વડીલો સહિત સહુ વાચક મિત્રો, લંડનના મેયર પદની આગામી ચૂંટણી માટે ગયા શુક્રવારે લેબર પક્ષના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી. વિધિવત્ મતદાન બાદ પાંચ ઉમેદવારોમાંથી શ્રી સાદિક ખાનને લેબર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા. આ એક ઐતિહાસિક ઘટના જ ગણી શકાય. બૃહદ લંડનની વસ્તી લગભગ ૭૦ લાખની ગણાય છે. સામાન્ય રીતે સુધરાઇ હસ્તક જે જવાબદારીઓ હોય તદ્ઉપરાંત પોલીસ, શિક્ષણ, ટ્રાફિક તેમ જ અન્ય મહત્ત્વની કામગીરી લંડનના મેયર હસ્તક હોય છે. કુલ બજેટ આશરે ૧૭ હજાર મિલિયન પાઉન્ડનું હોવાથી આ પદ ખૂબ અગત્યનું ગણાય છે. વળી, મહાનગર લંડન એ બ્રિટનની રાજધાની હોવાથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ લંડનના મેયરનું આગવું મહત્ત્વ હોય છે.
સાદિક ખાન પાકિસ્તાની માતા-પિતા (એક બસચાલક)ના સંતાન છે. સ્વાશ્રયથી સોલિસીટર બન્યા છે. હ્યુમન રાઇટ્સ સંબંધિત બાબતોમાં તેઓ નિષ્ણાત છે. છેલ્લા ૨૦ વર્ષથી તેઓ લેબર પક્ષમાં ખૂબ સક્રિય છે. છાયા પ્રધાનમંડળના સભ્ય તરીકે પણ તેમનું નામ ખૂબ જાણીતું છે.
ખાસ નોંધપાત્ર બાબત તો એ છે કે ઇસ્લામ તેમનો ધર્મ છે, અને તેઓ પાકિસ્તાની પરિવારના સંતાન છે તેમ છતાં યહૂદીઓ પ્રત્યે તેમનું વલણ ખૂબ હકારાત્મક અને સહકારભર્યું રહ્યું છે. તેમની લંડનના મેયર પદના ઉમેદવાર તરીકે પસંદ થઇ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર કમ્યુનિકેશન વિભાગના વડા તરીકે આપણા યુવા અગ્રણી મનોજ લાડવા છે. તદઉપરાંત રાજેશ અગ્રવાલ તથા અન્ય ભારતવંશીઓ સાદિક ખાનના સમર્થકો તરીકે પ્રવૃત્ત છે.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ સાથે તેમનો બહુ જૂનો નાતો રહ્યો છે. તાજેતરમાં બ્રિટનની પાર્લામેન્ટની ચૂંટણી વેળાએ ‘એશિયન વોઇસ’ અને ‘ગુજરાત સમાચાર’એ સિટી શીખ નેટવર્ક અને સિટી હિન્દુ નેટવર્કના સહયોગમાં સિટી ઓફ લંડનના બેન્ક વિસ્તારમાં યોજેલી ચૂંટણી સભામાં લેબર પક્ષ તરફથી સાદિક ખાન અને કન્ઝર્વેટિવ તરફથી સાજીદ જાવેદે પણ ભાગ લીધો હતો.
લેબર નેતા પદે જેરેમી કોર્બીન
શનિવારે લેબર પક્ષના નેતા તરીકે જેરેમી કોર્બીન લગભગ ૬૦ ટકાની તોતીંગ બહુમતી સાથે ચૂંટાયા તે તાજેતરના ઇતિહાસમાં બ્રિટનની એક નોંધપાત્ર ઘટના ગણી શકાય. જેરેમી કોર્બીન ૩૨ વર્ષથી પાર્લામેન્ટમાં ઇઝલીંગ્ટન નોર્થના સાંસદ તરીકે તેઓ સતત ચૂંટાતા રહ્યા છે અને પહેલેથી જ પોતાની ડાબેરી વિચારસરણી તેમ જ લઘુમતીઓ અને માનવ અધિકારોના વિચારો બાબત ખૂબ વિવાદાસ્પદ વલણ માટે સુવિખ્યાત છે. એક સાધનસંપન્ન પરિવારમાં ઉછરેલા જેરેમી કોર્બીન વિદ્યાર્થી કાળથી જ સમાજવાદી વલણ તરફ ઢળતા રહ્યા છે. મૂડીવાદના વિકૃત સ્વરૂપ સામે તેઓ હંમેશા આકરું વલણ અપનાવતા રહ્યા છે.
રાજકારણમાં મૂડીવાદ પ્રત્યે ઝોક ધરાવતી, અમુક અંશે તે મુદ્દે લાગણીશીલ હોય તે વ્યક્તિને ‘જમણેરી’ માનસ ધરાવતી અને તેનાથી વિરુદ્ધ પ્રકૃતિ એટલે કે સમાજવાદી, અછતવાળી જનતા માટે વધુ હમદર્દી અને સંવેદનશીલતા ધરાવતી વ્યક્તિને રાજકારણની દૃષ્ટિએ ‘ડાબેરી’ વલણ ધરાવતી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે.
જેરેમી કોર્બીન સાથે આ લેખકને વર્ષોથી ગાઢો સંપર્ક રહ્યો છે. ૧૯૮૪ બાદ તેઓ કર્મયોગ હાઉસમાં કેટલીય બેઠકોમાં હાજરી આપી ચૂક્યા છે. આપણે લંડનના વિવિધ બરોના ટાઉન હોલમાં યોજેલી સભાઓને તેઓ પોતાની આગવી અને આક્રમક શૈલીમાં ઉદ્બોધન કરી ચૂક્યા છે. તે અરસામાં ‘ગુજરાત સમાચાર’ અને ‘ન્યૂ લાઇફ’ (‘એશિયન વોઇસ’નું પૂરોગામી)એ બ્રિટનના રંગદ્વેષ વિરુદ્ધ, સાઉથ આફ્રિકાની રંગભેદપૂર્ણ નીતિ સામે, વર્ણીય હુમલા વિશે તેમ જ ખાસ કરીને સમાન તકો માટે શ્રેણીબદ્ધ આંદોલનો અને સભાઓ યોજ્યા હતા. સંખ્યાબંધ લોકલ ઓથોરિટી વિશેષાંકો આપણે પ્રસિદ્ધ કર્યા હતા. આ તમામ સમાજપયોગી પ્રવૃત્તિઓમાં જેરેમી કોર્બીને ખૂબ જ સહયોગ આપ્યો હતો. એક અર્થમાં નોર્ધર્ન આર્યર્લેન્ડના રાજકારણના ઉપલક્ષ્યમાં આઇઆરએ પ્રત્યે વધુ સમજદારીપૂર્વકનું વલણ અપનાવવા માટે જાહેર માગ ઉઠાવીને જેરેમી લોકોની આકરી ટીકાનું નિશાન બન્યા હતા. અલબત્ત, આ વિશે તેમનો ખુલાસો સમજદારીપૂર્ણ હોવાનું આ લેખક માનતા આવ્યા છે. એક યા બીજા પ્રકારની સ્વાતંત્ર્ય ઝૂંબેશમાં શાસન સામે પ્રતિકાર કરતાં પરિબળો સાથે પણ વિચારવિનિમય અને સંભવિત સહયોગની ભૂમિકા કરવા માટે સંપર્ક સાધવો અને જાળવવો આવશ્યક હોવાનું અમે માનીએ છીએ.
આ અંકમાં અન્યત્ર જેરેમી કોર્બીન તથા સાદિક ખાન અંગે વિશેષ માહિતી રજૂ થઇ રહી છે. આ નેતાઓની ખૂબીઓ અને ખામીઓ કે વ્યક્તિગત વિશેષતાઓ વિશે પણ બ્રિટિશ સમાચાર માધ્યમોમાં વિસ્તૃત રજૂઆત થઇ રહી છે. અત્રેના મોટાભાગના સમાચાર માધ્યમો (સવિશેષ અખબારો) જેરેમીનો વિરોધ કરતા આવ્યા છે.
મે ૨૦૧૫ની ચૂંટણીમાં લેબર પક્ષના પરાજય બાદ તે વેળાના લેબર નેતા એડ મિલિબેન્ડે તત્કાળ રાજીનામું આપ્યું હતું. આ પછી કાર્યકારી નેતા તરીકે સુશ્રી હેરિયટ હર્મને છેલ્લા પાંચેક મહિના જવાબદારી સંભાળી. પરાજીત પક્ષમાં સામાન્યતઃ સભ્યપદની સંખ્યા ઘટતી હોય છે તે હકીકતને લક્ષમાં લઇને લેબર પક્ષે ઉપરોક્ત બન્ને ચૂંટણી વેળા વ્યક્તિગત પાઉન્ડ ત્રણની એક એવી સ્પેશ્યલ મેમ્બરશીપ સ્કીમ તૈયાર કરી હતી. એમ કહેવાય છે કે લગભગ દોઢ લાખ જેટલા સભ્યો આ પ્રકારે મેમ્બર થયા હતા. આની સાથોસાથ એમ પણ માનવામાં આવે છે કે આ નવા સભ્યોમાંના મોટા ભાગના સભ્યોના મત જેરેમી કોર્બીન અને સાજિદ ખાનને મળ્યા હશે એમ મનાય છે.
એક નાની પણ અંગત વાત જાણવા જેવી છે. જેરેમી કોર્બીનના વર્તમાન (અને ત્રીજા) પત્નીનું નામ લોરા આલ્વારેઝ છે. તેમના પ્રથમ પત્ની જેન ચેપમેન સાથે ચારેક વર્ષના સહજીવન બાદ જેરેમી કોર્બીનનો લગ્નવિચ્છેદ થયો હતો. જેરેમી કોર્બીન વિશેનું જેન નું એક નિવેદન વાંચવા જેવું છેઃ
‘એક વ્યક્તિ તરીકે જેરેમી કોર્બીન બહુ સારા માણસ છે. સિદ્ધાંતનિષ્ઠ છે. પોતે જે માને છે તે જ સ્પષ્ટ બોલે છે. માનવતાવાદી છે અને પોતાના વિચારોમાં અડગ પણ છે. અમારા લગ્નજીવનની વાત કરું તો... જેરેમીને રાજકારણ સિવાય બીજી કોઇ વાતમાં રસ નહોતો. નવરાશની પળોમાં (મારી સાથે) સિનેમા જોવા જવા કે રેસ્ટોરાંમાં લંચ કે ડીનર પર જવાના બદલે સમય મળ્યે તેને લેબર પક્ષના કાર્યાલયે પહોંચી જઇને ફોટોકોપી કરવાના કે પછી અન્ય કોઇ એડમિનિસ્ટ્રેટિવ કામકાજમાં પરોવાઇ જવાનું વધુ ગમતું હતું. છેવટે મેં અલગ થવાનો નિર્ણય કર્યો. જેરેમીને ઉજ્જવળ ભાવિ કારકિર્દી માટે મારી હાર્દિક શુભકામનાઓ...’ આમ જૂઓ તો બહુ સીધુંસાદું જણાતું આ નિવેદન જેરેમી કોર્બીનના કામઢા વ્યક્તિત્વને, જાહેર જીવનની જવાબદારી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.
બુધવારે બ્રિટિશ પાર્લામેન્ટ - હાઉસ ઓફ કોમન્સમાં નિયમ અનુસાર, પ્રાઇમ મિનિસ્ટર્સ ક્વેશ્ચન્સ ટાઇમમાં વડા પ્રધાન ડેવિડ કેમરન સાથેના ‘શાબ્દિક યુદ્ધ’માં જેરેમી કોર્બીન (લેબર) વિરોધ પક્ષના નેતા તરીકે કેવો દેખાવ કરશે તેના પર સમાચાર માધ્યમો અને રાજકારણના નિરીક્ષકોનું ધ્યાન કેન્દ્રીત થયું છે.
ઐચ્છિક મૃત્યુઃ ખરડો રદ
‘આસિસ્ટેડ ડાઇંગ’... ઐચ્છિક મૃત્યુની છૂટ હોવી જોઇએ કે નહીં તે મુદ્દો હવે હાલ પૂરતો અભરાઈ ઉપર ચઢ્યો છે. ગયા શુક્રવારે (૧૧ સપ્ટેમ્બરે) હાઉસ ઓફ કોમન્સમાં ખૂબ અગત્યની ચર્ચા થઇ. આ વિવાદાસ્પદ વિષય ઉપર છેલ્લા ૨૦ વર્ષમાં આટલી ઉત્સુક્તાભરી ચર્ચા અગાઉ ક્યારેય થઇ નથી. જે કોઇ વ્યક્તિ ઐચ્છિક મૃત્યુ વાંચ્છે છે તેને મદદરૂપ થવા માટે કાયદામાં યથાયોગ્ય જોગવાઇ માટેની એક દરખાસ્ત ગૃહમાં રજૂ કરવામાં આવી હતી. દરખાસ્તમાં પુખ્ત વયની કોઇ વ્યક્તિ અસાધ્ય વ્યાધિનો ભોગ બની હોય અને તેનું આયુષ્ય માત્ર છ મહિના જ બચ્યું હોવાનું દાક્તરી નિદાન થયું હોય તો અમુક ધારાધોરણ અનુસાર તેને ઐચ્છિક મૃત્યુ માટે સુવિધા આપવા માટેની ભલામણ કરવામાં આવી હતી. ખાસ નોંધનીય એ છે કે દરખાસ્તમાં જે તે વ્યક્તિનો ઐચ્છિક મૃત્યુને પામવાનો ઇરાદો હોય તો પણ આ માટે બે દાક્તરોની મંજૂરી અને હાઇ કોર્ટના જજની મંજૂરી આવશ્યક બાબત ગણવામાં આવી હતી.
આ પ્રસ્તાવના સમર્થનમાં કે વિરોધમાં ચાર કલાકથી પણ વધુ લાગણીભરી અને અત્યંત માહિતીસભર ચર્ચા થઇ. વિશદ્ ચર્ચા દરમિયાન કેટલાય સાંસદોએ પોતાના પરિવારજનો અને મિત્રોના અમુક અનુભવો પણ ટાંક્યા. છેવટે પ્રસ્તાવની તરફેણમાં ૧૧૮ મત પડ્યા જ્યારે વિરુદ્ધમાં ૩૩૦ મત પડ્યા. મતલબ કે જંગી બહુમતીથી પ્રસ્તાવ ઉડી ગયો.
વિરોધ કરતાં સાંસદોની મુખ્ય દલીલ એ હતી કે આવો કાયદો પસાર કરવામાં આવશે તો (સ્વજનોના કથિત બદઇરાદાનો) સહેલાઇથી ભોગ બની શકે તેવા દર્દીઓ પર જાનનું જોખમ વધી જશે. પોતાના સ્વજનના મૃત્યુમાંથી અંગત સ્વાર્થ સાધવા તત્પર વ્યક્તિ કે પરિવારને તો મોકળો માર્ગ મળી જશે. ઐચ્છિક મૃત્યુ વિરુદ્ધ ઝૂંબેશ ચલાવનારાઓએ તો આ નિર્ણયને વધાવતા એવી લાગણી વ્યક્ત કરી કે એક ‘ભયજનક’ કાયદો પસાર થતો અટકી ગયો. જ્યારે સૂચિત પ્રસ્તાવના સમર્થકોએ એવો બળાપો ઠાલવ્યો કે આપણા સાંસદો જાહેરજીવનની વાસ્તવિક્તાથી અજાણ હોય તેમ જણાય છે.
આ તકે સહુ માનવંતા વાચકોને કેટલીક બાબત ખાસ નોંધવા મારી વિનતી છે. જન્મ અને મરણ એ સહજ અને સ્વાભાવિક હોવા છતાં કુદરતી ‘મૃત્યુ’ વધુ યોગ્ય ગણાય છે. અસાધ્ય રોગ કે આરોગ્યની હાલત કથળી રહી હોય તો અથવા ખાસ કરીને જે તે વ્યક્તિ મહદ્ અંશે સુધબૂધ, સાનભાન ગુમાવી દે છે ત્યારે ઐચ્છિક મૃત્યુની સવલતનો દુરુપયોગ થવાનું જોખમ વધી જાય છે.
આ દેશમાં આ નાજુક પ્રશ્ન વિશેના કાયદાઓ ખૂબ સ્પષ્ટ છે. સર્વાંગી રીતે જોઇએ તો તે પણ વાજબી છે, અને આરોગ્ય સેવા તેમ જ ન્યાયતંત્ર ખૂબ જાગ્રત હોવાથી બિનજરૂરી ચિંતા કરવાનું કોઇ કારણ જણાતું નથી.
વડા પ્રધાન મોદીને ઉષ્માપૂર્ણ આવકાર આપવા બ્રિટિશ ભારતીય સમાજ પ્રતિબદ્ધ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ સપ્ટેમ્બરે અમેરિકાના પ્રવાસે જઇ રહ્યા છે. ત્યાંના પાટીદાર સમાજના એક વર્તુળે એવું નિવેદન કરીને વિવાદ સર્જ્યો છે કે તે વેળાએ વડા પ્રધાન મોદીનો વિરોધ કરવો. રવિવારે આ બાબતનો લંડનમાં યોજાયેલી જાહેર મીટિંગમાં પણ ઉલ્લેખ થયો. ભારત-બ્રિટનના ઐતિહાસિક અને ઉભય પક્ષને લાભદાયી ગાઢ સંબંધો વધુ બળવત્તર બને તે માટે બ્રિટિશ વડા પ્રધાન અને ભારત સરકાર ખૂબ જ આતુર છે. શુક્રવારે બ્રિટનના બિઝનેસ કેબિનેટ મિનિસ્ટર સાજિદ જાવેદ નવી દિલ્હી પહોંચ્યા હતા.
આ બાબતનો ઉલ્લેખ કરીને ઉપરોક્ત જાહેર મીટિંગમાં પૂછવામાં આવ્યું કે આપણે બ્રિટિશ ગુજરાતીઓ-ભારતીયોએ વડા પ્રધાનના બ્રિટન પ્રવાસ વેળા કેવું વલણ લેવું જોઇએ? સહુએ જણાવ્યું કે ૨૫-૨૬ ઓગસ્ટના રોજ અમદાવાદ અને ગુજરાતમાં બનેલા બનાવોના ઉપલક્ષ્યમાં જોઇએ તો ગુજરાત અને ખાસ કરીને પાટીદાર કોમ માટે નીચાજોણું થયું છે. વળી, ભારત સરકારના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અત્રે આવે ત્યારે તેમનું સ્વાગત આપણે ખૂબ ઉષ્માપૂર્ણ રીતે કરવું જ જોઇએ.
બેઠકમાં આ અંગેનો ઠરાવ સર્વાનુમતે મંજૂર થઇ ગયા બાદ એક-બે મિત્રોએ સૈદ્ધાંતિક રીતે આ મુદ્દા સામે વિરોધ નોંધાવ્યો હતો. તેના પ્રતિસાદમાં કેટલાક સભ્યોએ મક્કમ રીતે જણાવ્યું હતું કે ભારત-બ્રિટનના સંબંધોને નજરમાં રાખીને, સવિશેષ આપણા સમાજની શાખ માટે આ ઠરાવમાં (અન્ય મહત્ત્વના મુદ્દાઓની સાથે) આઠમા ક્રમે આ મુદ્દો પણ સમાવવામાં આવ્યો છે તે એકદમ સુસંગત છે.
સરસ્વતી સન્માન
કર્મયોગ ફાઉન્ડેશન દ્વારા તાજેતરની ‘A’ લેવલની પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓ માટે કોઇ પણ જાતના ભેદભાવ વિના રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત થઇ છે. આ અંગેની વધુ વિગતો માટે જૂઓ પાન ૪. આપણા સમાજના તેજસ્વી તારલાઓના કાને આ વાત પહોંચાડવા યોગ્ય કરશો તેવી અપેક્ષા છે. (ક્રમશઃ)