વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે સોમવાર સવારની વાત છે. હું નિત્ય ક્રમ અનુસાર ન્યૂઝ એજન્ટને ત્યાં મારા અખબારો લેવા ગયો. સાતેક વાગ્યે શોપ ખૂલે અને એક ભારતીય યુવાન કર્મચારી હાજર હોય. સવારે ઠંડી તો સાધારણ કહેવાય તેવી હતી, પણ પવન સુસવાટા મારતો હતો. ઝરમરિયા વરસાદના છૂટાછવાયા ઝાપટાં પણ વરસી જતા હતા. ‘ગુડ મોર્નિંગ...’ કહીને પે’લો જણ બોલ્યો, ‘આ દિવસ તો ટૂંકો ને ટૂંકો થતો જાય છે... ને મારે જ આટલા વહેલા આવવું પડે છે. બસ અને અંડરગ્રાઉન્ડની એકાદ કલાકની જર્ની કરું ત્યારે અહીં પહોંચું ને સાત વાગતા સુધીમાં શોપ ખોલી નાખું. આટલું વહેલું પહોંચવાનું હોય બેડ તો વહેલી પરોઢે જ છોડી દેવો પડે...’
વરસાદની સાથોસાથ યુવાનની ‘અંતરવ્યથા’ પણ ધીમી ધારે ટપકી રહી હતી. વાત તો તેની સાચી હતી. આ શોપ સાથેનો મારો નાતો વર્ષોજૂનો એટલે રુટિન તો જાણુંને... દુકાનમાલિક દસ - સાડા દસ વાગ્યે આવે અને રાત્રે દસ - સાડા દસે દુકાન વધાવીને ઘરે જવા રવાના થાય. સાંજના છ - સાત વાગ્યે યુવા કર્મચારીને રજા આપી દીધી હોય. આ શોપનું સમયપત્રક.
યુવાન જે રીતે વાત કરી રહ્યો હતો તે સાંભળીને મને લાગ્યું કે ભાઇ, ભારે વ્યાકુળ છે. મારે તેને સાંત્વન આપવું જોઇએ, જેથી તે શાતા અનુભવે. મેં તેને કહ્યુંઃ ‘ભઇલા, હવે તારી આ ફરિયાદ ૨૨ જ દિવસ રહેશે. ૨૧ ડિસેમ્બરથી તો યુગો યુગોથી થતું રહ્યું છે તેમ સૂર્યમહારાજ દક્ષિણ ગોળાર્ધમાંથી ઉત્તર તરફ પ્રયાણ શરૂ કરશે અને દિવસ ધીમે ધીમે લંબાતો જશે. જોતજોતામાં વહેલી સવારથી સૂર્યદેવતા પણ તપવા લાગશે.’ આટલું કહીને મેં હસતાં હસતાં ઉમેર્યુંઃ જોજે, પછી કહેતો નહીં કે સવારે સાડા ચાર વાગ્યામાં અજવાળું થઇ જાય છે ને ટ્યુબમાં ગરમી...
તે હસી પડ્યો અને મારો દિવસ સુધરી ગયો. એક મૂંઝાયેલા કે અકળાયેલા માણસને હાસ્યથી મોટી ભેટ શું હોય શકે?! યુવાન મારા શબ્દોની ભીતરમાં રહેલી ભાવનાથી ખુશ થયો.
મિત્રો, આપણે સહુ, નાની-મોટી કોઇ પણ સમસ્યા કે તકલીફ કે અડચણ કે અવરોધ વેળા કેવું વલણ અપનાવીએ છીએ તેના પર આપણા તન-મનની સુખાકારીનો આધાર હોય છે. દરેકના જન્મ સાથે એક ઘટના નિશ્ચિત થઇ જાય છે - મૃત્યુ. જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નક્કી છે. આમાં કોઇ મીનમેખ ન થઈ શકે. જગતનિયંતાએ સર્જેલા આ કુદરતી ક્રમ અંગે સનાતન હિન્દુ સંસ્કૃતિમાં વધુ ઇચ્છવાયોગ્ય વલણ જોઇ શકાય છે. આપણે ત્યાં વેદોમાં કહેવાયું છેઃ
અસતો મા સદ્ગમય ।
તમસો મા જ્યોતિર્ગમય ।
મૃત્યોર્મા અમૃતં ગમય ।
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ।।
આપણા શાસ્ત્રોના રચયિતા એવા ઋષિમુનિઓની ઉમદા, ઉચ્ચ ભાવના તો જૂઓ. આપણે મહામૃત્યુના પંથેથી અમૃત સમીપે પહોંચવું જ રહ્યું. આપણી ઉંમર કોઇ પણ હોય, પરંતુ જો આપણે જીવન પ્રત્યે સાચી સમજ કેળવીએ તો સુખ-શાંતિનો સરવાળો ને ગુણાકાર થાય, નહીં તો બાદબાકી ને ભાગાકાર.
અત્રેના સમાચાર માધ્યમોમાં રજૂ થયેલી કેટલીક ઘટનાઓ ધ્યાન ખેંચે તેવી છે. બ્રિટનમાં જીવીત વ્યક્તિને સોશ્યલ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટના અમુક નિયત માપદંડો અનુસાર બેકારી, એકોમોડેશન માટે કે અન્ય વિવિધ પ્રકારના બેનિફિટ્સ મળે છે. આ આયોજન એટલા માટે થયું છે કે કમસે કમ દરેકને ઓછાવત્તા અંશે ભરણપોષણ બાબત ધરપત રહે. આ જ પ્રમાણે જ્યારે કોઇ અનાથ વ્યક્તિનું અવસાન થાય અને તેની અંતિમક્રિયા માટે આયોજન ન થયું હોય કે સગાંસ્વજનો તે આયોજન પ્રમાણે અંતિમક્રિયા ન કરી શકે કે ન કરે ત્યારે લોકલ કાઉન્સિલનો એક વિભાગ આ વ્યક્તિના અંતિમસંસ્કાર સંપન્ન કરતું હોય છે.
એક અહેવાલ દર્શાવે છે કે તાજેતરમાં આવા બેહાલ લોકો અને તેમની અંતિમક્રિયાનું પ્રમાણ વધી રહ્યું છે. તો બીજા એક અહેવાલ પ્રમાણે, જે વ્યક્તિ દારૂ, ડ્રગ્સ, જુગાર કે તેવા કોઇ વ્યસનના ચકરાવે ચઢી ગઇ હોય છે, જેણે જાતે કરીને જ પોતાના પગ પર કુહાડો મારીને જીવનની હાલત કફોડી કરી હોય તેવા ‘અનાથ’ની હાલત મહદઅંશે આવી થાય છે. આવા લોકોને પણ એકદમ ગરિમાપૂર્ણ રીતે અંતિમ વિદાય આપવા માટે સરકારી તંત્ર સારો ખર્ચ કરે છે.
અહીં સૌથી નોંધનીય બાબત એ છે કે મનની નબળાઇવાળી, પોતાની જાતને અંકુશમાં રાખવામાં નિષ્ફળ વ્યક્તિ જ હતાશાના માર્ગે જતી હોય છે. મોટા ભાગના આવા કિસ્સાઓમાં જોવા મળે છે તેમ આવી વ્યક્તિને સલાહ આપવા કરતાં પણ આવી વ્યક્તિ જાતે સમજે, પોતાની ખામી અંગે આત્મચિંતન કરે અને દૂષણ કે વ્યસનના ચક્કરમાંથી બહાર નીકળવાનો દૃઢ નિર્ધાર કરે એ જ (તેના પોતાના માટે) વધુ અકસીર સાબિત થતું હોય છે.
તાજેતરમાં એક હોસ્પીસ સેન્ટરની મુલાકાતે ગયો હતો ત્યાં એક એવી વ્યક્તિને મળ્યો, જેણે દારૂ-જુગારની લતમાં પરિવારની સંપૂર્ણ સંપત્તિ ઉડાવી નાખી હતી. એક સમયે આ વ્યક્તિનો પરિવાર ચાર - ચાર તગડા ધંધા ધરાવતો હતો. યુવાન અને તરવરિયા લોહીને (કુ)સંગનો રંગ લાગ્યો. દારૂ-સિગારેટની સાથે જુગારની લત વળગી. જુગાર માત્ર વીકએન્ડમાં રમે, પણ હાર્યો જુગારી બમણું રમે તે ન્યાયે દાવ એટલા મોટા લગાવતો ગયો કે જોતજોતામાં બધું ગુમાવી દીધું. દારૂ, ડ્રગ્સ, જુગાર... આ બધા વ્યસનોનું વિષચક્ર એવું છે કે વ્યક્તિ તેના રવાડે ચઢ્યો એટલે સમજો ભમ્મરિયા કૂવામાં ખાબક્યો. વ્યસનના અંધકારમાં ડૂબેલી આવી વ્યક્તિને બહારના કોઇ સલાહકારો કે જંતરમંતર કે બ્લેક મેજિક કરનારાઓ નહીં, પણ પોતાનો દૃઢ નિર્ધાર જ વિષચક્રમાંથી બહાર કાઢતો હોય છે. કહેવાય છે ને, જ્યાં લગી આતમ્ તત્વ ચીન્યો નહીં...
એક બીજો પણ અહેવાલ જાણવા જેવો છે. અમેરિકામાં હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થે ૨૦૧૨માં એક ખૂબ અગત્યનું સંશોધન કર્યું. આ સર્વેમાં ૫૪૨૨ વ્યક્તિને આવરી લેવામાં આવી હતી. આ તમામ વ્યક્તિઓ એવી હતી જેઓ ૨૦૦૩ની આસપાસ રોજિંદા કામધંધામાંથી નિવૃત્ત થઇ હતી. ૨૦૦૩ના વર્ષમાં અમેરિકાની લગભગ ૩૦ કરોડની વસ્તીમાંથી ૩ કરોડ ૩૬ લાખ લોકો નિવૃત્ત થયા હતા. ૨૦૩૦માં એટલે કે આગામી ૧૫ વર્ષમાં આ આંકડો વધીને ૭ કરોડ ૩૦ લાખ પર જઇ પહોંચશે.
૨૦૧૨માં જે સર્વે થયો હતો તેમાં જણાયું હતું તે જે લોકો નિવૃત્ત થયા હતા કે જેમને કાયદેસર પેન્શનનો અધિકાર મળ્યો છે તેમાંથી ૪૦ ટકા વ્યક્તિઓ ટૂંક સમયમાં કાં તો હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ભોગ બન્યા છે. આમ આખી જિંદગી વધુ ‘આરામ’દાયક નિવૃત્ત જીવન જીવવાના મનોરથ સાથે કામ કર્યું હોય તેમને આવી જિંદગી ભોગવવાનો અવસર ના સાંપડ્યો.
આ સંશોધનમાં બીજી એક વાત એ પણ બહાર આવી કે કોઇ પણ વ્યક્તિ કઇ રીતે નિવૃત્ત થાય છે, તેની જીવનશૈલી કેવી છે... વગેરે જેવી બાબતોને પણ શારીરિક-માનસિક આરોગ્ય સાથે ખૂબ ગાઢો સંબંધ છે. સાદી ભાષામાં કહું તે જે વ્યક્તિ દરરોજ મતલબ કે સપ્તાહમાં પાંચ-છ દિવસ રોજના આઠથી દસ કલાક કામ કરતી હોય, વર્ષો સુધી ઘરેથી ચોક્કસ સમયે નીકળીને કામના સ્થળે પહોંચતી હોય અને તે વ્યક્તિ નિવૃત્ત થતાં આ બધો જ રોજિંદો ક્રમ ખોરવાય જાય તે સ્વાભાવિક છે.
જીવનશૈલીમાં અચાનક સર્જાતી આ ‘અનિયમિતતા’ વ્યક્તિના જીવનમાં એટલો બધો બદલાવ લાવે છે કે જો તે ધ્યાન ન લેવાય તો આરોગ્ય પર અવળી અસર જોવા મળે જ. હલનચલન ઘટે, કદાચ કોઇનું દારૂ કે સિગારેટનું સેવન વધે, ઘરે બેઠાં ટીવી જોવાનું પ્રમાણ વધે કે પછી મિત્રો સાથે ટોળટપ્પાં કરતાં કુથલીનું ચક્કર શરૂ થાય. આવતીકાલે, આવતા સપ્તાહે, આવતા મહિને કે આવતા વર્ષે ક્યા, કેવા સંગીન લક્ષ્યાંકો હાંસલ કરવાના છે તેનું નક્કર આયોજન કરવાની ચિંતા રહેતી નથી. પરિણામે કોઇ પણ મુદ્દે તર્કબદ્ધ રીતે વિચારવાની મગજની ક્ષમતાને પણ કાટ લાગે છે. સંતાનો કે પરિવાર બાબત મનમાં વધુ આશાવાદ અને શ્રદ્ધા રાખવાના બદલે નકારાત્મક્તાના મૂળિયા ઊંડા ઊતરે છે. આ બધાના પરિણામે ઘણી વખત સ્વજનો પર દોષારોપણનો સિલસિલો શરૂ થાય છે. આમાં પણ જો પોતાના કે પોતીકાઓ પ્રત્યે સંશય, વહેમ મનમાં ઉદભવ્યા તો થઇ રહ્યું. જીવનભરના સાર સમા દૂધના મોટા કટોરામાં લીંબુ નીચોવાઇ ગયું હોય તેમ પારિવારિક સુખશાંતિનો માહોલ અખરાય જાય. નિવૃત્તિ ખરા અર્થમાં ગરિમાપૂર્ણ બની રહેવાના બદલે ત્રાસજનક બની જાય છે.
આ જ વિષયને નજરમાં રાખીને થોડાક વર્ષો પહેલાં ફ્રાન્સમાં એક સર્વે થયો હતો. સર્વેમાં ૧૧,૨૪૬ પુરુષો અને ૨૮૫૮ મહિલાઓને આવરી લેવામાં આવ્યા હતા. આ લોકો નિવૃત્તિ બાદ કઇ રીતે પ્રવૃત્ત રહે છે અને પરિણામસ્વરૂપ તેમના તન-મન પર કેવી કેવી અસર જોવા મળે છે તે બાબતનો અભ્યાસ આ સર્વેમાં કરવામાં આવ્યો હતો. અભ્યાસના આધારે એવો સાર નીકળ્યો છે કે અંતે તો દરેક વ્યક્તિનું મન કેવું છે, તે શું વાંછે છે, પોતાનું જીવન કેવા પ્રકારે ઘડવા માટે તત્પર રહે છે અને પરિવર્તનને કેવી રીતે ઘટાવાય છે તેના આધારે તેનું માનસ ઘડાય છે. જેવું મન તેવું તન - કંઇ અમસ્તું થોડું કહ્યું છે?!
આ વાત નિવૃત્ત થયેલા લોકો માટે તો વિચારણીય છે જ, પણ નિવૃત્તિની દિશામાં ડગ માંડી રહેલા લોકોએ પણ પાણી પહેલાં પાળ બાંધવાની જરૂર છે. અગાઉ જ ટાંકેલા શ્લોકનો ઉલ્લેખ ફરી કરું - અસતો મા સદ્ગમય... આ સૂત્ર કંઇ પોથીમાંના રિંગણ જેવું નથી. આપણા સજાગ મનમાં આ ભાવના સાચા અર્થમાં કંડારતા રહીએ તો આપણો જીવનકાળ, નિવૃત્તિકાળ અવશ્ય સુધરી શકે.
આ તમામ ચર્ચાનું એક ખાસ કારણ છે. તાજેતરમાં અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત બક ઇન્સ્ટિટ્યુટ ફોર રિસર્ચ ઓન એજીંગ દ્વારા આ અંગે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. ઇન્સ્ટિસ્ટયુટના પ્રોફેસર કોર્ગન રિચગોએ આ મુદ્દે કંઇક વિચારણીય સૂચનો કર્યા છે. આપ જાણતા જ હશો કે અમેરિકામાં કોઇ પણ
દવાને માન્યતા આપતા પૂર્વે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (એફડીએ) તેનો બારીક અભ્યાસ કરતો હોય છે.
અમેરિકાની એક નામાંકિત ફાર્માસ્યુટિકલ કંપનીએ તાજેતરમાં વ્યક્તિનું આયુષ્ય લંબાઇને ૧૨૦ વર્ષ કે તેથી વધુનું કરી શકાય તેવી દવા વિકસાવી છે. આમાં અચંબો પામવાની જરૂર નથી. બ્રિટનમાં શું કે ભારતમાં શું, વિશ્વના લગભગ દરેક દેશમાં માનવીનું સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે. ખાણીપીણી, દવા-ચિકિત્સા, કાળજી, કારણભૂત છે. મતલબ કે કામધંધામાંથી પરવારીને નિવૃત્તિ લેનાર વ્યક્તિને લાંબો જીવનકાળ પ્રાપ્ત થઇ શકે છે. મારા-તમારા જેવા સાઠ, સિત્તેર કે એંશીના કે વધારે ઉંમરે સારું આરોગ્ય ભોગવતાં જોઇ શકીએ છીએ.
અમેરિકામાં બીજી એક મેડિસીનનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે, જેનું નામ છે - Targeting Aging with Metformin (TAM). ડાયાબીટીસના દર્દીને - સુગર લેવલ અંકુશમાં રાખવા - મેટફોર્મિન આપવામાં આવે છે. સસ્તી અને અસરકારક ગોળી છે. એક દિવસની દવાના ૧૦ પેન્સ પણ માંડ થાય. આ ગોળી લેવાથી શરીરના રસાયણ તંત્રમાં ફેરફારના પરિણામે લોહીમાં રહેલા ઓક્સિજનના મોલેક્યુલ કોષમાં વધુ રિલીઝ થાય છે. ટૂંકમાં કહીએ તો, બ્લડ સુગર પર કાબુ મેળવવામાં અને તે રીતે આરોગ્યના જતનમાં મદદકર્તા બને છે. ‘ટેમ’ નામના આ નવા ક્લિનિકલ ટ્રાયલમાં ૭૦થી ૮૦ વર્ષની ૩૦૦૦ એવી વ્યક્તિને આવરી લેવામાં આવી હતી - જેઓ કેન્સર, હાર્ટ ડિસીઝ કે ડિમેન્શિયા જેવી બીમારીથી પીડાતી હતી. આ ટ્રાયલ તો ચાલુ જ છે, પણ પ્રાથમિક તબક્કે તેના સારા પરિણામ જોવા મળી રહ્યા છે.
મિત્રો, આજે અહીં આરોગ્યની, નિવૃત્તિની, મનની તંદુરસ્તની વાત કરી છે. કારણ? દરેક વ્યક્તની ઇચ્છા હોય છેને - મારું આયખું સુધરી જાય?! બસ, તેને ધ્યાનમાં રાખીને જ આ વાત કરી છે. પરંતુ જીવનમાં, તન-દુરસ્તી કે મન-દુરસ્તી, કંઇ આપોઆપ કે આકસ્મિક બનતી ઘટના નથી. આ માટે જાતને સાબદી કરવી પડે છે, વિચારસરણીને હકારાત્મક રાખવી પડે છે અને શરીરને સક્રિય રાખવું પડે છે.
નિવૃત્તિની પૂર્વ તૈયારી
આ પ્રકારના સંશોધનોમાં ખૂબ વ્યવસ્થિત અભ્યાસના આધારે કેટલાક સાવચેતીના સંદેશા સૂચવાયા છે. પહેલી બાબત તો એ કે અછતવાળી વ્યક્તિ હોય, મર્યાદિત આવક ધરાવતી વ્યક્તિ હોય કે સાધનસંપન્ન વ્યક્તિ હોય, નિવૃત્ત થતાં પૂર્વે જ આવક-જાવકનો આગોતરો વિચાર કરી લેવો આવશ્યક છે. જરૂર પડ્યે - ઓછી આવક છતાં - વધુ સાદગીપૂર્ણ જીવનશૈલી અપનાવીને પણ ભરપૂર જીવન માણી શકાય છે.
આ સંદર્ભે સાઉથ લંડનના બ્રિક્સટનમાં રહેતી બે સંતાનોની માતા એવી એક સિંગલ મધરનો દાખલો સમજવા જેવો છે. આ યુવતીને બેનિફિટ તરીકે સપ્તાહના માત્ર ૮૦ પાઉન્ડ મળે છે. રહેવા માટે કાઉન્સિલનો નાનો શો ફ્લેટ છે. જીવનનિર્વાહ માટે આટલી મર્યાદિત આવક છતાં યુવતી પરિવારનું ગાડું સરસ રીતે ગબડાવે છે. કઇ રીતે? તે સુપર માર્કેટમાં ખરીદી કરવા જાય છે ત્યારે ‘સ્માર્ટ શોપિંગ’ કરે છે. વસ્તુઓ જૂએ છે બધી, પણ ખરીદે છે જરૂરત અનુસાર જ. તાજેતરમાં સેલ બાય ડેટ નીકળી ગઇ હોય તેવી બ્રેડ, વેજીટેબલ્સ, ચીઝ ખરીદે. તે જાણે છે કે નિયત સમયમાં આ ચીજવસ્તુ વાપરી નાખવાની છે તેથી તેના બગડી જવાની કોઇ શક્યતા નથી. ભોજનમાં તે માંસાહારને ઓછું અને શાકાહારને વધુ અગ્રતા આપે છે. આથી ભોજનનો ખર્ચ તો ઓછો આવે જ છે, પરંતુ ભોજનમાં વેજીટેબલ્સનું પ્રમાણ વધુ રાખતી હોવાથી તે અને તેના બન્ને સંતાનો આરોગ્યની દૃષ્ટિએ વધુ ચુસ્ત-દુરસ્ત છે. તેને દારૂ-સિગારેટનું વ્યસન નથી એટલે પબ-પાર્ટીના ચસ્કાનો તો સવાલ જ નથી. આમ બહુ મર્યાદિત આવક છતાં પણ સારું જીવન જીવી શકે છે.
બીજી તરફ, સાધનસંપન્ન વ્યક્તિ પણ જો અગાઉથી પૂર્વતૈયારી ન કરી હોય અને બીજા લોકો પર પ્રભાવ પાડવા માટે ડોળ, આડંબર કે દેખાડો કરવા માટે ખોટા ખર્ચા કરવાના રવાડે ચઢી જાય તો નાણાં હોવા છતાં તેની નિવૃત્તિ ત્રાસદાયક બની જાય છે.
એક બીજી પણ વાત નોંધવા જેવી છે. વય વધવાની સાથે સાથે શારીરિક અને માનસિક ક્ષમતામાં ઘટાડો થવો કુદરતી છે. દવાના ડોઝ લઇને બહુ બહુ તો તેની ઝડપ ધીમી કરી શકાય, પણ તેને સદંતર ટાળી શકાય નહીં. આ સંજોગોમાં જવાબદારીની વહેંચણી આવશ્યક છે. નાનો-મોટો કાર્યભાર અન્યને સોંપવાની બાબતમાં અઘટિત સંશય કે વહેમ જરૂરી નથી. હા, આવો કોઇ નિર્ણય લેતાં એટલું અવશ્ય ધ્યાન રાખવું કે અન્ય ઉપર (પોતીકાં સગાં હોય તો પણ) આંધળો વિશ્વાસ મૂકવાની જરૂર નથી. આ સંજોગોમાં ક્યારેક તમે દુઃખ કે સંતાપનો શિકાર બની શકો છો. આવા કોઇ પણ સંજોગોને નિવારવા માટે આગોતરું આયોજન જરૂરી છે. જ્યારે વ્યક્તિની જ્ઞાનેન્દ્રીય, મગજ કંઇક સ્વસ્થ રીતે વિચારી શકતું હોય ત્યારે જીવનના આગામી તબક્કાની સમતોલ વ્યવસ્થા કરવી જરૂરી છે. નિવૃત્તિનો સમયગાળો કોઇક રીતે પ્રવૃત્તિમય રહેવો જરૂરી છે એમ પણ આવા અહેવાલમાં ભારપૂર્વક સૂચવવામાં આવ્યું છે.
સહુ સારા વાના થઇ થઇ રહેશે એમ કહીને બધું ‘ભગવાનની ઇચ્છા’ પર છોડી દેવું તેવો અભિગમ બદલાતા યુગમાં સદંતર અયોગ્ય ગણાય. સંયુક્ત પરિવારની પ્રથા હવે તો લગભગ તૂટી રહી છેને? આ સંજોગોમાં અંતે તો બધું પોતાના પર જ નિર્ભર હોય છે. કેમ રહેવું? કઇ રીતે રહેવું? તે આપણે જ નક્કી કરવું રહ્યું. આજે સી.બી. જીવનના આઠમા દસકામાં પ્રવેશવાની તૈયારીમાં હોય, અને હજુ ઘણું લાંબુ જીવવાનો અભરખો પણ હોય, પરંતુ ન કરે નારાયણ અને ૮૫મા વર્ષે જીવનનું ટાયર ફુસ્સ થઇ જાય તો શું થઇ શકે? પોતાની ઇચ્છાથી વિપરિત સંજોગો સર્જાય તો શું? તે અંગે પણ તેમણે કંઇક તો વિચાર્યું હોવું જોઇએને?! હાય મારો પૈસો... હાય મારો પૈસા... કરીને બેસી રહેવાથી સુખશાંતિ મળી જવાની કોઇ ગેરંટી નથી. આ માટે તો નક્કર આયોજન જ કરવું રહ્યું. જ્યારે આવું કરવામાં કચાશ રહી જાય છે ત્યારે સાધનસંપન્ન નિવૃત્તો માટે પણ જીવન બોજારૂપ બની જતું હોવાનું તારણ પણ સંશોધનમાં બહાર આવ્યું છે.
હમણાં એક પુસ્તક વાંચી રહ્યો છું, જેનો કેન્દ્રવર્તી વિચાર છે - વિજ્ઞાન અને ધર્મ. આ પુસ્તકની વાત તો ક્યારેક ભવિષ્યમાં માંડશું, પણ અત્યારે એટલું તો અવશ્ય કહીશ કે સનાતન સંસ્કૃતિના પાયામાં લગભગ દરેક સ્તરે, દરેક તબક્કે વૈજ્ઞાનિક અભિગમ જોવા મળે છે. અને આથી જ હજારો વર્ષ જૂની વિશ્વની આ સૌથી પુરાતન અને પ્રેરક સંસ્કૃતિ તરીકે સનાતન હિન્દુ પ્રણાલીને માન મળતું રહ્યું છે. ધર્મનો અર્થ માત્ર માળાના મણકા ફેરવીને શ્લોક ગણગણી લેવા કે ગીતાના શ્લોકોનું પઠન કરવા પૂરતો જ સીમિત નથી, પરંતુ આ દરેક શ્લોકને વાંચીને તેના સંદેશને સાચા અર્થમાં જીવનમાં આત્મસાત કરવા પ્રયત્નશીલ રહીએ તે જ ધર્મનું સાચું અનુસરણ છે.
હવે થોડાક મહિનામાં મહાશિવરાત્રી આવશે. શિયાળો દૂર થશે. પછી હોળી આવશે. દિવાળી હોય કે હોળી, આ બધા તો મનના કારણો છે. જેના હૈયે હામ, ત્યાં સદા દિવાળી. (ક્રમશઃ)