વડીલો સહિત સૌ વાચક મિત્રો.
નીરવ મોદી, મેહુલ ચોક્સી, રોટોમેક વાળા વિક્રમ કોઠારીના નામો હવે દેશ દેશાવારના સમાચાર પત્રોમાં ચમકી રહ્યા છે અને સવાસો કરોડ ભારતવાસીઅોના નામને ભારે બટ્ટો લાગી રહ્યો છે. દેશવાસીઅોની પીડાની તો કોઇ સીમા જ નથી. આ અગાઉ લલીત મોદી, વિજય માલ્યા અને તે પહેલાના નામ ગણો તો રાજા, હર્ષદ મહેતા, અબ્દુલ કરીમ તેલગી, એ. આર. અંતુલે વગેરે વગેરે. લાંબી વણઝાર ચાલી છે. ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતનો અર્થ ખૂબ જ સીધો સાદો છે, મોકો મળે એટલે કોઇનું લઇ લેવું કે પડાવી લેવું. એટલે થી ન અટકતા લોકો તેના માટે પ્રપંચ અને કાવાદાવા કરે છે અને પોતાની તીજોરી ભરી લે છે.
આપણા શાસ્ત્રોમાં અને ઉપનિષદમાં આ બાબતે ખૂબજ સરસ શ્લોકમાં ઉલ્લેખ કરાયો છે.
ॐ ईशा वास्यमिदँ सर्वं यत्किञ्च जगत्यां जगत् ।
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम् ।। १ ।।
આ શ્લોકનો સામાન્ય અને સરળ ભાષામાં ટૂંકમાં અનુવાદ કરીએ તો એ છે કે 'આ ધરતી અને ધરતી પર છે તે સર્વસ્વ ઇશ્વરનું આપેલું છે. તેનો જરૂર પૂરતો ઉપયોગ કરો પરંતુ તેને પોતાની સંપત્તી ન સમજો અને લાલચુ થઇને હડપ કરી લેવાનું તો કદાપી વિચારો પણ નહિં.' પોતાના હક્કનું ન હોય તે ધન, સંપત્તી કે ધાન્ય યેન કેન પ્રકારેણ હડપ કરવાની લાલસા કદાપી ન રાખવી. આ બધા કાવા દાવા કે કરતૂતો કરવા માટે કોઇ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત કે એમબીએની ડીગ્રી લેવાની જરાય જરૂર નથી. અતિશય લોભ, કોઇ પણ જાતના મુલ્યોની પરવા કર્યા વીના માત્રને માત્ર ધનના ઢગલા મેળવવા માટે અને ત્યાર બાદ દુષણોમાં ડુબી જવું તે નફ્ફટ નરાધમોની નીતિ રીતિ હોય છે.
ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વત એ સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રના છુપા દુશ્મનો હોવાનું જાણીએ છીએ છતાં જ્યારે આવું કરનાર મોટા માથાઅો સામે ફીટકાર વારસાવીએ ત્યારે આપણે આપણા અંતરામત્માને પણ પુછવું રહ્યું કે અોછા વત્તા અંશે આ બીમારી આપણને તો વળગી નથી ને! અન્યના નાણાંના ઉપયોગ દ્વારા નોકરી, ધંધા, સંસ્થા કે મંદિરની સેવાકીય પ્રવૃત્તી અથવા તો ધાર્મિક વહીવટમાં પોતાની કટકી કાઢી લેવાની તેમજ પોતાનું કરી લેવાની આ દાનત ભારતીયોમાં છે અને તે વિશ્વમાં જગજાહેર છે.
ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ (TI) નામની એક સેવાકીય સંસ્થાએ ગયા સપ્તાહે જ ટ્રાન્સપરન્સી ઇન્ડેક્ષ બહાર પાડ્યો છે. નિયમીત અને ખૂબ જ વ્યવસ્થિત રીતે જે તે દેશોમાં વહીવટ કેટલો સાફ સુથરો છે તે દર્શવતા TIના અભ્યાસના પરિણામો જાણવા જેવા છે. બહાર પડાયેલા આંકડાઅોમાં કેટલાક આંકડા ધ્યાન ખેંચે તેવા દેશોના છે. TIના અભ્યાસ મુજબ વિશ્વના દેશોમાં જ્યાં સૌથી અોછો ભ્રષ્ટાચાર છે તેમાં સૌથી શ્રેષ્ઠ દેશ તરીકે પહેલો નંબર ન્યુઝીલેન્ડનો આવે છે. વિવિધ પ્રકારના માપદંડો મુજબ ન્યુઝીલેન્ડને ૮૭ ગુણ મળ્યા છે. અન્ય પ્રમાણિક દેશ તરીકે સીંગાપોર છઠ્ઠા નંબરે (૮૨ ગુણ) અને બ્રિટન આઠમા નંબરે (૮૧ ગુણ) આવે છે. વિશ્વના સૌથી ધનાઢ્ય અને દુનિયાની મહાસત્તા એવા અમેરિકાનો નંબર ૧૬મા ક્રમે (૭૬ ગુણ) આવે છે તો ઇઝરાયેલ ૩૨મા ક્રમે (૬૧ ગુણ) આવે છે. ૨૫ વર્ષ પેહલા જ્યાં ખૂબજ હિંસા વ્યાપેલી હતી તે પ્રમાણમાં ગરીબ ગણાતા દેશ રૂઆન્ડાનો ક્રમ ૪૮મો (૫૬ ગુણ) આવે છે. સામાજીક સંઘર્ષ માટે અગ્રેસર એવા આ દેશમાં પણ ભારત કરતા પરિસ્થિતી વધારે સારી જણાઇ હતી. સાઉદી અરેબીયાએ તાજેતરમાં જ તેમના શેખના સંતાનો અને પરિવારના સદસ્યોની લાંચ રૂશ્વતના આક્ષેપ બદલ વૈભવશાળી હોટેલમાં અટકાયત કરી હતી. અધધધધ કહી શકાય તેવો ૧૧૨ બિલિયન ડોલરનો દંડ અોકાવાયા બાદ જ તેમને મુક્ત કરાયા હતા. આ સાઉદી અરેબીયાનો પ્રમાણિક દેશ તરીકે ૫૭મો નંબર આવ્યો છે. આથી આગળ વધીએ તો જ્યાં ગરીબી બેસુમાર છે, હિંસા અને ગુનાખોરીનું પ્રમાણ વ્યાપક છે તેવા કેરેબીયન ટાપુ જમૈકાનો નંબર ૬૮મા ક્રમે છે.
પરંતુ આપણું ભારત, જેના માટે કવિઅો, લેખકો સંતો અને સાહિત્યકારો પણ કહેતા થાકતા નથી કે 'દેવો માટે પણ જ્યાં જન્મ લેવો દુર્લભ છે' તે ભારત દેશનો ક્રમ પ્રમાણિકતા માટે ૮૧મો છે. દુનિયાના ૧૮૦ જેટલા દેશોમાં ૮૧મો નંબર આવે તે શું બતાવે છે? ભારતમાં જે ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વત વ્યાપેલા છે તે આજના નથી. છેક ઇ.સ. ૧૧૯૩માં દિલ્હીની ગાદી છેલ્લા હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ સત્તા સંભાળતા હતા. તેમની પાસે તે સમયે ૧ લાખ સૈનિકોની સેના હતી. જ્યારે અફઘાનીસ્તાનની સરહદ નજીકના સામાન્ય સુબા કહેવાય તેવા મહમ્મદ ઘોરી પાસે માત્ર ૧૨,૦૦૦ સૈનિકોની સામાન્ય સેના હતી. મહમ્મદ ઘોરી કદી પૃથ્વીરાજ ચૌહાણ સામે બાહુબળથી યુધ્ધના મેદાનમાં જીતી શકે તેમ નહોતો. ઘોરીએ આસાન તરકીબ અજમાવી અને પૃથ્વીરાજ ચૌહાણના ભ્રષ્ટ અને ગદ્દાર સેનાપતી જયચંદને મબલખ નાણાં, રૂપવતિ લલનાઅો અને ગાદીની લાલચ આપીને પોતાનું કામ કઢાવી લીધું. એક જયચંદ નામના ભ્રષ્ટાચારી સેનાપતિની લાલચને કારણે ભારતના છેલ્લા હિન્દુ રાજ્યનો અંત આવ્યો.
ભ્રષ્ટાચાર અને લાલચનું બીજુ ઉદાહરણ છે આપણા વેપારીઅો. બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ૭૦ જેટલા ખલાસીઅો અને વેપારીઅો આજથી બરાબર ૪૧૪ વર્ષ પહેલા ઇ.સ. ૧૬૦૭માં સુરતના રાંદેરના બંદરે સઢવાળા ૩ જહાજમાં ઉતર્યા હતા. આ ગણ્યા ગાંઠ્યા ૭૦ અંગ્રેજોએ જોયું કે હિન્દુસ્તાનમાં તો ભારે સડો પેસેલો છે. નાના હોય કે મોટા કોઇને કોઇ જાતનો સિધ્ધાંત કે વફાદારી જેવું જ નથી. કોઇ જાતના નીતિ કે નિયમો પણ નથી. માત્રને માત્ર નાણાંના જોરે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટદારોએ સુરતના વેપારી શેઠીયાઅોને સાધ્યા. આ એ શેઠીયાઅો હતા જેઅો ઇસ્ટ ઇન્ડિયા કંપનીને તેના કર્મચારીઅો અને નોકરી પર રાખેલા ભારતીય સૈનિકોને પગાર કરવા પૈસા ધીરતા હતા. આજ શેઠીયાઅો પોતાના વેપારની વૃધ્ધી અને વ્યાજની કમાણી કરવા ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાકેમોને ભારતના ક્યા રાજ્યમાં લોકો, અધિકારીઅો અને વેપારીઅો વચ્ચે કેવા પ્રકારના ઝઘડાઅો છે, તકલીફો છે, ખટરાગ છે તેની બાતમીઅો આપવા લાગ્યા. આ બાતમીઅો આપીને શેઠીયાઅો બે પાંદડે થયા હશે પરંતુ ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતની રાજ્યકર્તા બની ગઇ.
ક્લાઇવ હોય કે ડેલહાઉઝી, તેઅો હિન્દુસ્તાના ગરીબોને લુંટીને અગણીત ધન દોલત બ્રિટન લઇ આવ્યા. એક વેળાનો ગરીબ દેશ બ્રિટન તવંગર બની ગયો. બીજી તરફ ઇ.સ. ૧૬૪૨માં સમગ્ર વિશ્વના કુલ ઉત્પાદનમાંથી ૩૯% ચીજ વસ્તુઅોનું ઉત્પાદન કરી તેની નિકાસ કરતો 'સોને કી ચીડીયા' જેવો ભારત દેશ તવંગર બની ગયો. આ પતનનું કારણ માત્રને માત્ર ભારત અને ભારતીયોની નસનસમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર હતો. ટૂંકી દ્રષ્ટીના લોકો અને નીચ માનસીકતા ધરાવતા લોકો હતા, કહોને કે લાંચરૂશ્વતખોરો હતા.
એ સમયે જેવા લોકો હતા તેવા જ લોકો અત્યારે પણ છે અને તેમની સૌની સાંઠગાંઠ નવા સ્વરૂપે આપણને સૌને જોવા મળે છે. ભારતના કેટલાક નઠોર રાજકારણીઅો, સમાચાર માધ્યમો, મેલી મુરાદવાળા મુડીવાદીઅો, અડીયલ અધિકારીઅો અને બેન્કોમાં બેસેલા ભ્રષ્ટાચારી બેન્કરો કદી જોયા ન હોય તેવા કૌભાંડો આચરી રહ્યા છે. આવા કૌભાંડો ન થાય તે માટે ઉંચા હોદ્દાઅો પર નિમાયેલા અોફિસર, અોડીટર તેમજ એકાઉન્ટન્ટની ફરજ હોય છે કે તેઅો સતર્ક થઇને ચાંપતી નજર રાખે. પરંતુ સરકારે નિમેલા એ માંધાતાઅો જ ભ્રષ્ટ થઇને આંખ આડા કાન કરે છે. અત્યારે તો શિક્ષકો, પ્રોફેસરો અને ધર્મ ધુરંધરો પણ ગુંડા તત્વો સાથે હરિફાઇ કરતા હોય તેમ ભ્રષ્ટાચારના વિષચક્રમાં એવા તો લપેટાયેલા છે કે "દેવો જ્યાં જન્મ લેવા આતુર છે" તે ભારત દેશની હાલત સમગ્ર વિશ્વમાં ધીક્કારપાત્ર અને દયાને પાત્ર બનાવી દીધી છે.
ધાર્મિક સંગઠનો અને અન્ય સંસ્થાઅોની વિદેશની દાનની આવક પર નજર રાખતા ફેમા કાયદાની એસી કી તેસી કરી દેવાઇ છે. મની લોંડરીંગ જેવા ગંભીર ગુન્હાઅોને ગુરૂઅો છાવરતા રહે છે. વધારે શરમજનક અને પીડાદાયક હકીકત એ છે કે મોટા ગજાના લોકો તો ભ્રષ્ટાચાર કરે જ છે સાથે સાથે નાના અને આમ આદમી કહેવાય તેવા લોકો પણ ભ્રષ્ટાચાર અને લાંચરૂશ્વત તરફ વધુને વધુ આકર્ષીત થઇ રહ્યા છે. તમારે પેન્શન લેવાનું હોય કે શિષ્યવૃત્તી, તમારા હક્કના પૈસા લેવા હોય, પાસપોર્ટ-લાયસન્સ લેવું હોય કે પછી અન્ય કોઇ પણ પ્રકારનું સરકારી કામ હોય તમારે લાંચ આપવી જ પડે. ફાઇલ પર વજન ન મૂકો કે ચા-પાણીના રૂપિયા ન આપો ત્યાં સુધી ફાઇલ આગળ જાય જ નહિં. અલ્યા દિવસમાં કેટલી વખત ચાપાણી કરવાના !
આજની સરખામણીએ ૭૦-૮૦ વર્ષ પહેલા ગાંધી યુગમાં પ્રમાણમાં વધુ સામાજીક વ્યવસ્થામાં સ્વચ્છતા અને પ્રમાણિકતા જોવા મળતા હતા. તેમ છતાં ૧૯૨૭માં ગુજરાતમાં અને ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભયંકર પૂર આવ્યા ત્યારે મુંબઇના ગવર્નરે સરદાર વલ્લભભાઇ પટેલની કાર્યદક્ષતા, વહીવટી કાર્ય કુશળતા અને શુધ્ધ આચારને લક્ષમાં લઇને તેમને રેલ રાહતનું કામ સોંપ્યું. પરંતુ ભ્રષ્ટાચારના ભોરીંગ જેવા વડોડરા અને બીજા વિસ્તારના કેટલાક કોંગ્રેસી આગેવાનોએ સીમેન્ટ અને પતરાના પૂરવઠાને કાળાબજારમાં બીજે વેચી માર્યો હતો. સરદાર પટેલ આવા લોકોને છોડે ખરે? પરંતુ આવા મોતના સોદાગરોની મેલી મુરાદને કઇ રીતે રોકવી? દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ આજ તકલીફોનો આજે સામનો કરી રહ્યા છે.
મુખ્ય બાબત એ છે કે જ્યાં સુધી આપણે વ્યક્તિગત રીતે યેનકેન પ્રકારેણ માત્રને માત્ર ધન અને સત્તાની લાલસા નહિં છોડીએ અને તેના પાછળ દોડવાનું બંધ નહિં કરીએ ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વત વધતા જ રહેશે. સરકારી ચોપડે ભલે ઘણા બધા કાયદાઅો હોય પરંતુ આ બધું વકર્યા જ કરશે.
નાનકડો ટાપુ દેશ સીંગાપોર ૧૯૬૭માં એક અલગ દેશ તરીકે ઉદ્ભવ્યો. મલેશીયન ફેડરેશનમાં તેને અન્યાય થતો હોવાથી સીંગાપોરને તેમાંથી જાકારો મળ્યો. પણ તેના નેતા લી ક્વાન યુ ખૂબજ કડક હતા. વહીવટી તંત્રમાં તેઅો જડબેસલાક અને આમુલ પરિવર્તન લાવ્યા. તે વખતે સીંગાપોરની માથાદીથ આવક ભારત કરતા અોછી હતી. અત્યારે ૫-૭ મિલિયનની વસતી ધરાવતો સીંગાપોર દેશ ટોચ પર બીરાજે છે અને તેની વાર્ષિક માથાદીઠ આવક ભારત કરતા ૧૫ ગણી એટલે કે ૪૭,૦૦૦ ડોલર છે. તેની સામે ભારતની માથાદીઠ આવક કહેતા પણ આપણને શરમ આવે જે માત્ર ૩,૦૦૦ ડોલર છે. આવી જ પ્રગતિ ન્યુઝીલેન્ડની છે. છેક છેવાડાના પૂર્વ તરફ આવેલા ટાપુ ન્યુઝીલેન્ડની વસતી અોછી અને ખેતીપ્રધાન દેશ. પરંતુ ત્યાંનું લોક જીવન ખૂબ જ પ્રમાણિક, સહિષ્ણુ અને કાનુન આધારીત છે.
આપણે અહિં બ્રિટનમાં રહીએ અને ભારત માટે કાઇં બોલીએ તે અમુક હદે યોગ્ય ન કહેવાય. પરંતુ આપણા મનને જ પૂછીએ કે શું આપણા દેશના લોકો આગળ જણાવ્યો તે શ્લોક 'ઇશા વાસ્યમ ઇદમ સર્વમ'ને માને છે? અનુસરે છે? કોઇનું મફતનું નહિં લેવાનું તેવી વૃત્તી ધરાવતા લોકો કેટલા?
સમાચાર માધ્યમની વાત કરીએ તો આપણા આ કાર્યાલયના સૌ સાથીઅો હરહંમેશ ખૂબ જ જાગૃત રહીએ છીએ. અમે સદાય વાચકને તેમજ વ્યવસાયીક મૂલ્યો પ્રતિ વફાદાર રહીએ છીએ અને ચાર ચાંદીના ટુકડા જેવા પૈસા લઇને સાચા સમાચાર સામે આંખ આડા કાન કરીને લાખ્ખોની ગાડીઅોમાં ફરવું તેને અમે સૌ પાપ ગણીએ છીએ. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના સર્ક્યુલેશન એટલે કે ફેલાવાના આંકડા બીલકુલ સાચા અને પ્રમાણભૂત છે અને જાહેરાત મેળવવા માટે અમે ગર્વભેર તેને રજૂ કરીએ છીએ. કોઇ પણ નેતા, વેપારી કે ચમરબંધીની કદમપોશી કરવાનું અમે પસંદ કરતા નથી અને તેમનું વર્તન જો સમાજના હિતની વિરૂધ્ધનું હોય તો અમે દમદાટીની પરવા કર્યા વગર સાચા સમાચાર રજૂ કરવાને અમે ધર્મ માનીએ છીએ. જંતરમંતર અને ભૂતભૂવાની જાહેરાતો બંધ કરીને વર્ષે £૫૦,૦૦૦થી £૬૦,૦૦૦ તરછોડવાનું એક માત્ર કારણ અમારા વાંચકો સાથે છેતરપિંડી થાય કે તેમનું શોષણ થાય તે અમને સ્વીકાર્ય નથી.
અખબારની પ્રકાશન પ્રવૃત્તી એ અમારા સૌ માટે સેવા યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ છે. અમે કોઇ ઉપર ઉપકાર કરતા નથી, અમે તેને ફરજ માનીએ છીએ જેને નિષ્ઠાપૂર્વક નિભાવવા અમે સમર્પિત છીએ. જંતરમંતરની જાહેરાતો ભલે અમે સૌ ધન દોલતમાં આળોટતા ન હોઇએ પરંતુ અમારા સૌમાં સ્વમાનની ભાવના છે. યથાશક્તિ અમારા વ્યવસાયીક મુલ્યોને જાળવવા માટે અમે કટિબધ્ધ છીએ અને આવું કરવામાં અમને કહેવાતા ફાયદા કદાચ નહિં થયા હોય પરંતુ અમારા સૌ વાચકો, આમ સમાજનો વિશ્વાસ અને અમારા પ્રત્યેની તેમની શ્રધ્ધાને અમે અનુભવી શકીએ છીએ. સૌ વાચક મિત્રો અમારા અખબારોને મબલખ પ્રમાણમાં ખરીદે છે અને લવાજમ ભરીને કે જાહેરાત આપીને અમારા અને આપણા સૌના હાથ મજબૂત કરે છે તેજ અમારા માટે સૌથી મોટી મૂડી છે.
માટે જ હું હંમેશા જાહેરમાં એકથી વધુ વખત કહી ચૂક્યો છું કે વાચકો જ અમારા આરાધ્ય દેવ છે. આપણે સૌ નાના માણસો પ્રમાણમાં ગૌરવશીલ થઇશું તો સોનાનો સુરજ ઉગવાનો જ છે.
(ક્રમશ:)