A Millennial Moment પુસ્તકમાં બિક્રમ વહોરાએ કેટલાય મહાનુભાવોના મંતવ્યો જાણ્યા પછી લખ્યું છે કે બીએપીએસની નામના, તેના શુભ કાર્યનો સંદેશો, તેની વ્યવસ્થા, શિસ્ત, નીતિમત્તા એટલા ઉચ્ચ છે કે વિવાદ સર્જાવાનો સવાલ જ નથી. પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજનો સમયગાળો યશસ્વી રહ્યો છે. અત્યારે દેશવિદેશમાં બીએપીએસના 1600થી વધુ મંદિરો છે. વિદેશમાં સૌથી વધુ મંદિર અમેરિકામાં છે. 1000થી 1100 સુશિક્ષિત યુવાનો સાધુ કે સંત તરીકે સમર્પિત ભાવે સેવા કરે છે. આમાં ભારત ઉપરાંત અમેરિકા - બ્રિટન સહિત વિશ્વના અન્ય દેશોના ડોક્ટર્સ - એન્જિનિયર્સ - આઇટી એક્સપર્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉચ્ચ શિક્ષિત લોકોનો સમર્પિત ભાવ જ સંસ્થાની તાકાત છે. વાચક મિત્રો, એક બીજી પણ વાત ટાંકવી જ રહી. પુસ્તકમાં ઉલ્લેખ છે એમ બીએપીએસમાં સાધુ થવા ઇચ્છતી વ્યક્તિને સૌથી પહેલો પ્રશ્ન એ પૂછવામાં આવે છે કે આ માટે તમારા માતા-પિતાની સંમતિ છે? આનો જવાબ ‘હા’ હોય તો જ વાત આગળ વધે છે. આ પછી દીક્ષા ઇચ્છતી વ્યક્તિને સંસ્થાની સારંગપુર સ્થિત વિદ્યાપીઠ ખાતે સાત વર્ષની સઘન તાલીમ અપાય છે, અને આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર સાધુગણમાં સ્થાન મેળવે છે. બીએપીએસના આટલા મોટા વૈશ્વિક વ્યાપ છતાં ક્યારેય આર્થિક ગેરરીતિ કે અનિચ્છનીય ઘટના બન્યાનું જાણમાં નથી. જેની સાથે સેંકડો - હજારો - લાખો લોકો જોડાયા હોય તેવી સંસ્થા માટે આ કંઇ નાનીસૂની સિદ્ધિ નથી.
•••
ભારતીય સમુદાયની સેવાનું સુવર્ણ પ્રકરણ
બે’ક વર્ષ પૂર્વે ફેબ્રુઆરી 2022માં યુક્રેન - રશિયા વચ્ચે એકાએક ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું હતું તે વાતથી આપણે સહુ વાકેફ છીએ. આ સમયે ભારતના હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરતા હતા. તેમને સત્વરે, અને સુરક્ષિત રીતે સ્વદેશ પહોંચાડવાનું બીડું મોદી સરકારે ઉઠાવ્યું હતું. પરંતુ આ વિદ્યાર્થીઓ યુક્રેનથી ભારત સ્વદેશ પહોંચે તે વચ્ચેનો સમયગાળો બહુ કટોકટીપૂર્ણ હતો. યુદ્ધના કારણે ચોમેર અંધાધૂંધીનો માહોલ સ્વાભાવિક હતો. યુદ્ધના માહોલમાં મર્યાદિત સંશાધનો સાથે કામ કરી રહેલા ભારતીય વિદેશ મંત્રાલયથી માંડીને ભારતીય હાઇ કમિશન પણ આ હજારો વિદ્યાર્થીઓની સંભાળ લેવાનું મુશ્કેલ બન્યું હતું. આ સમયની વાત છે.
આ દિવસોમાં મંદિર નિર્માણ માટે અબુધાબીમાં મુકામ કરી રહેલા પ.પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીને મધરાત્રે દોઢ વાગ્યે ફોન આવ્યો. સામા છેડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા. તેમણે સ્થિતિનો ચિતાર આપ્યો અને કહ્યું કે આપણા ભારતીય વિદ્યાર્થીઓનો સવાલ છે, શું કરીશું? બ્રહ્મવિહારી સ્વામીએ પળનો ય વિચાર કર્યા વગર જવાબ આપ્યોઃ તમે ચિંતા ના કરો... અમારું યુવક મંડળ છે જ. બ્રિટન - યુરોપ અને અમેરિકામાં રહેલા યુવાનો કોઓર્ડિનેટ કરી લેશે અને તરત કામે લાગી જશે.
વાત પૂરી. ફોન પૂરો. અને કામ પણ પૂરું!
આપણા 18 હજાર ભારતીય યુવાનોને સહીસલામત સ્વદેશ પહોંચાડવાની જવાબદારી મોદી સરકારે સંભાળી હતી તો યુદ્ધગ્રસ્ત સરહદી ક્ષેત્રમાં તેમના રહેવા-જમવાની તમામ સગવડ સફળતાપૂર્વક સંભાળી હતી બીએપીએસ સંસ્થાએ. આ ઐતિહાસિક માઇગ્રેશનમાં બીએપીએસના સ્વયંસેવકોનું યોગદાન સુવર્ણ અક્ષરે લખાઇ ગયું છે.
•••