વડીલો સહિત સહુ વાચક મિત્રો, સોમવાર ૨૫ ઓગસ્ટે સોમવતી અમાસની સાથે બેન્ક હોલીડે પણ હતો. જોકે સોમવતી અમાસના લીધે બેન્ક હોલીડે હતો એવું નહોતું, આ તો માત્ર યોગાનુયોગ હતો. બાકી રસોડામાં મોટું રીંગણ કપાયેલું પડ્યું હોય, અને તેમાં કોઇ વ્યક્તિને પોતાના ઇષ્ટદેવના દર્શન થાય કે બીજી કોઇ વ્યક્તિને વળી તેમના ગુરુ કે દેવના નામની ઝલક વર્તાય તેના જેવી જ કંઇક આ વાત છે.
સહુ કોઇ રજાના મૂડમાં હતા, પણ આ દિવસે મોસમનો મિજાજ ખરેખર ત્રાસદાયક હતો. વરસાદ પડતો હતો, પવન ફૂંકાતો હતો, અને ઠંડીનો સપાટો પણ ખરો.
આ જ દિવસે હેરોમાં ભાનુભાઇ પંડ્યાને ત્યાં રાજકોટથી આવેલા ગુજરાતી ભાષાના વિદ્વાન ડો. બળવંત જાનીની બેઠક યોજાઇ હતી. મિત્રવર્તુળ સાથે મિલન-મુલાકાતનો સોનેરી અવસર હતો. હું પણ હાજરી આપવાનો હતો. ભાનુભાઇને ત્યાં પહોંચવા ઘરની બહાર પણ નીકળ્યો, પરંતુ આગળ વધવાની હિંમત ન ચાલી. બીમાર પણ નહોતો કે એવી કોઇ થકાવટ પણ નહોતી, પરંતુ આટલી ખરાબ વેધર સામે ‘ટક્કર ઝીલીને’ જાણીકરીને ભાઠે ચડવું? એવું વિચારીને પીછેહઠ કરી. પાછો કર્મયોગ હાઉસમાં પ્રવેશ્યો અને મારા અભ્યાસ ખંડમાં જઇ પહોંચ્યો.
સહુ કોઇ ઘરને દુનિયાનો છેડો ગણાવે છે, પણ મારા માટે ઘરનો છેડો અભ્યાસ ખંડ છે. અહીં મને જાત સાથે, મન સાથે અનુસંધાન કેળવવાનો સોનેરી અવસર સાંપડે છે. જે લોકો મારી જીવનશૈલીથી વાકેફ છે તેઓ જાણે છે કે હું કેટલો બધો નસીબવંતો છું. હું અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે એક યા બીજી રીતે સંકળાયેલો છું. વાંચન, લેખન, જાહેર જીવન, સમાજસેવા, સામાજિક મિલન-મેળાવડામાં હાજરી, લોકો સાથે સંપર્ક... કંઇકેટલાય પ્રકારે હું સતત સક્રિય રહું છું. દિવસનો મોટા ભાગનો સમય (બપોરના વામકુક્ષી સિવાય) કોઇને કોઇ પ્રવૃત્તિમાં વ્યતીત થતો હોવાથી જ્યારે પણ મને આવો ‘અનશિડ્યુલ્ડ’ બ્રેક મળી જાય છે ત્યારે મારી એક જ ‘પ્રવૃત્તિ’ હોય છે - જાત સાથે સંવાદ. આ મોકો હું ક્યારેય ચૂકતો નથી.
બસ, હું મારા અભ્યાસ ખંડમાં પહોંચી જતો હોઉં છું. ઇઝી ચેરમાં બેઠાં બેઠાં કે શવાસન મુદ્રામાં લંબાવીને શરીર હળવુંફૂલ કરી નાખવાનું. હેતુપૂર્વકનું કંઇ જ નહીં કરવાનું - ઇશ્વરસ્મરણ પણ નહીં. બસ, હું અને મારો અંતરાત્મા રૂ-બ-રૂ હોઇએ. કોઇ સારું કાર્ય કરવા બદલ અંતરાત્મા પીઠ થાબડે તો આનંદ અનુભવવાનો, અને આપણી માંહ્યલો કોઇ ભૂલ સામે આંગળી ચીંધે તો ભવિષ્યમાં તેનું પુનરાવર્તન નહીં થાય તેની ખાતરી આપવાની. મિત્રો, હું સ્પષ્ટ માનું છું કે આપણી જાત સાથે કરેલા કમિટમેન્ટથી મોટું બીજું કોઇ બંધન નથી. આપણે જ્યારે પણ કોઇ ભૂલ કરવા જઈએ કે તરત તે ટપારશે, ટપારશે અને ટપારશે જ. અને હા, અંતરાત્માના અવાજને ઉવેખીને પણ ભૂલ કરીએ જ તો પછી પરિણામ ભોગવવાની પણ તૈયારી રાખવી.
માંહ્યલા સાથે વીતેલા દિવસોના લેખાંજોખાં થઇ રહ્યા હતા. આ હિસાબકિતાબ ચાલી રહ્યા હતા ત્યાં જ ગંભીર ભૂલ નજરે ચઢી. ઇન્દુબહેન ભટ્ટની અંતિમક્રિયામાં હાજરી આપવાનું ચૂકી ગયો હતો. વાત અહીં પૂરી નહોતી થતી. અંતરમને એ ભૂલ સામે પણ આંગળી ચીંધી કે રોયલ એરફોર્સમાં સેવા આપતો યુવાન ફ્લાઇટ લેફટન્ટ રાકેશ ચૌહાણ થોડાક મહિના પૂર્વે શહિદીને વર્યો, પણ તું તેના પરિવારનો સંપર્ક સાધીને દિલસોજી દાખવવાનું સૌજન્ય પણ ચૂક્યો છે. ભલા માણસ, આ તે કેવી ભૂલ?
અને વાચક મિત્રો, મારે કાન પકડ્યા વગર છૂટકો નહોતો. જ્યારે આપણી ભૂલ હોય ત્યારે લૂલો બચાવ કરવા બ્હાનાબાજીમાં પડ્યા વગર સત્યને સ્વીકારવું જ રહ્યું. આમાંની એક પણ ભૂલ ઇરાદાપૂર્વકની નહોતી, પણ ભૂલ હંમેશા ભૂલ જ હોય છે. કોને ખબર સ્મૃતિપટલમાં શું લોચો સર્જાયો હશે? બાકી આ જ ચૌહાણ પરિવાર સાથે ૧૯૭૮-૭૯માં હું નિકટનો સંપર્ક ધરાવતો હતો. ચારેય ભાઇઓ - પ્રભુદાસભાઇ, મોહનભાઇ, ઉત્તમભાઇ અને કિશોરભાઇને મળ્યો છું. આમાંથી એક ભાઇને ત્યાં તો બર્મિંગહામના નિવાસસ્થાને જમવા પણ ગયો છું. તેમના માતુશ્રીને લેસ્ટરમાં પણ મળ્યો છું, જેમણે આફ્રિકાથી અહીં આવ્યા બાદ ઘરેથી જ તૈયાર વસ્ત્રોનો વેપાર શરૂ કર્યો હતો. આ બધી યાદો આજે એકસાથે સ્મૃતિપટ પર ફરી વળી હતી... કમ્પ્યુટર કે સર્વર હેંગ થઇ જાય અને હાર્ડ ડિસ્ક પર ‘સેવ’ થયેલી ફાઇલ કરપ્ટ થઇ જાય તેના જેવી કંઇક આ વાત હતી. ભૂલ મારી હતી તો સુધારવી પણ મારે જ જોઇએ. ખરુંને?
મેં ચૌહાણ પરિવારની લેસ્ટરમાં આવેલી શોપનો નંબર શોધ્યો. ડાયલ કર્યો. સામા છેડે મેનેજર વિનયભાઇ વડેરા નામના સજ્જન હતા. મેં મારી ઓળખ આપીને ખચકાતા અવાજે જણાવ્યું કે મારે રાકેશના પિતા કિશોરભાઇ સાથે વાત કરવી છે. મેં કિશોરભાઇ સાથે વાત પણ કરી, મારી ભૂલ બદલ અંતઃકરણથી દિલગીરી પણ વ્યક્ત કરી.
અંતરમન સાથેના સંવાદે ઇન્દુબહેન ભટ્ટના પરિવાર સાથે જોડાયેલી સાડા ચાર દાયકા જૂની યાદોને પણ તાજી કરાવી દીધી. વર્ષ ૧૯૬૮ના આ સંસ્મરણો છે. ઇન્દુબહેન ચંદ્રકાન્ત ભટ્ટ ગયા મહિને સ્વધામ પહોંચ્યા. આપણા સંસ્કારમાં કહેવાયું છે તેમ અખંડ સૌભાગ્યવતી સ્વરૂપે તેમણે વિદાય લીધી. ઇન્દુબહેનની અંતિમક્રિયાના સમાચાર તો મળ્યા હતા, પણ પહોંચી શકાય તેમ ન હોવાથી એક સ્વજનને ખાસ વિનંતી કરી હતી કે અમારા પરિવાર વતી અંતિમ વિદાય પ્રસંગે હાજરી આપીને દિલસોજી વ્યક્ત કરજો. જોકે કોઇક કારણસર તે ભાઇ પણ ઉપસ્થિત રહી શક્યા નહીં, અને સમય વહેવા સાથે વાત પણ વીસરાઇ ગઇ.
જોકે મારા હૃદયમાં ભટ્ટ દંપતીનું માનવંતુ સ્થાન રહ્યું છે. અને સદાકાળ રહેશે. ૧૯૬૮નો સમય હતો. હું ટુટિંગમાં રહેતો હતો. એક શોપ બ્રિક્ષ્ટનમાં પણ હતી. સાથોસાથ ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ તરીકે પણ ધમધોકાર કામ ચાલતું હતું. તે વેળા નડિયાદ પાસેના મિત્રાલ ગામના વતની ભાનુભાઇ પટેલ સાથે ખાસ ઘરોબો. તેઓ થોર્નટનહીથમાં રહે. તે વેળા આપણા સમાજની સ્થિતિ આજના કરતાં તદ્દન વિરોધાભાસી હતી. અગાઉ કહ્યું તેમ આ વાત ’૬૮ના અરસાની છે.
તે વેળા કેન્યાની સામૂહિક હિજરત કે યુગાન્ડાની હકાલપટ્ટી જેવા (બ્રિટનમાં આપણા સમુદાયની જનસંખ્યા માટે જવાબદાર મનાતા) ઘટનાક્રમ બન્યા ન હોવાથી આપણી વસ્તી બહુ થોડીક હતી. થોર્નટન હીથ કે ક્રોયડન જેવા વિસ્તારમાં વસતાં આપણા ભાઇઓ-બહેનો ફિલિપ્સ ઇલેક્ટ્રીકલ્સ કે સ્ટુઅર્ટ પ્લાસ્ટિક કે એવી ઇન્ડસ્ટ્રીઝમાં નાનું-મોટું કામ કરતા હતા. આ અરસામાં મારે ચંદ્રકાંતભાઈ ભટ્ટને ત્યાં અવારનવાર જવાનું થતું હતું. તેમના જીવનસાથી (ઇન્દુબહેન) મારા માટે સગા બહેન જેવો ભાવ રાખતા હતા. તે વેળા ભાનુભાઈ પટેલ, વેલજીભાઇ શાહ, ચુનીભાઇ નથવાણી, રજનીભાઇ પટેલ વગેરે મિત્રો ભેગા થતા. ટોળટપ્પાં ચાલે. અલકમલકની વાતો થાય. આમાં એક દિવસ વિચાર વહેતો થયો આપણે કોઇ સ્થાનિક સંસ્થા સ્થાપવી જોઇએ. ઉદ્દેશ સ્પષ્ટ અને સરળ હતો - આપણા સમાજના સભ્યોને એક તાંતણે બાંધવાનો.
મને આજે યાદ છે તે અનુસાર મિટિંગ ભટ્ટ દંપતીના ગેલ્પીંગ રોડ પર આવેલા ૩૩ નંબરના મકાનમાં યોજાઇ હતી. મિટિંગમાં પુષ્પાબહેન (વેલજીભાઇ), અનસુયાબહેન (ભાનુભાઇ), કમળાબહેન (ચુનીભાઇ) અને યજમાન ઇન્દુબહેન (ચંદ્રકાંતભાઇ) પણ હાજર હતા. સહુ કોઇએ સંમતિનો સૂર પુરાવ્યો. અને સરે ગુજરાતી હિન્દુ સોસાયટીની સ્થાપના થઇ.
ભલે હું ક્યારેય આ સંસ્થામાં સક્રિય હોદ્દેદાર બન્યો ન હોઉં, પણ સંસ્થાની નાનીમોટી તમામ પ્રવૃત્તિઓનો સંપૂર્ણ સમર્થક હોવા ઉપરાંત શક્ય તેટલો સેવા-સહયોગ આપતો હતો. એક તો સમાજની જનસંખ્યા ઓછી. સાધનસુવિધાનો પણ અભાવ. ધનરાશિ પણ મર્યાદિત. આવી અનેક અડચણો છતાં આ અને આવી સંસ્થાઓ બ્રિટનમાં ઠેર ઠેર ઉદભવી હતી, એટલું જ નહીં તેણે આપણી સંસ્કૃતિના જતન-સંવર્ધનમાં પાયાનું કામ કર્યું છે.
સરે ગુજરાતી હિન્દુ સોસાયટી જેવી સંસ્થાઓની સ્થાપના-પ્રગતિમાં ઇન્દુબહેન સહિતની નારીશક્તિનું પ્રશંસનીય પ્રદાન રહ્યું છે તેની સહુ કોઇએ નોંધ લેવી જ રહી. ટાંચા સાધનો, નાના સંતાનો, પારિવારિક જવાબદારી - આ બધા વચ્ચે સંતુલન સાધીને પર-દેશમાં સંસ્થા ચલાવવી તે કંઇ નાનુસૂનું કામ નહોતું. આજે તો તેમના સંતાનો પણ મોટાં થઇ ગયાં છે, અને તેમના સંતાનો પણ મોટા થઇ ગયા છે. સરે ગુજરાતી હિન્દુ સોસાયટીના પાયાના પથ્થરસમાન ઇન્દુબહેનની અંતિમ વિદાય વેળા હું ઉપસ્થિત રહી શક્યો નથી તે માટે હું આ કોલમ થકી જાહેર ક્ષમાયાચના સાથે દિલગીરી વ્યક્ત કરું છું. ઇન્દુબહેન ભલે સદેહે આપણી વચ્ચે ન રહ્યા હોય, પણ તેમણે કરેલા કાર્યોની સુવાસ સદાકાળ આપણી વચ્ચે ફોરમતી રહેશે.
આપણે પણ આપણી પ્રગતિમાં, વિકાસમાં અનુદાન આપનાર સહુ કોઇના ઋણને માથે ચઢાવવું જ રહ્યું. મારી ૪૮ વર્ષની કારકિર્દીમાં આ દેશમાં કે અગાઉ પૂર્વ આફ્રિકામાં કે ભારતમાં કેટલાય ભાઇઓ-બહેનો, માતાઓ, વડીલો, સ્વજનોએ અનેક પ્રકારે નાની-મોટી મદદ કરી છે. મદદ માગી છે ત્યારે તો તેમણે હાથ લંબાવ્યો જ છે, મદદ ન માગી હોય ત્યારે પણ હાથ લંબાવવાનું સૌજન્ય દાખવ્યું છે. આ સહુ કોઇના ઉપકારને - ઋણને હું માથે ચઢાવું છું.
વાચક મિત્રો, સાચું કહું તો હું ‘સેલ્ફમેઇડ’ શબ્દમાં માનતો જ નથી. વડા પ્રધાન નરેદ્ર મોદીએ ભલે સબ કા સાથ, સબ કા વિકાસનું સૂત્ર આપ્યું હોય. મારા જીવનમાં તો સબ કા સાથ, મેરા વિકાસ સૂત્ર સુવર્ણ અક્ષરે લખાયેલું છે.
આજે મને આપ સહુની સમક્ષ ભૂલો કબૂલવાનું પ્રોત્સાહન મળ્યું તેના મૂળમાં એક ભજન કાર્યક્રમ છે. ગયા મહિને મને એક ભજનમંડળીના કાર્યક્રમમાં હાજરી આપવાનો લાભ મળ્યો હતો. આપણા જોડિયા પ્રકાશન ‘એશિયન વોઇસ’ના સિનિયર ન્યૂસ એડિટર ધીરેન કાટ્વા, કેટલાક વડીલો, મિત્રો લગભગ દર શનિવારે નિયમિતપણે ભજન કાર્યક્રમ યોજે છે. બર્મિંગહામ, લેસ્ટર, કોવેન્ટ્રી, લૂટન, લંડન... શક્ય હોય ત્યાં ભજનગંગા વહાવે. વર્ષો પૂર્વે તો આ ભજન કાર્યક્રમમાં હાજરી આપવા બર્મિંગહામ પણ પહોંચતો હતો. જોકે હવે ડ્રાઇવીંગ બંધ કર્યું હોવાથી મારો પરિઘ સીમિત બન્યો છે.
ગયા મહિને રાયસ્લીપમાં ભજન કાર્યક્રમ યોજાતા મને હાજરી આપવાની તક મળી ગઇ હતી. અને સી.બી. આવો મોકો ચૂકે?! બંદા પહોંચી ગયા નિયત સમયે. દસેક વાગ્યે પહોંચ્યો તો અશોકભાઈ દામજી કારા ભરકડાના મકાનમાં ૫૦-૬૦ ધર્મપ્રેમીઓની ભંજનમંડળીએ જમાવટ કરી હતી. ખંડના એક ખૂણે દેવી-દેવતાઓની તસવીરો હતી. આબાલ-વૃદ્ધની ઉપસ્થિતિ વચ્ચે ઉડીને આંખે વળગતી હતી કેટલાક સુશિક્ષીત કે વ્યવસાયી જુવાનિયાની હાજરી. બ્રિટનની જ ધરતી પર જન્મેલી, ઉછરેલી પેઢીને ભજનગંગામાં તરબોળ થયેલી નિહાળીને મન પ્રસન્ન થઇ ગયું. કોઇના હાથમાં હાર્મોનિયમ હતું તો કોઇના હાથ તબલા પર થાપ આપતા હતા. કોઇ વળી ઢોલક પર તાલ આપતું હતું કોઇના હાથ મંજીરા અને ઝાંઝના ખનકારો કરતા હતા. એક યુવાન હાથમાં એકતારો (મીરાબાઇ કે નરસિંહ મહેતાના હાથમાં જોવા મળે છે તેવો) લઇને તાલ પૂરાવતો હતો. શબ્દ, સૂર, સંગીતનો અદભૂત ત્રિવેણી સંગમ રચાયો હતો, જેનું વર્ણન કરવા આ કલમ પણ ટૂંકી પડે છે. અસ્સલ કાઠિયાવાડી ઢબે ભજનોની રમઝટ જામી હતી. ભજન ગવાતા હતા, અને ઝીલાતા હતા. ભજનગંગામાં આ ‘પામર જીવ’ પણ તણાયો જ. કોણ જાણે ક્યાંથી મનમાં જેસલ-તોરલનું ભજન ફૂટી નીકળ્યું.
પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે,
તારી બેડલીને બૂડવા નહીં દઉં, જાડેજા રે...
એમ તોરલ કહે છે જી...
અહીં મને લાગુ પડતી વાત કરું તો પાપ એટલે મારી ભૂલ... (અને તેના અનુસંધાને પસ્તાવો, પ્રાયશ્ચિત) પણ મારો ધરમ ક્યો? પ્રકાશક-તંત્રી પત્રકારત્વની તરીકે નીતિમત્તાના માર્ગે ચાલવું, સમાજનું શ્રેય ઇચ્છવું અને ક્યાંક કંઇક ખોટું થતું હોય ત્યારે રતિભાર પણ નીજી સ્વાર્થને વચ્ચે આવવા દીધા વગર વિરોધના નગારે દાંડી પીટવી. વાચક મિત્રો, સદનસીબે આપ સહુના ટેકાથી પત્રકારત્વનો, પ્રકાશનનો વ્યવસાય આ સિદ્ધાંતોને સહારે સડસડાટ ચાલી રહ્યો છે. મારો ધર્મ છે સારા-નરસા પાસાં ભણી આપ સહુનું ધ્યાન દોરવું. આથી જ તો હું આ કોલમમાં મારા જાત અનુભવને રજૂ કરું છું. હું પ્રેમ પણ પ્રકટ કરું છું, અને ભૂલ વેળા પ્રાયશ્ચિત પણ કરું છું. જ્યાં મારી કચાશ રહી હોય, કરવા જેવા કામ ન કરી શક્યો હોઉં તો કબૂલાત પણ કરી જાણું છું. હું આપ સહુને સવિનય એટલું જ કહેવા માગું છું કે આપ પણ મોકો મળ્યે પ્રેમ પ્રકટ કરી જાણો, અને કંઇક ભૂલ થઇ હોય તો તેને કબૂલ કરવામાં પણ સંકોચ રાખવાની જરૂર નથી. કાદવમાં પડી જવું ખરાબ નથી, પણ તેમાં આળોટવું અક્ષમ્ય છે.
ભાઇ ધીરેન, તેં મને જાહેરમાં ભૂલ કબૂલ કરવાની પ્રેરણા આપી છે. તેં તોફાને ચઢેલા વહાણને સાચો માર્ગ ચીંધતી દીવાદાંડી જેવું કામ કર્યું છે તેમાં બેમત નથી. (ક્રમશઃ)
(સ્થળસંકોચના કારણે જ, પ્રથમવાર, આ લેખનો ઉતરાર્ધ આવતા સપ્તાહે અંક તા. ૨૦-૯-૨૦૧૪માં પ્રકાશિત થશે. ક્ષમાયાચના)