બ્રેક્ઝિટ સમસ્યાઃ બ્રિટન માટે આજ અને આવતીકાલનો જટિલ પ્રશ્ન

સી. બી. પટેલ Tuesday 27th November 2018 13:37 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટિશ રાજકારણ અત્યારે અત્યંત નાજુક તબક્કે આવીને ઉભું છે. રવિવારે વડા પ્રધાન થેરેસા મેએ એક નિવેદનમાં ઘોષણા કરી છે કે તેમની સરકારે ‘બ્રેક્ઝિટ’ મુદ્દે યુરોપિયન યુનિયન (ઇયુ) સાથે મળીને બન્ને પક્ષને સ્વીકૃત મુસદ્દો તૈયાર કર્યો છે અને યુરોપિયન યુનિયનના ૨૭ દેશોએ તેને અનુમોદન આપ્યું છે.
લાંબા સમયથી બ્રેક્ઝિટ મુદ્દે ચાલી રહેલી વાટાઘાટો આખરે આ તબક્કે પહોંચી તે સારું જ છે... પરંતુ આગળ શું? થેરેસા મેએ અત્યારે જાણે પૂરજોશથી તેમની સરકારને યુરોપિયન યુનિયન સાથેના છૂટાછેડા બાબત જ કામે લગાડી હોય તેમ લાગે છે. હવે આગામી દિવસોમાં તેઓ બ્રિટનનો પ્રવાસ કરવાના છે, જેથી ‘બ્રેક્ઝિટ’ વિશેના તેમની સરકારના દૃષ્ટિકોણથી લોકોને માહિતગાર કરી શકાય, તેમનો ટેકો મેળવી શકાય.
મેડમ થેરેસા મેએ દેશના વેપારી મહામંડળોને, ઉદ્યોગપતિઓને, બૌદ્ધિક વર્ગને તેમજ આમ જનતાને અપીલ કરી છે કે સરકારે બે વર્ષની જહેમતના પરિણામે જે સમાધાનકારક પ્રસ્તાવ જાહેર કર્યો છે તે બ્રિટનની આજ અને આવતીકાલ માટે શ્રેષ્ઠ છે. ડિસેમ્બરની ૧૨મી તારીખ આસપાસ થેરેસા મે સરકારના આ પ્રસ્તાવને બ્રિટનની પાર્લામેન્ટમાં ચર્ચાની એરણે મૂકવામાં આવશે.
પરંતુ સરકારની અપેક્ષા મુજબ જો પાર્લામેન્ટ તેને મંજૂરી નહીં કરે તો પછી શું?
૩૦ માર્ચ ૨૦૧૯ના રોજ બ્રિટનના યુરોપિયન યુનિયન સાથે છૂટાછેડા થવાનું નક્કી છે. તેમાં મીનમેખ થઇ શકે તેમ નથી તેવી સ્પષ્ટ ઘોષણા યુરોપિયન યુનિયનના મોવડીઓએ કરી દીધી છે.
રાજકારણમાં કેટલીક વખત એકબીજાનું માન જાળવવા શબ્દોની જાળ પણ રચવામાં આવતી હોય છે. યુરોપિયન યુનિયનના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે થેરેસા મે સરકારે બ્રિટનના હિતમાં શ્રેષ્ઠ પ્રસ્તાવ રજૂ કર્યો છે તો સાથોસાથ યુરોપિયન યુનિયનના અન્ય ૨૭ દેશોના હિતોને પણ તેમાં સમતોલ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
થેરેસા મે સરકારે અને યુરોપિયન યુનિયને રજૂ કરેલા પ્રસ્તાવને બ્રિટિશ પાર્લામેન્ટની મંજૂરી મળી જશે તો જગ જીત્યા એમ કહી શકાય, પણ જો મંજૂરી ના મળી તો? યુરોપિયન યુનિયનના મોવડીઓ દ્વારા બ્રિટનને સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે કે આ સમાધાન આખરી અને એકમાત્ર કહી શકાય તેવો શ્રેષ્ઠ વિકલ્પ છે. બ્રિટનના ભવ્ય ભૂતકાળને જોતાં તેમજ અત્યારના બ્રિટનની આર્થિક તેમજ અન્ય પ્રકારની યોગ્યતાને લક્ષમાં લેતાં યુરોપિયન યુનિયનના બધા જ દેશો સ્પષ્ટ સમજે છે કે યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના છૂટા પડવા અંગે ૨૦૧૬માં રેફરન્ડમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોય તો તે નિર્ણયનો અમલ કરવાની સરકારની ફરજ પણ બને છે, અને મજબૂરી પણ છે.
ખરેખર આ સમસ્યા અતિ વિકટ છે. વર્તમાન અને ભવિષ્યમાં બ્રિટનના દરેક નાગરિકને અને જીવનના દરેક તબક્કાને યુરોપિયન યુનિયન સાથેના છૂટાછેડાનો પ્રશ્ન અસરકર્તા નીવડશે તેમાં બેમત નથી. ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ના અભ્યાસ અનુસાર, બ્રેક્ઝિટ એટલે કે યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના છૂટા પડવાના કારણે દેશમાં માથાદીઠ ૧૧૦૦ પાઉન્ડની ખાધ ઉભી થશે. દેશની કુલ વસ્તીનો આંકડો સાડા છ કરોડને આંબે છે તે જોતાં આ રકમ જંગી બની રહેશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.
આ ઉપરાંત બ્રિટનને છૂટાછેડા લેવા માટે યુરોપિયન યુનિયનને ૨૯ બિલિયન પાઉન્ડની તોતિંગ રકમ ચૂકવવી પડશે. સાથોસાથ દર વર્ષે અમુક નિશ્ચિત રકમ - યુરોપિયન યુનિયનની બહાર રહીને - વેપારી સંબંધો હેમખેમ જાળવી રાખવા માટે ચૂકવવી પડશે. અલબત્ત, આ આંકડો ૨૯ બિલિયન પાઉન્ડ કરતાં ઘણો ઓછો હશે.
આ અને આવા કેટલાય મુદ્દે બે વર્ષથી બ્રિટિશ સરકાર અને યુરોપિયન યુનિયનની નેતાગીરી વચ્ચે ચર્ચાવિચારણાનો દોર ચાલી રહ્યો છે. મંત્રણામાં બે મુદ્દા કેન્દ્રસ્થાને હતાઃ એક તો વિથડ્રોઅલ એગ્રીમેન્ટ. સાદા શબ્દોમાં કહીએ તો છૂટાછેડાનો સમજૂતી કરાર. જ્યારે બીજો મુદ્દો હતો - છૂટાછેડા પછી બ્રિટન યુરોપિયન યુનિયનના દેશો સાથે આર્થિક તથા અન્ય પ્રકારના સહયોગની ભૂમિકા કઇ રીતે નિભાવશે તેનો છે.
સંક્ષિપ્તમાં જોઇએ તો બ્રિટન વેપાર ઉપર નભતું રાષ્ટ્ર છે. આધુનિક વિશ્વમાં દરેક દેશ જીવનજરૂરી ચીજવસ્તુઓ અને સેવાની આયાત પણ કરે છે, અને તે જ પ્રમાણે નિકાસ પણ કરે છે. એક અંદાજ અનુસાર, કોઇ પણ રાષ્ટ્રના અર્થતંત્રમાં ૨૨થી ૫૫ ટકા નિકાસનો ફાળો હોય છે. અને યુરોપિયન યુનિયન સાથે જોડાયેલા દેશોમાં બ્રિટનની નિકાસ લગભગ ૫૦ ટકાની આસપાસ થાય છે. અલબત્ત, યુરોપના દેશો પણ બ્રિટનમાં એટલી જ નિકાસ કરતા હોય છે. અત્યારે બ્રિટન યુરોપિયન યુનિયનનું સભ્ય હોવાથી આ આયાત-નિકાસ ઉપર કોઇ પણ જાતની ડ્યુટી (જકાત) લાગતી હોતી નથી અને હોય તો પણ નહીંવત્ હોય છે.
હવે જો બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી નીકળી જાય તો ઇયુ દેશોમાં નિકાસ થતાં બ્રિટિશ માલસામાન પર ૧૦થી ૩૫ ટકા સુધી ડ્યુટી લાગુ પડે તેમ છે. આ જ પ્રમાણે યુરોપિયન દેશોમાંથી બ્રિટનમાં આયાત થતા માલસામાન પર પણ જકાતનો બોજ વધશે.
આ ઉપરાંત બીજો અગત્યનો પ્રશ્ન દેશની સરહદ અંગે છે. બ્રિટન એ ચાર રાષ્ટ્રનો બનેલો દેશ છે - ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડ. આ ચારેય દેશોની વસ્તીના આંકડા જોઇએ તો, ઈંગ્લેન્ડમાં ૫ કરોડ, સ્કોટલેન્ડમાં ૯૦ લાખ, વેલ્સમાં ૨૦ લાખ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ૧૫ લાખ લોકો વસે છે. રેફરન્ડમ વેળા સ્કોટલેન્ડના મતદારોએ યુરોપિયન યુનિયન સાથે રહેવાની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે ઈંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડના લોકોએ - પાતળી બહુમતીથી - યુરોપિયન યુનિયનમાંથી છૂટા પડવાની તરફેણમાં મતદાન કર્યું હતું. આમ, બ્રેક્ઝિટ મુદ્દે એક જ રાષ્ટ્રસમૂહના ચાર એકમમાં એકમતિનો સૂર ઉભરતો નથી.
બ્રેક્ઝિટથી મોટામાં મોટી અસર અને તકલીફ નોર્ધર્ન આયર્લેન્ડ અને આઇરિશ રિપબ્લિક (આયર્લેન્ડ)ને થાય તેમ છે. યુરોપિયન યુનિયનમાં હોવાથી આયર્લેન્ડનો ઘણો વિકાસ થયો છે અને આથી જ આઇરિશ પ્રજા યુરોપિયન યુનિયન માટે સમર્પિત છે. જ્યારે નોર્ધર્ન આયર્લેન્ડમાં મુખ્યત્વે ધર્મના ધોરણે બે ભાગલા જોવા મળે છે. આ દેશમાં લગભગ ૬૦ ટકા પ્રજા પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી છે જ્યારે ૪૦ ટકા કેથોલિક છે. નોર્ધર્ન આયર્લેન્ડનો કેથોલિક સમુદાય દાયકાઓથી - કહો કે ૧૦૦ કરતાં વધુ વર્ષોથી - આયર્લેન્ડ સાથે જોડાવા માટે થનગની રહ્યો છે. બીજી તરફ, પ્રોટેસ્ટંટ સમુદાયના ખ્રિસ્તીઓ આયર્લેન્ડ સાથે કોઇ પણ પ્રકારનું - પછી તે ધાર્મિક હોય, રાજકીય હોય કે આર્થિક - જોડાણ ઇચ્છતા નથી.
હવે યુરોપિયન યુનિયન અને બ્રિટન માટે માથાના દુખાવારૂપ સમસ્યા એ છે જો આઇરિશ ટાપુનો એક હિસ્સો યુરોપિયન યુનિયન સાથે હોય અને બીજા હિસ્સાને યુરોપિયન યુનિયન સાથે રહેવાનું નાપસંદ કરતો હોય તો સરહદે આયાત-નિકાસ પર નિયંત્રણ ન રહે. અલબત્ત, આ બાબતમાં માત્ર યુરોપિયન યુનિયનના કારણે સમસ્યા છે એવું પણ નથી.
થેરેસા મે સરકારે ૨૦૧૭માં અચાનક દેશના માથે મધ્યસત્ર ચૂંટણી થોપી દીધી. આ સમયે કન્ઝર્વેટિવ પાર્ટી હાઉસ ઓફ કોમન્સમાં પાતળી બહુમતી ધરાવતી હતી, પરંતુ થેરેસા મેને આટલી બહુમતીથી સંતોષ નહોતો. તેઓ માનતા હતા કે જો ચૂંટણી યોજાય તો કન્ઝર્વેટિવ પાર્ટી વધુ બેઠકો જીતીને હાઉસ ઓફ કોમન્સમાં વધુ સંગીન બહુમતી હાંસલ કરી શકે તેમ છે. જોકે આ આત્મવિશ્વાસ મેને ભારે પડ્યો. થેરેસા મે માટે આ ચૂંટણીમાં લેને ગઇ પૂત (પુત્ર), ખો આઇ ખસમ (પતિ) જેવો તાલ થયો. તેમનો ચૂંટણીનો દાવ ઉંધો પડ્યો. હાઉસ ઓફ કોમન્સમાં પાતળી બહુમતી હતી તે પણ ગુમાવી અને પક્ષ લઘુમતીમાં આવી ગયો.
આજે તાલ એવો છે કે હાઉસ ઓફ કોમન્સમાં કન્ઝર્વેટિવ પાર્ટીને સ્પષ્ટ બહુમતીમાં ૧૨ બેઠકોની ઘટ પડે છે. સત્તાના સૂત્રો ફરી હાંસલ કરવા તેમણે હાઉસ ઓફ કોમન્સમાં ૧૩ સંસદ સભ્યો ધરાવતી નોર્ધન આયર્લેન્ડની યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (યુડીપી) સાથે જોડાણ કર્યું છે. આ યુડીપી તેના કેથોલિક વિરોધી વલણ માટે જાણીતી છે. અને તે કોઇ પણ સંજોગોમાં આઇરિશ રિપબ્લિકને અલગ રાખવામાં માને છે. આમ મે સરકાર અત્યારે હાઉસ ઓફ કોમન્સમાં યુડીપીના ૧૩ સંસદ સભ્યોના ટેકે બહુમતી ધરાવે છે. આ સંજોગોમાં થેરેસા મે માટે આ ટાપુની સરહદના મુદ્દે યુરોપિયન યુનિયન સાથે છૂટાછેડા લેવાનું અત્યંત પડકારજનક છે.
આ અને આવા બીજા મુદ્દાઓ અંગે આપણે આગામી સપ્તાહોમાં વિગતવાર ચર્ચા કરીશું. હાલ તો હું આ જટિલ સમસ્યાને બીજી રીતે રજૂ કરવાનું યોગ્ય માનું છું.
યુરોપિયન યુનિયનનું બીજ રોપાયું ૧૯૫૭માં, યુરોપના ૬ દેશોને સાંકળતા કસ્ટમ્સ યુનિયનની સ્થાપના સાથે. પ્રારંભે તેમાં જર્મની, ફ્રાન્સ, ઇટલી, હોલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ જોડાયા. કાળક્રમે, જોતજોતામાં આ દેશોએ નક્કર આર્થિક પ્રગતિ હાંસલ કરી. આર્થિક સહયોગને સાંપડેલી સફળતાથી પ્રેરાઇને આ કસ્ટમ્સ યુનિયનનું કાર્યફલક વિસ્તારવામાં આવ્યું અને જન્મ થયો યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટી (ઇઇસી)નો. વ્યાપ વધ્યો, વેપાર-વણજનો વિસ્તાર વધ્યો. ઇઇસીની પ્રગતિ નિહાળીને યુરોપના અન્ય દેશોએ પણ તેમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી. અને ફરી એક વખત સંગઠન વિસ્તર્યું અને બન્યું યુરોપિયન યુનિયન.
આમ યુરોપિયન યુનિયનનો પાયો ૧૯૫૭માં રોપાયો હતો. આ સમયે છએ દેશોએ બ્રિટનને પણ તેમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ તે વખતે બ્રિટને અકડું વલણ અપનાવ્યું. તેણે સંગઠનમાં જોડાવાનો નનૈયો ભણી દીધો. જોકે સમય વહેતો ગયો અને ઇઇસી આર્થિક મોરચે સફળતાના શીખરો આંબવા લાગી. ૧૯૭૦માં તેનો પ્રભાવ એટલો વધ્યો કે બ્રિટન પણ તેમાં જોડાવા તત્પર થઇ ગયું.
તે વેળાની બ્રિટિશ સરકારે ઇઇસીમાં જોડાવા માટે દરખાસ્ત મોકલી. સંગઠનના અન્ય સભ્ય દેશોએ તો બ્રિટનનું માન જાળવીને ચોખ્ખીચટ ના પાડવાનું ટાળ્યું, પણ ફ્રાન્સના તત્કાલીન પ્રમુખ ચાર્લ્સ દ ગોલે ખુલ્લેઆમ બ્રિટનને પરખાવ્યું કે અમે તમને સ્થાપના વેળા જ આમંત્રણ આપ્યું હતું, પરંતુ તમે નકાર ભણીને ટણી દેખાડી હતી. હવે અમને તમારી જરૂર નથી. બ્રિટન મોં વકાસીને જોતું જ રહી ગયું.
બીજી તરફ, આર્થિક સહયોગના કારણે ઇઇસીના સભ્ય દેશોના અર્થતંત્ર તો મજબૂત થઇ જ રહ્યા હતા. સાથોસાથ તેમનો આંતરરાષ્ટ્રીય તખતે પણ પ્રભાવ વધી રહ્યો હતો. બ્રિટનને લાગ્યું કે હવે કોઇ મારગ કાઢ્યા વગર છૂટકો નથી. આથી તેણે અમેરિકાની મદદ માગી અને છેવટે તેની મધ્યસ્થી થકી ૧૯૭૩માં બ્રિટનને ઇઇસીનું સભ્યપદ સાંપડ્યું.
જોકે આટલી મહેનતે ઇઇસીનું સભ્યપદ મળ્યું હોવા છતાં પણ તે વેળા કન્ઝર્વેટિવ પાર્ટીમાં પંદરેક ટકા સંસદ સભ્યો એવા હતા કે જેઓ અલગ બ્રિટનનું સમર્થન કરતા હતા. તેઓ નહોતા ઇચ્છતા કે બ્રિટન ઇઇસીમાં જોડાય. આ પણ હકીકત છે કે કન્ઝર્વેટિવ પાર્ટીનો ૧૫-૨૦ ટકા વર્ગ આજે પણ એવા ભ્રમમાં રાચે છે કે બ્રિટન મહાસત્તા છે અને તેને કોઇ સંગઠનમાં જોડાવાની જરૂર નથી. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ તેણે જીત્યા છે. બ્રિટન કોઇ પણ સંગઠનમાં જોડાયા વગર જ વિશ્વમાં આગવું અને અગત્યનું સ્થાન ટકાવી રાખવા સક્ષમ છે. તે એકલપંડે પ્રગતિના પંથે હરણફાળ ભરવા શક્તિમાન છે.
જોકે આ નેતાઓ આજે પણ ભૂતકાળમાં જીવતા હોય તેવું લાગે છે. તેઓ ભૂલે છે કે બ્રિટન મહાસત્તા જેવો દબદબો ધરાવતું હતું તે દિવસો હવે ગયા. એ સમયે તેની વૈશ્વિક તાકાતમાં બ્રિટિશ કોલોનીનું મહત્ત્વનું પ્રદાન હતું. બીજા વિશ્વયુદ્ધ બાદ, ૧૯૪૫ પછી આજે તે બ્રિટિશ કોલોનીઓ ગુમાવી ચૂક્યું છે. તેનો આંતરરાષ્ટ્રીય પ્રભાવ તે સમય જેવો નથી રહ્યો. બ્રિટને તેની ૬.૫ કરોડની પ્રજાના સહારે જ પ્રગતિના પંથે આગેકૂચ કરવાની છે.
કન્ઝર્વેટિવ પાર્ટીને આજે પણ આવું જ અલ્પસંખ્યક, લઘુમતી જૂથ નડતરરૂપ બની રહ્યું છે. આ જૂથ તત્કાલીન વડા પ્રધાન એડવર્ડ હીથ માટે પણ માથાના દુઃખાવારૂપ બન્યું હતું, ડેવિડ કેમરન માટે પણ આ વર્ગે મોંકાણ સર્જી હતી, અને થેરેસા મેને પણ આ જ જૂથના લોકો કનડી રહ્યા છે.
વાચક મિત્રો, આપણે બ્રિટન અને યુરોપિયન યુનિયનના છૂટાછેડાને જરા અલગ ઉદાહરણ સાથે સમજીએ. આજથી ૭૫ વર્ષ પૂર્વે એક યુવક અને એક યુવતી એકમેકના પરિચયમાં આવ્યા. પ્રભાવિત થયા. અન્યોન્ય પ્રત્યે આદર અને સદભાવ વધતાં યુવતીએ પેલા પુરુષને સહજીવનનો આરંભ કરવા ઉષ્માપૂર્ણ સંકેત આપ્યો. યુવાન જરા તોરીલો હતો. યુવતીના સંકેતે તેના એ ભ્રમને વધુ મજબૂત બનાવ્યો કે હું હેન્ડસમ છું. વધુ સાધનસંપન્ન છું. ઉચ્ચ શિક્ષિત છું. વધુ યોગ્યતા અને લાયકાત ધરાવું છું. આથી જ આ યુવતી મને પ્રપોઝ કરી રહી છે. જોકે તે ભલે મને પસંદ કરે, પણ મારા જેવા સર્વગુણ સંપન્ન યુવાન માટે આ યુવતી યોગ્ય પસંદ નથી.
વર્ષો વીત્યા. સમયના વહેણને કોણ રોકી શક્યું છે? ઘડિયાળના કાંટા ફરતા રહ્યા, કેલેન્ડરમાં વર્ષો બદલાતા રહ્યા. યુવતી કાચબા ગતિએ પ્રગતિના પંથે કરતી હતી. જ્યારે યુવક તેની પ્રગતિ ધીમી પડી હોવા છતાં - પેલી વાર્તામાંના સસલાની જેમ - હજુ પણ અહંમાં રાચતો હતો.
યુવતીની સાતત્યપૂર્ણ પ્રગતિ નિહાળીને યુવકના સગાંસ્વજનોએ તેને યુવક સાથે સહજીવનનો પ્રારંભ કરવા માટે આમંત્રણ મોકલ્યું. યુવકે ભૂતકાળમાં આપેલા જાકારાનો યુવતીના મનમાં ખટકો તો હતો, પણ સ્વજનોની સમજાવટથી આખરે તે યુવતી આ યુવક સાથે જીવનભર સાથ નિભાવવાના કોલ સાથે સહજીવનનો આરંભ કરવા તૈયાર થઇ. આ બધું બન્યું ૧૯૭૩માં.
વાચક મિત્રો, આપને ખ્યાલ આવી જ ગયો હશે કે યુવક એટલે આપણું બ્રિટન અને યુવતી એટલે યુરોપિયન યુનિયન. બન્નેના છેડાછેડી તો બંધાઇ ગયા, પણ જેમ કૌટુંબિક જીવનમાં ક્યારેક ક્યારેક વિલન જોવા મળી જાય છે તેમ આ કિસ્સામાં પણ બન્યું.
૧૯૭૫માં ટોરી પક્ષના એક નાનકડા પરંતુ શક્તિશાળી જૂથે બ્રિટનના યુરોપિયન યુનિયનમાં જોડાવા સામે વિરોધનો સૂર ઉઠાવ્યો. વિરોધ ઉગ્ર બનતાં ૧૯૭૫માં જનમત લેવામાં આવ્યો. બહુમતી બ્રિટિશ પ્રજાએ યુરોપિયન યુનિયનમાં રહેવાની તરફેણ કરી. અને બ્રિટને યુરોપિયન યુનિયન સાથેનું જોડાણ ચાલુ જ રાખ્યું. આ દરમિયાન આયાત-નિકાસ, વેપારઉદ્યોગ, સંરક્ષણ ક્ષેત્રે બ્રિટનને ઊડીને આંખે વળગે તેવો ઘણો લાભ થયો.
બ્રિટને દરેક તબક્કે સિદ્ધિના નવા શીખરો સર કર્યા, પરંતુ ‘વિલન’ જેવા એક વાંકદેખા જૂથને બ્રિટન-ઇયુ જોડાણમાં વાંધાવચકા જ દેખાતા હતા. તેઓ તો એવું જ માનતા હતા કે બ્રિટન શક્તિશાળી છે, તેને પ્રગતિ માટે ઇયુના સંગાથની કોઇ જરૂર નથી. આ વાંકદેખા જૂથે લોકોની એવી કાનભંભેરણી કરી કે કુટુંબીજનો (બ્રિટિશ પ્રજાજનો) પણ એમ જ માનતા થઇ ગયા કે ખરેખર આવું જ લાગે છે. બ્રિટન એકલપંડે જ આગળ વધી શકે તેમ છે. તેને આગેકૂચ માટે કોઇની મદદથી જરૂર નથી. લોકોમાં અસંતોષ, ફરિયાદ વધતાં ગયા. આખરે યુવક અને યુવતીએ વિચાર્યું કે આ રોજરોજની કચકચ કરતાં તો સારું છે કે અલગ જ થઇએ. આપણે છૂટાછેડા જ લઇ લઇએ એટલે વાત પતે.
વાચક મિત્રો, સહજીવનમાં પ્રવર્તતી સમસ્યાનું સમાધાન કંઇ છૂટાછેડા તો નથી જને? વ્યાવસાયિક ભાગીદારી હોય કે લગ્નજીવન - ભેગા થવાનું જેટલું સરળ હોય છે તેટલું જ અલગ પડવાનું તકલીફદાયક. જ્યારે કોઇ પણ યુગલ છૂટું પડે છે ત્યારે અનેક બાબત પર વિપરિત અસર થતી હોય છે.
પહેલી વાત તો અકસ્યામતની વહેંચણીની આવે છે. રોકડ અને ઝરઝવેરાતથી માંડીને સ્થાવર મિલકત અને મૂડીરોકાણ, ડિપોઝીટ વગેરેના ભાગલા પડે છે. પરિણામે લાંબા ગાળાનું આર્થિક આયોજન ખોરવાઇ જાય છે. બન્ને પાત્રની આર્થિક પ્રગતિ અટકી પડે છે.
આ પછી વાત આવે છે સંતાનના ભવિષ્યની. પહેલો સવાલ તો એ આવીને ઉભો રહે છે કે સંતાન કોની સાથે રહેશે. પતિ-પત્ની તો તેમના પોતાના મતભેદોના કારણે છૂટા પડતા હોય છે પરંતુ તેના સંતાનને તો વગર વાંકગુનાએ આ છૂટાછેડાની પીડા ભોગવવી પડે છે. આમાં પણ જો સંતાન પુખ્ત ન હોય તો તેના માનસ પર બહુ નકારાત્મક અને નુકસાનકારક અસર થાય છે.
આ પછી સવાલ ઉદ્ભવે છે દંપતીના એકમેકના સગાંવ્હાલાં સાથેના સંબંધોનો. વર્ષોના સહજીવન દરમિયાન સ્વાભાવિક જ બન્ને પાત્રોનો એકમેકના સગાંસ્વજનો સાથે સંપર્ક અને નાતો ઘનિષ્ઠ બન્યા હોય છે. વિખૂટા પડી રહેલા દંપતીનો સંબંધ જેટલો જૂનો એટલી આ સમસ્યા વધુ જટિલ. આવા સંબંધોને કઇ રીતે નિભાવવા તે મુદ્દો બન્ને પાત્ર માટે મૂંઝવણરૂપ બની રહે છે.
કંઇક આવો જ મુદ્દો છે સામાજિક સંપર્કોનો. યુગલ વર્ષો સુધી એકબીજા પાર્ટીમાં મોજમજા કરતું, મેળાવડાઓમાં મહાલતું જોવા મળતું હોય અને તે છૂટું પડી જાય તો સમાજમાં તેની પ્રતિભા, પ્રતિષ્ઠાને ઘસારો લાગવાનો જ.
અને છૂટા પડ્યા પછીય શાંતિ જ શાંતિ છે એવું પણ નથી. સમયના વહેવા સાથે, એક યા બીજા કારણસર વ્યક્તિ નવા સંબંધ વિકસાવવાની જ. અને આ સંબંધ પણ સો ટચના સોના જેવા સાબિત થશે એની તો કોઇ ગેરંટી નથી જને? આ નવા સંબંધો બાંધવા, જાળવવા, સાચવવા, સંગીન રાખવા એટલી જ મહેનત કરવાની છે, જેટલી ભૂતકાળમાં કરવી પડી હતી. અરે વધુ સાચવવું પડે....
વાચક મિત્રો, આ તો એક દંપતીના વિખૂટા પડવાની, છૂટાછેડાની વાત કરી. વિખૂટા પડવાના નિર્ણય સાથે કેટલા જટિલ મુદ્દા સંકળાયેલા છે. જ્યારે ‘બ્રેક્ઝિટ’ના નામે થઇ રહેલા બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચેના છૂટાછેડા તો એક રાષ્ટ્ર અને એક આંતરરારાષ્ટ્રીય સંગઠન વચ્ચેના છે. સ્વાભાવિક છે કે વિખૂટા પડવાની પ્રક્રિયા સરળ કે આસાન નથી જ નથી. આ મુદ્દો આજે પણ જટિલ કોયડા જેવો બની રહ્યો છે અને આવતીકાલે પણ તે આજના જેટલો જ જટિલ અને માથાના દુઃખાવારૂપ બની રહેવાનો છે તેમાં બેમત નથી. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter