ફરિયાદ નહીં, ફરી યાદ કરો...

સી. બી. પટેલ Tuesday 26th April 2016 15:32 EDT
 
 ‘ ધ મેન હૂ ન્યુ ઈન્ફિનિટી’ ફિલ્મના દ્રશ્યમાં રામાનુજનના પાત્રમાં દેવ પટેલ અને જાનકીના પાત્રામાં દેવિકા ભીસે
 

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ....
૫ મે, ૧૯૭૨ના રોજ ‘ગુજરાત સમાચાર’ની પ્રકાશન પ્રવૃત્તિનો પ્રારંભ થયો. આ અંક સાથે પૂરાં ૪૪ વર્ષ પૂર્ણ થાય છે.
પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા, વાચકો, લવાજમી ગ્રાહકો, જાહેરાત દાતાઓ, વિતરકો, લેખકો-કવિઓ તેમજ અસંખ્ય શુભેચ્છકોના
ઉષ્માભર્યા સાથ બદલ આપ સૌનો વંદનસહિત સહૃદય આભાર.
પ્રકાશક - તંત્રી સી. બી. પટેલના ૐ નમઃ શિવાય

•••

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા શુક્રવારે સેન્ટ્રલ લંડનમાં આવેલા ચેધામ હાઉસના સંકુલમાં ડો. કરતાર લાલવાણીના પુસ્તક 'The Making of India: The Untold Story of British Enterprise'નો વિમોચન સમારંભ યોજાયો હતો. આપ સહુએ એશિયન વોઇસના ૨ એપ્રિલ, ૨૦૧૬ના અંકમાં (પાન નં. ૧૪) પર આ પુસ્તકનો પરિચય વાંચ્યો હશે અને આ કે આવતા સપ્તાહના અંકમાં આપને વિમોચન સમારંભનો અહેવાલ પણ વાંચવા મળશે.
હું અવારનવાર કહેતો રહું છું તેમ આ પ્રકારના સમારંભો, મેળાવડાઓ, સેમિનારો મને વિવિધ વયના, વિવિધ વર્ગના, વિવિધ રસરુચિ ધરાવતા લોકોને મળવાનો, તેમના વિચારો જાણવાનો-સમજવાનો સોનેરી અવસર પૂરો પાડે છે. આ અવસરને હું સોનેરી એટલા માટે ગણું છું કે મને લોકો સાથે હળવુંમળવું ગમે છે. નીતનવા લોકો સાથેની મુલાકાત હંમેશા આપણને કંઇકને કંઇક નવું શીખવાની તક પૂરી પાડતી હોય છે. સતત કંઇક નવું જાણતાં, શીખતા, સમજતાં રહેવાનો મને શોખ છે એવું પણ તમે કહી શકો. અને આથી જ કોઇ અજાણ્યા સામે પણ જઇ પહોંચીને હું સહજતાથી મારો પરિચય આપી શકું છું, અને તે વ્યક્તિ સાથે સહજ નાતો પણ કેળવી શકું છું.
આ સમારંભમાં મને એક યુવાન દંપતી મળ્યા. તેઓ ‘એશિયન વોઇસ’ના સબસ્ક્રાઇબર હતા. અમે શુક્રવારે, ૨૨ એપ્રિલે મળ્યા તે જ દિવસે તેમને પોસ્ટમાં કોપી મળી હતી. તેમણે બહુ સહજતાથી પોતાનો પરિચય આપીને ‘એશિયન વોઇસ’ના ૨૩ એપ્રિલના અંકમાં પાન નં. ૧૭ ઉપર છપાયેલા લેખ Ramanujan and Janaki had perfect equationની વાત કરી.
પતિએ વાતની માંડણી કરતાં ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની પત્ની જાનકીએ પોતાના જીવનસાથીની અથાક મહેનત અને સિદ્ધિઓને વધુ માહિતીસભર રીતે રજૂ કરવા માટે આપેલા બલિદાનની ભરપૂર પ્રસંશા કરી. તેમનું કહેવું હતું કે જાનકીએ લેશમાત્ર એવી ફરિયાદ નથી કરી કે રામાનુજન્ સાથે સંસાર ભોગવવાનો સમય જ ન મળ્યો કે મને ઇંગ્લેન્ડ પણ ન લઇ ગયા. જ્યારે પાછા ફર્યા ત્યારે ટીબીની બીમારી હતી. છતાં કોઇ ફરિયાદ નહીં. આથી ઉલ્ટું પતિના અકાળે અવસાન બાદ તેમનું જે કંઇ સંશોધન કાર્ય, અભ્યાસ સામગ્રી હતી તે તમામને વ્યવસ્થિત રીતે સંકલિત કરીને ભારે જહેમત ઉઠાવી યુનિવર્સિટી ઓફ મદ્રાસને મોકલી આપી.
જ્યારે બહેને એવી લાગણી વ્યક્ત કરી કે પતિ કે પત્ની, પુરુષ કે સ્ત્રી આખરે તો એકબીજાના ઓછાયામાં જ જીવે છેને? જાનકી દેવી તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહ્યાં. તેમણે પતિ શ્રીનિવાસ રામાનુજન્ સામે ફરિયાદ કરવાના બદલે તેમને ફરી યાદ કર્યા, સતત યાદ કર્યા. તેમની સાથેના ટૂંકા જીવનના સંસ્મરણો ધબકતા રાખ્યા. આ અભિગમ જ વ્યક્તિ અને તેના વ્યક્તિત્વને ધબકતું રાખે છે, આપણા જીવનને વધુ જીવવા યોગ્ય બનાવે છે.
જગવિખ્યાત ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનના જીવન પર એક ફિલ્મ બની છે. જેમાં મુખ્ય ભૂમિકામાં દેવ પટેલ છે. આ ફિલ્મ દ્વારા આપણે તેમના જીવન વ્યક્તિત્વને સમજીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે એકાદ સૈકામાં ભાગ્યે જ આવું વ્યક્તિત્વ જન્મતું હોય છે. આ ગણિતશાસ્ત્રીની ફિલ્મને પશ્ચિમી જગતના લોકો નિહાળશે ત્યારે તેમણે કરેલા મહાન કામથી તો વાકેફ થશે જ, પરંતુ સાથે સાથે ભારત અને ભારતીયો પ્રત્યેના સન્માનમાં પણ વધારો થશે એમાં લેશમાત્ર શંકા નથી જ નથી.
અમેરિકાનો સિલિકોન વેલી પ્રદેશ દુનિયાભરના આઇટી સેક્ટરનું હબ ગણાય છે. અને આઇટી સેક્ટરના કેન્દ્રસ્થાને છે ભારતીય સમુદાય. આપણે ભારતીયો ગણિત જાણે ગળથૂંથીમાં જ શીખ્યા છીએ. અંગ્રેજી ભાષા પર તો પ્રભુત્વ છે જ. ભારતીયોની રાષ્ટ્રભાષા ભલે હિન્દી હોય, પણ શિક્ષણ, વેપાર-ઉદ્યોગ, રમતગમત, રાજકારણથી માંડીને સરકારી તંત્રમાં પણ અંગ્રેજી ભાષા જ વપરાય છે ને?
જાનકીના લગ્ન થયા ત્યારે તેમની વય હતી નવેક વર્ષ. તે સમયે પરંપરા હતી કે બાળા ૧૩ વર્ષની ન થાય ત્યાં સુધી તેને સાસરે વળાવવામાં નહોતી આવતી. ૧૯૧૨માં તેમને પતિગૃહે મોકલવામાં આવ્યા. ૧૯૧૪માં શ્રીનિવાસ રામાનુજનને કેમ્બ્રિજમાં અભ્યાસ માટે આમંત્રણ મળ્યું. ૧૭ એપ્રિલ, ૧૯૧૪થી ૨૭ ફેબ્રુઆરી, ૧૯૧૯ - રામાનુજન્ ઇંગ્લેન્ડમાં પાંચ વર્ષ એકલા રહ્યા. જાનકીને પણ ઇચ્છા થઇ કે શ્રીનિવાસ મને ઇંગ્લેન્ડ લઇ જાય, પણ ઇચ્છા ફળિભૂત ન થઇ. ૧૯૧૭માં કેમ્બ્રિજમાં વસવાટ દરમિયાન જ રામાનુજનને ટીબીની ગંભીર બીમારી વળગી. સમય વીતતા રોગ વકર્યો એટલે ભારત પરત ફર્યા. જાનકીએ પતિની ભરપૂર સેવાસુશ્રુષા કરી, પરંતુ કોઇ ઉપચાર કે કોઇ દુઆ કામ ન લાગ્યા. અને ૨૬ એપ્રિલ, ૧૯૨૦ના રોજ રામાનુજને અંતિમ શ્વાસ લીધા. તે વેળા જાનકીની ઉંમર હતી માત્ર ૨૧ વર્ષ.
૧૦૦ વર્ષ પૂર્વેના ભારતમાં વિધવા થવું, અને તે પણ આ વયે, એ શ્રાપથી કમ નહોતું. રૂઢિચુસ્ત પરિવાર હતો. પરંતુ જાનકી ‘તેના શ્રીનિવાસ’ની દુનિયામાં મસ્ત હતી. તેણે ઘરના ખૂણેખાંચરે પડેલી રામાનુજનની ગાણિતિક નોંધ એકત્ર કરવાનું શરૂ કર્યું. રામાનુજન્ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા તો ત્યાં પણ તેમણે છુટ્ટીછવાઇ નોંધો લખી હતી. જ્યાં જ્યાં રામાનુજને મુકામ કર્યો હતો ત્યાં ત્યાં તપાસ કરીને આ બધું કાળજીપૂર્વક એકત્ર કર્યું, અને તેને વ્યવસ્થિત ગોઠવી યુનિવર્સિટી ઓફ મદ્રાસને મોકલી આપ્યું. સમયાંતરે આ અભ્યાસસામગ્રી કેમ્બ્રિજને પહોંચાડવામાં આવી.
આ ફિલ્મ રામાનુજનના આત્મકથનાત્મક પુસ્તક ‘The Man Who Knew Infinity’ પરથી બની છે. પુસ્તકના લેખક રોબર્ટ કનિગેન કહે છે કે રામાનુજન્ ટૂંકુ જીવ્યા, પણ તેમણે જે ૩૨૫૪ થિયરમ (પ્રમેય) લખ્યા છે તેની નોટબુક જાનકીએ સાચવી હતી. રામાનુજન્ ખરેખર જીનિયસ હતા.
રામાનુજન્ હંમેશા કહેતા કે આ તો માતા લક્ષ્મીની કૃપા છે. તેઓ સ્વપ્નમાં મારા અંતરમનમાં આવીને બિરાજતા અને આ બધા સમીકરણો લખાવી જતા હતા. રામાનુજને ભલે તેમના કુળદેવી લક્ષ્મીજી પાસેથી પ્રેરણા મેળવી હોય, પણ તેમની ગાણિતિક સિદ્ધિઓ આકરી મહેનતનું પરિણામ છે. લેખક કનિગેન કહે છે કે તેમની ધાર્મિક પ્રેરણાની બધી વાતોને કોરાણે મૂકો. હકીકત તો એ છે કે તેમણે સખત પરિશ્રમ કર્યો હતો.
નૈઋત્ય લંડનના રેયનર્સ લેન વિસ્તારમાં દેવ પટેલના માતા-પિતા વસે છે. કડવા પાટીદાર પરિવારના આ સંતાને ‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મથી જગપ્રસિદ્ધિ મેળવી. ખરેખર મને સમજાતું નથી કે આપણા સમાજમાં આપણી વચ્ચે આવો ઊંચા ગજાનો કલાકાર છે, પણ કોઇએ તેનું સન્માન કર્યાનું, તેને બિરદાવ્યાનું જાણ્યું નથી.
દેવ પટેલ હોય કે સિંગર બાલી બ્રહ્મભટ્ટ, અભિનેતા ઉપેન પટેલ હોય કે પૂર્વ આફ્રિકાના ગાયિકા કમલા બારોટ... આપણા ગુજરાતી કે ભારતીય સમાજમાં જે કલાકારો નાટ્ય, ફિલ્મ, કળા, ગીત-સંગીત, લેખન, કોઇ પણ ક્ષેત્રે કાર્યરત છે તેને સન્માનવામાં આપણે ઊણા કેમ ઉતરીએ છીએ? કલાકારનું સન્માન કરવાથી, વિદ્વતાને બિરદાવવાથી આખરે તો આપણું જ ગૌરવ વધતું હોય છે. આપણે જ ગૌરવાન્વિત થતા હોઇએ છીએ. આપણે સાહિત્યકાર શેક્સપિયરની જ વાત કરીએ.
૨૩મી એપ્રિલે આ દિગ્ગજ સાહિત્યકારને તેમની ૪૦૦મી પૂણ્યતિથિએ દુનિયાભરના સાહિત્યપ્રેમીઓએ સ્મરણાંજલિ આપી. આપણા કવિ કાલિદાસની તોલે આવે તેવા મોટા ગજાના આ સાહિત્યકારની કૃતિઓનું આજે પણ વાચન-મનન થાય છે કેમ કે પશ્ચિમી દેશોની પ્રજા સર્જકો-કલાકારોની કદર કરી જાણે છે. પરંતુ જરા મને કહો તો, જન્મે અંગ્રેજ હોવા છતાં સવાયા ગુજરાતી સાબિત થયેલા કિન્લોક ફાર્બસને કેટલા ગુજરાતીઓ યાદ કરે છે? કવિ દલપતરામને કોઇ યાદ કરે છે ખરા? સંશોધનકાર ભોગીલાલ સાંડેસરાનું તો નામ પણ ઘણા જાણતા નહીં હોય! અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જેમણે આપણા કલા-સંસ્કાર-સંસ્કૃતિના વારસાને સાચવ્યો-સંભાળ્યો-ઉજાળ્યો છે તેમનું સન્માન આખરે તો સમાજની ભાવિ પેઢીને
પ્રેરણા, પ્રોત્સાહન પૂરા પાડતું હોય છે. યુવા પેઢી સમક્ષ સાહસ-સિદ્ધિ-સફળતાનું રોલ મોડેલ રજૂ કરતું હોય છે.
સ્વજનનો નાતો પરિવાર પૂરતો મર્યાદિત હોય છે, કલાકાર-સર્જકનો નાતો વિશાળ સમુદાય સાથે સંકળાયેલો હોય છે. સ્વજન સાથે પારિવારિક હિત સંકળાયેલું હોય છે, સર્જક સાથે સામાજિક હિત સંકળાયેલું હોય છે. સ્વજન સાથે વ્યક્તિગત હિત સંકળાયેલું હોય છે, સર્જક સાથે બહુજન હિતાય સંકળાયેલું હોય છે. આપણા સમાજના તારલાઓને સન્માનવા, બિરદાવવા, પ્રોત્સાહિત કરવા આપણા સહુની ફરજ છે. મારું તો એટલું જ નમ્ર સૂચન છે કે સ્વજન હોય કે સર્જક, ફરિયાદ ન કરો... ફરી યાદ કરો. ફરી ફરી યાદ કરવામાં જ સર્વજન હિતાય, સર્વજન સુખાય સમાયું છે.

•••

અગ્રીમ હરોળના આગેવાનો

‘ગુજરાત સમાચાર’ના તા. ૨૩ એપ્રિલ, ૨૦૧૬ના અંકમાં પાન નં. ૧૬-૧૭ ઉપર આપ સહુ વાચક મિત્રોએ, હરીશભાઇ આઇ.કે. પટેલને આપવામાં આવેલી ભવ્ય અંજલીનો સુંદર લેખ વાંચ્યો હશે. અહેવાલ તૈયાર કરવામાં મેનેજિંગ એડિટર કોકિલાબહેન પટેલ અને સત્તાવીસ ગામ પાટીદાર સમાજના જાગ્રત કાર્યકર ઇન્દ્રભાઇ પટેલના અનુદાનને બિરદાવું છું. સમાજનું સદભાગ્ય છે કે નાની-મોટી સંખ્યા ધરાવતા હોવા છતાં આપણા સમાજની અનેક જ્ઞાતિઓ-સમાજોએ બ્રિટનમાં કેટલાય સ્થળોએ કોમ્યુનિટી સેન્ટર ઉભા કર્યા છે. યુકેમાં વિશાળ પાટીદાર સમાજ છે, કડવા પાટીદાર સમાજ સેન્ટર હેરોમાં છે, વેમ્બલીમાં પાટીદાર ફેડરેશનનું સંકુલ છે. અહીં શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજનું ભવ્ય કોમ્યુનિટી સેન્ટર પણ જોવા મળે. સાઉથ લંડનમાં નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજનું સેન્ટર છે. તો લેસ્ટરમાં પણ પાટીદાર સમાજનું સેન્ટર છે. આ જ પ્રમાણે, બ્રાહ્મણ, લોહાણા, દરજી, સોની, વણિક એમ ઘણીબધી જ્ઞાતિ, કોમના કોમ્યુનિટી સેન્ટર્સ ધબકે છે.
આ બધા કોમ્યુનિટી સેન્ટરની એક સંક્ષિપ્ત યાદી તૈયાર થઇ રહી છે. આ અંગે આ અંકમાં કે આગામી અંકમાં કોકિલાબહેન પટેલ એક નિવેદન પણ કરવાના છે.
આ પ્રકારના કોમ્યુનિટી સેન્ટર બનાવવા ખરેખર ભગીરથ કાર્ય છે. ગયા સપ્તાહના અંકમાં આપે જે સત્તાવીસ ગામ પાટીદાર સમાજના કોમ્યુનિટી સેન્ટર વિશે વાંચ્યું તેને સાકાર કરવામાં કઈ રીતે સહયોગ સાધવામાં આવ્યો હતો તે વિશે રજુઆત કરવામાં મોસ્ટીન હોટેલવાળા શ્રી કિરીટભાઇ પટેલે પહેલ કરી. આ ઉપરાંત સર્વશ્રી ચુનિભાઇ, સુરેશભાઇ, મનુભાઇ, અશોકકુમાર, હર્ષદભાઇ, રસિકભાઇ, ગોવિંદભાઇ, હરિહરભાઇ, યશવંતરાય સહુ કોઇએ ટૂંકાણમાં, પરંતુ ખૂબ માહિતીસર અને પ્રેરણાસભર લખાણ દ્વારા હરીશભાઇના અનુદાનને બિરદાવ્યું છે.
આ નિવેદનોમાંથી બીજી એક ફળશ્રુતિ એ પણ પ્રાપ્ત થાય છે કે આટલું મોટું સેન્ટર બાંધવું તે નાનીસૂની સિદ્ધિ નથી. સારા કામમાં સો વિઘનની જેમ આવા આયોજનમાં અનેક સમસ્યાઓ આવતી હોય છે. પરંતુ એક હકીકત એ પણ છે કે આ જ સત્તાવીસ ગામ સેન્ટર સંભવ છે કે દસકાઓ પછી, સૈકાઓ પછી પણ અહીં ઉભા ઉભા સમાજની સિદ્ધિઓના યશગાન ગાતું વિવિધ પ્રવૃત્તિઓથી કાર્યરત હશે. આ સેન્ટરને સાકાર કરવામાં હરીશભાઇનું પાયાનું યોગદાન છે તે વાતનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. પરંતુ ઉપરના મહાનુભાવોને પણ તેમના યોગદાન બદલ હું વંદન કરું છું.
દરેક સંસ્થા તેની ઇમારતના ‘પાયાના પગથિયા’ને ભૂલે નહીં, વીસરે નહીં તેમ હું ઇચ્છું છું. સંસ્થાને એક બીજમાંથી વટવૃક્ષ બનાવનાર કાર્યકરથી માંડીને અગ્રણીઓને બિરદાવવા જ રહ્યા.

•••

મફતનું ચંદન ઘસ બે લાલા

અત્યારે બ્રિટનમાં અનેક કહેવાતી ચેરિટી સંસ્થાઓ, કહેવાતા ઉમદા કાર્યો માટે નાણાં ઉઘરાવી રહી છે. આવી ફંડરેઇઝિંગ સંસ્થાઓ નાણાનો યોગ્ય ઉપયોગ કરી રહી છે કે કેમ તેના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પબ્લિક ફંડ રેઇઝીંગ એસોસિએશન (PFRA) દ્વારા એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. જે અનુસાર, છેલ્લા ૩ વર્ષમાં કોઇ ચેરિટી કાર્ય માટે નાણા ઉઘરાવવામાં આવ્યા હોય અને આ રીતે ઉઘરાવેલી સંપૂર્ણ રકમ કે તેનો હિસ્સો ગેરવલ્લે ગયો હોય તો તેવા કિસ્સામાં જે તે સંસ્થાને બે લાખ પાઉન્ડનો દંડ કરવામાં આવ્યો છે. આવી સંસ્થાના કહેવાતા આગેવાનો નાલેશીને પાત્ર બન્યા છે.
આપણા સમાજમાં સાચે જ સુંદર કાર્યો થાય છે, જે પ્રશંસનીય છે. આ માટે નાણા ઉઘરાવાય પણ છે, અને વપરાય પણ છે. જોકે ગામ હોય ત્યાં ઉકરડો હોવાનો જ એ ન્યાયે જ્યાં સેવાની સદપ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં સેવાના નામે લૂંટનારા પણ હોવાના જ. તમને એક યા બીજી વ્યક્તિ પાસેથી સાંભળવા મળતું જ હશે કે અેમણે સત્કાર્ય માટે આપેલા નાણાનો સદઉપયોગ થયાનું જણાતું નથી. એક સાપ્તાહિકના પ્રકાશક-તંત્રી હોવાના નાતે અનેક લોકો મારી પાસે આવી વાત લઇને આવતા હોય છે. એક ભાઇએ હૈયાબળાપો ઠાલવતા કહ્યું હતું કે ‘આપણા વતનમાં આરોગ્ય સેવા શરૂ કરવા માટે ફલાણી સંસ્થાને મોટી રકમનું અનુદાન આપ્યું હતું. ગામના લોકોની તંદુરસ્તીમાં તો કંઇ ફરક નથી પડ્યો, હા... કર્તાહર્તાઓ ‘તંદુરસ્ત’ થઇ ગયા છે.’
ધર્મભાવના ધરાવતી કોઇ વ્યક્તિ વળી સદકાર્યમાં સહયોગ માટે ધાર્મિક સંસ્થાને દાન આપતી હોય છે. આવી સંસ્થાઓ કાગળ પર તો એવું સરસ કામ દેખાડતી હોય છે કે દાતા ખુશ ખુશ થઇ જાય, પણ પછી વાસ્તવિક્તા નિહાળે ત્યારે બાપડાના મોંમાંથી હાયકારો નીકળી જાય. કાગળ પરના રિપોર્ટ ચકાચક હોય, પણ કામના નામે ભાગ્યે જ કંઇ કામ થયું જણાય. આવી સંસ્થાઓ ધાર્મિક હોય કે ચેરિટેબલ ટ્રસ્ટ હોય, તેના વડા પદે ધર્મગુરુ હોય કે કહેવાતા સમાજસેવક, આપણે તો તેમને ચેતવતા એટલું જ કહી શકીએ કે ભાઇ, આવા કોઠા-કબાડા છોડો... લોકોએ તેમની પરસેવાની કમાણીના નાણા તમને સેવા માટે આપ્યા છે તો સેવામાં જ વાપરો, આ નાણાનો દુરુપયોગ કરતાં પકડાઇ ગયા તો શું થશે એ તો જરા વિચારો... સંસ્થાના નામ પર અને તમારા કપાળે જિંદગીભર કાળી ટીલી લાગી જશે...
...અને ધારો કે આવા કોઠા-કબાડા કરતાં ન પકડાયાં તો પણ તમારામાં અંતરાત્મા જેવું કંઇ છે કે નહીં? તેને શું જવાબ આપશો? અત્યારે નહીં તો ભવિષ્યમાં પણ, ખોટું કાર્ય કર્યું હશે તો, અંતરાત્મા ડંખવાનો જ એ તો મનોવિજ્ઞાનમાં પણ પુરવાર થયેલું છે.

જેમ ચેરિટીના નામે કોઠા-કબાડા ચાલે છે તેમ એવોર્ડ આપવા - સ્વીકારવાના નામે પણ ધુપ્પલ ચાલતી જોવા મળે છે. વ્યક્તિ (પૈસા આપીને) આવો એવોર્ડ મેળવે એ તો સમજ્યા, પરંતુ આવા ફાસફુસિયા એવોર્ડ સ્વીકાર્યા પછી માણસ કોલર ઊંચા રાખીને ફરતો થઇ જાય છે તે સમાજ માટે બહુ નુકસાનકારક છે. વ્યક્તિને સમાજસેવા ક્ષેત્રનો એવોર્ડ મળ્યો હોય તો પોતાને મહાન સમાજસેવક સમજવા લાગતી અને કલા ક્ષેત્રનો એવોર્ડ મળ્યો હોય તો પોતાને મહાન કલાકાર સમજવાના અહંમમાં રાચવા લાગતી વ્યક્તિ સમાજને જેટલું નુકસાન પહોંચાડે છે તેટલું ભાગ્યે જ બીજું કોઇ પહોંચાડતું હોય છે. (કેમ કે આ લોકો સૂંઠના ગાંગડે ગાંધી થવા નીકળ્યા હોય છે.)

•••

એક કોયડો

વાચક મિત્રો, આપ સહુએ સમ્રાટ અકબરના નવ રત્નોમાંના એક બીરબલની વાર્તાકથાઓ વાંચી હશે કે સાંભળી હશે. આજે અહીં અકબર-બિરબલનો આવો જ કોયડો રજૂ કર્યો છે.
જાતની કજાત કોણ, કજાતની જાત કોણ?
કચેરી ના કુત્તા કોણ? મહેફિલના ગદ્ધા કોણ?
ત્રણેક સપ્તાહ પૂર્વે મેં આ જ કોલમમાં ‘કળિયુગના શ્રવણ’ બાબત આપના પ્રતિભાવો મોકલવા આમંત્રણ પાઠવ્યું હતું. થોડાક પ્રતિભાવો લેખિતમાં મળ્યા હતા તો કેટલાકે વળી ટેલિફોન કરીને તેમના પ્રતિસાદ આપ્યા હતા. આ જ પ્રકારે આપ આ કોયડા અંગે જાણતા હોય તો લખી મોકલવા આપને અનુરોધ છે. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter