મા તે મા ને બીજા બધા વગડાના વા કંઇ અમસ્તું નથી કહેવાતું

સી. બી. પટેલ Wednesday 18th March 2015 06:28 EDT
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, રવિવારે ૧૫ માર્ચના રોજ બ્રિટનમાં મધર્સ ડે ઉજવાયો. અમેરિકામાં અને ભારતમાં પણ મધર્સ ડે ઉજવાય છે. યુનાઇટેડ નેશન્સે પણ વર્ષના એક ચોક્કસ દિવસને મધર્સ ડે તરીકે ઉજવવા જનરલ એસેમ્બલીમાં ઠરાવ પસાર કર્યો છે. જોકે આમ છતાં અમેરિકા, બ્રિટન કે ભારતમાં મધર્સ ડેની ઉજવણી સ્થળ-કાળના બંધનના કારણે અલગ અલગ દિવસે થાય છે. બ્રિટનમાં ૧૫ માર્ચે મધર્સ ડે ઉજવાય છે જ્યારે અમેરિકામાં ૧૦ મેના રોજ મધર્સ ડે ઉજવાય છે તો માતૃભક્તિનું આ જ પર્વ ભારતમાં મે મહિનાના બીજા રવિવારે મનાવાય છે.
આ શુભ અને પાવક દિને સમગ્ર માતૃશક્તિને વંદના. નોર્થ લંડનમાં આવેલા લોહાણા કોમના ધામેચા હોલમાં રવિવારે યોજાયેલી મધર્સ ડેની ઉજવણીમાં હું પણ સામેલ થયો. ભવ્ય હોલ, સુંદર આયોજન, સંગીતકારોના વૃંદ દ્વારા ગીત-સંગીતની રમઝટ, લિજ્જતદાર ભોજન અને આ બધામાં શિરમોરસમાન ભાવભીની યજમાનગતિ. સંસ્થાના ટોચના અગ્રણીઓ, પ્રમુખ શ્રી વિનોદભાઈ ઠકરારથી માંડીને, પાયાના સ્વયંસેવકોનો ઉમંગભર્યો આવકાર અને તમામ મહેમાનોની ઉષ્માપૂર્ણ સરભરાને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. સંભવ છે કે બ્રિટનમાં અન્ય સંસ્થા-સંગઠનોએ પણ પોતપોતાની રીતે મધર્સ ડે ઉજવ્યો હશે. જો ન ઉજવ્યો હોય તો આવતા વર્ષે અવશ્ય આયોજન કરજો તેવી નમ્ર અરજ છે.
કદાચ કેટલાક એવું પણ માનતા હશે કે મધર્સ ડેની ઉજવણી કોમર્શિયલ બની ગઇ છે. કાર્ડ મોકલવા, ગુલદસ્તો આપવો કે કેક-ચોકલેટ વહેંચવા જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ધંધાદારી વલણની અસર વર્તાતી હોય તો પણ માનવમાત્રને ઉત્સવ પ્રત્યે કંઇક અદકો અનુરાગ હોય છે તેને કોણ નકારી શકશે. યથામતિ-યથાશક્તિ થોડોક ખર્ચો પણ થાય, પરંતુ જરા એ તો જૂઓ કે મનનો ભાવ વ્યક્ત કરવા કેવો સોનેરી અવસર સાંપડે છે. ફાધર્સ ડે, મધર્સ ડે કે વીમેન્સ ડે જેવા અવસરોને ઉત્સવ તરીકે મૂલવીએ તે જ વધુ યોગ્ય ગણાય. બાકી તમે જ કહો, આજકાલ ક્યા પ્રસંગ, પર્વ, ઉત્સવનું વ્યવસાયીકરણ નથી થયું?
ધામેચા હોલમાં લગભગ ૩૫૦ મહેમાનો ઉપસ્થિત હતા. મેં હોલમાં એવા કેટલાય પરિવારો જોયા કે જેઓ માતૃશક્તિની સાથોસાથ તેમના સંતાનો, ગ્રાન્ડ ચિલ્ડ્રનો સાથે પધાર્યા હતા. મારી બાજુમાં જ શ્રીમતી સુધાબહેન ભટ્ટેસા બેઠાં હતાં અને તેમની બાજુમાં તેમના માતુશ્રી દિવાળીબા હિંડોચા - સોડમાં ગ્રાન્ડ ડોટરને લઇને - બેઠાં હતાં.
ગીતોની રમઝટ શરૂ થઇ. સૌથી પહેલાં ‘અમર’ ફિલ્મનું યાદગાર ગીત ‘ઇન્સાફ કા મંદિર હૈ, યહ ભગવાન કા ઘર હૈ...’ રજૂ થયું અને માહોલ જામી ગયો. ‘દાદીમા’ ફિલ્મનું ગીત ‘એ મા તેરી સૂરત સે અલગ ભગવાન કી સૂરત ક્યા હોગી...’ રજૂ થયું. મધર્સ ડેની ઉજવણી માટે આથી વધુ પ્રસંગોચિત્ત ગીત બીજું ક્યું હોય શકે? ગીત છેક ૧૯૬૬નું છે, પણ માતૃભક્તિ, લાગણી, પ્રેમને ક્યારેય સમયનો લૂણો લાગ્યો નથી, અને લાગવાનો પણ નથી. આ લેખ સાથે બોક્સમાં રજૂ કરેલા શબ્દો પર જરા નજર તો માંડો... હૈયું પુલકિત થઇ જશે, માતૃપ્રેમ આંખોમાંથી છલકાઇ ઉઠશે. પાંચેક દસકા જૂનું ગીત જૂનું હોવા છતાં તે આજે પણ એટલું જ તરોતાજા લાગે છે તેના મૂળમાં આ જ તો વાત છે.

ફિલ્મઃ દાદીમા (૧૯૬૬)
ગાયકઃ મન્ના ડે - મહેન્દ્ર કપૂર
ગીતકારઃ મજરુહ સુલ્તાનપુરી

ઉસકો નહીં દેખા હમને કભી
પર ઈસકી જરૂરત ક્યા હોગી
એ માં એમાં તેરી સુરત સે અલગ
ભગવાન કી સૂરત ક્યા હોગી, ક્યા હોગી
ઉસ કો નહીં દેખા હમને કભી

ઈન્સાન તો ક્યા દેવતા ભી આંચલ મેં પલે તેરે
હૈ સ્વર્ગ ઈસી દુનિયા મેં કદમો કે તલે તેરે
મમતા હી લુંટાયે જિસકે નયન હો
મમતા હી લુંટાયે જિસકે નયન
એસી કોઈ મૂરત ક્યા હોગી
એ માં એમાં તેરી સુરત સે અલગ
ભગવાન કી સૂરત ક્યા હોગી, ક્યા હોગી
ક્યોં ધૂપ જલાયે દુઃખો કી ક્યોં ગમ કી ઘટા બરસે
યે હાથ દુઆઓ વાલે રહેતે હૈ સદા સર પે
તું હૈ તો અંધેરે પથ મેં હમે, હો
તું હૈ તો અંધેરે પથ મેં હમે
સુરજ કી જરૂરત ક્યા હોગી
એ માં એમાં તેરી સુરત સે અલગ
ભગવાન કી સૂરત ક્યા હોગી, ક્યા હોગી
ઉસકો નહીં દેખા હમને કભી

કહતે હૈ તેરી શાન મેં જો કોઈ ઊંચે બોલ નહીં,
ભગવાન કે પાસ ભી માતા તેરે પ્યારા કા મોલ નહીં,
હમ તો યહી જાને તુજસે બડી, હો
હમ તો યહી જાને તુજસે બડી
સંસાર કી દૌલત ક્યા હોગી
એ માં એમાં તેરી સુરત સે અલગ
ભગવાન કી સૂરત ક્યા હોગી, ક્યા હોગી

ઉસકો નહીં દેખા હમને કભી
પર ઈસકી જરૂરત ક્યા હોગી
એ માં એમાં તેરી સુરત સે અલગ
ભગવાન કી સૂરત ક્યા હોગી, ક્યા હોગી
ઉસકો નહીં દેખા હમને કભી

માતૃપ્રેમનું પણ આવું જ હોય છે ને... જૂનું તેટલું સોનું ભલે કહેવાતું હોય, પણ માતાના માટે તમે કહી શકો એ તો જેટલો જૂનો એટલો જ અમૂલ્ય. તમે જિંદગીના પાછલા વર્ષો પર નજર ફેરવજો... તમે અનુભવશો કે તમારી વય વધવાની સાથોસાથ માતાનો પ્રેમ પણ વધ્યો છે. જરા વિચારો તો... મારી વાતમાં દમ જણાય છેને?
પણ સાચું કહું તો હકીકત આ નથી. માતાનો પ્રેમ તો અગાઉ જેટલો જ બળકટ હોય છે, બસ તમારી વયના વધવા સાથે, સમજદારીના વધવા સાથે તમે માતૃપ્રેમનું મહત્ત્વ સમજતા થયા હો છો. એક નાનકડું ઉદાહરણ આપીને મારી વાત જરા વિગતે સમજાવું. તમે નાના હતા ત્યારે પડ્યા-આખડ્યા હશો અને ગામઆખું સાંભળે તેવો ભેંકડો તાણ્યો હશે. આ સમયે માતાએ તમને ગોદમાં લીધા હશે, હળવે-હળવે તમારો બરડો પસવાર્યો હશે ને તમે પીડાનું દુઃખ ભૂલીને શાંત થઇ ગયા હશો. આ માતાના હાથની કમાલ છે, તેના પ્રેમની તાકાત છે...
અને હવે મોટા થયા છો ત્યારે?! પડવા-આખડવાનું તો અત્યારે પણ બનતું જ હોય છે - ફરક માત્ર ચોટના, ઇજાના પ્રકારનો હોય છે. નાના હતા ત્યારે શારીરિક ઇજા થતી હોય છે, મોટા થઇએ છીએ ત્યારે માનસિક ઇજા વધુ થતી હોય છે. જેમ કે, સામાજિક સમસ્યા, મૂંઝવણ, આર્થિક નુકસાન, કોઇના દ્વારા અપમાન થવું વગેરે વગેરે. આ ચોટની પીડા શારીરિક ઇજા કરતાં પણ વધુ હોય છે, પણ આપણે હૈયું હળવું કરી શકતા નથી. નાના હોઇએ છીએ ત્યારે માન-મોભાની ચિંતા હોતી નથી એટલે મોટે અવાજે રડી લઇએ છીએ અને માતાનો વ્હાલભર્યો હાથ ફરતાં જ તમામ દુઃખદર્દ, પીડા ભૂલીને હળવાફૂલ થઇ જઇએ છીએ. પણ વયમાં મોટા થઇ જઇએ છીએ ત્યારે ગમેતેવી મોટી ‘ચોટ’ વાગવા છતાં રડી શકતા નથી. આપણને આપણી ઉંમર, માન-મોભો, દરજ્જો જેવા સામાજિક બંધનો નડતા હોય છે.
કોઇ ‘ચોટ’ લાગે છે ત્યારે અંતરમન ઝંખતું હોય છે કાશ, કોઇ મારી વાત સાંભળે, પીડા સમજે. આ ‘કોઇ’ની તલાશ માતા પાસે જઇને અટકતી હોય છે. તમે ક્યારેક માર્ક કરજો - કોઇ પણ મુશ્કેલી વેળા માતા પાસે પહોંચી જજો. એક પણ શબ્દ બોલ્યા વગર તે તમારી વાત સમજી જશે. તમારા બરડે કે માથે પ્રેમાળ હાથ ફેરવશે ને તમારા દિલોદિમાગ હળવા થઇ જશે. અગાઉ કહ્યું તે ફરી કહું છું - આ માતાના હાથની કમાલ છે, તેના પ્રેમની તાકાત છે... વિશ્વભરના સાહિત્યમાં માતૃશક્તિના, માતૃપ્રેમના ગુણગાન ગવાયા છે. જોકે મને તો એક યહૂદી કહેવત બહુ જ ગમે છે - God could not be everywhere, so he created mother. ઇશ્વર સર્વત્ર પહોંચી શકતો ન હોવાથી તેણે માતાનું સર્જન કર્યું છે. માતાને ઇશ્વર સમોવડી ગણાવતી કેટલી સરસ વાત છે.
અરે... આપણે તો વાતો કરતાં કરતાં ધામેચા હોલની બહાર નીકળી ગયા. ચાલો પાછા પહોંચીએ... આ બંદા તો ગાયક વૃંદની સાથે ગીતો ગણગણતાં આસપાસ નજર ફેરવતા હતા - લોકો પર આ ગીત-સંગીતની કેવી અસર છે તે જાણવા હું મથતો હતો. કોઇ જરા મોટા અવાજે ગાઇને ગાયકોના સૂરમાં સૂર મિલાવતા હતા તો કેટલાક વળી હોઠ ફફડાવતા હતા. જોકે આ તમામના ચહેરા પર એક વાત સમાન દર્શન દેતી હતી - સહુ કોઇએ રોજબરોજની ચિંતાને કોરાણે મૂકીને માતા કે દાદીમા સાથે અનુસંધાન સાધ્યું હોવાનું દેખાતું હતું. દિવાળીબા ટાંઝાનિયાના ટબોરા નગરથી અહીં આવીને વસ્યાં છે. (બાય ધ વે, આપણા લોર્ડ નવનીતભાઇ ધોળકિયા પણ ટબોરાના વતની કહેવાય.) દિવાળીબાને હોલમાં ઉભેલા જોયા, હરતાંફરતાં પણ નિહાળ્યા, અને બેઠાં હતાં તો બાજુમાં જ - એટલે ગ્રાન્ડ ડોટરને લાડ લડાવતાં પણ જોયાં. ઉંમરનો અણસાર સુદ્ધાં દેખાતો નહોતો. દિવાળીબાની ચુસ્તીસ્ફુર્તિ જોતાં કોઇ માનવા તૈયાર ન થાય કે તેઓ ૯૦ દિવાળી જોઇ ચૂકયાં છે. મેં વંદન કર્યા અને કેટલાક પ્રશ્નો પણ પૂછ્યાં. ખાસ કરીને સ્વાસ્થ્ય અંગેના. ખરેખર હું તેમનાથી બહુ પ્રભાવિત થયો હતો. હું જીવન પ્રત્યેના તેમના અભિગમ વિશે જાણવા માગતો હતો. મારો ઇરાદો સ્પષ્ટ હતો - થોડુંક મને કામ લાગશે (બાપલા, ‘ડિપાર્ચર’ માટેનો મારો ટાર્ગેટ તો જાણો જ છો ને? ૯ એપ્રિલ, ૨૦૪૮!) અને થોડુંક તમને ઉપયોગી થશે.
દિવાળીબાનું કહેવું હતું કે તેઓ દરરોજ મળસ્કે પાંચ વાગ્યે ઉઠી જાય છે. થોડીક વાર યોગ કરીને ધર્મધ્યાન કરે. વિશાળ પરિવાર છે, સહુ કોઇ સાથે સંપર્કમાં રહે. ટીવી પણ જૂએ અને ફિલ્મો પણ નિહાળે. ધાર્મિક કાર્યક્રમોમાં પણ સામેલ થાય. તેમને વાચનનો પણ શોખ. આખો દિવસ કોઇને કોઇ રીતે પ્રવૃત્ત રહે. સુધાબહેને દિવાળીબાની વાતમાં સૂર પુરાવતાં કહ્યુંઃ સી.બી., ‘ગુજરાત સમાચાર’ તો આખેઆખું વાંચી જાય છે. બીજા પણ અખબારો-સામયિકો વાંચે, પણ તેમને ‘ગુજરાત સમાચાર’ માટે વિશેષ લગાવ, સદભાવ છે એમ કહું તો ખોટું નહીં.
બંદાને તો ગોળનું ગાડું મળી ગયું... એક પ્રકાશક-તંત્રીને આથી વિશેષ શું જોઇએ? જોકે આ બધી તો સુધાબહેન કે દિવાળીબાએ કરેલી વાતો થઇ. પણ મને જો કોઇ દિવાળીબાના વ્યક્તિત્વનું સૌથી આકર્ષક પાસું પૂછે તો કહું - તેમનું સ્મિત. તેમના ચહેરા ઉપર સતત આછેરું સ્મિત જોયું. આ સ્મિતમાં તમને જિંદગી પ્રત્યેનો પરમ સંતોષ છલકતો જોવા મળે. મને તો લાગે છે કે આ જ છે તેમની ચુસ્તી-સ્ફૂર્તિનું રહસ્ય.
ધામેચા હોલમાં મેં કેટલાય વડીલોને સ્વસ્થતાપૂર્વક બેસીને સંગીતસંધ્યા માણતા જોયાં. મન પ્રફુલ્લિત થઇ ગયું. મધર્સ ડેના આગમનના થોડાંક દિવસ પૂર્વે જ એક પરિચિતે ફરિયાદના સૂરમાં વેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે મધર્સ ડેના દિવસે જ સંતાનો માતાને ફોન કરે કે કાર્ડ મોકલે કે પછી કેક-ચોકલેટ કે અન્ય ભેટસોગાદ આપીને માતા પ્રત્યેની ફરજ નિભાવ્યાનો સંતોષ માની લે છે. આ છે આપણા સંતાનો... પરિચિત વડીલની વાત તો લાંબી હતી, પણ મેં તેનો અર્ક અહીં રજૂ કર્યો છે.
વાચક મિત્રો, વડીલે આવું જોયું હશે તેની ના નહીં, પણ હું તેમની વાત સાથે સહમત નથી. મારો તેમને જવાબ હતોઃ આવું ક્યાંક બનતું હશે, પણ જવલ્લે જ. શક્ય છે કે સંતાનને અભ્યાસ-નોકરી કે વ્યવસાયાર્થે દૂર જઇ વસવું પડ્યું હોય. તેને પણ સમય-સંજોગની મર્યાદા નડતાં હોય. કદાચ કોઇ વળી અંતર્મુખી સ્વભાવના પણ હોય એટલે વારેઘડીએ પ્રેમને શબ્દોમાં વાચા ન આપતા હોય તેવું પણ બને, પરંતુ આ બધાનો અર્થ કંઇ એવો તો નથી જ કે તેને માતા કે પિતા પ્રત્યે પ્રેમ, લાગણી કે આદર નથી.
મોટા ભાગના સંતાનો સ્વીકારે છે કે હું બાળક હતો ત્યારે સૌપ્રથમ માતાની આંગળી પકડીને પા-પા પગલી માંડી હતી, પછી પિતાની આંગળી પકડી આગળ વધ્યો. આવા સંતાનો મોટા થયે માતા-પિતાની પાછલી જિંદગીમાં જરૂર પડે ત્યારે તેમની ટેકણલાકડી અને ઉષ્માસપૂર્ણ સંગાથ બની રહેતા હોય છે. મારા અંગત જીવનની જ વાત કરું. ૨૬ ડિસેમ્બર, ૨૦૦૩ બોક્સીંગ ડેના રોજ મારા માતુશ્રીએ અમારા બધાની વચ્ચેથી વિદાય લીધી. ઉંમર નાની હતી - માત્ર ૯૩ વર્ષ. આના છ દિવસ પહેલાની જ આ વાત છે.
અમારા એપાર્ટમેન્ટના લિવિંગ રૂમમાં હું અને એક સુશિક્ષિત ભાઇ બેઠા બેઠા વાતો કરતા હતા. ત્યાં જ ચાલીસેક ફૂટ દૂર આવેલા બેડરૂમમાંથી કમળાબાએ મોટા અવાજે હાકોટો નાખ્યોઃ ‘ચંદ્રકાન્ત...’ અવાજમાં કડપ પણ ખરો. હું તરત જ ઉભો થયો ને તેમના રૂમમાં પહોંચી ગયો. ‘બેસ...’ તેમના શબ્દોમાં સૂચન કરતાં આદેશ વધુ હતો. ‘મારે હવે દવાખાને જવાનો સમય થયો છે. મારી સાથે નીચે આવ ને ગાડી સુધી મૂકી જા.’ મેં તેમને કહ્યું કે ‘અરે બા, તમે ન કહ્યું હોત તો પણ મૂકી જ જવાનો હતો...’ આ સાંભળીને મર્માળુ હસ્યા. જાણે વગરબોલ્યે કહેતા હતા - ‘... તો ઠીક.’ બાનો હાથ પકડ્યો અને ગાડીમાં બેસાડીને પાછો આવ્યો.
દીકરો ગમે તેટલી દુકાનુંનો માલિક થાય કે પરકાશક થાય કે તંતરી થાય, માતાથી મોટો તો નથી થઇ શકવાનો ને?! પરંતુ આ બધું જોઇને મને મળવા આવેલા ઉચ્ચ શિક્ષિત ભાઇ જોતાં જ રહી ગયા. કમળાબાએ જે રૂઆબભેર ‘આ ૬૬ વર્ષના દીકરા’ને બોલાવ્યો હતો એ વાતનું તેમને ભારે આશ્ચર્ય થયું હતું. અને તેથી પણ વધુ આશ્ચર્ય તો તેમને એ વાતનું થયું હતું કે હું પડ્યો બોલ ઝીલીને બા પાસે દોડી ગયો હતો. આજે એક આંતરરાષ્ટ્રીય કંપનીમાં ઉચ્ચ હોદ્દો શોભાવતા આ સજ્જનને આજેય તે પ્રસંગ યાદ છે. અને કમળાબાની વાત નીકળે છે ત્યારે અચૂક તે પ્રસંગ યાદ કરે છે. આ સમયે મારો જવાબ પણ એ જ હોય છે - જે મેં તે તે વેળા આપ્યો હતોઃ માએ આપેલા આદેશનું શબ્દશઃ પાલન કરવું એ સંતાનની ફરજ છે.
જે માતાએ તેની કૂખમાં મને નવ મહિના સાચવ્યો હતો, લાલનપાલનથી ઉછેર્યો હતો, ધરતી પર અને જીવનસંસારમાં પા પા પગલી પાડતાં શીખવ્યું હતું તેમના પાર્થિવ દેહને કાંધ આપીને અંતિમ વિદાય માટે લઇ જવો તેને પણ જીવનની વિષમતા જ ગણવી રહીને? પરંતુ ખરેખર હું બહુ નસીબદાર છું કે બાની સેવામાં મારો સમગ્ર પરિવાર ખડેપગે રહ્યો હતો.
ખેર, વાચક મિત્રો, લાગણીભીના માહોલમાંથી પાછાં ફરીએ. ત્રણેક વર્ષ પૂર્વે ગુજરાતના બે લેખકોના પુસ્તકો વાંચ્યા હતા. ગુજરાતથી અમેરિકાના પ્રવાસે જઇને પરત ફરેલા આ બન્ને વિદ્વાનોએ પુસ્તકમાં તેમના વિદેશ પ્રવાસના અનુભવ્યો રજૂ કર્યા હતા. તેમણે એક મત એવો વ્યક્ત કર્યો હતો કે અમેરિકામાં વસતાં ગુજરાતી દંપતીઓ બહુધા ઘરકામમાં મદદરૂપ થવા કે સંતાનની સારસંભાળ લેવા માટે જ વતનથી તેમના માતા-પિતાને બોલાવતા હોય છે અને આમ તેમનું શોષણ થાય છે... વગેરે વગેરે.
મને વિદેશવાસી ગુજરાતી (કે ભારતીય) દંપતીઓ માટેનો આ અભિપ્રાય વાંચીને ખરેખર આઘાત લાગ્યો હતો. સંભવ છે કે આ બન્ને લેખકોએ અમેરિકા કે પછી પશ્ચિમના અન્ય દેશોમાં જે પરિવારની મહેમાનગતિ માણી હશે ત્યાંનો આવો નજારો જોઇને ‘માતા-પિતાના શોષણ’નું સર્વગ્રાહી તારણ કાઢ્યું હશે, પણ વાસ્તવિક્તા અલગ છે તેવું મારું માનવું છે. હું આ લેખકોને એટલું જ કહેવા માગું છું કે પરદેશ પ્રવાસ કે અન્ય કોઇ સ્થળના પ્રવાસ વેળા ખરા અર્થમાં જીવનશૈલીનો અભ્યાસ કરવો હોય તો મર્યાદિત દૃષ્ટિકોણ, અનુભવને આધારે સર્વગ્રાહી તારણ પર પહોંચવાનું ટાળો. આવું ભૂલભરેલું વલણ આખરે તો સમાજ-જીવનની બેબૂનિયાદ છાપ ઉપસાવવામાં નીમિત્ત બનતું હોય છે.
હું તો માનું છું કે વયસ્ક સંતાનોને માતા-પિતા સાથે રહેવાની તક મળવી કે પૌત્રો-પૌત્રીઓને દાદા-દાદી સાથે રહેવા મળે એ તો જીવનનો અદકો અવસર છે. બ્રિટનમાં ૧૩ માર્ચના રોજ જાહેર થયેલા અહેવાલમાં સરકારી દસ્તાવેજોના આધારે તારણ રજૂ થયું છે કે દેશના ૨૦ લાખ વર્કિંગ ફેમિલીમાં સંતાનોના ઉછેર તેમ જ અન્ય પ્રકારે દાદીમાનું ખૂબ મોટું અનુદાન છે. આંકડા સ્વયં સ્પષ્ટ કરે છે કે દીકરા-દીકરીના સંતાનોના ઉછેરમાં સામેલ થવું તે મજબૂરીની નહીં, ઉમળકાની બાબત છે. આ જિંદગીને સદા તરોતાજા રાખવી હોય માસુમ બાળકોના પ્રેમ જેવી કોઇ અકસીર જડીબુટ્ટી નથી. ફરી સ્વાનુભવ જ ટાંકું છું.
ગયા સપ્તાહે મારે અનુપમ મિશનની મુલાકાતે જવાનું નક્કી થયું હતું. ડેન્હામમાં બની રહેલા મંદિરમાં ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની કથા સંદર્ભે તેઓ મને કોઇ જવાબદારી સોંપવા માગતા હતા.

હાલ લંડન પ્રવાસે આવેલા આપણી અમદાવાદ ઓફિસના બિઝનેસ મેનેજર હાર્દિક શાહ અને હું - બન્ને ટ્યુબમાં જવા નીકળ્યા. મૂળ આયોજન એવું હતું કે મેનેજિંગ એડિટર કોકિલાબહેન તેમજ તેમના પતિ ડો. પ્રવિણભાઈ અમને રસ્તામાં એક સ્થળે મળવાના હતા અને કારમાં લિફ્ટ આપીને અનુપમ મિશન લઇ જવાના હતા. કોકિલાબહેનના દીકરા ચિ. જીગરના છ વર્ષના ગ્રાન્ડ સન રાહુલ અને ચાર વર્ષની ગ્રાન્ડ ડોટર લારાને ખબર પડી કે તેમના દાદા-દાદી તો ‘સી.બી.દાદા’ને મળવાના છે. બન્નેએ જીદ પકડી મને મળવાની. અનેક સમજાવટ છતાં તેઓ ન માન્યા તે ન જ માન્યા ને અમે પ્રોગ્રામ બદલીને તેમના ઘરે પહોંચ્યા. જે લોકો આ ઘટનાના સાક્ષી છે તેઓ જાણે છે કે આ ટેણિયાઓએ તેમના ‘સી.બી.દાદા’ પર કેવો પ્રેમ વરસાવ્યો હતો. ખરેખર આ માસૂમ ભૂલકાંઓની નિસ્વાર્થ લાગણી જોઇને મારી આંખો ભીંજાઇ ગઇ.

વાચક મિત્રો, જીવનની આ જ તો સાચી કમાણી છે. તમને પાઉન્ડ કમાવાના તો અઢળક અવસર મળી રહેતા હોય છે અને મળી રહેશે, પણ પ્રેમ મેળવવાની તક તો આપણે જ ઝડપી લેવાની હોય છે. મારે સંતાનો કેટલા છે તે તો સહુ કોઇ જાણે છે, પણ માનસ સંતાનો અનેક છે તે વિશે બહુ ઓછા જાણે છે. આ માનસ સંતાનોના પણ સંતાનોનો પ્રેમ અને લગાવ જ ‘સી.બી.દાદા’ને ચેતનવંતા રાખે છે એમ કહું તો ખોટું નથી. આજે હું આ બાળકોના પ્રેમ થકી જ તન-મનનો બળિયો છું. જીવનનો આ જ તો નિયમ છે - કોઇ જાતની અપેક્ષા વગર પ્રેમ વહેંચો, આ જ પ્રેમ તમને અનેકગણો થઇને પાછો મળશે, મળશે અને મળશે જ.
ચીનમાં નવેક દસકા પૂર્વે પ્રથા હતી. પ્રપૌત્રો કે પ્રપૌત્રીઓ રાત્રે તેમના દાદા કે દાદી સાથે સૂઇ જતાં. નોબેલ પ્રાઇઝ વિજેતા સાહિત્યકાર પર્લ બકે ‘ગુડ અર્થ’ પુસ્તકમાં આ વાતની સરસ રજૂઆત કરતાં લખ્યું છે કે દાદા-દાદી કે તેમના ગ્રાન્ડ ચિલ્ડ્રનને આ સાથ અવર્ણનીય આનંદ તો આપે જ છે, સાથોસાથ તે સંબંધોને પણ શક્તિ પ્રદાન કરે છે. આ સપ્તાહે આપને ‘ગુજરાત સમાચાર’માં ઓસ્ટ્રેલિયાનો એક પ્રસંગ વાંચવા મળશે. જેમાં એક માસુમ બાળકની વાત છે. બીમાર બાળકની સારવાર માટે તબીબો ભારે જહેમત ઉઠાવે છે, પણ છેવટે તેમનું તબીબી જ્ઞાન, વિજ્ઞાન હાર સ્વીકારે છે. ડોક્ટરો માતા-પિતાને જણાવી દે છે કે અમારાથી શક્ય તમામ પ્રયાસો કર્યા છે, પણ હવે જીવ બચાવવો શક્ય નથી. સમજો કે બાળકના આખરી શ્વાસ ચાલે છે. આ સાંભળીને માતા-પિતા સ્તબ્ધ થઇ જાય છે. ડોક્ટર જતા રહે છે. બે પળ ભારેખમ મૌનમાં વીતે છે અને માતા તેના ઉપરના વસ્ત્રો ઉતારવા લાગે છે. મોતના મુખમાં પહોંચી ગયેલા સંતાનને તે છાતીએ વળગાડી દે છે. તે સ્ત્રી પોતાના પતિને પણ આવું જ કરવા કહે છે. સંતાનને મોતના મુખમાંથી પાછું ખેંચી લાવવાની માતા-પિતાની પ્રબળ ઝંખના અને પ્રેમની ઉષ્મા સામે છેવટે મોત પણ હાર સ્વીકારે છે અને બાળક જીવી જાય છે.
વાચક મિત્રો, કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે પ્રેમમાં અદભૂત તાકાત રહેલી છે. થોડોક પ્રેમ આપશો તો ખૂબ મેળવશો. માત્ર બાળકોના પ્રેમ પૂરતી આ વાત સીમિત નથી. માનવમાત્ર પ્રત્યે સ્વેચ્છાથી, સહજ રીતે પ્રેમ પ્રગટ કરીએ છીએ, મૈત્રીભાવ વ્યક્ત કરીએ છીએ ત્યારે થોડુંક આપીને ઘણું બધું પામતા હોઇએ છીએ.
સુવિખ્યાત જૈન મુનિ ચિત્રભાનુ મહારાજ સાહેબની ખૂબ જાણીતી રચના ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે...’ સ્થળસંકોચના કારણે ભલે હું સંપૂર્ણ રજૂ કરી શકતો નથી, પણ કંઠસ્થ જરૂર છે. મિત્રો, તમે પણ આ કૃતિ મેળવીને અવશ્ય વાંચજો અને તેમાં રહેલો સંદેશ જીવનમાં ઉતારજો. આ ધરાતલ પર મૈત્રીભાવની તોલે આવે તેવો કોઇ ભાવ નથી.
અહિંસા પરમો ધર્મઃ
ગયા શનિવારે લંડનના પાર્લામેન્ટ સ્કવેરમાં એક અવર્ણનીય ઘટના બની. નવ ફૂટના કાંસાના શિલ્પ સ્વરૂપે મહાત્મા ગાંધી ત્યાં ગોઠવાયા છે. તે પ્રસંગે ગાંધીજીના અહિંસા વિશેના વિચારોનું અમિતાભ બચ્ચને વાચન કર્યું હતું અને ગાંધીજીના મુઠ્ઠીઉંચેરા પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ મનનીય પ્રવચન આપ્યું. આ અંકમાં તે અક્ષરસઃ રજૂ કર્યા છે.
મેં હજુ હમણાં જ ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું...’ ગીત ટાંક્યું છે. ગાંધીજીએ આ જ લાગણીને અહિંસા પરમોઃ ધર્મ સૂત્ર રૂપે રજૂ કરી છે. આજે ભાન ભૂલેલા લોકો ધિક્કાર અને ધાર્મિક કટ્ટરવાદથી પ્રેરાઇને હિંસાના માર્ગને અનુસરી રહ્યા છે. હજારો-લાખો નિર્દોષોનું લોહી વહાવી રહ્યા છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આવા આસુરી તત્વો અંતે તો ભસ્મીભૂત જ થતા હોય છે. એક બાળકનો જન્મ થાય છે અને તેની વય વધવા છતાં તે તો પ્રેમનું ઝરણું જ વહાવતું રહે છે, પણ સ્વાર્થી મનુષ્ય બાળમાનસમાં ધિક્કારની ચિનગારી ચાંપીને તેનું જીવન રફેદફે કરી નાખે છે. વાત માન્યામાં ન આવતી હોય તો સીરિયામાં સક્રિય આતંકવાદી સંગઠન આઇએસ (ઇસ્લામિક સ્ટેટ) દ્વારા તાજેતરમાં પ્રકાશિત તસવીર પર નજર ફેરવજો. માસુમ ચહેરો ધરાવતો દસેક વર્ષનો એક બાળક હેન્ડગન વડે એક નિર્દોષ બંધકને ઠાર કરતો જોવા મળશે. ઇશ્વર સહુને સદબુદ્ધિ આપે તેવી અભ્યર્થના. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter