વડીલો સહિત સહુ વાચક મિત્રો, 1948ની વાત છે. આણંદ ખાતે સ્ટેશન રોડ ઉપર મ્યુનિસિપાલિટી મથક સામે બાકરોલના શ્રી પરષોત્તમ દેવજીના આલિશાન મકાનના પ્રાંગણમાં વ્યાયામ શાળાની એક બેઠકે બેઠો હતો. મને યાદ છે તે સમયે કોઇકે ગીત કહો તો ગીત અને ભજન કહો તો ભજન લલકાર્યું કે જીવન પંથ ખૂટે ના મારો, જીવન પંથ ખૂટેના... મિત્રો, અમુક શબ્દો, અમુક સ્થળે, અમુક વાતાવરણમાં સાંભળીએ છીએ ત્યારે તે દિલોદિમાગમાં જડાઇ જતા હોય છે. આ શબ્દોનું પણ કંઇક આવું જ કહી શકાય.
પરમ કૃપાળુ પરમાત્માને હંમેશા મારી પ્રાર્થના રહી છે કે તમે મને આ ધરતી પર મોકલ્યો છે તો અવશ્ય તમારો ઉદ્દેશ કંઇક મહાન જ હશે. અને મારી પાસેથી એટલી અપેક્ષા પણ અવશ્ય હશે જ કે આ માણસ મન-કર્મ-વચનથી સત્કાર્યો કરશે, દેહમાં પ્રાણ મૂકીને ચેતનાનો સંચાર પણ કર્યો છે ત્યારે જો તે આ પવિત્ર શરીરને સાચવશે અવશ્ય દીર્ઘાયુ પામશે.
આઠ દસકા કરતાં પણ લાંબા આયુષ્ય દરમિયાન યથામતિ, યથાશક્તિ સત્કાર્યો કરવાના પ્રયત્ન કર્યા છે. પણ પવિત્ર શરીરની સાચવણીના મામલે એટલું કહી શકું કે તેને સાચવવામાં એક સમયે ચૂક થઇ ગઇ હતી. આ બગડેલી બાજી સમય વર્ત્યે સાવધાન થઇને સુધારી લીધી, જેના પરિણામે આજે (ઉંમરના પ્રમાણમાં) ચુસ્ત-દુરસ્ત જીવન જીવી રહ્યો છું.
આ ‘બગડેલી બાજી’ એટલે...મેં આ દેશમાં પહેલાંના 15 વર્ષ બહુ ભાગંભાગી કરી હતી. અભ્યાસ, વ્યવસાય, ધનપ્રાપ્તિ માટેની આ દોડ કામિયાબ અવશ્ય રહી, પણ શરીરને માટે નુકસાનકારક પુરવાર થઇ. પહેલાં સ્ટમક અલ્સર, અને પછી ડાયાબિટીસે ઘર ઘાલ્યું. ડોક્ટરો પાસેથી દવા તો મળે, પણ જીવન જીવવાની જડીબુટ્ટી પ્રાપ્ત કરવા માટે સુપાત્રની જરૂર પડે. આ સુપાત્ર મળ્યું 1980માં. મારી મુલાકાત થઇ સેન્ટ્રલ મિડલસેક્સ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડો. મેકહાર્ડી યંગ સાથે. આ મુલાકાત માટે નિમિત્ત બન્યા હતા લોહાણા સમાજના અગ્રણી અને ઉત્સાહી નેતા હિંમતભાઇ રાડિયા. (આ પૂર્વભૂમિકા વિશે સંભવતઃ આવતા સપ્તાહે વિગતવાર ચર્ચા કરીશું.)
ડો. મેકહાર્ડીને મળ્યો ત્યારે તેમણે મારી મેડિકલ હિસ્ટ્રી તપાસીને કહ્યું કે તમે તમારી લાઇફલાઈનને બન્ને છેડેથી સળગાવી રહ્યા છો. કામકાજના સમયમાં અનિયમિતતા, તન-મનને આરામ આપવામાં શિસ્તનો અભાવ, અનિયંત્રિત ખાણીપીણી, વ્યસનો. આ બધું ભેગું થઇને તમને નુકસાન કરી રહ્યું છે.
વાચક મિત્રો, આપ સહુ જાણો છો તેમ ડાયાબિટીસને હું ‘કાયમી મિત્ર’ ગણાવું છું, પરંતુ એક સમય એવો હતો ડાયાબિટીસનું નિદાન વ્યક્તિની મનોદશા માટે બહુ ત્રાસદાયક પુરવાર થતું હતું. સમયના વહેવા સાથે હવે લોકો સમજતા થયા છે આ કોઇ મસમોટી બીમારી નહીં, પરંતુ એક સ્થિતિ છે, અને તેને કન્ટ્રોલ કરી શકાય છે.
ડો. મેકહાર્ડીની સલાહનો સાર એ હતો કે આપણું જીવન આપણા હાથમાં છે. શું ખાવું, શું પીવું, હલનચલન, કેટલું ઊંઘવું... આ બધા પરિબળો એવા છે જેનું તમારે ખુદે જ નિયંત્રણ કરવું પડે. ડો. મેકહાર્ડી સાથેની પહેલી મુલાકાત થઇ તે વેળા મારી ઉંમર હતી 44 વર્ષ.
તેમણે બહુ લાગણીપૂર્વક ચેતવ્યો કે હજુ પણ સમય છે, યંગમેન... સાબદો થઇ જા, તારે સ્વસ્થ જીવન જીવવું હશે તો લાઇફસ્ટાઇલમાં 360 ડિગ્રી પરિવર્તન કરવું (જ) પડશે. તેમણે એમ પણ સમજાવ્યું કે લાઇફસ્ટાઇલને સાચવી લઇશ તો તારા શરીરને સાચવી લેશે. શરીરને થઇ ગયેલું નુકસાન તો દૂર નહીં થાય, અલ્સર કે ડાયાબિટીસ પણ નાબુદ નહીં થઇ જાય, પણ સ્વસ્થ અને નિયમિત જીવીને આરોગ્યને વધુ કથળતું જરૂર અટકાવી શકીશ.
આ સમયે મને 1950ના એક ફિલ્મી ગાયનની પંક્તિઓ યાદ આવી ગઇ હતી. ફિલ્મનું નામ તો યાદ નથી, પરંતુ ગીતના શબ્દો જરૂર યાદ છેઃ તદબીર સે બિગડી હુઇ તકદીર બના લે, અપને પે ભરોસા હૈ તો યે દાવ લગા લે... તે જમાનો રેડિયો કે ટીવીનો નહોતો. લોકો ગ્રામોફોન પર રેકર્ડ લગાવીને ગીત સાંભળતા. તે સમયે સંગીત કરતાં પણ ગીતના શબ્દો અને તે ગાનારના સ્વરનું વિશેષ મહત્ત્વ હતું. મને યાદ છે ત્યાં સુધી ગીતા દત્તે તેમના સૂરિલા કંઠે આ ગીત ગાયું હતું, અને લોકોના દિલોદિમાગ પર છવાયું હતું.
ટૂંકમાં કહું તો, આ ગીતના શબ્દોએ મારા મનોમસ્તિષ્ક જાણે જાદુ કર્યો હતો. મને સમજાઇ ગયું હતું કે સંજોગો ભલે ગમેતેટલા વિપરિત હોય, પરંતુ જો તમે આયોજનપૂર્વક પીછેકૂચ કરો તો આગેકૂચ પાક્કી કરી શકાય છે.
તન-મનના આરોગ્યને સુધારવાનો દૃઢ નિર્ધાર કર્યો તે વેળા 44ની વય હતી, અને આજે 88 પૂરાં થઇ રહ્યાં છે! નવાઇ લાગે છે કે આ ડોસો આજે પણ જુવાની જેવા જ જોમ સાથે કામ કરી રહ્યો છે. શરીર નબળું પડ્યું છે, જુસ્સો નહીં. સ્ફૂર્તિ ટનાટન છે, અને દિમાગ પણ સાંગોપાંગ છે.
વાચક મિત્રો, તાજેતરમાં મેં સ્વાસ્થ્ય સંબંધિત ત્રણ રિપોર્ટ વિશે વાંચ્યું. જેનો સાર કંઇક એવો છે કે 60થી 70 વર્ષની વય ધરાવતી વ્યક્તિમાં જો સાઇકોલોજિકલ રેઝિલિયન્સ સારા પ્રમાણમાં હોય તો ગમેતેવા વિપરિત સંજોગોમાં પણ - પછી ભલે છૂટાછેડા હોય, સ્વજનની ચિરવિદાય હોય કે આર્થિક કે પછી અન્ય કોઇ પ્રકારે મુશ્કેલી હોય - વ્યક્તના તન-મનને થતું નુકસાન અડધોઅડધ ઓછું થઇ જાય છે.
બ્રિટિશ મેડિકલ જર્નલ (BMJ)એ પણ મેન્ટલ હેલ્થ અંગેનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે. આ માટે અમેરિકામાં વિશદ્ સંશોધન થયું હતું, જેમાં 66 વર્ષની વયના 10,500 લોકોને સામેલ કરાયા હતા. આ લોકો કેવી રીતે જીવે છે, શું ખાય છે, શું પીએ છે, કેટલો આરામ કરે છે, કેટલો શ્રમ કરે છે, સમસ્યાની તેમના તન-મન પર કેવી અસર થાય છે વગેરે વગેરે પાસાંને આવરી લઇને ઝીણવટભર્યો અભ્યાસ કરાયો હતો.
આ અભ્યાસના બરાબર 12 વર્ષ પછી, 78 વર્ષની વયના થયેલા આ તમામનો ફરી અભ્યાસ થયો અને તેના આધારે જે તારણો નીકળ્યાં તેની વાત BMJના રિપોર્ટમાં છે. રિપોર્ટમાં સમજાવાયું છે કે સમય સમય બલવાન હૈ... સમસ્યાને કેવી રીતે આટોપવી તે મહત્ત્વનું છે. જે વ્યક્તિએ આ સૂઝબૂઝ કેળવી લીધી હતી તેના આરોગ્ય પર કોઇ ખતરો જણાયો નહતો. આ વાત સાયકોલોજિકલ રેઝિલિયન્સ દર્શાવે છે. આવા લોકો લાંબુ જીવે છે, તેટલું જ નહીં શારીરિક - માનસિક જોમજુસ્સો ટનાટન રહે છે, યાદશક્તિ બરકરાર રહે છે અને પ્રેમ પ્રગટ કરવાની વૃત્તિ પણ અકબંધ રહે છે. વ્યક્તિના જીવનમાં આ વૃત્તિનું ટકી રહેવું મહત્ત્વનું છે. મિત્રો-સ્વજનો-પરિવારજનો અને સદકાર્યો માટે પ્રવૃત્ત રહેવાનો માટેનો આ લગાવ જ વ્યક્તિને જીવાડી જતો હોય છે. તન-મનથી સ્વસ્થ જીવન માટે લોકોને હળતાં-મળતાં રહેવું, વાતચીત કરતા રહેવું, જીવન પ્રત્યે રચનાત્મક અભિગમ કેળવવો એ આવકાર્ય વિકલ્પ છે. જીવન પ્રત્યે નકારાત્મક અભિગમ કે ટીકાત્મક વલણ કે પોતાનો કક્કો જ ખરો તેવો અભિગમથી દૂર રહેવું જરૂરી છે. હિન્દુ સંસ્કૃતિમાં ‘અહં બ્રહ્માસ્મિ’ કંઇ અમસ્તું નથી કહેવાયું. આઇ મે બી રોંગ, યુ મે બી રાઇટ... રચનાત્મક અભિગમ ધરાવતી વ્યક્તિ 38 ટકા લાંબુ આયુષ્ય ભોગવે છે. જીવન જીવવા ઢસરડાં નહીં, ઉત્સાહ જરૂરી છે. કંઇક આવું જ તારણ સ્વિડનની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટ અને ચીનની સુન યાત-સેન યુનિવર્સિટીનો રિપોર્ટ રજૂ કરે છે.
ટૂંકમાં કહું તો, જીવન પ્રત્યેનો અભિગમ હેતુલક્ષી હોવો જોઇએ. આપણે જે મેળવીએ છીએ (પછી તે પરિવારજનો પાસેથી હોય કે સમાજ પાસેથી) તે પરત કરવાની તત્પરતા હોવી જોઇએ. જ્યારે આવું જીવન જીવી જાણો ત્યારે સમજવું કે આ જનમનો ફેરો એળે નથી ગયો.
વીતેલા સોમવારે કચ્છના વતની અને દિલેર દાતા હસુભાઇ કાનજીભાઇ ભૂડિયા સ્વર્ગે સિધાવ્યા. મને સ્મરણ છે કે લંડનમાં જ વસતાં અને કચ્છના વતની એવા સદગત અરજણભાઇ વેકરિયા એક વખત હસુભાઇને લઇને ‘કર્મયોગ હાઉસ’ આવ્યા હતા. તે વેળા હસુભાઇ કિંગ્સટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. આ વેળા હસુભાઇનો ઉત્સાહ-ઉમંગ, મહત્ત્વકાંક્ષા અને સવિશેષ તો સમાજ માટે કંઇક કરી છૂટવાની ભાવના જોઇને મને લાગ્યું હતું કે ‘આ માણસના ઘટમાં ઘોડા થનગને છે ને આતમ પાંખ પણ વીંઝે છે, પરંતુ તેમના પગ ધરતી પર છે.’ જોકે હસુભાઇનો આત્મા 57 વર્ષની નાની વયે પાંખ વીંઝીને ઊડી જશે એ કોણ જાણતું હતું?
હસુભાઇએ જેટલી સિદ્ધિ-સમૃદ્ધિ મેળવી તેનાથી અનેક ગણું સમાજને પરત આપતા ગયા છે. અરજણભાઇ અને હસુભાઇ બન્ને આપણી વચ્ચેથી વિદાય લઇ ચૂક્યા છે, પણ તેઓ SKLPC કોમ્યુનિટી સેન્ટરનું યાદગાર નજરાણું આપતાં ગયા છે. વેકરિયા પરિવારની વાત નીકળી જ છે ત્યારે સ્વ.શ્રી અરજણભાઇના ભાઇ શશીભાઇ, પુત્ર અમિતભાઇ, માવજીભાઇ વેકરિયા ઉપરાંત કચ્છી અગ્રણી પ્રેમજીભાઇ વરસાણી, શશીભાઈ વેકરિયા વગેરેની સામાજિક પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરવો જ રહ્યો. આ બધાની મહેનતના પ્રતાપે આજે લંડનના નોર્થોલ્ટમાં ભવ્ય ઇંડિયા ગાર્ડન આકાર લઇ રહ્યો છે. આ લોકો અનેક અવરોધો-અડચણો છતાં સામાજિક પ્રતિબદ્ધતા નિભાવી રહ્યા છે કેમ કે તેમણે જીવનમાં હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે તન સતત નરમગરમ રહેતું હોય તો ડોક્ટરની દવા લો, અને મન સતત નરમગરમ રહેતું હોય તો જીવન પ્રત્યેનો અભિગમ બદલો. હકારાત્મક અભિગમ તમને જીવન જીવવા માટે અંદરથી પ્રેરણા આપશે એટલું જ નહીં જીવન જીવવાની શક્તિ પણ આપશે. પે’લું ગાયન ફરી યાદ અપાવું?
તદબીર સે બિગડી હુઇ તકદીર બના લે,
અપને પે ભરોસા હૈ તો યે દાવ લગા લે... (ક્રમશઃ)