બ્રિટન, અમેરિકા અને ભારત

સી. બી. પટેલ Wednesday 10th October 2018 06:18 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, વીતેલા સપ્તાહો દરમિયાન આપણે સદાબહાર સ્વાસ્થ્ય, સમાજ, શિક્ષણ, મનદુરસ્તી સહિતના અનેકવિધ મુદ્દે ચર્ચા કરી છે, પરંતુ વિશ્વતખ્તે - રાષ્ટ્રીયથી માંડીને આંતરરાષ્ટ્રીય મોરચે પણ શું ચાલી રહ્યું છે? ચાલોને આજે જરા તેનું વિહંગાવલોકન કરીએ...
બ્રિટનવાસી ભારતીયોની સંખ્યા લગભગ ૧૮ લાખ થવા જાય છે. અમેરિકામાં વસતાં આપણા બંધુઓ-ભગિનીઓનો આંકડો લગભગ ૪૦ લાખ કરતાં વધુ હોવાનો સરકારી અહેવાલ છે. ભારતની કુલ વસ્તી સવાસો કરોડ કે તેનાથી સહેજ વધુ. વિદેશમાં વસતાં કુલ ભારતીય વંશજોની સંખ્યા ૨.૫ કરોડ હોવાનું જણાવાય છે. જોકે આ બધામાં - બ્રિટન, યુરોપ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા તેમજ મધ્ય-પૂર્વના વિકસિત અને સાધનસંપન્ન દેશોમાં વસવાટ કરતાં ૮૦ લાખથી વધુ ભારતીય વંશજોની આર્થિક સ્થિતિ તેમજ સિદ્ધિ પ્રમાણમાં ખૂબ ઊંચી છે. એક અર્થશાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે પરદેશમાં વસવાટ કરતા ઇમિગ્રન્ટ્સ દ્વારા સ્વદેશમાં જે નાણાં મોકલવામાં આવે છે તેમાં ભારતીયો આગળ પડતું સ્થાન ધરાવે છે. આ બાબત શું દર્શાવે છે? વિદેશવાસી ભારતીય સમુદાયની આર્થિક સદ્ધરતા. ભારતીય વંશજો પોતે જે દેશમાં વસવાટ કરી રહ્યા છે ત્યાં તો આર્થિક, શૈક્ષણિક, વ્યાવસાયિક ક્ષેત્રે નીતનવા સફળતાના સીમાચિહનો હાંસલ કરીને આગવી ભાત પાડી જ રહ્યા છે, પણ આની સાથોસાથ સ્વ-દેશમાં અનેકવિધ ક્ષેત્રે ઇન્વેસ્ટમેન્ટ કરીને માદરેવતનનું પણ આર્થિક સશક્તિકરણ કરી રહ્યા છે.
ચાલો, આજે આપણે કર્મભૂમિથી (બ્રિટનથી) માંડીને માતૃભૂમિમાં (ભારતમાં) તેમજ અમેરિકામાં રાજકીય અને આર્થિક ક્ષેત્રે જે ચહલપહલ ચાલી રહી છે, જે સંજોગો આકાર લઇ રહ્યા છે તેના પર એક નજર કરીએ.
બ્રિટન
ઘરઆંગણે જોઇએ તો - બ્રિટનના વડા પ્રધાન અને મુખ્ય રાજકીય પક્ષોનો મા મને કોઠીમાંથી કાઢ જેવો ઘાટ થઈ રહ્યો છે. યુરોપિયન યુનિયન (ઇયુ)માંથી નીકળવું કે કેમ અને નીકળવું તો કેવી રીતે? તે પ્રશ્ન સહુ કોઇ માટે માથાના દુઃખાવારૂપ બન્યો છે. બ્રેક્ઝિટ નામની બલા વડા પ્રધાન થેરેસા મેથી માંડીને રાજકીય, આર્થિક કે સામાજિક ક્ષેત્રના અસંખ્ય અગ્રણીઓને પારાવાર પરેશાન કરી રહી છે. માથા ઉપર સમસ્યાના જંગલ ઊગી રહ્યાં છે.
યુરોપિયન યુનિયનના ઉદ્ભવ ટાણે બ્રિટને આ સંગઠનમાં જોડાવાની આનાકાની કરી હતી. તે વેળા દૂબળું-પાતળું અર્થતંત્ર ધરાવતા બ્રિટનને મિત્ર દેશોએ ઘણું સમજાવ્યું કે સંગઠનમાં જોડાઇ જાવ, લાંબા ગાળે લાભમાં રહેશો. સંગ સંગ હશે ભેરુ તો સર થશે મેરુ, પરંતુ બ્રિટન ન માન્યું તે ન જ માન્યું.
પરંતુ કહેવાય છે ને કે વાર્યો ન વળે તે હાર્યો વળે... સમયના વહેવા સાથે બ્રિટનના શાસકોને પોતાની ભૂલનું ભાન થયું. બ્રિટને યુરોપિયન યુનિયનમાં જોડાવાના પ્રયાસો શરૂ કર્યા. ઘણા ભાઇ-બાપા કર્યા પછી ૧૯૭૩માં તેને યુરોપિયન યુનિયનમાં સભ્યપદ મળ્યું. બ્રિટિશ સરકારના આ પગલાંના વિરોધમાં ટૂંકી દૃષ્ટિના યુરોસ્કેપ્ટિક વર્ગે ભારે હોબાળો મચાવ્યો. આ વર્ગનું માનવું હતું કે યુરોપના અન્ય દેશો કરતાં આપણે તો અનેક રીતે વધુ સદ્ધર, સશક્ત, સક્ષમ છીએ, વધુ સૂઝબૂઝ ધરાવીએ છીએ, વધુ કુશળ છીએ. આ વર્ગ ભારપૂર્વક માનતો હતો કે બ્રિટન યુરોપિયન યુનિયનમાં જોડાઇને પોતાની આગવી ઓળખ ગુમાવી રહ્યું છે.
અવળચંડા માણસોની સંખ્યા ભલે નાની હોય, પણ તેમનું એક જ કામ હોય છે - હવનમાં હાડકાં નાંખવાનું. હંમેશા બહુમતીને નડતરરૂપ બનવાનું. યુરોસ્કેપ્ટિક વર્ગનું પણ આવું જ હતું. તેમણે સતત ઘોંચપરોણા ચાલુ જ રાખ્યા. પરિણામે યુરોપિયન યુનિયનમાં જોડાયાને બે વર્ષ માંડ થયા હશે ત્યાં સરકારે થાકીહારીને આ મુદ્દે રેફરન્ડમ લેવાનું જાહેર કર્યું. ૧૯૭૫માં જનમત લેવાયો. બહુમતી પ્રજાએ નિર્ણય કર્યો કે અમારે સહિયારા બજારમાં જ રહેવું છે. આ સમયે યુરોપમાં બ્રિટનનું અર્થતંત્ર માંદલુ ગણાતું હતું, પરંતુ યુરોપિયન યુનિયનનું પોષણ મળતાં જ બ્રિટનનો આર્થિક પાયો મજબૂત થવા લાગ્યો. ૨૫ વર્ષમાં તો બ્રિટનનું અર્થતંત્ર સર્વક્ષેત્રે સાબદું અને તગડું થઇ ગયું. બ્રિટન વિશ્વતખતે પાંચમાં પૂછાતો દેશ બન્યો.
બ્રિટનની અવિરત આગેકૂચ ચાલુ જ હતી. ત્યાં નેવુંના દસકામાં યુરોસ્કેપ્ટિક વર્ગ ફરી જાગ્યો. યુરોપિયન યુનિયનમાંથી ફારગતિના મુદ્દે નવેસરથી સરકારને કનડવાનું શરૂ કર્યું. કન્ઝર્વેર્ટિવ પાર્ટીમાં અલ્પસંખ્યક, પણ પ્રભાવશાળી સાંસદોના જૂથે વડા પ્રધાન ડેવિડ કેમરનની ઊંઘ હરામ કરી નાખી. ફરી એક વખત બ્રિટિશ સરકારે નમતું જોખ્યું. કેમરને આ મુદ્દે રેફરન્ડમ યોજવાનું વચન આપ્યું.
૨૦૧૫માં ટોરી પક્ષ ફરી જીત્યો અને પાતળી બહુમતી સાથે કેમરન ફરી વડા પ્રધાન બન્યા. ૨૦૧૬ના નવેમ્બરની ૨૩ તારીખે ફરી રેફરન્ડમ થયું. તે વેળા બન્ને પક્ષોએ - સવિશેષ તો યુરોપિયન યુનિયન સાથે છૂટાછેડાના આગ્રહી ટોરી પક્ષના ચાર-પાંચ માંધાતાઓએ અતિશ્યોક્તિભરી આક્રમક પ્રચાર ઝૂંબેશ આદરીને લોકોને ગેરમાર્ગે દોર્યા. એટલું જ નહીં, પણ બ્રિટિશ પ્રજામાં ઇમિગ્રેશનનો હાઉ ઉભો કર્યો. ખોટી વાતોથી દોરવાયેલા લોકોએ ઇયુ સાથે છૂટાછેડાની તરફેણ કરી. નક્કી થયું કે બ્રિટન બે વર્ષ - માર્ચ ૨૦૧૯ સુધીમાં યુરોપિયન યુનિયનમાંથી છેડો ફાડીને અલગ થઇ જશે.
જનમતના પગલે રાતોરાત કેમરનનું રાજીનામું પડ્યું. થેરેસા મેના મનોરથ પૂરા થયા. વડા પ્રધાન પદે બેઠાં. આ વાતને દોઢ વર્ષ વીતી ગયું છે, છતાં કઇ રીતે છૂટાં પડવું તે ફોર્મ્યુલા નક્કી થઇ શકી નથી. બધા પોતપોતાનો આગવો અભિપ્રાય ધરાવે છે, રાજકીય પક્ષો વહેંચાઇ ગયા છે. વેપાર-ઉદ્યોગ, આયાત-નિકાસ, નેશનલ હેલ્થ સહિતના મુદ્દા અનિશ્ચિતતાના માહોલમાં અટવાઇ રહ્યા છે. પાઉન્ડ નબળો પડી રહ્યો છે તેમાં બીજા પરિબળોની સાથે બ્રેક્ઝિટ મુદ્દો પણ ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યો છે. બ્રેક્ઝિટની તરફેણમાં જનમત બાદ દેશનું અર્થતંત્ર સતત અસ્થિરતામાં અટવાઇ રહ્યું હોવા છતાં મે સરકાર છૂટાછેડાની કાર્યવાહી આગળ વધારી રહી છે!
દેશ સંક્રાંતિ કાળમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે આમ આદમીમાં એક માગ એવી ઉઠી છે કે (બ્રેક્ઝિટ મુદ્દે) ફરી રેફરન્ડમ યોજો. તે વેળા ખોટો પ્રચાર થયો હતો, અમને ગેરમાર્ગે દોરવાયા હતા. લોકોનો નવેસરથી મત જાણ્યા બાદ જ યુરોપિયન યુનિયન સાથે છૂટાછેડાનો મુદ્દો અમલમાં મૂકવો જોઇએ.
આમ, બ્રેક્ઝિટના પગલે સર્જાનારી સ્થિતિનો ચિતાર મળ્યા બાદ આ મુદ્દે જનમત બદલાઇ રહ્યો છે. કહી શકાય કે દેશના મોટા ભાગના, સ્વતંત્ર વિચારસરણી ધરાવતા નાગરિકો માને છે કે બ્રિટને બ્રેક્ઝિટ મુદ્દે પેટ ચોળીને શૂળ ઉભું કરવાની જરૂર નથી. બ્રિટનને બ્રેક્ઝિટથી જેટલો લાભ થવાની શક્યતા છે તેનાથી અનેકગણો વધુ લાભ યુરોપિયન યુનિયનમાં રહેવાથી થાય તેમ છે. આટલી સામાન્ય વાત આમ આદમીને તો સમજાઇ ગઇ છે, પણ શાસકોને ક્યારે સમજાશે? ઇશ્વર જાણે...
આંતરરાષ્ટ્રીય મંત્રણાઓ કે સમજૂતીમાં સમયમર્યાદા ખૂબ જ અગત્યની હોય છે. છતાં યુરોપિયન યુનિયનમાંથી અલગ થવા માટે બ્રિટિશ સરકારે જે મુસદ્દો મહિનાઓ પહેલાં તૈયાર કરી નાખવાનો હતો તેનું કામ - વધારાની સમયમર્યાદા વીતી જવા છતાં - આજની તારીખે પણ પૂરું થયું નથી. આ સમયમર્યાદા ઓક્ટોબર મહિનાના અંતમાં પૂરી થઇ રહી હતી, પણ થેરેસા મેના કાર્યાલયે માગણી કરી છે કે આ મર્યાદા હજુ બે-ત્રણ સપ્તાહ લંબાવવામાં આવે.
વડા પ્રધાન થેરેસા મે માટે સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે આ મુસદ્દા બાદ કેબિનેટમાં પણ ભારે તડાં પડ્યાં છે. આ મતભેદો જોતાં ટોરી પક્ષનાં કેટલાક સાંસદો જો છેલ્લા પાટલે બેસી જાય અને થેરેસા મેની સામે કેબિનેટમાં જ અવિશ્વાસ દરખાસ્ત આવે તો આ દેશમાં આવતા મહિને જ - નવેમ્બરમાં ચૂંટણીઓ યોજવાની મજબૂરી થાય.
નવેમ્બરમાં અમેરિકામાં પણ મધ્યસત્રી ચૂંટણીઓ યોજાય છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને - ચૂંટણી પરિણામો જાહેર થયા છે ત્યારથી જ - એક આકસ્મિક પ્રમુખ તરીકે નિહાળવામાં આવે છે. ૨૫ વર્ષ અગાઉ પ્રેસિડેન્ટ રિચાર્ડ નિકસન સામે જેમ અઘટિત વ્યવહાર બદલ કાર્યવાહી થતાં તેમને રાજીનામું આપવું પડ્યું હતું તેવા સંજોગો ટ્રમ્પ સામે સર્જાવાના સંકેતો રાજકીય ક્ષિતિજ પર જોઇ શકાય છે. આથી નવેમ્બરમાં સેનેટ અને કોંગ્રેસની ચૂંટણીના પરિણામોની અત્યારથી જ કાગના ડોળે રાહ જોવાઇ રહી છે.
નવેમ્બરમાં ભારતના પાંચ રાજ્યોમાં પણ ખૂબ મહત્ત્વની ચૂંટણીઓ યોજાઇ રહી છે. આ બધા રાજ્યોના પરિણામો આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી પર પણ અસરકર્તા બનશે એમ એક વર્ગનું માનવું છે.
અમેરિકા અને ભારતમાં પ્રવર્તતા રાજકીય માહોલની વાત, વાચક મિત્રો, આપણે આવતા સપ્તાહે કરશું... (ક્રમશઃ)




to the free, weekly Gujarat Samachar email newsletter