વડીલો સહિત સહુ વાચક મિત્રો, શિર્ષકના પાંચ શબ્દો વાંચીને લગારેય એવું ન વિચારતા કે આ માણસના માથામાં સુખનો ફાંકો છવાયો છે કે આ તો સી.બી.નો અહં બોલે છે. આ શબ્દો દ્વારા તો હું મારી આપના પ્રત્યેની કૃતજ્ઞતા, પરમાત્મા પ્રત્યેની ભાવના વ્યક્ત કરી રહ્યો છું. વાત માન્યામાં ન આવતી હોય તો ચાલો, મારી સાથે પૂર્વ લંડનના ઇલફર્ડ સ્થિત વીએચપી સંકુલમાં. ત્યાં એક બાજુ સુંદર મજાનું સનાતન મંદિર આપ જોઇ રહ્યા છો. આપણા સર્વ દેવ-દેવતાઓ ત્યાં બિરાજમાન છે. પૂજારીઓ અને ભક્તજનોએ પહેરાવેલા વાઘાં અને સાજશણગારમાં દેવતાઓ કેવા સરસ લાગે છે. એક તરફ શિવલિંગ શોભાયમાન છે. આગળ પોઠિયો છે, અને પાછળ ઉમા મહેશ અને બાજુમાં દુંદાળા ગણેશ બેઠા છે. કારપેટ ફેલાવેલો ચોખ્ખોચણાક હોલ કુદરતી પ્રકાશથી ઝળાહળા છે. આ જૂઓને... એક તરફ વડીલો ઇશ્વરસ્મરણ કરી રહ્યા છે તો બીજી તરફ, મહિલા વૃંદ ફૂલમાળા બનાવવાની સાથે સાથે અલકમલકની વાતો કરી રહી છે. હવામાં ગુજરાતી, હિન્દી, પંજાબી વગેરે ભાષાના સ્વદેશી શબ્દો ગૂંજી રહ્યા છે. અને વિદેશી હોવા છતાં સ્વ-દેશી બની ગયેલી અંગ્રેજી વગર તો ચાલે જ કેમ?! ત્રીજી તરફ, આપણી ભાવિ પેઢી જેવા ૭-૮ બાળકો એક વડીલના મુખે અંગ્રેજીમાં કહેવાઇ રહેલી હિન્દી પૌરાણિક કથાને રસપૂર્વક સાંભળી રહ્યા છે. હનુમાનજીએ
કૂદકો તો માર્યો છે, પણ હવે તેઓ ક્યાં પહોંચીને ‘લેન્ડીંગ’ કરે છે તે જાણવાની ઉત્કંઠા સૌના ચહેરા પર છવાયેલી છે.
મેઇન હોલમાં સુંદર રીતે સજાવાયેલા સ્ટેજની સામે ગોઠવાયેલી ૨૦૦ જેટલી ખુરશીઓ મહેમાનોની રાહ જોઇ રહી છે. કાર્યક્રમ અઢી વાગ્યે શરૂ કરવાનું આયોજન છે. બે વાગી ગયા છે અને વીએચપી સેન્ટર તથા મંદીરના અગ્રણીઓ સ્ટેજની બાજુમાં આવેલી પીએ (પબ્લિક એડ્રેસ) સિસ્ટમને સમીનમી કરવાની ગડમથલમાં જોતરાયેલા જોવા મળે છે. તેમની વચ્ચે ચાલતી ચર્ચા પરથી સમજાય છે કે આગલા દિવસે યોજાયેલા કાર્યક્રમમાં વાયરીંગના કારણે પીએ સિસ્ટમમાં કંઇક ખરાબી સર્જાઇ હતી. સવા બે થયા. અઢી થયા. વડીલ સન્માનમાં જેમને પોંખવાના હતા તે ૫૦ જેટલા વડીલો અને માતાઓ તેમના સ્વજન સાથે આવી પહોંચ્યા છે. ૧૭ વ્યક્તિનું શ્રવણ સન્માન થવાનું છે તેઓ પણ હાજર છે. મોટા ભાગના આમંત્રિતો સમયસર આવીને પોતપોતાના સ્થાન પર બેસી ગયેલા જોવા મળે છે. સહુ કોઇ કાર્યક્રમનો આરંભ થવાની ધીરજપૂર્વક રાહ જોઇ રહ્યા છે. તમામના ચહેરા પર વહેલામાં વહેલી તકે કાર્યક્રમ શરૂ થવાની અપેક્ષા છવાયેલી છે. પરંતુ આટલા મોટા હોલમાં મારું વ્હાલું પીએ સિસ્ટમ વગર તે કેમનું ચાલે?
ઘડિયાળના કાંટાએ ૨.૩૦ના આંકડાને વટાવ્યો ને મને ચટપટી ઉપડે છે. મનમાં બહુ અસુખ થાય છે કે આ તે કેવી લાચારી?! બધું ટનાટન છે, પણ પીએ સિસ્ટમે રંગમાં ભંગ પાડ્યો છે. સમયનો સદુપયોગ થવો જ જોઇએ તેવા દૃઢ નિર્ધાર સાથે સ્ટેજ પર પહોંચી જઇને મોટા અવાજે કહું છુંઃ ચાલો, આપણે ભજન ગાઇએ. એકાદ-બે ભજનની પંક્તિઓ લલકારું છું અને આમંત્રિતો જોડાતા જાય છે. એક માતાએ નવું ભજન શરૂ કર્યું. એક વડીલે પણ બીજા ભજન સાથે સાદ પુરાવ્યો.
આ દરમિયાન આમંત્રિતોમાં બેસેલા એક સજ્જન મારી પાસે આવ્યા. નામ તેમનું પિયુષભાઇ મહેતા. મને સહેજ બાજુ પર લઇ જઇને કહ્યુંઃ જો પીએ સિસ્ટમનો જ વાંધો હોય તો એક ઓપ્શન છે. મારા ઘરે પીએ સિસ્ટમ છે, અને મારું ઘર પણ માંડ દસેક મિનિટના અંતરે જ છે... તમે કહો તો જઇને લઇ આવું?
વાચક મિત્રો, કહેવાય છેને કે સારા કામમાં સો વિઘ્ન આવે, પરંતુ આવું બોલતી વખતે આપણે એ ભૂલી જતા હોઇએ છીએ કે આ સો વિઘ્નને ઉકેલવામાં મદદરૂપ થવા ‘હજાર હાથવાળો’ પણ કોઇને કોઇ સ્વરૂપે તૈયાર જ બેઠો હોય છે. ૧૯ માર્ચે આ ‘હજાર હાથવાળો’ પિયુષભાઇ સ્વરૂપે આવ્યો હતો. પિયુષભાઇ તેમના સેવન કિંગ્સ સ્થિત નિવાસસ્થાને ગયા અને પીએ સિસ્ટમ લઇ આવ્યા. ને કાર્યક્રમ શરૂ થયો. શામળિયાએ પોતાની હુંડી સ્વીકારી તો નરસિંહ મહેતાને કેટલો આનંદ થયો હશે તે મને આજે સમજાઇ રહ્યું હતું.
સ્ટેજ પર વીએચપીના અગ્રણીઓ, અમદાવાદથી ખાસ આ કાર્યક્રમ માટે જ પધારેલા મુખ્ય અતિથિ જતીનભાઇ પારેખ સાથે હું બેઠો હતો. કોકિલાબહેન, ભાઇ કમલ સહિતના સાથીદારો કાર્યક્રમમાં જરા સરખી પણ ચૂક ન રહી જાય તે માટે કામે વળગ્યા હતા. મારે પ્રાસંગિક સંબોધન કરવાનું આવ્યું ત્યારે થોડીક અવઢવ હતી કે ગુજરાતીમાં બોલવું, હિન્દીમાં બોલવું કે પછી અંગ્રેજીમાં બોલવું. પરંતુ હળવાશ મને બહુ ગમે છે. આથી મેં બાવા હિન્દીમાં શરૂ કર્યુંઃ હિન્દીમાં બોલને કા ટ્રાય કરતા હું, પણ થોડા આઘાપાછા હો જાય તો સંભાલ લેના... અને સભાખંડમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. બસ હું આ જ ઇચ્છતો હતો. કાર્યક્રમમાં વિલંબથી કંટાળેલા લોકોના ચહેરા ચમકી ઉઠ્યા.
કાર્યક્રમના કી-નોટ સ્પીકર હતા જતીનભાઇ પારેખ. તેમણે હિન્દીમાં સ-રસ અને પ્રેરણાદાયી સંબોધન કરીને કાર્યક્રમને દીપાવી દીધો એમ કહું તો તેમાં લેશમાત્ર અતિશ્યોક્તિ નથી. મૂળ સૌરાષ્ટ્રના વતની જતીનભાઇનો પરિચય તો આપ સહુએ ગયા સપ્તાહના ગુજરાત સમાચારમાં વાંચ્યો જ હશે. આ જ અંકમાં અન્યત્ર આપને આ સમારંભનો વિશેષ અહેવાલ વાંચવા મળશે.
કાર્યક્રમમાં પરમાત્માના અંશો સમાન ૯૭-૯૮ વર્ષના માતા-પિતા તુલ્ય વડીલોથી માંડીને બાળકો પણ જોવા મળતા હતા. વડીલોને જોઇને મને સહજ વિચાર આવી ગયો કે ખુરશી ગાદી વાળી છે તે સાચું, પણ જો તેમને બેસવા માટે સોફાની સગવડ કરી હોત તો વધુ સારું હતું. લાંબો પ્રવાસ કરીને આવેલા આ વડીલો વધુ આરામદાયક માહોલમાં કાર્યક્રમની મજા માણી શક્યા હોત. મનમાં આ બધા વિચારો હિલોળા લેતા હતા.
સાચે જ હું આપણા આ માવતરોને જોઇને બહુ પ્રભાવિત થયો. તેમને બોલાવ્યા, અને તેઓ ઉત્સાહભેર આવ્યા પણ ખરા. તેમના દિલમાં પણ લાગણીના સ્પંદનો હિલોળા લેતા હશેને! સાઉથ લંડન, નોર્થ લંડન, લેસ્ટર, પ્રેસ્ટન, માંચેસ્ટર દરેક સ્થળે આવો જ પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે. કેટલાય વાચકોએ રૂબરૂ મળીને કે ટેલિફોન દ્વારા કે લાગણીસભર પત્રો પાઠવીને આ આયોજનને બિરદાવ્યું છે. આમાંના કેટલાક પત્રો તો અમે ‘તમારી વાત’ કોલમમાં રજૂ પણ કર્યા છે.
અલબત્ત, બહુ દુઃખ અને અફસોસ સાથે સ્વીકારવું રહ્યું કે મોટા ભાગના વડીલોને તેમના સંતાનો કે પરિવારજનો તરફથી ભાગ્યે જ આવા માન-સન્માન મળે છે. કદાચ કોઇ નસીબવંતા વડીલને બર્થ-ડે કે વેડીંગ એનિવર્સરી પ્રસંગે કેક કાપવાનો અવસર સાંપડે તો પણ ગણ્યાગાંઠ્યા સ્વજનોની ઉપસ્થિતિ હોય. અહીંની જેમ ૨૦૦-૨૫૦ મહેમાનોનો મેળો તો ન જ જામ્યો હોયને?
કાર્યક્રમ દરમિયાન વડીલ વંદના વેળા ‘ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં...’ ના ગાન સાથે આરતીનો પ્રારંભ થયો તે સાથે જ ઓડિયન્સમાં બેઠેલા રવિ ભાનોતને મેં આરતી કરવા બોલાવ્યા, માતા-પિતા, પત્ની, સંતાનો સાથે આવેલા રવિભાઇ જે શ્રદ્ધાપૂર્વક આરતી ગાઇ રહ્યા હતા તે નિહાળીને સામે બેઠેલા માતા-પિતા પણ ભાવવિભોર થઇ ગયા. બન્ને તેમની બેઠક પરથી ઉભા થઇ ગયા. માતાએ પંદર-વીસેક ફૂટના અંતરેથી જ ઓવારણા લઇને પુત્રને બન્ને હાથે આશીર્વાદ આપ્યા. આ દૃશ્યે ખરેખર મને એટલો લાગણીભીનો કરી દીધો કે મારી આંખોમાં આંસુ છલકાઇ ગયા.
થોડોક હળવો થવા હું હોલમાંથી બહાર નીકળીને એક ખૂણામાં જઇને ઉભો રહ્યો. આ સોનેરી ક્ષણનો સાક્ષી બનાવવા બદલ હું પરમાત્માનો આભાર માની રહ્યો હતો. મને મારા માતા-પિતાની સ્મૃતિ તાજી થઇ ગઇ. આ પ્રસંગે જો તેઓ સદેહે ઉપસ્થિત હોત તો તેમણે પણ મને આ આયોજન બદલ
આટલી જ લાગણી સાથે આશીર્વાદ આપ્યા હોત તે મને ખાતરી છે.
થોડીક મિનિટો પછી હું હોલમાં પરત જઇ રહ્યો હતો ત્યારે સંભવતઃ આશરે ૮૫ વર્ષના એક વડીલ માતાએ મને રોક્યો. ‘ક્યાં ઓછું આવ્યું કે આંખમાં પાણી વહી ગયા?’ વાચક મિત્રો, વધતી વયની અસરથી આ વડીલોની આંખો ભલે ઊંડી ઉતરી ગઇ હોય, પરંતુ નાનામાં નાની વાત પણ તેમની નજરથી છુપી રહેતી નથી તે વાતનો પુરાવો તેમના પ્રશ્ન પરથી મળતો હતો.
મેં બહુ સહજભાવે કહ્યું, ‘અરે આ તો હર્ષના આંસુ હતા. આપની કાળજી લેવામાં થોડીક કચાશ રહી ગઇ છે, પણ આપ સહુ કૃપા કરીને પધાર્યા છો તે વાતનો અમને બહુ આનંદ છે. આ તો આપ સહુનું સ્વાગત, સન્માન કરતાં જે આનંદની લાગણી અનુભવી રહ્યો છું તેના આંસુ છે. દુઃખના આંસુ તો મારી આંખમાં ડોકાતા જ નથી. હા, કોઇ નિકટના સ્વજનનું અવસાન થયું હોય ત્યારે આંખો ટપકી જાય તે વાત અલગ છે. બાકી આજના આંસુ તો સુખના છે. લગારેય દુઃખ નથી.’ આ પછી તે વડીલ માતાએ જે એક વાક્ય કહ્યું તેમાં ઘણુંબધું સમાય જાય છે. તેમણે કહ્યું, ‘સીબી, તમે બહુ નસીબદાર છો, તમને કેટલા સારા કામ કરવાનો અવસર સાંપડે છે.’
મિત્રો, લેખના મથાળામાં જે શબ્દો ટાંક્યા છે તે આ જ સંદર્ભે ટાંક્યા છે. તે શબ્દોમાં લગારેય
ફરિયાદ કે નકારાત્મકતાનું તત્વ નથી. પરમ કૃપાળુ પરમાત્મા, વાચકો અને સંખ્યાબંધ શુભેચ્છકોની બહુ કૃપા છે. હું ઇચ્છું કે સહુ કોઇ મારા જેવા સુખી અને સદભાગી બની રહે.
આજે હું જ્યારે તે માતાના શબ્દો યાદ કરું છું ત્યારે થાય છે કે તેમની વાત તો સાચી છે હોં... આ જૂઓને છેલ્લા ૧૦-૧૨ દિવસમાં કેટલા અફલાતુન કામો થયા છે. એકમેકને પૂરક બને તેવા ચઢિયાતા કાર્ય થયા છે. ગુજરાત સમાચાર - એશિયન વોઇસના પ્રકાશક-તંત્રી તરીકે મને આ કાર્યક્રમોમાં સામેલ થવાનો અવસર સાંપડ્યો. મોંઘેરા વાચકથી માંડીને અનેક મહાનુભાવોનું આતિથ્ય કરવાનું સદભાગ્ય મને મળ્યું.
૧૦ માર્ચે હાઉસ ઓફ કોમન્સમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પબ્લિક લાઇફ અને પોલિટિકલ એવોર્ડ યોજાયો હતો. ગયા સપ્તાહના ગુજરાત સમાચારમાં આપ સહુએ આ અંગેનો અહેવાલ વાંચ્યો હશે.
૧૨ માર્ચે હેઇસના બેક થિયેટરમાં મિલાપ ફેસ્ટે ગીત-સંગીતનો એવો જલ્સો રજૂ કર્યો કે વાત ન પૂછો. ડો. પ્રશાંત નાયકના નેતૃત્વમાં મિલાપ ફેસ્ટમાં પરંપરાગત ભારતીય સંગીતની સૂરિલી સરવાણી વહી. ખરેખર હું બહુ નસીબદાર છું કે આવી મોંઘેરી સંસ્થાનો હું પેટ્રન છું.
૧૪ માર્ચે લોર્ડ નવનીત ધોળકિયા અને કર્મયોગ ફાઉન્ડેશનના ટ્રસ્ટી કાંતિભાઇ નાગડાએ હાઉસ ઓફ કોમન્સમાં સરસ્વતી સન્માનનો પ્રેરણાદાયી સમારંભ યોજ્યો હતો. વિદ્યાદાનનું મહત્ત્વ ચરિતાર્થ કરતા આ નમૂનેદાર કાર્યક્રમનો સચિત્ર અહેવાલ આપને આ અંકમાં કે આગામી અંકમાં વાંચવા મળશે.
૧૭ માર્ચે, નેહરુ સેન્ટરમાં બહેન પિયાલી રે અને શ્રી રણજીત સોંઢી આયોજિત કાર્યક્રમમાં સામેલ થયો. આ કાર્યક્રમના આયોજનમાં પણ આપણા પ્રકાશનો નીમિત્ત બન્યા છે. ૯ જાન્યુઆરી, ૧૯૧૫ના ગાંધીજી સ્વદેશ પરત આવ્યા. ભારતનું ભાગ્ય બદલી નાખનારી આ ઘટનાના ૧૦૦ વર્ષ થયા તે પ્રસંગે - ગયા વર્ષે ૯ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ - અમદાવાદ સ્થિત કોચરબ આશ્રમમાં ગુજરાત સમાચાર-એશિયન વોઇસના સહયોગથી એક કાર્યક્રમ યોજાયો હતો.
બાય ધ વે, અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમને તો બહુધા લોકો જાણે છે, પણ કોચરબ આશ્રમથી બહુ ઓછા લોકો વાકેફ છે. ગાંધીજીએ ભારત આગમન બાદ સૌથી પહેલા કોચરબ આશ્રમ સ્થાપ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ પણ કોચરબ આશ્રમમાં કાર્યક્રમ યોજવાના નિર્ણયને બિરદાવતા એવી લાગણી વ્યક્ત કરી હતી કે અમદાવાદના સાબરમતી આશ્રમ (કે ગાંધી આશ્રમ)ને તો સહુ કોઇ જાણે છે, પરંતુ લોકોની સ્મૃતિમાંથી વિસરાઇ ગયેલા, પણ ગાંધીજીવનમાં આગવું મહત્ત્વ ધરાવતા આશ્રમમાં આ કાર્યક્રમનું આયોજન ખરેખર સ્તુત્ય છે.
કોચરબ આશ્રમમાં યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીજીના જીવનકવનને આવરી લેતી આંતરરાષ્ટ્રીય નિબંધ સ્પર્ધાનું લોન્ચિંગ થયું હતું તો ૧૭ માર્ચે લંડનના આંગણે, નેહરુ સેન્ટરમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્પર્ધાના ભાગરૂપે મળેલા નિબંધોનું સંપાદન પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરાયું હતું. આ કાર્યક્રમમાં પણ આપ સહુ વતી આપના પ્રિય સાપ્તાહિકો ગુજરાત સમાચાર - એશિયન વોઇસે સહયોગ આપ્યો હતો.
૧૯ માર્ચે સહુ કોઇએ શ્રવણ સન્માન અને વડીલ સન્માન કાર્યક્રમ માણ્યો. વાચક મિત્રો, સાચું કહું તો ભગવાન મારી સાથે પક્ષપાત કરી રહ્યા છે. મને જ આ બધો લાભ કેમ મળે છે?! સંભવ છે કે આપ સહુ સુજ્ઞ વાચકો, શુભેચ્છકો પરમ કૃપાળુ પરમાત્માને સારા કાર્યમાં મને નિમિત્ત બનાવવા મારું નામ સૂચવતા રહો છો. આથી નિમિત્ત ભલે હું બની રહ્યો હોઉં, પણ કારણ તો તમે છો. આપ સહુને આદરપૂર્વક વંદન સાથે આગળ વધુ...
•••
ટોરી પક્ષમાં પડી એક તકરાર
ટોરી પક્ષ અને સરકાર માટે છેલ્લું સપ્તાહ એક નહીં, અનેક કારણસર સમસ્યાઓ, સંકટો અને સંતાપસર્જક બની રહ્યું છે એમ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી. બુધવારે ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને સાવ આભાસી-બાબાસી બજેટ રજૂ કર્યું. લગભગ ૨૦ વર્ષના લાંબા અંતરાલ પછી પાર્લામેન્ટમાં સંપૂર્ણ બહુમતી ધરાવતા ટોરી પક્ષનું આ પહેલું પ્રજાલક્ષી બજેટ હતું. આ સંજોગોમાં કોઇ પણ નાણા પ્રધાન બજેટમાં સરકારી અર્થતંત્રને સાંગોપાંગ કરવા માટે સહુથી પહેલા તો પ્રજાને સંપૂર્ણ સુવિધા કે સગવડ આદિ વ્યવસ્થા પૂરી પાડવાના ઉદ્દેશથી પોતાના આયોજન કરે, નક્કર ઇરાદા કંડારે, પણ અફસોસ. આ બજેટમાં ચાન્સેલર ઓસ્બોર્ને ક્ષુલ્લક વાતો કરીને મન મનાવ્યું છે.
જેમ કે, વેલ્સમાં જવા માટેના ટોલ બ્રિજના દર ઘટશે કે નોર્ધર્ન આયર્લેન્ડમાં એર એમ્બ્યુલન્સની સગવડતામાં વધારો થશે કે અમુક વિસ્તારમાં રોડ બગડી ગયા છે તે સારા બનાવાશે, વગેરે જેવી વાતોનો સમાવેશ થાય છે. ખરેખર તો બજેટ રાષ્ટ્રીય પરિમાણોને નજરમાં રાખીને ઘડાય છે.
સદૈવ સરકારની આકરી ટીકા કરતા અખબારી માધ્યમોને તો સમજ્યા, સરકારના સમર્થક તરીકે જાણીતા અખબારોએ પણ ઓસ્બોર્નના બજેટને વખોડ્યું છે. વિશ્લેષણમાં ચાન્સેલરને ઠમઠોરતા જણાવ્યું છે કે બજેટમાં દેશના અર્થતંત્ર માટે સત્વશીલ કહી શકાય તેવું કોઇ તત્વ ભાગ્યે જ જોવા મળે છે. ઠોકંઠોક બજેટ રજૂ થયું છે, વગેરે વગેરે.
વાચક મિત્રો, નાણાપ્રધાને ક્ષુલ્લક વાતો કરીને બજેટનું મહત્ત્વ ઘટાડ્યું છે કે સામાન્ય પ્રશ્નોનું મહત્ત્વ વધાર્યું છે એ તમે જાતે જ નક્કી કરી લેજો. જ્યોર્જ ઓસ્બોર્ને સૌથી મોટો લોચો માર્યો હોય તો એ કે તેમણે ડિસેબલ એબિલિટી બેનિફિટ પર દોઢ બિલિયન પાઉન્ડનો તોતિંગ કાપ મૂકીને સરકારના નાણા બચાવ્યા! અને પછી આ નાણા વાપર્યા ક્યાં? જેઓ સારી આવક ધરાવે છે તે લોકોને કરરાહત આપવામાં. ગરીબને લૂંટીને આર્થિક સદ્ધર વર્ગને સહાયભૂત થવાનું વલણ આ દેશમાં ભાગ્યે જ જોવા મળે. આ દેશમાં છતવાળા પાસેથી લઇને અછતવાળાને સુવિધા આપવાના માનવતાવાદી અભિગમના બદલે ઓસ્બોર્ને હાથના કર્યા હૈયે વાગે તેવી જોગવાઇ બજેટમાં કરી છે.
સંભવ છે કે આગામી મહિનાઓમાં કે વર્ષમાં ડેવિડ કેમરન વડા પ્રધાનપદેથી રાજીનામું આપે. અને વડા પ્રધાન પદ પામવાની આ તક ઝડપી લેવા ઓસ્બોર્ન થનગની રહ્યા છે. જોકે ઓસ્બોર્ન કુદરતનો એ નિયમ ભૂલી જાય છે કે જેવું કરીએ તેવું પામીએ. ખાડો ખોદે તે પડે. ટોરી પક્ષના પૂર્વ નેતા અને પ્રધાનમંડળના વરિષ્ઠ સાથી ઇયાન ડંકન સ્મિથે ગયા શુક્રવારે તેમના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. બજેટની કેટલીક જોગવાઇઓથી નારાજ ઇયાન ડંકન સ્મિથે શુક્રવારે સાંજે વડા પ્રધાન ડેવિડ કેમરનને એક પત્ર પાઠવીને એવો ઉકળાટ ઠાલવ્યો હતો કે ડિસેબિલિટી એલાઉન્સમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ અતિ સંવેદનશીલ મુદ્દે બજેટ પૂર્વે મળેલી કેબિનેટ બેઠકમાં એક શબ્દ પણ ચર્ચાયો નહોતો. બજેટની આ જોગવાઇ સાથે હું સંમત નથી. આપણી સરકારમાં સંવેદનશીલતાનો અભાવ જોવા મળી રહ્યો હોવાથી હું પ્રધાન પદેથી રાજીનામું આપી રહ્યો છું. વગેરે... વગેરે.
ઇયાન ડંકન સ્મિથના આ આકરા પત્રથી કેમરનની બહુ કફોડી હાલત થઇ છે. એક તો યુરોપિયન યુનિયનમાં બ્રિટનના સભ્યપદના મુદ્દે પક્ષના વરિષ્ઠ સાથીદારો જ સામે પાટલે જઇ બેઠા છે. ત્યાં હવે ઇયાન ડંકન સ્મિથે રાજીનામું આપીને સરકારને ભીંસમાં લીધી છે. કેમરને ઇયાન ડંકન સ્મિથને ફોન કર્યો. તેમને મનાવવા ઘણા પ્રયત્ન કર્યા, પણ તેઓ ટસના મસ થવા તૈયાર નથી. છેલ્લા થોડાક સમયથી સરકારે જમણેરી વલણ અપનાવ્યું છે, જે સ્મિથ અને કેટલાક સાથીદારોને ભારે વેદના આપતું હતું. છેવટે સ્થિતિ અસહ્ય બનતા સ્મિથે રાજીનામું આપી જ દીધું.
જ્યોર્જ ઓસ્બોર્ન બજેટમાં ગોથું ખાઇ ગયા છે તે વાત કેમરનની તકલીફ વધારી શકે છે. ૨૩ જૂને યુરોપિયન યુનિયનના મુદ્દે રેફરન્ડમ થશે. રેફરન્ડમને હજુ ત્રણ મહિના બાકી છે, પણ ટોરીમાં તકરાર વધી રહી છે. કેમરન સરકારના પ્રીતિ પટેલ સહિતના પાંચ સભ્યો સ્પષ્ટ માને છે કે બ્રિટને ઇયુમાંથી નીકળી જ જવું જોઇએ. આમ, કેમરન માટે આગામી સમય વધુ મુશ્કેલ બની શકે છે. હું અગાઉ પણ કહી ચૂક્યો છું, અને આજે પણ માનું છું કે વડા પ્રધાન કેમરને રેફરન્ડમ મુદ્દે બળતું પકડવાની કોઇ જરૂર નહોતી. ટોરીમાં એક જૂથ એવું છે કે જે યુરોપિયન યુનિયન સામે સૂગ ધરાવે છે. તેઓ સ્વતંત્ર રાષ્ટ્રના હિમાયતી છે. આવા જૂથને વડા પ્રધાન કેમરને કાં તો પોતાનો દૃષ્ટિકોણ સમજવવાની જરૂર હતી અથવા તો પછી તેમને ચૂંટણી લડી લેવાનો પડકાર ફેંકવાની જરૂર હતી. વળી, રેફરન્ડમ યોજવા માટે પણ કોઇ બંધારણીય જરૂર તો હતી જ નહીં. આમ છતાં કેમરને રેફરન્ડમનું લાકડું બળતું પકડ્યું છે. તેમનો આશય તો કદાચ પક્ષમાં એકસૂત્રતા લાવવાનો હતો, પરંતુ થયું છે તેથી ઉલ્ટું. હવે કેમરન માટે આગળ છે કૂવો અને પાછળ છે ખાઇ. (ક્રમશઃ)
•••