વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ લેખમાળામાં ત્રણ લોકતંત્રો - ભારત, બ્રિટન અને અમેરિકાની અગ્નિપરીક્ષા વિશે વિચારવિમર્શ કરી રહ્યા છીએ. ભારત અને બ્રિટન વિશે વાંચીને વાચકોના પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો છે, તેને આવકાર મળ્યો છે તે માટે અમો આભારી છીએ. આના મૂળમાં વાચકોની સમજણ અને જાગરૂકતા રહેલા હોવાનું મારું સ્પષ્ટ માનવું છે.
રાજકારણ દેશનું હોય કે વિશ્વનું, તેનું કોઇ એક મુદ્દા આધારિત મૂલ્યાંકન ક્યારેય થઇ શકે નહીં. તેની સાથે એક નહીં, અનેક પાસાંઓ સંકળાયેલા હોય છે. રાષ્ટ્રીયની સાથે સાથે જ આંતરરાષ્ટ્રીય પાસાં અને પરિબળો પણ એટલા જ અસરકર્તા હોય છે. આથી જ કોઇ પણ દેશના રાજકીય માહોલ વિશે જાણવા-સમજવા માટે સર્વગ્રાહી પાસાંઓની અમૂક જાણકારી હોવી જરૂરી છે. જ્યારે આવું બને છે ત્યારે જ આપણી સમક્ષ કંઇક અંશે સ્પષ્ટ રાજકીય ચિત્ર ઉપજતું હોય છે.
આપ સહુએ ગયા ગુરુવારે આપણા માનનીય વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યુએસ સેનેટ + કોંગ્રેસના સંયુક્ત સત્રને કરેલું સંબોધન સાંભળ્યું હશે, તે વિશે જાણ્યું હશે. 20 તારીખે તેઓ અમેરિકા પહોંચ્યા. 21 તારીખે ન્યૂ યોર્કમાં યુનાઇટેડ નેશન્સના વડા મથકે 180 દેશોના પ્રતિનિધિઓ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા. અને બીજા દિવસે પાટનગર વોશિંગ્ટન પહોંચ્યા. તેમણે જે પ્રકારે અમેરિકન સરકાર, તેના મોવડીઓ, વેપારઉદ્યોગ ક્ષેત્રના માંધાતાઓ સાથે મનોમંથન કર્યું, વિચારોની આપ-લે કરી, કંઇક મેળવવા પ્રયત્ન કર્યો, અને સહજપણે કંઇક અપાઇ ગયું તે આપણે સહુએ જોયું.
નરેન્દ્રભાઇનું ગુરુવારનું પ્રવચન નોંધપાત્ર જ નહીં, ઐતિહાસિક રહ્યું એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. તેમણે બહુ સારી ભાષામાં, અને તબક્કાવાર રાજકારણ, વૈશ્વિક પ્રવાહો અને જનજીવન સાથે જોડાયેલા પાસાંઓની છણાવટ કરી. મોદીસાહેબે એક તબક્કે મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ - જુનિયરના જીવનકવનને પણ ટાંક્યું.
એક વર્ગે આ તબક્કે અમેરિકાના ભૂંડા અને કલંકિત ઇતિહાસ સામે આંગળી ચિંધામણ પણ કર્યું હશે. અને આપણે પણ આગળ ઉપર આનો ઉલ્લેખ કરવાના છીએ. પણ પહેલાં વાત નરેન્દ્રથી નરેન્દ્રની...
1893માં શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં એક ભગવાધારી યુવાન નામે વિવેકાનંદે તેના સંબોધનના આરંભે જ સમગ્ર અમેરિકાનું દિલ જીતી લીધું. અને (પૂર્વાશ્રમમાં નરેન્દ્ર નામ ધરાવતો) આ અજાણ્યો સાધુ અમેરિકાભરમાં ઘરેઘરે જાણીતો થઇ ગયો. સ્વામી વિવેકાનંદે તેમના સંબોધનમાં, વિશ્વભરના વિવિધ ધર્મના પ્રતિનિધિઓ સમક્ષ ભારતના વેદિક અને આધ્યાત્મિક દર્શનની જે પ્રભાવક ઝલક રજૂ કરી તેનાથી અમેરિકામાં ભારતની ઓળખ બદલાઇ. અમેરિકન પ્રજામાં ભારત પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો.
2023માં, વોશિંગ્ટનમાં અમેરિકી સંસદના સંયુક્ત સત્રને નરેન્દ્ર નામધારી ભારતીય વડા પ્રધાને સંબોધન કર્યું, અને વિશ્વસ્તરે ભારતની છબિ વધુ મજબૂત બનીને ઉભરી. નરેન્દ્ર મોદીએ અમેરિકી સંસદને કરેલું સંબોધન આપણા દેશ માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે તેવું શક્તિસભર હતું તેનો કોણ ઇન્કાર કરી શકશે? (બીજી તરફ, આ જ અરસામાં, 23 તારીખે બિહારના પાટનગર પટણામાં સંખ્યાબળમાં વીસેક પક્ષોનું, પણ ખાસ પ્રભાવ ન ધરાવતા વિપક્ષનું મહાગઠબંધન અધિવેશન મળ્યું. આ અંગેનો અહેવાલ પણ આપને આ જ અંકમાં અન્યત્ર વાંચવા મળશે.)
ખેર, ચાલો આપણે યુએસએ - યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા પર ધ્યાન કેન્દ્રીત કરીએ. આજનું અમેરિકા છેલ્લા 100 વર્ષથી એક મહાસત્તા તરીકે ઉભરેલું છે અને લગભગ 60 વર્ષથી સર્વમાન્ય અને એકમાત્ર મહાસત્તા તરીકે તેનો પ્રભાવ જોઇ શકીએ છીએ. જેમ આપણા બ્રિટનમાં અમુક વર્ગમાંથી સમયાંતરે અવાજ ઉઠતો રહે છે કે ‘આપણી લોકશાહી મુઠ્ઠીઊંચેરી છે...’, ‘આપણા લોકતાંત્રિક મૂલ્યોની તોલે અન્ય કોઇ દેશ ના આવે...’ આ જ રીતે અમેરિકામાં પણ પત્રકારો, રાજકારણીઓ, લેખકોનો એક વર્ગ એવા ખયાલોમાં રાચતો રહ્યો છે કે લોકશાહી, માનવતા, સમાનતા આદિ મૂલ્યોનું જતન-સંવર્ધન કરવામાં અમેરિકાની તોલે કોઇ દેશ ના આવે. વાચક મિત્રો, આ નર્યો ભ્રમ છે. સહુ કોઇ ખયાલોની દુનિયામાં જીવતું હોય છે. દરેકને ‘પોતપોતાનું સત્ય’ હોય છે, પરંતુ આખરે તો જે તથ્ય હોય છે તે જ સત્ય હોય છે.
આજના અમેરિકાના મંડાણ 1499માં થયા એમ કહી શકાય. કોલંબસ નામનો એક ખલાસી ઇંડિયા શોધવા નીકળ્યો. માર્ગ ભૂલ્યો, અને અમેરિકા ખંડ મળ્યો. આજે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા ઉત્તર અમેરિકામાં હતો. તે વેળા આ પ્રદેશમાં રેડ ઇંડિયનની વસ્તી લાખોની સંખ્યામાં હતી. યોજનાબદ્ધ રીતે તે બધાનો ખાત્મો કરી નાંખવામાં આવ્યો. એક અંદાજ પ્રમાણે આજે યુએસએમાં 77 ટકા પ્રજા વ્હાઇટ છે અને માત્ર 1.2 ટકા મૂળ અમેરિકન બચ્યા છે! મૂળ અમેરિકન એવા આ રેડ ઇંડિયન્સને એક સમયે તેમની જ માલિકીના અમેરિકા (અને કેનેડાના) અમુક રિઝર્વ એરિયામાં વસાવવામાં આવ્યા છે. દાવો તો એવો થઇ રહ્યો છે કે નષ્ટપ્રાય થઇ રહેલી આ જાતિના સાંસ્કૃતિક વારસાનું જતન થઇ રહે તે માટે આવું કરાયું છે. સાચું-ખોટું જિસસ ક્રાઇસ્ટ જાણે...
આજે તો અમેરિકા પર સફેદ ચામડીવાળાઓનો કબજો છે. આ સફેદ ચામડીના બદલાતા રંગ અંગે પણ જાણવા જેવું છે. આ લોકો જન્મે છે ત્યારે સફેદ નહીં, ભૂરા હોય છે. વયસ્ક થાય છે ત્યારે ગોરા હોય છે અને ગુસ્સો આવે છે ત્યારે ચહેરો લાલ થઇ જાય છે. ક્ષોભ - શરમ - સંકોચ હોય છે ત્યારે પણ તેમની ચામડીનો રંગ બદલાય છે. જ્યારે આપણી ત્વચાનો વાન શરૂથી અંત સુધી ઘઉંવર્ણો (બ્રાઉન) જ રહે છે, હા આ વાન ઘેરો, આછો કે મધ્યમ જરૂર હોય શકે છે.
મૂળ વાતનો તંતુ સાધીએ તો... 16મી સદીમાં યુરોપથી વ્યવસ્થિત સ્થળાંતર શરૂ થયું. તેમાં અન્ય પરિબળો ભળ્યા, અને આજનું અમેરિકા ફૂલ્યુંફાલ્યું. સાચું કહીએ તો અમેરિકાની આ સિદ્ધિ-સમૃદ્ધિને કાળી પ્રજાએ - અશ્વેતોએ પોતાના પરસેવાથી સીંચી છે. પશ્ચિમ આફ્રિકાથી લાખો લોકોને ગુલામ તરીકે ઉઠાવી લાવવામાં આવ્યા, અને તેમને નોર્થ અમેરિકામાં ઠાલવવામાં આવ્યા. તેમના પર ભારે જોર-જુલમ થયા, યાતના ગુજારવામાં આવી. અશ્વેતોનું ભયંકર શોષણ થયું. આ તો ગોરી ચામડીને... હંમેશા પોતાને બીજાથી મુઠ્ઠીઊંચેરા માનનારી પ્રજા.
જોકે સમય બધા સાથે ન્યાય કરતો હોય છે, અને જોર-જુલમ-સિતમનો ક્યારેકને ક્યારેક તો અંત આવતો જ હોય છે. ગુલામીની જંજીરમાં કેદ અશ્વેતો પર વીતેલી વિતક પર અનેક પુસ્તકો પણ લખાયા છે, અને આ પીડાદાયક મુદ્દે હોલિવૂડમાં ફિલ્મો પણ બની ચૂકી છે. આધુનિક અમેરિકામાં અશ્વેતોની ગુલામીની જંજીર તો તૂટી છે, પરંતુ તમામ સ્તરે પૂરતી સમાનતાથી તો આજે પણ વંચિત જ છે એ વરવી વાસ્તવિક્તા છે. આથી જ અમેરિકાના મોઢે એશિયા કે આફ્રિકી દેશોને માનવતાના મૂલ્યોના જતન માટે ઉપદેશ આપવાનું શોભતું નથી. તેમના શબ્દો કેટલા ખોખલા છે અને તેઓ કેવો જુલમ ગુજારીને આજના સ્થાને પહોંચ્યા એ તેઓ ખુદ જાણે છે.
પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ અમેરિકાએ લશ્કરી સજ્જતા અને આધુનિક ટેક્નોલોજીની મદદ વડે આધુનિક વિશ્વમાં મોખરાનો દરજ્જો મેળવ્યો. અમેરિકામાં 250 વર્ષથી લોકતંત્ર છે, પણ પદ્ધતિ અલગ છે. 50 સ્વતંત્ર રાજ્યો અને તેમને એકસૂત્રે બાંધતી ફેડરલ ગવર્ન્મેન્ટ. દેશમાં ચૂંટણી પદ્ધતિ પણ અલગ પ્રકારની છે. એટલી હદે અલગ પ્રકારની કે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા અંતિમવાદી વિચારસરણી ધરાવતા લોકો પણ - માત્ર નાણાંના જોરે - સત્તા હાંસલ કરી શકે. દેશમાં બે મુખ્ય પક્ષ - રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી. કોઇ મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ મહેનત કરે, તેની વિચારસરણી થકી પ્રજાનો વિશ્વાસ જીતીને તેમનો ટેકો મેળવી શકે તો પ્રેસિડેન્ટ પણ બની શકે... અને જો સત્તા સાચવી ના શકે તો બદનામી વહોરવાનો પણ સમય આવે.
હંમેશા વિવાદાસ્પદ રહેલા ડોનાલ્ડભાઇનું જ ઉદાહરણ જોઇએ. તાજેતરના મહિનાઓમાં જ તેમની સામે કેવા અને કેટલા કેસ થયા છે. તેમની સામે બળાત્કારનો કેસ છે, ટેક્સ ફ્રોડનો કેસ છે, અને દેશના શાસનનું કેન્દ્રબિંદુ ગણાતા કેપિટોલ હિલ પર હુમલો કરવાનું ષડયંત્ર રચવાનો પણ કેસ થયો છે. આવો ખરડાયેલો ઇતિહાસ છતાં આ માણસ ફરી પ્રેસિડેન્ટની ચૂંટણી લડવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. એટલું જ નહીં, વાચક મિત્રો, આપ માનો કે ના માનો પરંતુ જનમત સર્વેક્ષણના તારણ અનુસાર તેને અમેરિકાની 53 ટકા પ્રજાનું સાથ-સમર્થન છે. આને કહેવાય યથા રાજા, તથા પ્રજા. ડોનાલ્ડ ટ્રમ્પને ટેકો આપનારી 53 ટકા પ્રજાનું કલેવર કેવું ગણવું એ તમે જ વિચારજો...
અમેરિકાનો સાચો વૈશ્વિક પ્રભાવ 1945 પછી વધતો જોઇ શકાય છે. બીજા વિશ્વ યુદ્ધ વેળા ફ્રેન્કલીન રુઝવેલ્ટે અમેરિકાનું નેતૃત્વ સંભાળ્યું. તેમનું વલણ ઉદારવાદી, પણ બહુ પ્રભાવક હતું. ‘એફડીઆર’ના નામે જાણીતા રુઝવેલ્ટે સરાજાહેર કહ્યું હતું કે બ્રિટને ભારતને ગુલામીની જંજીરમાંથી મુક્ત કરવું જ જોઇએ. પોલિયોની અસરના કારણે શારીરિક અક્ષમ એવા રુઝવેલ્ટ વ્હીલચેરમાં બેઠાં બેઠાં પણ અસરકારક વહીવટ કરતા હતા. તેમની પાસે અભ્યાસ હતો, અને દૃષ્ટિકોણ હતો. ભૂતકાળને જાણતા-સમજતા હતા અને ભવિષ્યને પારખવામાં પાવરધા હતા. તેમના પ્રયાસોથી જ યુનાઇટેડ નેશન્સ રચાયું હતું.
તે ગાળામાં એટલે કે વિશ્વ યુદ્ધના છેલ્લા તબક્કામાં અમેરિકા - બ્રિટન અને રશિયાની શિખર પરિષદ યોજાઇ. રુઝવેલ્ટ - વિન્સેન્ટ ચર્ચિલ અને જોસેફ સ્ટાલિને સાથે મળીને દુનિયાના એક નવા નકશાને આકાર આપ્યો, જેના પરિણામે સમગ્ર વિશ્વ પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત થઇ ગયું. યુનાઇટેડ નેશન્સની સ્થાપના વેળા ભારત સ્વતંત્ર નહોતું છતાં રુઝવેલ્ટ અને અમેરિકાના આગ્રહથી ભારતને અમુક અંશે તેમાં મહત્ત્વ અપાયું હતું. આ જ ગાળામાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ), વર્લ્ડ બેન્ક સહિતના વૈશ્વિક સંસ્થાનોમાં એક યા બીજા પ્રકારે ભારતને સ્થાન અપાયું હતું.
ફ્રેન્કલિન રુઝવેલ્ટ પછી હેરી ટ્રુમેને અમેરિકાની શાસનધુરા સંભાળી. પણ ટ્રુમેન રુઝવેલ્ટ નહોતા. 1950ના અરસામાં સિનારિયો બદલાયો. ડ્વાઇટ ડી. આઇઝનહોવરે અમેરિકાનું પ્રમુખપદ સંભાળ્યું. આ અરસામાં રશિયા સાથેનું વિચારયુદ્ધ આક્રમક બની રહ્યું હતું. તો બીજી તરફ, પાકિસ્તાન અમેરિકાનું બગલબચ્ચું બનવા તલપાપડ હતું.
બદલાતા વૈશ્વિક રાજકીય પ્રવાહો વચ્ચે ભારતે જલકમલવત્ રહેવાનો અભિગમ અપનાવ્યો હતો. ભારત બિનજોડાણવાદી અભિગમ (નોન-એલાઇન્ટમેન્ટ મૂવમેન્ટ)ના મૂડમાં હતું. જવાહરલાલ નેહરુ ઉપરાંત જોસેફ ટીટો (યુગોસ્લાવિયા) - ગમાલ અબ્દેલ નાસીર (ઇજિપ્ત) - સૂકર્ણો (ઇન્ડોનેશિયા) સહિતના નેતાઓ બિનજોડાણવાદની વાતો કરતા હતા.
1971માં બાંગ્લાદેશ યુદ્ધ વખતે પાકિસ્તાનને જીતાડવા અને ભારતને હરાવવા માટે અમેરિકાએ કમર કસી હતી. જોકે ઇન્દિરા ગાંધીની વિચક્ષણતા અને રાજકીય કૂનેહ કામ કરી ગઇ. રશિયા સાથેની મિત્રતા ભારતને ફળી. 1970ની સંરક્ષણ અને મિત્રતાની સંધિ ફળી. ઇતિહાસ બદલાયો, અને ભૂગોળ પણ બદલાઇ. પાકિસ્તાનમાંથી પૂર્વ ટુકડો છૂટો પડ્યો અને બાંગ્લાદેશનો જન્મ થયો. વૈશ્વિક પટલ પર નવો આકાર રચાયો.
‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ના ૨૨ જૂનના અંકમાં એડવર્ડ લૂઇસનો એક લેખ પ્રકાશિત થયો છે. આ લેખમાં તેમણે બહુ જ ‘રસપ્રદ’ (!) રજૂઆત કરી છે કે...
‘અમેરિકા છેલ્લા કેટલાક સમયથી ભારત સાથે, અને તેમાં પણ ખાસ કરીને નરેન્દ્ર મોદી સાથે વિશેષ તાલમેળ વધારે રહ્યો છે. આના મૂળમાં નરેન્દ્ર મોદીની રાજદ્વારી કૂનેહ - રાજકીય વિચક્ષણતા કે તેમની વિચારસરણી નથી, પરંતુ ભારતનું ભૌગોલિક સ્થાન છે. ચીનને નિયંત્રણમાં રાખવા માટે અમેરિકા ભારત સાથેનો નાતો મજબૂત બનાવી રહ્યો છે. ભારતની 2700 માઇલ લાંબી સરહદ ચીન સાથે જોડાયેલી છે, અને લાંબા સમયથી ત્યાં તણાવ પ્રવર્તે છે. ચીનના અક્કડ અભિગમથી ભારત નારાજ છે. એટલું જ નહીં, ચીને વૈશ્વિક તખતે પણ વિસ્તારવાદી નીતિ અપનાવી છે. (મારું મારા બાપનું ને તારામાંથી મારો ભાગ જેવા) ચીનના આક્રમક અભિગમથી મોટા ભાગના દેશો પરેશાન છે. આથી અમેરિકા અને તેના મિત્ર રાષ્ટ્રો ભારત સાથેનો સંબંધ વધુ ઘનિષ્ઠ બનાવવા પ્રયત્નશીલ છે. બાકી ભારતમાં મીડિયાને દબાવવામાં આવે છે, અને સુપ્રીમ કોર્ટ પણ સરકારના નિયંત્રણમાં છે. ભારતમાં આવો માહોલ હોવા છતાં અમેરિકા તેને નજરઅંદાજ કરી રહ્યું છે...’
વાચક મિત્રો, જરા સ્પષ્ટતા કરી દઉં કે એડવર્ડ લૂઇસના આ તરંગી તુક્કા જેવા વિચારો કે રજૂઆત સાથે માત્ર હું જ નહીં, બીજા લોકોય ભાગ્યે જ સંમત હશે. આજની ભારત સરકાર, મોદી સરકાર જૂના મૂલ્યોને સ્થાપવા માટે આતુર જરૂર છે, પણ બીજા કોઇ ધર્મ કે જાતિ પ્રત્યે લગારેય પક્ષપાત કે અન્યાય થયાનું જણાતું નથી.
અમેરિકામાં ગયા ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને આપણા માનનીય વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સંબોધ્યું અને તેમના વિચારોને જે પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે તે જ દર્શાવે છે કે માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ લોકોને તેમના વાણી-વર્તન-વિચારસરણીમાં કંઇક તથ્ય જણાય છે - કંઇક સ્વીકારવા યોગ્ય જણાય છે. 60 મિનિટના સંબોધનમાં 14 વખત સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું છે... થોડામાં ઘણું સમજી લેજો. જ્યારે કોઇ નેતા દરિયાપારના દેશમાં જઇને ત્યાંની સંસદને સંબોધે છે, પોતાના વિચારો રજૂ કરે છે ત્યારે તેના વાણી - વર્તન - વ્યવહારનું પાણી મપાઇ જતું હોય છે.
મોદીસાહેબે અમેરિકા પ્રવાસ દરમિયાન એક કરતાં વધુ વખત સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ લડવાનો અને તેમાં વિજય મેળવવાનો સમય હવે વીતી ગયો છે. આજનો યુગ વાટાઘાટો (નેગોશિએશન્સ) અને રાજદ્વારી કૂનેહ (ડિપ્લોમસી)નો છે. નરેન્દ્રભાઇ મોદીને વૈશ્વિક સ્તરે તેમના વિચારો સાકાર કરવામાં બે સબળ સાથીદારોનો સાથ મળી રહ્યો છે. આમાંથી એક છે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત દોવલ અને બીજા છે, વિદેશ પ્રધાન એસ. જયશંકર. આ નેતાઓનું લોજિક, સાતત્યપૂર્ણ વિચારસરણી વિશ્વતખતે ભારતની છાપ નિખારી રહ્યું છે. આ જ કારણ છે કે ભારત વર્ષોજૂના રશિયા સાથે પણ મજબૂત મિત્રતા ધરાવે છે અને એક સમયે (બાંગ્લાદેશ યુદ્ધ વેળા) ભારત સામે મોરચો માંડનાર અમેરિકા સાથેના સંબંધોને પણ વર્ષો ગાઢ બનાવી રહ્યું છે. આ જ કારણ છે કે ભારત કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરે છે ત્યારે પાકિસ્તાનના ગમેતેટલા ઉધામા તેને તેના જ સહયોગી ગણાતા મુસ્લિમ દેશોનો સાથ મળતો નથી. આ જ કારણ છે કે આજે ભારતના ઇઝરાયલ સાથે પણ ગાઢ સંબંધ છે અને મધ્ય પૂર્વના દેશો પણ ભારતને હરખભેર આવકારે છે.
આ બધું લખવા પાછળનો ઉદ્દેશ લગારેય એવું કહેવાનો નથી કે વૈશ્વિક તખતે આજે ભારતની જે છબિ નીખરી છે તેમાં એકમેવ મોદી સરકારનું જ યોગદાન છે. ભૂતકાળની સરકારોએ - આપણા ભારતવંશી ભાઇભાંડુઓએ પાયો નાંખ્યો છે, અને મોદી સરકારે તેના પર સંબંધની મજબૂત ઇમારતનું નિર્માણ કર્યું છે. સહુ કોઇએ સ્વીકારવું રહ્યું કે વર્ષોથી વાટાઘાટોના ચક્કરમાં અટવાતી અણુસંધિને 2010માં ડો. મનમોહન સિંહે જ મૂર્ત સ્વરૂપ આપ્યું હતું.
આજે અમેરિકામાં 50 લાખ ભારતવંશીઓ વસવાટ કરે છે. તેમની ક્ષમતા - સિદ્ધિ અને શાંતિપ્રિય જીવનશૈલીથી અમેરિકન પ્રજા અને સરકાર ખુશ છે તેનો કોણ ઇન્કાર કરી શકશે? સંબંધનો પાયો વિશ્વાસ પર રચાતો હોય છે, અને ભારતવંશીઓએ આ મહત્ત્વનું કામ કર્યું છે. તેમણે અમેરિકન પ્રજાનો અને તંત્રનો વિશ્વાસ જીત્યો છે. મોદીસાહેબ યોગ્ય જ કહે છે કે વિદેશવાસી ભારતવંશીઓ લિવિંગ બ્રિજ છે. તેઓ બે દેશને જોડતા જીવંત સેતુ છે. ભારતના એમ્બેસેડર છે.
ભારતવંશીઓ જે કોઇ પણ દેશમાં જઇ વસ્યા છે - પછી તે અમેરિકા હોય, બ્રિટન હોય કે મિડલ ઇસ્ટ હોય - ત્યાં તેમણે તેમના વાણી-વર્તનથી સહુનો ભરોસો જ નહીં, દિલ પણ જીત્યા છે. બ્રિટનમાં તો રિશી સુનાક છવાઇ જ ગયા છે. જ્યારે અમેરિકામાં વાઇસ પ્રેસિડેન્ટના હોદ્દા પર ભારતવંશી કમલા હેરિસ બિરાજે છે, અને પ્રમુખપદની આગામી ચૂંટણીમાં ઝૂકાવવા માટે બીજા ભારતવંશી નિકી હેલી થનગની રહ્યાં છે.
આવતા વર્ષે ભારત, બ્રિટન અને અમેરિકામાં ચૂંટણી મંડરાઇ રહી છે. આ ત્રણેય મહાન લોકતાંત્રિક દેશો છે, કારણ કે પ્રત્યક્ષ - પરોક્ષ કટોકટી છતાં લોકતંત્રને ઉની આંચ આવી નથી. મારા મતે આમાં મતદારોનું મોટું યોગદાન છે. શાસનમાં ભૂલ કે ચૂક કરનાર શાસકોને પાઠ ભણાવવાનું મતદારો ક્યારેય ચૂક્યા નથી. એક વર્ગ ભલે માનતો હોય કે ભારતમાં ચૂંટણી વેળા મતદારોમાં ગાડરિયો પ્રવાહ જોવા મળે છે, પરંતુ હું આ વાત લેશમાત્ર સંમત નથી. ભારતીય મતદારે હંમેશા સ્પષ્ટ અભિગમ સાથે મતદાન કર્યું છે.
કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારને બે વખત તક આપી, પણ પછી મતદારોને સમજાયું કે રાજકીય તડજોડ કે સ્વાર્થી સંબંધોને કેન્દ્રમાં રાખીને રચાતી સરકારે આખરે તો દેશનું નખ્ખોદ જ કાઢે છે, અને આપણે જોયું કે 2014ની ચૂંટણીમાં તેણે સ્પષ્ટ બહુમતી સાથે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને દેશનું સુકાન સોંપ્યું. પ્રથમ મુદતમાં મોદી સરકારની કામગીરી નિહાળી અને તેનાથી સંતુષ્ટ થઇને બીજી વખત સરકાર રચવાનો મોકો આપ્યો.
2014 અને 2019 - આ બન્ને ચૂંટણીઓ વિરોધ પક્ષ માટે બોધપાઠ સમાન હતી એમ કહી શકાય. જનતાનો સ્પષ્ટ સંદેશ હતો કે વ્યક્તિગત સ્વાર્થ કે અંગત લાભ માટે જોડાણ કરનાર માટે સત્તામાં કોઇ સ્થાન નથી. બિહારના રાજધાની પટણામાં શુક્રવાર - 23 જૂને વિરોધ પક્ષોનું મહાગઠબંધન અધિવેશન યોજાયું. વાચક મિત્રો, દેશના વિવિધ રાજ્યોમાંથી વીસેક જેટલા રાજકીય પક્ષોના નેતાઓ આવ્યા, અને મનોમંથન કર્યું.
આપ સહુએ જોયું હશે કે - દરેક પક્ષના નેતાએ એક વાત કોમન કરીઃ ‘અમારો ઉદ્દેશ આગામી ચૂંટણી એકસંપ થઇને લડવાનો છે, જેથી ભાજપને સત્તાના સિંહાસનેથી ઉતારીને ઘરભેગો કરી શકાય...’ ભલા માણસ, ભાજપને હરાવવા કે હટાવવા નહીં, દેશને આગળ લઇ જવા માટે એક થાવને! તમે જે રાજ્યમાં સત્તા પર છો ત્યાં એવું અસરકારક કામ કરી દેખાડો કે મતદારો તમને મત આપવા મજબૂર થઇ જાય. ભાજપ તેની મેળે ઘરભેગો થઇ જશે. પણ ના... આ વિપક્ષ મહાગઠબંધનને આવું નથી કરવું. શા માટે? કેમ કે તેમની નજર લોકોના વિકાસ પર નહીં, સત્તાની ખુરશી પર છે. આ બધા સત્તાનો સ્વાર્થ સાધવા માટે એક થઇ રહ્યા છે, અને આથી જ આ ગઠબંધન કઇ ઘડીએ ઠગબંધન બની જશે તે કહેવાય નહીં. લોકો આજેય ડો. મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુપીએ-ટુના શાસનકાળ વેળાનો ભ્રષ્ટાચાર - કૌભાંડોને ભૂલ્યા નથી.
પ્રજાના નામે શાસક ભાજપનો વિરોધ કરી રહેલા વિરોધ પક્ષો કદાચ માનતા લાગે છે કે મતદારો મુરખ છે. જો તેઓ આવું માનતા હોય તો ખાંડ ખાય છે. ભારતના આ જ મતદારોએ કટોકટીનો કાળો કાયદો લાગુ કરનાર ઇન્દિરા ગાંધીને ચૂંટણીમાં હરાવીને ઘરભેગા કરી દીધા હતા, અને પછી જેમને સત્તાનો સૂત્રો સોંપ્યા હતા તેઓ સુપેરે શાસન ન કરી શક્યા તો તેમને સત્તા પરથી નીચા ઉતારીને પાછા ઇંદિરા ગાંધીને સત્તા સોંપી દીધી હતી.
વિરોધ પક્ષોએ ભાજપને હરાવવો હશે તો લોકોનો વિશ્વાસ જીતવો પડશે. ભાજપ લોકોનો વિશ્વાસ જીતી શક્યો છે આથી જ સત્તા પર છે, અને મારું તો સ્પષ્ટ માનવું છે કે 2024માં પણ તે જ ફરી સત્તાના સૂત્રો સંભાળશે. (ક્રમશઃ)