વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા શુક્રવારે વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન - ચેકર્સ ખાતે સવારના નવ વાગ્યાથી, જરૂર પડે તો મધરાત સુધી ચર્ચા કરવાની તૈયારી સાથે, કેબિનેટના સૌ સભ્યોની એક નાજુક પ્રશ્ન વિશે, વિવાદાસ્પદ પણ, મહત્ત્વની બેઠક વડા પ્રધાન થેરેસા મેએ યોજી હતી. તે વેળા કેબિનેટના ૧૩ સભ્યો યુરોપિયન યુનિયન (ઇયુ) સાથેના છૂટા-છેડા બાબત બાંધછોડ કરવાની (સોફ્ટ બ્રેક્ઝિટ) તરફેણમાં તૈયાર હતા. આઠ સભ્યો (હાર્ડ બ્રેક્ઝિટ) એટલે કે બ્રિટન નક્કી કરે તે શરતો પ્રમાણે જ ઇયુ સાથે ફારગતિ થવી જોઇએ તેવો મત ધરાવતા હતા. જ્યારે પાંચ સભ્યો એવા હતા કે જે ઇયુમાંથી બ્રિટન સાથે છૂટા થવું જોઇએ કે નહીં તે મુદ્દે અવઢવમાં હતા.
અંતે સાંજે પોણા સાત વાગ્યે એક અખબારી યાદીમાં વડા પ્રધાન ઓફિસે સર્વસંમતિથી છૂટાછેડાની સંભવિત શરતો બાબત નિર્ણય લીધો છે તેવી ઘોષણા થઇ. શનિવારે અત્રેના રાજકીય વર્તુળો, સવિશેષ તો સત્તાધિશ કન્ઝર્વેટિવ પાર્ટીમાં ભારે ઉથલપાથલ જોવા મળી.
રવિવારે સિનિયર કેબિનેટ મિનિસ્ટર ઉપરાંત તેમજ બ્રેક્ઝિટ બાબત ઈ.યુ. સાથે વાટાઘાટના મુખ્ય સૂત્રધાર ડેવિડ ડેવિસે સરકારમાંથી રાજીનામું આપ્યું. પોતે કેટલાક મુદ્દે ‘આગવો અભિપ્રાય’ ધરાવતા હોવાનું કારણ આગળ ધરીને ડેવિસે મે સરકાર સાથે નાતો તોડ્યો હતો. આ પછી સોમવારે સાંજે કન્ઝર્વેટિવ પક્ષની વડા પ્રધાન થેરેસા મેની ઉપસ્થિતિમાં મળેલી બેક બેન્ચર્સની ૧૯૨૨ કમિટીમાં - આ જટિલ સમસ્યા - કેટલી સ્ફોટક બનશે તે મુદ્દે શંકા-કુશંકા સેવાઇ હતી. આ બેઠક અતિશય ગુપ્ત હોય છે. પત્રકારોને તેમાં પ્રવેશ ન જ હોય, પરંતુ અહેવાલો અનુસાર તેમાં બ્રેક્ઝિટની તરફેણમાં અને વિરોધમાં ભારે તડાફડી થઇ હતી. આ વાતનો પુરાવો ફોરેન સેક્રેટરી બોરીસ જ્હોન્સનના રાજીનામામાં જોવા મળે છે. મે સરકારમાં વિદેશ મંત્રાલય જેવો મહત્ત્વનો વિભાગ સંભાળતા જ્હોન્સન હાર્ડ બ્રેક્ઝિટના ચુસ્ત સમર્થક તરીકે જાણીતા છે.
બ્રેક્ઝિટ મુદ્દે અત્યારે ભલે તનાતની ચાલતી હોય, પણ સાચી વાત તો એ છે કે બ્રિટન સવિશેષ કન્ઝર્વેટિવ પક્ષ દસકાઓથી યુરોપિયન દેશોના એકીકરણના મુદ્દે ખચકાટ અનુભવતું રહ્યું છે. ચાલો, જરાક તેની પૂર્વભૂમિકામાં પણ ડોકિયું કરી જ લઇએ.
યુરોપિયન ઇકોનોમિક કમિશનની શરૂઆત
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મની, હોલેન્ડ, અમુક અંશે ફ્રાન્સ તેમજ ઇટલી, લક્ઝમ્બર્ગ અને બેલ્જીયમ ભારે બોમ્બમારા અને યુદ્ધગ્રસ્ત માહોલના કારણે લગભગ તારાજ થઇ ગયા હતા. મિત્ર રાષ્ટ્રોના તે વેળાના અગ્રણી તરીકે બ્રિટન એટલે કે યુનાઇટેડ કિંગ્ડમ જીત્યું તો ખરું, પણ આ મુકામ પર પહોંચતાં પહોંચતા સાવ નાદારીના આરે આવી ગયું હતું. વેપાર-ઉદ્યોગ-ધંધા, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ કે તેના અંગ-ઉપાંગોના નવસર્જનની તાતી જરૂર વર્તાઇ રહી હતી. લોકશાહીને વરેલા આ દેશોના નાગરિકો જો કંગાલિયતમાંથી મુક્તિ ન મેળવી શકે તો પશ્ચિમ યુરોપ સામ્યવાદના પંજામાં સપડાઇ જાય તેવી પૂરતી શક્યતા હતી.
૧૮૭૦માં ક્રિમિયન વોર, ૧૯૧૪થી ૧૯૧૮ પ્રથમ વિશ્વ યુદ્ધ, ૧૯૩૯થી ૧૯૪૫ બીજું વિશ્વ યુદ્ધ - યુરોપની તળભૂમિના મોટા વિસ્તારો પર ખેલાયા. કુલ્લે ૨ કરોડ લોકો મોતના ખપ્પરમાં હોમાઇ ગયા. બીજા લાખો લોકો ઇજાગ્રસ્ત થયા. બધા જ દેશો આર્થિક રીતે પાયમાલ થઇ ગયા હતા.
અમેરિકન મહાસત્તાએ આ ગાળામાં દૂરંદેશી દાખવી માર્શલ એઇડ યોજનાનો અમલ શરૂ કર્યો. આ યુરોપિયન દેશોને બેઠા કરવા માટે અબજો ડોલરનું ભંડોળ ફાળવ્યું. એકાદ દસકામાં તો જર્મની, બેલ્જીયમ, હોલેન્ડ અને ફ્રાન્સ લગભગ પ્રગતિના પંથે મક્કમ પગલાં પાડવા લાગ્યા હતા. આ દરમિયાન ફ્રાન્સ અને જર્મનીના બે વિદ્વાનોએ ઊંડા અભ્યાસના આધારે એક મુસદ્દો તૈયાર કર્યો. તેમના અભ્યાસનું તારણ એવું હતું કે છેલ્લા ૭૦ વર્ષમાં યુરોપની ધરતી પર રાષ્ટ્રો વચ્ચે જે કંઇ જંગ ખેલાયા છે તેના મૂળમાં હોલેન્ડ, લક્ઝમ્બર્ગ, બેલ્જીયમ, ફ્રાન્સ, જર્મનીના પેટાળમાં ધરબાયેલો કુદરતી ખનિજનો ભંડાર છે. વાચક મિત્રો, આ પ્રદેશની ધરતીમાં કોલસો, આયર્ન ઓર, લાઇમ સ્ટોન વગેરેનો વિશાળ ખજાનો હોવાનું સહુ કોઇ જાણતા હતા અને બધાનો ડોળો તેના પર હતો. અભ્યાસ બાદ આ છ દેશોને સાન આવી કે એકબીજા સામે શીંગડા ભરાવવામાં નહીં, એકબીજા સાથે રહેવામાં જ લાભ છે.
૧૯૫૭માં ઇટલીના પાટનગર રોમ ખાતે આ છ દેશો (ફ્રાન્સ, હોલેન્ડ, બેલ્જીયમ, લક્ઝમ્બર્ગ, ઇટલી અને જર્મની)એ આર્થિક ક્ષેત્રે અભૂતપૂર્વ સહયોગના શ્રીગણેશ માંડ્યા. આ દેશો વચ્ચે આયાત-નિકાસ સરળ બની. તુમારશાહી અને ખોટા કરવેરા ક્રમક્રમે હટાવી દેવામાં આવ્યા. જેમ ભારતમાં એક વર્ષ પૂર્વે જીએસટીનો અમલ શરૂ થયો. દેશ આખરે વ્યાપારિક ઐક્ય સાધી શક્યો અને તેના પરિણામે આંતરરાજ્ય વેરા, ઓક્ટ્રોય નાકા દૂર થયાં, માલપરિવહન કરતાં વાહનોને આવા જકાત નાકા પર કલાકો સુધી જોવી પડતી રાહમાંથી મુક્તિ મળી, સમય અને નાણાંનો બગાડ અટક્યો અને ગ્રાહકોને બેવડા વેરામાંથી મુક્તિ મળી. વેપાર-ઉદ્યોગ ક્ષેત્રને થતી બિનજરૂરી હેરાનગતિ દૂર થઇ અને આર્થિક વિકાસને વેગ મળ્યો. કંઇક આવું જ આજખી ૭૦ વર્ષ પૂર્વે યુરોપના આ છ દેશોએ અનુભવ્યું.
અગાઉની તારાજીના સ્થાને ઉન્નતિનો આરંભ થયો. ૧૯૭૦ સુધીમાં તો આ છ દેશોની પ્રગતિની સરખામણીએ પાછા પડી રહેલાં બ્રિટનને યુરોપિયન દેશના ટોચના અર્થશાસ્ત્રીઓથી માંડીને અમેરિકન સરકાર અને આર્થિક ક્ષેત્રના પ્રભાવી મહાનુભાવોએ સલાહ આપી કે તમે પણ યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટી (ઇઇસી)માં જોડાઇ જાવ.
હકીકતમાં ૧૯૫૭માં યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટીની રચના માટે રોમ બેઠકમાં ટ્રીટી થઇ ત્યારે જ બ્રિટનને તેમાં જોડાવા માટે ઇજન આપવામાં આવ્યું હતું. જોકે બ્રિટને નનૈયો ભણ્યો હતો. બ્રિટન એવા ભ્રમમાં રાચતું હતું કે ફ્રાન્સ, જર્મની જેવા જે દેશો વચ્ચે દસકાઓ સુધી સશસ્ત્ર જંગ ખેલાતા રહ્યા છે તે શું સાથે રહેવાના હતા. વહેલા કે મોડાં તેમની વચ્ચે તડાં પડવાના જ છે અને તેઓ બાખડવાના જ છે. પરંતુ બન્યું હતું આથી ઉલ્ટું. આ યુરોપિયન દેશો આર્થિક રીતે મજબૂત બની રહ્યા હતા.
આથી ૧૯૭૧માં આ જ બ્રિટને યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટીના બ્રસેલ્સ સંમેલન વખતે ઇચ્છા વ્યક્ત કરી કે તે પણ સંગઠનમાં જોડાવા ઇચ્છે છે. આ અંગે તેણે પ્રસ્તાવ મૂક્યો, પણ તેને ફગાવી દેવાયો. ફ્રાન્સના વડા ચાર્લ્સ દ ગોલે તો મોંઢામોઢ સંભળાવ્યું પણ ખરું કે સંગઠનમાં જોડાવા માટે પહેલાં આમંત્રણ આપ્યું હતું ત્યારે તો અભિમાનથી નકારી દીધું હતું, હવે અમે તમને સભ્ય દેશ તરીકે સ્વીકારવા તૈયાર નથી.
બ્રિટનની હાલત કફોડી થતી જતી હતી. આ સમયે અમેરિકા તેની વ્હારે આવ્યું. અમેરિકાની વગથી બે વર્ષ બાદ ફ્રાન્સ સહિતના દેશોએ બ્રિટનના ઇઇસી પ્રવેશ પર મંજૂરીનું મત્તું માર્યું. ૧૯૭૩માં બ્રિટન મોટી અપેક્ષા સાથે ઇઇસીના સભ્ય તરીકે જોડાયું. તે વેળા પણ બ્રિટનના રાજકીય વર્તુળોમાં, ખાસ કરીને કન્ઝર્વેટિવ પક્ષમાં, એક જૂથ એવું હતું જે એવા ખ્યાલોમાં રાચતું હતું કે ભૂતકાળમાં બ્રિટને બીજા વિશ્વ યુદ્ધ વેળા એકલા હાથે વિજયપતાકા લહેરાવ્યા જ છે ને... તો આર્થિક ક્ષેત્રે પણ તે પોતાની તાકાતના જોરે આગેકૂચ કરવા સક્ષમ છે. આર્થિક વિકાસ માટે તે અન્ય કોઇ દેશના સાથ કે સંગઠનના સભ્યપદનું મોહતાજ નથી. બ્રિટને કોઇને પણ ભાઇબાપા કરવાની જરૂર નથી.
જોકે આ જૂથ ખરેખર તો ખુલ્લી આંખે દિવાસ્વપ્નમાં રાચતું હતું. તેમણે નરી આંખે બ્રિટનનો વિજય જોયો, પણ તેના મૂળમાં અનેકનું પ્રદાન હતું તે વાત વીસરી ગયા હતા. બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટન એકલા હાથે જીત્યું હોવાની વાત સચ્ચાઇથી હજારો જોજન દૂર છે. આ મહાયુદ્ધમાં બ્રિટનને અમેરિકાનો સંપૂર્ણ સહકાર મળ્યો હતો. અફાટ ધનદોલત, અદ્યતન લશ્કરી સાધનસરંજામની સાથે સાથે લાખોની સંખ્યામાં અમેરિકી સૈનિકો બ્રિટન માટે લડ્યા હતા. બ્રિટન હારવાની અણી પર હતું ત્યારે અમેરિકાની મદદ ન પહોંચી હોત તો ઇતિહાસ કંઇક જૂદો જ હોત. એટલું જ નહીં, બીજા વિશ્વ યુદ્ધ વેળા બ્રિટિશ ઇંડિયામાંથી પણ બ્રિટનને ૨૫ લાખ જેટલા સશસ્ત્ર સૈનિકોની મદદ મળી હતી. આ ઉપરાંત ૧૭ લાખ લોકોની મદદ લશ્કરી શસ્ત્રસરંજામના ઉત્પાદન તથા પુરવઠા બાબતમાં મળી હતી.
બ્રિટનની રાષ્ટ્રીય તિજોરી તળિયાઝાટક થઇ ગઇ હતી. આર્થિક ક્ષેત્રે જ્યારે કારમી નાણાંભીડ વર્તાતી હતી ત્યારે બ્રિટિશ ઇંડિયાની ટ્રેઝરીમાંથી યુકેની ટ્રેઝરીને ૮૮૦ મિલિયન પાઉન્ડનું જંગી ધિરાણ પણ મળ્યું હતું. જોકે એક હકીકત એ પણ છે કે ૧૯૪૭માં ભારત અને પાકિસ્તાન સ્વતંત્ર બન્યા ત્યાર બાદ બ્રિટીશ સરકારે ટુકડે ટુકડે જે તે દેશની સરકારના તેના ફાળે આવતી રકમ પરત કરી દીધી હતી. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ સહિતના બ્રિટિશ સામ્રાજ્યના અન્ય દેશોએ પણ સૈનિકોની કુમક પૂરી પાડી હતી. આ બધી મદદના સહારે બ્રિટન બીજા વિશ્વ યુદ્ધમાં જીત્યું હતું.
નાનું રાષ્ટ્ર, મર્યાદિત માનસિક્તા
બ્રિટન ક્ષેત્રફળમાં જેટલો નાનો વિસ્તાર ધરાવતો હતો એટલી જ મર્યાદિત માનસિક્તા તેના કેટલાક રાજકીય શાસકોની હતી. આમ લખવું થોડુંક અજૂગતું લાગે છે, પરંતુ સમયની આ કડવી સચ્ચાઇ છે. દસકાઓ પૂર્વે રાજકીય નેતાગીરીનો બહુમતી વર્ગ એવો હતો જે દેશહિતનો સર્વાંગી વિચાર કરીને ભાવિ નિર્ણયો કરવામાં અશક્તિમાન હતો. હવે સમય સાથે દેશની વિચારધારા બદલાઇ છે. સમાજ સમજદાર છે, સહિષ્ણુ છે, સમય સાથે તાલમેળ સાધવા તત્પર જોવા મળે છે. જોકે આમ છતાં ૧૦ - ૧૫ કે ૨૦ ટકા વર્ગ હજુ જૂના સામ્રાજ્યવાદના ઘેનમાં મદમસ્ત જોવા મળે છે.
બ્રિટન ૧૯૭૩માં યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટી (ઇઇસી)માં જોડાયું. આ ઇઇસી તે આજનું યુરોપિયન યુનિયન (ઇયુ). ૧૯૭૩માં કન્ઝર્વેટિવ પાર્ટી દેશની શાસનધૂરા સંભાળતી હતી. આ પછી ૧૯૭૪માં લેબર પાર્ટીની સરકાર રચાઇ. જોકે સંસદમાં તેની બહુમતી બહુ પાતળી હતી. તેની પાસે સંસદમાં ત્રણ સભ્યોની બહુમતી હતી. આથી તેના પર દબાણ વધ્યું કે બ્રિટન ભલે ઇઇસીમાં જોડાઇ ગયું હોય, પરંતુ એક વખત આ મુદ્દે રેફરન્ડમ (જનમત) લઇ લેવો જોઇએ. લોકલાગણીના આધારે આ નિર્ણયની યોગ્યતા નક્કી કરવી જોઇએ. આખરે જનમત યોજાયો. બહુ પાતળી સરસાઇ
સાથે બહુમતે ચુકાદો આપ્યો કે ઇઇસીમાં જોડાવાનો નિર્ણય દેશહિતમાં છે.
૧૯૭૩માં યુરોપના આ દેશોએ નક્કર એકતા સાથે મજબૂત સંગઠન ઉભું કર્યું હતું. દરેક દેશ પોતપોતાનું અર્થતંત્ર તગડું બનાવી રહ્યા હતા. પરંતુ સંગઠનમાં જોડાયેલું નવુંસવું બ્રિટન સિકમેન ઓફ યુરોપ (યુરોપના માંદલા રાષ્ટ્ર)ની ઓળખ ધરાવતું હતું.
પરંતુ વાચક મિત્રો, સમયને કરવટ બદલતાં ક્યાં વાર લાગે છે? ૧૯૭૫ બાદ બ્રિટનનો ચહેરો બદલાઇ ગયો છે. આર્થિક વિકાસનો માપદંડ જેના આધારે નક્કી થાય છે તેવા દરેક મોરચે તેણે નક્કર વિકાસ હાંસલ કર્યો છે. માર્ગ-મકાન નિર્માણ, માળખાગત સુવિધાનો વિકાસ, આયાત-નિકાસ, મજબૂત કરન્સી બધા ક્ષેત્રે તે મજબૂત છે. આજે સમગ્ર વિશ્વમાં બ્રિટન છઠ્ઠા નંબરનું અર્થતંત્ર ગણાય છે.
વાત બ્રિટનના વિકાસની ચાલે છે તો જરાક બીજો પણ ઇતિહાસ આપણે તપાસીએ. ૧૯૯૭માં જંગી બહુમતી સાથે લેબર પક્ષ સત્તા પર આવ્યો. ટોની બ્લેર વડા પ્રધાન બન્યા અને દેશની શાસનધૂરા સંભાળી. તે પૂર્વે ૧૯૭૯થી સતત કન્ઝર્વેટિવ પક્ષની સરકારનું શાસન હતું. તેના પ્રથમ ૧૦ વર્ષ માર્ગરેટ થેચર વડા પ્રધાન હતા. હું સ્પષ્ટપણે માનું છું કે આ દેશે આજના મુકામ પર પહોંચવા અભિનવ સંઘર્ષ કર્યો છે અને પાયામાં છે માર્ગરેટ થેચરની નક્કર અને દૂરંદેશીભરી નીતિરીતિ. તેમણે વિકાસમાં અવરોધરૂપ બની રહેલા કાયદા-કાનૂન સુધાર્યા અને વહીવટી અંકુશો હળવા કર્યા તે બ્રિટનની આજની આર્થિક તંદુરસ્તીના પાયામાં છે.
ટોની બ્લેરના નેતૃત્વમાં લેબર સરકાર ૨૦૧૦ સુધી સત્તા પર રહી. આ પછી કન્ઝર્વેટિવ પક્ષે દેશનો શાસનદોર સંભાળ્યો. સત્તાપલ્ટાને લોકશાહીનું અભિન્ન અંગ જ ગણવું રહ્યું. આજે એક પક્ષ સત્તામાં છે તો કાલે વિપક્ષ સત્તામાં આવી શકે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમની કામગીરીથી મતદારોને કેવાક પ્રભાવિત કરી શકે છે તેના આધારે ચૂંટણીના પરિણામ નક્કી થતા હોય છે. મતદારોએ આજે એક પક્ષને જંગી બહુમતી સાથે સત્તાના સૂત્રો સોંપ્યા હોય અને બીજી ચૂંટણીમાં આ જ પક્ષને ઘરે બેસાડ્યા હોય તેવું આપણે સહુએ એક યા બીજા સમયે જોયું જ છે.
ખેર, ૨૦૧૦માં જે ચૂંટણી યોજાઇ તેમાં કન્ઝર્વેટિવ પક્ષના હાઉસ ઓફ કોમન્સમાં સૌથી વધુ સાંસદો હતા. આમ છતાં સરકાર રચવા આટલી બહુમતી પૂરતી નહોતી. જ્યારે લિબ-ડેમના છેલ્લા ૧૦૦ વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ ૫૭ સાંસદો ગૃહમાં પહોંચ્યા હતા. આમ તેના સહયોગમાં યુતિ સરકાર રચાઇ. કન્ઝર્વેટિવ નેતા ડેવિડ કેમરન વડા પ્રધાન બન્યા ને લિબ-ડેમ નેતા નિક ક્લેગ નાયબ વડા પ્રધાન.
તે વેળા ‘યુરો સ્કેપ્ટિક જૂથ’ કન્ઝર્વેટિવ પક્ષમાં વધુ સક્રિય હતું. યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટી (ઇઇસી) હવે યુરોપિયન યુનિયન (ઇયુ) બન્યું હતું. કન્ઝર્વેટિવ પક્ષના સાંસદોમાંનું ૪૦-૫૦ સંખ્યાબળ વાળું પ્રભાવશાળી જૂથ (બ્રિટનના ઇયુમાં સભ્યપદના મુદ્દે) સતત કેમરનના ટાંટિયા ખેંચી રહ્યું હતું. તેઓ માનતા હતા કે ઇયુના સભ્યપદનું બંધન બ્રિટનનો વિકાસ રુંધી રહ્યું છે. આ જૂથની સતત પજવણીથી ત્રાસેલા કેમરને ૨૦૧૩માં વચન આપ્યું કે આગામી ચૂંટણી બાદ જો કન્ઝર્વેટિવ પક્ષની સરકાર રચાશે તો બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું કે નહીં તે મુદ્દે રેફરન્ડમ્ લેવામાં આવશે.
૨૦૧૩માં આપેલા વચનનું પાલન ૨૦૧૫માં મજબૂરી બની ગઇ. ચૂંટણી પરિણામો જાહેર થયા. પાતળી બહુમતી સાથે પણ કન્ઝર્વેટિવ પક્ષની જ કેમરન સરકારે ફરી સત્તાના સૂત્રો હાંસલ કર્યા. કેમરને વચન અનુસાર ૨૩ જૂન ૨૦૧૬માં બ્રિટનના ઇયુમાં સભ્યપદ મુદ્દે જનમત લીધો. પરિણામ જગજાહેર છે. જનમત બ્રેક્ઝિટની તરફેણમાં આવ્યો, અને તેના અનેક કારણો છે, પરંતુ કેમરને રાતોરાત વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યું.
દેશમાં સરકારના સુકાની બદલાયા. થેરેસા મેએ વડા પ્રધાન પદ સંભાળ્યું, અને હવે તેમના શીરે ઇયુ સાથેના છૂટા-છેડાના અમલની જવાબદારી આવી છે.
વાચક મિત્રો, જરાક વિચાર કરજો. એકમેકને પસંદ કરતી બે વ્યક્તિ લગ્ન કરીને ઘરસંસાર માંડે. સંતાનનો જન્મ થાય. સમયાંતરે સમૃદ્ધિ વધે. માલમિલકતમાં વધારો થાય. દસકાઓ સુધી સારો મનમેળ રહે, અને અચાનક કોઇ પળે બન્ને વચ્ચે મતભેદ ઉભા થાય. તુંતું-મૈંમૈં થાય. અને છેવટે આખરી ઉપાય તરીકે છૂટાછેડાનો નિર્ણય લેવાય તો કેવો કાનૂની જંગ જામે? આ ઘટના માત્ર દંપતી માટે જ નહીં, તેમના સંતાનો અને પરિવારજનો માટે પણ પીડાદાયક બની રહેતો હોય છે. જો બે વ્યક્તિના અલગ પડવાની પ્રક્રિયાની આટલી વ્યાપક અસર હોય તો બ્રેક્ઝિટની અસરનો વ્યાપ કેટલો હોવાનો?
યુરોપિયન યુનિયનમાં ૨૯ દેશો સભ્ય છે. ૨૮ દેશો એકસંપ છે. અલબત્ત, તેમની વચ્ચે પણ નાનામોટા મતભેદો તો છે, પરંતુ તેઓ સમાધાનકારી વલણ અપનાવીને એકસંપ રહેવાના મૂડમાં છે. તેમનો અવાજ એક છે. જ્યારે બ્રિટન કોઇ પણ જાતનું સમાધાન કરવાના મૂડમાં નથી. તેને તો બસ અલગ પડવું છે - કોઇ પણ ભોગે.
૨૦૧૬માં થેરેસા મેએ દેશનું વડા પ્રધાન પદ સંભાળ્યું ત્યારે નક્કી કર્યું હતું કે માર્ચ ૨૦૧૭ સુધીમાં બ્રિટન યુરોપિયન યુનિયનના બાકી દેશો સાથેના નવા સંબંધોની રૂપરેખા નક્કી કરી લેશે. ઇયુ કમિશનની કલમ ૫૦નું અમલીકરણ માર્ચ ૨૦૧૭ના રોજ શરૂ થયું હતું. આનો અર્થ એ થયો કે માર્ચ ૨૦૧૯માં છૂટાછેડા કાયદેસર બની જશે.
આવું થાય તો બ્રિટન પર તેની શું અસર પડે? આ સમજવા માટે આપણે બ્રિટનનું અર્થતંત્ર કઇ રીતે ચાલે છે તેના પર નજર ફેરવીએ. બ્રિટનના કુલ ઉત્પાદનનો બાવન ટકા હિસ્સો નિકાસ થાય છે. આમાં ચીજવસ્તુઓ પણ આવી ગઇ અને વિવિધ ક્ષેત્રની સેવાઓ પણ આવી ગઇ. આ બાવન ટકાની નિકાસના અડધાથી વધુ હિસ્સાની નિકાસ તો માત્ર યુરોપિયન યુનિયનના દેશોમાં થાય છે. અત્યારે તો બ્રિટન ઇયુનું સભ્ય રાષ્ટ્ર હોવાથી સંગઠનના અન્ય સભ્ય દેશોમાં નિકાસ કરવામાં તેને નિયમો-નિયંત્રણોના અવરોધ નડતા નથી. પરંતુ બ્રિટને ઇયુ સાથે છેડો ફાડ્યા પછી શું? જો બન્ને વચ્ચે સમાધાનકારી માર્ગ ન અપનાવાયો તો (ખાસ કરીને બ્રિટનમાં કાર્યરત કંપનીઓ માટે) કાયદાકીય નિયંત્રણોની જફાબાજી વધી જવાની એ નક્કી છે.
ખાટલે મોટી ખોડ તો એ છે કે ઇયુ સાથે છેડો ફાડવાનો જનમત મેળવાયાને બે વર્ષનો લાંબો સમય વીતી ગયો છે, પરંતુ થેરેસાબહેનની સરકાર આજ દિવસ સુધી હજુ એ નક્કી કરી શકતી નથી કે કઇ શરતોના આધારે છૂટાછેડા લેવામાં આવશે. આ શરતોનો અંતિમ મુસદ્દો નક્કી કરવા માટે જ વડા પ્રધાન થેરેસા મેએ બધા સભ્યોની બેઠક યોજી હતી. આમ તો બ્રિટિશ રાજકારણ અને વહીવટી તંત્ર ચાણક્ય નીતિના બોધપાઠ અનુસાર મુત્સદ્દીગીરીમાં અને ખાસ કરીને સામા પક્ષને થકવી દેવામાં, ગૂંચવાડામાં નાંખી દેવામાં માહેર છે.
ગયા શુક્રવારના અખબારી અહેવાલમાં પ્રકાશિત થયું છે તેમ જેગુઆર - લેન્ડ રોવર (જેએલઆર)ના મેનેજમેન્ટે સ્પષ્ટ કરી દીધું કે બ્રિટન જો ઇયુમાંથી સરળતાથી છૂટું નહીં પડે તો તેને મૂડીરોકાણ આકર્ષવાનું ભારે પડી જશે. આ સંજોગોમાં કંપનીને પણ બોરિયા-બિસ્તરાં બાંધવાની અને પોતાની પ્રોડક્શન લાઇન અન્ય યુરોપિયન દેશમાં ખસેડવાની ફરજ પડી શકે છે. જેએલઆરની જેમ જ ચેમ્બર્સ ઓફ કોમર્સે પણ મે સરકારને ચેતવણી ઉચ્ચારી છે કે જો જો રખે ભ્રમમાં રહી જતાં... ઇયુમાંથી છૂટાં પડતાં પહેલાં આગોતરું આર્થિક આયોજન નહીં કરો તો બ્રિટનનું અર્થતંત્ર ધબાય નમઃ થઇ જાશે. આર્થિક વિકાસને એવો કમ્મરતોડ ફટકો પડશે કે ફરી બેઠાં થતાં વર્ષો વીતી જશે.
વાત જેએલઆરની હોય કે ચેમ્બર ઓફ કોમર્સની ચેતવણીની, તેમાં દમ તો છે જ. આજના જમાનામાં વિકાસ સાધવા માટે પરસ્પર સહયોગ આવશ્યક જ નહીં, અનિવાર્ય બન્યો છે ત્યારે ઇયુમાંથી છૂટા પડવાનો બ્રિટનનો નિર્ણય બેકફાયર થઇ શકે તેમ છે.
યુરો સ્કેપ્ટિક માંધાતાઓ બ્રેક્ઝિટ મુદ્દે છાશવારે શીંગડા ભરાવતા રહ્યા છે. થેરેસા મેને સરકારમાં જ રહીને કનડી રહેલા આવા ‘માથાફરેલા’ નેતાઓમાં ડેવિડ ડેવિસ, બોરીસ જ્હોન્સન, માઇકલ ગોવ વગેરેના નામ મુખ્ય ગણાવી શકાય.
વિદેશ મંત્રાલય જેવો મહત્ત્વનો કાર્યભાર સંભાળી રહેલા જ્હોન્સને સોમવારે રાત્રે પ્રધાનપદેથી રાજીનામું ધરી દઇને થેરસા મેને ભીડવવા પ્રયાસ કર્યો છે. પહેલાં ડેવિડ ડેવિસ અને હવે જ્હોન્સન, બે દિવસમાં બે વરિષ્ઠ નેતાઓનાં રાજીનામા પડતાં જોઇને કોઇ પણ વડા પ્રધાન બઘવાઇ જાય, પરંતુ થેરેસા મે પણ એમ ગાંજ્યા જાય તેમ નથી. તેમણે અત્યાર સુધી તો પોતાનું ધાર્યું જ કર્યું છે, અને આગામી દિવસોમાં પણ એમ જ કરશે એમ મનાય છે.
જેમ કે બ્રેક્ઝિટ મુદ્દે શુક્રવારે કેબિનેટની નિર્ણયાત્મક બેઠક યોજતા પૂર્વે છેલ્લી ઘડી સુધી તેમણે સસ્પેન્સ જાળવ્યું હતું. છેક ગુરુવારે સાંજે છ વાગ્યે તેમણે બધાને બેઠકનો એજન્ડા આપ્યો હતો, જેથી હાર્ડ બ્રેક્ઝિટનું આંધળું સમર્થન કરતાં પ્રધાનોને કારસો રચવાનો સમય જ ન મળે. એટલું જ નહીં, તેમણેપ્રધાનોને ચેતવણી પણ ઉચ્ચારી હતી કે જો તમે હઠ નહીં છોડો તો દેશ પાયમાલ થઇ જશે. બધો આર્થિક વિકાસ ધોવાઇ જશે. પ્રજા તમને માફ નહીં કરે. કન્ઝર્વેટિવ સરકારને રાજીનામું આપવું પડશે એટલું જ નહીં, ફરી ચૂંટણી યોજાશે તો તમારે બધાને તો ઘરે બેસવું જ પડશે, આપણા પક્ષનો પરાજ્ય નક્કી છે.
વાચક મિત્રો, થેરેસા મેની મુત્સદ્દી ગણો તો તેમ અને હિંમત કહો તેમ, પણ શુક્રવારે સવારે બધા સાથી પ્રધાનો સાથે બ્રેકફાસ્ટ મીટીંગ યોજી, બપોરે બધા સાથે લંચ લીધું અને ચાર વાગ્યે હાઇ ટી મિટિંગ યોજી. પછી સાંજે બધા સાથે મિટિંગમાં બેઠા. એજન્ડાની ચર્ચા કરી અને હળવા, પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુંઃ જો સરકારની નીતિરીતિ સાથે ન હો તો રાજીનામું આપી દેવાની તૈયાર રાખજો. તમે બધા શોફર-ડ્રીવન સરકારી ગાડીમાં આવ્યા છો તે સાચું, પણ અસંમતિને અવકાશ નથી. તેમને અહીંથી લઇ જવા માટે બહાર ૧૫ મિનિ કેબ તૈયાર જ ઉભી છે.
આને તમે દબાણની રાજનીતિ કહો કે આકરું વલણ કહો, પણ થેરેસા મેએ આ વ્યૂહ અપનાવ્યો છે. આ બધું આમ જૂઓ તો પોકરની રમત જેવું છે. બે પક્ષ સામસામે બેઠા હોય, એકમેકની સામે ત્રાટક કરી રહ્યા હોય, બસ પહેલાં કોણ નમતું જોખે તેનો જ ઈંતઝાર હોય છે. રાજકારણમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. જે સામેના પક્ષ પર હાવી થઇ જાય તે અડધો જંગ જીતી જાય, અને બાકીનો અડધો જંગ વ્યૂહાત્મક ચાલ થકી કબ્જે કરી લે. થેરેસા મેએ આ જ દાવ અજમાવ્યો છે.
મારી દૃષ્ટિએ હકીકત એ છે કે છેલ્લા ૫૦ વર્ષના ઇતિહાસમાં માર્ગરેટ થેચર એક માત્ર એવા નેતા હતા જેઓ પક્ષમાં અને સરકારમાં પોતાનું ધાર્યું કરાવવા માટે શક્તિમાન હતા કેમ કે તેઓ જે કરવા માગતા હતા તેમાં સત્વ હતું, સત્ય હતું. મને એક રાજકીય ઘટનાક્રમ આજે પણ યાદ છે. ૩૦ વર્ષ પૂર્વે હોલેન્ડના માસ્ટ્રીચ શહેરમાં યુરોપિયન દેશોની એક બેઠક યોજાઇ હતી. જેમાં ઉભય પક્ષના સંબંધોને વધુ સુદૃઢ બનાવવાનો, યુરોપિયન દેશોના એકીકરણનો મુદ્દો મુખ્ય હતો. બેઠકમાં ૧૪ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. દરેકના પોતપોતાના મંતવ્ય હતા, અભિપ્રાય હતા. આગવો દૃષ્ટિકોણ હતો. આમ છતાં મિસિસ થેચર પોતાની મક્કમતા, રાજકીય કુનેહ અને બ્રિટિશ મુત્સદ્દીગીરી થકી તમામ દેશો વચ્ચે એકમત ઉભો કરીને, સંમતિ સાધીને ધાર્યું કરાવવામાં સફળ થયા હતા. આ જ પ્રમાણે ગયા શુક્રવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં થેરેસા મે પણ થોડોક ખચકાટ, થોડીક ખેંચતાણ છતાં મોટા ભાગે એકસૂત્રતા સાધવામાં સફળ રહ્યા હોય તેવું અત્યારે તો લાગે છે.
જો થેરેસા મેનો આ જ અભિગમ રહ્યો તો બ્રિટનના રાજકારણમાં, બ્રિટનના યુરોપિયન યુનિયન સાથેના સંબંધોમાં, કંઇક નવાજૂની જોવા મળશે એટલું નક્કી છે. આગે આગે દેખિયે, હોતા હૈ ક્યા... (ક્રમશઃ)