વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ કોલમમાં આપણે અવારનવાર રોજબરોજના જીવન સાથે સંકળાયેલા ઘટનાક્રમો - પ્રસંગોની વાત કરતા રહીએ છીએ, સફળતાની અને સમસ્યાઓની વાત કરીએ છીએ. સિદ્ધિ-સફળતાનો હરખ થતો હોય છે, અને સમસ્યા-મૂંઝવણનો કંઇક ઉકેલ શોધવાનો પ્રયાસ થતો હોય છે. વાત કે મુદ્દો ભલે કંઇ પણ હોય તેનો ઉદ્દેશ એક જ હોય છે - બહુજન હિતાય, બહુજન સુખાય. આજે પણ ચર્ચાનો વિષય આવો જ છે.
તાજેતરની વાત કરું. એક હમઉમ્ર મિત્ર છે. તેમનો ફોન આવ્યો અને જે વાત કરી તે પહેલી નજરે બહુ જ સામાન્ય જણાતી હોવા છતાં એટલી જ ગંભીર હતી. તેમના દીકરાની ઉંમર આશરે સાઠેક વર્ષ. બાથરૂમમાં ન્હાવા ગયા હતા, અને શાવર લેતાં લેતાં લપસી પડ્યાં. કમનસીબે હાથે અને પગે ફ્રેક્ચર થયાં. પાંચ વીક પથારીવશ રહેવું પડ્યું. પછી ફિઝિયોથેરાપીનું ચક્કર ચાલ્યું. દીકરાને પીડા સહન કરવી પડી, અને ઘરના બધા કામે લાગી ગયા હતા.
મિત્ર મહોદયે આ બધી વાતો કર્યા પછી કહ્યું કે સી.બી. મને યાદ છે ત્યાં સુધી તમે એક વખત ‘જીવંત પંથ’માં આ જ મુદ્દે કંઇક લખ્યું હતું, અને કંઇક ઉપાય પણ સૂચવ્યા હતા. બાથરૂમમાં પડી જવાની વાત ભલે સામાન્ય જણાય, પણ ફ્રેક્ચર ના થાય તો ય તે બહુ પીડાદાયક બની રહે છે.
મિત્રની વાત તો સાચી હતી. વાચક મિત્રો, આપનામાંથી ઘણાને યાદ હશે જ કે આ કોલમનો જન્મ જ બાથરૂમમાં પડી જવાની મારી આપવીતીમાંથી થયો છે. મારો તે વેળાનો અનુભવ અને અમલમાં મૂકવા જેવી સલાહ વિશે વાંચીને કેટલાકના મોઢા પર જરૂર હળવું હાસ્ય આવી ગયું હતું કે લ્યા, આ સી.બી. તે શું મંડ્યા છે?! પરંતુ મારો ઇરાદો નેક હતો. મોટા ભાગના વાચકો આ રજૂઆત પાછળનો મારો ઉદ્દેશ સમજ્યા હતા અને મારી રજૂઆતને વધાવી લીધી હતી. તે વેળા પણ મારો ઉદ્દેશ અન્યોને આવી સંભવિત મુશ્કેલીમાંથી ઉગારવાનો હતો, અને આજે પણ આ મુદ્દો રજૂ કરવાનો ઉદ્દેશ એ જ છે. સમય બદલાયો છે, સ્થિતિ તો એની એ જ છે.
આપણે સહુ જાણીએ છીએ કે આજકાલ મોટા ભાગના બાથરૂમમાં શાવર ક્યુબિકલ હોય છે. અને તેની સરેરાશ સાઇઝ ત્રણ - સાડા ત્રણ ફૂટ બાય સાડા ત્રણ ફૂટની હોય છે. કોઇક પાર્ટીશનમાં ગ્લાસ ફીટ કરાવે તો કોઇ વળી પ્લાસ્ટિક કર્ટેન લગાવે. જો બાથરૂમમાં શાવર ક્યુબિકલ ના હોય તો બાથટબ હોવાનું. આથી વ્યક્તિ તેમાં ઉભા રહીને શાવર લેવાની. આ વળી વધુ જોખમી. એક તો ટબ લીસ્સું અને કર્વી હોય, અને વળી બાથરૂમમાં સાબુ અને શેમ્પુવાળું પાણી હોય એટલે ફર્શ ચીકણી હોય. લપસી પડવાનું પૂરેપૂરું જોખમ. જરાક ચૂક્યા કે ધબાય નમઃ
(ક્યારેક જીવલેણ સાબિત થઇ શકે તેવા) આ જોખમનું નિવારણ શું? કેટલાક ડોક્ટરોને પૂછ્યું અને સેનિટરી વેર્સનું વેચાણ કરતા લોકો પાસેથી પણ જાણવા - સમજવા પ્રયત્ન કર્યો. તેમનું કહેવું હતું કે ચેતતા નર અને નારી સદા સુખી. આ સ્થિતિ નિવારવા બાથરૂમ મેટનો ઉપયોગ અવશ્ય કરો. બાથરૂમ મેટ કેવી લેવી જોઇએ એ અંગે પણ તેમનું સુચન છે. વિવિધ પ્રકાર - ક્વોલિટીની બાથરૂમ મેટ 2 પાઉન્ડથી લઇને 14 પાઉન્ડની મળે છે. આમાંથી તમારે એરબબલ ધરાવતી બાથરૂમ મેટ ખરીદવી જોઇએ. લગભગ સાતેક પાઉન્ડમાં આવી મેટ મળી જશે. આ મેટ એરબબલના કારણે ફર્શ પર ચીપકી રહેશે, જેથી તે ખસી જવાનો કે લપસી જવાનો ડર નહીં રહે.
વાચક મિત્રો, આ ઉપરાંત વડીલોની બાથરૂમમાં બીજી પણ એક સુવિધા જરૂરી છે. બાથરૂમની દિવાલમાં - નીચે બેઠા બેઠા આસાનીથી હાથ પહોંચી શકે તેટલી ઊંચાઇએ – એક કે બે મજબૂત હેન્ડલ ફીટ થયેલ હોવું જોઇએ. જેથી કદાચ બાથરૂમમાં પડી જાવ તો તેને પકડીને ઉભા થવામાં સરળતા રહે. અને હા, મહેરબાની કરીને બાથરૂમમાં અણિયાળા ખૂણા ધરાવતું સ્ટૂલ કે ટમલરનો ઉપયોગ ટાળો. ડોક્ટર્સ કહે છે કે બાથરૂમમાં પડી જવાના મોટા ભાગના કિસ્સામાં વ્યક્તિને માથામાં ઇજા થવાનું કારણ આવી વસ્તુઓ જ હોય છે. આથી બાથરૂમમાં મેટલની વસ્તુઓનો ઉપયોગ ટાળો.
બીજાના જીવનમાં ‘ડોકિયું’ કરીને
તમે તેમનો ઘા તો નથી ખોતરતાને?
આપ સહુ જાણો છો તેમ હું તો ‘ફરતા રામ’ છું. ફરવું (કોઇ કામસર હોય તો વધુ સારું...) અને લોકોને મળવું તેને હું મારી મનગમતી પ્રવૃત્તિમાં સામેલ છે. લોકોને મળતા રહેવાથી ઘણું જાણવાનું - શીખવાનું - સમજવાનું મળે છે. આવી જ મુલાકાત દરમિયાન હમણાં દીકરી જેવી એક બહેન પાસેથી એક નવી જ ફરિયાદ સાંભળવા મળી. અલપઝલપ વાતો ચાલી રહી હતી ત્યાં જ તેણે લાગલું પૂછ્યુંઃ દાદા, તમને નથી લાગતું કે આજકાલ લોકોને બીજાના જીવનમાં ચંચુપાત કરવાની ખરાબ ટેવ પડી ગઇ છે?
તેનો સવાલ સાંભળીને પહેલાં તો હું આંચકો ખાઇ ગયો. બટકબોલા સ્વભાવના લીધે ક્યાંક મેં તો ભાંગરો નથી વાટી નાંખ્યોને?! મેં થોડાક ખચકાટ સાથે સામું પૂછ્યછયુંઃ કેમ એવું લાગ્યું? પછી તેણે જે વાત કરી તે કોઇને પણ વિચારતા કરી મૂકે તેવી છે. તેમના આક્રોશનો સાર કંઇક આવો છેઃ
તમે તો જાણો જ છો કે મારી એજ ફોર્ટી પ્લસ છે, અને અમારે સંતાન નથી. હું ક્યાંય પણ આપણા (ગુજરાતી) સમાજના ફંકશનમાં જાઉં છું, લોકોને હળુંમળું છું અને આડીઅવળી વાતો પછી એક સવાલ તો આવી જ જાય છે કે કેટલા સંતાનો છે? સાચું કહુંને તો આ સવાલ સાંભળી સાંભળીને હું કંટાળી ગઇ છું. અરે, એક સંતાન હોય બે કે ચાર હોય કે ન પણ હોય, તમારે (પ્રશ્ન પૂછનારને) શું પંચાત? આ પછી મારો જવાબ સાંભળે કે એક પણ (સંતાન) નહીં... ત્યારે પાછા મને યાદ કરાવે કે લે, તારી ફલાણી ફ્રેન્ડને તો બે સંતાન છે અને ઢીંકણીને એક સંતાન છે, વગેરે વગેરે.
હવે તમે જ કહો આવા લોકોને મારે શું જવાબ આપવો? સાચી વાત તો એ છે કે હું અને મારા હસબન્ડ બન્ને ઇચ્છીએ છીએ કે અમને પણ સંતાન હોય, પરંતુ તે કેટલાક કારણસર સંભવ નથી તો અમે શું કંઇ ગુનો કરી નાંખ્યો છે? સંતાન અંગે પૂછી પૂછીને જાણે અમારો ઘાવ ખોતર્યા કરે છે. આ લોકોને કઇ રીતે સમજાવવું તે અમને તો ખબર જ પડતી નથી...
વાત - આક્રોશ - પીડા એક યુવતીની છે, પણ આ સમસ્યા આપણા સમાજની છે. વાતચીતમાં જરાક અમસ્તા નજીક આવ્યા નથી કે સામેવાળી વ્યક્તિના કુટુંબજીવનમાં ડોકિયા કરવાનું શરૂ થઇ જાય છે. આમાં પ્રશ્ન પૂછનાર વ્યક્તિનો સામેની વ્યક્તિને મૂંઝવણમાં મૂકવાનો કે આવું કંઇ પૂછવા પાછળ કોઇ બદઇરાદો હોતો નથી, પણ આપણે આવા પ્રશ્નો પૂછવા ટેવાયેલા છીએ તેના કારણે આપણે જાણ્યે-અજાણ્યે સામેની વ્યક્તિને દુઃખ પહોંચાડતા હોઇએ છીએ. હું તો દરેકને - નાનામોટાને, ભાઇઓ-બહેનોને વિનંતી કરીશ કે વ્યક્તિને આવા પ્રશ્ન પૂછવાનું ટાળો. કોઇ દંપતી નિઃસંતાન હોવાના એક કરતાં અનેક કારણ હોય શકે છે.
બ્રિટન હોય, અમેરિકા હોય કે ભારત હોય, કેટલાક દંપતીઓ NCBCનો અભિગમ અપનાવી રહ્યા છે. NCBC એટલે નો ચાઇલ્ડ બાય ચોઇસ. મતલબ કે આ લોકો જીવનમાં સંતાન ઇચ્છતા જ નથી. આ નિર્ણય કારકીર્દિને ધ્યાનમાં રાખીને લેવાતો હોય કે પછી સંતાનની જવાબદારી સ્વીકારવાની તૈયારી ના હોવાથી આ નિર્ણય લેવાતો હશે તે આપણે નથી જાણતા, પરંતુ આવો નિર્ણય લેનારા દંપતીની સંખ્યા વધી રહી છે તે હકીકત છે. મારું તો એટલું જ કહેવું છે કે સામેવાળી વ્યક્તિના જીવનની પ્રાઇવસીનું સન્માન કરો. જો કોઇ દંપતી નિઃસંતાન હશે અને તે NCBC હશે તો કોઇ સવાલ નથી. એ તો સરળતાથી પોતાના નિઃસંતાન હોવા પાછળનું કારણ જણાવી દેશે, પણ કોઇ વ્યક્તિ તબીબી કારણસર સંતાનને જન્મ નહીં આપી શક્યું હોય અને તમે પ્રશ્ન પૂછીને તમે સામેની વ્યક્તિને દુઃખ પહોંચાડી રહ્યા છો. આથી બાપલ્યા, હવે પછી પ્રશ્ન પૂછતાં પહેલાં બે વાર વિચાર કરજો.
મુસ્લિમ બિરાદરીની આશાભરી ‘ઉમ્મીદ’
મારો વસવાટ ભલે બ્રિટનમાં હોય, પણ છેલ્લા બે વર્ષથી હું સુરતથી પ્રકાશિત થતું મુસ્લિમ બિરાદરીનું સાપ્તાહિક ‘ઉમ્મીદ’ નિયમિત મેળવું છું, અને હા, લગભગ આખેઆખું વાંચુ પણ છું. ટેબ્લોઇડ સાઇઝનું આ સામયિક એટલે જાણે રાઇનો દાણો. મુસ્લિમ બિરાદરી માટેના આ ખાસ પ્રકાશનના પાન ભલે ઓછા હોય, પણ ઇસ્લામ ધર્મના ઉપાસકો માટે તો ગાગરમાં સાગર સમાન છે. તેનું પ્રકાશન છેલ્લા 50 વર્ષથી થઇ રહ્યું છે એ જ તેનું આગવું મહત્ત્વ દર્શાવે છે.
સામયિકના સ્થાપક તંત્રીઓ છે મર્હુમ ઝહીરુદ્દીન બુખારી, મર્હુમ ડો. એમ. આઇ. કાઝી અને મર્હુમ અબ્દુલ કાદિર મુસા મીર અને આજેનું સુકાન સંભાળે છે શ્રી જાવીદ કરોડિયા. ‘ઉમ્મીદ’ સાપ્તાહિકના સ્થાપકોથી લઇને આજની તારીખે કાર્યરત સહુને આવું સરસ માહિતીસભર પ્રકાશન કરવા બદલ હું અંતઃકરણપૂર્વક અભિનંદન આપવા માંગુ છું.
આ અખબારની વિશેષતા એ છે કે તે ઇસ્લામની સેવા કરવા ખરા અર્થમાં પ્રયત્નશીલ છે. તે વિવિધ પ્રશ્નો અંગે હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના માર્ગદર્શનની ચર્ચા કરવા ઉપરાંત તે આજના સમયમાં દરેક વ્યક્તિ - સમાજ માટે શિક્ષણ આવશ્યક હોવાની બાબત પર સવિશેષ ભાર મૂકે છે. આ સામયિકમાં શિક્ષણ - તાલીમ અંગે નિયમિત લેખો પ્રકાશિત થાય છે. તાજેતરના અંકમાં ‘રમદાન કે રમઝાન’ અંગે એકદમ સરળ શબ્દોમાં બહુ જ સુંદર રજૂઆત કરાઇ છે.
આ સામયિકમાં બિરાદરીની ગુણવત્તાયુક્ત વાચનસામગ્રી પ્રકાશિત થાય છે તે સાચું, પણ મેં બીજી એક બાબત ખાસ નોંધી કે તેમાં જાહેરખબરનું પ્રમાણ બહુ ઓછું છે. વેપાર - ઉદ્યોગ હોય કે સખાવતી સંસ્થા, સમાજના આર્થિક સહયોગ વિના તે ચાલી શકે નહીં, ટકી શકે નહીં. આપ સહુ જાણો છો તેમ ‘ગુજરાત સમાચાર’ પણ 50 કરતાં વધુ વર્ષોથી પ્રકાશન ક્ષેત્રે સક્રિય છે. આમ એક પ્રકાશક - તંત્રી હોવાના નાતે, જાતઅનુભવના આધારે હું મુસ્લિમ સમાજના લોકોને અપીલ કરું છું કે આપ સહુને સાચી માહિતી આપતા - ઇસ્લામ ધર્મના ઉપદેશની સાચી સમજ આપતા આ સામયિકનો પાયો મજબૂત બનાવવા તેને આર્થિક સહયોગ આપો. તમે કઇ રીતે તેને મદદરૂપ થઇ શકો?
વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ‘ઉમ્મીદ’ સાપ્તાહિકને જાહેરખબર આપીને તો અન્ય મુસ્લિમ બિરાદરો લવાજમ ભરીને તેને મજબૂત બનાવી શકે છે. લવાજમ કેટલું છે? આશરે 30 પાઉન્ડ (3000 રૂપિયા). આપ સહુ ભારતીય સમય પ્રમાણે સવારે 10.00થી સાંજે 6.00 દરમિયાન ઓફિસના ફોન નં. 0261-2417608 પર સંપર્ક સાધી શકો છો. કાર્યાલયનું સરનામું છેઃ ‘ઉમ્મીદ’ સાપ્તાહિક, રાજાવાડી સૈયદપુરા, સુરત - 395003 અથવા તો ઇ-મેઇલ [email protected] પર પણ સંપર્ક સાધી શકો છો. તમારા સ્વજનો - મિત્રોને સમજાવો કે ધર્મ-સંસ્કારના વારસાનું જતન-સંવર્ધન કરવું હશે તો
આ પ્રકારના સત્વશીલ પ્રકાશનને સાથ-સહકાર-સમર્થન આપવા જ રહ્યા.
વાચક મિત્રો, મુસ્લિમ બિરાદરીની વાત ચાલે છે ત્યારે મને એક બીજી વાત પણ કહેવા જ દો. આપ સહુ જાણો છો તેમ હું અહીંના જાહેરજીવનમાં સક્રિય છું. અને વિવિધ દેશોના વતની એવા મુસ્લિમ બિરાદરો સાથે સંપર્ક ધરાવું છે. સ્વાભાવિક છે કે આમાં ભારત અને પાકિસ્તાનના મુસ્લિમ બિરાદરોની સંખ્યા સવિશેષ છે.
હું દસકાઓના અનુભવના આધારે કહી શકું કે પાકિસ્તાન સહિત અન્ય કોઇ પણ મુસ્લિમ દેશના નાગરિકોની સરખામણીએ ભારતીય મુસ્લિમ સમુદાય વધુ સુશિક્ષિત, વેપાર-ઉદ્યોગ સાહસિક અને ઉદારમતવાદી અભિગમ ધરાવે છે. પરિણામે તેઓ બદલાતા સમય સાથે પરિવર્તનને સહજતાથી સ્વીકારી લે છે. ભારતીય મુસ્લિમોની જીવન પ્રત્યેના આ અભિગમમાં ‘ઉમ્મીદ’ જેવા પ્રકાશનોનું નાનુંસૂનું યોગદાન નથી એ સહુ કોઇએ સ્વીકારવું રહ્યું.
‘ઉમ્મીદ’ અત્યારે તેની સ્થાપનાનું સુવર્ણ જયંતી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે તેના સંચાલકોથી માંડીને સામયિક સાથે સંકળાયેલા સહુ કોઇને અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ. (ક્રમશઃ)