન્યુઆરી ૧૯૮૦ પછી તો બાફેલા બ્રોકલી, સ્પ્રાઉટ્સ અને કોલી ફ્લાવર જ રોજિંદો ખોરાક બની ગયા.
સ્વાદિષ્ટ ખાવાના શોખીન એવા પ્રમોદભાઈ તેમનાં પત્ની વિમલાબહેનને છાશવારે કહેતા ‘તને તો ખબર છે ને મને મારો ખોરાક કેટલો બધો પ્રિય છે? હું કાલથી ફ્રેશ થઈને પાછો નવો ડાયેટ શરૂ કરીશ.’ જોકે તેમના સપનાં તૂટી ગયાં. આશાઓ વિખેરાઈ ગઈ, પણ મનની મક્કમતા જળવાઈ રહી. બાફેલો અને સ્મેશ કરેલો ખોરાક લેતાં તેમને ત્રણ દાયકાથી વધારે સમય વીતી ગયો છે. હા, પૂરા ૩૦ વર્ષ કરતાં પણ વધુ સમય.
તહેવાર હોય, ફેમિલી આઉટિંગ હોય કે પરિવાર ભેગો થયો હોય. તેઓની ખોરાક અંગેની પરેજી જળવાઈ રહે. તેઓ એક ખૂણામાં બધાને આનંદમાં જોઈને ખુશ થતાં જાય અને પોતાને ખુશ રાખતાં પોતાને અનુરૂપ ખોરાક લેતાં જાય છે.
તેમની નોર્મલ ટ્રીટમેન્ટ તો વર્ષોથી ચાલે જ છે. સાથે સાથે જિંદગીના ઉતારચડાવમાં પણ તેઓ પોતાની રોજિંદી જિંદગીમાં દુઃખને આડે ઉતરવા દેતા નથી. પત્નીના સંગાથથી છેલ્લા ૩૦ વર્ષથી તેઓ દરેક વ્યાવસાયિક પડકારોને હરાવતાં આવ્યાં છે.
સવારે ચાર વાગ્યે ઊઠી જવું. પેપર વર્ક કરવા સાથે ગ્રાહકો અને સપ્લાયર્સ સાથે ડિલિંગ કરવું. માલસામાન કેશ એન્ડ કેરી કરવામાં જરાય ચૂક નહીં.
કેન્સરની સારવાર અને ઉંમરના હિસાબે તેઓ અવાજ ગુમાવવા લાગ્યા હતા. અન્યો સાથે વાતચીત કરવામાં પણમાં પણ તકલીફ ઊભી થવા લાગી હતી. છતાં તેઓની કોઈ ફરિયાદ નહીં.
સતત ૩૦ વર્ષ કરતાં વધુ સમય એક જ પ્રકારનો ખોરાક લેતા રહેવાને કારણે તેમની અન્નનળી બરડ થઈ ગઈ. એકસાથે નળીઓ સંકોચન થતું નહોતું. અન્નનળીની લવચિકતા પણ ખોરવાઈ હતી.
૨૫ સેન્ટીમીટર લાંબી માંસપેશીઓની નળી આપણા જઠર (પેટ)થી લઈને મોઢા સુધી પહોંચતી હોય છે. અન્નનળી વાટે ખોરાક જઠર (પેટ) સુધી પહોંચે છે. અન્નનળી બરડ થઈ જવાના કારણે ખોરાક ઉતારવામાં પ્રમોદભાઈને મુશ્કેલી પડવા લાગી હતી. અન્નનળીઓ સરખી કામ કરતી ન હોવાથી મોઢા વાટે લેવાતો ખોરાક નાકમાંથી બહાર આવવા તથા ફેફસાંમાં તકલીફ થવા લાગી હતી. જેના કારણે તેઓ વધુ બીમાર રહેતા અને શારીરિક નબળાઈ તેમને ઘેરી વળતી. એ પછી ખોરાક સીધો જઠરમાં જ પહોંચે એવી મેડિકલ ટ્રીટમેન્ટ પ્રમોદભાઈને આપવામાં આવી છે.
વર્ષ ૨૦૧૧થી - છેલ્લા સાત વર્ષથી તેઓ દિવસમાં ૩ વખત માત્ર પ્રવાહી ખોરાક લે છે. રોજ સવારે ૬.૦૦ વાગ્યે એક આખો ગ્લાસ પાણી સિરિંજ દ્વારા સીધું જઠરમાં પહોંચાડે છે. એ પછી સવારે ૮.૦૦ વાગ્યે ૨૫૦ મિલી સ્પેશ્યલ ન્યુટ્રિશિયન ધરાવતું દૂધ અને એક ગ્લાસ પાણી તેઓ લે છે.
આશરે સાંજે ૫.૫૦ વાગ્યે એ જ ન્યુટ્રિશિયન ધરાવતું ૧૦૦૦ મિલી દૂધ એક મશીનમાં ભરી દેવાય છે. જે મશીન તેઓ સાથે લઈને ફરે છે. તેમાંથી આગામી ૧૨ કલાક માટે એ લિક્વિડ તેમના પેટમાં પહોંચતું રહે છે. તેઓ સૂઈ ગયા હોય તો પણ.
૨૦ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ તો તેમણે તેમનાં સુખદુઃખનાં સાથી, તેમનાં પત્ની પણ ગુમાવી દીધાં છે. જે હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં તેમની સાથે રહેતાં. પત્નીના વિયોગ અને આટલી અગવડતાઓ છતાં તેઓએ ક્યારેય ફરિયાદ કરી નથી કે આ બધું થકાવી નાંખનારું કે કંટાળાજનક છે.
શરૂ શરૂમાં જઠરમાં ખોરાક પહોંચે એ માટેના મશીન સાથે ફરવું, તેના પાર્ટ્સ જુદાં કરવા, ભેગાં કરવાં એની ભારે અસમંજસ થતી, ગડમથલ થતી, પણ ધીરે ધીરે તેની સમજણ તેઓ કેળવતાં ગયા. હવે ડોક્ટર્સ અને નર્સીસની મદદથી તેઓ આ મશીન અને સિસ્ટમથી પૂરેપૂરા માહિતગાર બની ગયા છે અને ડોક્ટર્સ અને નર્સીસ તેમનાથી.
મહિને એક વખત તેમને ‘પેગ’ ચેન્જ (PEGના ટૂંકા નામે જાણીતી પર્ક્યુટેન્યસ એન્ડોસ્કોપિક ગેસ્ટ્રોસ્ટોમી નામની આ તબીબી સારવારમાં દર્દીના જઠરની દિવાલમાં કાણું કરીને સ્ટ્રો જેવી નળી મારફતે હોજરીમાં ખોરાક પહોંચાડાય છે, આ સાધન બદલવા) માટે રોમફર્ડમાં આવેલી ક્વિન્સ હોસ્પિટલમાં જવું પડે છે. સામાન્ય રીતે તેઓ એકલા જ જવું પસંદ કરે છે અને એ પણ બસથી.
તાજેતરમાં પ્રમોદભાઈને અકસ્માત નડ્યો હતો. ડોક્ટર સાથેની મુલાકાત પછી તેઓ ફૂટપાથ પર ચાલતાં પરત આવતા હતા ત્યારે પડી ગયા. તેઓને નાનીમોટી ઈજા થવા સાથે નાકમાંથી લોહીની ટશર ફૂટી ગઈ છતાં તેઓ મક્કમ મનોબળ સાથે આત્મસૂઝ દાખવીને જાતને સંભાળી હોસ્પિટલે પહોંચી ગયા અને ટ્રીટમેન્ટ લીધી હતી.
૮૧ વર્ષની ઉંમરે પણ સ્વાવલંબી જીવન જીવતા પ્રમોદભાઈ દરેક ઉંમરની વ્યક્તિ માટે એક ઉત્તમ ઉદાહરણ છે કે ઉંમર ગમે તે હોય વ્યક્તિને જીવનનો દરેક તબક્કો ચુસ્તી અને સ્ફૂર્તિ સાથે કેવી રીતે જીવવો છે તે જાતે જ નક્કી કરતાં આવડવું જોઈએ.
આજે તેમના નાના દીકરા નીલેશ અને તેની પત્ની તેમની શોપ સંભાળી રહ્યા છે છતાંય ૮૧ વર્ષની ઉંમરે પણ પ્રમોદભાઈ સવારે ૧૦થી ૧૨.૩૦ સુધી શોપ પર જાય છે. ગ્રાહકો પણ પ્રમોદભાઈથી પરિચિત હોવાથી પેન અને પેપરથી ગ્રાહક અને આ ઉત્સાહી દુકાનદાર વચ્ચે વાતચીતનો વ્યવહાર ચાલે છે.
સામાન્ય માણસથી લઈને વિશ્વની મોટામાં મોટી સમસ્યા કે બીમારીથી પીડાતા કોઈ પણ માણસ માટે પ્રમોદભાઈનું ઉદાહરણ પ્રેરણાદાયી છે. છેલ્લા ૪૦ વર્ષથી સંઘર્ષમય જીવન જીવતા આ ૮૧ વર્ષના માણસમાં વર્ષોનો અનુભવ છે તો એક યુવાનને શરમાવે એવી કાર્યદક્ષતા અને જીવન જીવવાની ધગશ છે. (ક્રમશઃ)
•••
મોટા પુત્ર ડો. દક્ષેશ પટેલ (ડો. ડેક પટેલ) દ્વારા ‘રિમાર્કેબલ ફાધર’ને સમર્પિત કવિતાઃ
વિશિષ્ટ માનવીઓની આંખો શોક કે આંસુથી ભરાતી નથી
કારણ કે તેઓની આંખોમાં હોય છે ધગશ સપનાંના પુનઃ નિર્માણની
અસામાન્ય માનવીઓ ક્યારેય આશા છોડી દેતા નથી
તેઓ પડકારો ઝીલે છે, તેનો સામનો કરે છે અને જીવન જીવે છે
અસાધારણ માનવીઓ ક્યારેય નિષ્ફળતાથી ફેંકાતા નથી
તે મુશ્કેલીઓના માર્ગેથી પસાર થાય છે અને પોતાનો માર્ગ શોધે છે.
નોંધપાત્ર માણસ હોય છે વિજયી
અત્યંત મજબૂત, આશાસ્પદ અને દૃઢ નિશ્ચયી...
અને એટલે જ ચાળીસ વર્ષના સંઘર્ષકાળ પછી પણ તેઓ જીવી રહ્યા છે જીવનને સંપૂ્ર્ણ સંતોષ સાથે કે જે પરિસ્થિતિમાં અન્યો વિચલિત થઈને હારી થાકીને નાસીપાસ થઈ જાય.
(મૂળ અંગ્રેજીમાંથી) - ડો. ‘ડેક’ પટેલ, FCCA
•••