યુરોપિયન એકીકરણની જટિલ સમસ્યા

સી. બી. પટેલ Wednesday 24th February 2016 05:53 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, શનિવાર ૨૦ ફેબ્રુઆરીએ ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવેશદ્વારે ઉભા રહીને વડા પ્રધાન ડેવિડ કેમરને રાષ્ટ્રજોગા નિવેદનમાં જણાવ્યું કે યુરોપિયન યુનિયન (ઇયુ) સાથે નવ મહિનાની ચર્ચાના અંતે હવે આપણે સમાધાન સાધી શક્યા છીએ. ૨૩ જૂનના રોજ આ દેશમાં રેફરન્ડમ (એક પ્રકારનો જનમત) લેવાશે. તેમાં બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું કે નહીં (In અથવા Out) તે વિશે દરેક બ્રિટિશ નાગરિકે મત આપવો જોઇએ કેમ કે, સરકારનું તો શું સમસ્ત રાષ્ટ્રનું ભાવિ આ નિર્ણય પર અવલંબે છે.
વડા પ્રધાન ડેવિડ કેમરને તો આ કહી નાખ્યું, પણ પછી બે-ત્રણ કલાકમાં જ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિનનું નિવેદન આવ્યું, જેને વધુ સચોટ ગણી શકાય. તેમણે કહ્યું કે આ આખી જટિલ સમસ્યા ખરેખર તો કન્ઝર્વેટિવ પાર્ટીના આંતરિક પ્રશ્નોનું પ્રતિબિંબ છે. ખરેખર તો વડા પ્રધાનને આવો જનમત યોજવાની જરૂર જ નહોતી. કન્ઝર્વેટિવ પાર્ટીમાં એવા કેટલાય સાંસદ છે - લગભગ ૧૦૦ જેટલા - જેઓ યુરોપના એકીકરણમાં સૈદ્ધાંતિક રીતે માનતા નથી. આ યુરોપિયન એકીકરણનો પ્રશ્ન અનેક બાબતને સ્પર્શે છે.
શાસન કે સરકારની ફરજ કઇ? વિદેશમાં, દેશ બહારના પ્રશ્નો અંગે ઘટિત અને સમયસર પગલાં લેવાં. દેશના નાગરિકોની સહીસલામતી અને સુખાકારી પ્રાથમિક ફરજ ગણાય. સહીસલામતી એટલે દેશમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન તો ખરું જ સાથે સાથે આતંકવાદ જેવા બાહ્ય પડકારોને પણ નાથવા. જેમ કે, અત્યારે આતંકવાદનો અજગર માથું ઊંચકી રહ્યો છે તે દેશની સહીસલામતી માટે ખૂબ ચિંતાનો વિષય છે. વિદેશી બાબતો અંગે પણ સરકારની મહત્ત્વની જવાબદારી છે. જે સરકાર પોતાના દેશની સરહદ સાચવી શકતી નથી તેને સાચા અર્થમાં બિનઅસરકારક ગણી શકાય. દેશના સંરક્ષણનો બીજો એક અર્થ એ પણ થાય કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સંરક્ષણ ક્ષમતા અને નક્કર નીતિ. નબળાનો ધણી કોઇ નથી હોતો ને સબળાના સાળા થવા સહુ થનગનતા હોય છે તે ઉક્તિ આંતરરાષ્ટ્રીય સંબંધોને પણ એટલી જ લાગુ પડે છે.
આ દેશમાં યુરોપિયન યુનિયનના પ્રશ્ને પ્રથમ વાર જનમત લેવાઇ રહ્યો છે, પણ ૧૯૭૫માં તે વેળાના લેબર વડા પ્રધાન હેરોલ્ડ વિલ્સને યુરોપિયન કોમ્યુનિટી (કોમન માર્કેટ)માં રહેવું કે નહીં તે વિશે રેફરન્ડમ યોજીને તેમાં બહુમતી મેળવી હતી. કેમરન એક વિચક્ષણ અને અભ્યાસુ વડા પ્રધાન છે. તેઓ ઇતિહાસ જાણે છે. ભલે વિલ્સન ત્યારે જીત્યા હતા, પણ થોડાક સમય પછી તેમના પક્ષમાં અરાજકતા સર્જાઇ.
વિલ્સન ૧૯૭૫માં જીત્યા હતા, પણ ૧૯૭૯ સુધીમાં તો લેબર પાર્ટી બે જૂથમાં વહેંચાઇ ગઇ હતી. રેફરન્ડમ બ્રિટન એટલે કે યુનાઇટેડ કિંગ્ડમ તેમાં જોડાયું તો ખરું, પણ કોઇ પણ ક્લબના મેમ્બર બનો એટલે તેના નિયમો કે મર્યાદાનું પાલન પણ કરવું પડે. બ્રિટિશ પ્રજા એક આગવો ગુણ ધરાવે છે. તેને કોઇની પણ સાથે સહયોગ સાધવામાં વાંધો નથી હોતો, પણ સંબંધમાં નાના ભાઇ બનીને રહેવાનું તે ક્યારેય પસંદ કરતા નથી. બાપ મટીને કાકા બનવાની નીતિ બ્રિટિશ ઇતિહાસ, પરંપરામાં ક્યાંય તમને જોવા નહીં મળે. આવી ખુમારી ગુમાવવા તે હરગીઝ તૈયાર નથી તેવું આ દેશનો હજાર વર્ષનો ઇતિહાસ કહે છે.
આ રેફરન્ડમમાં ક્યા પ્રશ્નો પૂછાશે, કઇ સમસ્યાના કારણે આ પગલું ભરવું પડ્યું છે વગેરે અંગે જનજાગૃતિ આણવા વડા પ્રધાને છેલ્લા નવ મહિનામાં ભરપૂર પ્રવાસ કર્યો છે, ખાસ્સી જહેમત ઉઠાવી છે. યુરોપિયન યુનિયનમાં અત્યારે ૨૮ દેશો છે. નેતાઓ, પ્રજાજનો, વેપારી સંગઠનો, બ્રિટનમાં અલગ અલગ સ્થળે જનજાગૃતિ આણવા, લોકોની ઇચ્છા સમજવા અને પોતાનો ઇરાદો સમજાવવા તેમણે ખૂબ જહેમત ઉઠાવી છે. જો વડા પ્રધાનનો એક વર્ષ પહેલાનો અને અત્યારનો ફોટોગ્રાફ સરખાવી જોશો તો તમને ફરક જોવા મળશે. તેમનો ચહેરો દોડધામ, સતત પ્રવાસ અને થાકના કારણે ઝંખવાયેલો જણાશે.
ગયા વર્ષે ૨૦૧૫માં યોજાયેલી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીને હાઉસ ઓફ કોમન્સમાં ચોખ્ખી બહુમતી મળી. આ પૂર્વે ૧૯૯૨માં કન્ઝર્વેટિવ પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે સત્તા સંભાળી હતી. આ પછી ભવ્ય વિજય સાથે ૧૯૯૭માં લેબર પાર્ટી સત્તામાં આવી. અને સતત ત્રણ ટર્મ સુધી દેશનું સુકાન સંભાળ્યું.
૧૯૭૯માં માર્ગરેટ થેચરની નેતાગીરી હેઠળ કન્ઝર્વેટિવ પાર્ટીએ હાઉસ ઓફ કોમન્સમાં સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી. આમ તો આ દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત પાંચ વર્ષની હોય છે, પણ સરકારના નેતા હોવાના નાતે વડા પ્રધાન દેશમાં વહેલી ચૂંટણી યોજવા માટે નામદાર મહારાણીને અનુરોધ કરી શકે છે. મિસિસ થેચરે પણ આવું જ કર્યું. ફોકલેન્ડ યુદ્ધમાં વિજયથી મળેલી પ્રસિદ્ધિને વટાવી લેવાના ઇરાદે તેમણે એક વર્ષ વહેલી ચૂંટણી યોજવાનું નક્કી કર્યું. તેમણે કરેલી ભલામણને ધ્યાને લઇને નામદાર મહારાણીએ વહેલી ચૂંટણી યોજવા સંમતિ આપી. ૧૯૮૩માં યોજાયેલી ચૂંટણીમાં થેચરના નેતૃત્વમાં પક્ષે ૧૦૦થી વધુ બેઠકો પર બહુમતી સાથે સત્તા મેળવી.
આ પછી ૧૯૮૭માં પણ તેમણે ફરી એક વખત પક્ષને સત્તા અપાવી, પણ સત્તાની જવાબદારી સાથે સમજદારી ન આવે તો બધું નક્કામું છે. ટોરી પાર્ટીમાં પણ આવું જ બન્યું. પક્ષમાં સત્તા માટે વિખવાદ વધ્યો. પોલટેક્ષ સહિતના મુદ્દે પક્ષ બે જૂથમાં વહેંચાઇ ગયો. માર્ગરેટ થેચર જેવા સફળ, સક્ષમ, પ્રતિભાશાળી નેતાને વડા પ્રધાન પદેથી રાજીનામું આપવા ફરજ પડી. કન્ઝર્વેટિવ પાર્ટીને જ્વલંત સફળતા અપાવનાર આ ‘આયર્ન લેડી’ ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાંથી છેલ્લે બહાર નીકળ્યા ત્યારે તેમની આંખમાં ઝળકતાં હોય તેવી તસવીરો ટીવી-અખબારોમાં બહુ ચમકી હતી. આમ પણ રાજકારણ માટે કહેવાય જ છે ને... Every political career ends in tears. કાર્યકર કાઉન્સિલર બને, એસેમ્બલીમેન બને, એમપી બને કે પીએમ (પ્રાઇમ મિનિસ્ટર) બને... સમય વીત્યે સંજોગો જ એવા આકાર લે છે કે નાલેશી સાથે સત્તા છોડવાની ફરજ પડે છે. તમે આને રાજકારણની ખૂબી પણ ગણી શકો, અને ખામી પણ.
૧૯૯૨માં જ્હોન મેજર વડા પ્રધાન બન્યા. વહીવટ સારો, પણ માર્ગરેટ થેચરના તંત્રની બરાબરી કરી શકે તેવો નહીં. ૧૯૯૭માં ટોની બ્લેરે તેમના સ્થાને સરકાર રચી. ટોની બ્લેરે અસરકારક કામગીરી કરીને દેશમાં લેબર પાર્ટીનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. ૧૯૯૭માં મતદારોએ તેમને શાસનધૂરા સોંપી. ૧૦૦થી વધુ બેઠકોની બહુમતી સાથે બ્લેરે સરકાર રચી. પાંચ વર્ષ પછી ૨૦૦૨માં ચૂંટણી યોજાઇ અને ફરી જંગી બહુમતી સાથે લેબર પાર્ટીએ સરકાર રચી. જોકે આ બાદ બ્લેરને રાજીનામું આપવા ફરજ પડી. અને ગોર્ડન બ્રાઉને વડા પ્રધાન પદ સંભાળ્યું. ૨૦૦૫માં ગોર્ડન બ્રાઉન પાતળી બહુમતી સાથે સરકાર તો રચી શક્યા, પણ તેમનો પક્ષ ૨૦૧૦માં હાઉસ ઓફ કોમન્સમાં બહુમતી હાંસલ કરી શક્યો નહીં. લેબર પાર્ટીનો પરાજય થયો.
મતદારોએ લેબર પાર્ટીને તો જાકારો આપ્યો જ હતો, પરંતુ લિબરલ ડેમોક્રેટ કે કન્ઝર્વેટિવ પાર્ટીને પણ સરકાર રચી શકાય તેવી સ્પષ્ટ બહુમતી નહોતી આપી. લિબ-ડેમ અને કન્ઝર્વેટિવ્સે સહયોગ સાધ્યો અને બ્રિટનમાં યુતિ સરકાર રચાઇ. ડેવિડ કેમરન વડા પ્રધાન બન્યા, અને લિબ-ડેમના નિક ક્લેગ નાયબ વડા પ્રધાન. મતભેદ રહ્યા, પણ સંયુક્ત સરકારે પૂરા પાંચ વર્ષ શાસન કર્યું.
ગયા વર્ષે યોજાયેલી ચૂંટણીમાં ડેવિડ કેમરનના નેતૃત્વમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ ચોખ્ખી બહુમતિ સાથે સત્તા હાંસલ કરી, રાજકારણમાં વિજય સાથે જ પરાજયના બીજ રોપાઇ જતા હોય છે. કેમરને સ્પષ્ટ બહુમતી અવશ્ય મેળવી છે, પણ ૨૦ જેટલા જ સાંસદોની જ સરસાઇ ધરાવે છે. ૩૦૦ કન્ઝર્વેટિવ સાંસદોમાંથી ૧૦૦ યુરો સ્કેપ્ટિક્સ કહેવાય છે. મતલબ કે આ લોકોને યુરોપિયન યુનિયન સાથેના સંબંધોથી સુગ છે.
વડા પ્રધાન ડેવિડ કેમરન સમક્ષ છાશવારે બ્રિટનના ઇયુ સાથેના જોડાણ અંગે પ્રશ્ન ઉઠતા હતા. છેવટે તેમણે આનો કાયમી ઉકેલ લાવવા જાહેર કર્યું કે ૨૦૧૬ કે ૨૦૧૭માં આ માટે જનમત લેવાશે. હા, આ સમગ્ર પ્રક્રિયામાં એક બાબત ઊડીને ખાસ આંખે વળગે છે - આમાં રાષ્ટ્રહિત કરતાં વ્યક્તિગત હિત કે પક્ષનું હિતનું વધુ વજન પડી રહ્યું છે.
ઇયુ સાથે ક્યા પ્રશ્નો સંદર્ભે ચર્ચા કરવામાં આવી છે, ગયા સપ્તાહે ક્યા પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું છે વગેરે મુદ્દે આ અંકમાં અન્યત્ર અહેવાલ રજૂ થયો છે, પરંતુ વાચક મિત્રો, આ એકીકરણ અઘરું તો છે જ તેમાં બેમત નથી. સ્વતંત્રતા પછીનું એકીકરણ હંમેશા તકલીફદાયક હોય છે - પછી તે દેશ હોય કે પરિવાર.
ધારો કે, એક પરિવારમાં બે સંતાન છે. માતા-પિતા તેમને ઉછેરે છે. ભણાવેગણાવે છે. બન્ને સંતાનો લગ્ન કરીને પોતપોતાની કારકીર્દિમાં સેટ થઇ જાય છે. માતા-પિતા અને બન્ને સંતાનો સુખરૂપ સ્વતંત્ર જીવન વીતાવી રહ્યા હોય. આ જ સમયે માતા-પિતા નક્કી કરે કે હવે ત્રણેય પરિવારોએ સાથે મળીને એક જ છત નીચે રહેવાનું છે. તમે જરા કલ્પના કરી જૂઓ - કેવી સ્થિતિ સર્જાય? સ્વતંત્ર જીવન જીવ્યા પછી સાથે મળીને રહેવાનું એક કુટુંબ માટે પણ કપરું થઇ પડતું હોય છે જ્યારે આ તો દેશની વાત છે. પાકા ઘડે કાંઠા ન ચઢે, તે ગુજરાતી ઉક્તિ અહીં એકદમ લાગુ પડે તેમ છે.
બ્રિટનના ઇયુ સાથેના જોડાણના મુદ્દે જે કમઠાણ ચાલી રહ્યું છે તે અંગે જેરેમી કોર્બિનનું કહેવું છે કે કેમરનને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે. ૨૩ જૂને તેઓ રેફરન્ડમ જીતે કે ન જીતે, તેમના માથે રહેલો કાંટાળો તાજ વધુ ત્રાસદાયક બનશે તે નિર્વિવાદ છે. ગજગ્રાહ કોઇ પણ મુદ્દે હોય, પરંતુ તેમાં વિજેતા થનારને તેની ઉજવણીનો સમય બહુ ઓછો મળતો હોય છે. જીત દરમિયાન જે સોદાબાજી થઇ હોય તેની કિંમત તો ચૂકવવી પડે ને? વળી, શિકસ્ત પામનાર પણ કંઇ કાયમ માટે તલવાર મ્યાન કરી દેતા નથી.
એક રીતે જોઇએ તો આગામી રેફરન્ડમ આ દેશનું ભાવિ નક્કી કરશે. ૨૮ દેશોનો સમૂહ એવા યુરોપિયન યુનિયનમાં વસ્તી અને અર્થતંત્રના કદની દૃષ્ટિએ જર્મની સૌથી મોટો દેશ છે, અને પછીના સ્થાને આવે છે બ્રિટન. બ્રિટિશ પ્રજાની પણ આગવી પ્રણાલી છે. સૂચિત રેફરન્ડમનું વેપાર-ઉદ્યોગ, આંતરરાષ્ટ્રીય સંબંધો વગેરેના સમીકરણમાં વિશેષ મહત્ત્વ છે.
બ્રિટનમાંથી અન્ય દેશોમાં જે માલસામાનની નિકાસ થાય છે તેમાંથી અડધોઅડધ જથ્થો યુરોપિયન યુનિયનના દેશોમાં જાય છે. મતલબ કે જો બ્રિટન ઇયુમાં ન હોય તો ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ જ પ્રકારે બ્રિટનમાં વિદેશી મૂડીરોકાણ પર કોઇ નિયંત્રણ નથી. કોઇ પરદેશી નાગરિક કે કંપની ઇચ્છે તેટલા નાણાં રોકાણ માટે બ્રિટનમાં લાવી શકે છે. અને - કાયદાને આધિન રહીને - પોતાની કમાણી પરત પણ લઇ જઇ શકે છે. આ ઓપન ડોર પોલિસીને તમે બ્રિટિશ અર્થતંત્રની આંતરિક તાકાત કહી શકો.
૧૯૭૯ પહેલાં દેશ કરન્સી કન્ટ્રોલની બેડીમાં જકડાયેલો હતો. હવે આવા કોઇ નિયંત્રણ નથી, જેના ઘણા બધા ફાયદા છે. બ્રિટન જો યુરોપિયન યુનિયનનું સભ્ય ન હોય તો આર્થિક કટોકટીના આ સમયમાં મૂડીરોકાણ ઓછું આવે. બેન્કીંગ ઉદ્યોગ પર પણ તેની વિપરિત અસર પડે. આ બધા ખૂબ અગત્યના પ્રશ્નો છે. આ મુદ્દે આગામી સપ્તાહોમાં આપણે સવિસ્તર ચર્ચા કરીશું, પરંતુ અત્યારે આપણે ઇતિહાસ પર તો નજર ફેરવી જ લઇએ.

બ્રિટન એટલે શું? યુનાઇટેડ કિંગ્ડમ એટલે શું?

યુકે એટલે ચાર રાષ્ટ્રો - ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડનો બનેલો સમૂહ. યુકેમાં વસ્તી તથા અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીએ તો ૮૦થી ૮૫ ટકા હિસ્સો ઇંગ્લેન્ડનો ગણાય. ઇંગ્લેન્ડ પર છેલ્લું વિદેશી આક્રમણ ૧૦૬૬ એ.ડી.માં થયું હતું. ફ્રાન્સના નોર્મન્ડી પ્રદેશનો હાકેમ વિલિયમ દરિયાઇ માર્ગે પહોંચ્યો હતો અને ઇસ્ટબોર્ન નજીક હેસ્ટીંગ્સમાં તેણે સેના ઉતારી હતી. આ લડાઇ ઇતિહાસમાં બેટલ ઓફ હેસ્ટીંગ્સ તરીકે જાણીતી છે. 

ક્રમે ક્રમે ઇંગ્લેન્ડ વધુ બળવત્તર બન્યું. ઔદ્યોગિક ક્રાંતિના પગલે તે વૈશ્વિક આર્થિક સામ્રાજ્ય બન્યું, પણ ૧૦૬૬ પછી કોઇ વિદેશી સત્તાએ બ્રિટન પર કબજો જમાવ્યો નથી તે હકીકત છે. જ્યારે ફ્રાન્સ, જર્મની, ઇટલી, સ્પેન કે પોલેન્ડ છેલ્લા ૫૦૦-૭૦૦ વર્ષમાં એક યા બીજા સમયે વિદેશી શાસન તળે રહી ચૂક્યા છે. આમ યુકેનો ઇતિહાસ ભવ્ય છે.
ઇતિહાસના એક બીજા પ્રકરણ પર પણ ઉપરછલ્લી નજર નાખી લઇએ. જર્મન સરખુત્યાર એડોલ્ફ હિટલર સાથેના ૧૯૩૯ના યુદ્ધ દરમિયાન શરૂઆતમાં યુકે એકલું હતું, પરંતુ સ્વાતંત્ર્ય માટેની ખુમારીમાં લેશમાત્ર ઓછપ વર્તાતી નહોતી. સામાન્ય બ્રિટિશ નાગરિકને સ્વાભિમાન માટે આત્મગૌરવ છે. યુરોપિયન કોમન માર્કેટ, યુરોપિયન યુનિયનનો ઉદ્ભવ વગેરે પણ રોમાંચક ઇતિહાસ ધરાવે છે, તે અંગે પણ આગામી અંકોમાં આપની સમક્ષ માહિતી રજૂ કરીશ.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે પણ કંઇક આવી રસપ્રદ બાબતો જોડાયેલી છે. ૫૬૬થી વધુ છૂટાછવાયા રજવાડાઓમાં વહેંચાયેલા પ્રદેશોમાંથી સરદાર વલ્લભભાઇ પટેલે કઇ રીતે અખંડ ભારતનું નિર્માણ કર્યું તેની માહિતી આવતા સપ્તાહોમાં આપની સમક્ષ રજૂ કરવાનું આયોજન છે.

યુરોપિયન યુનિયનમાં સમાવિષ્ટ દેશોની યાદી

૧. ઓસ્ટ્રિયા ૨. બેલ્જિયમ ૩. બલ્ગેરિયા ૪. ક્રોએશિયા ૫. સાયપ્રસ ૬. ચેક રિપબ્લિક ૭. ડેન્માર્ક ૮. એસ્ટોનિયા ૯. ફિનલેન્ડ ૧૦. ફ્રાન્સ ૧૧. જર્મની ૧૨. ગ્રીસ ૧૩. હંગેરી ૧૪. આયર્લેન્ડ ૧૫. ઈટલી ૧૬. લેટવિયા ૧૭. લિથુઆનિયા ૧૮. લક્ઝમબર્ગ ૧૯. માલ્ટા ૨૦. નેધરલેન્ડસ ૨૧. પોલેન્ડ ૨૨. પોર્ટુગલ ૨૩. રોમાનિયા ૨૪. સ્લોવેકિયા ૨૫. સ્લોવેનિયા ૨૬. સ્પેઈન ૨૭. સ્વિડન ૨૮. યુનાઈટેડ કિંગ્ડમ

•••

જમૈકામાં વર્ક ટુ વીન સિગ્મા કોન્ફરન્સ 

ગયા સપ્તાહે એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં હાજરી આપવા પાંચ દિવસ અને પાંચ રાત જમૈકા જઇ આવ્યો. કોન્ફરન્સમાં અનેક લોકોને હળવામળવાથી માંડીને ચર્ચા, પ્રવચનો સહિતના વિવિધ સત્રોમાં હાજરી આપીને નિષ્ણાતોના વિચારો, મંતવ્યો, અભિપ્રાયો જાણવા-માણવા-સમજવાનો લાભ લીધો. છેલ્લા ૫૦ વર્ષમાં દેશ કે વિદેશમાં આવી કેટલીય કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવાનો મને સોનેરી અવસર સાંપડ્યો છે. ભારતમાં ભાષા-રાજકારણ-અર્થકારણ કે દેશના જટિલ પ્રશ્નો સંબંધિત ચર્ચાસત્રોમાં હાજરી આપી છે. તો બ્રિટનમાં પણ અનેક વિષયો પરના સેમિનાર-કોન્ફરન્સમાં હાજર રહેવાનો લાભ લીધો છે. બ્રિટનમાં કંઇકેટલાય કાર્યક્રમ-સેમિનાર-સમારંભમાં હાજરી આપું છું એ તો આપ સહુ ગુજરાત સમાચારના માધ્યમથી જાણતા જ રહો છે. ભાષાનો પ્રશ્ન હોય કે ભારતીય સમુદાયનો પ્રશ્ન હોય, સ્વમાનનો પ્રશ્ન હોય કે સમાજનો પ્રશ્ન હોય, બંદા હાજર હોય જ. 

અમેરિકામાં એશિયન અમેરિકન હોટેલ્સ ઓનર્સ એસોસિએશન (AAHOA) દ્વારા યોજાતી પાંચેક કોન્ફરન્સમાં પણ હાજરી પુરાવી ચૂક્યો છું. આમ તો AAHOAના નામથી ભાગ્યે જ કોઇ અપરિચિત હશે, પરંતુ જે લોકો નથી જાણતા તેમના લાભાર્થે જણાવી દઉં કે આ સંગઠન તેના નામ પ્રમાણે જ હોટેલ માલિકોનું વિશાળ સંગઠન છે. અમેરિકાના અર્થકારણથી માંડીને રાજકારણમાં વગદાર સ્થાન ધરાવતા આ સંગઠનમાં બહુમતી ભારતીયો છે, અને તેમાં પણ ગુજરાતીઓની સંખ્યા સવિશેષ છે.
આ ઉપરાંત ચરોતર પટેલ કન્વેન્શનમાં હાજરી આપી છે તો દક્ષિણ ગુજરાતના બારડોલી, નવસારી વગેરે પ્રદેશના પટેલ સમાજના લોકો દ્વારા એક યા બીજા સમયે યોજાતી વાર્ષિક કોન્ફરન્સમાં પણ હાજરી પૂરાવી ચૂક્યો છું. કોન્ફરન્સ કોઇ સમાજની હોય કે કંપનીની હોય, તેનું આગવું મહત્ત્વ હોય છે. તેમાં ઘણું જાણવા, સમજવાનું, શીખવાનું મળતું હોય છે.
આગામી અંકોમાં બ્રિટનના ફાર્મસી ક્ષેત્રે સક્રિય ભારતીય પરિવારોના યોગદાનની, સિદ્ધિઓની અને સમસ્યાની પણ વાત કરશું, પરંતુ એક-બે વાત આજે રજૂ કરવી આવશ્યક સમજું છું. બ્રિટિશ સમાજમાં આજે ભારતવંશી સમાજનું જે સન્માન છે તેના પાયાના પરિબળો ક્યા? કાયદા-આધીન શાંતિપ્રિય પ્રજા, હેતુલક્ષી અને વિકાસલક્ષી વિચાર અને વલણ, ઉચ્ચ શિક્ષણ, વસ્તીના પ્રમાણમાં મૂલવો તો જોબ કે વ્યવસાયનો ઊંચો સફળતા દર, પોતીકા મૂલ્યો અને પરંપરાનું જતન, કુટુંબવત્સલ... આવા એક નહીં અનેક પરિબળોનો સરવાળો એટલે બ્રિટિશ ભારતીય સમાજનો પ્રભાવ.
આમ તો ભારતીયો બ્રિટનના સમાજમાં અનેક સ્તરે કાર્યરત છે, પરંતુ કદાચ આપને ફાર્મસી ઉદ્યોગમાં તેના વિશેષ પ્રદાન અંગે જાણવામાં વધુ રસ પડશે. દેશમાં ૩૫ હજાર ફાર્મસીસ્ટ કાર્યરત છે, જેમાંથી અંદાજે ૮૦૦૦ આપણા ભાઇ-બહેન હશે. ફાર્મસીસ્ટ તરીકે કામ કરનાર ભાઇ કે બહેને આ ક્ષેત્રે ચારેક વર્ષનો અભ્યાસ કર્યો હોય છે, જેથી દર્દીને દવા આપવામાં ઓડનું ચોડ ન થઇ જાય. કોઇ આ અભ્યાસ કરીને જોબ સ્વીકારે તો વેપારધંધાની મનોવૃતિ ધરાવતી અને પ્રગતિ માટે પરિશ્રમ કરવા તૈયારી ધરાવતી વ્યક્તિ પોતાનો સ્ટોર સ્થાપે.
નેશનલ હેલ્થ સર્વીસ (NHS)નો અભ્યાસ કહે છે કે બ્રિટનમાં સરેરાશ નાગરિક અગા વર્ષમાં બે વખત જીપીની મુલાકાતે જતો હતો. હવે તે પ્રમાણે ત્રણ ઘણું (છ) થયું છે. મારા જેવો ‘કાયમી મિત્ર’ ધરાવતી વ્યક્તિ વર્ષમાં ચારેક વખત જીપી પાસે જાય. અને કોઇ વળી એવું પણ હોય જે વર્ષમાં એક પણ વખત જીપી પાસે ન જાય. સરવાળે નાગરિક દીઠ જીપીની છ મુલાકાતનો રેશિયો આવી જાય.
આ આંકડાઓ સાથે બીજો આંકડો પણ અગત્યનો છે. શહેરી વિસ્તારમાંથી અડધોઅડધ લોકો એક યા બીજા કારણે ફાર્મસીસ્ટ પાસે અચૂક જતા હોય છે. પ્રિસ્ક્રિપ્શન લેવા કે ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ લેવા માટે. બ્રિટનનો નાગરિક સરેરાશ મહિનામાં ૬થી ૮ વખત ફાર્મસીસ્ટની મુલાકાત લે છે. આ વ્યવસાયમાં આપણા ભાઇ-બહેનોએ કાઠું કાઢ્યું છે, નામના મેળવી છે. આ વિષયે સરકારે સુધારાના નામે કુ-ધારા દાખલ કરવા પ્રયાસ કર્યો છે. આ અંગે જમૈકાની કોન્ફરન્સમાં જાણવા, સમજવા મળ્યું.
ગુજરાત સમાચારના વાચકોને આ વ્યવસાયની સુખાકારીમાં રસ હોવો જોઇએ તેવું હું માનું છું. સિગ્મા નામની આ ફાર્માસ્યુટિકલ કંપની કઇ રીતે ઉભી થઇ તેની તવારીખ આગામી દિવસોમાં જોઇશું, પણ અત્યારે એટલું તો અવશ્ય કહીશ કે કંપનીના સ્થાપક મોવડી ભરતભાઇ શાહે તેમના જમણા હાથ સમાન નાના ભાઇ મનિષભાઇ અને કમલભાઈએ સાથે મળીને ધીકતો વ્યવસાય જમાવ્યો છે. દેશ-વિદેશમાં સતત આઠમા વર્ષે તેમણે આ કોન્ફરન્સ યોજી છે એટલું જણાવી દઉં. વધુ વિગતવાર અહેવાલ હવે પછી... (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter