વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટનની પ્રજાએ ૨૩ જૂનના રોજ યુરોપિયન યુનિયન (ઇયુ)માં રહેવું કે નહીં કે મુદ્દે ઐતિહાસિક જનમત આપ્યો. ૨૯ યુરોપિયન દેશોના બનેલા સંગઠન સાથેનો ૪૩ વર્ષ જૂનો નાતો નજીકના ભવિષ્યમાં તોડવાનું નક્કી થયું. ઇયુના સભ્ય દેશો, ઇયુની નબળાઇ-સબળાઇ, ‘બ્રેક્ઝિટ’ તરીકે ઓળખાવાતા આ છૂટાછેડાની અસરો સહિતના પાસાંઓની ભૂતકાળમાં આ જ કોલમમાં ચર્ચા કરી ચૂક્યા હોવાથી તેનો ફેર ઉલ્લેખ ટાળી રહ્યો છું. (હા, કોઇ વાચકને આ બધી વાતો ફરી તાજી કરવી હોય તો તેઓ ‘ગુજરાત સમાચાર’ના ૨ જુલાઇ, ૨૦૧૬નો અંક રિફર કરી શકે છે.)
યુરોપિયન દેશોના બનેલા અને એક સમયના આ શક્તિશાળી સંગઠનમાં જર્મની સૌથી મજબૂત અર્થતંત્ર ધરાવતા દેશ તરીકે પહેલા સ્થાને છે, અને બ્રિટન બીજા સ્થાને. યુરોપિયન દેશોમાંથી, સવિશેષ તો અન્ય દેશોમાંથી, બ્રિટનમાં આવતું મૂડીરોકાણ, બ્રિટન દ્વારા વિદેશમાં થતું મૂડીરોકાણ, આયાત-નિકાસ સહિતના અનેકવિધ પરિમાણો પર અર્થતંત્રની સક્રિયતાનો આધાર રહેતો હોય છે. આ વાત માત્ર બ્રિટનને લાગુ પડે છે એવું નથી, વિશ્વના કોઇ પણ દેશના અર્થતંત્રમાં વૈશ્વિક મૂડીરોકાણ, આયાત-નિકાસ, વેપારવણજ સહિતના પાસાંઓ નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે.
આજથી ૧૮-૨૦ વર્ષ પૂર્વેની વાત છે. બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી લડી રહ્યા હતા. પ્રચારયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું હતું તે વેળા એક પ્રશ્ન પૂછાયો હતોઃ મિ. ક્લિન્ટન, જો અમેરિકાની પ્રજાએ તમને પ્રેસિડેન્ટ બનાવ્યા તો દેશની ઉન્નતિ માટે ક્યા મુદ્દા કે મુસદ્દાને પ્રાધાન્ય આપશો? ક્લિન્ટને લાગલો જ જવાબ આપ્યો હતોઃ It's economy, stupid. તેમનું કહેવાનું તાત્પર્ય હતું, અર્થતંત્રની સક્રિયતા જ હોયને...
વાત બ્રિટનને નજરમાં રાખીને આગળ વધારીએ તે પહેલાં ચાણક્યને પણ યાદ કરી જ લઇએ. કૌટિલ્ય અર્થશાસ્ત્રના રચયિતા ચાણક્યે પણ આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે આ જ વાત કરી છે! ધર્મસ્ય મૂલઃ અર્થ સંસ્કૃતિના પાયામાં અર્થતંત્ર રહેલું છે. ૨૩ જૂને, જનતાએ પોતાનો ચુકાદો ફરમાવ્યા બાદ, દેશવિદેશમાં વસતો બહોળો વર્ગ માનતો હતો કે ‘હવે બ્રિટન પતી ગયું..., આગામી દિવસોમાં બ્રિટનના આર્થિક પાયા ડગમગી જવાના તે નક્કી...’ અને વાચક મિત્રો, જેનું અર્થતંત્ર નબળું તેનો પ્રભાવ પણ ઘટવાનો જ તેમાં ક્યાં કંઇ કહેવા જેવું છે? આથી આ લોકો એવું પણ માનવા લાગ્યા હતા કે વૈશ્વિક તખતે બ્રિટનનો પ્રભાવ ઘટશે. પણ શું ખરેખર આવું થયું છે? ના.
અર્થતંત્ર કેટલુંક મજબૂત છે તેની મૂલવણી બે પ્રકારના આંકડાના આધારે થતી હોય છે. એક છે પીપીપીના આંકડા અને બીજા છે જીડીપીના આંકડા. પીપીપી એટલે કે પરચેઝીંગ પાવર પેરિટી. આ આંકડા અનુસાર, વિશ્વમાં સૌથી મોટું આર્થિક રાષ્ટ્ર અમેરિકા છે. તેના પછી બીજા નંબરે ચીન, ત્રીજું ભારત અને ત્યારબાદ જપાન, જર્મની અને અન્ય દેશો આવે. જ્યારે જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં અમેરિકા, પછી ચીન, જપાન, જર્મની અને બ્રિટન અને ત્યારબાદ ભારતનો નંબર આવે છે.
૨૩ જૂન ઇયુ રેફરન્ડમ બાદ ગણતરીના કલાકોમાં ડેવિડ કેમરને વડા પ્રધાન પદેથી રાજીનામાની જાહેરાત કરી. રાજકીય ગતિવિધિઓ તેજ થઇ. અને ગણતરીના દિવસોમાં કેમરનના અનુગામી તરીકે થેરેસા મેએ દેશનું સુકાન સંભાળ્યું. બ્રિટિશ પ્રજા હોંશિયાર તો ખરી જ. આ નાજુક દિવસોમાં - દેશના અર્થતંત્રની કરોડરજ્જૂ સમાન - બેન્ક ઓફ ઈંગ્લેન્ડે શ્રેણીબદ્ધ આવશ્યક પગલાં લીધાં. પરિણામે ઇયુ રેફરન્ડમ બાદ બ્રિટન આર્થિક મોરચે નબળું પડશે તેવી આશંકાથી તદ્દન વિપરિત છેલ્લા ચાર-છ સપ્તાહથી દેશનું અર્થતંત્ર તગડું બનીને ઉભરી રહ્યું છે. બ્રિટનની આ આર્થિક આગેકૂચમાં, દેશના અર્થતંત્રમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા સિટી ઓફ લંડનનું આગવું યોગદાન છે.
બ્રિટનની બેન્કો, ઇન્સ્યુરન્સ કંપનીઓ, ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ વગેરેને સિટી ઓફ લંડનના અવિભાજ્ય અંગસમાન ગણી શકાય. આથી જ બ્રિટનની સંગીન આર્થિક સ્થિતિના પાયામાં સિટી ઓફ લંડન છે. આ વિશે જરા વિગતે, પણ અલગ રીતે વાત કરવાની રજા લઉં છું.
ઇસ્ટ ઇંડિયા કંપનીની સ્થાપના ૧૫મી સદીના અંતિમ ચરણમાં થઇ. આજની તારીખે ટાવર બ્રિજ અને લંડન બ્રિજ વિસ્તારમાં આવેલું આ સ્થળ અત્યારે બેન્ક વિસ્તાર કહેવાય છે. તે સમયે અહીં શિપિંગ એજન્ટ્સ, આયાત-નિકાસકર્તાઓ, આંતરરાષ્ટ્રીય લેવડદેવડ કરનારાઓ વગેરેના વડા મથકો હતા. બ્રિટન માટે કહેવાય છે કે આ દેશની આર્થિક સિદ્ધિઓનો જશ આ દેશમાં ધમધમતી ૨૦૦-૩૦૦ કંપનીઓ કે તેના પ્રતિભાશાળી વડેરાઓના એક એસ્ટાબ્લિશમેન્ટ, વગદાર જૂથને જાય છે. જે પ્રકારે એક સમયે આપણા ગુજરાતમાં નગરશેઠનું વર્ચસ હતું તેના જેવી આ વાત છે. સુરત હોય કે અમદાવાદ, રાજાઓનું રજવાડું હોય કે નવાબ - બાદશાહ અને ઇસ્ટ ઇંડિયા કંપનીએ નગરશેઠની (આર્થિક) તાકાતને ધ્યાનમાં રાખીને તેમની સાથે ઘનિષ્ઠ સંબંધ વિકસાવ્યા એટલું જ નહીં, જાળવ્યા પણ ખરા. લ્યો ને... અમદાવાદના શાંતિલાલ શેઠની જ વાત કરું.
ઔરંગઝેબ અમદાવાદનો સૂબો હતો તે અરસાની વાત છે. તે સમયે ગુજરાતમાં જૈન દેરાસરો, મંદીરોની સુરક્ષાનો પ્રશ્ન હતો. ઔરંગઝેબ ધર્માંધ હતો, તો બીજી તરફ મોગલ બાદશાહ એટલા જ સહિષ્ણુ, દયાળુ અને ન્યાયપ્રિય હતા. દેશની ૯૫ ટકા વસ્તી હિન્દુ સમુદાયની હતી, પણ તેણે એક શાસક તરીકે ક્યારેય લોકોને દુભાવવાની નીતિ અપનાવી નહોતી. ઔરંગઝેબના સૂબાકાળ દરમિયાન જોરજુલમ, અત્યાચારો વધી ગયા, હિન્દુ-જૈન ધર્મસ્થાનો પર એક યા બીજા પ્રકારે આક્રમણ વધવા લાગ્યું, પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ હતી. વાત નગર શેઠના કાને પહોંચી. તેમણે મામલો હાથ પર લીધો. તેમણે સંદેશવાહક સાથે અમદાવાદથી દિલ્હી સાંઢણી દોડાવી. ૭૦૦-૮૦૦ માઇલનું અંતર પવનવેગે કાપીને સાંઢણી દિલ્હી પહોંચી. મોગલ બાદશાહને સંદેશો પહોંચ્યો નથી કે સૂબાને સંયમમાં રહેવાનો આદેશ મળી
ગયો. આ હતી નગર શેઠની તાકાત, સવિશેષ તો શાંતિલાલ શેઠની. અત્યારે અમદાવાદમાં જોવા મળતા હઠીસિંહના દહેરા વગેરે શેઠ શાંતિલાલની જ સ્મૃતિ છે.
ઇસ્ટ ઇંડિયા કંપનીની ૧૫૯૦માં સ્થાપના થઇ તે અરસામાં તેણે પણ સિટી ઓફ લંડનમાં ‘વગદાર નગર શેઠ’ તરીકે સ્થાન જમાવ્યું હતું. તે સમયે મરીમસાલા-તેજાના, રેશમી કાપડ, સોના-ચાંદીના ઝરઝવેરાત, બારિક ભરતગૂંથણ કરેલી ચીજવસ્તુઓ, ધાતુઓ વગેરે જથ્થાબંધ માત્રામાં ભારતથી આવતા હતા. જોકે આ માલસામાન સીધો નહીં, પણ ભૂમધ્ય સમુદ્ર માર્ગે ફ્રાન્સના માર્સેલ્સ બંદરે, ઇટલીના વેનિસ દ્વારા પહોંચતો હતો. અંગ્રેજોને વિચાર આવ્યો કે આ માલ સીધો જ મંગાવવામાં આવે તો માલ જલ્દી પણ પહોંચે અને કમિશન ચૂકવવાની જફા ટળે તો નફો પણ તગડો મળે. તે સમયે ગ્રેટ સિલ્ક રોડ અસ્તિત્વ ધરાવતો હતો. જેના માધ્યમથી ભારતથી રવાના થતો માલસામાન ઇરાન કે બગદાદના માર્ગે થઇને યુરોપ સુધી પહોંચતો હતો. (તે સમયે સુએઝ કેનાલ નહોતી.) જિબ્રાલ્ટર પાસે સમુદ્રી માર્ગ ખૂલ્લો છે, જ્યાં ભૂમધ્ય - એટલાન્ટીક સમુદ્રનો સંગમ થાય છે. આમ ઇસ્ટ ઇંડિયા કંપનીએ આર્થિક લાભમાં વૃદ્ધિ માટે વાયા ફ્રાન્સ - ઇટલી રૂટ ટાળીને પોતાનો નફો પણ વધાર્યો, ને બ્રિટનને સીધો જ માલસામાન મળે તેવી વ્યવસ્થા પણ ગોઠવી.
ખેર, આ તો એક સમયે સિટી ઓફ લંડનમાં પ્રભુત્વ ધરાવતી ઇસ્ટ ઇંડિયા કંપનીના દૂરંદેશીભર્યા આર્થિક આયોજનની વાત થઇ. આપણે આનાથી થોડાંક સૈકા આગળ વધીએ. ૧૯૭૫-૭૬માં બ્રિટનનું અર્થતંત્ર નાજુક તબક્કામાંથી પસાર થઇ રહ્યું હતું. કહેવાય છે કે દેશનું શેરબજાર તો લગભગ તૂટી પડવાના આરે પહોંચી ગયું હતું. આજે પડું કે કાલે પડું તેવી હાલતમાં હતું. આ સમયે બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ડેવિડ મેહ્યુ નામના એક સ્ટોક માર્કેટ ડિલર ઉપરાંત સિટી ઓફ લંડનના કેટલાક બ્રોકર્સનો સંપર્ક સાધ્યો. ડેવિડ મેહ્યુ કેઝેનોવ (Cazenove) નામની શક્તિશાળી મર્ચન્ટ બેન્કના પાર્ટનર હતા. દેશના અર્થતંત્ર પર પ્રભુત્વ ધરાવતા આ ધનાઢયોને બેન્ક ઓફ ઈંગ્લેન્ડે સમજાવ્યું કે તમે ઇન્સ્યોરન્સ કંપનીઓ, દેશની બ્લ્યુચીપ (મોખરાની) કંપનીઓ વગેરેના શેર ખરીદવાનું શરૂ કરો. વાચક મિત્રો, આપ સહુ જાણો જ કે દેશના અર્થતંત્રનું બેરોમીટર ગણાતું શેરબજાર હંમેશા સેન્ટીમેન્ટ પર ચાલતું હોય છે - ભળતામાં ભળે, ઘટતામાં ઘટે. શેરબજારનું મુખ્ય ઈંધણ એટલે નાણાંપ્રવાહ. ઇન્સ્યોરન્સ કંપનીઓ, પેન્શન ફંડ્સ પાસે આવતાં નાણાંનો ભરપૂર પુરવઠો શેરબજાર તરફ વળ્યો. તેમણે શેરબજારમાં ખરીદી શરૂ કરી. મરણપથારીએ પડેલું શેરબજાર સક્રિય થયું. અને તેના પગલે જ અર્થતંત્ર પણ ચેતનવંતુ થઇ ગયું.
૧૯૮૩માં તત્કાલીન વડાં પ્રધાન માર્ગરેટ થેચરે દૂરંદેશીપૂર્ણ અભિગમ અપનાવતા હિંમતભર્યા આર્થિક નિર્ણયો કર્યા. તેમના આ નિર્ણયોએ અર્થતંત્રની શિકલ બદલી નાખી તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. ઇન્સ્યોરન્સ કંપનીઓ, બેન્કો, પેન્શન ફંડ્સ, ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ જેવા આર્થિક સંસ્થાનોમાં વિશ્વસનિયતા વધારવા અને આ ક્ષેત્રોમાં દુનિયાભરમાંથી મૂડીરોકાણ આકર્ષવા બિગ બેંગ નામથી દરખાસ્તો પાર્લામેન્ટમાં રજૂ કરી. ૨૭ ઓક્ટોબર, ૧૯૮૬ના રોજ સંસદે તેના પર મંજૂરીની મહોર મારી અને બ્રિટને આર્થિક ઉન્નતિના પથ પર ડગ માંડ્યા. આ પૂર્વે ૧૯૭૯માં પણ આ ‘આયર્ન લેડી’એ જ - વડા પ્રધાન પદ સંભાળ્યાના બે જ દિવસમાં એક્સચેન્જ કંટ્રોલ હટાવીને, આર્થિક અંકુશો હળવા કરીને દુનિયાભરમાંથી બ્રિટનમાં નાણાં રોકવાનો માર્ગ મોકળો કર્યો હતો. એક સમયે બ્રિટન વિદેશી હૂંડિયામણની તંગી અનુભવતું હતું, પણ મેડમ થેચરના નિર્ણયે દેશની તિજોરીને વિદેશી નાણાથી તરબતર કરી દીધી. સિટી ઓફ લંડન આજે યુરોપિયન યુનિયનના હોલસેલ ફાઇનાન્સિયલ સર્વીસનો ૩૫ ટકા હિસ્સો ધરાવે છે. આપને જાણીને નવાઇ લાગશે કે ઇન્ટરનેશનલ ઇન્સ્યોરન્સ પ્રિમિયમનો ૫૯ ટકા હિસ્સો સિટી ઓફ લંડનમાં હેડ કવાર્ટર ધરાવતી કંપનીઓમાં આવે છે. ૨૦૧૪માં બ્રિટનને ૭૨ બિલિયન પાઉન્ડની આવક માત્ર હોલસેલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેક્ટર થકી જ થઇ હતી!
૨૩ જૂનના રોજ ઇયુ રેફરન્ડ બાદ બેન્ક ઓફ ઇંગ્લેન્ડે જે કંઇ નવા મુસદ્દા, દરખાસ્તો રજૂ કરી તેનાથી છેલ્લા સાત સપ્તાહમાં દેશનું અર્થતંત્ર સંગીન બન્યું છે. શેરબજાર તેમજ વિદેશી ચલણમાં પાઉન્ડની કિંમત વધી છે. વધુ દીર્ઘજીવી અને તંદુરસ્ત બન્યું છે. અને આમાં સિટી ઓફ લંડનનું પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે મહત્ત્વનું યોગદાન છે. સિટી ઓફ લંડનની કેટલીક કંપનીઓથી માંડીને પ્રતિભાઓ આર્થિક ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય નામના ધરાવે છે. અહીં કાર્યરત પ્રુડેન્શિયલ, બાર્કલેઝ, મેકેન્ઝી, બ્લૂમબર્ગ, જર્મન સ્ટોક એક્સચેન્જ જેવા મોટા ગજાની પેઢીઓના ત્રીસેક નામો બ્રિટનના અર્થતંત્રમાં ચાવીરૂપ ભૂમિકા નિભાવી રહ્યા છે. આમાં આપણને - એક ગુજરાતી તરીકે, એક ભારતીય તરીકે - ગૌરવ થાય તેવું એક નામ છે બેરોનેસ શ્રીતિ વડેરાનું. સિટી ઓફ લંડનના ટોચના ૩૦ આર્થિક દિગ્ગજોની યાદીમાં શ્રીતિબહેન ત્રીજા સ્થાને બિરાજે છે. પહેલું નામ છે પ્રુડેન્શિયલના ચેરમેનનું, બીજા સ્થાને છે બાર્કલેઝના ચેરમેન અને ત્રીજા સ્થાને છે સેન્ટાન્ડેર યુકેના ચેરમેન શ્રીતિ વડેરા.
શ્રીતિબહેને ૧૯૮૪માં વોરબર્ગમાં ગ્રેજ્યુએટ ટ્રેઇની તરીકે કારકિર્દી શરૂ કરી. તે જ વર્ષમાં માર્ગરેટ થેચરે દેશના અર્થતંત્રમાં ધરમૂળથી આર્થિક સુધારા આણતી બિગ બેંગ દરખાસ્તો લાગુ કરી હતી. શેરબજારમાં વિદેશી કંપનીઓનું આગમન થઇ રહ્યું હતું. અમેરિકન અને યુરોપિયન મૂડીરોકાણ આવી રહ્યું હતું. બેન્કિંગ ક્ષેત્રનો સિનારિયો બદલાઇ રહ્યો હતો. બિગ બેંગે દેશના આર્થિક ક્ષેત્રનો માહોલ જ બદલી નાખ્યો હતો. આર્થિક ક્ષેત્રે ફૂંકાયેલા પરિવર્તનના આ પવન વચ્ચે શ્રીતિબહેને પ્રગતિની નવી જ કેડી કંડારી. તેમના આર્થિક ક્ષેત્રના આ અનુભવને ધ્યાનમાં રાખીને જ તત્કાલીન વડા પ્રધાન ગોર્ડન બ્રાઉને તેમને પોતાની કેબિનેટમાં સમાવ્યા હતા. સમયના વહેવા સાથે ૨૦૧૪માં તેમણે સેન્ટાન્ડેરનું ચેરમેન પદ સંભાળ્યું.
આવા પ્રતિભાશાળી શ્રીતિબહેન સાથે મારો પહેલો પરિચય થયો પાંત્રીસેક વર્ષ પૂર્વે. શાંતુભાઇ રૂપારેલ અને લોર્ડ ભીખુભાઇ પારેખ સાથે મને પણ નોર્થવુડમાં રહેતા શ્રી વિનોદભાઇ અને શ્રીમતી નીલમબહેન વડેરાની યજમાનગતિ માણવાનો અવસર મળ્યો હતો. શાંતુભાઇ અને લોર્ડ ભીખુભાઇ સાથે મને તેમના ઘરે ભોજન માટે આમંત્રણ હતું. નીલમબહેન પાકશાસ્ત્રમાં પ્રાવિણ્ય ધરાવે છે અને તેમના આ વિષય પરના પુસ્તકો પણ પ્રકાશિત થયા છે. શ્રીતિબહેનના પિતા અને દાદા પૂર્વ આફ્રિકાના યુગાન્ડામાં ૨૦મી સદીના પ્રારંભે ટોચની વેપારી પેઢી તરીકે નામના ધરાવતા હતા. આજે પણ વડેરા પરિવાર યુગાન્ડામાં ટી એસ્ટેટ સહિત અનેક ક્ષેત્રે ધીકતો ધંધો ધરાવે છે. અમારા જમણવાર દરમિયાન પરિવારની બે દીકરીઓમાંની એક શ્રીતિનો અમારી સાથે પરિચય કરાવાયો હતો. આ સમયે શ્રીતિબહેન ભણતા હતા. શ્રીતિબહેનનો જન્મ અને પ્રાથમિક અભ્યાસ યુગાન્ડામાં થયો છે, માધ્યમિક શિક્ષણ ભારતમાં મેળવ્યું છે અને ઉચ્ચ અભ્યાસ લંડનમાં કર્યો છે.
શ્રીતિબહેન સાથે ભીખુભાઇએ અનેક વિષયે ચર્ચા કરી. એક સ્કોલર સામે ટીનેજ સ્ટુડન્ટ, પણ બાહોશ શ્રીતિએ બરાબર ટક્કર ઝીલી હતી. વિનોદભાઇ-નીલમબહેનને ત્યાંથી કારમાં પરત ફરતા ભીખુભાઇએ મારી સાથેની વાતચીતમાં શ્રીતિબહેનની સજ્જતાને બિરદાવતું ‘સર્ટિફિકેટ’ આપતાં કહ્યું હતું, ‘સી.બી., તમે જોજો આ છોકરી બહુ આગળ વધવાની છે...’ વાચક મિત્રો, શ્રીતિબહેન આજે ભીખુભાઇના ‘શબ્દો’થી પણ આગળી નીકળી ગયા હોય તેવું નથી લાગતું?
શ્રીતિબહેનનું ભણતર, કારકિર્દીના કેન્દ્રસ્થાને મોટા ભાગે આર્થિક ક્ષેત્ર જ રહ્યું છે. તેઓ બિનએશિયન સમુદાયમાં વધુ સક્રિય જોવા મળ્યા છે. ગોર્ડન બ્રાઉન સરકાર વેળા તેઓ બિઝનેસ સેક્રેટરી તરીકે કાર્યભાર સંભાળતા હતા. તેમના વિદ્વતાપૂર્ણ અને દૂરંદેશીભર્યા અભિગમનો બ્રિટનને બહુ લાભ મળ્યો છે. ૨૦૦૮માં વિશ્વમાં બેન્કિંગ સેક્ટરને નાણાકીય કટોકટીએ ભરડો લીધો હતો.
અમેરિકાથી શરૂ થયેલી આ કટોકટીના એંધાણ પારખી ગયેલા શ્રીતિબહેને સૌથી પહેલાં કહ્યું હતું કે આ આર્થિક કટોકટીનો સામનો કરવા માટે બેન્કોએ નાણાની કોથળી ખૂલ્લી મૂકવી પડશે. અને એવું જ થયું. આપણે સહુ આ ઘટનાના સાક્ષી છીએ.
આર્થિક નીતિ સંબંધિત બાબતોમાં વૈશ્વિક સ્તરે સક્રિય શ્રીતિબહેનનું શિડ્યુલ એટલું વ્યસ્ત હોય છે કે તેઓ ભાગ્યે જ કોઇ જાહેર કાર્યક્રમમાં હાજરી આપે છે, અને તેમાંય એશિયન કાર્યક્રમમાં તો બિલ્કુલ નહીં. એશિયન કાર્યક્રમમાં તેમની સૌપ્રથમ ઉપસ્થિતિનું સદભાગ્ય સાંપડ્યું છે એબીપીએલ ગ્રૂપને. નવેક વર્ષ પૂર્વે એશિયન એચિવર્સ એવોર્ડસ (AAA) સમારોહમાં ઉપસ્થિત રહીને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું.
વેમ્બલી સ્ટેડિયમના પહેલા માળે આવેલા ગ્રેટ હોલમાં અમે શ્રીતિબહેન અને તેમના શાળાજીવનના બહેનપણી બીના કોટેચા (મિસ્ત્રી) વચ્ચે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજ્યો હતો. વિવિધ ક્ષેત્રના દિગ્ગજ મહાનુભાવો સહિતના હજારેક મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયેલો આ કાર્યક્રમ સહુ કોઇ માટે આજીવન સંભારણું બની રહ્યો છે. શ્રીતિબહેનના ભાઇની વાત કરું તો રૂપિનભાઇ મોટું ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ચલાવે છે, જ્યારે ભાભી શ્રી ચિન્મયાનંદ મિશનમાં ખૂબ સક્રિય છે. મારા હમવયસ્ક વિનોદભાઇ અને નીલમબહેન સમયાંતરે યુગાન્ડા, લંડન અને ભારત અવરજવર કરતા રહે છે અને સૌની સાથે જીવંત સંપર્ક જાળવી રહ્યા છે.
•••
પ્રવીણ ગોરધનઃ પરાક્રમી પરજીયા સોની
માત્ર બ્રિટનમાં જ ગરવા ગુજરાતીના નામના સિક્કા પડી રહ્યા છે એવું નથી, આજે તો ભારત અને પૂર્વ આફ્રિકાના અર્થતંત્રમાં પણ ગુજરાતી છવાયા છે. જેમ બ્રિટનમાં શ્રીતિબહેન વડેરાની બોલબાલા છે તેમ ભારતમાં ડો. ઊર્જિત પટેલના નામની અને પૂર્વ આફ્રિકામાં પ્રવીણ ગોરધનની બોલબાલા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાના ગવર્નરપદે આજે - સોમવારથી ચરોતરના ડો. ઊર્જિત પટેલે કાર્યભાર સંભાળ્યો છે તો દક્ષિણ આફ્રિકાના અર્થતંત્રમાં પ્રવીણ ગોરધન વર્ષોથી છવાયા છે. વાચક મિત્રો, આર્થિક ક્ષેત્રના આ ત્રણેય દિગ્ગજો વચ્ચે (ગુજરાતી હોવા ઉપરાંત) બીજી એક વાતે પણ સામ્યતા છે. જરા વિચારો તો કઇ વાતે તેઓ સમાનતા ધરાવે છે? બહુ માથુ ન ખંજવાળવું હોય તો આગળ વાંચો. આ ત્રણેય આફ્રિકામાં જન્મ્યા.
સાઉથ આફ્રિકાના પ્રમુખપદે બિરાજતા જેકબ ઝુમા આર્થિક ભ્રષ્ટાચાર માટે દુનિયાભરમાં બહુ વગોવાયેલા છે. કોઇ દેશના વડા જેવા સર્વોચ્ચ અને સન્માનીય સ્થાન પર બિરાજતી વ્યક્તિ માટે આવું બોલવું કે લખવું અયોગ્ય હોવા છતાં કડવી સચ્ચાઇ લખવી જ રહી. જેકબ ઝુમા માટે કહેવાય છે કે તેના નામે ભ્રષ્ટાચાર, નાણાકીય ગેરરીતિઓ, મનિ લોન્ડ્રીંગ, ટેક્સ ઇવેઝન (કરચોરી) સહિત આર્થિક અપકૃત્યોના ૭૮૩ કિસ્સા બોલે છે. તેમણે પ્રમુખપદ સંભાળ્યું ત્યારે તેઓ ‘અંતઃકરણપૂર્વક’ ઇચ્છતા હતા કે નાણાં પ્રધાન પદે પ્રવીણ ગોરધન ન હોય તો સારું. તેમણે આવું કર્યું પણ ખરું કેમ કે તેઓ જાણતા હતા કે જો પ્રવીણ ગોરધન આવ્યા તો આર્થિક બાબતોમાં પોતાની જોહુકમી નહીં જ ચાલે. પોતાના બદઇરાદા પાર પડતા રહે તે માટે ઝુમાએ નાણા પ્રધાન પદે ન્હલાન્હલા નેનેને બેસાડ્યા. નેનેએ સાઉથ આફ્રિકાના ખાડે ગયેલા અર્થતંત્રને સુધારવાના બદલે વધુ નબળું પાડ્યું. આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ સાઉથ આફ્રિકાના અર્થતંત્રનું રેટિંગ ઘટાડ્યું. દેશ દેવાના બોજ તળે ડૂબી રહ્યો હતો. બેરોજગારી વધી રહી હતી. ફુગાવાનો દર આસમાનને આંબી રહ્યો હતો. દેશભરમાં દેકારો થઇ ગયો.
સંજોગો નિરંકુશ થઇ રહ્યાનું લાગતાં ઝુમાએ નેનેને બદલવાનું નક્કી કર્યું. આ સમયે પણ ઝુમાએ અંગત સ્વાર્થને જ ધ્યાનમાં રાખ્યો. આવી આર્થિક કટોકટીને નાથવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા પ્રવીણ ગોરધનને નજરઅંદાજ જ કર્યા. નેનેની હકાલપટ્ટી કરીને નાણા પ્રધાન પદે નવાસવા ડેવિડ રુયેનને બેસાડ્યા. આથી તો દેશમાં એટલો બધો વિરોધનો વંટોળ ઉઠ્યો કે ઝુમાને ચાર જ દિવસમાં નિર્ણય બદલવાની ફરજ પડી. રાષ્ટ્રપ્રમુખ ઝુમાએ થૂંકેલું ચાટ્યું, અને છેવટે પ્રવીણ ગોરધનને નાણા પ્રધાન તરીકે કાર્યભાર સોંપ્યો.
પ્રવીણભાઇ ૪ ડિસેમ્બર, ૨૦૧૫થી નાણા પ્રધાન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે, અને અર્થતંત્રને થાળે પાડી રહ્યા છે. ગુજરાતી હિન્દુઓની વસ્તી ૫૦ હજાર હશે, પણ પરજીયા સોની સમાજનો આ ભાયડો આર્થિક નીતિવિષયક બાબતોમાં રાષ્ટ્રપ્રમુખને પણ ગાંઠતો ન હોવાના સમાચાર છે. દેશહિતને નજરમાં રાખીને એક પછી એક નિર્ણય લઇ રહેલા પ્રવીણભાઇ રાષ્ટ્રપ્રમુખ ઝુમાને ભલે આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા હોય, પરંતુ આફ્રિકન પ્રજાની નજરમાં તેઓ સ્ટાર બની ગયા છે. પ્રવીણભાઇ દેશની તિજોરીના તારણહાર બનીને ઉભર્યા છે. આજે રાષ્ટ્રપ્રમુખ હોવા છતાં જેકબ ઝુમાની હાલત સલવાણી માતા ગરબે રમે તેવી થઇ છે. દેશના અર્થતંત્રને ઉગારવા પ્રવીણ ગોરધનને નાણા પ્રધાન તો બનાવી દીધા, પણ આ જ પ્રવીણ ગોરધને ભ્રષ્ટાચારને નાથવા કમર કસી હોવાથી ઝુમા માટે આર્થિક બદઇરાદા પાડવાનું મુશ્કેલ થઇ પડ્યું છે. પરિણામે સાઉથ આફ્રિકન સરકારમાં ભ્રષ્ટાચારીઓ અને પ્રમાણિક લોકો વચ્ચે જાણે આમનેસામને મોરચો મંડાયો છે. પોતાના ‘કહ્યામાં ન રહેલા’ પ્રવીણ ગોરધનને જેલભેગા કરી દેવા ઝુમા જૂથે કારસો પણ રચ્યો, પરંતુ આ સમાચાર વહેતા થતાં જ અર્થતંત્ર પર એવી અવળી અસર પડી છે કે દેશના ચલણનું અવમૂલ્યન થઇ ગયું છે, ને વિકાસ ઠપ્પ થઇ ગયો છે. ભ્રષ્ટાચાર પોષવા માગતું ઝુમા જૂથ ભલે અત્યારે સત્તાના જોરે ધમપછાડા કરતું હોય, પણ વિજય તો હંમેશા સત્યનો જ થતો હોય છે. પ્રમાણિક પદાધિકારી કે અધિકારીને હેરાન કરનારને પ્રજા પાઠ ભણાવતી જ હોય છે. ઝુમાને જો આ વાતમાં ભરોસો ન પડતો હોય તો તેણે પોતે જે રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તે આફ્રિકન નેશનલ કોંગ્રેસના ઘટી રહેલા મતહિસ્સાના આંકડાઓ પર નજર ફેરવી જોઇએ. (ક્રમશઃ)