વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટનમાં હાલ અખબારોમાં તેમજ અન્ય માધ્યમોમાં એક મુદ્દો ચર્ચાના ચોતરે ચઢ્યો છેઃ દેશની કુલ વસ્તીમાં હવે ખ્રિસ્તીઓની બહુમતી રહી નથી ત્યારે બ્રિટનને ખ્રિસ્તી દેશ કહેવો કે નહીં? વિષય નાજુક છે, પરંતુ વાસ્તવિક્તા પણ આ જ છે. છેલ્લા 100 વર્ષથી બ્રિટનને ખ્રિસ્તીધર્મી દેશ ગણાવાતો રહ્યો હોવા છતાં આ દેશમાં અન્ય ધર્મોને પણ પોતાની રીતે માનભેર જીવવાનો અધિકાર પ્રાપ્ત થતો રહ્યો છે. વર્ષોના વીતવા સાથે સંખ્યાબંધ ચર્ચ (પછી તે કેથલિક હોય, પ્રોટેસ્ટંટ હોય કે મેથોડિસ્ટ હોય કે પછી અન્ય કોઇ ફાંટાના હોય) બંધ થઇ રહ્યાં છે અને તેના સ્થાને સુપર માર્કેટ, મસ્જિદ કે મંદિરો આકાર લઇ રહ્યાં છે. ચર્ચની આજની આ દશા માટે એવું કારણ અપાય છે કે વર્ષ પ્રતિ વર્ષ ચર્ચમાં આવતા ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યા ઘટી રહી છે. મતલબ કે ખ્રિસ્તીઓનો ધર્મ પ્રત્યેનો અનુરાગ ઘટી રહ્યો છે. (પણ શું ખરેખર આ સાચું છે?)
આ સંદર્ભે આપણે ખ્રિસ્તી હોવું કે ના હોવું તેના અર્થ સમજવાની જરૂર છે. એક ધર્મપ્રિય ખ્રિસ્તી સન્ડે પ્રેયરમાં નિયમિત હાજરી આપે તે આવશ્યક ગણાતું હોવા છતાં આજે સ્થિતિ એ છે કે બ્રિટનમાં વસતાં ખ્રિસ્તીઓમાંથી 20 ટકા પણ ચર્ચમાં જઇને સન્ડે પ્રેયરમાં જોડાતાં નથી. આમ છતાં... હકીકત એ છે કે એ બધા ઉપર ખ્રિસ્તી ધર્મના મૂલ્યોની, તેની પરંપરાની - આભા છે, પ્રભાવ છે. ખ્રિસ્તીધર્મી ચર્ચમાં નિયમિત જાય કે ના જાય, પણ તેને ધર્મ સાથે નિસ્બત જરૂર છે. ઘણાં હિન્દુઓ - જૈનો કે બૌદ્ધો કે શીખો પણ પોતપોતાના ધર્મસ્થાનમાં નિયમિતપણે જતાં ન હોવા છતાં સંસ્કાર - સંસ્કૃતિ અને ભાવનાથી જે તે ધર્મના હોય છેને !
આજે લોકોનો વિજ્ઞાન તરફ ઝૂકાવ વધ્યો છે, અને વિજ્ઞાન તરફની નજદિકી એક યા બીજા પ્રકારે ધર્મ સાથે અંતર વધારતી હોય છે. આ જ પ્રમાણે કેટલાક લોકો ચોક્કસ ધર્મની જરૂરત સ્વીકારતા નથી. આનો મતલબ એ નથી કે તેઓ નાસ્તિક છે. કેમ કે તેમને કોઇ પરમ તત્વમાં શ્રદ્ધા જરૂર છે. ભારતીય વેદો અનુસાર જોઇએ તો, આ પણ ઉચ્ચ પ્રકારની શ્રદ્ધા જ છેને... ધર્મ એટલે જ શ્રદ્ધા કે આસ્થા. પછી તે કોઇ ઇશ્વરીય તત્વ પ્રત્યે હોય કે દેવીદેવતા સ્વરૂપે હોય કે વિચારસ્વરૂપે હોય. મારો - તમારો ધર્મ અલગ હોય શકે છે, પરંતુ કેન્દ્રબિંદુ તો પરમ તત્વ જ હોય છે. ખરુંને?
મારા મતે ધર્મ બિલકુલ વ્યક્તિગત બાબત છે. મારી નજરે જે ધર્મ છે એ તમારી નજરે અધર્મ હોઇ શકે છે. અને તમારી નજરે જે અધર્મ છે તે મારી નજરે ધર્મ હોઇ શકે છે. ધર્મ એક પાળવાનો વિષય છે, પળાવવાનો વિષય નથી. એ અર્થમાં જોઇએ તો, સૈકાઓ પૂર્વે બ્રિટનનો રાજધર્મ કેથલિક હતો. 15મી સદીથી પ્રોટેસ્ટંટ અહીંનો રાજધર્મ બન્યો છે. ખ્રિસ્તી ધર્મમાં ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને ન્યૂ ટેસ્ટામેન્ટ મુખ્ય ધર્મગ્રંથો છે. મને આ ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ તો નથી, પણ ઉપરછલ્લી માહિતી જરૂર છે. ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં હિંસા અને અન્ય ધર્મો પ્રત્યે ધિક્કાર વિશેષ જોવા મળતો હતો.
જર્મનીમાં પ્રોટેસ્ટંટ રિફોર્મેશન થયું તે પહેલાં ખ્રિસ્તી ધર્મના વિવિધ ફાંટામાં રોમન કેથલિક મુખ્ય ધર્મ હતો. તેનું વડું મથક રોમ હતું અને સર્વોચ્ચ ધર્મગુરુ તરીકે પોપ આગવું સ્થાન અને પ્રભાવ ધરાવતા હતા. ધર્મ બાબતે ઊંડી ચર્ચામાં મારી ચાંચ બહુ ના ડૂબે પણ - મારી જાણકારીના આધારે - એટલું જરૂર કહી શકું કે ઓલ્ડ ટેસ્ટામેન્ટની સરખામણીએ ન્યૂ ટેસ્ટામેન્ટ વધુ શાંતિવાન, દયાવાન દૃષ્ટિવાળું
અને અમુક અંશે બિનખ્રિસ્તીધર્મી પ્રત્યે કંઇક કૂણી લાગણી ધરાવતો ગ્રંથ છે.
દેશ કોઇ પણ હોય, ભારતની જ વાત લો ને. ભારતમાં વસતાં સહુકોઇને પોતીકો ધર્મ પાળવાનો અધિકાર છે. અન્ય ધર્મ પ્રત્યે આક્રમકતા, ધિક્કારપૂર્ણ અભિગમ ના હોય તે જરૂરી છે. ભારતમાં - પ્રવર્તમાન સંજોગોની વાત કરીએ તો - લઘુમતી ધર્મો પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાના દર થોડા દિવસે અખબારોમાં પ્રકાશિત થતા રહે છે. અલબત્ત, આમાંથી મોટા ભાગના અહેવાલ અતિશ્યોક્તિભર્યા કે ખોટા હોવાનું મારું માનવું છે. હા, દલિતો પ્રત્યે કહેવાતા ઉચ્ચ સમાજના લોકો જાતિ કે ધર્મના ધોરણે ભેદભાવભર્યું વલણ અપનાવતા હોવાની વાતમાં તથ્ય જરૂર છે. કમજોર કે નબળા કે પછાત વર્ગના લોકો સાથે આભડછેટ દાખવતા આ લોકોની નબળી માનસકિતા વિશે આપણે દયા ખાવાથી વિશેષ શું કરી શકીએ? આવા કિસ્સામાં તો કાયદાએ અવશ્ય આકરા હાથે કામ લેવું જ જોઇએ તેવું મારું સ્પષ્ટ માનવું છે. સામાજિક જાગૃતિ અને વ્યક્તિગત નીતિમત્તા વધુ આવશ્યક છે.
વાચક મિત્રો, હું મારા અંગત મુસ્લિમ મિત્રો સાથે વાત થાય છે ત્યારે સ્પષ્ટ મત વ્યક્ત કરું છું કે ભારતમાં વસતાં લગભગ બધા મુસ્લિમો એક સમયે હિન્દુ, જૈન કે શીખ હતા. એવા તો બહુ અલ્પ સંખ્યામાં હશે કે જેમણે સ્વૈચ્છિક રીતે ઇસ્લામ અંગિકાર કર્યો હશે. છેલ્લા બે સૈકામાં જેઓ ધર્મ પરિવર્તન કરીને આગાખાની ખોજા બન્યા તેઓ મુખ્યત્વે લોહાણા હતા. માત્રને માત્ર ગરીબીના કારણે કે આર્થિક લાભને ખાતર સંજોગોએ તેમને ધર્મપરિવર્તન માટે ફરજ પાડી હતી એમ કહી શકાય. સુલતાનો, બાદશાહો કે મોગલ સામ્રાજ્ય દરમિયાન હિન્દુઓ સામે ભારે ભેદભાવભર્યું વલણ દાખવવામાં આવતું હતું તેનાથી કોણ અજાણ છે? હૈડિયા વેરો સહિતના પક્ષપાતી વેરા આનું સૌથી વરવું ઉદાહરણ છે.
ઔરંગઝેબ સહિતના મુસ્લિમ આક્રાંતાઓએ વ્યવસ્થિત રીતે હિન્દુ મંદિરોનો નાશ કર્યો એ વાત ઇતિહાસના ચોપડે નોંધાયેલી છે. મુસ્લિમ ધર્મસ્થાનોના પેટાળમાંથી આજે મળતાં અવશેષો પણ આ દિશામાં અંગૂલીનિર્દેશ કરે છે. જોકે આનો મતલબ વેરની વસૂલાત કરવી એવો નથી થતો. અવેરે જ શમે વેર, વેર શમે ના વેરથી... આ ઉક્તિ ખરેખર સહુ કોઇના જીવન માટે મહત્ત્વની છે. પરંતુ જ્યારે જ્યારે કોઇ મસ્જિદના સ્થાને અગાઉ જે હિન્દુ કે બૌદ્ધ ધર્મસ્થાન હતા તેને યથાવત્ કરવા માગ ઉપડે છે ત્યારે મુસ્લિમ બિરાદરી આક્રોશભેર તેનો વિરોધ કરે છે એ પણ ના થવું જોઇએ. આવો વિરોધ કરનારા ‘ધર્મપ્રેમી’ મુસ્લિમ બિરાદરને કદી એવો વિચાર આવે છે ખરો કે જો ત્યાં અગાઉ હિન્દુ મંદિર હતું તો ત્યાં મસ્જિદ બની જ શકે કઇ રીતે? ઇસ્લામ ઉપાસકોના સર્વોચ્ચ ધર્મગ્રંથ કુર્રાનમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે અન્ય કોઇ ધર્મના સ્થાનકને તોડીને તેના સ્થાને મસ્જિદ ના બનાવી શકાય.
ભારતમાં એક સમય એવો પણ આવ્યો હતો કે મુઠ્ઠીભર - પણ કટ્ટરવાદી વિચારસરણી ધરાવતા - મુસ્લિમો માત્રને માત્ર હિન્દુ - જૈન કે બૌદ્ધ ધર્મસ્થાનોને તહસનહસ કરવામાં જ રચ્યાપચ્યા રહેતા હતા. એવો પણ જમાનો હતો કે મુસ્લિમ શાસન દરમિયાન બાહુબળના જોરે અને શાસક ધર્મના પ્રભાવે વિધર્મીઓ પર ભારે જોરજુલમ થતા હતા.
દાયકાઓ પછી આ બધી કડવાશને યાદ કરીને તેનો બદલો લેવો અયોગ્ય છે, ખોટું છે. પરંતુ મુસ્લિમ ધર્મગુરુઓએ, સમુદાયના વડેરાઓએ આ વરવી વાસ્તવિક્તાને સ્વીકારવી રહી. ભૂતકાળમાં જ્યાં જ્યાં ધર્મના નામે હિન્દુ મંદિર કે અન્ય ધર્મના સ્થાનકો તોડવામાં આવ્યા હોય ત્યાં સ્વેચ્છાએ પહેલ કરીને હિન્દુ કે જે ધર્મના સ્થાનકો નષ્ટ કરાયા છે તેમને કહેવું જોઇએ કે તમે તમારું મંદિર કે ધર્મસ્થાન બનાવો... ચાલો આપણે સાથે મળીને નવો ઇતિહાસ રચીએ.
વાચક મિત્રો, આ મુદ્દો એટલો નાજુક છે કે સહેજે સ્પષ્ટતા કરવાનું મન થાય છે કે આ કોઇ એક વર્ગનું સમર્થન નથી કે કોઇ ચોક્કસ વર્ગના વિરોધ કે નિંદાની વાત નથી. સમયની સાથે ચાલવું રહ્યું. ધર્મના નામે સંઘર્ષ ટાળવો જ રહ્યો. બ્રિટનમાં ભલે ખ્રિસ્તી ધર્મનું વર્ચસ હોય, પણ અન્ય ધર્મોનું પણ એટલું જ માનપાન જળવાય છેને? સહુ કોઇ પોતપોતાનો ધર્મ સંભાળે છે. આપણે પણ જૂનાં પોપડાં ઉખાડવાની જરૂર નથી, પણ જે નક્કર સત્ય પુરાવારૂપે નજર સામે ઉભરે છે તેની ઉપેક્ષા કરીને વિખવાદ ઉભો કરવો પણ વાજબી નથી.
બ્રિટન ખ્રિસ્તી દેશ તરીકેની ઓળખ ગુમાવી રહ્યું છે તે મુદ્દે ભલે ભારે ચર્ચા થઇ રહી હોય, પણ હું તો સ્પષ્ટ માનું છું કે આ દેશ ખ્રિસ્તીઓના દેશ તરીકે ઓળખાય છે અને તેની આ જ ઓળખ ચાલુ રહેવી જોઇએ. આધુનિક ખ્રિસ્તી ધર્મમાં જે દયાભાવના, સહિષ્ણુતા, સંવેદનશીલતા, પરોપકારની ભાવના પર્યાવરણ વ. પ્રત્યે જાગૃતતા જોવા મળે છે તે અત્યંત આવકારદાયક છે. વાચક મિત્રો, આપ સહુને માત્ર ત્રણ મહિના પહેલાના જ પ્રસંગની યાદ અપાવું. કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક પ્રસંગે ભવ્યાતિભવ્ય સમારોહ યોજાયો હતો. જેમાં બ્રિટનનો રાજધર્મ ખ્રિસ્તી હોવા છતાં હિન્દુ, જૈન, મુસ્લિમ, શીખ, યહુદી સહિત અન્ય ધર્મોના વડાઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરાયા હતા. સર્વધર્મ સમભાવ... ખ્રિસ્તીધર્મી દેશ હોવા છતાં બ્રિટનની આ જ ઓળખ છે.
મને વિશ્વાસ છે કે ભારત એક હિન્દુ દેશ હોવા છતાં બિનહિન્દુઓ માટે પણ શાંતિથી, સહમતીથી અને માનભેર જીવવા માટે આદર્શ દેશ તરીકે ઉભરી આવશે. જોકે સહુ કોઇએ યાદ રાખવું રહ્યું કે તાળી એક હાથે ન વાગે, બન્ને હાથ જરૂરી છે. અસ્તુ. (ક્રમશઃ)