વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ સપ્તાહે આપ સહુ સમક્ષ આજકાલની વાત કરતાં કરતાં છેલ્લાં છ-સાત દસકાની વાતો ઉપર પણ દૃષ્ટિપાત કરવાની મારી ઇચ્છા છે. સ્મરણોની આ સફર લાંબી ભલે જણાતી હોય, પણ થાક નહીં જ લાગે તેવી આ બંદાની શ્રદ્ધા છે.
ગયા શનિવારે હેરો વિલ્સડનના સંગત કોમ્યુનિટી સેન્ટરમાં ડાયાબીટીક સેમિનાર યોજાઇ ગયો. આ કાર્યક્રમનો પ્રસ્તાવ શ્રી ધ્રુવ ગઢવીએ કર્યો હતો. ઝી ટીવી (આઉટ એન્ડ અબાઉટ)ના પ્રોડ્યુસર-ડિરેક્ટર ધ્રુવભાઇના નામથી ભાગ્યે જ કોઇ અપરિચિત હશે. તેમના અમેરિકાવાસી ગુજરાતી સાહિત્યપ્રેમી મામા રામ ગઢવી સાથે મારે જેટલું જામે એટલું જ ભાણિયા સાથે પણ ગોઠે. અમારા બન્નેનો ‘જિગરી’ મિત્ર કોમન છે - ડાયાબીટીસ. ધ્રુવ ગઢવીએ બે’ક મહિના પૂર્વે ફોન કર્યો. એકબીજાના ખબરઅંતરની ઔપચારિક આપ-લે કર્યા પછી તેમણે બહુ સહજતાપૂર્વક જણાવ્યું કે તેમના ડાયાબીટીસ અને સુગર લેવલને સરળતાથી નિયંત્રિત કરવામાં ‘જીવંત પંથ’ કોલમ થકી મળેલી જાણકારી બહુ ઉપયોગી સાબિત થઇ છે.
તેમણે મારી કોલમ માટે રાજીપો વ્યક્ત કર્યો એટલે બંદા તો ખુશ ખુશ. મિત્રો, તમે કહેશો ને કે પ્રશંસા કોને ન ગમે?! પણ મારા આનંદનું મુખ્ય કારણ એ હતું કે મારી કલમ અને કોલમથી કોઇકને લાભ થયો હતો. ‘જીવંત પંથ’નો આ જ તો ઉદ્દેશ છે - વાંચવું, વિચારવું અને વ્યક્ત કરવું. કોઇ એકને પણ કોલમથી લાભ થાય એટલે ભયો ભયો... આ પાન પર જે કંઇ માહિતી, જાણકારી રજૂ થાય છે તેમાંથી સારું સારું તમારું, બાકી બધું મારું.
ધ્રુવભાઇએ તેમના ડાયાબીટીસ વિશેના ક્રાંતિકારી અનુભવોની વાતો પણ કરી. શનિવારે સેમિનારના પ્રારંભે તેમણે ખૂબ નિખાલસતાપૂર્વક પોતાની જીવનશૈલીની વાત કરી. તેમાં કેવા પ્રકારની કચાશના કારણે ડાયાબીટીસે ઘર ઘાલ્યું તે સમજાવ્યું. કોઇ કાળે કાબૂમાં ન આવતો આ રાજરોગ હવે તેમણે કઇ રીતે કાબૂમાં કર્યો છે તેની પણ માંડીને વાત કરી.
આ બેઠકમાં સુપ્રસિદ્ધ ડો. અસીમ મલ્હોત્રા પણ પધાર્યા હતા. લગભગ પોણો કલાકના માહિતીસભર સંબોધનમાં તેમણે સ્લાઇડ શોની મદદ વડે ડાયાબીટીસ રોગ અને તેને સંબંધિત બહુ ઉપયોગી માહિતી સાદર કરી હતી. જોકે હાજરી પાંખી હતી. (૪૦ જેટલા જ મિત્રો), વાચક મિત્રો સુધી આ સેમિનારની માહિતી પહોંચાડવામાં કોણ જાણે અમે ક્યાં કાચા પડ્યા...
ખેર, હાજર હતા તે સહુ કોઇએ આ રોગ વિશે પૂરતું જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે તેવી શ્રદ્ધા અસ્થાને નથી. આ સેમિનાર પૂરો કર્યો. એકાદ-બે કૌટુંબિક મુલાકાતો લઇને હું નિસ્ડન સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કરવા જઇ પહોંચ્યો. મારે છુપાવવું હોયને તો પણ શક્ય નથી. એક સ્વયંસેવકે મને જોયો. દર્શન કરીને બહાર નીકળતો હતો ત્યાં જ મારી પાસે આવીને મને બહુ લાગણીપૂર્વક કહ્યુંઃ આમ દર્શન કરીને નીકળી જાવ તે ન ચાલે, આવો, સંતોને મળીને નીકળજો...
અમે કાર્યાલયમાં પહોંચ્યા તો ટ્રસ્ટી મંડળના સુકાનીઓ સર્વશ્રી જીતુભાઇ, વી. એચ. પટેલ, વિનુભાઈ ભટ્ટેસા, એ. પી. પટેલ... બધા આટલા મોટા સંકુલ વિશે કંઇક વાતચીતમાં મગ્ન હતા. ત્યાં મને થોડીક વાર બેસવાનો મોકો મળ્યો. સંતોને પ્રણામ કરીને આશીર્વાદ લીધા. ટ્રસ્ટીઓના પ્રેમભર્યા આગ્રહથી મુખ્ય હોલમાં પહોંચ્યા, જ્યાં સેંકડો ભાઇઓ-બહેનો પ્રવચન સાંભળતા હતા. બધાને નતમસ્તક પ્રણામ કર્યા ને આગળ વધ્યા.
આમ જૂઓ તો મારા માટે નિસ્ડન મંદિરની મુલાકાત નવાઇની વાત નથી. મારા હૃદયમંદિરમાં વિશેષ સ્થાન ધરાવતા આ ધર્મસ્થાનની મુલાકાતનો મને જ્યારે જ્યારે અવસર સાંપડ્યો છે ત્યારે ત્યારે મોકો નથી ચૂક્યો નથી. કદાચ આ જ કારણ હતું કે શનિવાર સાંજની મુલાકાત તો અડધી કલાકમાં પૂરી થઇ ગઇ હતી, પરંતુ તેના સ્પંદનો રવિવારે સવારે પણ દિલમાં ધબકતા હતા.
સવારના રૂટિન અનુસાર પાર્કમાં જઇ પહોંચ્યો હતો. ખુશનુમા માહોલમાં પગ તેનું કામ કરતા હતા, મન તેના કામે લાગ્યું હતું. આ સંસ્થાન સાથે જોડાયેલા કંઇ કેટલાય અસંખ્ય પ્રસંગો, આયોજનો માનસપટ પર હડિયાપટ્ટી કરી રહ્યા હતા.
BAPS - બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા... BAPS સાથેનો (અ)મારો નાતો તેની સ્થાપના અગાઉથી છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી. ૧૮૯૦માં મારા દાદાશ્રી મણીભાઈ અને પૂ. શાસ્ત્રી મહારાજ વચ્ચે સ્થપાયેલો સંપર્ક દસકાઓના વીતવા સાથે વધુ મજબૂત બન્યો છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તો ૨૬ સપ્ટેમ્બર, ૨૦૦૭ના રોજ હવેલીની ભવ્ય સભામાં એક સંબોધન દરમિયાન લાગલગાટ ૨૦થી ૨૨ મિનિટ સુધી મારા દાદાશ્રી, પિતાશ્રી, કાકાશ્રી અને મારી જ વાત કરીને આશીર્વચનની હેલી વરસાવી હતી. અમારા પરિવારના BAPS સાથેના સંબંધોનો ઉલ્લેખ કર્યો એટલે જ આ મહામૂલા પ્રસંગની પુનરોક્તિ કરી છે, ખરેખર તો હું સંસ્થાની બીજી જ બે-ત્રણ વાતો પણ સંક્ષિપ્તમાં રજૂ કરવા માગું છું.
ધર્મ વગર માનવની ઉત્ક્રાંતિ માટે, વિકાસ માટે, સુખશાંતિ માટે બીજા વિકલ્પો વિશે વિચારવું હું જરૂરી માનતો નથી. કાયદો કાયદાનું કામ કરે છે એમ ધર્મ ધર્મનું કામ કરે છે. નૈતિક સીમાબંધન ઉપયોગી હોવા છતાં દરેકના જીવનમાં એવી કેટલીય પળો આવતી હોય છે જ્યારે મન નબળું પડે છે અને ત્યારે ધર્મ તેને મજબૂતી બક્ષે છે. ધર્મનું આવરણ મજબૂત હોય છે ત્યારે વિચાર, વાણી અને વર્તનમાં કંઇક વધુ ઇચ્છવાયોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકાય છે.
ત્રણેક અઠવાડિયા પૂર્વે સેન્ટ્રલ લંડનમાં કેટલાક બુદ્ધિજીવીઓની બેઠકમાં ભાગ લેવાનો અવસર મને સાંપડ્યો હતો. યહુદી, મુસ્લિમ, હિન્દુ, શીખ તેમ જ ખ્રિસ્તી ધર્મના વિદ્વાનો વિચારોનું આદાનપ્રદાન કરી રહ્યા હતા. યહુદી પરંપરાના પૂર્વ ચીફ રબાઇએ લખ્યું છેઃ કેટલાક ભલે એમ કહે કે ધર્મના કારણે જ યુદ્ધો અને અધર્મ વધુ વ્યાપક બન્યા છે, પરંતુ ખરેખર એવું નથી. માનવ માનવ વચ્ચે જ્યારે જ્યારે વ્યક્તિગત કે સામૂહિક વિસંવાદિતાના પ્રસંગો બને છે, ઘટનાઓ ઘટે છે ત્યારે તેના કાયમી ઉકેલ માટે ધર્મના ધોરણે જ, ધાર્મિક મૂલ્યો દ્વારા જ તેનો સુખદ અંત આવી શકે.
મેં અગાઉ આ જ કોલમમાં મેનેજમેન્ટ વિષય સંદર્ભે નોંધ્યું હતું કે ધ્યેય, ધૈર્ય, ધગશ અને ધીરજ એ તમામ પરિબળોને જો ધર્મના આવરણ હેઠળ આપણે આદરી શકીએ તો પ્રાપ્ત પરિણામ સાચા અર્થમાં સફળ ગણી શકાય. આ મુદ્દે વધુ ચર્ચા કરવાના બદલે BAPSના ભવ્ય ભૂતકાળનું વિહંગાવલોકન આપ સહુ સમક્ષ સાદર કરી રહ્યો છું.
સનાતન હિન્દુ ધર્મની આગવી વિશેષતા એ છે કે યુગો યુગોથી આપણા ધાર્મિક માળખાનું વિકેન્દ્રીકરણ આપોઆપ થતું રહ્યું છે. આદિ શંકરાચાર્યજીએ કંઇ કેટલાય અવરોધોના વાવંટોળ વચ્ચે ય ધર્મની ધજાને ફરકતી રાખી. સહજાનંદ સ્વામીએ આશરે ૨૫૦ વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રમાં સ્વામીનારાયણ મહિમા સ્થાપ્યો. ૧૯૦૬ સુધી વડતાલ અને
કાલુપુર એમ બે મુખ્ય મંદિરો હતા. ૧૯૦૬માં બોચાસણ મંદિરની સ્થાપના થઇ. શાસ્ત્રીજી મહારાજે સ્વામીનારાયણ સંપ્રદાયને નવું રૂપ અને નવો વેગ બક્ષ્યો.
૧૯૪૮ના અરસામાં ૧૧ વર્ષની વયે બોચાસણમાં પૂ. શાસ્ત્રીજી મહારાજ અને પૂ. યોગીજી મહારાજના દર્શન કરીને ધન્ય થયો હતો. ૨૮ વર્ષની વયે સંસ્થાના પ્રમુખપદે બીરાજેલા પૂ. પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વચન પામવાનું સદભાગ્ય સાંપડ્યું. વાત બહુ જ નાની છે, પરંતુ સંસ્થાની વિકાસયાત્રાની તુલના માટે જ અહીં ટાંકી રહ્યો છું.
બોચાસણમાં મંદિરની સ્થાપના થઇ તે જમાનામાં મોટરગાડી ‘અલ્ટ્રા લક્ઝુરિયસ’ આઇટેમ ગણાતી હતી. લાંબા અને ‘ઝડપી’ પ્રવાસ માટે ડમણિયા જેવું વાહન ઉપલબ્ધ હતું. બહુ જૂજ પરિવારો મોટરગાડીની માલિકી ધરાવે. આમાંનો એક ભાદરણમાં વસતો અમારો પરિવાર. શાસ્ત્રીજી મહારાજને દૂરના ગામે વિચરણ માટે જવાનું હોય ત્યારે ચબરખી મોકલે અને પિતાશ્રી તેમના માટે વાહનવ્યવસ્થા ગોઠવી દેતા હતા. આજે તો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સેવામાં ચાર્ટર્ડ પ્લેનથી માંડીને હેલિકોપ્ટરની સુવિધા બહુ સહજ રીતે ઉપલબ્ધ છે.
સનાતન ધર્મના સંપ્રદાયો, મારા મતે, અનેક રીતે ઉપકારક અને લાભદાયી છે. વિશ્વભરમાં ફેલાયેલા ૧૦૦ કરોડથી વધુ હિન્દુઓ માટે આ ધર્મવ્યવસ્થા ખૂબ સહજ બની છે એમ પણ કહી શકું. કોઇ પણ ધર્મમાં એક માત્ર ઘટક કે સંકુલ કે ગાદી અશક્ય છે. ખ્રિસ્તી, યહૂદી કે ઇસ્લામમાં પણ આવું જ જોવા મળે છે ને? સદભાગ્યે આપણા વિવિધ સંપ્રદાય વચ્ચે ભલે અમુક પ્રકારનો વૈચારિક ભેદ જોવા મળતો હોય, પરંતુ અન્ય ધર્મોમાં બે જૂથો વચ્ચે જોવા મળતી હિંસા આપણા સંપ્રદાયોમાં જોવા મળતી નથી. હું જ સાચો, તમે ખોટા એ વલણને જડતાપૂર્વક વળગી રહેવું તે અંતે તો વિનાશકારી નીવડતું હોય છેને?
વિશ્વવ્યાપી બીએપીએસ
૧૯૫૫ પહેલાં સ્વામીનારાયણ સંપ્રદાય કે BAPSની ધર્મધજા ગુજરાતમાં જ મહદ્અંશે લહેરાતી હતી. દેશના અન્ય રાજ્યોમાં પણ તેનો પ્રચાર-પ્રસાર નહીંવત્ જોવા મળતો હતો. મારી યાદ પ્રમાણે ૧૯૫૫માં પહેલી વખત પૂ. યોગીજી બાપા, પૂ. પ્રમુખ સ્વામી સંતો સાથે પૂર્વ આફ્રિકામાં વિચરણ અર્થે
પધાર્યા હતા. આના દસકા - બે દસકા પૂર્વે આફ્રિકાનિવાસી મગનકાકા અને હિમાકાકાએ સૌથી પહેલાં સ્વામીનારાયણ મંત્ર અને પરંપરાની જ્યોત પ્રગટાવી હતી.
યુરોપમાં કે પશ્ચિમી જગતમાં સર્વપ્રથમ સ્વામીનારાયણ મંદિર લંડનમાં ૧૪ જૂન, ૧૯૭૦ના ધન્યદિને સ્થાપવામાં આવ્યું. આપણા ‘કર્મયોગ હાઉસ’થી માત્ર બે માઇલના અંતરે. સમયના વહેવા સાથે પૂર્વ આફ્રિકા અને અન્ય દેશોમાં વસતાં ભારતીયોનો પ્રવાહ બ્રિટનમાં આવવાનો શરૂ થયો. અને ૮૦ના દસકામાં અત્યારના નિસ્ડન સ્વામીનારાયણ મંદિરનો પાયો નંખાયો. નિસ્ડન મંદિરમાં હાલ જ્યાં શાયોના સ્ટોલ અને સુંદર રેસ્ટોરાં છે તે સંકુલમાં ૩ એપ્રિલ ૧૯૮૨ના દિવસે BAPSનું દરિયાપારના દેશોમાં તે વેળાનું સૌથી વિશાળ મંદિર સ્થપાયું. અત્યારે આપણે જે સ્થાનને નિસ્ડન મંદિર તરીકે ઓળખીએ છીએ ત્યાં ૧૯૯૫માં પ્રાણ પ્રતિષ્ઠા થઇ. આગામી અંકોમાં આ વિશે વધુ માહિતી રજૂ કરવા પ્રયાસ કરશું.
છેલ્લા ત્રીસેક વર્ષમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા અને આત્મબળની નિશ્રામાં સંતો, શક્તિસભર નેતૃત્વ અને હજારો હરિભક્તો પરિશ્રમ અને પ્રાર્થનાના જોરે દુનિયાના કેટલાય દેશોમાં હિન્દુ ધર્મની ધ્વજા લહેરાવી રહ્યા છે. દરેક ખંડમાં ભવ્ય મંદિરની સ્થાપના કરીને ભારતીય ધર્મપરંપરાનું પાલન-પોષણ કરી રહ્યા છે.
શનિવારે નિસ્ડન મંદિર સંકુલમાં હું આશરે અડધો કલાક હાજર રહ્યો તે સમય દરમિયાન આ સુખદ સ્મરણો યાદ કરતાં કરતાં સાચે જ ભાવવિભોર બની ગયો હતો. મંદિરના મુખ્ય હોલમાં મેં તમામ વયજૂથના, જુદા જુદા ક્ષેત્રો સાથે સંકળાયેલા હજારો આત્માઓને ભક્તિરસમાં તરબોળ થતાં નિહાળ્યા.
એક બાબત મને ખૂબ સ્પર્શી ગઇ કે આપણા સનાતન ધર્મની શીખ તો જૂઓ... આજે બ્રિટિશ સમાજમાં શાંતિપ્રિય અને શૈક્ષણિક, સામાજિક તેમજ આર્થિક ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા હિન્દુઓ, જૈનો, શીખો સહુ કોઇ માટે દૃષ્ટાંતરૂપ બની રહ્યા છે.
•••
પ્રેસ્ટનમાં સનાતન મંદિરના ૪૦ વર્ષ
લંડનમાં લાખો ગુજરાતીઓ વસતાં હોવાથી સંખ્યાબંધ મંદિરો આપણી ધર્મભાવના સંતોષે છે, પણ વાયવ્ય ઇંગ્લેન્ડમાં આવેલા પ્રેસ્ટન નગરમાં તો માંડ ૬૦૦ જેટલા હિન્દુ પરિવારો વસતાં હશે. સંખ્યા નાની, પણ સિદ્ધિ મોટી. ગુજરાતી હિન્દુ સોસાયટી એક પ્રાણવાન સંસ્થા છે. ૨૨-૨૩ ઓગસ્ટે ત્યાંના મંદિરમાં રાધા-કૃષ્ણ પ્રાણ-પ્રતિષ્ઠાના ૪૦મા વર્ષની ખૂબ શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઇ રહી છે. પ્રેસ્ટનનું સનાતન હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર કદાચ બ્રિટનના સનાતન મંદિરોમાં સૌથી વિશાળ ગણાય. અહીં અનેક પ્રકારની ધાર્મિક, સામાજિક, સેવાકીય પ્રવૃત્તિઓ સતત થતી રહી છે. કોઇ પણ સત્કાર્ય માટે માત્ર સંખ્યાબળ મુખ્ય પૂરક બળ નથી. નેતાગણની દૂરંદેશી, તેમની પહોંચ, કાર્યશક્તિ અને સમાજના સંપ થકી જ સુંદર પરિણામ હાંસલ કરી શકાય છે. આ ઓગસ્ટ મહિનામાં બીજા પણ અલગ અલગ મંદિરોમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આપ સહુ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’માંથી આવા કેટલાક શુભ કાર્યો વિશેની જાણકારી મેળવતા હશો.
•••
યુરોપનું સર્વપ્રથમ શિખરબદ્ધ દેરાસર
લંડનની ઉત્તરે પોટર્સબાર વિસ્તારમાં ઓશવાળ એસોસિએશન સંચાલિત એક ભવ્ય સંકુલના આપે દર્શન ન કર્યા હોય તો હું નમ્રભાવે તેમ કરવા સહુને વિનતી કરું છું. ત્યાંનું અસલ ભારતીય સ્થાપત્ય શૈલી ધરાવતું જૈન દેરાસર દસ વર્ષથી ધર્મપ્રેમીઓને અદ્વિતીય સેવા સાદર કરતું રહ્યું છે. ૨૭ ઓગષ્ટના રોજ દેરાસરનો ૧૦મો સ્થાપના દિન રંગેચંગે ઉજવાય રહ્યો છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે બ્રિટનમાં ગુજરાતી જૈનોની વસ્તી માંડ ૨૫ હજાર જેટલી જ હશે. આમ પણ ઓશવાળ તો છેક ૧૮૯૯માં જ પહેલી વાર પાંચામાના પ્રતાપે દરિયો ખેડવા નીકળ્યા હતા ને? વિશ્વભરમાં પ્રમાણમાં ઓશવાળની સંખ્યા અલ્પ ગણાય, પણ આસપાસમાં નજર ફેરવશો તો તમને વેપાર-ઉદ્યોગ, શિક્ષણ, સખાવત, રાજકારણ બધા ક્ષેત્રે તેમની હાજરી જોવા મળશે.
આપણે જરાક વિષયાંતર કરીએ. અલબત્ત, વાત સમાજ સાથે સંકળાયેલી જ છે, પણ દૃષ્ટિકોણ જરા અલગ છે. આપણે સમાજમાં ધર્મ, પરંપરા, મૂલ્યો, ભારતીય સંસ્કૃતિનું જતન-સંવર્ધન કરતાં, મન-મંદિરમાં તેનો પાયો મજબૂત બનાવતા ધર્મસ્થાનોની વાત કરી, પણ તન-મંદિરનું શું?! વ્યક્તિનું મન જેટલું સ્વસ્થ-તંદુરસ્ત હોવું જરૂરી છે એટલું જ જરૂરી છે તેના તનનું સ્વાસ્થ્ય. તમારું મન ગમે તેટલું મજબૂત હોય, પણ તન - શરીર તેને સાથે ન આપે તો? બધા આશા-અરમાન મનમાં જ રહી જાય.
તમે ટીવી સામે તો રોજ બેસતા જ હશો. ભારતની કોઇ પણ ચેનલ પર નજર ફેરવશો તો એક વાત કોમન જણાશે - રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ, શેઠિયાઓ, ધર્મધુરંધરો... અરે વિદ્યાર્થીઓ સુદ્ધાં મેદસ્વી બની રહ્યા છે. ઓબેસિટી પ્રત્યેની જાગૃતિનો અભાવ સમાજ પર બીમારીનો બોજ વધારી રહ્યો છે. એક સમયે આવા ‘તંદુરસ્ત’ લોકો માટે ગૌરવભેર કહેવાતું કે આ તો ખાધેપીધે સુખી ઘરનો છે. આજે ચિત્ર બદલાયું છે. મેદસ્વીતા સમાજ માટે જ નહીં, સરકાર માટે પણ ચિંતાનું કારણ બની રહી છે - પછી વાત હોય ભારતની કે બ્રિટનની વ્યક્તિ માટે તો ગંભીર.
જ્હોની વોકરના બહુ જાણીતા ‘તે...લ....માલીશ...’ ગીતની એક લાઇનમાં તેલમાલીશના ગુણ ગણાવતા કહેવાયું છેઃ લાખ દુઃખો કી એક દવા હૈ... આજે તમે મેદસ્વીતા માટે કહી શકો કે મોટા ભાગની શારીરિક વ્યાધિનું કારણ છેઃ મેદસ્વીતા. શરીર પર મેદનો જથ્થો જેટલો વધુ એટલી રોગની શક્યતા વધુ. હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, સાંધાનો દુઃખાવો... અરે લખતાં જગ્યા ખૂટી પડે તેટલા રોગ આ મેદસ્વીતા લઇ આવે છે.
આપણી NHS (નેશનલ હેલ્થ સર્વીસ) ઈંગ્લેન્ડના નેશનલ મેડિકલ ડિરેક્ટર સર બ્રુસ કેઓઘે તાજેતરમાં આ ગંભીર સમસ્યા વિશે ચેતવણીનો સૂર ઉચ્ચાર્યો છે. તેમના મતે બ્રિટનના ૪૦ ટકા નાગરિકો ઓબેસિટી - મેદસ્વીતાથી પીડાઇ રહ્યા છે. મતલબ કે ઉંમર અને ઊંચાઇના પ્રમાણમાં તેમનું વજન બહુ વધુ છે. ખાસ કરીને કમર, થાપાના ભાગે જામેલા ચરબીના થર શરીરમાં અનેક રોગને આમંત્રે છે.
થોડા દિવસ પૂર્વે હું ૧૯૫૪માં વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં યોજાયેલા એક વિદ્યાર્થી સંમેલનના અને જ્યુબિલી બાગની જાહેર સભાના ફોટા નિહાળી રહ્યો હતો. જેમાં અટલ બિહારી વાજપેયી નામના યુવા નેતા સહિતના લોકો ‘દીવાસળી’ જેવા દેખાતા હતા. અને આજે?!
સર બ્રુસ કેઓઘનું કહેવું છે કે આજે સરકારે દેશભરમાં માથું ઊંચકી રહેલી ઓબેસિટીની સમસ્યાને નાથવા માટે સ્કૂલ-કોલેજ પર ધ્યાન કેન્દ્રીત કરવાની વધુ જરૂર છે. બાળકો-યુવા પેઢીમાં આ મુદ્દે જાગૃતિ માટે વધુ સઘન પ્રયાસ થવો જોઇએ. સર બ્રુસનું કહેવું છે કે બાળકો-યુવા પેઢીના મનમાં જ એ વાત ભારપૂર્વક ઠસાવી દો કે મેદસ્વીતા કેટલી જોખમી સાબિત થઇ શકે એમ છે. અને આ બાળકો-યુવા પેઢી જ તેમના પરિવારના મેદસ્વી સભ્યોમાં આ મુદ્દે લાલ બત્તી ધરવાનું કામ કરશે.
બદલાતી જીવનશૈલી, તનાવ, રેડી-ટુ-ઇટ-ફૂડ, જંકફૂડ તેમજ હલનચલનનો અભાવ ઈત્યાદી સહિતના પરિબળો વિશ્વભરમાં ઓબેસિટીનો વ્યાપ વધારી રહ્યા છે. જો આ સમસ્યાથી બચવું હશે તો આપણે આપણા ઘરથી જ તેની શરૂઆત કરવી પડશે. ઇશ્વરની અણમોલ ભેટસમાન માનવદેહને મંદિરનો દરજ્જો અપાયો છે ત્યારે તેને નિરોગી, સદાબહાર સ્વસ્થ રાખવું તે આપણા સહુની પ્રાથમિક ફરજ છે. (ક્રમશઃ)